દક્ષિણાયન/કાંજીવરમ્


કાંજીવરમ્

ચિંગલપટથી કાંજીવરમ્ બાવીસ માઈલ જ છે. નગરની પશ્ચિમમાં ‘વેગવતી’ નામ ધારણ કરતી છતાં અતિ અલ્પ વેગવાળી નદી વહે છે. દક્ષિણની અમુક સિવાય મોટા ભાગની નદીઓ બહુ થોડી આકર્ષક છે. જે નદીઓ આકર્ષક છે તે તેમના ૫૨ માણસની કળા થયેલી છે એટલે જ. બાકી અહીંની પ્રાકૃત આમવર્ગની સ્ત્રીઓ પેઠે એમને પણ કુદરતે ઝાઝું સૌન્દર્ય બક્ષ્ય નથી. એક વંડી ભાડે કરી આખું કાંજીવરમ્ ફરી લીધું. કાંજીના સાધારણ પહોળા રસ્તા પર મંદાયમાન વેગે ચાલતી એ બળદગાડીનો પ્રવાસ પોતે જ એક અદ્ભુત કથાનું નાનું પ્રકરણ કહેવાય તેવો હતો. કાંજીવરમે એનું ભૂતકાળનું અનેકવિધ મહાન ગૌરવ અત્યારે બે રીતે જાળવી રાખ્યું છે; એક તો એની આ વિશાળતાથી, બીજું તેની ધાર્મિક મહત્તાથી. ભારતની સપ્ત મોક્ષદાયિકા પુરીઓમાં એ પણ છે. કાંચી છે દક્ષિણ હિંદનું કાશી, જીવતું અને જાગતું. આખા દક્ષિણમાં કાંજીવરમ્ જેટલું પુરાતન ઐતિહાસિક ગૌરવ બીજું કોઈ શહેર ધરાવી શકે તેમ નથી. કુંભકોનમ્, શ્રીરંગમ્‌, મદુરા વગેરે તો આની સરખામણીમાં ઘણાં અર્વાચીન શહેર લાગે, કાંજીવરમ્ પ્રથમ તો મહાન રાજકીય કેન્દ્ર હતું. આપણી સંસ્કૃતિના પ્રારંભથી બનતું આવ્યું છે તેમ રાજય અને ધર્મ સાથે સાથે જ ચાલ્યાં છે. સમાજનો સત્ત્વશાલી વર્ગ એક બાજુ સંસ્કારમાં અને બીજી બાજુ વ્યવહારમાં સરખી રીતે અને હાથોહાથ મિલાવીને ચાલતો આવ્યો છે. આર્યના રાજકીય આધિપત્ય સાથે તેમનું ધાર્મિક અધિપત્ય પણ હિંદમાં આવ્યું જ. રાજત્વ ધર્મત્વનું પૂરેપૂરું રક્ષક હતું; ધર્મત્વ રાજત્વનું પૂરેપૂરું સમર્થક હતું. ગઈ કાલ સુધી પશ્ચિમની કથા પણ આથી જુદી નહોતી. પણ આજે રાજત્વને પોતાના સમર્થન માટે ધર્મત્વની બહુ જરૂર નથી રહી. તેના આશ્રય વિનાનું ધર્મત્વ માલિક વિનાનાં શેરીનાં કૂતરાંઓ જેવું, પ્રજાની વ્યક્તિ વ્યક્તિએ ભીખ માગી રહ્યું છે જાણે. કાંચીનો ઇતિહાસ જોતાં ધર્મત્વ અને રાજત્વ બંનેની પરિવર્તનશીલતા બહુ સ્પષ્ટ રીતે સમજાઈ જાય છે. આ પ્રદેશનું મૂળ નામ તુણ્ડપવિષય હતું. ઈ. સ. પૂર્વે પાંચમી સદીમાં બુદ્ધ અહીં આવી ગયેલા. અશોકનું ધર્મચક્ર અહીં પણ ફરતું હતું. તેણે આ સ્થળે અનેક સ્તૂપ બાંધેલા. વિહારો અને સંઘારામો અહીં હતા. ૧૦, ૦૦૦ જેટલા ભિખ્ખુઓ અહીં કાયમી નિવાસ કરતા. એ સંઘારામ આજે પણ શહેરની દક્ષિણમાં