વીક્ષા અને નિરીક્ષા/સંસ્કૃત કવિઓની અન્યોક્તિઓ
આ વાર્તાલાપનો વિષય છે: સંસ્કૃત કવિઓની અન્યોક્તિઓ. અન્યોક્તિ એક કાવ્યાલંકાર છે. એને જ અપ્રસ્તુત-પ્રશંસા પણ કહે છે. મમ્મટે `કાવ્ય-પ્રકાશ’માં અપ્રસ્તુતપ્રશંસાની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે: अप्रस्तुत प्रशंसा या सा सैव प्रस्तुताश्रया । એટલે કે, પ્રસ્તુત અર્થની પ્રતીતિ કરાવતું અપ્રસ્તુતનું જે કથન તે અપ્રસ્તુતપ્રશંસા. અર્થાત્, જે વસ્તુ કહેવી છે તે સીધી ન કહેતાં બીજી જ વસ્તુ કહી તેના વડે પ્રસ્તુત વસ્તુનું સૂચન કરવું તેનું નામ અપ્રસ્તુત-પ્રશંસા. એના મમ્મટે પાંચ ભેદો ગણાવેલા છે :
कार्ये निमित्ते सामान्ये विशेषे प्रस्तुते सति |
तदन्यस्य वचस्तुल्ये तुल्यस्येति च पंच्चधा ||
એનો અર્થ એવો છે કે, કાર્ય, કારણ, સામાન્ય કે વિશેષ જ્યારે પ્રસ્તુત હોય ત્યારે તેના સિવાયના બીજાનું કથન તે અપ્રસ્તુતપ્રશંસા. અર્થાત્, જ્યારે કાર્ય પ્રસ્તુત હોય ત્યારે કારણનું, અથવા કારણ પ્રસ્તુત હોય ત્યારે કાર્યનું કથન તે અપ્રસ્તુતપ્રશંસા. એ જ રીતે, જ્યારે સામાન્ય પ્રસ્તુત હોય ત્યારે વિશેષનું, અથવા વિશેષ પ્રસ્તુત હોય ત્યારે સામાન્યનું કથન તે અપ્રસ્તુત-પ્રશંસા. આમ ચાર પ્રકાર થયા. પાંચમો પ્રકાર એવો છે, જેમાં કોઈ પ્રસ્તુત વસ્તુને બદલે તેના જેવી એટલે કે તુલ્ય અપ્રસ્તુત વસ્તુનું કથન આવતું હોય. અને આ પાંચે પ્રકારોનું સામાન્ય લક્ષણ એ કે એમાંનું અપ્રસ્તુતનું કથન પ્રસ્તુતની પ્રતીતિ કરાવતું હોય. આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ માણસે પરગામ જવાનું નક્કી કર્યું અને પોતાના મિત્રને તેની જાણ પણ કરી, પણ પછી તેણે પરગામ જવાનું બંધ રાખ્યું. હજી એને ગામમાં જ જોઈને પેલો મિત્ર એને પૂછે છે કે, કેમ, પરગામ જવાનું માંડી વાળ્યું કે શું? એનો જવાબ આપતાં એ કહે છે કે, ભાઈ, શું વાત કરું? મેં તો એને કહ્યું કે, ગયેલા કંઈ પાછા આવતા નથી, પાછા મળતા નથી? તું મારી ચિંતા ન કર. આમ જ તું ખૂબ નબળી પડી ગયેલી છે. આટલું બોલતાં બોલતાં મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. અને ત્યાં તો લજ્જાથી મંથર કીકીવાળી આંખમાં આંસુ ભરાઈ આવ્યાં પણ તે પી જઈને મારા તરફ જોઈને એ હસી; અને એ રીતે એણે ભાવિ મરણ માટેનો ઉત્સાહ સૂચવ્યો. પછી શું થાય? મૂળ શ્ર્લોક આ પ્રમાણે છેઃ
