દક્ષિણાયન/પોંડિચેરી

From Ekatra Foundation
Revision as of 17:22, 24 June 2025 by Akashsoni (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પોંડિચેરી

ચિદમ્બરમ્‌થી પોંડિચેરી સુધીના ૪૮ માઈલ અર્ધા ટ્રેનમાં અને અર્ધા મોટરમાં કાપ્યા. રસ્તો હવે ઉત્તરાભિમુખ થયો હતો. મોટરનો પ્રવાસ રમણીય હતો. બપોર પછીની મીઠી આછી ઊંઘ આંખમાં ભરાતી હતી. ધસતી મોટરની સામે ધસતો પવન જોરદાર પંખાનું કામ કરતો હતો. આંખો મીંચાતી અને આજુબાજુની ભૂમિ જોવાના લોભમાં પાછી ઊઘડતી. સફેદ રતૂમડી જમીન અને ગમે તેવી સ્થિતિમાં પણ અલંકારરૂપ બની જાય તેવાં તાડવૃક્ષો. હિંદનો પૂર્વ કિનારો અમારી લગોલગ જ ચાલતો હતો. સમુદ્ર અહીંથી ઝાઝો દૂર ન હતો. રસ્તામાં આવતી એક નદીએ સમુદ્રની નિકટતા તરત જ જણાવી આપી. રસ્તાની બાજુએ આક્ષિતિજ ખુલ્લી જમીન જોવા પામવી એ આમ તો દુષ્કર જ હતું. જામેલી વૃક્ષરાજિઓ ભૂમિની ફળદ્રુપતાનો ખ્યાલ આપતી હતી. એ ઘન પલ્લવિત ધરતી પર એક સ્થળે એક ક્ષીણજલા સરિતાએ સમુદ્ર સુધી ચોખ્ખો રસ્તો પાડી આપ્યો. નદીને કિનારે કિનારે લીલાંછમ, મસ્તકનાં મોરપીંછ ડોલાવતાં તાડખજૂરી દૂર દૂર વિસ્તર્યાં હતાં અને તે વચ્ચે નદીનો ઇષત્ રક્ત અને ધવલ પટ પહોળો થતો જતો ક્ષિતિજ લગી પૂર્વમાં પથરાયો હતો. સમુદ્રે આકાશનો વર્ણ પોતાનો કરી લઈ તેની સાથે એવું અદ્વૈત સાધ્યું હતું કે ક્ષિતિજ અને સમુદ્ર ક્યાંથી શરૂ થાય છે તે સમજાતું નહોતું. ભૂરી ચળકતી ક્ષિતિજ, આરક્ત સરિતાપટ અને હરિત તાલીરાજિ; અધખોલી આંખે દૃશ્ય જોયું ન જોયું અને મનમાં તે અંકાઈ ગયું. નદી ઉપરના ઊંચા પુલ પર થઈ મોટર બીજી બાજુ ઊતરી ગઈ. રસ્તો અચાનક બદલાઈ ગયો. સડક સાદા પથ્થરોની મટી ડામરની બની ગઈ. હવે જાણે કોઈ શહેરના બગીચામાં ફરતાં હોઈએ તેવું લાગવા માંડ્યું. પોંડિચેરીના ફ્રેન્ચ પ્રદેશના વિસ્તારથી અજાણ હોઈ મને તો થયું, હજી શહેર ઘણું દૂર હશે. લાવ જરા ઊંઘી લઈએ. પણ આંખ મીંચી ત્યાં જ મોટર અટકી. આંખ ઉઘાડી જોઉં છું તો મોટરને ઘેરો ઘાલીને રિક્ષાવાળાઓ ઊભા હતા. હિંદમાં સામ્રાજ્ય સ્થાપવાના ફ્રેન્ચ લોકોના કરુણાન્ત પ્રયત્નોના અવશેષરૂપ રહેલાં ભૂગોળમાં ગોખાતાં બેએક ફ્રેન્ચ શહેરમાં પોંડિચેરીનું મહત્ત્વ આજે હિંદને હોય તો તે શ્રી અરવિંદને લીધે છે. શ્રી અરવિંદ ત્યાં રહે છે એ સિવાયની બીજી હકીકતો આપણે માટે ગૌણ છે. આજે જે કોઈ પોંડિચેરી જાય છે, અલબત્ત, વેપારીઓ સિવાય, તે શ્રી અરવિંદ કે તેમના સાધકોને ખાતર જ. પોંડિચેરીમાં અસાધારણ પ્રકૃતિસૌંદર્ય નથી કે મોટાં ધર્મતીર્થો નથી કે શિલ્પસ્થાપત્યનાં ભવનો કે મંદિરો નથી. જે છે તે સમુદ્રની સરલ સપાટી નીચે છુપાયેલી અગાધ ઊંડાઈ જેવી શ્રી અરવિંદની યોગસાધના. આખા શહેરમાં અરવિંદાશ્રમને જુદું પાડે તેવું કશું વૈશિષ્ટ્ય તેનાં મકાનોમાં નથી. સો ફૂટ ઊંડા કે દસ હજાર ફૂટ ઊંડા L સાગરની સપાટી સરખી હોય છે તેમ શહેરનાં મકાનો ભેગાં આ મકાનો પણ ભળી જાય છે. એટલે અહીં આવવાનો હેતુ તો તે અતલ ઊંડાણના અનુભવ અર્થે જ હોય. એમાં ઊંડા ઊતરો તો જ એની ગહનતા અને તેમાં જે કાંઈ અલૌકિક – અપાર્થિવ સમૃદ્ધિ રહેલી હોય તેનો પરિચય મેળવી શકાય. આ બાબતને અતિશય સ્પષ્ટ સમજીને જ મેં પોંડિચેરીમાં પગ મૂકેલો કે ભાઈ, શ્રી અરવિંદના યોગસાગરમાં ડૂબકી મારવાને આપણે હમણાં તૈયાર નથી; પણ સાગરની અગાધ ઊંડાઈ વિશે પુસ્તકમાં વાંચવું અને એ ઊંડાઈની ઉપર જઈને ભલે ને સપાટી ઉપર પણ ઊભા રહેવું એમાં પુષ્કળ ફેર છે. જો થોડા પણ સંવેદનશીલ હોઈએ તો એ ગહનતાનો ગૂઢ નિનાદ ઇષત્ પણ અનુભવી. શકાય. એ ગહનતાનો આછો ખ્યાલ લેવા અને સાથે સાથે ઘણા પ્રિય મિત્રોને મળવાને પોંડિચેરીને પણ મેં એક યાત્રાસ્થળ તરીકે પ્રવાસમાં સમાવી લીધું હતું. પોંડિચેરી દક્ષિણનાં બીજાં શહેરો જેવું છતાં તેનાથી કોઈ વિશેષ રીતે જુદું પડી જાય છે. ફ્રેન્ચ હકૂમતમાં આવેલું હોઈ તેમાં ફ્રેન્ચપણું ઊતર્યું છે. અહીંની દુકાનમાં જઈને તમે જુઓ, તેના માલિકો સાથે વાતો કરો તો બ્રિટિશ અને ફ્રેન્ચ શહેરનો ભેદ તરત દેખાય. ફ્રેન્ચ ભાષા અહીં વધારે વ્યાપક છે — જોકે બધા દુકાનદારો અંગ્રેજી તો જાણે જ છે. એક ઘિડયાળ અને સાબુ વગેરે વેચનારની દુકાનમાં તેના માલિક સાથેની પાએક કલાકની વાતચીતમાં તેણે પચાસેક વાર કરેલા સંબોધન ‘મોંસિયો’– Monsieur એ મને આ વાતનું જેટલું ભાન કરાવ્યું તેટલા બીજા કશાએ ન કરાવ્યું. ફ્રેન્ચોના લાંબા કાળના વસવાટથી અહીંની સામાન્ય પ્રજા પણ ફ્રેન્ચ ભાષા સમજતી થઈ છે. બધો રાજવહીવટ તો ફ્રેન્ચમાં જ છે એ કહેવાનું ન હોય. પોંડિચેરી વિશે બીજી ધ્યાન ખેંચે એવી વાત તેની યોજનાપૂર્વકની રચના છે. બજારના રસ્તાઓ તો પહોળા છે જ; પણ લોકોને રહેવાના લત્તાઓ પણ પહોળા રસ્તાઓવાળા અને હારબંધ ઘરવાળા છે. શહેરના પૂર્વ ભાગમાં ઉત્તર-દક્ષિણ એક નાની નહેર વહે છે. એ નહેરથી પૂર્વ તરફનો ભાગ વ્હાઇટ ટાઉન— અને પશ્ચિમ તરફનો બ્લૅક ટાઉન કહેવાય છે. કાળાગોરાનો ભેદ તો અહીં પણ એટલો જ લાગે છે. એ બંનેની પ્રતિષ્ઠામાં અને હક્કોમાં પણ ફેર છે. વ્હાઇટ ટાઉનમાં બધો ઉચ્ચ વર્ગ રહે છે; બ્લેક ટાઉનમાં મધ્યમ વર્ગના નાગરિકો રહે છે. આ ભેદ અનુભવવાનો એક સુંદર પ્રસંગ બની ગયો. અરવિંદાશ્રમનાં ઘણાંખરાં મકાનો વ્હાઇટ ટાઉનમાં છે. અમારો ઉતારો બ્લૅક ટાઉનમાં હતો. એક સવારે અમે વાતચીત કરતાં હતાં ત્યાં સફેદ લાંબા ઝભ્ભાવાળા બેએક માણસો પોતાની સાથે એક પોલીસ અને એક પટાવાળાને લઈને અમારા મકાનમાં આવી પહોંચ્યા. અંબુભાઈ તરત ઊઠીને તેમની પાસે ગયા. પાંચેક મિનિટ બહુ તીવ્રતાપૂર્વક તેમની વચ્ચે ફ્રેન્ચમાં વાતચીત ચાલી અને તેઓ ચાલ્યા ગયા. અંબુભાઈ જાણે ચિંતામુક્ત થઈને અમારી પાસે આવ્યા. ‘શું હતું?’ મેં પૂછ્યું. ‘ડૉક્ટરો રસી મૂકવા નીકળ્યા છે. તમે ચાલ્યાં જવાનાં છો એમ કહી મેં તેમને કાઢ્યા. હું ન હોત તો તમને સોય ઘોંચી જ દેત; તમારી હા-ના કશી ચાલત નહિ. બ્લૅક ટાઉનમાં એવું જ. પેલી બાજુ તમને કોઈ ફર જ નહિ પાડે.’અંબુભાઈની ચિંતાનું કારણ હું સમજી શક્યો અને એ લોકોની વાતચીત દરમિયાન જે તટસ્થતા જાળવી રહ્યો હતો તે આ જાણતાં જતી રહી! એ આફતની કલ્પના ઘડીક આવી ગઈ અને તેમાંથી સહેલાઈથી છૂટવા માટે આનંદ પણ થયો. પોંડિચેરી હિંદમાંના બધા ફ્રેન્ચ પ્રદેશોની રાજધાની છે. એનો ગવર્નર અહીં રહે છે. ફ્રેન્ચોએ રાખવાનું લશ્કર તથા કિલ્લેબંધી વગેરે બ્રિટિશ સરકાર સાથેના કરાર મુજબ નક્કી થયેલું છે. પોંડિચેરીમાં પહેલાં મોટો કિલ્લો હતો. અંગ્રેજો સાથેની સંધિ મુજબ એ તોડી નાખવામાં આવ્યો છે. પોંડિચેરીમાં જે થોડાંક દર્શનીય સ્થળો છે તે બધાં વ્હાઇટ ટાઉનના ભાગમાં જ આવી જાય છે. અહીંના બિબ્લિોથેક પુસ્તકાલય, રોમન કૅથલિક ચર્ચ, કાચઘર અને બાગ એ નવરાશ હોય તો જોઈ લેવા જેવાં ખરાં. બિબ્લિઓથેક એક અજોડ પુસ્તકાલય છે. ઘણી જૂની હાથથ્રતો, રાજવહીવટની તેમ જ બીજા વિષયોની તેમાં છે. રોમન કૅથોલિક દેવળ આપણા વૈષ્ણવ મંદિર જેવું લાગ્યું. અલબત્ત, એમાંના ગોસ્વામીજી અને દેવભક્તિકાઓને બાદ કરતાં જ. પણ જે રીતે ઈશ્વરને આપણા વૈષ્ણવોએ મૂર્ત રૂપે બનાવ્યો. છે તે જ રીતે ઈસુનું આ લોકોએ કર્યું છે. ભીંતો ઉપર ઈસુના વધના પ્રસંગો કોતરેલા હતા. દિવ્ય શક્તિવાળો સોનાનો એક ક્રૉસ દેવળની વેદી પર સ્થાપ્યો હતો. એમની બીજી ધાર્મિક ક્રિયાઓ પણ આપણી પાઠપૂજા રુદ્રી કે ચંડીપાઠની જોડની જ મનોવૃત્તિની ગણી શકાય. કાચઘર એક સજ્જનના તરંગનું પરિણામ છે. સૌંદર્યસર્જનની એ પણ એક નવી તરકીબ છે. ચારે ભીંતો તો અરીસાથી ભરપૂર હતી; પણ ફર્શ અને છતમાં પણ અરીસા હતા. નીચે જોઈએ તો આપણે પગ નીચેથી ફૂટીને પાણીમાં પહોંચ્યા હોઈએ તેવું લાગે. ઉપર જોઈએ તો ઊંધે માથે ઝુમ્મર જેવા લટકતા દેખાઈએ. જો સાવ નાના હોત તો આ જોવાની ઘણી જ ગમ્મત પડત. પણ પોંડિચેરીમાં જેને વખત કાઢીને જોવાં જ જોઈએ તેવાં છે ત્યાંનો સમુદ્ર, સમુદ્રનું બંદર અને સમુદ્ર પરનો પર્યટનપથ – ક્રૂર શાબ્રોલ. ક્રૂર શાબ્રોલ એ શહેરના પૂર્વ ભાગને અર્ધગોળામાં વીંટીને પડેલો સમુદ્રને કિનારે કિનારે જતો સુંદર રસ્તો છે. મદ્રાસનો મરીના છે તેવો જ. એના પર લટાર મારવી એ એક લહેર છે. પણ એ લહેર સદાકાળ લહેર નથી રહેતી. ત્યાં ફરવામાં કદી શ્રમ પણ પડે છે. અમે ફરવા નીકળ્યાં હતાં ત્યારે પવન ઈશાનમાંથી ગજબ વેગથી નિબંધ ફૂંકાતો હતો. છાતીમાં બરાબર દમ ભીડીને તેની સામે ચાલવાનું હતું. કપડાંને ફડફડાવતા એ વાયુના ધસારાને ઠેલીને સામે જવામાં તંદુરસ્ત શરીરની શક્તિનું ભાન અનુભવતાં અનેરી લહેર આવતી હતી. બંદર ખુલ્લું જ છે. પૂર્વમાં ક્ષિતિજ લગી દરિયો પથરાયેલો છે. બેએક ફર્લીંગનો ડક્કો કિનારા ઉપરથી ઠેઠ સમુદ્રમાં લાંબે સુધી પહોંચે છે. નીચે તોફાની ઘોડા જેવો સાગર મોજાંની કેશવાળી ઉછાળતો કંઈ સો સો ફૂટની ફર્લીંગો ભરી રહ્યો હતો. વસ્ત્રહરણ કરવા ઇચ્છતો હોય તેમ પવન કપડાંને ફડફડાવતો હતો. એક નાની સ્ટીમર થોડે દૂર દરિયામાં ઊભી હતી અને એક હોડકી તેના તરફ અગ્રેસર થઈ રહી હતી. મોજાંના ખડકો પર કાચલી જેવી લાગતી તે હોડીના બે છેડા ઊંચાનીચે થતા હતા અને દસેક ખારવા કોઈ ગજબ બળથી તેને હલેસી રહ્યા હતા. કિનારા તરફ ધસતાં ઘોડાફાળ મોજાંમાં તે સમુદ્રની તરફ મંદતાથી છતાં કેટલીક મક્કમતાથી ધપતી હતી! આમ ડક્કાની બંને બાજુએ દોડતાં આવતાં મોજાં પોતાના પંજા અફાળતાં ભાંગી ભાંગીને ભુક્કો થતાં હતાં અને મોજું અફળાયા પછી તેનું ફીણ કેવું વેરાઈ જતું હતું! ડક્કા પર જવાના સ્થળ પાસે જ એક મોટા ગોળ ચોકમાં ઊંચી બેઠક પર દુપ્લેક્સ સમુદ્ર પર નજર નાખતો ઊભો છે. તેના એક હાથમાં એની રાજકીય બુદ્ધિમત્તાના પ્રતીક રૂપ કાગળનો બીડો છે. તેનો બીજો હાથ તલવારની મૂઠ ૫૨ છે અને તેની નીચે ન મુકાયેલી ખુરશી ૫૨ દ્રવ્યના થેલા પડ્યા છે. આ અતિકાય પૂતળાની ભવ્ય મુદ્રા સત્તા અને બુદ્ધિમત્તા બંને બતાવે છે. ફ્રેન્ચોની નિષ્ફળ ગયેલી સામ્રાજ્યભાવના દુપ્લેક્સમાં જાણે મૂર્ત થયેલી છે. મદ્રાસમાં જોવામાં આવતાં ગવર્નરોનાં પૂતળાંમાં જે મદ છે તે અહીં દુપ્લેક્સમાં નથી. સત્તર વર્ષની રસાકસીને અંતે પીઠબળને અભાવે ફ્રેન્ચ ગવર્નરોને હિંદનાં ખેતરો અંગ્રેજોના હાથમાં જવા દેવાં પડ્યાં. યુરોપમાં અને હિંદમાં અંગ્રેજોને હાથે હારેલી ફ્રેન્ચ સરકાર પાસે ચાર નાનકડાં ગામડાં જ અવશેષ રૂપે રહ્યાં, નેપોલિયન હાર્યો ન હોત અને ફ્રેન્ચો વિજયી નીવડ્યા હોત તો હિંદની તવારીખ કોઈ જુદી જ લખાત. દુપ્લેક્સનું મોં સમુદ્રાભિમુખ છે એ કેટલું સૂચક છે! હિંદની ભૂમિ પરથી નજર વાળી લઈ દરિયા પાર સિધાવી ગયેલી પોતાની મહત્ત્વાકાંક્ષાને એ નિહાળી રહ્યો નથી? ફ્રેન્ચના વિજયોનું એક જ ચિહ્ન તેની પાસે પડ્યું છે. જિંજિનો પ્રખ્યાત અભેદ્ય દુર્ગ જીત્યા પછી તેના વિજયના સ્મારક રૂપે, ત્યાંના એક હિંદુ મંદિરના મંડપના સ્તંભો ઉપાડી લાવી અહીં આ ગોળ ચોકમાં દુપ્લેક્સની ફરતા રોપવામાં આવ્યા છે. ડક્કાની પાસે જ એક નાનકડી દીવાદાંડી છે. એના ફરતા દીવાની પ્રકાશધારાઓ જાણે તેજના આરાવાળું કોઈ મહાચક્ર ફરી રહ્યું હોય તેવી લાગે છે. સંધ્યાને વખતે આ ફરતા તેજચક્રની નીચે ક્રૂર શાબ્રોલ પર ફરતાં ફરતાં સમુદ્રનાં પછડાતાં લંબાયમાન મોજાં જોતાં અને સામેથી સૂસવતા પવનની સામે દમ ભરી ચાલતાં ચાલતાં અનુભવેલો પવનનો બળવાન સ્પર્શ, સમુદ્રની સુનીલ રમણીયતા અને એ મીઠા વાર્તાલાપો શું કદી ભૂલી શકાશે? પોંડિચે ૨ીને તેનું અસાધારણ પ્રકૃતિસૌંદર્ય નહિ; પણ તેની સરલ ઋજુ કમનીય સાધારણતા અને તેના ઇતિહાસની, ફ્રેન્ચો માટે સહજ કરુણ જેવી ગાથા તેને સ્મૃતિમાં જડી દે છે. પણ આ તો બધી બહિર્મુખ સ્થૂલ કથા થઈ. ત્યાંના અરવિંદાશ્રમ વિશે શું? તેના કાર્યનો સાચો ખ્યાલ શબ્દો દ્વારા આપી શકાય તેમ નથી. આશ્રમની બાહ્ય વિગતો થોડી રસિક છતાં ગૌણ મહત્ત્વની છે અને જે મહત્ત્વનું છે તે સહેજે શબ્દગમ્ય કે કલ્પનાગમ્ય નથી. ૧૯૦૫માં આરંભાયેલી શ્રી અરવિંદની યોગસાધના ૧૯૨૬ના નવેમ્બરની ૨૪મીએ સંપૂર્ણ થઈ. ત્યાર પછી તેમણે બીજા સાધકોને રીતસર મદદ કરવાનું કામ હાથ પર લીધું. માતાજી તેમની સાથે ૧૯૧૪થી હતાં. આશ્રમની શરૂઆત કરતાં તેની બધી બાહ્ય વ્યવસ્થા માતાજીના હાથમાં સોંપી દઈ શ્રી અરવિંદે પોતે એકાંતવાસ સ્વીકાર્યો. ત્યાર પછી તે હરકોઈની સાથે વાતચીત નથી કરતા તેમ મળતા પણ નથી. તેઓ પોતાના સાધકોને તથા બીજા માણસોને મળે છે તે માત્ર વરસમાં ત્રણ દિવસ અને તે દર્શન પૂરતા જ. સાધકો સાથે તેઓ કદી પત્રવ્યવહાર કરે છે. સાધના અને યોગની બાબતમાં સાધકોને તેઓ પરોક્ષ રીતે જ મદદ આપે છે. યોગ જેવા વિષયમાં સ્કૂલ વ્યવહારની ઘણી જ ઓછી જરૂર ગણાય છે એ હકીકતની ત્યાંના દરેક સાધક સાક્ષી આપે છે. આશ્રમમાં બીજાં ક્રિયાકાંડ કશું જ નથી. રોજ સાંજે ધ્યાનને માટે સાધકો મળે છે. સાધનાને અંગે વ્યાખ્યાનો, પ્રાર્થના કે બીજી પ્રચલિત રીતની બાહ્ય પ્રકારની સામુદાયિક કે વ્યક્તિગત તાલીમ જેવું ત્યાં કંઈ નથી. ઉપરઉપરથી જોતાં તો કોઈ મોટા નિવાસસ્થાન જેવો આશ્રમનો દૈનિક વ્યવહાર ચાલ્યા. કરે છે. સાધકો સૂક્ષ્મ રીતે શ્રી અરવિંદ પાસેથી સૂચના, સહાય, પ્રેરણા જે કહો તે મેળવતા રહે છે. એવું બને છે કે નહિ તેની પ્રતીતિ સ્થૂલ વસ્તુઓનો પ્રવાસ કરનારને પ્રથમ નજરે તો ન પણ થાય; પણ તેણે તે પ્રતીતિ મેળવવી હોય તો ન જ મેળવી શકાય