વીક્ષા અને નિરીક્ષા/આકાર અને અંતસ્તત્વ
આજની આપણી ચર્ચાનો વિષય એ રીતે મૂકેલો છે કે `અંતસ્તત્વ વિના સાહિત્ય-આકાર શૂન્ય સમાન છે.’ આ વસ્તુ વધુ સારી રીતે મૂકી શકાઈ હોત. અંગ્રેજીમાં જેને form અને content કહે છે, તેના સંબંધની ચર્ચા અપેક્ષિત છે, એમ હું સમજું છું. અહીં જે રીતે મુકાયું છે તે ઉપરથી એવો ભાસ થવાનો સંભવ છે કે જાણે સાહિત્ય-આકાર એક સ્વતંત્ર વસ્તુ છે, અને એમાં અંતસ્તત્ત્વ નામની બીજી વસ્તુ ભરવાની છે, અથવા ભરેલી હોય છે. પણ એ બરાબર નથી. અંતસ્તત્ત્વ એટલે કે content પોતાની આંતર જરૂરિયાતને કારણે જ અમુક આકાર લઈને પ્રગટ થાય છે. એટલે કેટલાક એમ કહે છે કે આકાર એ જ અંતસ્તત્ત્વ છે, અંતસ્તત્ત્વનું આકારથી ભિન્ન કોઈ અસ્તિત્વ કે મહત્ત્વ નથી. તો કોઈ વળી એમ કહે છે કે, સાહિત્યકૃતિમાં અંતસ્તત્ત્વ અને આકાર એવાં એકરૂપ થયેલાં હોય છે કે તેમને અલગ પાડી શકાય નહીં, પછી ભલે વિવેચનમાં, સગવડ ખાતર, આપણે તેમનો અલગ અલગ વિચાર કરીએ. આપણી આગળ જે રીતે આ વસ્તુ રજૂ થઈ છે તે જોતાં, એમ લાગે છે કે અંતસ્તત્ત્વ પ્રધાન છે, એના વગર આકારનું કશું મૂલ્ય નથી, – એ શૂન્યવત્, ખાલી પાત્ર જેવો બની જાય છે. એટલે અહીં ચર્ચાનો મુદ્દો એવો ઉપસ્થિત થાય છે કે અંતસ્તત્ત્વ અને આકાર એ બંનેનો પરસ્પર સંબંધ કેવા પ્રકારનો છે? આપણે સાહિત્યની ચર્ચાવિચારણામાં બીજી કલામાંથી શબ્દો ઉછીના લઈને વાપરીએ છીએ એમાં કેટલીક વાર ગેરસમજ થવાનો સંભવ રહે છે. આ શબ્દ પણ આપણે મૂર્ત કલાઓમાંથી લીધેલો છે અને તેથી એના ઉપયોગથી જેમ કેટલીક સગવડ થાય છે, તેમ ગેરસમજની અગવડ પણ થવા સંભવ છે. આપણે આકાર કહીએ છીએ એટલે માટી, પથ્થર કે લાકડામાંથી બનાવેલો, અથવા રંગ રેખા વડે ચીતરેલો આકાર આપણા ચિત્ત સમક્ષ ખડો થાય છે. એ આકાર અને સાહિત્યમાં નિષ્પન્ન થતા આકાર વચ્ચે કેટલાક મૂળગત ભેદ છે, તે સમજી લેવાની જરૂર છે. કુંભાર માટીમાંથી ઘડો બનાવે છે, અથવા કોઈ મૂર્તિકાર પથ્થર કે લાકડામાંથી કોઈ મૂર્તિ બનાવે છે, તો એ મૂર્તિ કે ઘડાનું ઉપાદાન માટી, પથ્થર કે લાકડું છે. તેમ સાહિત્યકાર જ્યારે કોઈ સાહિત્યકૃતિ રચે છે, ત્યારે એ જે કોઈ આકાર નિષ્પન્ન કરે છે, તેનું ઉપાદાન ભાષા હોય છે. એ ભાષા માટી, પથ્થર કે લાકડા કરતાં એક બાબતમાં ઉપાદાન તરીકે, ઘણી જુદી પડે છે. માટી, પથ્થર કે લાકડાનો પોતાનો કોઈ અર્થ હોતો નથી. માટી