વીક્ષા અને નિરીક્ષા/`અભિનવનો રસવિચાર’ વિશે

Revision as of 02:52, 4 June 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અભિનવનો રસવિચાર’ વિશે

પ્રશ્ન : નગીનદાસભાઈ, આપના પુસ્તક ‘અભિનવનો રસવિચાર’ને સાહિત્ય અકાદમીએ એવૉર્ડ આપી પુરસ્કૃત કર્યું. એટલે એ સંદર્ભમાં કેટલાક પ્રશ્નો પૂછવાનું મન થાય છે. પહેલો પ્રશ્ન એ કે આપને એ પુસ્તક લખવાનું શાથી સૂઝ્યું અને એ કેવી રીતે લખાયું એ વિશે કંઈક કહેશો? — મને આ પુસ્તક લખવાનું શાથી સૂઝ્યું એમ જો તમે પૂછો તો મારે કહેવું જોઈએ કે હું મુખ્યતયા શિક્ષક છું અને માટે જ સદાયનો વિદ્યાર્થી છું. અધ્યાપન માટે સ્વાધ્યાય કરવો જ પડે. એટલે આ મારું પુસ્તક સ્વાધ્યાય અને અધ્યાપનના ફળરૂપે લખાયું છે. જો મારે આ વિષયો શીખવવાના આવ્યા ન હોત તો કદાચ મેં આ લેખો લખ્યા ન હોત. ગુજરાત યુનિવર્સિટીએ, એમ.એ.નો કાવ્યશાસ્ત્રનો અભ્યાસક્રમ નવેસર રચ્યો અને તેમાંનો ભારતીય કાવ્યશાસ્ત્રને લગતો ભાગ મારે ભણાવવાનો આવ્યો, તેમાંથી આ પુસ્તકનો મોટો ભાગ લખાયો. અભ્યાસ વિષયને લગતા મૂળ ગ્રંથો જોવાની મારી ટેવ છે. અને બને ત્યાં સુધી મૂળ ગ્રંથને વફાદાર રહીને વિદ્યાર્થીઓ આગળ વિષયનું નિરૂપણ કરવાનો મારો આગ્રહ હોય છે. એટલે મારે મૂળ ગ્રંથ વાંચી, સમજી તેનો સાર વિદ્યાર્થીઓને સમજાય એ રીતે તૈયાર કરવો જ પડે. બેશક, આ બધું એકદમ થઈ શકતું નથી. પણ જ્યાં સુધી હું મૂળ ગ્રંથને આધારે ન ચાલું ત્યાં સુધી મને સંતોષ થતો નથી. નવા અભ્યાસક્રમમાં રસને લગતી ચર્ચા અભિનવગુપ્તની અભિનવભારતીને આધારે કરવી એવી અપેક્ષા હતી, એટલે મેં એની તૈયારી શરૂ કરી અને ત્રણેક વરસે તે પૂરી થઈ. તેમાંથી આ ગ્રંથનો પહેલો લેખ તૈયાર થયો. એ પહેલાં હું મારા ત્યાં સુધીના વાચનને આધારે અને મોટે ભાગે મમ્મટના નિરૂપણને અનુસરીને આ વિષય ભણાવતો હતો. વક્રોક્તિનો વિષય હું પહેલાં દાસગુપ્તના ‘કાવ્યવિચાર’ ગ્રંથને આધારે ભણાવતો હતો. પણ પછી મેં કુંતકનો મૂળ ગ્રંથ વાંચ્યો અને તેને આધારે મારી રીતે એ વિષયની નોંધ તૈયાર કરી, જેમાંથી ‘વક્રોક્તિ’ ઉપરનો લેખ તૈયાર થયો. એ જ રીતે ‘જગન્નાથનો કાવ્યવિચાર’ લેખ પણ મેં મૂળ ગ્રંથ જોઈને તૈયાર કર્યો. ધ્વનિનો વિષય ‘ધ્વન્યાલોક’ને આધારે શીખવવાનો છે, એટલે હું એની તૈયારી કરતો રહ્યો છું અને ઠેઠ આ વરસે મેં ‘ધ્વન્યાલોક’ના ધ્વનિને લગતા મુખ્ય નિરૂપણનો અનુવાદ કરી ‘બુદ્ધિ-પ્રકાશ’માં છપાવ્યો છે. એનો ઉપયોગ વિદ્યાર્થીઓ કરી શકે તે માટે એનું વિવરણ લખવાની જરૂર છે, અને અનુકૂળતા મળતાં તે હું કરવા ધારું છું. આ ઉપરાંત, એમાં બે લેખ રસાભાસને લગતા છે. એમાંનો પહેલો લેખ ગુજરાતીના અધ્યાપકોના સંઘના પ્રમુખ તરીકે રજૂ કરેલો અભ્યાસ-લેખ છે અને બીજો એમાંથી જાગેલી ચર્ચાને અંગે લખાયેલો છે. એક લેખ ‘ઔચિત્ય’ ઉપર છે. તે બી.એ.માં એ વિષય શીખવવાને માટે તૈયાર કરેલો છે. એક કૉલેજમાં મને વ્યાખ્યાન માટે બોલાવી ‘કાવ્યમાં અર્થ’ એવો વિષય આપવામાં આવ્યો હતો, એટલે એ લેખ એ રીતે તૈયાર થયો હતો. એને એમ.એ.ના અભ્યાસક્રમ સાથે બંધબેસતો કરવા માટે એક પરિશિષ્ટ ઉમેરવામાં આવેલું છે. છેલ્લો આખ્યાન વિષયનો લેખ પણ અધ્યાપનનું જ ફળ છે. ગુજરાતીમાં આખ્યાન કાવ્યો વારે વારે ભણાવવાનાં આવે છે અને ત્યારે આખ્યાનના સ્વરૂપની વાત કરવી પડે છે. આપણા ઘણા વિવેચકો અને અધ્યાપકોએ आख्यानं पूर्ववृत्तोक्ति: એ વ્યાખ્યા ટાંકી હોય છે. એ ઉપરથી મારા સ્વભાવ પ્રમાણે એનું મૂળ જોતાં ખબર પડી કે એ વ્યાખ્યા કાવ્યપ્રકારની નથી પણ નાટ્યાલંકારની છે, એટલે એ સ્પષ્ટ કરવા એ લેખ લખાયો. આમ, આ પુસ્તકના બધા જ લેખો અધ્યયન, અધ્યાપન અને પ્રવચન પ્રવૃત્તિના ફળરૂપે તૈયાર થયેલા છે. પ્રશ્ન ¬: આમાં મુખ્ય ચર્ચા રસની છે એટલે રસ સિદ્ધાંત વિશે ટૂંકમાં કહો તો સારું. — રસની ચર્ચા મુખ્યમાં નાટ્યને અંગે થયેલી છે અને પાછળથી તે કાવ્યને લાગુ પાડવામાં આવેલી, પણ એ સમગ્ર કલાનુભવને પણ લાગુ પાડી શકાય. રસનો સિદ્ધાંત કાવ્યને અનુલક્ષીને બને એટલો ટૂંકમાં માંડવાનો હું અહીં પ્રયત્ન કરું છું. એ સિદ્ધાંત પ્રમાણે કાવ્યનું પ્રયોજન અલૌકિક આનંદનો અનુભવ કરાવવાનું છે. એ અલૌકિક આનંદનો અનુભવ તે જ રસ. કવિ કાવ્યમાં કોઈ ને કોઈ માનવ ભાવનું નિરૂપણ કરી ભાવકના ચિત્તમાં અનુરૂપ ભાવ જગાડી તેની ચર્વણા દ્વારા તેને રસાનુભૂતિ કરાવે છે. અહીં એક વાતની સ્પષ્ટતા કરવી જોઈએ કે લૌકિક જીવનમાં આપણને જે લાગણીઓનો અનુભવ થાય છે તે અને કાવ્ય મારફતે અનુભવાતી લાગણીઓ બંને સરખી લાગે છે પણ બંને વચ્ચે મોટો ભેદ છે. લૌકિક જીવનમાં અનુભવાતી લાગણીઓ વ્યક્તિસંબંધ હોઈ સુખદુઃખાત્મક હોય છે, જ્યારે કાવ્ય મારફતે અનુભવાતી લાગણી અથવા