સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ/ગુજરાતી વિવેચનવિચાર : કેટલાક પ્રશ્નો
ગુજરાતી સાહિત્યપરિષદની શતાબ્દી પ્રસંગે આપણે જે આનન્દોત્સવમાં ભાગ લેવા એકત્રિત થયા છીએ તે એક રોમાંચકારી ઘટના છે. વળી, મને વિવેચનવિભાગના અધ્યક્ષ તરીકે આમંત્ર્યો એ માટે પણ હું પરિષદનો આભારી છું. અત્યાર સુધી જે કંઈ સર્જનાત્મક અને ચિંતનાત્મક સાહિત્ય વાંચ્યું તેને આધારે થોડી વાતો કરવાનો આશય છે. એમાં હું તો માત્ર નિમિત્ત બન્યો છું, એટલું જ, એથી વિશેષ કર્તૃત્વનો કોઈ દાવો નથી. લગભગ દોઢસોએક વર્ષથી ચાલી આવેલી આપણી વિવેચનપ્રવૃત્તિ પહેલેથી જ પશ્ચિમાભિમુખ રહી છે એમ કોઈ કહે ત્યારે એની પાછળ કશા અનાદર કે સ્વભાષા માટેનો ઓછો પ્રેમ વાંચવાને બદલે એક વાસ્તવિકતાનો સ્વીકાર સમજવો જોઈએ. સમયના કયા તબક્કે કેવી કૃતિ રચવી, કયા સ્વરૂપની પસંદગી કરવી, પૂર્વસૂરિઓ સાથે સંઘર્ષ કે સંવાદ કરવો, પરમ્પરાને કેવી રીતે વિસ્તારવી વગેરે પાછળ પણ એક સૂક્ષ્મ પ્રકારની વિવેકબુદ્ધિ રહેલી હોય છે. એ રીતે મધ્યકાલીન સાહિત્યમાં વિવેચનવ્યાપાર ભલે ન હોય પણ દરેક સર્જકે પોતાની કૃતિઓમાં કોઈક પ્રકારની વિવેચનાનો ઉપયોગ તો કર્યો જ હોય ને! તેમાંય વળી ‘વસંતવિલાસ’ના કર્તાએ તો પોતાની રૂચિનું ઘડતર કરનારી કૃતિઓનો વિલક્ષણ રીતે પરિચય કરાવ્યો. પોતાની રચનાઓનું કાવ્યત્વ કસોટીએ ચઢાવવા સાદૃશ્ય ધરાવતી કૃતિઓ પણ ધરી દીધી. એક કૃતિની બહાર જવા બીજી કૃતિ ધરી અને એ રીતે ભાવકની રુચિને વિશેષ સંસ્કૃત કરી. અસ્તુ. સુધારકયુગથી આરંભાયેલી આપણી વિવેચનપ્રવૃત્તિ પાછળ કયા પ્રશિષ્ટ ગ્રન્થો હતા એવો પ્રશ્ન પૂછનારે નર્મદના નિબન્ધો (મહાકાવ્ય વિષયક, મધ્યકાલીન કવિઓ વિશેના લેખો), નવલરામ પંડયાનાં સર્જનાત્મક કે વિવેચનાત્મક લખાણો જોઈ લેવાં. આરમ્ભકાલીન પશ્ચિમાભિમુખતા ધીમે ધીમે ઓછી થવા માંડે છે. નવલરામ પંડ્યાની કેળવાયેલી રુચિ એક બાજુ તેમને મોલિયેર તરફ લઈ જશે અને બીજી બાજુ ‘મેઘદૂત’ના અનુવાદ માટે પ્રેરશે. જ્યાં સુધી આ સન્તુલિતતા ટકી રહે છે ત્યાં સુધી પ્રશ્નો ઊભા થતા નથી. નવલરામ પંડ્યા સાચા અર્થમાં વિવેચનપ્રવૃત્તિનો આરમ્ભ કરી આપે છે, ભલે એમની વિવેચના સારાનુવાદી હોય (અત્યારે પણ ક્યાં નથી?) પરન્તુ નરી નિર્ભીકતાથી વિવેચન થવું જોઈએ એ માટેનો એક આદર્શ મૂકી જાય છે. દરેક ભાષાની વિવેચના તત્ત્વનિર્ભર અને વિશેષ તો પોતાની ભાષાના સાહિત્ય પર આધાર રાખનારી હોવી જોઈએ. એ રીતે વિવેચન ‘ગુજરાતી’ બનવું જોઈએ. એટલે ‘કાવ્ય કેવી રીતે જન્મે છે’, ‘ગુજરાતી કવિતાને/સાહિત્યને ઘડનારાં પરિબળ કેવાં છે’ જેવા પ્રશ્નો સાહિત્યવિવેચન, અને સાહિત્યનો ઇતિહાસ – બંનેને સામે રાખીને ચર્ચવા જોઈએ. ગોવર્ધનરામ ત્રિપાઠી ‘ક્લાસિકલ પોએટ્સ ઑવ્ ગુજરાત’માં જે ચર્ચા ઉપાડે છે તે એક નવા પ્રસ્થાનબિન્દુનું સૂચન કરે છે. કવિની રચનાઓમાં પ્રત્યક્ષપણે દેખાતી ધાર્મિક ભાવનાઓ પાછળ તેના પોતાના સમ્પ્રજ્ઞાત/અસંપ્રજ્ઞાત ભાવો કેવી રીતે જોવા મળે છે, તે પોતાના કૌટુમ્બિક, સામાજિક વાતાવરણને કેવી રીતે વાચા આપે છે તેની તપાસ ગો.મા.ત્રિપાઠી કરવા માગતા હતા. અર્થાત્ ગુજરાતી કવિતાને પામવા માગનારે સૌથી પહેલાં તો ગુજરાતની પ્રજા પોતાનાં હૈયાંમાં શું સંચિત કરીને બેઠી છે એની તપાસ કરવી જોઈએ. એક ડગલું આગળ જઈને ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાતી કવિઓની ભૂગોળ તપાસે છે, ન્યાતજાત ચર્ચે છે. કદાચ ગુજરાતી વિવેચનમાં પહેલી વાર તેઓ કહે છે કે ‘ગુજરાતી કવિતાનો નૃવંશશાસ્ત્રીય અભ્યાસ થવો જોઈએ.’ આ મુદ્દાને બલવંતરાય ઠાકોર ઉપાડી લે છે. એની સાથે ગુજરાતી સાહિત્યની દરિદ્રતા પાછળ રહેલાં કારણો ચર્ચે છે. ગુજરાતી વિવેચને પોતાના સમયથી આગળ જઈને એ સમયે હાંસિયામાં મુકાયેલા સર્જકોની ચર્ચા કરી હતી. દા.ત. ‘ઉચ્ચબુદ્ધિ ખિલવટના ઇજારદાર દ્વિજોને આ કસબકારીગરીઓ અને તેમની મુશ્કેલીઓનો રોજિંદો સજીવન પરિચય રહ્યો નહીં. નવનારૂ(થી માંડીને)... ભૂવા, ઝેરચૂસ, આદિ તમામ ‘અદ્વિજ’, ‘કાળી પરજ’, ‘અસ્પશ્ય અને શૂદ્ર અતિશૂદ્ર‘ ગણાતા થયા. તેમનાં જીવન, તેમના અનુભવ અને તેમના ન્હાનામોટા પ્રયોગ બુદ્ધિ અને સાહિત્ય કેળવણી પર્યેષણા અને મીમાંસાને અસ્પશ્ય બન્યાં. બુદ્ધિ પંગુ અને ખાલીખમ બની... આમ આપણા દેશનું સાહિત્ય માત્ર હિંસાયું. આપણી કલામાત્ર નંદવાઈ. (ન.ક.વ્યા. ૫૦-૧) સાહિત્ય પ્રજાના બધા ઇલાકાઓને સમાવી ન શકે ત્યારે કેટલું બધું નુકસાન થાય છે એ વાતનો સ્પષ્ટ સ્વીકાર કરવામાં આવ્યો હતો. એ વાત વર્તમાન સર્જકોએ જાણવા જેવી છે. એટલે જ બ.ક.