અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/નીલ ધરાની પહોળી છાતી પર સૂરજ
નીલ ધરાની પહોળી છાતી પર સૂરજ
ચંદ્રકાન્ત શેઠ
પેલા સૂરજને
નીલ ગગન કરતાંયે
સવિશેષ ખેંચે છે પોતાના પ્રતિ
નીલ શ્યામ ધરા —
જે
જોવનાઈએ મદમસ્ત
એમ જ બિનધાસ્ત પહોળાઈએ પડેલી છે
પીળચટ્ટા ઘાસલિયા રેશમને લહેરાવતી!
ઘાસના એક એક તણખલાએ
પરોવાતા કિરણે કિરણે
સૂરજ જાણે વવાતો જાય છે
નીલ ધરાના રોમેરોમમાં!
તીરકામઠું લઈને ધસી આવેલો માઈલબાલ
વાદળે ચડીને
વેરવિખેર કરે છે
સૂરજના તડકીલા વાઘાને
સૂરતશ્રમના બુન્દે બુન્દે શ્રાન્ત સૂરજ
નીલ ધરાની પહોળી છાતી પર
લેટે છે આમતેમ!
પવનમાંથી છૂટવા લાગ્યા છે પહાડી સૂર!
કોઈ રજનીગન્ધાશી
શ્યામ સુન્દરીને તેડાવો અબઘડી
જે વાંસ વાંસ ચડતા સૂરજની
જોવનાઈનો રંગ, નિચોવીને ચખાડે
આ હવાઈ ગયેલા શાહમૃગી મનખાને!