કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૦. પ્હાડ ઝમતો
Revision as of 07:47, 14 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૦. પ્હાડ ઝમતો|ઉશનસ્}} <poem> અહો હે ખોવાયા પ્રિય સ્વજન! શા સાયક...")
૨૦. પ્હાડ ઝમતો
ઉશનસ્
અહો હે ખોવાયા પ્રિય સ્વજન! શા સાયક થકી,
તમે તીણા શાયે મધુર દરદી વાયક થકી,
ગયાં વીંધી વજ્રોપમ હૃદય આ પ્હાડી અતલ,
ફુવારો જે ફૂટ્યો, વિમલ ફૂટ્યું ગંગાતણું જલ.
વહ્યું તે ધારામાં, વહી રહ્યું અથંભ્યું જ પછી તો,
ગયાં એવું તે શું દરદ પથરે સ્થાપી અચલ,
દ્રવી મૂગા પ્હાણો જલ થઈ રહ્યા વ્હૈ કલકલ?
તમે છેડ્યો’તો તો રમતમહીં જ્વાલામુખી જ, હા;
ચરુ તો લાવાના ઊકળત દ્રવે ખદ્ખદ થતો,
અરે, આ પ્હાડે જો વમન કર્યું લાવા તણું હતે—
જવા દો. આજે એ મુખની પૂરી યાદે નથી રહી,
ગયો છું ભૂલી એ ક્ષણ ક્ષતની તોયે રહી રહી
ઉનાળુ કો કાચા ઘટ સમ હજી રન્ધ્ર શતથી
ભીની માટીગંધે ઉશનસતણો પ્હાડ ઝમતો.
૧૨-૫-૬૩
- (સમસ્ત કવિતા, ‘રસ્તો અને ચહેરા’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૮૨)