સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ/ગુજરાતી વિવેચન : બીજું સ્તબક

From Ekatra Foundation
Revision as of 01:51, 2 August 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રવાહદર્શન
(૩) ગુજરાતી વિવેચન : બીજુંસ્તબક

સોએક વર્ષ પહેલાં ઓગણીસમી સદીના સાહિત્યનું એક સર્વાંગી ચિત્ર ઊભું કરવાનો ખ્યાલ કદાચ કોઈને નહીં આવ્યો હોય. એનું સાટું વાળવા માટે જાણે એક મસમોટો મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ અહીં ઘડી કાઢવામાં આવ્યો છે. આ નિમિત્તે પશ્ચાદ્દર્શનની, પુનરવલોકનની, પુનર્મૂલ્યાંકનની એક નોખી તક સાંપડી છે. અહીં જે કામગીરી મને સોંપવામાં આવી છે તેને બહુ ચુસ્ત રીતે વળગી રહેવાનું યોગ્ય નથી માન્યું. વળી, સાહિત્યના ઇતિહાસોમાં; કોશસામગ્રીઓમાં કે વિવેચનગ્રંથોમાંથી જે કંઈ સરળતાથી હાથવગું હોય એને અહીં બાજુ પર મૂકવામાં આવ્યું છે. હજુ આપણી પાસે એવો કોઈ સંદર્ભગ્રંથ નથી જેના દ્વારા કોઈ પણ અભ્યાસીને જાણ થાય કે જે તે સમયગાળામાં વિવેચનનાં આટલાં પુસ્તકો પ્રગટ થયાં હતાં. સાહિત્યવિવેચનમાં ભિન્ન ભિન્ન વિભાવનાઓની ઉત્ક્રાન્તિ કેવી રીતે થઈ એ જાણવા માટેનો કોઈ વિશિષ્ટ પ્રકારનો સંદર્ભગ્રંથ નથી. આ સંજોગોમાં પશ્યાદદર્શનની કામગીરી ખાસ્સી પડકારરૂપ થઈ પડે છે. આવા સંજોગોમાં કોઈ સહેલા રસ્તા અપનાવી બેસે તો અચરજ ન થવું જોઈએ. એક રીતે ૧૯૨૬-૧૯૫૦ની પચીસીનું આપણું સાહિત્યવિવેચન ગાંધીયુગનું ગણાય આ સમયગાળામાં જે વિવેચકોના ગ્રંથો પ્રગટ થયા તેમાં મુખ્યત્વે આનંદશંકર ધ્રુવ, બલવંતરાય ઠાકોર, રામનારાયણ પાઠક, વિશ્વનાથ ભટ્ટ, નવલરામ ત્રિવેદી, વિજયરાય વૈધ, ક.મા. મુનશી, કેશવ હર્ષદ ધ્રુવ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વગેરેનો સમાવેશ કરી શકાય, ઉમાશંકર જોશીના ‘અખો એક અધ્યયન’ અને બીજા કેટલાક લેખોનો તથા સુન્દરમના ‘અર્વાચીન કવિતા’ ગ્રંથનો પણ આમાં સમાવેશ કરી શકાય. દેખીતું છે કે અહીં પંડિતયુગની અને ગાંધીયુગની ધારાઓ ભળી ગઈ છે. હજુ વ્યવસ્થિત રીતે અને વૈજ્ઞાનિક રીતે આપણે જો આ કાળખંડની વિવેચનાત્મક આબોહવાનો પરિચય કરવા માગતા હોઈએ તો આ સમય દરમિયાન પ્રગટ થયેલાં સામયિકોની લેખસામગ્રી પાસે જવું પડે. ખાસ કરીને કેટલીય અજાણી કલમોએ બૌદ્ધિક વાતાવરણ ઊભું કરવામાં સક્રિય ભાગ ભજવ્યો હતો. અને એ ચર્ચાઓનાં સ્તર વિશે જાણીએ ત્યારે એ અજાણ્યા પૂર્વજો માટે ખૂબ ખૂબ ગૌરવ અને આનંદ થાય. સાચો સાહિત્યમર્મજ્ઞ તો એમ જ કહેશે કે પરમ્પરાથી જે પ્રશ્નો ચર્ચાતા આવ્યા છે તે જ પ્રશ્નો અમે પણ ચર્ચીએ છીએ. જો સાહિત્યસર્જનમાંય અસામાન્ય મૌલિકતાનો વિચાર ખાસ મહત્ત્વનો ન બનતો હોય તો સાહિત્યવિવેચનમાં કઈ મૌલિકતાનો ઝંડો અમે ફરકાવવાના છીએ? આખરે તો સર્જાતા જતા સાહિત્યના સન્દર્ભે, બદલાતી જતી આપણી પરિસ્થિતિઓના સન્દર્ભે વિવેચનની સમસ્યાઓને કેવી રીતે જોઈએ છીએ એ જ મહત્ત્વનું છે. ગુજરાતી કે કોઈ પણ પ્રાદેશિક વિવેચના આખરે તો પ્રાચીન કાળની સાહિત્યતત્ત્વ વિષયક ચર્ચાને સહારે વિકસે, એ રીતે ગુજરાતી વિવેચન હજુ આ તબક્કે બહુ જાણીતી એવી રસ, ધ્વનિ, અલંકાર જેવી વિભાવનાઓને લઈને આગળ વધે છે પણ આ સમયગાળામાં