ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/મહાદેવ હરિભાઈ દેશાઈ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મહાદેવ હરિભાઇ દેસાઇ

એઓ જાતના અનાવિલ બ્રાહ્મણ; મૂળ વતની દિહણ-તાલુકા ઓલપાડ, જીલ્લે સુરત અને જન્મ તા. ૧ લી જાન્યુઆરી ૧૮૯૨ ના રોજ ઓલપાડ પાસે આવેલા સરસ ગામે થયો હતો. એમના પિતાશ્રીનું નામ હરિભાઇ સુરભાઈ દેસાઈ, જેઓ મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજ ફોર વિમેનમાં કેટલોક સમય હેડમાસ્તરના પદે રહ્યા હતા અને માતુશ્રીનું નામ જમનાબ્હેન. એમનું લગ્ન સન ૧૯૦૫ માં જલાલપુર પાસે કાલીઆવાડી ગામમાં સૌ. દુર્ગાબ્હેન–સ્વ. ખંડુભાઈ માસ્તરના પુત્રી–સાથે થયું હતું. પ્રાથમિક કેળવણી જૂદે જૂદે ગામે; માધ્યમિક સુરત હાઈસ્કુલમાં અને ઉંચી એલ્ફીન્સ્ટન કૉલેજમાં મેળવી હતી. હાઇસ્કુલના બધા વર્ગોમાં અને કૉલેજના ત્રણ વર્ષોમાં એમને સ્કેલરશીપ ચાલુ મળતી રહી હતી. સન માં મેટ્રીક પાસ થયા હતા અને સન માં બી, એ. ની પરીક્ષા ઐચ્છિક વિષય લઇને પાસ કરી હતી. સન માં તેઓ એલ એલ. બી. થયલા; અને સન માં અમદાવાદમાં વકીલાત શરૂ કરેલી પણ તે ધંધામાં નહિ ગોઠતાં, તેઓ પ્રથમ કો-ઓપરેટીવ સહકારી ખાતામાં જોડાયેલા. તે નોકરી દરમિયાન એમની રસિક વૃત્તિ સાહિત્ય પ્રતિ ખેંચાયેલી રહેતી, એમ અંકલેશ્વર પાસેના ધડખોલમાંના અરજુન ભક્ત પાસેથી સંગ્રહેલ “અરજુન વાણી” પરથી જોઈ શકાય છે; અને તે પૂર્વે ભાઈશ્રી નરહરિ દ્વારકાદાસ પરીખ સાથે કવિવર ટાગોરની એક ઉમદા કૃતિ ‘ચિત્રાંગદા’ નાટકનું ભાષાંતર છપાવ્યું હતું. અનુવાદ ગ્રંથોમાં, જેમકે છગનલાલ પંડ્યાની કાદંબરી, દી. બા. ધ્રુવનું ગીત ગોવિંદ, મણિલાલ નભુભાઈનું ઉત્તરરામ ચરિત્ર, તેની હરોળમાં સદરહુ નાટક મૂકી શકાય. બંગાળી ભાષાનું એમનું જ્ઞાન જેમ ઝીણું તેમ ગુજરાતી ભાષાપરનો કાબુ એવો સારો છે કે મૂળ લેખકની ખૂબી-રસમાં ક્ષતિ ન આવતાં, તે એક સુંદર, સ્વતંત્ર કૃતિની પેઠે ખીલી ઉઠે છે. એ તો ઘણાના અનુભવમાં હશે કે સંસ્કૃત અથવા પ્રાંતિય ભાષાઓ, મરાઠી, બંગાળી કે હિંદી પરથી ગુજરાતીમાં અનુવાદ કરવો એ જેટલું સરલ કાર્ય છે, તેટલું કઠિન કાર્ય ઈંગ્રેજી ગ્રંથનો ગુજરાતીમાં તરજુમો કરવો તે છે; તેમાંય મૂળ શબ્દનું અર્થ-ગાંભીર્ય સાચવવાની સાથે, તેના ભાવની છાયા અને ભેદ દર્શાવવા-ઉતારવામાં થોડાકજ લેખકોને ફતેહ મળે છે. પરંતુ શ્રીયુત મહાદેવભાઇ એ કળામાં સિદ્ધહસ્ત છે. એ કળા એમને વરેલી છે, એમ કહેવું તે સહરાગતભર્યું નથી. સ્વ. મોર્લીનું ‘Compromise’ એ ઇંગ્રેજી સાહિત્યમાં ઉત્તમ પુસ્તક ગણાય છે; તેને બરોબર સમજવું, એ વાચક માટે કપરી કસોટી છે; ઘણાંએ તેને શરૂ કરી પડતું મૂક્યું હશે; તો પછી એનો સફળ અનુવાદ કરનાર માટે આપણે કયા શબ્દોમાં પ્રશંસા કરીશું? તે સંબંધમાં એક દાખલો નોંધીશું. એક કૉલેજવિદ્યાર્થી-યાહુદી-ને પરીક્ષા માટે સદરહુ પુસ્તક વાંચવાનું હતું. મૂળ પુસ્તક સમજવામાં મુશ્કેલી નડતાં, એમણે અનુવાદ તરફ નજર દોડાવી અને શ્રીયુત મહાદેવભાઇનું “સત્યાગ્રહની મર્યાદા” એ પુસ્તક મેળવ્યું. પછી એક દિવસે ભેટો થતાં, તેમણે કહ્યું હતું કે સદરહુ અનુવાદ મને મળ્યો ન હોત તો મૂળને હું સમજી શકત કે કેમ એ કહી શકતો નથી. એેવો ઉંચો અભિપ્રાય એમના બીજા અનુવાદો–શરદ બાબુના વાર્તાગ્રંથો–માટે ‘પ્રસ્થાન’ના તંત્રી શ્રીયુત રામનારાયણ પાઠકે ઉચ્ચારેલો છે; અને એમના લેખ-ગ્રંથો માટે આવાં પ્રમાણપત્રોની શી જરૂર છે? એમની કલમમાંથી જાણે કે રસ નિતરે છે; એમની ભાષામાં માધુર્ય ભરેલું છે; શબ્દપસંદગીમાં અને અર્થવહનમાં, લેખનું પ્રમાણ જાળવવામાં તેમ વાચકનું માનસ પારખવામાં, શબ્દો દ્વારા કલાયુક્ત ચિત્રો દેરવામાં એમની બુદ્ધિ કમાલ કરે છે. એમની લેખિની ધારી અસર ઉપજાવી શકે છે; એટલું જ નહિ પણ તે મુગ્ધ કરે છે, એમ “નવજીવન”માં આવતા એમનાં લેખો વાંચનાર કોઈ પણ નિઃસંકોચ કહેશે. તે ઉપરાંત એમની ફતેહનું બીજું કારણ એ છે કે, તે લખાણ જીવનને સ્પર્શતું ચેતનવંતુ હોય છે, જેની ચાવી એમના જીવનસિદ્ધાંતોમાંથી; એમના ચારિત્રમાંથી મળી આવશે. મહાત્માજીના એક અનન્ય શિષ્ય હોવાનું એમને માન છે; અને એમના માટે મહાત્માજીનો પ્રેમ પણ અગાધ છે. વળી, દેશ માટે એમણે પોતાનું સર્વસ્વ અર્પ્યું છે. આવો વિરલ સેવાભાવ અને ત્યાગવૃત્તિ ગમે તે સ્થાને અને સમયે માનવૃત્તિજ ઉપજાવે અને આપણું મસ્તક સહજ એમની સમક્ષ નમી પડે છે.