याता: किं न मिलन्ति सुन्दरि पुनश्चिन्ता त्वचा मत्कृते
नो कार्या नितरां कृशासि कथयत्येवं सबाष्पे मयि |
लज्जामन्थरतारकेण निपतत् पीताश्रुणा चक्षुषा
दृष्ट्वा मां हसितेन भाविमरणोत्साहस्तया सूचित : ||
અહીં પ્રશ્ન પરગામ જવાનું બંધ રાખવારૂપ કાર્યને લગતો છે અને તેના જવાબમાં એ કાર્યનું જે કારણ તેનું વર્ણન કર્યું છે. આમ, જ્યાં કાર્ય પ્રસ્તુત હતું ત્યાં અપ્રસ્તુત કારણનું કથન કર્યું છે, એટલે આ અપ્રસ્તુત-પ્રશંસા થઈ. પહેલાં ચાર પ્રકારો આ રીતનાં છે. એમાં કાર્ય, કારણ, સામાન્ય કે વિશેષ જે પ્રસ્તુત હોય તેના કરતાં બીજાનું જ કથન હોય છે. અને પાંચમા પ્રકારમાં પ્રસ્તુત વિષયને મળતા કોઈ અપ્રસ્તુત વિષયનું વર્ણન હોય છે. જેમ કે,
भद्रं कृतं कृतं मौनं कोकिलैर्जदागमे |
दर्दुरा यत्र वक्तारस्तत्र मौंन हि शोभनम् ||
અર્થાત્, ચોમાસું આવતાં કોકિલોએ મૌન ધારણ કર્યું એ સારું કર્યું. કારણ, જ્યાં દેડકાંઓ વક્તા હોય ત્યાં મૌન જ શોભે. જ્યાં મૂર્ખાઓ સભા ગજાવતા હોય ત્યાં ડાહ્યા માણસોએ મૂંગા રહેવું જ સારું, એવો પ્રસ્તુત અર્થ વ્યંજિત કરવા માટે કવિએ અહીં એને મળતા આવતા દેડકાં અને કોકિલના વ્યવહારનું વર્ણન કર્યું છે, એટલે એ પાંચમા પ્રકારની અપ્રસ્તુત-પ્રશંસા થઈ. સામાન્ય રીતે અન્યોકિતથી આ પ્રકારનો જ બોધ થતો હોય છે. અને આજે આપણે એ જ પ્રકારનાં કેટલાંક ઉદાહરણો સંસ્કૃત સાહિત્યમાંથી જોઈશું. વહેવારમાં દીકરીને કહીને વહુને સંભળાવવું એવો પ્રયોગ થતો હોય છે, એવું જ અન્યોકિતમાં પણ હોય છે. ઉપરના દાખલામાં કવિ વાત દેડકાં અને કોકિલની કરે છે, પણ એના મનમાં મૂર્ખા અને ડાહ્યા માણસોનો વ્યવહાર છે. અસ્તુ. બધા જ ધનિકો સરખા નથી હોતા, કેટલાક દાન આપે છે તો કેટલાક ખાલી બડાશો જ મારે છે, માટે જે કોઈ ધનિક નજરે પડ્યો તેની આગળ દીન વચન ઉચ્ચારવાં નહિ, એવા વ્યંગ્યાર્થનું સૂચન કરવા ચાતકને ઉદ્દેશીને કરેલી ભૃર્તૃહરિની અન્યોક્તિ ખૂબ જાણીતી છે. કવિ કહે છે :
रे रे चातक सावधानमनसा मित्र क्षणं श्रूयतां
अम्भोदा बहवो हि सन्ति गगने सर्वेऽपि नैकादृशाः ।
केचिदवृष्टिभिरार्द्रयन्ति वसुधां गर्जन्ति केचिद्वृथा
यं यं पश्यसि तस्य तस्य पुरतो मा ब्रूहि दीनं वचः ।।
