દક્ષિણાયન/ચિદમ્બરમ્
દક્ષિણનાં તીર્થોમાં ચિદમ્બરને ઘણું વિશિષ્ટ સ્થાન છે. ચિદમ્બરનું દેવાલય દક્ષિણમાં જૂનામાં જૂનું મનાય છે. ભક્તિ, તત્ત્વજ્ઞાન અને ધર્મસાહિત્ય આ મંદિરની સાથે જેટલાં વિકસ્યાં છે એટલાં અન્યત્ર ક્યાંય નથી વિકસ્યાં. એ સાચે જ માનવની ઊર્ધ્વ આકાંક્ષાઓનું એક કાળે તીર્થ હતું. દક્ષિણની વિદ્વત્તા અહીંથી પોષાતી અને અહીં ઠલવાતી. પરમ ભક્તો અહીં આવીને જીવન સમર્પણ કરતા અને તામિલનું ભક્તિસાહિત્ય પેરિયરપુરાણ તથા અનેક તેવરમ્ – શિવસ્તોત્રો પણ અહીં રચાયેલાં. પરમ દાર્શનિક પતંજલિ તથા વ્યાઘ્રપાદ ઉપર કૃપાવંત થઈ અહીં શિવે તેમને દર્શન દીધાં હતાં. પતંજલિ જેવા તત્ત્વજ્ઞને પ્રગટાવનાર જ્ઞાનની પરંપરા અહીં વિશાળ જ હોવી જોઈએ. મદુરાના સંબંધોમાં જેની કથા જાણીતી છે, તે પરમ શિવભક્ત માણિકવાચકરે અહીં પંડિતોનો પરાજય કર્યો. તેણે પોતાના છેલ્લા દિવસ અહીં કાઢવા અને શિવમાં તે સદેહે જ મળી ગયો. ચંડેશ, તીરુનિલકુંડાનયનર, તીરુનલયોવર, નંબિઅનદરનંબી આદિ પરમ ભક્તોનાં અદ્ભુત ચરિત્ર આ મંદિર સાથે સંકળાયેલાં છે. આમાં છેલ્લા બેની કથા જાણવા જેવી છે. ‘તીરુનલયપ્પોવર’નો અર્થ ‘બીજે દિવસે જનાર’ થાય છે. અહીંથી થોડે દૂર એક તીરપંગુર ગામમાં રહેતો એ શૂદ્ર શિવનો મહાઆસ્થાળુ ભક્ત હતો. શૂદ્રોને દેવદર્શન નિષિદ્ધ જ હોય છે; પણ આની તમન્ના અદ્ભુત હતી. તે પોતાના ગામના શિવમંદિરની સામે આવી દૂર હાથ જોડીને ઊભો રહેતો; પણ વિરાટ દેહનો નંદી શિવલિંગને ઢાંકી દેતો હતો. ભક્તની મૂંઝવણ સમજી શિવે નંદીને કહ્યું, ‘તું રસ્તામાંથી જરા દૂર બેસ કે મારો ભક્ત મને જોઈ શકે.’ગર્ભદ્વારની બરાબર સામે બેઠેલો નંદી હઠ્યો. શિવનાં દર્શન તીરુનલયપ્પોવરને થયાં. નંદી હઠ્યો એ તો મહાચમત્કાર બની ગયો. ગામમાં ઘેર ઘેર વાત ફેલાઈ. એક શુદ્ર આવો પરમભક્ત છે! કેટલાક સમભાવીઓ કહેવા લાગ્યા, ‘અલ્યા, તારે હવે ચિદમ્બરમ્ના નટરાજનાં દર્શન કરવાં જ જોઈએ.’તીરુનલયપ્પોવરની એ તીવ્ર આકાંક્ષા તો હતી જ; પણ જવું કેવી રીતે? તે જે બ્રાહ્મણને ત્યાં ચાકર રહેતો હતો તેણે આવા અધર્મી કાર્યમાં પોતાની સંમતિ ન આપી. એક શૂદ્ર પરમ મહેશ્વરનાં દર્શન કરે? કદી નહિ! લોકોનો આગ્રહ તો ચાલુ જ હતો. તે પણ કહ્યા કરતો: ‘જઈશ, ભાઈ! જઈશ. આજ નહિ તો કાલે; આજ નહિ તો કાલે.’ એના એ જવાબથી એનું નામ જ ‘સંભાંડનંદ’માંથી ‘તીરુનલયપ્પોવર’ — ‘બીજે દહાડે જનાર’ પડી ગયું. છેવટે શાસ્ત્રોએ યુક્તિ શોધી આપી. શૂદ્ર શૂદ્રદેહે ચિદમ્બરમાં તો ન જ જઈ શકે. એ જો અગ્નિપ્રવેશ કરે અને જીવતો રહી નવી કાયા મેળવે તો તેને દર્શન મળી શકે ખરાં. સંભાંડનંદે અગ્નિપ્રવેશ કર્યો. જીવતો શુદ્ધ સુવર્ણ જેવો તે બહાર નીકળ્યો અને ચિદમ્બરમ્નો પરમ ભક્ત બન્યો. નંબિઅનદરનંબી અહીં પાસેના તીરુનઈયુરમાં રહેનાર એક અભણ બાળક હતો. મુગ્ધ નામદેવે ઈશ્વરને હાથોહાથ દૂધ પાયું તેમ ભક્તિના બળે તેણે વિનાયકને ભાત ખાવાની ફરજ પાડી હતી. વિનાયકની પ્રસન્નતા વિદ્યાના રૂપમાં ઊતરી. શિવનાં સ્તોત્રો – તેવરના ઉદ્ધાર કરનાર તરીકે તે જાણીતો છે. શિવસ્તુતિનાં આવાં વિદ્યમાન હજારો પદ ક્યાં છે તે કોઈ જાણતું ન હતું. વિનાયકે તે જ્ઞાન તેને આપેલું હતું. રાજાએ એ તેવરો જાણવાની ઇચ્છા બતાવી. ચિદમ્બરના મંદિરના વાયવ્ય ખૂણામાં પડેલાં એ સ્તોત્રો તેણે લાવી આપ્યાં. પેરિયરપુરાણ એ ૬૩ શિવભક્તોની ચરિત્રગાથા છે. એમાં અહીંના કેટલાક ભક્તોનો સાચો ઇતિહાસ પણ મળી આવે છે. અહીંના વસંતમંડપમાં એ રચાયું અને એ ગવાતું પણ ત્યાં જ. પણ આ માનવચરિત્ર કરતાંયે જ્ઞાનરૂપી અંબર ધારણ કરનાર ચિદમ્બર નટરાજનો મહિમા અપૂર્વ છે. દેવનો સાક્ષાત્કાર સાચા ભક્તને કદી દુર્લભ નથી રહ્યો. અત્યારે જ્યાં નટરાજની મૂર્તિ છે તેની સામેની ચિત્ સભામાં નટરાજે નૃત્ય કરેલું છે. એ નૃત્યનાં નજરોનજર દર્શન કરનાર ભક્ત ગોવિંદરાજ પેરુમલનું પણ અહીં મંદિર છે. આ બધા ભક્તોની પ્રતિમાઓ મંદિરમાં વિદ્યમાન છે. આ રીતે ચિદમ્બરમ્ તત્ત્વજ્ઞાન, ભક્તિ અને સાહિત્યની ત્રિવિધ પાર્થિવ સિદ્ધિ ઉપરાંત દેવની સાક્ષાત્ સ્થિતિને લીધે મહાપવિત્ર ધામ ગણાય છે. એની ઉત્પત્તિનો ઇતિહાસ પણ અદ્ભુત કહેવાય તેવો છે. એક કાળે અહીં કેવળ અરણ્ય જ હતું. ઉત્તરનો રાજા સિંહવર્મા દક્ષિણના દિગ્વિજય માટે ફરતો ફરતો આ જંગલમાંથી જતો હતો. એક તળાવ પાસે તેનો પડાવ પડ્યો. તળાવમાં તે નાહ્યો. તેની કાયા સોનાની બની ગઈ અને તેણે દેવની સ્થાપના કરી. પછીથી તે હિરણ્યવર્માને નામે ઓળખાવા લાગ્યો. આ આખી ભૂમિમાં જ કોઈ અલૌકિક લક્ષણો હતાં. ચિત્સભાની પાસેના કૂવામાંથી પુષ્કળ સોનું મળી આવ્યું. એ સોનામાંથી નટરાજના મંદિરનું છાપરું બનાવવામાં આવ્યું. પણ ચિદમ્બરમ્નો આ મહિમા કહેવાને ત્યાં કોઈ નવરું નહોતું. અમારો પંડો પેલી ગુજરાતી યાત્રામંડળીને લઈ મંદિરમાં એક આંટો ફેરવી એક ખૂણામાં બેસી આરતી-અર્ચનાઓના જુદા જુદા ભાવતાલ સમજાવતો હતો. ચિદમ્બરમ્ના મંદિરની વિશેષતા એ છે કે અહીં શિવલિંગ જ નથી. એ લિંગ વાયુનું બનેલું હોઈ કોઈ જોઈ શકતું નથી. પણ જ્યાં એ લિંગની સ્થાપના છે તે સ્થળ પણ હરકોઈને બતાવવામાં આવતું નથી. શિવલિંગને બદલે નટરાજની સુવર્ણપ્રતિમા પૂજાય છે. સોનાના છાપરા નીચે વિરાજમાન આ સોનાના દેવાધિદેવ નટરાજનાં દર્શને જતાં અહીં પણ શરીર પરથી વસ્ત્ર ઉતારવું પડ્યું. બેએક ફૂટ ઊંચા નટરાજ તેમની અદ્ભુત ભંગીયુક્ત નૃત્યસ્થિતિમાં તેજભર્યાં બ્રહ્માંડગોલકોની કમાનમાં ઊભા હતા; પણ એમના પરમ નૃત્યાવેગને પૂજારીઓએ વસ્ત્રોમાં ઢાંકી દીધેલો હતો. હું ધારું છું, પોતાની આ દશાથી નટરાજ પોતે પણ મૂંઝાતા હશે. એમણે જ્યાં નૃત્ય કરેલું તે ગર્ભગૃહની સામે જ આવેલી ચિત્સભામાં સ્ફટિકના શિવલિંગ ઉપર બ્રાહ્મણો મહાભિષેક કરી રહ્યા હતા. ભાતનો એક મોટો ઢગલો પાસે પડ્યો હતો. ‘દેખો યે સ્ફટિક કા શિવલિંગ હૈ!’ અભિષેક કરતાં અટકીને ભૂદેવો બોલતા હતા. દોલત, મણિમાણેક કે સમૃદ્ધિના ઝગમગાટનો મોહ જેણે છોડ્યો હશે તેણે છોડ્યો હશે; પણ ચોવીસે કલાક દેવસાંનિધ્યમાં રહેતા અને ઉપાસનામાં જીવન વિતાવતા આ ભૂદેવોએ તો તે નથી જ છોડ્યો. નટરાજના ગર્ભમંદિરનું છાપરું સોનાનું હતું; પણ તેમાં સોનાનો સુ-વર્ણ ન હતો. પેલી અંગ્રેજી કહેવત ‘ચળકે તેટલું સોનું નથી.’તેને ઊલટાવતાં પણ શું ખરી રહે છે કે ‘સોનું તેટલું ચળકે નહિ’? ગમે તેમ હો, છાપરા પર ઘણી ધૂળ ચડી ગઈ હશે. મીનાક્ષીનું સુવર્ણશિખર જે ઓપથી ઝળકતું હતું તે ઓપ અહીં ન હતો. છાપરું સોનાનું ભલે હોય, પણ અહીં ખરું આકર્ષણ તો ગર્ભગૃહને ફરતા ઊભેલા કાળા પથ્થરના ચળકતા થાંભલાનું હતું. ગર્ભગૃહને ફરતો ખુલ્લો ચોક ઊંચા રવેશથી બાંધી લેવાયેલો છે. અનેક શિવલિંગોની તેમાં સ્થાપના હતી. એક લિંગ ઉપર તો સહસ્ર લિંગ કોતરી કાઢેલાં હતાં. રવેશના ઓટલાની પડઘી અને ભીંતો ઉપર નૃત્યાકૃતિઓની એક સળંગ હાર આવેલી હતી. એ હારમાં એકબીજાના હાથ ઝાલી ફૂદડી ફરતી એક સહિયરોની જોડીએ અમને ઘડીક થંભાવી રાખ્યાં. એ યુગલનું સંગીત નિર્વાદ હોઈ તેનું વર્ણન અપેક્ષિત નથી અને નૃત્યના વર્ણન માટે ભરતનાટ્યશાસ્ત્રને ભણીને તેને વળી મારે ટાંકવું પડે. ગુજરાતી બોલતો અહીંનો પંડો એક આકર્ષક વ્યક્તિ હતો. ઊંચા સૌષ્ઠવભર્યા પડછંદ શરીરનો હજી ગભરુ ઉંમરનો અને આપણા જેવા આરક્ત તામ્રવર્ણનો, મીઠા હોઠવાળો એ બોલતો ત્યારે પણ મીઠો લાગતો. એની ઉઘાડી કાયા મનોહારી હતી અને માથા ઉપર ડાબી બાજુએ લમણે જટા આકારે બાંધેલી વાળની જટા તેની આકૃતિને અજબ ઉઠાવ આપતી હતી. જાણે શંકર ઊતરી ન આવ્યા હોય! પૈસાથી પ્રેરાતા આ જગતમાં તેની ભક્તિનું તથા યાત્રીઓની સેવાનું લક્ષ્ય પૈસો ભલે હો, છતાં તેના શરીરસૌન્દર્યની કદર ન કરું તો આ પથ્થરની પ્રતિમાઓમાં સૌન્દર્ય શોધવાના મારા પ્રયત્નો નિરર્થક જ ગણાય. ચિદમ્બરમ્માં બીજું કાંઈ નહિ તો મંદિરનાં પૂર્વ અને પશ્ચિમનાં ગોપુરમ્ જોઈ જાઓ તોય બસ. કારણ કે આખા દક્ષિણમાં જે ક્યાંય નથી તે આ ગોપુરમ્માં છે; એ ગોપુરમ્માં દરવાજાની બે બાજુની ઊંચી ભીંતો ઉપર આખું ભરતનાટ્યશાસ્ત્ર શિલ્પમાં મૂર્ત થયેલું છે. દીવાલ પર ચોરસ તકતીઓમાં ભરતે યોજેલા નૃત્યભંગો ક્રમસરે ઉતારવામાં આવ્યા છે. નૃત્યકળાની દક્ષિણમાં કેટલી જીવંત ઉપાસના હતી, કેટલી શાસ્ત્રીય ચોક્કસતા હતી તે આ ચિત્રમાળા બતાવી આપે છે. શિલ્પ, સંગીત અને નૃત્ય ત્રણે કળા હાથમાં હાથ મેળવીને અહીં વિચરતી રહી છે અને મનુષ્યના કૃતજ્ઞ અંતરે તે ત્રણેને જગતના પરમતત્ત્વના ચરણમાં ઠાલવી છે. મંદિરો એ વખતે તો ખરે જ પ્રજાના જીવનનિષ્કર્ષની મંજૂષા અને માનવી પ્રતિભાનાં સર્વ સર્જનોનાં સંગમસ્થાન જેવાં હતાં. ચિદમ્બરમ્ની વિદાય લેતાં પહેલાં શહેરની ભાગોળમાં વહેતી કાવેરીની