વીક્ષા અને નિરીક્ષા/સાહિત્ય અને કલાનો ઇતિહાસ કેમ લખાયઃ

Revision as of 03:18, 3 June 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૭-૧૮. સાહિત્ય અને કલાનો ઇતિહાસ કેમ લખાયઃ

સત્તરમા પ્રકરણમાં ક્રોચે સાહિત્યનો અને કલાનો ઇતિહાસ કેવી રીતે લખાવો જોઈએ તેની ચર્ચા કરે છે. ઇતિહાસ લખવા માટે પ્રગતિની વિભાવના સ્વીકારવી જ પડે. પ્રગતિ એટલે કોઈ એક નિશ્ચિત સ્થાન પ્રત્યે ગતિ. માનવજાત એ રીતે કોઈ પૂર્વનિશ્ચિત ધ્યેય પ્રત્યે આગળ વધી રહી છે એવું ન કહેવાય પણ તે પોતાના માર્ગમાં આવતી મુશ્કેલીઓ ઉપર નવા નવા વિજય મેળવતી રહે છે, એ રીતે અહીં પ્રગતિને ઘટાવી શકાય. કલાના ક્ષેત્રમાં પણ માનવજાત એવા કોઈ એક નિશ્ચિત ધ્યેય તરફ આગળ વધે છે એમ ન કહેવાય. પણ કલાના ઇતિહાસમાં જુદાં જુદાં આવર્તનો આવે છે. એક આવર્તનમાં કલાકારો એકસરખા વસ્તુને આકારિત કરવાનો પ્રયત્ન કરતા હોય છે અને તેમાં ઉત્તરોત્તર વિજય મેળવતા રહે છે. એક વાર એમાં પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી આગળ જવાનું રહેતું નથી. પછી નવું વસ્તુ કે નવી રીતિનું આવર્તન શરૂ થાય છે. બે અલગ આવર્તનોના કલાકારો અને કલાકૃતિઓની તુલના ન થઈ શકે. ખરું જોતાં, પ્રત્યેક કૃતિ એ એક એક સ્વતંત્ર વિશ્વ હોય છે. અઢારમા પ્રકરણમાં ક્રોચે કહે છે કે સૌંદર્યશાસ્ત્ર અને ભાષાશાસ્ત્ર બંને અભિવ્યક્તિનાં શાસ્ત્રો છે અને તેથી બંને શાસ્ત્રોનાં તારણો મળતાં આવે છે. એ બે, ખરું જોતાં, જુદાં શાસ્ત્રો જ નથી તેથી ક્રોચેએ પોતાના ગ્રંથનું નામ ‘ઇસ્થેટિક ઍઝ એ સાયન્સ ઑવ એક્સ્પ્રેશન ઍન્ડ જનરલ લિંગ્વિસ્ટિક્સ’ (‘સૌંદર્યમીમાંસા: અભિવ્યક્તિના અને સામાન્ય ભાષાવિદ્યાના શાસ્ત્ર તરીકે’) એવું રાખેલું છે.

*

પરિશિષ્ટ

ક્રોચેના મતની ચિકિત્સા

શ્રી પાટણકર :