ભાવ વ્યક્તિસંબંધ વિરહિત હોઈ કેવળ આનંદનો જ અનુભવ કરાવે છે. માટે જ રસાનુભૂતિને નિરતિશય આનંદમય કહે છે. એ રસ શબ્દવાચ્ય નથી હોતો, એનો અનુભવ વ્યંજના દ્વારા જ કરાવવાનો હોય છે. હમણાં મેં કહ્યું કે કવિ કાવ્યમાં કોઈ ને કોઈ ભાવનું નિરૂપણ કરતો હોય છે. પણ ભાવ કંઈ આધાર વગર રહી શકે નહિ. એટલે કવિ જ્યારે કોઈ ભાવનું નિરૂપણ કરવા ઇચ્છે છે ત્યારે તેને માટે આધાર કે આલંબનની જરૂર પડે છે. કોઈ પાત્ર મારફતે જ ભાવની પ્રતીતિ કરાવી શકાય છે. વળી, પાત્રને પણ જગતમાં ક્યાંક ગોઠવવું પડે છે. એટલે સ્થળ કાળ વગેરેનું વર્ણન પણ કરવું પડે છે. ઉપરાંત, પાત્રના ભાવ કોઈ ને કોઈ ક્રિયા મારફતે પ્રગટ થાય છે. એટલે પાત્રના કાર્યનું પણ વર્ણન કરવું પડે છે. અને જે પ્રધાન ભાવનું નિરૂપણ કરવું હોય તેના અનુષંગમાં જે નાના નાના ક્ષણિક ભાવો પાત્રના ચિત્તમાં જાગીને શમી જતાં હોય છે તેનું નિરૂપણ કર્યા વગર એ ભાવ પરિપોષ પામી સારી રીતે અભિવ્યક્ત થતો નથી, એટલે તેનું નિરૂપણ કરવું પડે છે. આ જ વસ્તુઓ કાવ્યમાં નિરૂપાય છે, ત્યારે વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ કહેવાય છે. કવિએ કાવ્યમાં એ વિભાવાદિનું એવું ઔચિત્યપૂર્ણ નિરૂપણ કરવું જોઈએ જેથી ઇષ્ટ રસની નિષ્પત્તિ અચૂક થાય. એમાં જ તેની કવિ તરીકેની કસોટી રહેલી છે. વળી, કવિ જે કંઈ કરે છે તે ભાષા મારફતે કરે છે, એટલે તેણે ભાષા, એની ભંગિ, એના અલંકારો વગેરે પણ એવાં વાપરવાં જોઈએ, જે ઇષ્ટ રસની નિષ્પત્તિમાં ઉપકારક થાય. આમ, કાવ્યમાં નિરૂપિત વિભાવાદિ દ્વારા વ્યંજિત થયેલો ભાવ ભાવકની ચર્વણાનો વિષય બનતાં રસનિષ્પત્તિ થાય છે. એનો અર્થ એ છે કે કવિતામાં જે કહેવાયું છે તેના કરતાં તેમાંથી જે સૂચિત એટલે કે વ્યંજિત થાય છે તેનું મહત્ત્વ વધારે છે – કારણ, જે કહેવાયું છે તે વ્યંગ્યાર્થના સૂચન માટે કહેવાયું છે. આમ, કાવ્યનો વાચ્યાર્થ વ્યંગ્યાર્થના બોધ માટે સાધનરૂપ બને છે. એ વ્યંગ્યાર્થનો બોધ એટલે કે રસનો આસ્વાદ બધાને જ થતો નથી, સહૃદયોને જ થાય છે. કવિના હૃદયની સાથે તાદાત્મ્ય સાધવાની શક્તિ જેનામાં હોય તેને સહૃદય કહેવાય. જેમ કાવ્યરચના માટે પ્રતિભાની જરૂર પડે છે તેમ કાવ્યાસ્વાદ માટે પણ પ્રતિભાની જરૂર પડે છે. અભિનવગુપ્તે કહેલું છે કે કવિના હૃદયમાં રહેલો રસ એ મૂળ છે, તેમાંથી