નહેરનું સ્મરણ કરી લેવું જોઈએ. એના સાંકડા પટમાં પણ નદીનો વેગ હતો. એનું સ્નાન કદાચ અમારું પહેલું જ કાવેરીસ્નાન હતું. ચિદમ્બરમ્ને મહત્ત્વ આપનારી બીજી વસ્તુ ત્યાં સ્થપાયેલી અન્નામલય યુનિવર્સિટી છે. મદ્રાસના એક ધનાઢ્ય રાજા અન્નામલયના ૩૩ લાખના દાનમાંથી જન્મેલી આ સંસ્થા શિક્ષણનું મોટું કેન્દ્ર બની રહી છે. ત્યાંના કૉલેજિયનોની એક પ્રવૃત્તિમાં લોકસેવા પણ છે. તેઓ આજુબાજુનાં ગામડાંમાં જાય છે, લોકો સાથે હળેમળે છે અને રાત્રિશાળાઓ પણ ચલાવે છે. યુનિવર્સિટીના કુલનાયકપદે દક્ષિણ હિંદની વિભૂતિ એવા શ્રીનિવાસ શાસ્ત્રી છે. હિંદ સરકારના એક વખતના આ મહાન અધિકારી એક સુંદર પણ સરળ બંગલામાં રહે છે. ગમે ત્યારે તેમને મળી શકાય છે. એ તકનો લાભ કેમ ગુમાવવો? ઘણી જ સરળતાથી તેમને મળી શકાયું. તેઓ જમીને આવ્યા. છૂટી પાટલીનું ધોતિયું અને શરીર પર એક ખમીસ અને પારાવાર નમ્રતા. એક પરમ સાદા બ્રાહ્મણ. આ સાદાઈમાં તેઓ સરકારના પ્રતિનિધિનું ગૌરવ કઈ મહત્તાથી ધારણ કરતા હશે? મહાનની મહત્તાથી. એ જ જવાબ હોઈ શકે. અમદાવાદને તેઓ સારી રીતે ઓળખે છે. ગૂજરાત વિદ્યાપીઠના દરવાજા સુધીની એમની મુલાકાતનું તેમને મેં સ્મરણ કરાવ્યું ત્યારે તેઓ હસ્યા. ઑટોગ્રાફ લેવાની ટેવ કે શોખ વિનાના મને પણ તેમના હસ્તાક્ષરની ઇચ્છા થઈ આવી. મારા પ્રવાસના હિસાબની લીટીઓવાળી નોટ મેં તેમનાં હાથમાં ધરી. મારી પેનમાં છેવટની ઘડીએ સાહી થઈ રહી હતી. તેમની સાથે ઊભેલા એક જુવાન પાસે મેં પેનની માગણી કરી. મારા ખિસ્સામાંથી દેખાતી પેનની પિન તરફ આંગળી કરી તેઓ બોલ્યા, ‘અરે, તમારા ખિસ્સામાં છે ને?’ મને થયું, ‘અરે, આ કેટલું ઝીણું જુએ છે!’ ‘એ છેલ્લી ઘડીએ દેવાળિયણ બની છે.’મેં ક્ષમાભર્યા અવાજે કહ્યું. તેમણે નોટ ઉઘાડી. નોટનાં પાનાંને આંગળીથી દબાવીને ફડફડ ફેરવી લીધાં અને નોટને આડી પકડી તેમાંની નાનકડી લીટીઓને વીંધતી, કાપતી, આખા પાનાને ભરી દેતી સહી કરી આપી. આપણી પ્રાકૃત શક્તિ માટે આધાર તરીકે અનિવાર્ય એવી લીટીઓને અતિક્રાન્ત કરી, સ્વૈર છતાં સ્વસ્થ રીતે વિચારતી શાસ્ત્રીની પ્રતિભાનો પરચો આથી વિશેષ બીજો કયો હોઈ શકે?