તેવું નથી જ. સાધકની પસંદગી શ્રી અરવિંદ પોતે જ કરે છે અને તેને માટેનો બધો વ્યવહાર માતાજી મારફતે થાય છે. શ્રી અરવિંદ સાથેનું બીજું કામકાજ પણ માતાજી મારફત કરી શકાય છે. સાધકની માત્ર આધ્યાત્મિક યોગ્યતા જ જોવામાં આવે છે અને એ રીતે આજે આશ્રમમાં નિષ્કિંચન અને મહાધનિક, સાવ નિરક્ષર કે પ્રાકૃત, બુદ્ધિવાળા અને પ્રખર બુદ્ધિશાળીઓ, અનેક ભિન્ન વ્યવસાયીઓ, વકીલો, ડૉક્ટરો, એંજિનિયરો, ચિત્રકારો, સંગીતકારો, સાહિત્યકારો તથા તત્ત્વજ્ઞો જોવા મળે છે. બૌદ્ધિક વિકાસનો કે વ્યક્તિની શક્તિની તુલનાનાં આપણાં પ્રાકૃત કાટલાંને ત્યાં મહત્ત્વ નથી. આશ્રમનું જીવન એટલું સ્થૂલતાથી પર છે કે આપણી સંસ્થાઓના પાર્થિવ ક્લેશો ત્યાં ઘણા ઓછા છે. આશ્રમની પ્રત્યેક વ્યક્તિ સંપૂર્ણ રીતે કાર્યાભિમુખ હોઈ આશ્રમની શિસ્ત કે વ્યવસ્થામાં કશી ખાસ અડચણ ઊભી નથી થતી. જે મુશ્કેલીઓ છે, ક્લેશ છે એ તો સાધનાને અંગે સાધકની અંદર જ છે. એ ક્લેશો કેવા હશે તે તો સાધકોનાં અંતરોને જોનારા અંતર્યામીઓ જ જાણી શકે. આશ્રમ વિશેની આ ‘માહિતી’ તેના મુખ્ય કાર્યનો કશો જ ખ્યાલ આપી શકતી નથી. ત્યાંનું જે મુખ્ય કાર્ય છે તે તો સ્થૂલદૃષ્ટિવાળા સામાન્ય જનને અગોચર જ રહે છે. તે જાણવા ઇચ્છનારે સાચી જિજ્ઞાસાથી અને વિનયથી ત્યાં જવું જોઈએ અને એ જાણવા માટેની બધી શરતો પૂરી પાડવી જોઈએ. જેમ ભૌતિક વિજ્ઞાનના કોઈ પણ કથનને સિદ્ધ કરવા માટે તેના પ્રયોગની બધી શરતો પૂરી પાડવી પડે છે તેમ જ આ પણ પેલા જેટલી બલ્કે તેનાથી અનેકગણા સત્ય તત્ત્વાર્થવાળી વસ્તુને માટે પણ સાચું છે. આશ્રમના કાર્યને અંગે, તેની પ્રણાલીને અંગે ઘણી દૃષ્ટિથી ઘણી બાજુથી ટીકાઓ થઈ રહી છે. એ ટીકાકારોની દૃષ્ટિએ પણ મેં ઘણા પ્રશ્નો, ઘણી શંકાઓ અહીંના સાધકો સમક્ષ મૂક્યાં. એમાંથી સૌથી મહત્ત્વની ગંભીર ટીકા તે શ્રી અરવિંદના કાર્યની રાષ્ટ્રીય અને સામાજિક દૃષ્ટિએ ઉપયોગિતા વિશેની છે. શ્રી અરવિંદ પાસે તેનો શો જવાબ છે? સાધકો કહે છે, શ્રી અરવિંદ કેવળ હિંદની જ નહિ પણ આખી માનવજાતિની દૃષ્ટિએ કાર્ય ઉપાડી રહ્યા છે. જગતના તમામ પ્રશ્નોનો છેવટનો ઉકેલ આપવા તે ઇચ્છે છે. તેમની પાસે તો તે ઉકેલો તૈયાર જ પડ્યા છે. અત્યારે એમનું જે કામ ચાલી રહ્યું છે તે એ ઉકેલોને જગતમાં વ્યાપક રૂપે મૂર્ત કરવાનું છે. એ કાર્યને પરિણામે માણસની અંદર જ એવો ફેરફાર થશે, તેનો સ્થૂલ અને સૂક્ષ્મ દેહ એટલો પરિવર્તન પામશે કે તે આજના માણસથી કોઈ નવી જાતનો જ પ્રાણી બનશે. અન્યથા કહીએ તો તે એક નવી જ માનવજાતિ હશે. જગતના તમામ પ્રશ્નો પછી એટલા મૂંઝવનારા નહિ રહે, હયાતીમાં પણ નહિ રહે. આ સાંભળી હું દિંગ જ થઈ ગયો. આ દાવો એટલો પ્રચંડ છે કે જે જગતમાં આજ લગી કોઈ કરી શક્યું નથી. એની શક્યતાની કલ્પના કરતાં મગજ ડઘાઈ જાય છે. મનને માનવાનું મન થઈ જાય છે કે એમ બને તો કેવું સારું! સાધકોના શબ્દોમાં સાચો રણકાર હતો. તેમને જૂઠા કે દંભી માનવાનું મારી પાસે કશું કારણ ન હતું. પોંડિચેરીમાં બે દિવસ ગાળી રાતની ગાડીમાં અમે નીકળ્યાં. શહેરની શાંત શેરીઓમાં મારી રિક્ષાને ખેંચતો બટકો રિક્ષાવાળો શરીર આગળ ઝુકાવી, ધીમા પદરવથી ધપી રહ્યો હતો. રબરનાં પૈડાંની રિક્ષા એક મીઠા સરસરાટથી ચાલતી હતી. કોઈ મૂંગુ સંવેદન અંતર કોરી રહ્યું હતું. જીવનના સૌ રસો કરતાં કોઈ મહારસ અહીં રેલાઈ રહ્યો છે તેનું ભાન મને બેચેન કરી મૂકતું હતું. એ મહારસના અસ્તિત્વની ખાતરી અહીંના સાધકોને જોઈને થઈ. શ્રી અરવિંદનાં પ્રત્યક્ષ દર્શન કદાચ વધારે ગૂઢ અસર પણ ઉપજાવી શકતાં હશે; પણ શું શ્રી અરવિંદનું કાર્ય જીવનના સૌ રસોને છોડીને જ સમજી શકાય? સંકલ્પ કર્યો: જે ઘડીએ જીવનના સૌ રસો સુકાઈ જશે અને ત્યાં કશું કર્તવ્ય નહિ દેખાય તે જ ઘડીએ અહીં દોડ્યો આવીશ. હમણાં તો ચાલો આ સ્ટેશને, પેલા સ્ટેશને અને વળી પેલા... આ એક મોટો ગોળ ખડક છે; એ તો કૃષ્ણનો માખણનો પિંડો છે. આ એક ખડકમાં કોરેલો નાનો કુંડ છે; એ તો દ્રૌપદીનું સ્નાનાગાર છે. આ સપાટ પથ્થર જેને છેડે ઓશીકાને સ્થાને સિંહને બેસાડ્યો છે એ તો ધર્મની શય્યા છે. અહીંની જુદી જુદી ગુફાઓમાં આપણી બધી જ પૌરાણિક તેમ જ પાર્થિવ સૃષ્ટિ આવી જાય છે. વરાહાવતાર, વામનાવતાર, શિવ, પાર્વતી, કાર્તિકેય, બ્રહ્મા, વિષ્ણુ, ગાયો, ગોપીઓ, ભેંસ, વાઘ, સિંહ, હાથી, બિલાડી, વાંદરા, પક્ષીઓ, સર્વ દેવો, ઋષિઓ બધાં ક્યાંક ને