કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/સિન્ધુ
૧૩. સિન્ધુ
ભરી બ્હોળી પૃથ્વી અતલ પથરાયાં જલ કંઈ
નકામાં : રે, ટીપું તૃષિત અધરે ના જઈ શકે!
મળ્યું શીળું વારિસ્વરૂપ કરવા હાંસી નિજ કે!
ઘણું દાઝે સિન્ધુ વિપુલ વડવાગ્નિ ઉર લઈ!
દઝાપાની ઝાળો નભમહીં વરાળો થઈ ચડે :
ઉરે ચાંપે એને નભ, અણુઅણુ શીતળ કરે :
લસે વિદ્યુદ્વલ્લિ : જલધરધનુષ્યો નભ ભરે :
ઘન સ્નિગ્ધ શ્યામ સ્વરૂપ ગગને મંદ્ર ગગડે!
અને, વર્ષે મૂકી મન, તૃષિત હૈયે અવનિના,
સરો, સ્રોતો, પૃથ્વી સકલ થઈ જાયે રસબસ;
મયૂરોની કેકા ધ્વનિત નભહૈયે સમરસ;
અહો સૃષ્ટિકેરો સુખમહીં રહી કૈં જ કમી ના!
અરે, આ ક્ષારાબ્ધિ-હૃદય થકી ક્ષીરાબ્ધિ ઊમટે!
અનાદિ પૃથ્વીની તરસ, ઉરથી આ કંઈ ઘટે!
(‘પદ્મા’, પૃ. ૧૨૪)