કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૦. પ્હાડ ઝમતો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૦. પ્હાડ ઝમતો

ઉશનસ્

અહો હે ખોવાયા પ્રિય સ્વજન! શા સાયક થકી,
તમે તીણા શાયે મધુર દરદી વાયક થકી,
ગયાં વીંધી વજ્રોપમ હૃદય આ પ્હાડી અતલ,
ફુવારો જે ફૂટ્યો, વિમલ ફૂટ્યું ગંગાતણું જલ.

વહ્યું તે ધારામાં, વહી રહ્યું અથંભ્યું જ પછી તો,
ગયાં એવું તે શું દરદ પથરે સ્થાપી અચલ,
દ્રવી મૂગા પ્હાણો જલ થઈ રહ્યા વ્હૈ કલકલ?

તમે છેડ્યો’તો તો રમતમહીં જ્વાલામુખી જ, હા;
ચરુ તો લાવાના ઊકળત દ્રવે ખદ્ખદ થતો,
અરે, આ પ્હાડે જો વમન કર્યું લાવા તણું હતે—

જવા દો. આજે એ મુખની પૂરી યાદે નથી રહી,
ગયો છું ભૂલી એ ક્ષણ ક્ષતની તોયે રહી રહી
ઉનાળુ કો કાચા ઘટ સમ હજી રન્ધ્ર શતથી
ભીની માટીગંધે ઉશનસતણો પ્હાડ ઝમતો.

૧૨-૫-૬૩

(સમસ્ત કવિતા, ‘રસ્તો અને ચહેરા’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૮૨)