ક્યાંક આ લોકભૂમિમાં પોતાનું સ્થાન શોધી બેસી ગયાં છે. એક ગુફામાં ગોદોહનનું એક રમણીય શિલ્પવિધાન છે. વાછરડીને એની ગાય ચાટે છે. એ ગાયને ગોવાલણ દોહે છે. તેમની પૃષ્ઠભૂમિમાં વિરાટ ધણનાં સૂચક એવાં ગાયોનાં તથા ભેંસોનાં અનેક મસ્તક શિલ્પીએ ઉપસાવ્યાં છે અને તેમાં પ્રાણી-આલેખનની તથા હૂબહૂ રમણીય ગતિઓ સર્જવાની પોતાની અદ્ભુત કુશળતાનો પરચો પણ બતાવ્યો છે. આ ગુહાસ્થ પ્રતિમાઓ ઉપરાંત હવે બીજી બે અગત્યની અને ઉત્તમ વસ્તુઓ જોવાની રહી. એક છે એક મોટા ખડક પરનું શિલ્પ, બીજી છે દરિયા પરનું સ્થલશયન મંદિર. સોએક ફૂટ લાંબા અને પચીસેક ફૂટ ઊંચા એવા એક ખડક પર આલેખેલો આ એક વિરાટ શિલ્પસમુચ્ચય તેના કથાતત્ત્વ વિશે બે મઝાના મતભેદ ઊભા કરી ગયો છે. કેટલાક સ્થાપત્યવિશારદો એને ‘ગંગાવતરણ’ કહે છે, કેટલાક એને ‘અર્જુનનું તપ’કહે છે. પણ આ ખડકની પેઠે મૂંગા રહી આપણે આમાંથી બંનેય કથાઓનો રસ લઈએ તો શું ખોટું? ખડકના આ વિશાળ પૃષ્ઠ ઉપર શિલ્પીએ પોતાની દેવ અને દાનવ, માનવ અને પશુસૃષ્ટિને આલેખવાની બધી કળા ઠાલવી નાખી છે. નાગિણીઓ, કિન્નરો, માણસો, ઋષિઓ, હાથી, હરણ, વાંદરાં, બિલાડી, ઉંદર બધાં અહીં છે; પરંતુ આખા પ્રસંગનું કેન્દ્ર તો પેલી એક પગે ઊભેલી, જેનાં પાંસળાં પણ દેખાય છે તેવી કૃશકાય માનવ પ્રતિમા છે. તેની તપશ્ચર્યાની સાફલ્યક્ષણ નજીક આવી હોય તેમ તેને વધાવી લેવા દેવયક્ષાદિ પોતાના ગગનમાર્ગે ઉડ્ડયન કરતા કરતા આ તરફ આવવા લાગ્યા છે. શિલ્પીનું ટાંકણું અહીં ખરેખર મહાકવિની પ્રતિભાથી ફર્યું છે. આટલાં બધાં પાત્રોનો આવો સરસ વિન્યાસ અને તેનું કુશળ ચાતુર્યભર્યું તથા નર્મમર્મયુક્ત આવું આલેખન આ કૃતિને હિંદની શિલ્પસમૃદ્ધિમાંનું એક મહાન રત્ન બનાવે છે. આકાશ વાદળોથી છવાયેલું હતું. હવા ભેજ મારતી હતી. સો ફૂટ લાંબા આ બૃહત્ શિલ્પની ઉપર અમે ફરીથી દૃષ્ટિપાત કર્યો. પેલી ઊભેલી આકૃતિની અચળતા કેટલી મોહક હતી! તેનું તપ કેટલું પ્રખર હતું! તપ કરતાં કરતાં તેનાં લોહીમાંસ ગળી ગયાં હતાં. તેનાં પાંસળાં એકેએક ગણી લેવાય તેવાં હતાં અને આ ખડકની વચ્ચેની એક તડની અંદર ઊભી કરેલી નાગિણીઓ, કાલિન્દીના ધરામાં રહેતા કાલિનાગની જાણે મનોરમ પત્નીઓ, કેવું સ્તવન કરી રહી છે! આ બાજુ નીચે તપોવનનાં વાસી જેવાં ઉંદર, બિલાડી, વાંદરાં, હાથી બેઠાં છે! ઉપર આકાશમાં એક દેવવૃન્દ ઊડી રહ્યું છે, જાણે વિમાનોનો કાફલો! તેમની આકૃતિઓ નાનીમોટી છે, પણ હવામાં ઊડતાં પક્ષીઓની પેઠે તેમનાં અંગો કેવા લહેકાથી લંબાતાં જાય છે અને આ તેમનાં ઉત્તરીયો મલયાનિલની લહેરીથી લહેરાતાં તેમના શરીરને જ નહિ પણ તેમની ગતિને કેવાં શોભાવી રહ્યાં છે! . ‘શોર ટેમ્પલ’ના શુષ્ક નામે ઓળખાતું સ્થલશયન મંદિર અહીંથી અર્ધોએક માઈલ દૂર બરાબર દરિયાની તેડે આવેલું છે. અહીંની સૌથી અદ્ભુત વસ્તુ આ મંદિર કહેવાય. રતૂમડાં વાદળાંથી ઢંકાયેલા પૂર્વાકાશની ભૂમિકા પર એનું શિખર અનન્ય એકાગ્રતાથી અંકિત થયેલું હતું. તાંજોરનું શિખર ઊંચાઈમાં અને ભવ્યતામાં આ શિખરને ટપી જાય, પણ શિખર તરીકે આનું અપ્રતિમ સૌંદર્ય બધા સ્થાપત્યવિદોએ સ્વીકારેલું છે. દિષ્ટ બધે ફરી ફરીને એની અણી ઉપર જ પાછી ઠરે છે. મંદિરની બધી બાંધણીની સુંદરતા એકાગ્ર થતી થતી શિખરરૂપે ચડવા માંડે છે. ઊંચે ને ઊંચે ચડવાના એના કોડને જાણે અંત નથી. શિખરનો વેગ વધતો જાય છે અને છેવટે એક તીવ્ર અણીરૂપે, ઊર્મિના ઉગ્ર દંશ જેવું તે આકાશમાં સ્થિર થાય છે અને જોનારને કહે છે, ‘થોભી જા, અહીં જ!’ઊંચે ચડતી દૃષ્ટિ કોઈ તીવ્ર ગંધવાળા પુષ્પની ઉપર ભમતા ભમરા પેઠે આ શિખરની ટોચની આજુબાજુ આંટા લગાવ્યા કરે છે. શિખર અતિશય ઊંચું નથી, એ જ વસ્તુ એના સૌન્દર્યને જરાય શ્રમ વિના વારંવાર નિહાળવામાં પ્રેક્ષકને મોટી સરળતા કરી આપે છે. મેઘાચ્છાદિત કે મેઘરહિત આકાશ એ શિખરની શોભાને હંમેશાં ગર્વથી ધારણ કરે છે. આ મંદિરમાં આકર્ષક તત્ત્વ બે જ છે : એક છે એનું આ શિખર અને બીજું છે એની આસપાસની પરિભૂમિ. મંદિરના પૂર્વ ભાગમાં તેનાં પગથિયાંમાં જ સાગરનાં મોજાં ઠલવાતાં હતાં. પવન નીકળ્યો હતો અને મોટી લહેરોથી વેગમાં વધતો સાગર એક ઘેરા સંવાદવાળું ગર્જન કરી રહ્યો હતો. તદ્દન નિર્જન સમુદ્રકિનારે બેઠેલું આ ઊંચા શિખરવાળું મંદિર આમ ઉત્તરદક્ષિણે લંબાતા અને સામે ક્ષિતિજની પાર પહોંચી જતા સાગર સાથે રાતદિન કંઈ ગોઠડી કરી રહ્યું છે? એક પોતાની વર્તમાન