દક્ષિણાયન/કાવેરી-કુંજમાં


કાવેરી-કુંજમાં

હવે પૂર્વમાં. અનેક માઈલો સુધી પોતાના વરદ હસ્ત લંબાવી કાવેરીએ આ પ્રદેશને લીલોકુંજાર કરી મૂક્યો છે. તાંજોર જિલ્લો દક્ષિણનો બગીચો કહેવાય છે. અહીં પ્રકૃતિ અત્યંત મધુર અને સમૃદ્ધ બનેલી છે. એ સમૃદ્ધ પ્રકૃતિમાં ધાર્મિકતા પણ એટલી જ ફાલેલી છે. આટલા સો-દોઢસો માઈલના વિસ્તારમાં જ મોટા મોટા મહિમાવાળાં સેંકડો તીર્થ આવેલાં છે. કોઈ એની પુરાતનતાથી, કોઈ શિલ્પથી, કોઈ ધાર્મિક મહિમાથી અને કોઈક એ સર્વથી પોતપોતાનું અનોખું મહત્ત્વ ધરાવે છે. એ સર્વની યાત્રા કરનારે તો આટલામાં જ મહિનો આપવો પડે. એ અસંખ્ય તીર્થોમાંથી અમે ત્રણ જ પસંદ કર્યાં: તાંજોર, કુંભકોનમ્ અને ચિદંબરમ્. આ સ્થળો એટલાં પાસે પાસે છે કે તમે ધારો તો એક જ દિવસમાં બધાં જોઈ શકો. ત્રિચીથી તાંજોર ૩૦ માઈલ, ત્યાંથી ૨૫ માઈલ પર કુંભકોનમ્ અને કુંભકોનથી ૪૩ માઈલે ચિદંબરમ્. આજના તાંજોરને ત્રિચીનું પરું જ કહેવું જોઈએ. ચૌલ નાયક અને મરાઠા રાજાઓ અહીં રહેતા હશે ત્યારે ત્રિચી પણ તાંજોરનું પરું ગણાતું હોવું જોઈએ. તાંજોરના મરાઠા રાજાઓ ઘેર બેઠાં બેઠાં, એક ઊંચા ઝરૂખા પર ચડી શ્રીરંગમ્‌નાં દર્શન કરતા હતા. આજે પણ શ્રીરંગનાં ગોપુરોની ટોચ પરથી કે તાંજોરનાં દર્શનશિખર પરથી અરસપરસને જોઈ શકાય તેમ છે. સાઠ હજારની વસ્તીનું ત્રણેક માઈલના વિસ્તારનું તાંજોર ઘણું શાંત લાગ્યું. મરાઠાકાળનું વાતાવરણ હજી એના પર વળગી રહ્યું લાગે છે. સાંકડી બજારો, નાનાં ઘર અને મામૂલી બજાર જોતાં જોતાં અમે બૃહદીશ્વરના મંદિરે પહોંચ્યાં. તાંજોરમાં બે દર્શનીય વસ્તુઓ છે, બૃહદીશ્વરનું મંદિર અને મરાઠા રાજાનો મહેલ. આ ભૂમિ ઉપર એક કાળે તંજન નામે રાક્ષસ હતો. રાક્ષસ હોય એટલે તે ઉપદ્રવ તો કરે જ અને તેને મારવા વિષ્ણુને આવવું પણ પડે જ. વિષ્ણુ નિલમેગ પેરુમલ રૂપે આવ્યા. રાક્ષસને સંહાર્યો. પણ ભૂમિ સાથે તેમનું નહિ, પણ રાક્ષસનું નામ જ જોડાઈ ગયું! તે આ તંજનપુર અને તેમાંથી તંજાવર — તાંજોર. અગિયારમી સદીની પ્રથમ પચીસીઓમાં રાજા રાજદેવ ચૌલે બૃહદીશ્વરનું મંદિર બંધાવ્યું. નવ સદીના ઘસારા મંદિર ઉપર ચોખ્ખા દેખાય છે. આખા દક્ષિણમાં તાંજોરનું મંદિર ખાસ વિશિષ્ટતા ધરાવે છે. આ મંદિરની રચનામાં પ્રધાન સ્થાન મંદિરના મુખ્ય શિખરને જ છે. આપણા તરફનાં મંદિરોની જ જાણે ઘણી મોટી આવૃત્તિ. સ્થાપત્યનાં અભ્યાસીઓને માટે મંદિરોનાં શિખરો એ એક રસિક વિષય થઈ પડેલો છે. લગભગ બસો ફૂટ ઊંચાઈનું, આકાશમાં સળંગ ઊંચે વધ્યે જતું કોઈ ચતુર્બાજુ વિરાટ સોગટી જેવું એ શિખર પોતાની ઉત્તુંગતાથી આખી રચનાને પ્રભાવિત કરતું ભવ્ય અસર પ્રગટાવે છે. આવી ભવ્ય અસર ઉપજાવનાર હિંદભરમાં બીજું શિખર ભુવનેશ્વરના મંદિરનું જ છે. અહીંથી જેમ જેમ દક્ષિણમાં જતા જઈએ છીએ તેમ તેમ મંદિરનું શિખર નીચું થતું જાય છે. મંદિરની આખી યોજનામાં તેને ગૌણ સ્થાન મળતું જાય છે અને ગોપુરમ્‌ ઊંચાં ને ઊંચાં વધતાં જાય છે. ગોપુરમ્‌ની ભવ્ય કાયામાં શિખર ઢંકાતું જાય છે તે એટલે સુધી કે મદુરામાં મીનાક્ષીના સુવર્ણશિખરને જોવા માટે તો કોટમાં ખાસ કાણું કરવું પડ્યું છે. અમે તો દક્ષિણમાંથી ઉત્તરમાં આવ્યા હતા એટલે અમને મંદિરશિખરનો આ અધોવિકાસ ઊર્ધ્વવિકાસ રૂપે જ જોવાનો મળ્યો. મંદિરના કેન્દ્રવર્તી શિખરને ઢાંકી દેતી ગગનગામી ગોપુરોવાળી રચનામાં એક ગેરલાભ એ છે કે મંદિરની કલાકૃતિ તરીકેની સમગ્ર અસર કદી ઊઠતી નથી. બૃહદીશ્વરને જોતાં જ તેનું ઉત્તુંગ શિખર તેની આજુબાજુની મનોરમ રચનાઓની રસિકતાને એકાગ્ર કરતું રસકેન્દ્ર બની રહે છે. મદુરા, રામેશ્વર કે શ્રીરંગનાં મંદિરોમાં રસનું કેન્દ્ર શોધવું કઠણ થઈ પડે છે. અલબત્ત, તે મહામંદિરો પાછળ પણ યોજના તો છે જ, છતાં દ્રષ્ટાની રસવૃત્તિને કેન્દ્રિત કરી શકે એવું એકે અંગ તેમાં નથી. આનું કારણ આપણને મંદિરોના ઇતિહાસમાં મળી આવે છે. પ્રથમથી યોજાયેલી યોજના પ્રમાણે બંધાયેલાં અને તેવા જ રૂપે ટકી રહેલાં મંદિરોમાં મૂળ યોજકની કલ્પનાની સુંદરતા બરાબર જળવાઈ રહી છે; પણ તે પછીથી નવા નવા ઉત્સાહી ભક્તો મંદિરની ઉપર પોતાની ભક્તિ ઠાલવતા જાય છે. એક વાર પ્રાણપ્રતિષ્ઠા પ્રાપ્ત કરી ચૂકેલા દેવના મંદિરમાં સુધારાવધારા શક્ય નથી રહેતા. બહુ બહુ તો મંદિરનું શિખર પથ્થરનું હોય તો તેને ચાંદી કે સોનાનું કરી શકાય. એટલે ભક્તોએ મંદિરની પાસે બીજું મંદિર બંધાવવાનું રહે, મંદિરને ફરતો કોટ બંધાવવાનો રહે કે પસંદ પડે