૧. ક્રોચે આકારિત સંવેદનને પ્રતિભાન કહે છે. પણ બધાં જ સંવેદન ભાવરૂપ હોતાં નથી. ભાવરૂપ સંવેદનની અભિવ્યક્તિ તે કલા, એ સૌ સ્વીકારશે, પણ સંવેદન-માત્રની અભિવ્યક્તિ તે કલા, એ સ્વીકારવું મુશ્કેલ છે. ૨. કોઈ વસ્તુ ભાવની અભિવ્યક્તિ હોય એટલામાત્રથી તે કલાકૃતિ બની જતી નથી. તેમાં બીજી અનેક વસ્તુઓની અપેક્ષા રહે છે. જેમ કે, એમાં ઊંડાણ છે, તીવ્રતા છે, ચિંતનની ભૂમિકા છે, નવીનતા છે, જે પરિસ્થિતિમાં એ નિર્માઈ છે તેને એ અનુરૂપ છે, વગેરે. એ જ રીતે ભાવની અભિવ્યક્તિનો વિચાર કરતી વખતે આપણે શબ્દયોજના, છંદ, રીતિ વગેરેને લગતી પણ કેટલીક અપેક્ષાઓ રાખીએ છીએ અને એમ માનીએ છીએ કે એક ભાવની અનેક અભિવ્યક્તિ હોઈ શકે, તેમાંની વિશિષ્ટ અભિવ્યક્તિને જ કલા કહેવાય. જે વસ્તુ કશાની અભિવ્યક્તિ ન હોય તે પણ તેની રચના વિશિષ્ટ પ્રકારની હોવાને કારણે સુંદર કલાકૃતિ ગણાય છે. જેમ કે – રંગોળી, કપડા ઉપરની ભાત, ફૂલની ગોઠવણી, વગેરે. ૩. કલાકાર વસ્તુની પસંદગી કરી શકતો નથી કારણ, આકાર પામ્યા પહેલાં વસ્તુનું જ્ઞાન થતું નથી. આ વાત સર્વત્ર સ્વીકાર્ય થાય એવી નથી. રામાયણ કે ‘પૅરડાઈઝ લૉસ્ટ’ લખવા પહેલાં કવિને તેના વસ્તુની કલ્પના નહોતી એ માની શકાય એવું નથી. બહુ તો એટલું કહી શકાય કે બધી વિગતો સ્પષ્ટ નથી હોતી. ૪. પ્રતિભાનમાં વસ્તુનું વૈશિષ્ટ્ય જ મુખ્ય હોય છે અને તેના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. એ દૃષ્ટિએ પ્રત્યેક પ્રતિભાન એટલે કલાકૃતિ અનન્યસાધારણ હોય છે. તેથી કલાકૃતિઓનું વર્ગીકરણ ન સંભવે. અને વર્ગોને આધારે કરેલા નિયમો પણ નકામા છે. પણ એવા વર્ગીકરણથી વિવેચનમાં સગવડ થાય છે એટલું સ્વીકારવું જોઈએ. ૫. કલાકૃતિમાં જાતિ કે વર્ગનું નહિ પણ વ્યક્તિનું નિરૂપણ હોય છે. પણ જે કાલ્પનિક નવલકથા સમાજનું નિરૂપણ કરતી હોય તેમાંના પાત્રો અને ઘટના વાસ્તવિક જગતમાં જોવામાં આવતાં પાત્રો અને ઘટનાને મળતાં આવવાં જોઈએ અને એ અર્થમાં તેઓ પ્રતિનિધિરૂપ હોવાં જોઈએ. માનવ સ્વભાવના એકાદ પ્રકારના નિદર્શક હોવાં જોઈએ. ધીરોદાત્ત, ધીરલલિત વગેરે. ૬. જે કથા કેવળ કાલ્પનિક હોય અને જેમાં વાસ્તવ જગતનો ઉલ્લેખ સુધ્ધાં ન હોય તે કથા પણ જ્ઞાન આપે છે એમ ક્રોચે કહે છે – ઍલિસ ઇન ધ વંડરલૅન્ડ– આ ઘણાને માન્ય નહિ થાય. બીજું, પ્રતિભાન વિશિષ્ટ પદાર્થો વિશે માર્મિક દૃષ્ટિ આપે છે એમ માનીએ તોયે જ્યાં જ્યાં પ્રતિભાન ત્યાં ત્યાં માર્મિક દૃષ્ટિ એ સ્વીકારી શકાય એવું નથી. જેમ કે ભીંત ઉપરના ડાઘનું પ્રતિભાન. ૭. બાહ્ય ભૌતિક કૃતિ તે કલાકૃતિ નથી, એ સ્વીકારવું મુશ્કેલ છે. સામાન્ય માણસ અને કલાકાર વચ્ચે ફેર જ એ છે કે સામાન્ય માણસ ચીતરી ઘડી શકતો નથી અને કલાકાર ચીતરી ઘડી શકે છે. એક સાહિત્યનું ક્ષેત્ર એવું છે, જેમાં આંતર અને બાહ્ય કૃતિ વચ્ચે ભેદ નથી – અથવા જેમાં કલાકૃતિ ખરેખર આંતરિક જ હોય છે. કારણ, સાહિત્યનો પ્રધાન ઘટક અર્થ એ મનોગ્રાહ્ય જ છે. જ્યારે ચિત્ર, મૂર્તિ, વગેરેનું એવું નથી. જો ક્રોચેની વાત સ્વીકારીએ તો ભાવકને કદી ખાતરી જ ન થાય કે પોતે મૂળ કલાકૃતિને પહોંચી શક્યો છે.