જીર્ણતાની, બીજી જેમાંથી પોતે જ એક અવશેષ રહ્યું છે તે ભૂતકાળની સમૃદ્ધિની. લગભગ દસથી બાર સદી જૂના આ મંદિરનાં પૃષ્ઠ એક વૃદ્ધના શરીર પેઠે તવાઈ ગયાં છે. દરિયાના પવને અને વરસાદનાં ઝાપટાંએ એની એક કાળે સુરેખ સ્પષ્ટ પ્રતિમાઓને આજે ઘસી ઘસીને ઝાંખી અસ્પષ્ટ કરી દીધી છે; ભીંતની સપાટ બાજુઓને ખાડાવાળી કરી દીધી છે. પણ કુદરતની સ્વાભાવિક ક્રમિક જીર્ગીકરણ પ્રવૃત્તિ કરતાંય માણસની કલુષિત વિનાશક વૃત્તિનું વિશેષ કરુણ ઉદાહરણ મંદિરની અંદર છે. મંદિરમાં બે દેવોની પ્રતિષ્ઠા છે. મુખ્ય ગર્ભાગારમાં શિવલિંગ છે, પાછળના આગારમાં શેષશાયી વિષ્ણુ છે. એક જ મંદિરમાં આ બે દેવોનો નિવાસ તથા તે બંનેનું ખંડન અહીંના શૈવ-વૈષ્ણવ રાજાઓ તથા ઇસ્લામી આક્રમકોની ધાર્મિકતાનું જીવંત ઉદાહરણ છે. અમે ગર્ભાગારમાં પ્રવેશ કર્યો. અમારે ખંડિત દેવ પણ જોવા તો હતા જ. અંદર કશું જ દેખાતું ન હતું. ભોમિયાએ એક કેરોસીનનો ખડિયો સળગાવ્યો. ખંડિત શિવલિંગ અને ધરાશાયી બનેલા શેષશાયી ભગવાન બંને ત્યાં હતા. ઉપેક્ષિત, અપૂજિત, તમસાવૃત. આ જ્યોતિષાં જ્યોતિઃની એક કાળે કેવા ઠાઠમાઠથી પૂજા થતી હશે! તેમનાં દર્શન માટે કેવી ૧૦૮ કે ૧૦૦૮ જ્યોતની આરતીઓ અહીં પ્રગટતી હશે! આજે તેમનાં દર્શન માટે માત્ર એક કેરોસીનની ધુમાડિયા જ્યોત જ કામમાં લેવાતી હતી. ના, ના. પણ તાત્ત્વિક દૃષ્ટિએ એ પણ જયોત તો હતી જ ને? મૂળ તો જોનારા કોણ છે એ જ મહત્ત્વનું છે ને? વળી શ્રીરંગના શેષશાયીને પણ પૂજારીએ આરતીમાં આટલી જ જ્યોત સળગાવી તેમનાં આપાદમસ્તક દર્શન કરાવ્યાં ન હતાં? અને મને તે સુપૂજિત દેવો કરતાં આ અપૂજ દેવે વધારે આર્દ્ર કર્યો. ઘાસલેટના ખડિયાની આપોઆપ ઊઠતી આસકા હાથ લંબાવ્યા વિના જ પામી અમે મંદિરમાં પૂર્વ ભાગમાં આવ્યાં. અનંતતા અને અમરતાનાં મૂર્ત રૂપ જેવો સાગર પગથિયાંમાં જ આવી રમતો હતો. સમુદ્રના નિર્બાધ વિસ્તીર્ણ પટ પર નજર નાખતાં મહાબલિપુરમ્‌નો વિસ્તીર્ણ ભૂતકાળ અતિ સરળતાથી સંભારી શકાય છે. હવે મંદિરની વર્તમાન કથા પૂરી થઈ છે તો આવો, આ સમુદ્રને કાંઠે આ પગથિયાં પર બેસીએ ભૂતનું થોડુંક સ્મરણ કરી લઈએ. ઇતિહાસનાં પ્રમાણોમાં અંકાયેલી કથા આપણને દક્ષિણસમ્રાટ ચાલુક્ય પુલકેશી બીજાના વિજેતા મહા મમલ્લ નરસિંહવર્મા સમીપ લઈ જાય છે. ઇતિહાસનાં પ્રમાણોમાં અંકાયેલી કથા આપણને દક્ષિણસમ્રાટ ચાલુક્ય પુલકેશી બીજાના વિજેતા મહા મમલ્લ નરસિંહવર્મા સમીપ લઈ જાય છે. તેણે ઈ. સ. ૬૪૨ માં અહીંના મકરાકાર ખડકમાંથી ધર્મરાજનો રથ કોરાવ્યો. દક્ષિણનું જૂનામાં જૂનું સ્થાપત્ય અહીં વિદ્યમાન છે, એ જાણવા પૂરતી આ ૬૪૨ ની સાલ મહત્ત્વની છે. આટલું પુરાણું અને આટલું ઉત્તમ કામ અન્યત્ર નથી. વેદ-ઉપનિષદોની નિર્વ્યાજ ઋજુ સ્પષ્ટ વાણી જેમ આલંકારિકોનાં કાવ્યો નથી સાધી શક્યાં તેમ અહીંના શિલ્પની નિર્વ્યાજ મુગ્ધતા આ પછીના કોઈ શિલ્પમાં ઊપજી શકી નથી. નરસિંહવર્માએ સ્થાપેલા આ મહાનગર મહા મલઈપુરમાં આ સ્થલશયન મંદિર જેવાં કે તેથીયે મોટાં બીજાં છ મંદિરો હતાં. અનેક મહાન ભવ્ય પ્રસાદો હતા. અત્યારે આ પગથિયાંમાં રમી રહેલા સાગરે એક દિવસ મોટી રમત આદરી અને એ આખું નગર તેના પેટમાં સમાઈ ગયું. અહીંનો દરિયો ખાસ ઊંડો નથી. કદી કદી પેલાં છ મંદિરોનાં વિમાનો દરિયામાં દેખાય પણ છે એમ હજીયે કહેવાય છે. વિમાનો દેખાતાં હોય કે ન હોય તેની ચિંતા નહિ; પણ અહીં મહાનગર હતું અને તે સમુદ્રમાં ડૂબી ગયું તેમાં તો શંકા લાવવા જેવું છે જ નહિ. શંકા એક છે કે શા માટે દરિયાએ માઝા મૂકી નગરને ડુબાડ્યું. તેનો જવાબ પુરાણો આપે છે. પુરાણપ્રસિદ્ધ નમુચી રાજા અહીં રાજ્ય કરતો હતો. ઇન્દ્રની અપ્સરાઓ ભૂલોક પર વિહારાર્થે રાજાના ઉદ્યાનમાં આવતી. રાજા અને તેમની વચ્ચે પ્રેમ થયો. અપ્સરાઓ ઇન્દ્રલોક તથા તેના રંગવિલાસોની ઘણી વાતો કરતી. રાજાએ કહ્યું, ‘મને ઇન્દ્રપુરી જોવા ન લઈ જાઓ?’