તેટલાં ઊંચાં ગોપુર બંધાવવાનાં રહે. આમ મૂળ મંદિર કાયમ રહી તેની આજુબાજુ નાનીમોટી રચનાઓ ઊભી થતી જાય છે. એમાં પછી સંવાદ બહુ થોડા રહે છે. કળાકૃતિ તરીકેનું ઐક્ય તેમાં ભાગ્યે જ ટકી રહે છે. મંદિરોમાં ભક્તિભાવની સાથે સાથે ચાલતો કળાભાવ ગૌણ બની જાય છે. એ ભક્તિની ભાવના કળાસર્જનના પ્રયત્નમાં પરિણમતી છતાં, તે કળા સરજાવતી નથી. અહીં સરજાય છે ભક્તિનાં સ્મારકો અને અસંવાદિત કળા અને તેની સામે કોઈ વાંધો પણ ઉઠાવતું નથી. ભક્તજનોને ભક્તિના પાત્રરૂપ દેવતાની જ પહેલી જરૂર હોય છે. એ ભક્તિને લીધે એક જ મંદિરની આસપાસ ધર્મશાળામાં પડેલા ઉતારુઓ પેઠે અસ્તવ્યસ્ત દેવાલયો ઊભાં થાય છે. મદુરા ઇત્યાદિનાં ગગનગામી ગોપુરમ્‌ રાજાસંસ્થાની આસપાસ ઊભી થયેલી ભવ્ય પ્રજાકીય સંસ્થાઓ જેવાં લાગે છે. પ્રજા ઉપર ખરો પ્રભાવ તેઓ જ પાડે છે. બૃહદીશ્વરનું મંદિર અનાવૃત રાજત્વ જેવું પોતાનો શુદ્ધ પ્રતાપ પાથરતું ઊભું છે; પણ રાજાસંસ્થા પેઠે તેના પર પણ કાળના ઘસારા સ્પષ્ટ દેખાય છે. આ મંદિર બંધાયા પછી એની મૂળ રચનામાં કાંઈ ખાસ ફેરફાર થયા નથી. એના કોટની આસપાસ મરાઠા રાજાઓએ ખાઈ ખોદાવી છે. એટલો એક ઇષ્ટ ઉમેરો નોંધવો જોઈએ. નાનકડા ગોપુરમ્‌માં પ્રવેશતાં સામે જ વિશાળ ચોકમાં નંદીમંડપ અને તેની પછી ઉત્તુંગ શિખરનું સ્થાકાર બૃહદીશ્વરનું દેવાલય. અહીંનો નંદી દક્ષિણમાં મોટામાં મોટો છે. રતૂમડી કિરમજી વિરાટ કાયાવાળો તે ચામુંડી હિલ, બેંગલોર કે રામેશ્વરમૂના નંદીઓનો મોટો ભાઈ લાગે છે. એ છે શાંત, ગંભીર અને દઢદેહ. તેની આસપાસ ગોઠવેલી સળિયાની જાળી તેના રક્ષણ માટે આવશ્યક હશે, પણ તેના સૌંદર્યને તો તે રૂંધે જ છે. મંદિરોમાં પુરાયેલા આ સૌ સાંઢિયાઓ કરતાં પેલો ચામુંડી હિલ પરનો નંદી વધારે મુક્ત અને ગૌરવયુક્ત લાગે છે. મંદિરમાં કેટલાક વિરાટ અંગોવાળા દ્વારપાળો, ગણેશ આદિ શિવમંડળ અને છેવટે શિવ તો હોય જ. એકાદ-બે ભિક્ષાર્થી છોકરાઓ સિવાય બીજું કોઈ અહીં હતું નહિ. રામેશ્વરમ્ જેવા ભવ્ય વિશાળ પ્રદક્ષિણાપથ-સ્તંભમાર્ગો પણ અહીં ન હતા. આની અસર એક એકલ ખંડકાવ્ય જેવી નિરાળી જ હતી. બહાર નીકળીને અમે મંદિરની ટોચ તરફ નજર નાખી. આ ટોચને દક્ષિણમાં અજોડ બનાવવી એ સ્પષ્ટ ઉદ્દેશથી જ આ રચના થઈ છે. ૨૦૦ ફૂટ ઊંચાઈએ એ શિખરના અખંડ પથ્થરને ચડાવ્યો શી રીતે હશે? અહીંથી પાંચ માઈલ લાંબો રેતીનો ઢાળ કરીને! જે ઠેકાણે આ ઢાળ પહોંચતો હતો તે સ્થળે આવેલા ગામનું નામ પણ આ ઘટનાના સ્મારકરૂપે રાખ્યું છે. આ શિખરની બીજી ખૂબી એ છે કે એનો પડછાયો કદી જમીન ઉપર પડતો નથી. મંદિરનાં ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ પડખાં ઉપર આછું પણ સુરેખ શિલ્પ છે. શિખર ઉપર એક વિચિત્ર સંયોજન ધ્યાન ખેંચે છે. આ મંદિરના બાંધનાર શિલ્પીને ઇતિહાસદેવતાની પ્રેરણા થઈ અને તેણે તાંજોરના ભાવિ અધિષ્ઠાતાઓને અહીં આલેખ્યા. ચૌલ, નાયક, મરાઠા અને અંગ્રેજની મૂર્તિઓ બનાવી તેણે વિમાન ઉપર ગોઠવી દીધી. આ ઐતિહાસિક ઘટનાનો ક્રમ તો છે; માત્ર આ મૂર્તિઓની ઐતિહાસિકતા સાચી છે કે કેમ તે જોવાનું રહે છે. તે પછીથી પણ મૂકેલી કેમ ન હોય? રાજાનું બંધાવેલું મંદિર રાજાઓ હિંદુ રહ્યા ત્યાં લગી પુષ્કળ રાજ્યાશ્રય પામતું રહ્યું; પણ વૈષ્ણવ, મરાઠા રાજાઓના વખતમાં તે જરા ઉપેક્ષાયું તો હશે જ. ઘર-આંગણાના બૃહદીશ્વરનાં દર્શન કરવાનાં મૂકી તેમની રાણીઓ ત્રીસ માઈલ દૂરના શ્રીરંગનાં દર્શન ઝંખતી. તેનાં દર્શન વિના અન્ન ન ખાતી. મરાઠા રાજાના મહેલના ભાગમાં અહીં રહ્યાં રહ્યાં શ્રીરંગનાં દર્શન કરવાને યોજેલો એ ઊંચો ટાવર પણ છે જ. મંદિરના ઉત્તર ભાગમાં સુબ્રહ્મણ્યનું એક અતિશય નાજુક નમણું દેવાલય છે. એની ભીંતો પર શિલ્પ નથી પણ તેની બાજુઓનું માત્ર ઊભી રેખાઓમાંથી જ એવું ઉત્તમ સંયોજન છે, તેની આખી રચનાનો એવો માર્દવભર્યો ઉઠાવ છે કે તેની જોડ દક્ષિણમાં મળવી મુશ્કેલ છે. મરાઠાઓનો મહેલ ઇતિહાસનું એક ગ્લાનિભર્યું જીવતું ખંડેર છે. તંજાવરના રાજવીઓમાં છેલ્લા આવતા મરાઠા રાજાઓનો વંશજ અંગ્રેજ સરકારનું પેન્શન ખાતો આ મહેલના એક ઉજ્જડ ભાગમાં વસે છે. ભોમિયાનું કામ કરતો એક માણસ તમને આ સ્થળનો ઇતિહાસ અને તેની નાનીમોટી વસ્તુઓની હકીકતો સમજાવે છે. આ મહેલમાં પણ દ્રવ્યાર્થીઓ મંદિર બનાવવાનું ચૂક્યા નથી. એમની દયા ખાતર પણ પૈસો મૂકવાનું મન થાય. મહેલનો મોટા ભવ્ય દરવાજાઓવાળો ભાગ ઉજ્જડ છે. મહેલ જ્યાં સારો રહ્યો છે ત્યાં સરકારની ઑફિસો બેસે છે. પ્રતાપી