ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/મહાશંકર ઇંદ્રજી દવે
એઓ જ્ઞાતે શ્રીમાળી બ્રાહ્મણ છે; મૂળ વતની રાજકોટના અને હમણાં અમદાવાદમાં શિક્ષક તરીકે કામ કરે છે. એમનો જન્મ તા. ૫મી એપ્રિલ ૧૮૯૫ (સંવત્ ૧૯૫૧ના ચૈત્ર સુદ ૧૦)ના રોજ રાજકોટમાં થયો હતો. એમના પિતાનું નામ ઇંદ્રજી સુંદરજી દવે અને માતાનું નામ લાછુબાઇ છે. લગ્ન સં. ૧૯૬૧માં ધ્રાંગધ્રા ગામે બાઈ રળિયાત સાથે થયું હતું. રાજકોટની હંટર મેલ ટ્રેનિંગ કૉલેજમાં એમણે શિક્ષણ લીધેલું; અને ઉંચા પ્રકારના ચારિત્ર, અભ્યાસ તેમ ભાષાજ્ઞાન માટે–ભાષા, શિક્ષણ અને સદ્વર્તન માટે–ત્રણ જૂદા જૂદા ચાંદ મળેલા. ગુજરાતી વાચન માટેનાં શોખ તેર વર્ષની ઉમરથી શરૂ થયલો; અને ટ્રેનિંગ કૉલેજમાંથી છૂટા થયા બાદ બંગાળી, હિંદી વગેરે ભાષાઓનો અભ્યાસ કરી પોતાના જ્ઞાનમાં ઘણે વધારો કર્યો છે. પોતે જ્ઞાન મેળવી બેસી રહ્યા નથીઃ પણ બંગાળી, હિંદીમાં જે સરસ પુસ્તકો માલુમ પડ્યાં, તેને ગુજરાતી અનુવાદ કરી છપાવ્યા છે અને તે સઘળા પુસ્તકો સુંદર અને ઉંચી કોટિના જણાયાં છે. એક સ્કોલર તરીકે જે ઉત્તમ છાપ, પિતાના વર્ગમાં પાડી શકેલા તે ગુજરાતી વાચકવર્ગના વિશાળ ક્ષેત્રમાં એમની કૃતિઓથી પાડવા એઓ શક્તિમાન થયા છે; એ તેમની નીચેની કૃતિઓ કહી આપશે. એમનો પ્રિય વિષય સહિત્ય અને ઇતિહાસ છે.
: : એમની કૃતિઓ. : :
| ૧ | સિરાજુદ્દૌલા | સન ૧૯૨૨ |
| ૨ | વજીરનંદિની ગુલબેગમ | ” ૧૯૨૩ |
| ૩ | મીરકાસીમ | ”” |
| ૪ | અરાઢસે સત્તાવનના બળવાનો ઇતિહાસ ભા. ૧; ભા. ૨. | ” ૧૯૨૩-૨૪ |
| ૫ | રમાસુંદરી | ” ૧૯૨૪ |
| ૬ | યજ્ઞ રહસ્ય | ” ૧૯૨૩ |
| ૭ | નારાયણી | ” ૧૯૨૪ |
| ૮ | સૌંદર્યતત્ત્વ | ” ૧૯૨૬ |
| ૯ | બંગાળી સાહિત્યનો ઇતિહાસ | ” ૧૯૨૮ |
| ૧૦ | ગૃહલક્ષ્મી | ” ૧૯૨૯ |
| ૧૧ | રાજમાર્ગ | ”” |
| ૧૨ | આત્માનાં આંસુ | ” ૧૯૩૦ |
| ૧૩ | શિયાળ અને સસલું (બાલોપયોગી) | ” ૧૯૨૭ |
| ૧૪ | રૂપકથા ભા. ૧; ભા. ૨ (બાલોપયોગી) | ” ૧૯૨૯-૩૦ |