હયાત છે. તે પછી અહીં જૈન રાજાઓ અને જૈન ધર્મની અસર પણ આવી ગયાં. હજારેક વરસ સુધી આ ચાલુ રહ્યું. સાતમી સદીમાં આવેલો હ્યુ-એન-સંગ તે કાળના કાંજીવરમનું ભવ્ય ચિત્ર આપે છે. તે વેળા બૌદ્ધ ધર્મની અસર ખાસી પ્રબળ હતી. સેંકડો સંઘારામો અને હજારો ભિખ્ખુઓ અહીં હતા એમ તે નોંધ કરે છે. બૌદ્ધધર્મને ઢાંકતો બ્રાહ્મણધર્મ ફરી જાગ્યો. બ્રાહ્મણધર્મી આચાર્યો અને રાજાઓની સત્તા જૂની સત્તા પર સવાર થઈ. અહીંનાં નિર્બળ સ્થાનિક રાજ્યોને પ્રભાવિત કરતો પલ્લવવંશ સત્તામાં આવ્યો. કાંજીવરમને તેણે રાજધાની બનાવી અને ત્રણ સદી સુધી એકચક્ર રાજ્ય કર્યું. મહેન્દ્ર પલ્લવ, મામલ્લ પલ્લવ, રાજસિંહ અને અપરાજિત પલ્લવ ને એવા કેટલાક પ્રભાવશાળી રાજાઓ થઇ ગયા. તેમના વખતમાં મહાબલિપુરમ્‌ – મામલ્લપુરમનું, મહાનગર પક્ષીતીર્થનું ધામ તથા કાંચીનાં અત્યારે વિદ્યમાનમાંથી કેટલાંક શિવમંદિરો બંધાયાં. અગિયારમી સદીમાં પલ્લવોને ચૌલોએ પરાજિત કર્યા અને કાંચી દક્ષિણનું પાટનગર મટ્યું. ચૌલોએ પલ્લવોના પ્રતાપને પણ પોતાનાં પરાક્રમોથી ઝાંખો કરી દીધો. વારાફરતી ત્રિચી, મદુરા, મૈસૂર, વિજયનગર આ પ્રદેશની ભિન્ન ભિન્ન રાજસત્તાનાં કેન્દ્રો બનવા લાગ્યાં; પણ કાંચીની ધાર્મિક મહત્તા કાયમ રહી. રાજવંશો જેટલી ઝડપથી બદલાય છે તેટલી ઝડપથી દેવવંશો બદલાતા નથી. જોકે બ્રાહ્મણધર્મ આવ્યો પછી બૌદ્ધ કે જૈન ધર્મનું અહીં કશું જ જીવંત તત્ત્વ રહેવા ન પામ્યું; પણ બ્રાહ્મણધર્મ તો અહીં બરાબર જામ્યો. શૈવો અને વૈષ્ણવોના ઝઘડા થયા હશે; પણ તેનું મહત્ત્વ બ્રિટિશ પાર્લમેન્ટના પક્ષો કરતાં વધારે નહિ હોય. બંને સંપ્રદાયો છેવટે સંપીને ટકી રહ્યા અને એક બાપના બે દીકરા પેઠે તેમણે કાંચીની જાગીર વહેંચી લીધી. એમાંથી જ આજનાં છે તે શિવકાંચી અને વિષ્ણુકાંચી બે જુદાં જુદાં જ કાંચી બન્યાં. આ પ્રદેશના નવા નવા રાજાઓ થતા ગયા અને આ પવિત્ર ધામમાં નવાં નવાં મંદિરો બંધાવતા ગયા. વૈષ્ણવ રાજાઓએ વિષ્ણુનાં મંદિરો બાંધ્યાં, શૈવોએ શિવનાં બાંધ્યાં. પોતાના રાજત્વને દેવોની કૃપાથી પ્રાપ્ત થયેલું અને નભી રહેલું માનતા. રાજાઓ અહીં દાન કરતા, ઉત્સવો કરાવતા, પોતાની જાતને સોનાચાંદીથી જોખાવતા, તુલાભાર કરતા અને તે સોનાચાંદીનાં, અસંખ્ય ગાયોનાં અને અનેક ગામોનાં દાન કરતા અને એની નોંધ શિલાલેખોમાં