ચૌલ રાજાઓની આ વિક્રમભૂમિ ઉપર આજે અંગ્રેજ સરકારના મુલ્કી કારકુનો બેઠા બેઠા સરકારી કાગળિયાં પર બિલાડાં ચીતર્યા કરે છે. એ રાજાઓની કથા અત્યારે એકાદ ભોમિયાને દિવસનું ચાર-આઠ આનાનું પેટિયું મેળવી આપે છે. રાજાનો વંશજ મહેલના એક ખૂણામાં પડ્યો રહે છે. અર્થપરાયણ સ૨કા૨ મહેલનો ખપજોગો ભાગ જાળવી રહી છે અને બાકીનો ભાગ કાળના ઘસારાને ધીરતાપૂર્વક ઝીલી રહી પોતાના મૂળ મિટ્ટી રૂપમાં મળી જવાની રાહ જોઈ રહ્યો છે. તાંજોર છોડ્યું ત્યારે મનમાં એક વસવસો રહી ગયો. તાંજોરની જીવતી સમૃદ્ધિ એવાં દક્ષિણમાં ઉત્તમોત્તમ ગણાતાં તાંજોરી નૃત્ય અને સંગીત એ અમે જોયા વિના જ જતાં હતાં. અમારી જોવાની ઇચ્છા છતાં એ શક્ય ન હતું. મલબારમાં ફરી આવ્યાં છતાં ત્યાંની કથકલી ન જોઈ શક્યાં. તાંજોર આવી ગયાં છતાં ત્યાંનું નૃત્ય અને સંગીત જોઈ-સાંભળી ન શક્યાં; પણ એ વસવસો ઓછો થવાનો હવે સંભવ છે. પ્રાંતોમાં પુરાયેલી આપણી કલાઓ આખા દેશને પ્રવાસે નીકળવા માંડી છે એ આનંદની વાત છે. કથકલી અમદાવાદ-સુધી આવી ગઈ. હવે તાંજોરનું નૃત્ય પણ જોવા મળશે, ત્યાંનું સંગીત પણ સાંભળવા મળશે. આપણી પ્રત્યેક વિશિષ્ટ પ્રાંતીય સમૃદ્ધિ આંતરપ્રાન્તીય થવી જોઈએ; નહિ તો આટલા વિશાળ દેશની દૂર દૂર પડેલી બધી પ્રજા પ્રાંતે પ્રાંતે ટાંકણાસર પહોંચીને તેનો આસ્વાદ કેવી રીતે લઈ શકવાની છે? આ ભાગનો પ્રવાસ અમે મોટરમાં કર્યો એ જ સારું થયું. રેલવે-ટ્રેન અમને આ સમૃદ્ધ કુદરતની હરિયાળી કુંજગલીઓમાં આટલી નિકટતાથી શું ફેરવવાની હતી કદી? રેલવેના રસ્તા હંમેશાં એમનું ચાલે ત્યાં લગી, પૃથ્વીના હૃદયની મધુરી લહરીઓને સપાટ કરતા આસપાસની ખૂબસૂરતીને દૂર ઠેલતા જાય છે. મોટર બેશક ઝડપથી જાય છે. ધરતીના હૃદય સાથે પગલે પગલે આપણું શરીર ચાંપીને ચાલવાનું પરિક્રમણ એ જ ખરું પૃથ્વીપર્યટન છે; છતાં સમયની સંકડાશના આ યુગમાં ખૂબ મદદરૂપ બનતું આ ઝડપી વાહન આપણને પૃથ્વીના હૃદયથી બહુ દૂર તો લઈ જતું નથી જ. પૃથ્વીના હૃદયની લહરીઓની ચઢઊતર માણતાં તેના પ્રત્યેક અંગનો પુણ્યસ્પર્શ મેળવતાં અમે વધ્યાં ગયાં. તાંજોર જિલ્લો ખરે જ મદ્રાસ ઇલાકાનો બગીચો છે. રસ્તાને પડખેથી નાની નાની નહેરો કાવેરીનાં પાણીને લઈને