પ્રેમીને ના પડાય? ડરતી ડરતી તેઓ નમુચીને ઇન્દ્રપુરીમાં લઈ ગઈ. આખી નગરી બતાવી. રાજાએ પૃથ્વી પર પાછા આવીને પોતાની નગરીને તેવી જ બનાવી લીધી. પોતાના સરખો પ્રભાવ કે વૈભવ વિશ્વમાં કોઈનો પણ ન થઈ જાય તેની ચોકી રાખતા ઇન્દ્રે આ નગર જોયું. તે ઘડીક વિમાસણમાં પડ્યો. મારા નગરની હરીફાઈ કરનાર પૃથ્વી પર આ કયું નગર છે? તેની આંખ રાતી થઈ. એ નગરનો નાશ કરવાનો તેણે સંકલ્પ કર્યો અને સમુદ્રને તેણે પ્રેર્યો. લાંબા લાંબા હાથ લંબાવતો સમુદ્ર નગર પર ધસ્યો. નગરને ડુબાડી દઈ તેના પર સ્વસ્થતાથી જામી પડ્યો! ઇતિહાસ નહિ પણ વાર્તા લખવી હોય તો બનાવોના અંકોડા કેવા મઝાના બેસાડી શકાય છે! આકાશમાંથી વાદળ હઠ્યું નહોતું. મદ્રાસ અહીંથી માત્ર ચાળીસેક માઈલ જ દૂર થાય. મદ્રાસના લોકો સાંજ ગાળવાને અહીં આવી જાય છે એવું એક જુવાનોનું ટોળું અહીં અમને મળ્યું પણ ખરું. મદ્રાસની બીજી વર્ષા ડિસેમ્બરમાં પાછી શરૂ થાય છે. કદાચ મદ્રાસમાં તો વરસાદ વરસી પણ રહ્યો હશે. અમારે ફ્રેન્ચ પ્રદેશમાંથી બ્રિટિશ પ્રદેશમાં જઈએ છીએ તેનું સચોટ અને ઉગ્ર ભાન તો બ્રિટિશ જકાત ખાતાએ કરાવ્યું. જયાં ફ્રેન્ચ હદ પૂરી થાય છે ત્યાંના એક સ્ટેશને ઉતારુઓને ગાડીમાંથી ઉતારી મોટા તબેલા જેવા એક છાપરા હેઠળ લઈ જઈ, ગુનેગાર કેદીઓના જેવી રીતે તેમની સાથે વર્તાવ ચલાવી તેમના તમામ સામાનની ઝડતી લેવામાં આવે છે. પોંડિચેરીમાં અનુભવેલી યૌગિક ધુનને આ ઝડતીએ ઘડીક તો ખંખેરી નાખી. રાત્રે સ્ટેશનો જુદાં જ લાગે છે. શાંત અંધારાને ચીરતી ચાલી આવતી ગાડી જ્યારે સ્ટેશન પર થોભે છે ત્યારે ફેરિયાની આછી બૂમો કોઈ કર્ણરંજક વાજિંત્ર જેવી લાગે છે. સ્ટેશન દીવાવાળું છતાં અંધારી દુનિયા જેવું લાગે છે. પ્લૅટફૉર્મ ૫૨ ગાડીમાં દાખલ થવા માટે ટાંપી રહેલાં માણસો કોઈ જુદી જ દુનિયાનાં લાગે છે. રેલના પાટાના સાંધા આગળ પેદા થતી ગાડીનાં પૈડાંની મીઠાં હાલરડાં જેવી નિયમિત તાલબદ્ધ રણકતી ટકટકાટ સાંભળતાં સાંભળતાં આંખો ઘેરાઈ ગઈ. સવારે ચાર વાગ્યે ચિંગલપટ ઊતર્યાં. મોટર દ્વારા ત્યાંથી દસેક માઈલ ઉપર તીરુકલુકુન્ડરમ્ અથવા પક્ષીતીર્થ પહોંચ્યાં. ત્યાંનાં પક્ષીનાં જાણીતાં દર્શન તો બપોરે બારેક વાગ્યે થાય છે જાણી મહાબલિપુરમ્‌ જોવા માટે ઊપડ્યાં. રસ્તામાં જ સવાર પડ્યું. પૂર્વમાં એક નાનકડી ઉત્તરદક્ષિણ લંબાયેલી લાંબી ટેકરીની પાછળ સાગર છુપાયો હતો અને આ બાજુ સમુદ્રનાં પાણી જમીન પર રમવા આવ્યાં હોય તેમ છીછરાં છીછરાં નાનકડી નહેરના રૂપમાં પથરાયાં હતાં. એક તરાપો અમને એની પાર લઈ ગયો. રેતી, બાવળ, બીજાં રુક્ષ ઝાડ અને ખડકો એટલાની આ ભૂમિ હતી. વચ્ચે વચ્ચે ક્યાંક ઉજ્જડ ખેતર આવતું અને એકાદબે માણસો દેખાતાં. રેતી ખૂંદતાં અને કાંટાથી પગ સમાલતાં અમે એક નાનો ટેકરો ચડી એક નાનકડા ઊંચા ચોગાનમાં આવ્યાં. ત્યાં પાંચ પાંડવોના રથ હતા. પરદેશીઓએ આ સ્થળને ‘સેવન પૅગોડાઝ’નામ જેને લીધે આપ્યું છે તે આ પાંચ રથ ઉપરથી તો નથી જ આપ્યું. રથને પૅગોડા કહ્યા હોય તો આ માત્ર પાંચ જ છે જે સેવન પૅગોડા – સપ્ત મંદિરો ઐતિહાસિક કે દંતકથાની રીતે કહેવાય છે તેમાંનો એક જ પેગોડા સમુદ્રકાંઠે ‘શોર ટેમ્પલ’ના નામે ઓળખાતો અસ્તિત્વમાં છે. બાકીનાં છ મંદિર સમુદ્રમાં ગરક થઈ ગયાં છે. કહે છે કે આ સાતે મંદિરોનાં શિખરો પર ત્રાંબાનાં પતરાં હતાં. અહીંથી પસાર થતા વહાણવટીઓ તેમનાં ચળકતાં શિખરો જોઈ શકતા અને તેથી ફિરંગીઓએ તેને સેવન પૅગોડાઝ નામ આપ્યું. આ વાત સંભવિત છે; પણ ત્યારે આ સાત મંદિરોમાંથી છ ક્યારે ડૂબી ગયાં એ પ્રશ્ન રહે છે. ફિરંગીઓ સોળમી સદીમાં પૂર્વ કિનારા પર પ્રબળ હતા. તેમણે આ મંદિરો જોઈ શહેરને આ નામ આપ્યું. તો પછી મંદિરોનો વિનાશ તે પછી થયો હોય એવા વિનાશની ક્યાંય નોંધ કે બીજું કશું અસ્તિત્વમાં હશે? આખા દક્ષિણ હિંદના સ્થાપત્યમાં અટૂલા પડી જતા અથવા કહો કે અપૂર્વ રીતે તરી આવતા આ પાંચ રથોની પાછળ કોઈ સ્થાપત્યપ્રણાલી છે ખરી? વળી અહીંની બીજી ગુફાઓનું મૂળ પણ ક્યાંય છે? હિંદના સ્થાપત્યના ઇતિહાસના આ રસિક જટિલ પ્રશ્નો છે. એનો ખુલાસો એવો આપવામાં આવે છે કે આ સ્થાપત્યમાં એક કરતાં વધારે સ્થાપત્ય-રીતિઓનું સંમેલન છે. માત્ર ચોરસ છે એવા થો બૌદ્ધ વિહારોની તથા લંબચોરસ રથો બૌદ્ધ ચૈત્યોની પદ્ધતિ પર રચાયેલા છે. અત્યારે દેવરહિત છતાં એક કાળે તેઓ શિવમંદિર તરીકે ઉપયોગમાં લેવાતા હતા. એમના ઉપરનું મૂર્તિવિધાન એ શિવના પ્રસંગોને લગતું જ છે અને પાંડવોનું તો એકે લક્ષણ આમાં દેખાતું નથી. મૂળેય આમ આપણને અને ઐતિહાસિક દૃષ્ટિને તો આડવેર છે જ. અને જ્યાં આટલી સરળતાથી એકથી બીજી કલ્પનામાં સરી જવાની તક મળે ત્યાં તો તેનો લાભ લેવાનું ચૂકીએ જ શેના? આપણાં રામાયણ, મહાભારત અને પુરાણોના બનાવો એ રીતે હિંદની ભૂમિ પર લગભગ બધે ઠેકાણે બની ગયેલા છે. આ રથો દક્ષિણેથી શરૂ કરતાં અનુક્રમે ધર્મ, ભીમ, અર્જુન, દ્રૌપદી અને સહદેવ-નકુલના કહેવાય