ઠાકોર જેવાએ અંબાલાલ દેસાઈની ઉક્તિ ‘સાહિત્ય સમસ્ત પ્રજાની વાણી છે’ને તરત જ સ્વીકારી લીધી હતી. સુધારકયુગના સાહિત્યસર્જનમાં અને વિવેચનમાં સર્જનકર્મ વિશેની સભાનતા ઓછી હતી એવું માનવામાં આવે છે છતાં સર્જકોને બિનજરૂરી પ્રોત્સાહન આપવાની વાત વિવેચને એ તબક્કે સુધ્ધાં (વાસ્તવમાં તો નવા નવા નિશાળિયાઓને ઉદાર બનીને આવકાર્યા હોત તો એ આવકાર ટીકાપાત્ર ન બનત.) કરી ન હતી. સાહિત્યસૂઝ વિનાના નર્યા ઉત્સાહને ‘ઓથારિયા હડકવા’ના નામે ઓળખાવવાનો જે આરમ્ભ નવલરામ પંડ્યાએ એ સમયે કર્યો તે ઠેઠ અત્યાર સુધી ટક્યો. ક્યારેક એવા કવિઓને ‘તડતડિયા કવિઓ’, ક્યારેક ચોમાસાની જીવાત જેવા કહ્યા; આનંદશંકર ધ્રુવ જેવાએ પણ વિવેચનના અભાવે એવા સર્જકોને ચોમાસામાં ઊગી નીકળતા નકામા ઘાસ તરીકે ઓળખાવ્યા. આ સ્પષ્ટવક્તાપણા સામે વર્તમાન વિવેચનની ‘થાબડભાણા શૈલી’ મૂકી જોવી જોઈએ. અનેક વાર કહેવાયું કે ગુજરાતને મોટી ખોટ છે ‘આ ચીજ, આ સુંદર ખિલવણું કવિતા નથી એમ કહેનારની!’ પરન્તુ આ ખિલવણું કવિતા નથી એ વાતનો ખ્યાલ આવે કેવી રીતે? ગુજરાતી સાહિત્યવિવેચન તેના પોતાના સાહિત્ય ઉપર પ્રતિષ્ઠિત થવું જોઈએ એનો અર્થ એવો નથી થતો કે સ્વભાષામાં જ સર્જકવિવેચકે પુરાઈ રહેવું. અભિનવગુપ્ત કે લોંજાઇનસ પાસે ગયા વિના જુદા જુદા દેશકાળની કૃતિઓથી કેળવાયેલી રુચિ વિવેચકને માર્ગદર્શન આપી શકે એ વાત આરમ્ભથી જ સ્વીકારાઈ છે. કવિકુલગુરુએ તો સ્પષ્ટ જ કહ્યું હતું કે જે સાહિત્ય અને જે પ્રજા હજી નબળાં છે તેને પારકાંની બીક લાગે, પરાયાથી તે અભડાતાં હોય એવું વલણ દેખાડે. સ્વાભાવિક છે કે આવું વિવેચન ઉન્નતભ્રૂની ગાળ ખાય. સમકાલીનોની ઉપરવટ જઈને પણ કોઈએ કહેવું પડે કે ‘સાધારણ કવિતાને શ્રેષ્ઠ’ ગણનારી પ્રજા કવિતાને પણ ગુમાવે; ‘વિવેચનના આકાશમાં સામસામી અતિયશયોક્તિઓ’ વછૂટયા કરતી હોય તો તેનો ઉપાય કરવો પડે. રીતે જ આ વાણી વૈવિધ્યપૂર્ણ હોવી જોઈએ. કદાચ આપણે અમુક પ્રકારની રૂચિ ધરાવતા આગળ આપણે જોઈ ગયા કે સાહિત્ય સમસ્ત પ્રજાની વાણી બનવું જોઈએ. સ્વાભાવિક હોઈએ તો એ રુચિથી ભિન્ન સાહિત્યને સ્વીકારવા તૈયાર ન પણ થઈએ. તેમ છતાં બ. ક. ઠાકોરની આ વાત તો સ્વીકારવી પડે કે ‘આપણા ખાનામાં જે ગોઠવાય નહિ તે સાહિત્ય નહિ એ નિયમ ન ચાલે.’ (લિ. ૧૫૩) ગુજરાતી વિવેચનની એક મર્યાદા લલિત કળાઓ સાથેના સમ્પર્કના અભાવ અંગેની જ છે. હાજી મહંમદ શિવજીએ એક વ્યાપક ધોરણે પોતાના સામયિકનો આરમ્ભ બીજ દાયકામાં કર્યો હોવા છતાં બ. ક. ઠાકોર શિલ્પસ્થાપત્યની ઉત્તમ રચનાઓ માટેનો પૂર્વગ્રહ દૂર કરી શક્યા ન હતા. આ પરિસ્થિતિમાં એક નવો આયામ ગુજરાતી વિવેચનમાં આરંભાય છે અને તે રામનારાયણ પાઠક દ્વારા. નૃત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય માટેની રુચિને તેઓ કેળવતા જાય છે. અજંતાના યક્ષદંપતીના ચિત્રનો યથાશક્તિ આસ્વાદ પ્રાપ્ત થાય છે. વળી કાવ્યવિવેચન અને કળાવિવેચનનો ક્યાં કેવી રીતે સમન્વય કી શકાય એ પણ તેમની વિવેચનામાં જોઈ શકાય છે. ‘વીસમી સદી’ પછી તો ‘કુમાર’ દ્વારા પ્રસ્તુતિપ્રધાન અને દૃશ્યકળાઓ માટેની રુચિ કેળવવાનો એક ભવ્ય પુરુષાર્થ રવિશંકર રાવળે અને બચુભાઈ રાવતે આરંભ્યો. પરમ્પરા અને આધુનિક્તા એમ બંને પ્રવાહોને ઉચિત ન્યાય આપવામાં આવ્યો. પાછળથી સુરેશ જોષીએ ‘ક્ષિતિજ’ સામયિક દ્વારા આધુનિક કળાને લગતી સામગ્રી પ્રગટ કરી. ગુજરાતી વિવેચન કળાવિવેચનની નજીક જાય એ અત્યન્ત આવકાર્ય ઘટના હોવા છતાં વધુ આવકાર્ય ઘટના તો એ વિવેચના ગુજરાતી બને તે છે. વિશ્વસાહિત્યનો ઇતિહાસ જોઈશું તો દરેક વિવેચન તેના પોતાના સાહિત્યિક સન્દર્ભો પર પ્રતિષ્ઠિત થયેલું હોય છે. બલવંતરાય ઠાકોર જે દૃષ્ટાન્તો આપે છે તે બધાં પશ્ચિમી કૃતિઓનાં છે. અલબત્ત આ મર્યાદાનો તેમને ખ્યાલ આવ્યો હતો. વિવેચનમાં સ્પષ્ટપણે ગુજરાતી-તા પ્રગટાવવાનો વ્યાપક અને સઘન પ્રયત્ન આરંભાય છે તે રામનારાયણ પાઠક દ્વારા. તેનું એક ઉજજ્જવળ શિખર ઉમાશંકર જોશીની કૃતિનિષ્ઠ ચર્ચાઓમાં જોવા મળશે. ગુજરાતી સાહિત્ય વિશેના લગભગ દોઢસોથી વધુ લેખ તેમના વિવેચનગ્રન્થોમાં જોવા મળશે. આમ ગુજરાતી ભાષાનાં સર્જન અને વિવેચન તેમની પોતાની પરમ્પરામાં દૃઢ મૂળિયાં નાખીને પડેલાં હોવાં જોઈએ એ વાત પર ધીરે ધીરે ભાર મુકાતો જાય છે. એ જ રીતે જે તે સાહિત્ય એતદેશીય બની શકે છે. એટલે જ રા.વિ.પાઠક સર્જનવિવેચનની સાથે સાહિત્યના ઇતિહાસને સાથે/સામે રાખે છે. ઇતિહાસના જ્ઞાન વિનાનું વિવેચન અને સાહિત્યની સૂઝ વિનાનો ઇતિહાસ-બંને નકામાં છે. રા. વિ. પાઠકના સમયથી ગુજરાતી સાહિત્યવિવેચનની આ મર્યાદા વિશેની સભાનતા પ્રગટવા માંડે છે. સુધારકયુગની મર્યાદા જે તે સર્જકવિવેચકને નડી હોય તે તો સમજાય, પરન્તુ પંડિતયુગમાં તો અનેક રીતે બધી મર્યાદાઓ દૂર કરીને આપણી પોતીકી પરમ્પરા સાથે અનુસન્ધાન કરવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો. ‘પશ્ચિમનું સાહિત્યવિવેચન જેમ લાંબા ઇતિહાસ પર પ્રતિષ્ઠિત થયું છે તેમ આપણું પણ આપણા પ્રાચીન ઇતિહાસ ઉપર પ્રતિષ્ઠિત થવું જોઈએ. પશ્ચિમના વિચારોનો તેણે સમ્પૂર્ણ લાભ લેવો જોઈએ પણ તેની સાથે પોતાના ઇતિહાસનો પણ અભ્યાસ કરવો જોઈએ. આપણા કાવ્યશાસ્ત્રના ગ્રન્યોના ઘણાબધા વિચાર ભારે સૂઝવાળા અને સુન્દરમે તો નરસિંહરાવ દિવેટિયા જેવા બહુ ઓછા કવિઓ માટે આ ફરિયાદ કરી છે, પરન્તુ ઉમાશંકર જોશી એમનું નામ સૂચવે છે એવા આશુતોષ વિવેચક નથી. વધુ આકરા બનીને એમણે તો ફરિયાદ કરી હતી : ‘આપણા આ એક શતકના કવિતાપ્રવાહના વળાંકો અંગ્રેજી અસરનું જ પરિણામ છે એ દેખાઈ આવે છે, અને એ આપણી ઠીંગરાયેલી પ્રતિભાના પુરાવારૂપ છે. પોતાના આંતરજીવનની પ્રબળ જરૂરિયાત રૂપે કાવ્યપાક ઉદ્ભવ્યો હોય એવું જવલ્લે જ જોવા મળે છે. ઠેઠ નર્મદથી આજ સુધી આપણે પશ્ચિમના ઈશારે નાચ્યા કર્યું છે.’ (નિરીક્ષા) બલવંતરાય ઠાકોર તો ઇતિહાસના વિદ્યાર્થી પર વિવેચનને ઇતિહાસની -સાહિત્યના ઇતિહાસની-વધુ નજીક રાખીને જોનારા છે રામનારાયણ પાઠક. ‘બૃહદ્ પિંગળ’ને નિમિત્તે તેઓ જે કાવ્યયાત્રા કરે છે તે સાચે જ વિરલ છે. પાછળથી સુન્દરમ્ ‘અર્વાચીન કવિતા’ને નિમિત્તે આવો કવિતાપ્રવાસ કરે છે. આ પ્રવાસને કારણે કાવ્યના ગુણદોષ વિશેની સૂઝ વધુ ને વધુ કેળવાવા માંડે છે. આ સૂઝની પરીક્ષા માટેનો એક સચોટ માર્ગ છે કોઈ વિવેચક પોતાના સમકાલીનોને કેવી રીતે મૂલવે છે એ જોવાનો. જેનાં રસરુચિ સારી રીતે ખીલ્યાં છે તેને જૂથબંધી કે વાડાબંધી નડતાં નથી. આ બહુ મોટો સર્જક છે, એની ચારે બાજુ નામના છે તો એની ટીકા કેવી રીતે થાય? આવી કોઈ મૂંઝવણ ગુજરાતી વિવેચનને મોટે ભાગે તો નડી નથી. વિવેચકે સ્વીકારેલી કાવ્યભાવનાની સાથે સુસંગત રહીને એવી ટીકાઓ થાય છે કે નહિ એ જોવું જોઈએ. રામનારાયણ પાઠકના ત્રણ મહાન સમકાલીનો : ધૂમકેતુ, કનૈયાલાલ મુનશી અને નાનાલાલ. આ ત્રણેની કેવી ટીકા કરવામાં આવી છે તે જોવા જેવી છે. લેખાંજોખાં કરવામાં વ્યસ્ત વર્તમાન વ્યવહારુ વિવેચકને તો આ સ્વપ્નવત્ ભાસે. પરંતુ આવી ટીકા કરવા માટેની સજ્જતા વિવેચકમાં હોવી જોઈએ. ગુજરાતી સાહિત્યવિવેચન તેના પોતાના સાહિત્ય પર પ્રતિષ્ઠિત હોવું જોઈએ એ વિચારણાનો ભળતો અર્થ કરીને એ સર્જકે-વિવેચકે માત્ર માત્ર પોતાની ભાષાના સાહિત્યવર્તુળમાં જ પુરાઈ રહેવું ન જોઈએ. અને એ તો સર્વસ્વીકાર્ય હકીકત એ છે કે ગુજરાતી વિવેચનના પૂર્વસૂરિઓ સામે વિવિધ સ્થળકાળની કૃતિઓ હતી. એટલે ગુજરાતી વિવેચકની કેળવાયેલી રુચિ ભલભલા સર્જકોની નબળાઈઓ તરફ આંગળી ચીંધતી ગઈ. આ વિવેચનમાંથી પસાર થઈશું તો નિર્ભીકતા, પ્રામાણિકતા, નિખાલસતાનું મૂલ્ય સમજાશે અને વિવેચનમાં શ્રદ્ધેયતા કેવી રીતે પ્રગટે તે પણ સમજાશે. ગુજરાતી વિવેચન આરંભથી જ રૂપરચનાવાદી છે, એ વાદની બીજી કશી પશ્ચિમી ઓળખ વિના જ. આધુનિક કળાશાસ્ત્ર પ્રમાણે કળા સ્વાયત્તતાવાદી હોવી જોઈએ, કળા અને જીવન વચ્ચે અન્તર હોવું જોઈએ. એક રીતે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પણ આવાં ગૃહીતો સ્વીકારીને આગળ ચાલે છે. ગુજરાતી વિવેચને રૂપરચનાવાદની સાથે સાથે સાહિત્ય અને જીવન વચ્ચેના સમ્બન્ધો પણ સ્વીકાર્યા. ‘મોતીથી મોતીનું પાણી જુદું પડે તો જ જીવનવ્યવહારથી સાહિત્યને જુદું પાડી શકિયે. સાહિત્ય જીવન વડે છે, જીવન માટે છે, જીવનની સમુત્કાન્તિ છે.’ (બ.ક.ઠા. વિ.વ્યા. ૨, ૯૭) પરમ્પરાગત પશ્ચિમી સાહિત્યવિચારમાં કળા અને જીવન સમાન્તરે ચાલે છે પરન્તુ કાન્ટના આગમન પછી પરિસ્થિતિ બદલાય છે. ગુજરાતી વિવેચન સત્ત્વની બાબતે, કળાત્મકતાની બાબતે સમાધાન કરવા માગતું નથી. અને છતાં કળા ને જીવનનો વિચ્છેદ કલ્પી શકતું નથી. એટલે જ આપણને કહેવામાં આવે છે કે ‘કલાપ્રવૃત્તિ જીવનના ધોરી પ્રવાહમાંથી ફંટાઈ જતી આડપ્રવૃત્તિ નથી. કલાકાર જીવનના કોયડા અને જંગો અને જયપરાજયોમાંથી ખસી જતો હીચકારો નથી.’ (ન.ક.વ્યા. ૨૫-૬) ગુજરાતી વિવેચન તેના એક તબક્કે ‘કળા અને જીવન’ને બદલે ‘કળા વિરુદ્ધ જીવન’ એ પલ્લા તરફ ઝૂકી ગયું હતું, ક્યારેક તો ‘જીવનવાદી’ શબ્દપ્રયોગ પણ તિરસ્કારપાત્ર બની ગયો હતો. પરન્તુ પંડિતયુગ કે તેને અનુસરીને ગાંધીયુગની વિવેચનાએ સાહિત્ય અને જીવનનો પ્રશ્ન છેડ્યો ત્યારે એમનો આશય સાહિત્યિકતાનો ભોગ આપવાનો નહોતો. સાહિત્યિકતાના વિકલ્પે તો કશું ખપતું નહોતું. તેમની જિકર સમગ્ર જીવન માટેની હતી. છેવાડેના માણસ સુધી સાહિત્ય પહોંચવું જોઈએ એ વાત ગાંધીજી પહેલાં અંબાલાલ દેસાઈ અને બ. ક. ઠાકોરે સ્વીકારી હતી. આ જ વાતને રા. વિ. પાઠકે વિસ્તારીને કહી હતી, ‘આપણી ખરી જીવતી ભાષા તેની કહેવતો, તેની રૂઢિઓ, તેના લહેકા, મરોડ, વ્યાકરણના ફૂટ પ્રયોગો, કટાક્ષો, મહેણાં, કોહ્યલું બોલવાની છટા, એ તો હજી અંગ્રેજીની અસરથી અસ્પૃષ્ટ રહેલા ગામડાના વર્ગોમાં અને સ્ત્રીઓમાં રહેલાં છે. તે સર્વ આપણા પરિચયમાં આવશે ત્યારે આપણી ભાષામાં જીવન્ત સ્ફૂર્તિ આવશે.’ (અ.કા. વ. ૨૧૫-૬) અને ધારો કે જીવનની દૃષ્ટિએથી જોતાં જો આપણું સાહિત્ય નબળું લાગે તો તેનો સ્વીકાર કરવામાં ગુજરાતી સાહિત્યવિવેચનને એવો કશો સંકોચ નહોતો. વિવેચન એટલી તો અપેક્ષા રાખે જ કે સાહિત્યમાં જીવનની અખિલાઈ પ્રગટવી જોઈએ. બ. ક. ઠાકોરે ઉગ્ર સ્વરમાં અને આપણને અચરજ થાય એવી ભાષામાં આનંદશંકર ધ્રુવે (આપણા જીવનમાં વિશિષ્ટતા નથી કે વિવિધતા નથી, જે છે તે ઘણું સામાન્ય અને બીજું છે. અને આપણી વૃત્તિઓ પણ નચિકેતાના બાપે યજ્ઞમાં આપી હતી તેવી દૂબળી, પરડી અને વસૂકેલી ગાયો જેવી છે.’ સાહિત્યવિચાર, ૩૦) કહીને આપણી ઊણપો તરફ આંગળી ચીંધી હતી. સર્જનાત્મક ક્ષેત્રે જે જે ઊણપો રહી જતી હોય તેની વાત સ્પષ્ટ ભાષામાં વિવેચન કરે તે અત્યન્ત અનિવાર્ય ગણાય. આવી અપૂર્ણતાઓને પાર્શ્વભમાં રાખીને રામનારાયણ પાઠક કહે છે : ‘આપણા જીવનમાં અત્યારે અનેક પ્રકારનાં બળો પ્રવર્તમાન છે. આપણી પ્રાપ્ત વર્તમાન સ્થિતિનાં બળો, તેની સાથે અથડાતાં પશ્ચિમની સંસ્કૃતિનાં બળો, આપણી ઊપજતાં બળો, આ બધાંના સંઘટન અને સંમિશ્રણથી આપણ સંસ્કૃતિના અભ્યાસથીત કે ખેંચી લઈ જતાં બળો, કે આપણે આપણી સુધારણા કે વિકાસને માટે આવશ્યક ગણીને ઊભાં કરેલાં બળો, અને તે ઉપરાન્ત વ્યક્તિઓની ધૂનનાં ભળો. સાહિત્યનું ખરું કામ આ બધાં બળોનો સમન્વય કરવાનું છે. (સા.વિ. ૬૧-૨) સાહિત્ય અને જીવન, સાહિત્ય અને નીતિ, સાહિત્ય અને સમાજ જેવા પ્રશ્નોની ચર્ચા આરમ્ભથી જ કરી રહેલા ગુજરાતી વિવેચનનો મુખ્ય અભિગમ કયો એવો પ્રશ્ન જો પૂછવામાં આવે તો એનો એક માત્ર ઉત્તર રૂપરચનાવાદી અભિગમ કહીશું? પશ્ચિમમાં તો વીસમી સદીના ઉત્તરાર્ધમાં રૂપરચનાવાદ સાથે રાજદ્વારી વિચારણાઓને સાંકળીને એ વાદને મૂડીવાદની નીપજ તરીકે ઓળખાવવામાં આવ્યો. અમેરિકન યુનિવર્સિટીઓમાં માર્ક્સવાદના વિસ્તરતા પ્રભાવે સાહિત્ય વિવેચનક્ષેત્રે અસાધારણ ક્રાન્તિ આણી હતી. ગુજરાતમાં એ રીતે રાજકીય વિચારસરણીઓનો પ્રભાવ સાહિત્યવિવેચન પર પડ્યો ન હતો. ગુજરાતી વિવેચન પંડિતયુગમાં વધુ પરિપક્વ તો બને જ છે. આ સમયે પ્રેરણા, અંતઃસ્ફુરણા, પ્રતિભા જેવા કવિકેન્દ્રી વિભાવો મોટા પાયે જોવા મળતા હોવા છતાં બ. ક. ઠાકોર પ્રતિભાને વિલક્ષણ રીતે રૂપરચના તરીકે ઓળખાવે છે. ‘શબ્દ, લય અને કલા ત્રણે વડે અર્થ અથવા કાવ્યવસ્તુની પાકક્રિયામાં અસાધારણ માપનું કૌશલ તે પ્રતિભા.’ (લિ. ૧૨૧) અન્યત્ર તેઓ ‘વિચારપ્રધાન કવિતા’ના સંકેતો જ બદલી નાખે છે : ‘આદિથી અંત લગીની આખી કૃતિ એ ઉચ્ચીકરણ, સમૃદ્ધીકરણ, તેજસ્વીકરણે ઝગી રહે છે અને અભૂતપૂર્વ બને છે. અને આ બને છે કલાએ, આયોજને, કવિના વિચારબળે, ઊંચામાં ઊંચી કલ્પનાશક્તિ અનુસરે છે કવિની કલાએ તેના મગજમાં ઉઠાવેલા આ કૃતિના અંતિમ રૂપને, માટે જ સર્જક કવિતાને માટે કલ્પનાપ્રધાન કે બીજું વિશેષણ યોજવાને બદલે તેને વિચારપ્રધાન કહેવાનું પસંદ કરું છું.’ (ન.ક.વ્યા. ૧૬૦-૬૧) વિચારપ્રધાન કવિતાની આ વિભાવના સામે ગુજરાતી સર્જનવિવેચનને ભાગ્યે જ કોઈ વાંધો હોય. જેવી રીતે સર્જકની કવિતા અનુગામી સર્જકમાં પ્રતિબિંબાતી, વિસ્તરતી, શુદ્ધિવૃદ્ધિ પામતી આગળ વધે છે તેમ વિવેચનાનું પણ સમજવું. બ.ક.ઠાકોર અને રા.વિ.પાઠકનો સાહિત્યવિચાર હવે સુદૃઢ થઈને ઉમાશંકર જોશીમાં પ્રગટે છે. આગલી સદીના પૂર્વાર્ધ – એટલે કે ૧૯૫૦ સુધીના તેમના વિવેચનલેખોમાં સર્જકકેન્દ્રી અને કૃતિકેન્દ્રી અભિગમ સન્તુલિત થયેલો જોવા મળશે. સામાન્ય રીતે આપણી વિવેચનાએ રૂપરચનાવાદને આધુનિક સાહિત્યવિવેચન (૧૯૬૦ પછીનું) સાથે સાંકળ્યો છે. પરન્તુ ઉમાશંકર જોશી અને સુન્દરમ્મ્ને ધ્યાનપૂર્વક વાંચીશું તો પ્રતીતિ થશે કે આ બંનેની વિવેચનાનાં મોટા ભાગનાં ગૃહીતોના કેન્દ્રમાં સ્પષ્ટ રૂપે રૂપરચનાવાદ હતો. દા.ત. ઉમાશંકર જોશીની પૂર્વકાલીન વિવેચનામાં આટલી સ્પષ્ટતાઓ છે :
'આકાર, આયોજન, ઘાટટ્યૂટ એ છે તે કલાસૃષ્ટિનું સત્ય.’(સમ.૩૩)
રચના પાછળ ગમે તેવો મહાન આશય ભાવક માટે અપ્રસ્તુત છે; કૃતિની સામગ્રી ભવ્ય હોવાથી કૃતિ ભવ્ય કે સંકુચિત બનતી નથી.’ (સમ.૧૩૩) ‘વિષય જાતે રમણીય અથવા તુચ્છ, ક્ષુલ્લક છે એમ કહેવામાં તત્ત્વની ભાષા જળવાતી નથી.’ (ક.સા.૧૧૫) ‘આકૃતિની પૂર્ણતા, સૌન્દર્ય એ સિદ્ધ કરવામાં રચ્યાપચ્યા રહેવું એ જીવનમાં રચ્યાપચ્યા રહેવાનો એનો પોતાનો માર્ગ છે.’ (પ્રતિ.૭૯) ‘કવિએ બાહ્ય જગતમાંથી જે કાંઈ ગ્રહણ કર્યું હોય તેનું પણ એણે રજૂ કરેલી કાવ્યકૃતિમાં એવું સુભગમધુર પરિવર્તન થઈ ગયું હોય છે કે તેનો કાવ્યસર્જનમાં શો અને કેટલો ફાળો છે એ સ્પષ્ટ નક્કી કરી શકાતું નથી. ‘(નિ.૧૨૭-૮) ‘કવિતામાં આકારની બહાર કોઈ આત્મા છે જ નહિ. કવિમાનસમાંથી ઊપસતું આકારયુક્ત સંવેદન એ જ કાવ્ય કહેવાવાને પાત્ર બને છે.’ (શૈલી. ૧૧) ‘કલાકૃતિના કેન્દ્રમાં વિરાજતા અને આખી કૃતિના અવયવે અવયવને પ્રાણિત કરતા રસ સાથેનો સમ્બન્ધ છૂટતાં એ કૃતિના રસઅવયવો કૃતિની શૈલીનું યથાર્થ સૂચન કરી શકતા નથી.’ (શૈલી. ૧૨-૩) સૈદ્ધાન્તિક ભૂમિકા પર જોવા મળતી આ વિચારણા ‘બારી બહાર’, ‘ધ્વનિ’ કાવ્યસંચયોની સમીક્ષાઓમાં તથા ‘શરદપૂનમ’ કે ‘આયુષ્યના અવશેષ’ની કૃતિલથી સમીક્ષામાં મૂર્ત થતી જોઈ શકાય છે. આ વિવેચનાને એક પ્રશ્નનો સામનો કરવાનો આવ્યો. બ. ક. ઠાકોર અને રા. વિ. પાઠકની વિવેચનામાં જોવા મળેલો જીવનદર્શનનો ખ્યાલ ઉમાશંકર જોશીની વિવેચનામાં ઘુંટાય છે. હવે રૂપરચનાનાં ગૃહીતો સાથે એનો સમન્વય કેવી રીતે કરવો? અનેક પ્રકારનાં, અનેક ભાષાનાં અને અનેક સમયનાં કાવ્યોથી કેળવાયેલી રુચિ આનો ઉત્તર શોધી કાઢે છે. કેટલીક સ્પષ્ટતાઓ તો કોઈ પણ વિવેચકમાં હોવી જ જોઈએ. ‘સાહિત્યકારો સાહિત્યકાર તરીકેનો ભાગ ભજવવાનું માંડી વાળે’ એ સ્થિતિને કરુણાજનક લેખવામાં આવી છે. (પ્રતિ.