કરાવતા. પણ કાંચીના દેવોની સુપ્રતિષ્ઠા ને સર્વસત્તાને ઔરંગઝેબે વિચલિત કરી દીધી. કુંભકોનમાં તેણે કરેલો અત્યાચાર આપણે જોઈ ગયા. ત્યાંથી પરવારીને તે આ તરફ આવ્યો. હવે આ ત્રિભુવનપતિ દેવોનું શું થાય? કાંઈ નિહ તો એ યવનને હાથે આ પ્રાણપ્રતિષ્ઠા કરેલી મૂર્તિઓને ભંગાવા તો ન જ દેવાય! અહીંનાં ત્રણે મંદિરની મૂર્તિઓને ભક્તલોકો મડદાને રૂપે ઠાઠડીમાં બાંધી ત્રિચિનાપલ્લી પાસેના ઉદરપલાયમમાં લઈ ગયા. જે દેવોનાં ચરણોમાં ત્રિભુવનવિજયી મહાપ્રતાપી રાજરાજેન્દ્રોના પોતાના મુગટ ઝુકાવતા તેમની આ દશા? એક વેળા આપણા પૌરુષથી ઝળહળતાં અને આપણી ઉન્નતિમાં સીમાચિહ્ન જેવાં સ્થળો આજે કેટલા ક્ષણ તેજથી બળે છે! બલકે કેટલેક સ્થળે તો કેવું અભેદ્ય તિમિર જામ્યું છે! અરે, આ મંદિરમાં કેવી છાક મારતી હવડ હવા શ્વાસોચ્છવાસને ગૂંગળાવી રહી છે! અસ્તુ. દેવોએ મડદા રૂપે સ્થાનાન્તર કર્યું ત્યાંથી જ આ વાતની સમાપ્તિ નથી થતી. એ કથા આગળ ચાલે છે. ઉદરપલાયમના અધિપતિને આ દેવો પોતાને ત્યાં જ હવે રહે તેવો લોભ લાગ્યો; પણ તેને એક બીજા દેવભક્ત લાલા ટોડરમલ્લે હરાવી પાછી બડી ધામધૂમથી દેવોની પ્રતિષ્ઠા કાંચીમાં કરાવી, ઈ. સ. ૧૭૧૦માં. ત્યારપછી આ દેવો લગભગ શાંતિથી અહીં જીવન ગાળે છે. જે શહેરમાં બળદગાડીઓ પણ બેસવાના ઉપયોગમાં લેવાતી હોય ત્યાં ગતિની કોઈને બહુ જ થોડી જ પડી હોય તે સ્પષ્ટ છે. ગાડીની મંદતાને લીધે વિશાળ કાંચી ઘણું વિશાળ લાગ્યું. એના બે છેડાઓ વચ્ચે ચારેક માઈલનું અંતર છે. અમારું ગાડું પહોળા રસ્તા પર ગબડતું જતું હતું. રસ્તા પરની દુકાનો અને ઘરો એક જ માળનાં હોઈ રસ્તાની પહોળાઈ વધારે ધ્યાન ખેંચતી હતી. કાંચી આજે મંદિરનગર જ છે. મંદિરો ઉપર જ એની ઉપજીવિકા છે. વરદરાજનું મંદિર વૈષ્ણવોનું ધામ હોઈ દાતાઓની અહીં કમી નથી અને આ દેવોને તો ધન તરફ વૈરાગ્ય છે જ નહિ. તેમને શોભા તો જોઈએ જ, પણ તે કળા વિનાની હોય તોય ચાલે. અહીં બધું અદ્યતન હતું. એમાં દ્રાવિડ મંદિરની કશી પુરાતન રમણીયતા ન હતી. અહીંના પૂજારીએ કરેલી દક્ષિણાની યાચનાના જવાબમાં જ્યારે કંઈ પણ આપવાની મેં ઘસીને ના પાડી ત્યારે પૂજારીએ ખરેખર મને એકબે ભજન સંભળાવી દીધાં હતાં એ વાત હું આ પૂર્વે નોંધી ગયો છું. જગતમાં ચાલતી મંદી ભેગી આધ્યાત્મિક મંદીની અસરનું જ એ પરિણામ હશે