વીક્ષા અને નિરીક્ષા/ભૌતિકશાસ્ત્ર અને કલામીમાંસા વચ્ચેનો ભેદ ન સમજાવાથી થતી ભૂલોઃ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૪
ભૌતિકશાસ્ત્ર અને કલામીમાંસા વચ્ચેનો ભેદ ન સમજાવાથી થતી ભૂલો

કલામાં સાહચર્યવાદની ટીકા

સૌંદર્યનો અનુભવ એ સંપૂર્ણપણે એકતાનો અનુભવ હોય છે. તેમાં દ્વૈતને સ્થાન નથી. તેમ છતાં કેટલાક લોકો એમ માને છે કે કલામાં આંતર પ્રતિમા અને બાહ્ય પ્રતિમા એમ બે ભિન્ન ભિન્ન પ્રતિમાઓ વચ્ચે સાહચર્ય સ્થપાયેલું હોય છે. તેમને મતે કલાનુભવમાં બે ભિન્ન ભિન્ન પ્રતિમાઓ એક પછી એક ચિત્ત સમક્ષ આવે છે અને તેમાંથી એક બીજીને પોતાની સાથે ખેંચી લાવે છે. એ લોકો ચિત્રને બે ભાગમાં વહેંચી નાખે છે: ૧. ચિત્રની પ્રતિમા અને ૨. તેના અર્થની પ્રતિમા. કવિતાને શબ્દની પ્રતિમા અને અર્થની પ્રતિમામાં વહેંચી નાખે છે. ક્રોચેને મતે આ બધું ખોટું છે. ભૌતિક કલાકૃતિ પ્રતિમા તરીકે ચૈતન્યના પ્રદેશમાં દાખલ થઈ જ ન શકે. તે તો એક ઉદ્દીપક છે. તેને જોઈને પહેલાં થયેલી અભિવ્યક્તિ અથવા પ્રતિમા પુનર્જીવિત થાય છે, અને એ મૂળ પ્રતિમા, બેશક, આત્મિક હોય છે. ક્રોચે વધુમાં કહે છે કે સાહચર્ય સંબંધને કલામાં સ્થાન આપશો તો પછી ફરી એકતા સ્થાપવી અશક્ય થઈ પડશે. એટલે કાં તો સાહચર્ય સ્વીકારો, કાં તો એકતા સ્વીકારો, એ સિવાય ત્રીજો રસ્તો નથી.

પ્રાકૃતિક સૌંદર્યને લગતી ગેરસમજ

પ્રાકૃતિક સૌંદર્યના સ્વરૂપનું સ્પષ્ટ જ્ઞાન ન હોવાથી કેટલીક ગેરસમજ પેદા થયેલી છે. કુદરતમાં કોઈ વસ્તુ પોતે સુંદર નથી હોતી, તે પહેલાં થયેલી અભિવ્યક્તિની માત્ર ઉદ્દીપક હોય છે, એ ખ્યાલમાં ન રહેવાથી કેટલાક પ્રાકૃતિક પદાર્થોનું સૌંદર્યની દૃષ્ટિએ વર્ગીકરણ કરે છે. જેમ કે, ગુલાબનું ફૂલ સુંદર અને આંકડાનું સુંદર નહિ, વગેરે. આમાં બેવડી ભૂલ રહેલી છે. કોઈ કલાકૃતિનું નવલકથા તરીકે મૂલ્યાંકન કરવું એ જેમ ખોટું છે, તેમ કોઈ પ્રાકૃતિક પદાર્થનું ગુલાબના ફૂલ તરીકે મૂલ્યાંકન કરવું એ પણ ખોટું છે. ગુલાબનું ફૂલ સુંદર છે કે કેમ એનો વિચાર કરતી વખતે એ ગુલાબનું ફૂલ છે એ વાત ભૂલી જવી જોઈએ. બીજી ભૂલ એ કે કોઈ કુદરતી પદાર્થ, જેને માનવ ચૈતન્યે નિર્મ્યો નથી, અથવા જે માનવ ચૈતન્યના સંસ્પર્શમાં આવ્યો નથી તે સુંદર પણ હોતો નથી, અસુંદર પણ હોતો નથી.