દોડ્યે જતી હતી. લીલાંછમ ખેતરો ગીચ ઝાડીમાંથી થોડાંક થોડાંક ડોકિયાં કરતાં હતાં. મલબાર કરતાં પણ આ ભૂમિ એક રીતે વધારે રળિયામણી હતી. અહીં મલબારનો ભેજ નહોતો અને છતાં મલબારની બધી ભરચક હરિયાળી હતી. પચીસ માઈલનો રસ્તો એક નવજુવાન તાંજોરી સાથે વાતોમાં વીતી ગયો. તાંજોરની સરકારી કચેરીમાં જ તે કામ કરતો હતો. ગુજરાતની સામાજિક, ધાર્મિક વિશેષતાઓ અતિ આતુરતાથી એ પૂછવા લાગ્યો. મેં એના દેશની વિશેષતાઓ પૂછી. સામાજિક જીવનનાં અનિષ્ટો આખા હિંદમાં સરખાં જ છે. સંસ્કૃતિની એકતાનું આ પણ એક પ્રબળ ઉદાહરણ જ છે ને! તાંજો૨ અને કુંભકોનમાં ઘણો ફેર છે. કુંભકોનમ્ તાંજોર કરતાં મોટું છે. વસ્તી બેએક હજાર વધારે છે. કેળવણીનું કેન્દ્ર છે અને એનું ધાર્મિક માહાત્મ્ય તો તાંજોર કરતાં કેટલાય ગણું છે, બલકે આખા દક્ષિણનાં ઉત્તમ તીર્થોમાંનું આ એક છે. કુંભકોનમાં પુષ્કળ મંદિરો છે. એને મંદિરોનું જ શહેર કહીએ તોપણ ચાલે. આટલાં બધાં મંદિરો અહીં ક્યાંથી અને શા માટે આવ્યાં? જલપ્રલયમાં પૃથ્વી ગરક થઈ ગઈ. કલિયુગ માટે બ્રહ્મા જગતનું નવવિધાન કરવા લાગ્યા. પ્રલયંકર રુદ્રે તેમને કહ્યું, ‘વાત કહું, બ્રહ્મદેવ! જરા સાંભળી લો. પૃથ્વીનો પ્રલય કરવા છતાં પણ મેં તેનું અમૃત આ કુંભમાં સંગ્રહ્યું છે. પ્રલય પૂરો થયે આ કુંભ પૃથ્વી પર પર્યટન કરશે અને એક પવિત્ર સ્થળે વિરમશે. પૃથ્વી પર તેનાથી વધુ પવિત્ર ધામ બીજું નહિ થાય.’બ્રહ્માએ પૃથ્વી પાછી ઠીક કરી દીધી. અમૃતકુંભ પૃથ્વીમાં ફરવા લાગ્યો. ફરતો ફરતો તે આ સ્થળે આવ્યો. શિવે કિરાતનું રૂપ લઈ બાણ મારી કુંભને અહીં છેઘો. એ અમૃત અહીંના મહામાઘ તળાવમાં સંઘરાયું અને તેના ઊડેલા છાંટામાંથી અહીં અસંખ્ય તીર્થો ઊપજ્યાં. કુંભકોનમ્ની આસપાસ દસ માઈલમાં બીજાં ૧૮ તીર્થ છે. કથા સિદ્ધ કરે છે કે અહીંના મુખ્ય દેવ કુંભેશ્વરનું લિંગ આ ઘડાનાં કાચલાંનું જ બનેલું છે. ચૌલ રાજાઓ અહીં પણ પોતાની રાજધાની કરી ચૂકેલા છે. વિદ્વત્તા અહીં પણ પુષ્કળ ખીલેલી હતી. પૂર્વમીમાંસાના ટીકાકાર અને પ્રભાકર મતના પ્રવર્તક ભટ્ટ પ્રભાકર અહીં ૮ મી સદીના પ્રારંભમાં થઈ ગયા. એ રાજા તરફથી મળેલી બક્ષિસનો શિલાલેખ મળી આવેલો છે. તાંજોર રાજધાની