ને? અહીંના શિલાલેખો જો ઉકેલી શકાય તો વિજયનગરના અચ્યુતરાય રાજાએ પોતાનો તુલાભાર એક કાર્તિક સુદ બારસે કરાવેલો ને તેણે રત્નો, ગાયો અને ગામનાં દાન કરેલાં તેનું વર્ણન સગી આંખે વાંચવા મળે. આ મંદિરનું સૌથી સુંદર દૃશ્ય છે વસંતમંડપ. મદુરાના વસંતમંડપ અને શ્રીરંગનાા અશ્વમંડપની કળાને ભેગી કરી આ મંડપ રચ્યો હોય તેવું લાગે છે. એમાં થાંભલા છે માત્ર સો, પણ એ એક એક થાંભલા પર શિલ્પીઓનાં ઘણાં સ્વપ્નો અને ઘણી પ્રતિભા આકારિત બન્યાં છે. અલબત્ત, બેલૂરની સફાઈ અને ઝીણવટ અહીં ખૂટે છે. પણ કલ્પના તો પૂરબહારમાં અહીં ઊછળી રહી છે. દરેક થાંભલો એક નાનું શિલ્પગુચ્છ બની રહ્યો છે. મનુષ્યો, પશુઓ ભાગવું જોઈએ. પ્રાચીનતાથી ભરેલા આ અવશેષોમાં એક જ અર્વાચીન કૃતિ હતી. તે હતી ત્યાંની દીવાદાંડી. રજાના દિવસે ધુમાડા વિનાના મિલના ભૂંગળા જેવી દેખાતી એ ઊંચા મિનારાવાળી દીવાદાંડી આખા પ્રદેશમાં પોતાની ઊંચાઈની વિશેષતાથી જ ધ્યાન ખેંચતી હતી. એની પાસે જ તેનાથી અર્ધી ઊંચાઈની એક ઊંચી મેડી જેવી લાગતી જૂના વખતની દીવાદાંડી પણ હતી. દરિયામાં દીવાદાંડી બાંધવી એ ખ્યાલ અને એ કળા તો પશ્ચિમનાં જ છે; પણ વહાણોને માર્ગદર્શક કાંઈ કરવું જોઈએ તેની કલ્પના તો આપણા નૌકાવિશારદોને આવેલી તેનો આ અચ્છો પુરાવો છે. ક્યારાવાળાં ડાંગરનાં ખેતરોને શેઢે શેઢે અમે તરાપા તરફ ચાલવા માંડ્યાં. પોતાનાં ઘણાં છોકરાંની અને ગરીબાઈની વાતો કરતો અમારો ભોમિયો પણ સાથે જ હતો. પણ છેવટે મેં તો આપવા ધારેલી રકમ જ એને આપી અને વિદાય કર્યો. તરાપો કિનારા પર થોભ્યો. દૂરથી બેત્રણ જણ આવતા હતા. તરાપા પર એક માછીમાર હતો; બીજી એક વૃદ્ધ સ્ત્રી હતી. કોઈ મહામોંઘી વસ્તુ જેવું કશુંક પોટલીમાં બાંધી તે લઈ જતી હતી. આ પાંચસાત ઉતારુઓ મૂંગાંમૂંગાં બેઠાં હતાં. કેટલી દીનતા અને દરિદ્રતા! એક વખતના દક્ષિણાધિપતિના મહાસમૃદ્ધ નગરની ભૂમિ પર આજે રોટલાના સાંસાવાળી વસ્તી વસતી હતી. માણસોએ પથ્થરમાંથી કોરી કાઢેલા એ ગૃહસ્થ દેવોનું, તેમના સુંદર અંગભંગો અને મુદિત મુદ્રાઓમાંથી આ વિકૃત થતી માનવજાતિ પર ઊતરતું કટાક્ષભર્યું સૌમ્ય સ્મિત જાણે આખા ટાપુ પર રમતું હતું. અરે, એ દેવો પોતાની પડખે ઊભેલા દેવનો ક્ષય પણ કેટલી સ્વસ્થતાથી જોતા હતા! તો પછી માણસોની દુર્દશા જોઈને તેમના સ્મિતમાં શાને ફેર પડે?