૬૮) એવી જ રીતે કવિ ધર્મગુરુ, પયગંબર, ભાટ, પ્રચારક ન બની શકે.’ (અભિ.૧૧૪-૫) રા. વિ. પાઠકની વિવેચનામાં કળાના જે તે માધ્યમ સાથે સંકળાયેલી અભિવ્યક્તિની મર્યાદાઓ, વિશિષ્ટતાઓનો પ્રશ્ન ચર્ચાયો હતો. સાહિત્યનું માધ્યમ ભાષા માનવીના સમાજજીવન, સંસ્કૃતિ, ઈતિહાસ સાથે વિશિષ્ટ રીતે સંકળાયેલું હોવાથી શુદ્ધ કળાના આદર્શો ઇચ્છીએ તો પણ પાર પાડી શકાતા નથી. એટલે રા. વિ. પાઠક અવારનવાર જીવનદર્શન, જીવનરહસ્ય પર જઈ ચઢતા હતા. એમની પરમ્પરાને ઉમાશંકર જોશીની વિવેચના સ્વીકારી લે છે; ક્યારેક તો તેમની વિવેચના પાછળથી રા. વિ. પાઠકનો બુલંદ અવાજ પણ સંભળાતો લાગશે : ‘કાવ્ય શું, કોઈ પણ જીવનવ્યાપાર, જીવનાલંબી છે, જીવનનિર્ભર છે, જીવનમર્યાદિત છે, જીવનનિષ્ઠ છે, જીવનસાપેક્ષ છે... કાવ્ય કે કોઈ પણ કલા મનુષ્યના જીવનથી અલિપ્ત રહીને સંભવી શકતી નથી.’ (‘કવિતા અને પ્રાગતિકતા’ નામનો નિબન્ધ) તો ક્યારેક આ વિવેચના ગોવર્ધનરામ ત્રિપાઠીની કે રવીન્દ્રનાથ ઠાકુરની નિકટ જઈ પહોંચતી લાણશે, ‘કવિ એવો શબ્દ શોધે છે, જે બૃહત્-તાના એકતાના આનંદથી ભીંજાયેલો હોય. માનવીની ચેતના અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય એ પંચવિધ કોશમાં પસાર થતી અતિમ આનંદમય વેશ રૂપે પરિણત થવા સર્જાયેલી છે. વ્યક્તિનું આનંદરૂપ એ એનું સ્વ-રૂપ છે. કવિ જયારે એની શોધમાં સફળ થાય છે ત્યારે એ પોતાના ચરમ અને પરમ સ્વ-રૂપ આનંદરૂપને પામે છે.’ (કવિતાવિવેક, ૧૨૩) વિવેચનવિચારમાં એક વાત સ્પષ્ટ છે કે કોઈ વ્યક્તિ સિદ્ધાન્તનિષ્ઠ વિવેચન કરે. ન કરે, ઇતિહાસકારનો પાઠ ભજવે ન ભજવે, કૃતિનિષ્ઠ વિવેચન પર હાથ અજમાવે ન અજમાવે – આ ત્રણે ભૂમિકા (અર્થાત્ સિદ્ધાન્તચર્ચા, સાહિત્યનો ઇતિહાસ કે કૃતિનિષ્ઠ વિવેચન)ના સમન્વય વિનાની વિવેચના ઝાઝી શ્રદ્ધેય બની શકતી નથી. છેવટે આ બધું પાર્શ્વભૂમાં તો પડેલું હોવું જ જોઈએ. બલવંતરાય ઠાકોરની વિવેચના અવારનવાર ઇતિહાસમૂલક કે તુલનાત્મક બનવા જાય છે ખરી પણ સાતત્યપૂર્વક કશી માંડણી થતી જોવા મળતી નથી. આવા સમન્વયનું એક ઉત્તમ પરિણામ સુન્દરમ્મ્ની વિવેચનામાં જોઈ શકાશે, ખાસ કરીને તો ‘અર્વાચીન કવિતા’માં. ‘અર્વાચીન કવિતા’ના લેખનની પૂર્વતૈયારીએ તેમને જે પાઠ શિખવાડ્યો તે દરેક વિવેચકે ધ્યાનમાં રાખવા જેવો છે : ‘પોતાને ગુજરાતી કવિતાનો અભ્યાસી ગણતો માણસ મોટે ભાગે આપણા મોટા મોટા કવિઓના ધોરી રસ્તા પર જ ચાલે છે. એ રસ્તાની સાથે આવી મળતા અનેક નાનામોટા રસ્તા અને ગલીકૂંચીઓનો અને તેમાંની રસસંપત્તિનો ખ્યાલ તેને નહિવત્ હોય છે.’ (અ.ક. પ્રાસ્તાવિક) એક રીતે જોઈશું તો રૂપરચનાનાં મુખ્ય મુખ્ય ગૃહીતોની બાબતે ઉમાશંકર જોશી, સુન્દરમ્, સુરેશ જોષી કે હરિવલ્લભ ભાયાણી ખાસ જુદા પડતા નથી. દા.ત. ‘કાવ્યની સામગ્રી, તેનો છંદોલય, તેના શબ્દ-વિચાર-શૈલી, અને આંતરિક તત્ત્વગર્ભ, એ બધાં પોતપોતાની રીતે જોતાં શુષ્ક અને નિષ્પ્રાણ જેવાં સત્યો કવિચિત્ત દ્વારા કોક શુષ્ક સૂક્ષ્મ રાસાયણિક પ્રક્રિયાને બળે, અન્યોન્યમાં ઓતપ્રોત થઈ, અન્યોન્યનો આશ્રય લઈ, અને અન્યોન્યમાં તદ્રૂપ બની જઈ એક પ્રકારની ઘનતા, નિબિડતા, ઉત્કટતા, પ્રકર્ષતા ધારણ કરે છે. એ ધનત્વ-ઉત્કટત્વ-નિબિડત્વ પામવું એ છે કાવ્યનું રસવત્ બનવું.’ (સાહિત્યચિંતન ૧૪૩-૪) જેવી રીતે રા. વિ. પાઠક સ્વીકારે છે કે કાવ્યનું મૂલ્ય કાવ્યમાં જ છે એવી રીતે સુન્દરમ્ ની વિવેચના પણ કહેશે કે ‘કાવ્યનું મૂલ્યાંકન કરવા માટે કાવ્યની પોતાની દૃષ્ટિ જ સૌથી વધારે ન્યાયપૂર્ણ નીવડે છે.’ (અ.ક.૧૫-૬) એટલે આની એક ઉપપત્તિ ‘કૃતિનાં ગૌણ પ્રયોજનો ખાતર કવિતા વાંચવી તે એક ઘણી જ સૂક્ષ્મ પ્રકારની કાવ્યવિરોધી મનોવૃત્તિ ગણાય.’ (સા.ચિં.૧૪૩-૪) આની એક બીજી ઉપપત્તિ કવિતા પરથી કવિચિત્ત વ્યાપારોનાં અનુમાનો પાછળ રહેલાં જોખમોનો સંકેત કરે છે. પાછળથી આધુનિક વિવેચના – સુરેશ જોષી અને હરિવલ્લભ ભાયાણીની – આ બંને પશ્ચિમી વિવેચકોને નોંધે છે પણ ઉમાશંકર જોશી અને સુન્દરમનો સન્દર્ભ ચીંધવાનું ચૂકી જાય છે. એવી જ રીતે ગાંધીયુગની વિવેચનાએ સામગ્રીની ઉત્કૃષ્ટતાને આધારે કૃતિની ઉત્કૃષ્ટતા નિયત ન કરી શકાય એ વાતનો પણ સ્પષ્ટ સ્વીકાર કર્યો હતો. ‘કોઈ પણ કવિની કાવ્યશક્તિનું માપ એના ચિંતન કે વિચારો પરથી કાઢવું હિતાવહ નથી. ચિંતનની સત્યતા કે ઉત્કૃષ્ટતા પર કવિની કળાનો પાયો નથી રચાતો. (સા.ચિ.૧૪૩) આ વાતના સમર્થનમાં ગુજરાતી વિવેચન અવારનવાર ઍરિસ્ટોટલનું દૃષ્ટાન્ત ટાંકે છે કે સોનામાંથી બનાવેલું પૂતળું સામગ્રી કિમતી હોવાથી શ્રેષ્ઠ સાબિત થતું નથી. આ અને આના જેવા વિચારો ગુજરાતી વિવેચનમાં છે જ, અને છાપરે ચઢીને કહેવાયેલી આ વાત સૌએ યાદ રાખવા જેવી છે : અનુઆધુનિક વિવેચનસન્દર્ભમાં પણ : ‘એ (કલાનું) શાસ્ત્ર માગે છે આકારની, સ્વરૂપની સમ્પૂર્ણતા, આખી કૃતિના અંગપ્રત્યંગની દક્ષ સંયોજના, કૃતિના હાડપિંજરની સુશ્લિષ્ટતા અને તેના આખા સ્વરૂપની સુશ્લિષ્ટતા, સઘનતા અને મનોહારિતા. આ શરીરશાસ્ત્રને પોતાનાં મૂલ્યાંકનનાં ધોરણો ઉત્તમ કૃતિઓમાંથી મેળવવાનાં હોય છે.’ (સા.ચિં.૧૭૬) ૧૯૫૫-૬૦ પછીના ગુજરાતી સાહિત્યવિવેચનના કેન્દ્રમાં છે સુરેશ જોષી. માત્ર રૂપરચનાવાદ જ નહિ, ફિનોમિનોલોજિકલ અભિગમ અને ત્યાંથી ધીમે ધીમે તેઓ કહે છે તે પ્રમાણે તેમની વિવેચના ‘બહુલતાવાદ’ સુધી જઈ પહોંચે છે. વાડાબંધી, જૂથબંધીને કારણે સત્ત્વશીલ કૃતિઓની થતી ઉપેક્ષા સામેનો ઉગ્ર વિરોધ તો છેક ‘વાણી’ના (૧૯૪૭-૮) સમયથી આરંભાય છે. વળી આરમ્ભની તેમની વિવેચના યુગચેતના, જીવાતા જીવન ઉપર ભાર મૂકે છે એ જાણીને કેટલાકને અચરજ પણ થશે. દૃષ્ટા તટસ્થતાથી ઘડીભર પોતાના જમાનાએ સારવી આપેલાં મૂલ્યમાપનોને અળગાં રાખી, ઘટનાના હાર્દમાં અવગાહન કરી એના રહસ્યને જો સર્જક બોલવા દે તો સર્જનમાં તાઝગી અને જોમ આવે.’ (મનીષા, એપ્રિલ ૧૯૫૫) એ સમયના સુરેશ જોષીએ તો સ્વીકાર્યું હતું કે ‘પન્નાલાલ, પેટલીકર અને ગુણવંતરાય આચાર્યે આ સાહિત્યસ્વરૂપની નવી શક્યતાઓનો અંગુલિનિર્દેશ કર્યો ત્યારે આપણને આશા બંધાઈ હતી કે હવે નવલકથા જીવી જશે.’ (એજન) પરન્તુ ધીમે ધીમે તેમની વિવેચના પુરોગામી ગુજરાતી સાહિત્યની અધૂરપો માટે અવારનવાર આક્રોશ કરતી એક જુદા મુકામ પર જઈ પહોંચે છે. એ વિવેચનની ભાષા પણ પુરોગામી વિવેચનભાષાથી અલગ પડી જાય છે, એ ભાષાને તેમની સર્જકતાનો પાસ બેઠેલો છે અને પરિણામે વિવેચના જીવન્ત અને ઉષ્માસભર બનવા માંડે છે. આમ જુઓ તો પુરોગામી વિવેચનમાં આ જ વાત શબ્દાન્તરે કહેવાઈ ગઈ છે.
'સદા નવીન રહે છે તે સર્જકે આવિષ્કૃત કરેલું એનું અદ્વિતીય રૂપ. એ રૂપના સંવિધાનમાં એની ચેતનાના વિધાયક ઋતનો આપણને સંસ્પર્શ થાય છે. અદ્વિતીય રૂપસર્જન જ કળામાત્રનું આગવું મૂલ્ય છે. એ સિવાયનું બીજું – સર્જકનું વ્યક્તિત્વ સુધ્ધાં – કળાનું ઉપાદાન છે, લક્ષ્ય નથી. એ રૂપના સંવિધાનને, એનું કલ્પનાથી પુનર્નિર્માણ કરીને, સમજવાની પ્રવૃત્તિથી જ રસાનુભૂતિ થાય છે. આ સિવાયનાં કળાની બહારનાં મૂલ્યો સાપેક્ષ છે; સાધનસાધ્યની અટપટી તન્તુજાળના વચલા અંકોડાઓ છે.’(નવી શૈલીની નવલિકાઓ, પ્રાસ્તાવિક) ગુજરાતી વિવેચનનો ઇતિહાસ લખનારે એક તપાસ કરવી પડે. સામગ્રીના (કહો કે કથયિતવ્યના) મહત્ત્વને અવગણીને રૂપરચના ઉપર ગાંધીયુગના બે મુખ્ય કવિવિવેચકો (ઉમાશંકર જોશી અને સુન્દરમ્)એ ભાર આપ્યો અને એનો વિરોધ ભાગ્યે જ કરવામાં આવ્યો હતો જ્યારે સુરેશ જોષી સામે વિરોધ કરવામાં આવ્યો. શું આપણે ગાંધીયુગની વિવેચના ધ્યાનપૂર્વક વાંચી ન હતી? શું આપણે સુરેશ જોષીને યોગ્ય સન્દર્ભમાં વાંચ્યા ન હતા?
સુરેશ જોષીની વિવેચનાને સ્વીકારવામાં સૌથી મોટી મુશ્કેલી ઘટનાહ્રાસ, ઘટનાતિરોધાન, સામગ્રીનું નિગરણ જેવા વિવેચનવિભાવો હતા. પહેલા બે વિભાવોને સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો આધાર હતો; એ સમગ્ર સન્દર્ભ ડોલરરાય માંકડે સ્પષ્ટ કરી આપ્યો હતો. ફરી એક વાર તેમના શબ્દો ધ્યાનથી સમજીએ: ‘કાવ્યત્વ સિદ્ધ કરવા માટે, વધુમાં વધુ ઇષ્ટ અસર ઉપજાવવા માટે ‘તેવી ભાષા, તેવા છંદ, તેવા અલંકાર, તેવી રીતિ, તેવા રસ આદિથી અંકિત કરીને કવિ શબ્દદેહ અર્પે છે. આ ભાષાદિના વાઘા સજાતાં જ મૂળ વાસ્તવિક પ્રસંગાદિનું પૂરું તિરોધાન થાય છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ મૂળ વસ્તુનું તિરોધાન થાય છે એમ કહે છે તેનો અર્થ આ જ છે.’ (કાવ્યવિવેચન, ૨૯) સામગ્રીના નિગરણની વાત જર્મન વિવેચક શીલરે કહી હતી, ‘એક સાચી, સુંદર કળાકૃતિમાં સામગ્રીએ કશું કરવાનું હોતું નથી. અહીં તો રૂપરચના-ફોર્મ જ સર્વેસર્વા હોય છે. સર્જકની કળાનું વિશિષ્ટ રહસ્ય રૂપ દ્વારા થતા સામગ્રીના નિગરણમાં રહેલું છે.’ (જુઓ રને વેલેકકૃત હિસ્ટરી ઑવ્ મોડર્ન ક્રિટીસીઝમ, ૧ ૨૩૪) અને સાથે સાથે જ આ જર્મન ચિંતકે કળાને ‘સંસ્કૃતિના પ્રસારક તરીકે’ પણ ઓળખાવી હતી. પરંતુ ગુજરાતીમાં એ વિચારણા પ્રચલિત થઈ ન હતી. શીલરની સામગ્રીના નિગરણવાળી આ વિચારણા સુરેશ જોષીની કથાસાહિત્યની વિવેચનાને ઘટનાહ્રાસ, ઘટનાનું તિરોધાન જેવી ભૂમિકાએ પહોંચાડે છે : ‘તિરોધાન, પરિહાર-સર્જનમાં આ બે ભારે મહત્ત્વના શબ્દો છે. વસ્તુનું સાધારણીકરણ નહીં, પણ વિલીનીકરણ કળામાં થવું જોઈએ એમ કદાચ હવે કહેવું જોઈએ.’(કિંચિત્ ૮૪-૫) જોકે સામગ્રીના નિગરણવાળો મુદ્દો વિવાદાસ્પદ બની શકે. કૃતિના કાવ્યત્વ, કૃતિની સમગ્રતાના ભોગે કૃતિસાર, કૃતિના મધ્યવર્તી વિચાર, કૃતિના સંદેશ, તારવેલા અર્થને સ્વીકારવા સુરેશ જોષી તૈયાર ન હતા. ઉમાશંકર જોશીએ, સુન્દરમે પણ આ બધાંનો અસ્વીકાર કર્યો જ હતો. પણ સુરેશ જોષી ગુજરાતી ભાવકોના ખૂબ જ માનીતા સર્જકો ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી, મનુભાઈ પંચોલી ‘દર્શક વગેરેને સ્વીકૃતિ આપવા માગતા ન હતા. એમ જોવા જઈએ તો રા. વિ. પાઠકે મુનશી, નાનાલાલ કવિ, ધૂમકેતુની આકરી ટીકાઓ ક્યાં નહોતી કરી? સાથે જ સુરેશ જોષી આધુનિકતાના એક મોટા પુરસ્કર્તા હતા, તેમણે પરપરા સામે વિદ્રોહ માંડ્યો હતો. આવાં કારણો સુરેશ જોષીની સ્વીકૃતિ આડે આવતાં હશે. તેમની વિવેચના