માનવદેહનું સૌંદર્ય

કેટલાક લોકો માનવદેહનું સૌંદર્ય શામાં છે, એ નક્કી કરવાનો પ્રયત્ન કરે છે. એ લોકોને પહેલાં તો એ પૂછવું જોઈએ કે તમે સ્ત્રીદેહનો વિચાર કરો છો કે પુરુષદેહનો? પછી ગોરા, કાળા, પીળા, કયા વંશના પુરુષનો? ગોરાનો, તો ગોરી પ્રજાઓની કઈ પેટા જાતિના પુરુષનો? કઈ ઉંમરના પુરુષનો? તે કામ કરતો હોય ત્યારનો કે આરામ કરતો હોય ત્યારનો ? આમ કરતાં કરતાં એ આખરે કહેશે કે આ જે સામે ઊભો છે એ પુરુષના સૌંદર્યનો. પણ તેટલાથી સવાલ ઉકલતો નથી. માણસનો દેહ તો કુદરતી વસ્તુ છે. એ નથી સુંદર કે નથી કુરૂપ. એના સૌંદર્યનો આધાર જોનારની મનઃસ્થિતિ ઉપર છે. કોઈને એ અર્થસભર અને સુંદર લાગે તો કોઈને અર્થશૂન્ય અને કુરૂપ લાગે.

ભૌમિતિક આકૃતિઓનું સૌંદર્ય

એવું જ ભૂમિતિની આકૃતિઓના સૌંદર્યનું પણ છે. ત્રિકોણ વગેરે તો ખાલી વિભાવના છે. તેને ન હોય સૌંદર્ય કે ન હોય કુરૂપતા. જો ભૂમિતિમાં વર્ણવેલી આકૃતિવાળા પદાર્થો એવો અર્થ કરો તો કહેવું જોઈએ કે જ્યાં સુધી એને માનવી ચૈતન્યનો સંસ્પર્શ નથી થયો ત્યાં સુધી એના સૌંદર્યનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એ શાની અભિવ્યક્તિ કરે છે તેના ઉપર બધો આધાર રહે છે. પ્રાકૃતિક પદાર્થો અને ભૌમિતિક આકૃતિ પોતે સુંદર છે કે નથી એ પ્રશ્ન સૌંદર્યમીમાંસામાં આવતો નથી. રોચક, આહ્લાદકતા અથવા સુખદત્વ ઉપર જે સૌંદર્યવિચાર આધારિત હોય તેની દૃષ્ટિએ એ પ્રશ્ન મહત્ત્વનો ખરો, પણ કઈ વસ્તુ સુખદ કે રોચક એ વિશે નિયમો કરવા શક્ય નથી.

પ્રકૃતિના અનુકરણની બીજી બાજુ

કેટલીક વાર કલાકાર `મૉડેલ’ વાપરે છે, તે ઉપરથી લોકોનો એવો ખ્યાલ બંધાય છે કે કલાકાર કુદરતનું અનુકરણ કરે છે. પણ એ સાચું નથી. ખરું જોતાં, કુદરત કલાકારનું અનુકરણ કરે છે અને તેની આજ્ઞાનું પાલન કરે છે. કેટલીક વાર અનુકરણને બદલે આદર્શીકરણ શબ્દ વાપરવામાં આવે છે, પણ તે પણ વસ્તુસ્થિતિથી વિરુદ્ધ છે. ખરું જોતાં, બાહ્ય કુદરતી પદાર્થમાંથી કલાકારને જે સંવેદન મળે છે તેની પાર જઈ તે આંતરિક અભિવ્યક્તિ સાધે છે. એ જ તેનો આદર્શ છે. એ અભિવ્યક્તિ સધાયા પછી તેના પુનરનુભવ માટે કામમાં આવે એવું સાધન બનાવવા તે પ્રાકૃતિક સૃષ્ટિ તરફ વળે છે.

સૌંદર્યના ઘટકો

આંતરિક અભિવ્યક્તિ અને ભૌતિક કલાકૃતિ વચ્ચે એકતા માનવાને કારણે લોકો સૌંદર્યના ઘટકો શોધવાનો પ્રયત્ન કરે છે, અને તેના ભાગ પાડે છે. અભિવ્યક્તિ એક અને અખંડ હોય છે. તેના ભાગ પડી શકતા નથી. ભૌતિક કૃતિના ભાગ પડી શકે છે. પણ તેનો કોઈ શાસ્ત્રીય પાયો નથી. એ ભાગો કોઈ કલાકૃતિના નહિ પણ ભૌતિક પદાર્થના છે અને તેના સૂક્ષ્મ ભાગો પાડવા શરૂ કરો એટલે ઠેઠ અણુ પરમાણુ સુધી પહોંચો. કલાકૃતિને અમુક કદ હોવું જોઈએ એમ માનનારા લોકો કહે છે કે તે એવી મોટી ન હોવી જોઈએ જેથી તેનું આકલન જ ન થઈ શકે અને એવી નાની ન હોવી જોઈએ જેથી નજરમાં જ ન આવે. જો વસ્તુનું આકલન જ ન થઈ શકે અથવા તે નજરમાં જ ન આવે તો તેનું પ્રતિભાન જ ન સધાય, કારણ, તેનું સંવેદન જ ન થાય. એટલે એ લોકોના કહેવાનો અર્થ એટલો જ લાગે છે કે કલાકૃતિ ભૌતિક પદાર્થ હોવો જોઈએ જેથી તે અનુભવગમ્ય બને, બની શકે, કેવળ વિભાવનારૂપ ન હોવી જોઈએ.

સૌંદર્યના ભૌતિક નિયમોની શોધ

સૌંદર્યના ભૌતિક ઘટકો કયા અને તે કયા પ્રમાણમાં હાજર હોય તો સૌંદર્ય સિદ્ધ થાય એના નિયમો શોધવાનો પણ કેટલાંકે પ્રયત્ન કર્યો છે. એમને મતે વિજ્ઞાનમાં જેમ વસ્તુના પ્રત્યક્ષ પરિચયમાંથી નિયમ તારવવામાં આવે છે તેમ સૌંદર્યશાસ્ત્રમાં પણ સુંદર વસ્તુઓમાંથી સૌંદર્યના નિયમો તારવવા જોઈએ. એમ કરીને એમણે સુંદર વસ્તુઓ ભેગી કરવા માંડી. પણ કઈ વસ્તુ સુંદર છે એ નક્કી થયા પહેલાં સંગ્રહ શી રીતે થાય? કારણ, એક જ વસ્તુ અમુક સંજોગોમાં સુંદર લાગે અને બીજા સંજોગોમાં કુરૂપ લાગે. આમ, એમને સૌંદર્યનો કોઈ પણ નિયમ હાથ લાગ્યો નથી. કલાકારો પાસે કેટલાક વ્યવહારુ નિયમો હોય છે. જેમ કે ‘ગોલ્ડન સેકશન’નો. એમાં એક રેખાના એવી રીતે ભાગ પાડવામાં આવે છે, જેથી નાના ટુકડાનો મોટા ટુકડા સાથેનો સંબંધ મોટા ટુકડાના આખી રેખા સાથેના સંબંધ જેવો જ હોય છે. એવો જ સર્પાકાર રેખા સુંદર હોય છે એવો પણ એક મત છે. પણ આવા નુસખાઓથી કોઈ કલાકાર સફળ થયો જાણ્યો નથી. આ બધાની ક્રોચેએ મશ્કરી ઉડાવી છે.