એ માટી છે, પથ્થર એ પથ્થર છે અને લાકડું એ લાકડું છે; પણ જ્યારે કલાકાર તેને કોઈ ઘાટ આપે છે ત્યારે જ તે સાર્થક બને છે, તેમાંથી અર્થની પ્રતીતિ થાય છે. જ્યારે સાહિત્યનું ઉપાદાન જે ભાષા, તે પોતે જ અર્થવાળી છે. કવિએ પોતાની કૃતિની રચનામાં ઉપયોગમાં લીધેલો એકએક શબ્દ, કૃતિમાં વપરાયા પહેલાં પણ, કોઈ ને કોઈ અર્થ ધરાવતો હોય છે. માટી, પથ્થર કે લાકડાનું એવું હોતુ નથી. આને લીધે, કવિ જ્યારે શબ્દો દ્વારા કોઈ આકૃતિ રચે છે, ત્યારે આપોઆપ જ, તેણે અર્થ સાથે પણ કામ પાડવું પડે છે. મૂર્તિકાર પોતે જે રીતે લાકડાને કે માટીને કે પથ્થરને પોતાને મનગમતો અર્થ આકૃતિ દ્વારા અર્પે છે, તેવું, કવિ, તેટલા પ્રમાણમાં, કરી શકતો નથી. મૂર્તિકાર માટી લઈ કંઈ રચવા બેસે છે ત્યારે માટી અર્થશૂન્ય હોય છે. પણ કવિ જ્યારે શબ્દો વડે કૃતિની રચના કરવા બેસે છે ત્યારે તેણે ઉપયોગમાં લીધેલા એકએક શબ્દને પોતાનો અર્થ હોય છે. એટલે તે શબ્દનો ઉપયોગ, અર્થને લક્ષમાં રાખીને જ, કરી શકે છે. બલકે, એ અર્થ જ શબ્દના ઉપયોગનું નિયમન કરે છે. કવિના ચિત્તમાં રહેલો અવ્યક્ત અભિપ્રાય શબ્દની પસંદગીનું અને શબ્દો દ્વારા રચાતી આકૃતિનું નિયમન કરતો હોય છે. અને જે આપણે કવિના અંતર્ગત અભિપ્રાયને કૃતિનું અંતસ્તત્ત્વ કહીએ તો એ અંતસ્તત્ત્વ આકૃતિનું નિયમન કરે છે. કોઈ જો એમ કહે કે, અમારે અર્થ સાથે કંઈ લેવાદેવા જ નથી, અમે તો કેવળ શબ્દનો જ ઉપયોગ કરીએ છીએ, એટલે અમારી શબ્દપસંદગીમાં અર્થ નિર્ણાયક નથી, તો એ માનવા જેવું નથી; કારણ, શબ્દ અર્થ વિનાનો સંભવતો નથી; અને જેમાંથી કોઈ અર્થનો બોધ જ ન થાય એ રીતે કરેલો શબ્દનો ઉપયોગ સાહિત્ય નથી. ઉપરાંત, શબ્દનો અર્થ-નિરપેક્ષપણે ઉપયોગ કરી શકાય એમ માની લઈએ તોયે, શબ્દોની પસંદગી પાછળ કવિના ચિત્તમાં જે કંઈ હોય, તે એનો અભિપ્રાય છે, અને તે વ્યક્ત થાય એ રીતે એણે શબ્દપસંદગી કરવાની હોય છે, એટલે ત્યાં પણ શબ્દપસંદગીનું નિયમન તો કવિનો અંતર્ગત અભિપ્રાય જ કરે છે. કવિ ભાવકને કશું જ કહેવા માગતો નથી, એ તો અનુભવ કરાવવા માગે છે, એમ કહેવાથી પતી જતું નથી. ભાવકને કવિ જે અનુભવ કરાવવા માગતો હોય તેનો, ભલેને અસ્પષ્ટ પણ, ખ્યાલ કવિના ચિત્તમાં હોવો જ જોઈએ, અને તે અનુભવ ભાવકને થાય એ રીતે તેણે શબ્દોની યોજના કરવી પડે. કેટલાક વળી એમ પણ કહે કે, અમે કોઈ અમુક જ પ્રકારનો અનુભવ ભાવકને કરાવવા માગતા નથી; અમે તો અમારી સ્વૈર રીતે રચાયેલી કૃતિ રજૂ કરીએ છીએ; એનાથી ભાવકના ચિત્તમાં જે ભાવ જાગવાનો હોય તે જાગે. તો એ કૃતિ તો પ્રકૃતિનો કોઈ પદાર્થ જેવી જ થઈ. પ્રકૃતિના પદાર્થો માનવચિત્તમાં અમુક જ ભાવ જગાડે એ નિશ્ચિત નથી હોતું. અને માટે તેમને આપણે કલાકૃતિમાં લેખતા નથી. કલાકૃતિમાં તે સર્જક પોતે ઇચ્છેલા જ ભાવો ભાવક-ચિત્ત અનુભવે એ રીતે પોતાના ઉપાદાન દ્વારા આકૃતિ સર્જે છે અને માટે જ એક કલાકૃતિના અનુભવથી વિવિધ ભાવકોના ચિત્તમાં જાગતા ભાવો પ્રધાનતયા સમાન હોય છે. ભાવકની પાત્રતા પ્રમાણે કંઈક ઇતર-વિશેષ હોય તે બાદ કરતાં, શૃંગારની કૃતિ શૃંગારનો અને હાસ્યની કૃતિ હાસ્યનો જ સૌને અનુભવ કરાવે છે. કદી શૃંગારની કૃતિ ભયાનકનો કે બીભત્સનો અનુભવ કરાવતી નથી. આમ, બધી રીતે જોતાં, એમ લાગે છે કે કવિનો અંતર્ગત અભિપ્રાય, જે કાવ્યનું અંતસ્તત્ત્વ છે, તે જ તેની આકૃતિનું નિયમન કરે છે, એટલું જ નહિ, એના વિના કોઈ આકૃતિનું નિર્માણ જ સંભવતું નથી. જે રચાય તે ખરું એમ કરીને કરેલી પ્રવૃત્તિના પરિણામને કલાકૃતિ ન કહી શકાય. એ તો પેલી વૈદ્યકની બાબતમાં ઉક્તિ છે તેવું થાય કે—
यस्य कस्य तरोर्मूलं येनकेनापि मिश्रितं ।
यस्मै कस्मै प्रदातव्यं यद्वा तद्वा भविष्यति ॥
અર્થાત્
ગમે તે વૃક્ષનું મૂળ ગમે તે સાથ ભેળવી,
ગમે તેને દઈ દેવું, ગમે તે કૈં થશે ખરું.
તે જ રીતે ગમે તે શબ્દો ગમે તેમ ભેગા કરવાથી કંઈક થશે તો ખરું, પણ તે કલાકૃતિ નહિ હોય. આમ, અંતસ્તત્ત્વ મહત્ત્વનું છે એ ખરું, પણ એ અંતસ્તત્ત્વને ભાવક સુધી પહોંચાડનાર તો, કવિએ રચેલો ઘાટ જ છે. ભાવક આગળ તો ઘાટ જ હોય છે અને એ ઘાટ મારફતે જ તે અંતસ્તત્ત્વને પામી શકે છે. એટલે ભાવકની દૃષ્ટિએ જોઈએ તો ઘાટનું મહત્ત્વ ઘણું બધું છે, એ તરત જ ખ્યાલમાં આવશે. કવિની દૃષ્ટિએ પણ ઘાટનું મહત્ત્વ લગારે ઓછું નથી. કવિ એ ઘાટ મારફતે જ ભાવકને પોતાનો અંતર્ગત અભિપ્રાય પહોંચાડી શકે છે. એ અંતર્ગત અભિપ્રાયને યથાતર્થ ભાવક સુધી પહોંચાડે એવો ઘાટ યોજવો એમાં જ કવિની ખરી કલા રહેલી છે. આપણે પ્રાચીન પરિભાષા વાપરીને કહીએ તો એમ કહી શકાય કે કવિ જે ભાવનું નિરૂપણ કરવા માગતો હોય તેને અનુરૂપ વિભાવાદિની યોજના કરવી એના ઉપર જ તેની સફળતા-નિષ્ફળતાનો આધાર છે. કલાકૃતિ જે વિશિષ્ટ છાપ ભાવકના ચિત્ત ઉપર પાડે છે તે આ વિભાવાદિની