પ્રેરણા, અન્તસ્ફૂરણા, જીવનદર્શન, કવિની શ્રદ્ધા, કૃતિનો ભવ્ય સંદેશ - આ બધાનો તારસ્વરે અસ્વીકાર કરે છે. પરન્તુ દર્શન કે ગાંધીવાદી વિચારસરણી કોઈ કૃતિની સામગ્રી પણ બની શકે છે એ શક્યતાનો તેઓ વિચાર કરતા નથી. ‘જનાન્તિકે’થી માંડીને ‘અરણ્યરુદન’ સુધી શ્રદ્ધા સામે તેઓ લખતા જ રહ્યા હતા. ઉમાશંકર જોશીએ એક સ્પષ્ટ વાત કહી હતી, તેની કદાચ આપણને સૌને વિસ્મૃતિ થઈ હશે : ‘કવિને કાવ્ય સિદ્ધ કરવા ઉપરાંત બીજી કોઈ શ્રદ્ધાની, કવિ તરીકે, જરૂર ખરી? બીજી ગમે તેવી મોટી શ્રદ્ધા હોય, પણ કાવ્યરચનામાં કવિ કવિતાને પામવા માટે કટિબદ્ધ નહિ હોય, તો ભાગ્યે જ કશો ફાયદો થશે. પોતાની સમગ્ર કાવ્યસૃષ્ટિ એ જ કવિની શ્રદ્ધા. શેઇકસ્પિઅરની કાવ્યસૃષ્ટિની બહાર એની શ્રદ્ધાને શોધવાની જરૂર જ નથી.’ (શૈલી. ૨૮૯) હજુ આ પ્રશ્નને જુદી રીતે જોવામાં આવ્યો છે. માનવ તરીકે કોઈ કવિને શ્રદ્ધા અનિવાર્ય લાગે તો પણ ‘એ શ્રદ્ધા અને એની કવિતા’ વચ્ચે કાર્યકારણ સંબંધ જોડવો મુશ્કેલ છે. ગમે તેવી મહાન શ્રદ્ધા સેવવાથી કવિતા મહાન થાય છે એ વાત સ્વીકારવાની ઉમાશંકર જોશી ના પાડે છે. તેઓ ધારે તો પોતાની વાણીના છરકાથી વિવેચનમાં જુદો સ્વાદ લાવી શકે છે : ‘કાવ્યમાં પ્રચલિત ઉચ્ચ મનાતી શ્રદ્ધાનો ધજાગરો ના હોય અથવા તો સફલી સફલી, સુષ્ઠુ સુષ્ઠુ (ગૂડીગૂડી) પોચલી શ્રદ્ધાઓને મુજરો ભર્યો ન હોય, એટલા માત્રથી એનું કાવ્યત્વ કથળી ગયું જ હોવું જોઈએ એવું નથી.’ (શૈલી. ૩૦૮) સુરેશ જોષીનો રૂપરચનાવાદ આકૃતિની સાથે સાથે ભાષાનો પ્રશ્ન સાંકળી લે છે. ‘સાહિત્યમાં ભાષા પુનર્વિધાન પામે છે.’ તેમની વિવેચનાના કેન્દ્રમાં આ વાત છે. પુનર્વિધાન કે પુનર્નિર્માણ માટે સર્જક પ્રતીકયોજના જેવી એક મહત્ત્વની યુક્તિપ્રયુક્તિનો વિનિયોગ કરે છે. એમ તો ઉમાશંકર જોશી પણ અવગમનમાં સરળતા રહે એવાં ભાવપ્રતીકોના વિનિયોગની વાત કરતા હતા. પરન્તુ સુરેશ જોષીની વિવેચના અવગમન, સંક્રમણની એવી કશી ચિન્તા કરતી નથી. જોકે પાછળથી કાવ્ય કાવ્યનું જ સંક્રમણ કરે છે એ વાતને તેમણે આત્યન્તિક ગણાવી હતી. તેમની વિવેચના સાથે સાથે એક પ્રશ્ન વારંવાર પૂછતી રહી કે સૃષ્ટિમાંથી દૃષ્ટિ કે દૃષ્ટિમાંથી સૃષ્ટિ? સ્પષ્ટ છે કે તેમને બીજો વિકલ્પ જરાય ખપતો નહોતો. પરન્તુ અસ્તિત્વવાદી દર્શનને સ્વીકારીને જો ‘ધ આઉટસાઈડર’ જેવી નવલકથા લખી શકાય તો ગાંધીદર્શન કે પછી કોઈ પણ દર્શનને આધારે સર્જન કેમ ન થઈ શકે? ઉમાશંકર જોશીની વિવેચના રા. વિ. પાઠકનાં જીવનવિષયક ગૃહીતોને સામે રાખે તો છે પણ રૂપરચનાવાદનાં ગૃહીતો સાથે મેળ કેવી રીતે પાડવો તેની મૂંઝવણ તેમને છે અને તેઓ પોતાનો રસ્તો શોધી લે છે. ‘એ વિભાવાદિની પસંદગી, એના નિબંધનની પ્રક્રિયા અને પરિણામે શબ્દદેહ ધારતી એ સમગ્ર સૃષ્ટિ - એ બધામાં કવિનું વિશિષ્ટ જીવનદર્શન, એણે જોયેલું કોઈ જીવનરહસ્ય એ એક નિર્ણાયક તત્ત્વરૂપે ભાગ ભજવતું હોય છે. કવિની વિશિષ્ટ સૃષ્ટિ એ એની વિશિષ્ટ દૃષ્ટિનું પરિણામ હોય છે. આપણે એ દૃષ્ટિનો પરિચય કર્યો હોય તો એની વિશિષ્ટ સૃષ્ટિને સાધારણીભૂત ભાવરૂપે આસ્વાદવામાં એટલી વધુ અનુકૂળતા. ‘(શ્રી. સૌ. ૧૫૬) સામાન્ય રીતે જીવનવાદી કે શ્રદ્ધા-દર્શનની જિકર રાખનારા વિવેચકોનું માનસ નીતિવાદી હોય છે એવું આપણે માની લઈએ છીએ. હવે ઉમાશંકર જોશીની માન્યતા કેવી છે તે જોઈશું તો સાનન્દાશ્ચર્ય થશે : ‘કળામાં તો નીતિની કળ ચાંપવાથી અમુકતમુક સીધે રસ્તે ચાલ્યાં જતાં ઢીંગલાંને સ્થાન હોઈ ન શકે.’ (અભિરુચિ, ૬૬) ‘સુરુચિનું કોઈ ચિરંતન ધોરણ હોય તો પણ કલાનું સર્જન કોઈ બાહ્ય ધોરણને વશ વર્તીને થતું નથી એટલે એવા ધોરણના માનદંડથી કલાકૃતિને માપવી એ તે કૃતિની કલામયતાનો આંક કાઢવાનો માર્ગ તો નથી.’ અને એથી આગળ જઈને તેઓ કહે છે, ‘કલાનું સ્વરૂપ જ એવું છે કે તે નીતિનિરપેક્ષ(amoral) છે. પણ એનો અર્થ એ નથી કે કલા અનીતિમય(immoral) છે. કોઈ નીતિધોરણનો કક્કો ખરો કરવો એ કલાનું કામ નથી, જેમ તેનો ભંગ કરવો એ પણ નથી.’ (પ્રતિ. ૫૨-૩)કળાકાર પોતાનું વિશિષ્ટ સત્ય તો કૃતિમાં પ્રગટ કરવાનો, અને કળાનો દ્રોહ તો વેઠી જ ન શકાય. ‘દુનિયાની ઉત્તમ કૃતિઓમાં કેટલાકના નીતિનાકનું ટેરવું ઊંચું ચઢી જાય એવું હોય છે, પણ એ મહાન કૃતિઓ દ્વારા માનવની અસેવા થયાનું જણાયું નથી.’(પ્રતિ. ૫૬) જેવું આ વિવેચકનું તેવું જ સુન્દરમનું : ‘જે વસ્તુ જીવન માટે નિષિદ્ધ છે તે સાહિત્ય માટે પણ નિષિદ્ધ છે. જે તત્ત્વ જીવનમાં પ્રગતિ નથી આપી શકતું તે સાહિત્યમાં પણ પ્રગતિશીલ નહિ ગણાય.’ (સા.ચિં. ૫) જોકે અહીં તેઓ બ.ક.ઠાકોરની માન્યતાને અનુસરતા લાગે છે. ‘ધર્મની અમુક પ્રેમ, દયા કે વૈરાગ્યની ભાવનાઓને પટપટ બોલી જતી, નીતિનાં સૂત્રોને સીધીસટ ઉચ્ચારતી, કે દેશભક્તિ અને બલિદાનના વીર અને ભયાનક રસ ગાતી અનેક કૃતિઓ સાચું જીવનપોષક પયસ ભાગ્યે જ આપી શકી છે. આ ધર્મનીતિ ઇત્યાદિના અત્યાચારોથી સાહિત્યે બચવું જોઈએ. ’(સા.ચિં. ૨૭) ‘આપણા કેટલાક વિચારકો કરતા આવ્યા છે તેમ જીવનમાંથી સમજબેસમજમાં તારવેલાં ગણ્યાંગાંઠયાં, ઉપરછલ્લાં અને પૂર્ણતાના આભાસવાળાં તત્ત્વોની નાની-મોટી રકમોનો સાચોખોટો સરવાળો કરીને આપી દેવો એ કંઈ જીવનદર્શનન કહેવાય.’ (અ.ક. ૪૮૩) ‘એવો એક સાચો કવિ નથી જે છેવટે દ્રષ્ટા ન બન્યો હોય. કવિતા એની ઊંચી ભૂમિકાએ ચડી છેવટે તત્ત્વજ્ઞાન સાથે હાથ મિલાવી લે છે.’ (સા. ચિ. ૧૦૦) સુરેશ જોષીની વિવેચના તેના ઉત્તરાર્ધમાં સાહિત્યસંલગ્ન વિદ્યાશાખાઓમાં કામ કરનારા પશ્ચિમના ચિંતકોને આધારે આગળ વધે છે. જે ગુજરાતી સાહિત્યરસિકો તેમની આસ્વાદપ્રવૃત્તિના પ્રશંસકો હતા તેઓ તેમની આ તત્ત્વચર્ચાની સાથે તાલ મેળવી ન શક્યા. દોસ્તોએવ્સ્કી, ટોમસ માન, ફ્રાન્ઝ કાફકા, આલ્બેર કેમ્યૂ અને એવા બીજા અનેક સર્જકવિચારકોનો તેઓ પરિચય કરાવતા રહ્યા. વચ્ચે વચ્ચે ગુજરાતી સાહિત્યપ્રવાહો વિશે મિતાક્ષરી લેખો લખતા રહ્યા. હરિવલ્લભ ભાયાણી પણ ઉત્તરકાલીન સુરેશ જોષીની સાથે રહ્યા. આરંભે તેમની વિવેચના પશ્ચિમથી વિશેષ પ્રભાવિત હતી, પણ પાછળથી તેઓ ભારતીય સાહિત્યપરમ્પરા તરફ ઝૂકી ગયા. ગુજરાતી વિવેચનને એક મોટો લાભ જયંત કોઠારી અને પ્રમોદકુમાર પટેલની વિવેચનાને કારણે થયો. પાયાના કેટલાક વિભાવોની ચર્ચાનો આરમ્ભ થયો. રૂપરચનાનાં મુખ્ય ગૃહીતો અને તેમની મહત્ત્વની ઉપપત્તિઓની વ્યવસ્થિત ચર્ચા આ બે વિવેચકોએ માંડી આપી. પ્રમોદકુમાર પટેલે સુરેશ જોષી અને હરિવલ્લભ ભાયાણીની પરમ્પરામાં રહીને પશ્ચિમના કેટલાક મહત્ત્વના ચિંતકો વિશે લાંબી લેખણે કલમ ચલાવી. જયંત કોઠારીએ મધ્યકાલીન સાહિત્ય અને તેના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ચીવટ અને ચોકસાઈના વિશેષ આગ્રહી હોવાને કારણે તેમનાં વિવેચનો તેમના પોતાના જ શબ્દોમાં ‘વાંકદેખાં’ બન્યાં. સાતમા-આઠમા દાયકાની આપણી વિવેચનપ્રવૃત્તિના કેન્દ્રમાં ગુજરાતી સાહિત્ય રહ્યું એ આનન્દપ્રદ ઘટના ગણાવી જોઈએ. ચન્દ્રકાન્ત ટોપીવાળા, સુમન શાહ, રાધેશ્યામ શર્મા, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ – આ બધાની વિવેચના ગુજરાતી સાહિત્યની સાથે સાથે ઇતર ભાષાના સર્જન અને સાહિત્યતત્ત્વવિચારની આસપાસ ઘુમરાતી રહી. સિતાંશુ યશશ્ચન્દ્ર પ્રમાણમાં ઓછું લખે છે, પણ યુરોપીય તત્ત્વવિચારની અધિકૃત સમીક્ષા સંપડાવી આપીને, ‘મેઘદૂત’ જેવી કૃતિનાં રસસ્થાનો વિલક્ષણ રીતે ખોલી આપીને ભવિષ્યની વિવેચના માટેની દિશાઓ ચીંધી બતાવે છે. વિવેચનમાં ચીવટ, ચોકસાઈ, તથ્યનો, સુસંગતતાનો જે આગ્રહ જયંત કોઠારીમાં હતો તે રમણ સોનીની વિવેચનામાં સારી પેઠે ઝીલાયો છે. છેલ્લા દાયકાઓમાં મધ્યકાલીન સાહિત્ય, જનજાતિ-આદિવાસી સાહિત્ય તથા લોકસાહિત્યનાં સંશોધનો શાસ્ત્રીય રીતે કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે; રાજેન્દ્રસિંહ રાયજાદા, કનુભાઈ જાની, લાભશંકર પુરોહિત, હસુ યાજ્ઞિક જેવા વડીલોની સાથે સાથે નિરંજન રાજગુરુ, નાથાલાલ ગોહિલ, ભગવાનદાસ પટેલ, બળવંત જાની, અમૃત પટેલ, મધુભાઈ પટેલ જેવા મિત્રો પણ જોડાયા છે. પરન્તુ આ જૂની પરમ્પરાઓના અભ્યાસ અને એવા સંવાદ માટે તથા વિવેચન, ઇતિહાસલેખન અને સંશોધન માટે જરૂરી કોશસામગ્રી, સંસ્કૃત કાવ્યશાસ્ત્રોના અનુવાદ વગેરે આપણી સામે છે જ. હા, નૃવંશશાસ્ત્રીય તથા પુરાકથાશાસ્ત્રની દિશામાં અભ્યાસ કરવાનો બાકી છે. પરન્તુ ગુજરાતી વિવેચનના વર્તમાન પ્રશ્નો એટલા જ સંકુલ છે. નિર્ભીક વિવેચના થઈ રહી છે એવું લાગશે અને છતાં ગુજરાતીમાં જે વિવિધ વિવેચનપ્રવાહો જોવા મળે છે એમની વચ્ચે નિરામય સંવાદ થતો નથી. વળી, જ્યાં પરવડે છે ત્યાં નિર્ભીકતા જોવા મળશે. બાકી તો સત્યં બૂયાત્ કરતાં પ્રિયં બ્રૂયાત્ની નીતિ અપનાવવી. સત્યં બૃયાત કહેતાં જો હૃદય ના પાડતું હોય તો મૂંગા રહેવું. જે ખરેખર ઉત્તમ છે એને દૂર મૂકતાં જવું, એના ઉલ્લેખો પણ ટાળવા, સાહિત્ય ઉપર રાજ્યસત્તા, ધર્મસત્તાનાં આક્રમણો (સ્થૂળ તો શાના થાય, એનાથીય વધારે સૂક્ષ્મ અને તેથી વધારે જોખમી) વધતાં રહે અને છતાં આપણે એ બધું જોતાં રહીએ, એને વધાવતાં રહીએ. એ સત્તા સાથેના સંવાદોને ન્યાય્ય ઠેરવતા રહીએ. હજુ આપણો વિવેચનવિચાર આપણી પોતાની પરમ્પરાઓ ઉપર ઊભો નથી. ઉમાશંકર જોશીએ એક સ્થળે કટાક્ષ કરતાં લખ્યું હતું કે આપણી પ્રાચીન કાવ્યચર્ચા આપણને ઍરિસ્ટોટલ કરતાંય વધુ વસમી લાગે છે. આપણી વિચારણા વધુ ને વધુ પારદર્શી, પ્રમાણભૂત અને જ્યાં અનિવાર્ય ત્યાં એ સંકુલ પણ બનવી જોઈએ. આપણી સમગ્ર વિવેચનપ્રવૃત્તિ વિશે સુન્દરમનું નિરીક્ષણ નોંધવા જેવું છે. ‘જે વિકટ પ્રશ્ન છે તે તો કાચાં રંધાતાં અને અકરાંતિયાની માફક ચાવ્યાં ન ચાવ્યાં ને ગળી જવાતાં અધકચરાં અનેક સર્જનોનો છે. એમની (એવા સર્જનકારોની) પ્રગતિ કે ઉન્નતિ પણ અવનતિ કરતાં ભયાનક હોય છે. છતાં તેમની પ્રવૃત્તિ સાહિત્યક્ષેત્રમાં વધાવનારા, વખાણનાર અને તેને પ્રસિદ્ધિની હીંગનો વઘાર આપનારા ઓછા નથી હોતા.’ (સા.ચિં.) આખરે કોઈ પણ વિવેચનના કેન્દ્રમાં કાવ્યને સ્વીકૃતિ અને અકાવ્યને અસ્વીકૃતિનો પ્રશ્ન પડેલો હોય છે. જોઈએ, નવી પેઢીને શું કહેવું છે? ‘વાત આપણા વિવેચનની’ (ઉત્તરાર્ધ) પૃ. ૧૦૭ થી ૧૨૧
૦૦૦