અર્થાત્, હે ચાતક, હે મિત્ર, ક્ષણભર ધ્યાન દઈને સાંભળ, આકાશમાં મેઘો તો ઘણા છે, પણ તે બધા કંઈ એકસરખા નથી. કેટલાક વૃષ્ટિથી વસુધાને તર કરી દે છે, તો કેટલાક ખાલી ગર્જના જ કરતા હોય છે (વરસતા નથી હોતા), માટે જેને જેને જુએ તેની આગળ દીન વચન ઉચ્ચારીશ નહિ. દેશમાં દુકાળ પડ્યો છે, માણસો અન્ન વિના અને ઢોરો ઘાસચારા વિના મરી રહ્યાં છે. એવે વખતે કોઈ ધનિક દાન તો આપતો જ નથી, પણ ઉપરથી દાન માગવા આવનારનો તિરસ્કાર કરે છે. એવા ધનિકના વ્યવહારમાં રહેલી નિર્દયતા પ્રગટ કરવા કવિએ મેઘને ઉદ્દેશીને કરેલી અન્યોક્તિ જોઈએ. કવિ કહે છે :
एतेषु हा तरुणमारुतधूयमान-
दावानलैः क्वलितेषु महीरुहेषु ।
अम्भो न चेद् जलद मुञ्चसि मा विमुञ्च
वज्रं पुनः क्षिपसि निर्दय कस्य हेतोः ॥
અર્થાત્ હે મેઘ, વનમાં દાવાનળ ફાટી નીકળ્યો છે, પવનથી તે ચારે કોર ફેલાતો જાય છે, વૃક્ષો બધાં તેનો કોળિયો બની રહ્યાં છે, એવે સમયે તારે પાણી ન વરસાવવું હોય તો ન વરસાવ, પણ ઉપરથી પાછો વજ્ર શા માટે ફેંકે છે? આવી જ મેઘને ઉદ્દેશેલી એક અન્યોકિત દાનમાં વિલંબ કરનારને ચેતવવા માટે ઉચ્ચારેલી છે, તે પણ જોવા જેવી છે. કવિ કહે છે :
हे मेघ मानमहितस्य तृषातुरस्य
त्त्यक्तत्वदन्यशरणस्य चं चातकस्य |
अम्भ: कणान् कतिचिदप्यघुना विभुज्च
नो चेद्भविष्यसि जलाज्जलिदानयोग्य: ||
હે મેઘ, આ ચાતક સ્વમાની છે, તરસ્યો થયો છે, તારા સિવાય બીજા બધાના શરણનો એણે ત્યાગ કર્યો છે — અર્થાત્, એને કેવળ તારું જ જળ ખપે એમ છે, હજી હજી બેચાર છાંટા પાણી વરસાવ, નહિ તો પછી એ પાણી એના મરણ પાછળ જલાંજલિ આપવામાં જ — એનું શ્રાદ્ધ કરવામાં જ વાપરવાની તારે વેળા આવશે. દાન કરવું હોય તો વેળાસર કરવું જોઈએ. અંગ્રેજીમાં એક કહેવત છે કે જે વેળાસર આપે છે તે બમણું આપે છે. કોઈ રાજ્યકર્તા લોકો પાસેથી પુષ્કળ ધન ઉઘરાવે તો છે, પણ તેનો વિવેક અને કરકસરપૂર્વક લોકહિતમાં ઉપયોગ કરવાને બદલે ખોટા ભપકા પાછળ અથવા પોતાની કાર્યકુશળતાને અભાવે આવતી ખોટનો ખાડો પૂરવામાં અને બીજાં અનુત્પાદક કાર્યોમાં તેને વેડફી નાખે છે; એ જોઈને કવિના મુખમાંથી સમુદ્રને ઉદ્દેશીને એક અન્યોકિત નીકળી જાય છે, તે આપણે જોઈએ. आदाय वारि परित: सरितां मुखेभ्य: किं तावदर्जितमनेन दुरर्णवेन | क्षारीकृतं च बडबाबदने हुतं च पातालकुक्षिकुहरे विनिवेशितं च || અર્થાત્, ચારે દિશાએ આવતી સરિતાઓનાં મુખમાંથી પાણી ભેગું કરીને આ દુષ્ટ સાગરે ખરેખર મેળવ્યું શું? એણે તો નદીઓના એ મીઠા જળને ખારું બનાવી દીધું, વડવાનલમાં હોમી દીધું અને પાતાળના ન પુરાય એવા કોતરમાં રેડી દીધું! આશાભરી આંખે ધનવાનના મોં તરફ જોઈ રહેવું, તેની ખોટી ખુશામત કરવી, તેના ગર્વભર્યાં વચનો સાંભળી લેવાં, કંઈ મળશે એ આશાએ તેની પાછળ પાછળ ફરવું — એ બધું સ્વમાની માણસને એવું તો અસહ્ય થઈ પડે છે કે એના કરતાં તો જંગલનાં હરણોનું જીવન પણ તેને વધારે સારું લાગે છે, એટલું જ નહિ, કોઈ પરમપવિત્ર તીર્થમાં જઈ ભારે તપશ્ચર્યા કરી હોય તો જ એવું સ્વમાનભર્યું જીવન જીવવા મળે, એમ પણ તેને લાગે છે. આ ભાવ કવિએ કુરંગને ઉદ્દેશેલી એક અન્યોક્તિમાં વ્યક્ત કર્યો છે તે જોઈએ. કવિ કહે છે :
यद्वक्त्रं मुहुरीक्षसे न धनिनां ब्रषे न चाटुं मृषा
नैषा गर्वगिर: शृणोसि न पुन: प्रत्याशया धावसि |
काले वालतृणानि खादसि सुंख निद्रासि निद्रागमे
तन्मे ब्रूहि कुरंग कुत्र भवता किं नाम तप्तं तप: ||
અર્થાત્, હે કુરંગ, તું વારે વારે ધનવાનોનું મોં જોતો નથી, તેમની ખોટી ખુશામત કરતો નથી, તેમનાં ગર્વભર્યાં વચનો સાંભળતો નથી, કે નથી તું કંઈ મળશે એ આશાએ તેમની પાછળ પાછળ દોડતો; તું તો ભૂખ લાગે છે ત્યારે કુમળી ચાર ખાય છે અને ઊંઘ આવે છે ત્યારે સુખથી ઊંઘી જાય છે; તો તું મને કહે તો ખરો કે, તેં ક્યાં જઈને કર્યું તપ કર્યું હતું. માણસની ચડતીના સમયમાં તેના વૈભવનો લાભ લઈ આનંદ કરનાર તેની પડતીના સમયમાં તેની ઉપેક્ષા કરે તો એના જેવી બીજી કોઈ નીચતા નથી, એવા વ્યંગ્યાર્થવાળી ભ્રમરને ઉદ્દેશીને કરેલી પંડિતરાજ જગન્નાથની એક અન્યોકિતથી આ વાર્તાલાપનું સમાપન કરીએ. કવિ કહે છે :
प्रारभ्भे कुसुमाकरस्य परितो यस्योल्लसन्मअरी-
पुञ्ग्जे मञ्जुलगुञ्जुतानि रचयंस्तानातनोरुत्सवानू |
तस्सिन्नद्य रसालशाखिनि दशां दैवात्कृशामञ्जति
त्वं चेन्मुञ्जसि चञ्जरीक विनंय नीचस्तदन्योडस्ति क: ||
હે ભ્રમર, વસંતના પ્રારંભમાં જેની ખીલતી મંજરીઓના ગુચ્છોમાં મીઠું ગુંજન કરતાં તેં આનંદોત્સવો માણ્યા હતા, તે જ આંબો અત્યારે દૈવવશાત્ ક્ષીણ દશાને પામ્યો છે, ત્યારે તું જો વિનય ચૂકીને તેની ઉપેક્ષા કરે તો તારા જેવો બીજો નીચ કોણ?*[1]
- ↑ * આકાશવાણીના સૌજન્યથી. ૧૨-૮-૭૦ને રોજ પ્રસારિત.