વિશિષ્ટ યોજનાને કારણે પાડે છે. આમ, કવિની દૃષ્ટિએ તેમ જ ભાવકની દૃષ્ટિએ વિભાવાદિની સમ્યક્ યોજના, આજની પરિભાષામાં કહીએ તો ભાવને અનુરૂપ ઑબ્જેક્ટિવ કોરિલેટિવનું ઉદ્ભાવન અને પોતાના અંતર્ગત અભિપ્રાયને અનુરૂપ ઘાટ ઉપજાવવો એ જ કવિનું મુખ્ય કામ છે, અને એમાં એ જેટલે અંશે સફળ થાય તેટલે અંશે કવિ તરીકેની તેની સફળતા પ્રમાણી શકાય. બીજી એક વાત પણ અહીં ખ્યાલમાં રાખવી જોઈએ. કવિના અંતર્ગત ભાવ શબ્દમાં મૂર્ત થાય તે પહેલાં અવ્યક્ત હોય છે, એટલે કે તે કોઈ ચોક્કસ સ્ફુટ આકારને પામ્યો નથી હોતો. એ જેમ જેમ શબ્દમાં મુકાતો જાય છે તેમ તેમ તેનું સ્વરૂપ વધુ ને વધુ સ્ફુટ થતું જાય છે. અને એ ઘાટ આપવાની પ્રક્રિયા દરમ્યાન રચાતો ઘાટ પણ મૂળ અવ્યક્ત અભિપ્રાયને કેટલેક અંશે ઘડતો હોય છે; અને આ બધાનો વિચાર કરીએ ત્યારે સમજાય છે કે અંતસ્તત્ત્વ કરતાં ઘાટનું મહત્ત્વ લગારે ઓછું નથી, બલ્કે સાહિત્યનો વિચાર કરવામાં તો, કવિની સિદ્ધિ-અસિદ્ધિનો નિર્ણય પોતાના મનોગતને અનુરૂપ ઘાટ યોજવાની એની સફળતા-નિષ્ફળતા ઉપરથી જ કરવો પડે છે. ભાવ ગમે તેટલો ઉદાત્ત કે મહાન હોય પણ તે અનુરૂપ ઘાટ ન પામ્યો હોય તો રચના સાહિત્ય જ બનવા પામતી નથી. પણ એ ઘાટ સિદ્ધ થયો, એટલે કે કૃતિ સાહિત્ય પદવીને પામી, ત્યાર પછી તેનું મૂલ્ય આંકવામાં એ અંતસ્તત્ત્વનો પણ વિચાર કરવો પડે છે, અને ત્યારે જે સફળ સાહિત્યકૃતિ વધુ ઉદાત્ત કે મહાન ભાવનું નિરૂપણ કરતી હોય તે જ મહાન કહેવાય છે. પણ એ સાહિત્ય સધાયા પછીની વાત થઈ.૧[1]
*
ભાઈ શ્રી ચંદ્રકાંત ટોપીવાળાને મારા લેખમાં જે મુદ્દા `પુનઃ વ્યવ-સ્થિત ચર્ચાવા’ જેવા લાગ્યા તે એમણે પોતે જ ચર્ચ્યા હોત તો સારું થાત; એક નવું દૃષ્ટિબિંદુ જાણવા-સમજવા મળત. પણ તેમ કરવાને બદલે એમણે કેટલાંક વિધાનો જ કર્યાં છે. એઓ જેમ મારાં વિધાનો સ્વીકારી શકતા નથી તેમ હું એમના વિધાનો સ્વીકારવામાં કેટલીક મુશ્કેલી જોઉં છું. (૧) એક જ વ્યક્તિ કવિ અને ભાવક હોય તેથી કંઈ કવિત્વ અને ભાવકત્વ વચ્ચેનો ભેદ લોપ પામતો નથી. કવિ સર્જન કરતો હોય અને ભાવન પણ કરતો હોય તો સર્જનપ્રવૃત્તિમાં એ સર્જક છે અને ભાવનપ્રવૃત્તિમાં એ ભાવક છે. સર્જક ભાવકને કશુંક અવગમન કરાવે છે એ સ્થિતિ અહીં પણ અવિકલ કાયમ રહે છે. અને સાચી વાત તો એ છે કે અવગમન સધાય છે ત્યારે જ અભિવ્યક્તિ સિદ્ધ થાય છે. (૨) `સ્પષ્ટ કે અસ્પષ્ટ આયોજન કૃતિ પૂર્વે હોતું નથી’ એ સ્વીકારવામાં પણ મને કેટલીક મુશ્કેલી લાગે છે. ઊર્મિકાવ્યો જેવી લઘુ કૃતિઓ વિશે એ સાચું હશે, પણ બધી જ સાહિત્યકૃતિઓ વિશે એ સાચું હોવાનો સંભવ નથી. શાકુંતલ, ઉત્તરરામચરિત, મૅકબેથ, ઍના કૅરેનિના, ફાઉસ્ટ, ડિવાઈન કૉમેડી, રઘુવંશ, કુમારસંભવ જેવી માન્ય કૃતિઓ કોઈપણ જાતના પૂર્વ-આયોજન વગર રચાઈ હોય એમ માનવું મુશ્કેલ છે, પણ એટલું ખરું કે કૃતિ જેમ જેમ આગળ વધતી જાય તેમ તેમ મૂળ યોજનામાં કદાચ ફેરફારો થતા પણ રહે. (આ સંબંધમાં સર્જનપ્રક્રિયા વિશેની આ અંકમાં અન્યત્ર પ્રસિદ્ધ થતી મારી નોંધ જોવાની હું વિનંતી કરું છું.)૨[2] (૩) પ્રાકૃતિક પદાર્થો અને સાહિત્યકૃતિ વચ્ચે મને જે ફરક લાગે છે તે એ છે કે પ્રાકૃતિક પદાર્થો માનવચિત્ત ઉપર અમુક જ સંસ્કાર પાડશે અથવા અમુક જ ભાવ જગાડશે એવું નિશ્ચિતપણે કહી શકાતું નથી. સ્કાઈલાર્કને જોઈને વર્ડ્ઝવર્થના ચિત્તમાં અમુક ભાવ જાગ્યો અને શેલીના ચિત્તમાં તેથી જુદો ભાવ જાગ્યો. નદીને જોઈને એક કવિના ચિત્તમાં જે ભાવ જાગે તે જ બીજા કવિના ચિત્તમાં પણ જાગે એવી અપેક્ષા ન રાખી શકાય. આપણે રાખતા પણ નથી. પ્રકૃતિના પદાર્થો જુદા જુદા માણસોમાં જુદા જુદા ભાવો જગાડે છે, ત્યારે એની સરખામણીમાં સાહિત્યકૃતિ, ભાવકભેદે કંઈ ઇતર-વિશેષ હોય એ વાત કરતાં, બધા ભાવકોમાં કવિને અભિપ્રેત ભાવનો સમજાતીય ભાવ જ જગાડે છે. ન જગાડી શકે તો કૃતિ એટલે અંશે નિષ્ફળ ગઈ ગણાય. પણ પ્રકૃતિના પદાર્થોનું એવું નથી. તે કોઈ ભાવ જગાડવા માટે યોજાયા નથી અને તે ન જાગે એથી એમનું અસ્તિત્વ નિરર્થક કે વ્યર્થ બનતું નથી. જ્યારે સાહિત્યકૃતિ તો ભાવકના ચિત્તમાં ઇષ્ટ ભાવ ન જગાડી શકે તો તે વ્યર્થ ગઈ એમ જ કહેવું પડે. બીજું, સાહિત્યમાં જે કંઈ રચના થાય છે અથવા કરવામાં આવે છે તે કોઈ ને કોઈ પ્રયોજનપૂર્વક થાય છે અથવા કરવામાં આવે છે; અને એ પ્રયોજન એ જ એનો અર્થ છે. એ સિદ્ધ ન થાય તો કૃતિ વ્યર્થ ઠરે છે. સાહિત્યમાં સર્જનપ્રવૃત્તિ કોઈ ને કોઈ અર્થને લક્ષમાં રાખીને જ થાય છે. એ વગર થતી સાહિત્યપ્રવૃત્તિ કલ્પવી મુશ્કેલ છે. કલા અર્થમાં નથી પણ અર્થને વ્યક્ત કરવાની રીતમાં રહેલી છે, એ જેમ સાચું છે, તેમ અર્થ જે વ્યક્ત ન થાય, તેનું અવગમન જ જો ન થાય તો કલા-કૃતિ સિદ્ધ જ થતી નથી, એ પણ એટલું જ સાચું છે. ભાવક વગરની કલા કલ્પવી મુશ્કેલ છે. ૬-૭-’૭૧