ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/મોતીલાલ રવિશંકર ધોડા

From Ekatra Foundation
Revision as of 03:12, 11 July 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મોતીલાલ રવિશંકર ઘોડા,

બી. એ. એલ એલ. બી.

એઓ જ્ઞાતે વડનગરા નાગર ગૃહસ્થ; મૂળ વતની જુનાગઢના પરંતુ હાલમાં નિવાસસ્થાન નડિયાદ છે. એમનો જન્મ સં. ૧૯૩૧ના આશ્વિન વદી ૧૧ ને બુધવારના રોજ જુનાગઢમાં થયો હતો. એમના પિતાશ્રીનું નામ રવિશંકર મયાશંકર ઘોડા અને માતુશ્રીનું નામ કેસર (ઉર્ફે ઝમખ) તે સ્વ. રામજી સુંદરજી જોષીપુરાના પુત્રી થાય. એમનું પ્રથમ લગ્ન સ્વ. વેણીશંકર ભવાનીશંકર ઢેબટની કનિષ્ઠ પુત્રી સવિતાલક્ષ્મી વેરે સં. ૧૯૪૯ના મહા વદી ૮ના રોજ જુનાગઢમાં થયું હતું; અને બીજીવારનું લગ્ન સ્વ. જાદવરાય ભવાનીદાસ વૈષ્ણવની જ્યેષ્ઠ પુત્રી હીરાલક્ષ્મી વેરે સં. ૧૯૫૭ના ફાગણ વદી ૬ના રોજ વતનમાં થયું હતું, એમનું અવસાન તા. ૨-૮-૧૯૨૨ના રોજ થયું હતું. પ્રાથમિક તેમ માધ્યમિક અભ્યાસ જુનાગઢમાં કર્યો હતો. તે પછીની કેળવણી મુંબાઇમાં વિલ્સન કૉલેજમાં લીધી હતી. સન. ૧૮૯૬માં તેઓ ઇતિહાસ અને લૉનો ઐચ્છિક વિષય લઇને બી. એ. (સેકન્ડ ક્લાસ) થયા હતા; અને સન ૧૮૯૮માં એલ એલ. બી. થયલા. શરૂઆતમાં જુનાગઢ રાજ્યમાં હજુર અદાલત નનોટરી (notary) નિમાયલા. તે પછી જૂનાગઢ તાબે ભેસાણ તથા વેરાવળના ફર્સ્ટ ક્લાસ માજીસ્ટ્રેટ તથા ફ. ક. સબજજનો હોદ્દો ભોગવેલો; પણ અમાત્યમંડળ બદલાઈ જતાં, તેઓ વકીલાતાર્થ અમદાવાદ આવેલા. સન ૧૯૦૫થી તેઓ વકીલાત કરે છે; ૧૯૨૫ સુધી અમદાવાદમાં અને તે પછી ખેડા જીલ્લો જુદો પડતાં અને તેમની પ્રેકટીશ પ્રાધાન્યતઃ ખેડા જિલ્લાની હોવાથી નડિયાદમાં રહે છે. વકીલવર્ગમાં આપણા પ્રાચીન ધર્મગ્રંથોનો અભ્યાસ, અધ્યયન અને લેખનકાર્ય કરતા જૂજ ગૃહસ્થો મળી આવશે અને એવા જુજમાં એમનો સમાવેશ થાય છે. એમના વંશમાં શ્રીનાથ ભવાન (ઉર્ફે અનુભવાનંદ સ્વામી) નામના એક પ્રસિદ્ધ ભક્ત-કવિ આશરે ૨૦૦) વર્ષ ઉપર થઈ ગયા છે, જેમનો સટીક ગીતાનો (શ્રીધરી ગીતા, સુબોધિની ટીકા સમેતનો) અનુવાદ ગત વર્ષથી ‘સાહિત્ય’માં છપાય છે; આ ઉપરાંત ‘શ્રી બ્રહ્મગીતા’ (સ્કંદપુરાણાન્ત ર્ગત)ને ૭૦૦ કડી આશરેનો ગદ્યાત્મક ગ્રંથ તથા ‘શ્રી અંબામાનો ગરબો’ વિગેરે પણ તેમનો રચેલો છે. નીચે એમના ગ્રંથોની યાદી આપી છે, તે પરથી જણાશે કે ધર્મ વિષયમાં તેમને કેટલોબધો રસ છે. સન ૧૯૨૧ની સાલમાં મે માસના અરસામાં એમને જામનગર નિવાસી વે. સં. સદ્‌ગુરૂ શ્રી. કૃષ્ણલાલજી ભગવાનજીનો સમાગમ થયો હતો; તે પછી એમનો ધર્મગ્રંથો અને વેદાન્તનો અભ્યાસ દિન પ્રતિદિન વૃદ્ધિગત થતો રહ્યો છે; અને બીજી વારના પત્નીનું મૃત્યુ થતાં તેઓ બધો ફુરસદનો સમય ધર્મવાચન અને લેખનમાં વ્યતીત કરે છે. એમના કુટુંબનું વૃત્તાંત ‘ગાયત્રી વાર્ત્તિક’ પુસ્તક ચાલુ વર્ષમાં એમણે પ્રસિદ્ધ કર્યું છે, તેમાં આપેલું છે તેમ એમના પૂર્વજ ‘શ્રીનાથ ભવાન’નો વૃત્તાંત સન ૧૯૩૦ના ‘બુદ્ધિપ્રકાશ’માં છપાયો હતો.

: : એમની કૃતિઓ : :

૧-૩ શ્રી. શંકરાનંદી ભગવદ્‌ગીતા ભા. ૧, ૨, ૩. સન ૧૯૨૯
(અન્વયાર્થ તથા ટીકા સમેત ગૂજરાતી અનુવાદ) (શ્રી સયાજી સાહિત્ય માળામાં)
શ્રી ભક્તિ રસાયન
(ભાગ ૧, ગૂજરાતી અનુવાદ)
 ”  ૧૯૨૯
૫-૬ ઋગ્વેદ સંહિતા પ્રથમ અષ્ટક ભાગ ૧-૨  ”  ૧૯૩૧
(ઋચા, પદપાઠ તથા શ્રી સાધનાચાર્ય
ભાષ્યાનુસાર-ગૂજરાતી અનુવાદ)
(શ્રી સયાજી સાહિત્ય માળામાં)
શ્રીમચ્છંકરાચાર્ય પ્રણીતા ‘શ્રી ઉપદેશસહસ્ત્રી’નો
ગુજરાતી અનુવાદ ‘શ્રીરામતીર્થ’ની ટીકાસમેત
(ગદ્યાત્મક ભાગ)
 ”  ૧૯૩૧

આ ઉપરાંત ‘શ્રી ઈશોપનિષદ્‌, શુકલયજુર્વેદસંહિતા, આદિના અનુવાદ તેમણે કરેલા છે.