પ્રગટેલું કાવ્ય તે વૃક્ષ છે, નટનો અભિનયાદિ વ્યાપાર તે પુષ્પ છે અને સામાજિકને થતો રસાસ્વાદ તે ફળ છે. આમ, કવિ હૃદયના સાધારણણીભૂત ભાવથી માંડીને સામાજિકને થતા રસાસ્વાદ સુધીનું આખું ચક્ર જ રસમય છે. આ ટૂંકમાં રસસિદ્ધાંત થયો. પ્રશ્ન : એ સિદ્ધાંતની વિશેષતા આપને શી લાગે છે? — આ સિદ્ધાંતની વિશેષતા એ છે કે એમાં કવિ, કવિકર્મ અને ભાવક બધાનો વિચાર કરેલો છે. ઉપરાંત, એમાં કાવ્યવિવેચનનું સ્વરૂપ પણ ગર્ભિત રહેલું છે. ઇષ્ટ ભાવના અવગમન માટે કવિએ કરેલી વિભાવાદિની યોજના, વિષયવસ્તુના સંધિઓની સંઘટના, અને પ્રયોજેલાં ભાષાભંગિ, અલંકાર, રીતિ, ગુણ વગેરેના રસવિષયક ઔચિત્યની તપાસ કરવી તે કવિકર્મનું પરીક્ષણ. ઉપરાંત, આખી કૃતિમાંથી ધ્વનિત થતા ભાવનો સમગ્ર જીવનની દૃષ્ટિએ વિચાર કરવો તે તેનું મૂલ્યાંકન. આ બે મળીને સંપૂર્ણ વિવેચન થાય. એ પણ આ સિદ્ધાંતમાં ગર્ભિત છે. પ્રશ્ન : કાવ્યશાસ્ત્રના અભ્યાસ વિશે આપને કંઈ કહેવું છે? — આપણે ત્યાં નવું શિક્ષણ શરૂ થયા પછી આપણી પ્રાચીન જ્ઞાન-પરંપરા સાથેનો આપણો સંબંધ લગભગ કપાઈ ગયો અને તેથી આપણે એ જ્ઞાનવારસો તત્કાળ પૂરતો ગુમાવી બેઠા જેવું થયું. બીજી વિદ્યાઓની પેઠે કાવ્યશાસ્ત્રમાં પણ એમ બન્યું. અને પરિણામે આપણા નવા શિક્ષિતોનું પશ્ચિમ સાથે જેટલું અનુસંધાન થયું તેટલું પ્રાચીન ભારતના જ્ઞાનવારસા સાથે ન રહ્યું. આધ્યાત્મિક ચિંતન અને કાવ્યચિંતન એ બે ક્ષેત્રો એવાં છે, જેમાં જગતના વિચારરાશિમાં આપણા દેશનો ફાળો ઘણો મહત્ત્વનો અને કીમતી છે. એટલે એ બે જ્ઞાનશાખાઓમાં તો આપણે આપણા દેશની પરંપરા સાથે અનુસંધાન સાધવું જ જોઈએ. તો જ આપણે એ ક્ષેત્રોમાં કંઈ નવો ફાળો આપી શકીશું. એમ થાય એટલા માટે એ બંને ક્ષેત્રના જે મહત્ત્વના મૌલિક ગ્રંથો છે તેનો અનુવાદ આપણી ભાષામાં સુલભ બનાવી તેમનો વિગતે અભ્યાસ થાય એવી વ્યવસ્થા આપણી યુનિવર્સિટીઓએ ઊભી કરવી જોઈએ. એમ થતાં, કાવ્યશાસ્ત્રના ક્ષેત્રમાં આજે પશ્ચિમના ઉછીના લીધેલા વિચાર કે શબ્દોથી જે ઉપરચોટિયો વ્યવહાર ચાલે છે, તેને બદલે વસ્તુસ્પર્શી મૌલિક ચિંતનમાંથી ઊભા થતા વાદવિવાદ ચાલી તે તે પદાર્થોની સમજણ વિશદ થઈ શાસ્ત્ર આગળ પ્રગતિ કરી શકશે.*[1]


  1. * તા ૨૪-૩-’૭૧ ના રોજ આકાશવાણી ઉપરથી પ્રસારિત મુલાકાત, થોડા ફેરફાર સાથે, આકાશવાણીના સૌજન્યથી.