કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/અંધારાં તલખે રે
Jump to navigation
Jump to search
૨૧. અંધારાં તલખે રે
અધારાં તલખે રે તલતલ તેજને હો જી.
કાળાં કાળાં કારાગાર,
ભીંસે શૃંખલાના ભાર,
બેવડ બાંધ્યા રે બંધિયાર!
અંધારાં વલખે રે પલપલ તેજને હો જી.
સૂતેલાં રે અંગે એનાં
ઊગ્યાં હજી ના રે નેનાં!
નિતની ઘોરે ઘેરી રેના!
પુકારે પરમનાં છલછલ તેજને હો જી.
‘આણ આસુરી આ જામી;
જાતી નથી રે ઉથામી!
જાણો તમે અંતરજામી!’
– આછા રે પુલકાટો દલદલ તેજને હો જી.
(‘નાન્દી’, પૃ. ૨૨)