વિલ ડ્યુરાં:

Is man an artist as soon as he forms images? Does the essence of art lie only in the conception and not in the externalization? Have we never have thoughts and feelings more beautiful than our speech? How do we know what the inward image was, in the artist’s mind, or whether the work that we admire realizes or misses his ideal? `The Story of Philosophy’, p. 475

પરિચય

બેનેદેત્તો ક્રોચે (૧૮૬૬-૧૯૫૨)નો જન્મ ઈટલીના આકવિલા પ્રાંતના એક નાના શહેરમાં ધનાઢ્ય કૅથલિક કુટુંબમાં થયો હતો. એમનાં માતાપિતા રૂઢિચુસ્ત હતાં અને પોતાનો એકનો એક પુત્ર પાકો કૅથલિક થાય એ દૃષ્ટિએ તેમણે તેને કાળજીપૂર્વક ધાર્મિક શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો હતો, પણ પરિણામ ઊલટું જ આવ્યું; પુત્ર નાસ્તિક નીવડ્યો. ૧૮૮૩માં ધરતીકંપમાં એમનાં માતાપિતા અને એકની એક બહેન અવસાન પામ્યાં અને પોતે પણ કલાકો સુધી કાટમાળ નીચે દટાયેલા રહ્યા અને ભાંગેલાં હાડકાં લઈને જેમ તેમ બહાર આવ્યા. એ પછી એમણે દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરવા માંડ્યો અને પોતાને મળેલા વારસામાંથી આખા ઈટલીમાં સમૃદ્ધમાં સમૃદ્ધ ગણાય એવું પુસ્તકાલય વસાવ્યું. ૧૯૦૩માં એમણે ‘લા ક્રિતિકા’ નામની પત્રિકા વિચાર અને સાહિત્યવિવેચન માટે શરૂ કરી. ૧૯૧૦માં એઓ ‘સેનેટર’ નિમાયા અને દેશના નિયમાનુસાર જીવનભર એ પદ ભોગવતા રહ્યા. ૧૯૧૪માં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે એમણે તેને આત્મઘાતક ગાંડપણ તરીકે વખોડી કાઢયું અને ઈટલી મિત્રરાજ્યોમાં ભળ્યું તેમ છતાં પોતે અલગ રહ્યા અને ઇંગ્લૅન્ડના બર્ટ્રાન્ડ રસેલ અને ફ્રાંસના રોમેં રોલાંની જેમ લોકોમાં ખૂબ અપ્રિય થઈ પડ્યા. ૧૯૨૦માં એઓ શિક્ષણમંત્રી થયા. મુસોલિની સત્તા ઉપર આવતાં એઓ રાજકારણમાંથી ખસી ગયા, પણ બીજા વિશ્વયુદ્ધ પછી ફરી દાખલ થયા. સદ્ભાગ્યે રાજકારણે એમની તત્ત્વજિજ્ઞાસાને મંદ પાડી નહોતી. વીસમી સદીની પહેલી પચીસીમાં સૌંદર્યમીમાંસાના ક્ષેત્રમાં એમનું નામ મોખરે હતું. મૂળે દાર્શનિક હોવા છતાં સૌંદર્યમીમાંસામાં એમનું પ્રદાન મહત્ત્વનું ગણાયું અને અભિવ્યક્તિવાદના પ્રણેતા તરીકે એમનો પ્રભાવ યુરોપ, અમેરિકા અને આપણા દેશમાં પણ સારી પેઠે પડ્યો. એમનાં કેટલાંક મહત્ત્વનાં પુસ્તકો : ‘ઇસ્થેટિક ઍઝ ધ સાયન્સ ઑવ એક્સપ્રેશન ઍન્ડ જનરલ લિંગ્વિસ્ટિક્સ’, ‘લૉજિક ઍઝ ધ સાયન્સ ઑવ પ્યૉર કૉન્સેપ્ટ’, ‘ફિલૉસૉફી ઑવ ધ પ્રેક્ટિકલ’, ‘હિસ્ટરી, ઇટ્સ થિયરી ઍન્ડ પ્રેક્ટિસ’, ‘ડિફેન્સ ઑવ પોયેટ્રી’, ‘હિસ્ટરી ઍઝ ધ સ્ટોરી ઑવ લિબર્ટી’, ‘હિસ્ટરી ઑવ યુરપ ઇન ધ ૧૯મી સેન્ચુરી’.