: : એમની કૃતિઓ : :

ચિત્રાંગદા (શ્રી નરહરિ પરીખ સાથે) સન ૧૯૧૪ અને ૧૯૨૦
વિદાય અભિશાપ ( " " )  ”
પ્રાચીન સાહિત્ય ( " " )  ”  ૧૯૨૦
અર્જુનવાણી (સંગ્રહકર્તા મ. દેસાઇ)  ”  ૧૯૨૩
ગોખલેનાં વ્યાખ્યાનો ભા. ૧  ”  ૧૯૧૬
એક ધર્મ યુદ્ધ  ”  ૧૯૧૭
સત્યાગ્રહની મર્યાદા  ”  ૧૯૨૪
વિરાજ વહુ  ”  ૧૯૨૩
ત્રણ વાર્તાઓ  ”  ૧૯૨૩
૧૦ ગાંધીજીની આત્મકથાનો ઈંગ્રેજી અનુવાદ-
The Story of My Experiments
with Truth.
 ”  ૧૯૨૫
૧૧ With Gandhiji in Indian Villages  ”  ૧૯૨૫
૧૨ With Gandhiji in Ceylon  ”  ૧૯૨૭
૧૩ The Story of Bardoli  ”  ૧૯૨૯
૧૪ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ  ”  ૧૯૨૯
૧૫ વીર વલ્લભભાઈ  ”

નં. ૧,૨,૩,–ટાગોરનાં ગ્રંથોના અનુવાદ; નં. ૫ લોર્ડ મોર્લીના ‘On Compromise’ નું ભાષાંતર; નં. ૬,૭-શરત્‌બાબુની વાર્તાઓનો અનુવાદ.