છે. બધામાં ધર્મનો રથ ઉત્તમ છે. એમાં એક પછી એક નાના થતા જતા ચાર માળ છે અને મથાળે બેઠા ઘાટનો ગોળ ઘુમ્મટ છે. પહેલા માળે પૂર્વ અને પશ્ચિમ બાજુએ ખડકનું પડખું કોતરીને અંદર સાધારણ દેવપ્રતિમાઓ મૂકેલી છે. અગાસીની ફરતી ભીંતો ૫૨ દરેક બાજુએ જુદી જુદી મૂર્તિઓ ઉપસાવી કાઢેલી છે, જે પણ અહીંની ખાસ લાક્ષણિકતા છે. મહાબલિપુરમાં સર્વત્ર આ રીતે ઉપસાવેલાં જ મૂર્તિવિધાનો છે અને અહીંના સ્થાપત્યનું આ સૌથી વિશેષ કળામય અંગ છે. માનવદેહનું આટલું સૌષ્ઠવભર્યું, ઋજુ અને હૂબહૂ નૈસર્ગિકતાવાળું આલેખન દક્ષિણમાં ક્યાંય નથી એમ કહેવું જોઈએ. બેલૂરની સફાઈવાળી અલંકારિકતા અહીં નથી, તેમ જ મદુરાનું ભવ્ય પ્રભાવશાળી પ્રતિમાવિધાન પણ અહીં નથી. પણ ખરબચડા ખડકમાં ઉપસાવેલી આકૃતિઓમાં જે માર્દવ છે અને મનુષ્યશરીરના સૌન્દર્યનું જે આકલન છે તે અન્યત્ર ક્યાંય નથી. બેલૂર અને મદુરાનું પ્રતિમાવિધાન છેવટે એક રૂઢિમાં પડી જતું લાગે છે અને તેથી ત્યાં પ્રત્યેક પ્રતિમાને ભાગ્યે જ વ્યક્તિત્વ રહ્યું છે. અહીં શિલ્પી પાસે એવી દૃઢ રૂઢિ નથી. તેણે તો માનવશરીરની બધી સૌન્દર્યરેખાઓ તેના અનંત વૈવિધ્યમાં તાદેશ ઉતારી લીધી છે. આ સાહજિક, પ્રફુલ્લ, અરૂઢ, કોમળ આલેખનો અહીંના સ્થાપત્યને અનોખી વિશેષતા અર્પે છે. આ પાંચ રથોમાં ધર્મના અને અર્જુનના રથ પરની આકૃતિઓ ખાસ મનોરંજક છે. ચતુર્ભુજ ધર્મના રથ ઉપર ત્રિશૂળધારી શિવના ચરણમાં લાત ખાઈને અર્ધો ગબડી ગયો હોય તેવો એક વામન પડ્યો છે. એ પ્રતિમાવિધાન બેનમૂન છે. શિલ્પીએ અચાનક ગબડી પડતા શરીરની સ્થિતિ આબાદ ઉતારી છે. તેરસો વરસ પૂર્વે પણ શરીરનાં અંગો અને તેની ભિન્ન ભિન્ન ગતિસ્થિતિના પ્રકારોનો કેટલો કુશળ અભ્યાસ શિલ્પીઓએ કર્યો હતો તેનું આ સચોટ ઉદાહરણ છે. અર્જુનનો ચોરસ રથ ખરેખર મનમોહક છે. એ એક નાનકડી દેરી જ છે. અંદર દ્રૌપદીની કહેવાતી એક અતિ નમણી સ્ત્રી-પ્રતિમા છે. બહારની ત્રણ ભીંતો પર ઊભી લંબચોરસ તકતીઓમાં જાણે કમળના જેવી જ કુમાશવાળી કેટલીક રમણીય સ્ત્રી-આકૃતિઓ છે. ઉત્તરમાં બેએક માઈલ સુધી લંબાતી આ ટેકરી પર બીજી કેટલીયે પથ્થરમાં કોરી કાઢેલી નાની નાની ગુફાઓ આવેલી છે. તદ્દન નિર્જન પ્રદેશમાં તાપ-તડકો અને વરસાદપાણીનો મારો ઝીલતી, ઊંચાનીચા ખડકોમાં કોતરાયેલી આ અનેક જીવંત પ્રતિમાઓ કોક નવી જ સૃષ્ટિ ઊભી કરતી હતી. કેવળ કુતૂહલજન્ય આનંદ કરતાં કે સૌંદર્યદર્શનના સંતોષ કરતાં કોઈ જુદો અવર્ય ભાવ મનમાં ગૂઢ રીતે વ્યાપતો હતો. આ ગુફાના રચનારાઓ, તેના વાપરનારાઓ અને ભાવિક લોકોની એ ભૂતકાલીન દુનિયાના કોલાહલોનો આછો કંપ પાસે જ ગર્જતા સમુદ્રની ધ્વનિમાલામાંથી જાણે આવતો હતો. અત્યારની નિર્જનતા આ સ્થળને અનોખું આકર્ષણ આપતી હતી. લોકકલ્પનાએ રાજાઓ અને દેવોની સ્મૃતિઓ અહીંની નૈસર્ગિક અને મનુષ્યસૃષ્ટ વસ્તુઓમાં જીવંત રાખી છે. એક હાંડલીમાં નરમ રાંધેલી ખીચડી લઈને આવ્યો. જે ખડક પર ચઢી અમે પૂર્વદક્ષિણનું દૃશ્ય જોઈ શકતા તે ખડક અમારી પાસેથી ખાલી કરાવ્યો. ‘પક્ષીરાજ ડરતે હૈં, હટ જાઈએ જરા.’ એક પાટલો ગોઠવી તે બેઠો અને પછી ઊભા થઈ મંદિરના શિખર તરફ હાથ જોડી પ્રણામ કરી તેણે સાષ્ટાંગ નમસ્કાર કર્યા. આ ગીધ મંદિરની પ્રદક્ષિણા કરીને જ ભોજન કરે છે એમ કહેવામાં આવે છે. સામેની ટેકરી પર પાંખો ખોતરતાં બેઠેલાં ગીધ ત્યાંથી ઊડ્યાં, ઘડી અલોપ થઈ ગયાં અને મંદિરના શિખર ફરતે ચક્કર લઈને પૂજારીએ વાડકીમાં દૂધખીચડી ચોળીને મૂકેલાં ત્યાં ઊતર્યાં. જોકે ઊતર્યું તો એક જ. બીજું તો આવ્યું ન આવ્યું ને ચાલી ગયું. પૂજારી ઊભો થયો, ફરીથી મંદિરે હાથ જોડી પ્રણામ કરવા લાગ્યો. પણ પેલું બીજું ગીધ જરાક આંટો ખાઈને ચાલ્યું ગયું તે ન જ આવ્યું. છેવટે આજનું ભોજન એક જ પક્ષીએ કર્યું. પૂજારીએ હાથમાં પકડેલી વાડકીમાંથી ડરતાં ડરતાં તેણે પાંચસાત કોળિયા લીધા અને નિરાશ જેવું દેખાતું ધીરે ધીરે ચાલી ગયું. માંસાહારી ગીધને અન્નનો આહાર તો કેટલોક ભાવે! ટેકરી ઊતરીને અમે ચિંગલપટનો રસ્તો લીધો. સાંજે અમારે કાંજીવરમ્ પહોંચવું હતું. ઊઘડતા આકાશમાં વાદળામાંથી ચળાઈ આવતા આછા રૂપેરી પ્રકાશ હેઠળ પથ્થરની સડક પર કચડ કચડ ચાલ્યો જતો ટપ્પો, આછી આછી આવતી ઊંઘ અને રસ્તાને બેય પડખેની, ધોળા ઉતારેલા થાંભલા જેવાં રાખોડી રંગનાં થડવાળી નાળિયેરીઓ બધું એક કોમળ કાવ્ય જેવું હતું અને પેલું દૂર ક્ષિતિજમાં ડૂબતું વેદગિરિનું અણિયાળું શિખર!