કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/ખીલી છે સ્વચ્છ રાત્રિ
૧૨. ખીલી છે સ્વચ્છ રાત્રિ
ખીલી છે સ્વચ્છ રાત્રિ શિશિર ઋતુતણી કૃષ્ણપક્ષા, સુશીત.
સૂતું સૌ શે’ર નીચે, સજગ ઝગમગે મસ્તકે આભ આખું.
પૃથ્વી પે ગાઢ રાત્રિ, દિવસ નભવિષે ફુલ્લ સોળે કળાએ.
એ બે વચ્ચે અગાસી પર મુદિત ઊભો હું ભુવર્લોક જેવો!
ન્યાળું હું મુગ્ધ મુગ્ધ દ્યુતિ ગગનતણી, નૈકશઃ ખણ્ડરૂપા.
સૌન્દર્યે રૂપ ધાર્યા અગણિત નવલાં શા સુહે તારલાઓ.
એકાકી વૃન્દમાં વા ઉડુગણ, ગ્રહ, નક્ષત્ર, સ્વર્ગંગ શુભ્ર,
મારે શીર્ષે તરે હો, દ્યુતિમય અમલા દિવ્ય સૌન્દર્યલોક!
પૃથ્વીના મસ્તકે આ પ્રતિનિશ વહતી સૃષ્ટિઓ તેજકેરી.
મૂકે પૃથ્વીશિરે કો નિત ઝગમગતો તેજકેરો કિરીટ!
એકાન્તે શાન્ત જાણે લલિત અભિસરે નાયિકા શી ધરિત્રી!
ચાલી જાતી અનાદિ પથ સમયતણો કાપતી, મુગ્ધરૂપા!
તીરે તે કોણ બેઠો પ્રિયતમ ધરીને પ્રીતિનું પૂર્ણ પાત્ર?
પૃથ્વીના અંતરે કૈં પલપલ ઊઘડે સ્નિગ્ધ સૌન્દર્યભાત!
(‘પદ્મા’, પૃ. ૧૧૯)