*

આ લેખ વિશે

ક્રોચેના અભિવ્યક્તિવાદ વિશે એક લેખ લખવાનું મને આમંત્રણ મળ્યું હતું. તેની તૈયારીરૂપે હું ક્રોચેનો મૂળ ગ્રંથ ‘ઇસ્થેટિક’, ‘એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ (૧૪મી આવૃત્તિ) માંનો ક્રોચેનો જ લખેલો ‘ઇસ્થેટિક’ ઉપરનો લેખ, બંગાળીમાં રવીન્દ્ર ભારતી વિશ્વવિદ્યાલયના અધ્યાપક શ્રી સાધનકુમાર ભટ્ટાચાર્યે તૈયાર કરેલો ક્રોચેનો ‘ઇસ્થેટિક’નો તથા ‘એસન્સ ઑવ ઇસ્થેટિક’નો કંઈક ટૂંકાવેલો અનુવાદ, તેમ જ મરાઠીમાં અધ્યાપક પાટણકરે કરેલું ‘ઇસ્થેટિક’નું ઉત્તમ ભાષ્ય ‘ક્રોચેચે સૌન્દર્યશાસ્ત્ર’, તથા તેમના અંગ્રેજી ગ્રંથ `ઇસ્થેટિક્સ ઍન્ડ લિટરરી ક્રિટિસિઝમ’માંના ક્રોચેને લગતા બે લેખો તથા તેમના અકાદેમી પુરસ્કાર મેળવનાર મહાગ્રંથ ‘સૌંદર્યમીમાંસા’માંનો ક્રોચેને લગતો ભાગ વાંચી ગયો. ઉપરાંત, ‘એનસાઇક્લોપડિયા ઑવ પોયેટ્રી ઍન્ડ પોયેટિક્સ’માંનો ‘એક્સ્પ્રેશનિઝમ’ ઉપરનો લેખ પણ જોઈ ગયો. ક્રોચેના ઇસ્થેટિક ઉપરના ડૉ. સુરેન્દ્રનાથ દાસગુપ્તના લેખનો તો મેં વર્ષો પહેલાં અનુવાદ કર્યો હતો એટલે તેના સંસ્કારો તો હતા જ. ક્રોચેનો વિચાર સમજવામાં અને રજૂ કરવામાં મને સૌથી વધારે મદદ અધ્યાપક પાટણકરના ગ્રંથ ‘ક્રોચેચે સૌંદર્યશાસ્ત્ર’ની મળી છે. એમાં એમણે મૂળનાં આશરે સો પાનાંને મરાઠી લગભગ ત્રણસો પાનાંમાં વિસ્તારીને સમજાવ્યાં છે અને ઠેકઠેકાણે મુશ્કેલીઓ પણ બતાવી છે. આ બધા વિદ્વાનોનો હું અત્યંત ઋણી છું. આ બધું વાંચ્યા પછી લખવા બેઠો પણ વિષય ઊંડળમાં આવે નહિ, ઘાટ બંધાય નહિ. છેવટે મારી સમજ વિશદ કરવા અને વિષયનો નકશો તૈયાર કરવા હું મૂળ ગ્રંથનો સાર લખી ગયો અને બે વ્યાખ્યાનોરૂપે તે લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં ચાલતા સાહિત્ય, ભાષા, તત્ત્વજ્ઞાન આદિવિષયક ચર્ચાવર્તુળ ‘સંગોષ્ઠી’ સમક્ષ રજૂ પણ કર્યો. છતાં મારે લખવાનો હતો તેવો નાનો લેખ હું ન જ લખી શક્યો અને મુક્તિ માગવી પડી. એ સાર, અભ્યાસીઓને ઉપયોગી થશે એમ ‘પરબ’ના તંત્રીશ્રીને લાગતાં થોડા ઉમેરા સાથે, અહીં રજૂ કર્યો છે. મૂળે એ મારા પોતાના ઉપયોગ માટે વિચારતંતુને લક્ષમાં રાખીને તૈયાર કરેલો હોઈ, સ્વાભાવિક રીતે જ, એમાં બધાં દૃષ્ટાંતો, વીગતો, કે ઝીણી ચર્ચાઓને સ્થાન મળ્યું નથી. તેમ છતાં હું જોઉં છું કે લગભગ બધા જ મહત્ત્વના મુદ્દા એમાં આવી જાય છે. છાપતી વખતે મૂળ ગ્રંથનો સાર અને બીજા ઉમેરા કે ટિપ્પણો અલગ પાડ્યાં છે. બે શબ્દો પરિભાષા વિશે. હું બંગાળી કે મરાઠી કોઈ એક લેખકની પરિભાષાને અનુસર્યો નથી. જ્યાંથી જે શબ્દ સારો લાગ્યો તે લીધો છે અને બાકીના મેં યોજી લીધા છે. સામાન્ય રીતે મૂળ અંગ્રેજી શબ્દ કૌંસમાં આપ્યો છે. આમાં રહી ગયેલા દોષો પ્રત્યે સુજ્ઞ વાચકો ધ્યાન દોરશે તો હું આભારી થઈશ.

૨-૬-૭૬