વીક્ષા અને નિરીક્ષા/વધામણી

From Ekatra Foundation
Revision as of 02:38, 5 June 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

‘વધામણી’

શ્રી ચંદ્રકાંત શેઠના તાજેતરમાં પ્રગટ થયેલા વિવેચનસંગ્રહ ‘કાવ્ય-પ્રત્યક્ષ’માંના એક લેખમાં બ. ક. ઠાકોરના જાણીતા કાવ્ય ‘વધામણી’નું પરિશીલન આવે છે. તેમાં એમને

‘બીજું વ્હાલા શિર ધરિ જિહાં ભાર લાગે શું કહેતા
ત્યાં સૂતેલું વજન નવું વીતી ઋતુ એક વહેતાં.’

એ પંક્તિઓના અર્થની સમગ્ર કાવ્યના ભાવ સાથે સંગતિ સાધવામાં મુશ્કેલી નડી છે, અને એવી જ કંઈક મુશ્કેલી શ્રી મનસુખલાલ ઝવેરીએ પણ અનુભવ્યાનો એમણે ઉલ્લેખ કર્યો છે. મનસુખભાઈનો એ લેખ પણ હું જોઈ ગયો. મનસુખભાઈએ અને ચંદ્રકાંતે એ બે પંક્તિનો અન્વય આ પ્રમાણે કર્યો છે : `બીજું, વ્હાલા, જિહાં શિર ધરિ ‘ભાર લાગે શું’ કહેતા, ત્યાં સૂતેલું નવું વજન વહેતાં એક ઋતુ વીતી.’—‘અભિગમ’ પૃ. ૫૬૫. અને એથી આપોઆપ જ એવો અર્થ થયો કે `તમે મારા ખોળામાં તમારું માથું રાખીને સૂતા, અને ‘આનો તને ભાર તો નથી લાગતો ને’ એમ પૂછતા. એ જ ખોળામાં આજે એક નવું વજન સૂતું છે: ને એનું વહન કરતાં આજે બે મહિના (એક ઋતુ) થયા છે.’—અભિગમ,’ પૃ. ૫૬૫ નાયિકા બે મહિનાથી નવજાત શિશુને પોતાના ખોળામાં વહે છે એવો અર્થ સમગ્ર કાવ્ય સાથે ભાવની દૃષ્ટિએ સંગત થતો નથી અને તેથી એ અર્થ કાવ્યસૌંદર્યને હાનિ પહોંચાડે છે, એવું આ બંને વિવેચકોને લાગ્યું છે અને તે યોગ્ય જ છે. પણ મારી સમજ પ્રમાણે ઉપર જે અન્વય કરવામાં આવ્યો છે તે કવિને અભિપ્રેત અન્વય નથી અને માટે જ એ કાવ્યસૌંદર્યને હાનિકર નીવડે છે. કવિને અભિપ્રેત અન્વય અને અર્થ મને આ પ્રમાણે લાગે છે: `બીજું, વ્હાલા, જિહાં શિર ધરિ, ‘ભાર લાગે શું’ કહેતા, ત્યાં, વીતી ઋતુ એક વહેતાં, નવું વજન સૂતેલું (છે). ’ આ પ્રમાણે અન્વય કરીએ તો એમાંથી આપોઆપ જ એવો અર્થ પ્રાપ્ત થાય કે `તમે જે ખોળામાં (જિહાં) માથું મૂકીને મને પૂછતા કે `ભાર લાગે છે શું?’ ત્યાં, તે ખોળામાં, ગઈ (વીતી) એક ઋતુ વહેતાં એટલે કે પસાર થતાં, નવું વજન સૂતેલું છે.’ એનો અર્થ એ થયો કે નાયિકા પ્રસૂતિ માટે પિયર ગઈ અને તેને પુત્ર પ્રસવ્યો એ બે ઘટના વચ્ચે એક ઋતુ પસાર થઈ છે. આ અર્થ લેતાં, શ્રી ચંદ્રકાંતને અને શ્રી મનસુખભાઈને નડેલી એકે મુશ્કેલી રહેતી નથી અને સમગ્ર કાવ્યના ભાવ સાથે એ પૂરેપૂરો સંગત છે એટલું જ નહિ, એમ અર્થ કરીએ તો જ આ કાવ્યનું સૌંદર્ય અક્ષત રહે છે. ભાઈ શ્રી ચંદ્રકાંત અને મનસુખભાઈ એમણે કર્યો તેવો અન્વય કરવા દોરાયા એનું કારણ `વીતવું’, અને `વહેવું’ એ બે ક્રિયાપદો એક જ ક્રિયાના વાચક તરીકે વપરાયાં છે, એ હોવા સંભવ છે. અને તેથી એ બંનેએ `વીતી’જે વિશેષણ છે તેને ક્રિયાપદ ગણ્યું અને `વહેતાં’નો અર્થ `પસાર થતાં’ છે, તેને બદલે `વહન કરતાં’ એવો કર્યો. તા. ૩૧-૭-૭૭ `બુદ્ધિપ્રકાશ’, ઑગસ્ટ ૧૯૭૭