બન્યા પછી પણ આ તીર્થધામ રાજ્યાશ્રય તો પામ્યાં જ કર્યું. પ્રતાપસિંહ રાજાના વખતમાં શંકરાચાર્યનો મઠ અહીં સ્થપાયો. અહીંનો ઇતિહાસ બે પરાક્રમી ભાઈઓની એક કરુણ કથા નોંધે છે. ગોવળીકોંડાના અકન્ના અને મદન્ના નામના બે ગરીબ ભાઈઓ અહીં આવ્યા અને બુદ્ધિબળે કરીને ચાતુર્યથી રાજાના અમાત્ય બન્યા. ઈ. સ. ૧૬૬૬ માં ઔરંગઝેબે દક્ષિણની એની લાંબી ચડાઈમાં આ રાજાને સપાટામાં લીધો. આ મહાપ્રબળ અમાત્યોનાં ઘરબાર લૂંટી લઈ તેમને રસ્તા પર ધસડ્યા. મોટાને હાથીના પગે બાંધીને માર્યો, નાનાનું મસ્તક કાપી નાખ્યું. પણ મુસલમાનો અહીં ટકી ન શક્યા. એ પછી મરાઠાઓનું ચક્ર અહીં ઊતર્યું અને તે પછી અંગ્રેજોનું. આ નાનકડા શહેરમાં પણ બેએક કૉલેજો છે. તાંજોર કરતાં અહીંનું બજાર પણ મોટું અને કંઈક આકર્ષક કહેવાય. અહીંનાં તાંબાનાં વાસણો ખાસ જાણીતાં છે. કુંભકોનમ્‌નાં મંદિરોમાં એક લાક્ષણિકતા જોઈ: દરેક મંદિરના મુખ્ય કોટ ઉપર તેના અધિષ્ઠાતા દેવનું વાહન અલંકરણ રૂપે અનેક પ્રતિમાઓમાં ગોઠવ્યું છે. શિવમંદિરમાં કોટ ઉપર થોડે થોડે અંતરે નંદીઓ. વિષ્ણુમંદિરમાં ગરુડો અને હનુમાનો હતા. કુંભેશ્વરના કોટ ઉપર મઝાના નંદીઓ હતા. જાણે ખોખો રમવાને જ બેઠા ન હોય! જોકે દાવ લેનારી પાર્ટીનો અહીં અભાવ હતો. નંદી પણ માત્ર વાહન તરીકેની પૂજ્યતા ઉપરાંત સુંદર અલંકરણની શક્યતા પણ ધરાવે છે એ અહીં જોયું. અહીંનું સૌથી મોટું મંદિર કુંભેશ્વરનું છે; પણ તેમાં ઝાઝું મનોહર શિલ્પ નથી. તેના ગોપુરમાં આલેખેલું સમુદ્રમંથન સૌથી વધુ આકર્ષક કહી શકાય. જેમાં કુંભકોનનું રમણીયતમ શિલ્પ સંધરાયું છે, એ છે રામસ્વામીનું મંદિર. એને સીધો રાજ્યાશ્રય મળેલો છે. સોળમી સદીમાં તાંજોરના રાજા રઘુનાથ નાયકને અહીંથી બે માઈલ પર આવેલા દારાસુરન્ના તળાવમાંથી રામસીતા, મળી આવ્યાં. રાજાએ તેમની અહીં પ્રતિષ્ઠા કરી અને આ મનોરમ મંડપ બંધાવ્યો. બેલૂરના શિલ્પમાં અપ્રતિમ કોમળતા છે, મદુરામાં ઉગ્ર ભવ્યતા છે, અહીં કેવળ નમણી રમણીયતા છે. બારપંદર ફૂટ ઊંચા કાળા પથ્થરના બત્રીસેક થાંભલાઓ ઉપર અનેક કથાપ્રસંગો તથા સ્ત્રી-પુરુષની સુરેખ આહ્લાદક પ્રતિમાઓ કોતરેલી છે. કૃષ્ણલીલાનાં કેટલાંક મધુર દૃશ્યો, ગોપિકાઓ, સૈનિકો, રામસીતા લક્ષ્મણ, હનુમાન, સુગ્રીવ, તારા આદિની પ્રતિમાઓ છે. શિલ્પીએ પુરુષનો દેહ સપ્રમાણતા જાળવી ઘટતી રમ્યતા સાથે ભિન્ન ભિન્ન અવસ્થામાં આલેખ્યો છે. દેવના ગર્ભદ્વાર પાસે મૂકેલી સ્ત્રીપ્રતિમાઓની રમણીયતા મદુરામાં પણ નથી. વીણાધારિણી અને ચામરધારિણી બે સ્ત્રીપ્રતિમાઓ અતિ મનોહર હતી. તેમના કંઠ, કર્ણાભૂષણો, કરકંકણો, કટિમેખલા અને છેવટે સાડીની કિનારો બધું ખૂબ સુભગતાથી ઉપજાવેલું હતું. આ નાનકડા પણ મોકળા મંડપની પ્રસન્નતા મનમાં કાયમનો વસવાટ કરી ગઈ છે. ગર્વિષ્ઠ બની ગયેલા સૂર્યનું અભિમાન ભંજવા વિષ્ણુએ ચક્રપાણિનું રૂપ લઈને તેને મહાત કર્યો. એ ચક્રપાણિ ભગવાન તો અન્યત્ર બેઠા છે; પરંતુ વિનત થઈને ઈશ્વરશરણ શોધતો સૂર્ય અહીં નાગેશ્વર મંદિરમાં આવીને બેઠો. મંદિરમાં તેની એક મૂર્તિ છે. આકાશસ્ત્ર સૂર્યનાં કિરણ વરસમાં એક દિવસે મહાશિવરાત્રિ પછી શિવલિંગના બરાબર લલાટ પર પડે છે. અને એ રીતે સૂર્ય શિવનું દર્શન કરવાનું ચૂકતો નથી. ધનભાગ્ય સૂર્યનાં કે આ દેવ એમને વરસમાં એક વાર દર્શન દે છે. કારણ બીજા કોઈ દેવો તો સૂર્યને કે તેના પ્રકાશને જન્માંતરે પણ પાસે આવવા દેતા નથી. કુંભકોનમ્‌ની ખરી મહત્તા તેના મહામાઘ તળાવમાં છે. બાર વર્ષે સિંહસ્થ વર્ષમાં નાશકની ગોદાવરી પેઠે અહીં ગજબ મોટો મેળો ભરાય છે. તે પવિત્ર વર્ષના માઘ માસમાં અહીં સ્નાન કરીને હરકોઈ પાપપ્રક્ષાલન કરી પુણ્યાર્જન કરી શકે છે. બ્રહ્મા, વિષ્ણુ, શિવ ત્રણે દેવ તે વેળા અહીં હાજર રહે છે અને આ ધોવાતા પાપના મહાસંચયને ઉપાડવામાં મદદ કરવા નવ નદીઓ પણ આ તળાવમાં પ્રવેશ કરે છે. આ તીર્થની પવિત્રતાની કથાઓ એક ચોપડો ભરાય તેટલી છે. આ વિશાળ તળાવને કિનારે સોળ દેરીઓ એક આકર્ષક દૃશ્ય બને છે. રાત્રે આઠ વાગ્યે ચિદંબરમ્ પહોંચ્યાં. પંડાઓએ સાધી રાખેલો એક વંડીવાળો છત્રમ્‌માં લઈ જવાનું કહેવા છતાં અમને પંડાને ઘેર લઈ ગયો. પંડાની ધર્મશાળા નામે કહેવાતા એ ખાનગી મકાનમાં જ પછી તો અમે એક સાંકડી કોટડીમાં પડાવ નાખ્યો. આ સાંકડી જગ્યામાં આવવાથી એક ફાયદો થયો. ત્યાં કાઠિયાવાડી રબારણો અને બીજા પુરુષોનું એક મોટું ટોળું પડાવ નાખી પડ્યું હતું. અમે તો જાણે નેસમાં જ આવી ચડ્યા!