આનંદવર્ધન, અભિનવગુપ્ત કે કુન્તકના મૂળ ગ્રન્થોના અનુવાદ સુલભ ન હોવાના કારણે ચર્ચા વધુ સંકુલ સન્દર્ભો સુધી વિસ્તરતી નથી. જે વિવેચકનો પ્રભાવ માત્ર નજીકના અનુગામી પર જ નહીં પરન્તુ દૂર દૂરના અનુગામીઓ પર પડ્યો હોય, વળી જેણે ગુજરાતી ભાષાસાહિત્યની સમૃદ્ધિ ઉત્તરોત્તર વધે એ માટે પ્રયત્નો કર્યે જ રાખ્યા હોય એ વિવેચક વધુ સ્પર્શી જાય. આવા વિવેચકો આપણને આ સમયગાળામાં સાંપડે છે અને એમાં મોખરાના સ્થાને બલવંતરાય ઠાકોરેને નિઃશંક મૂકી શકાય. બલવંતરાય ઠાકોરથી માંડીને(અને બલવંતરાય જ શા માટે, છેક પ્રાચીન કાળથી) અત્યાર સુધી રુચિની કેળવણી પર ભાર મુકાતો આવ્યો છે અને આ રુચિ ‘અન્ય દેશકાલના ઊંચા નમૂનાઓ’ વારંવાર તપાસવાથી જ કેળવાય છે. નહીતર તો એવી અતંત્રતા ઊભી થાય જે ગુણદોષની સાચી પરીક્ષા જ કરવા ન દે. બલવંતરાયની વિવેચના વારંવાર આ મુદ્દા ઉપર ભાર મૂકે છે અને ખૂબ જ જાણીતી બની ગયેલી પ્રભાવવાદી ઉક્તિ કોને યાદ નથી : ‘ગુજરાતી કાવ્યકલાભકતો, ગુજરાતી પ્રજાના સૌન્દર્યરસિકો, ત્હમે કૂપમંડૂકતાને અશક્તિ ગણો, માનવ કલાસાગરનાં બહોળાં સલુણાં પાવક જલોમાં આવો. ’ (ન.ક.વ્યા. ૨૨) એટલે જ એક સાચા ક્ષત્રિયની ખુમારીથી સામાન્ય કૃતિઓને નિર્દયતાથી ફંગોળી દેવાની વાત તેઓ કરે છે, અને ઉમેરે છે કે વિવેચકો મામા કંસ નથી કે જેમને ગરદન મારી શકાય. તેમની વાત કેટલી સાચી છે તેની સાક્ષી આનંદશંકર ધ્રુવ પુરાવશે (વિવેચનના અભાવે સાહિત્યજગતમાં નકામું ઘાસ ખૂબ ઊગી નીકળે છે). સાહિત્યજગતની અનેકવિધ સમૃદ્ધિને બ. ક. ઠાકોર તો ઝંખતા હતા. સર્જકતા પ્રાપ્ત કરવા ખૂબ પુરુષાર્થ કરવો જોઈએ નહીંતર ચોમાસાની જીવાતની જેમ ચારે બાજુ કવિતા ફૂટી નીકળે. આ સમસ્યાઓ જો ત્યારે હોય તો સાક્ષરતા અને સર્જકતાથી ઊભરાતા આપણા સમયમાં એનું પ્રમાણ કેટલું બધું હોય, વળી આપણા આ પ્રશસ્તિયુગમાં તો બધી કૃતિઓ ઉત્તમ જ મનાય! આવી પરિસ્થિતિમાં બ. ક. ઠાકોર માર્ગ ચીંધે છે : ‘વિચારપક્વ નિબંધ, અભ્યાસસિદ્ધ અનુવાદ, શોધક ઇતિહાસ’ની દિશામાં આપણી કલમોને વાળવી જોઈએ. જો આમ નહીં થાય તો સાહિત્યિક વાતાવરણ કોઈ પણ રીતે પાંગરી ન શકે. ‘સાધારણ કવિતાને શ્રેષ્ઠ માનનારી પ્રજા કવિતા ગુમાવે.’ અન્ય કળાઓમાં જેમ કળાકારને તાલીમ લેવી પડતી હોય છે એવી રીતે સાહિત્યમાં સુધ્ધાં તાલીમ લેવી જ પડે. ‘ભણકારા’ કાવ્યમાં તેમણે સર્જનપ્રક્રિયાનો પ્રશ્ન અસામાન્ય કળાસૂઝનો ઉપયોગ કરીને આલેખ્યો છે, પણ એક સ્થળે જરા જુદી રીતે સર્જનાત્મકતાની વાત કરે છે. ‘કાવ્યકલાસૌન્દર્યના સર્જનની ક્રિયા પૂરી ત્યારે જ થઈ ગણાય, જ્યારે તેની ખૂબીઓ ભોક્તાવર્ગ – એટલે કે પ્રજાજન વા સામાન્ય આમ વર્ગના વધતા જતા ભાગમાં ઊગી નીકળે.’ આગલી પેઢીના જાણીતા અર્થશાસ્ત્રી અને ચિંતક અંબાલાલ દેસાઈએ સાહિત્યને ‘આખી પ્રજાની વાણી’ તરીકે ઓળખાવ્યું હતું. બ. ક. ઠાકોરને આ વાત સ્પર્શી ગઈ. એટલે અવારનવાર એ શબ્દોનો ઉપયોગ કરતા રહ્યા. ભલે તેમણે રચેલી કવિતા અન્વય, શબ્દભંડોળની વિલક્ષણતાને કારણે દુર્બોધ લેખાઈ અને બહુ સીમિત ભાવક વર્ગ તેમને સાંપડ્યો. પરંતુ તેઓ સાહિત્યસર્જનને કોઈ ખાસ વર્ગના વિશેષાધિકાર તરીકે ઓળખાવતા ન હતા, આપણું સાહિત્ય મોટે ભાગે ભદ્ર વર્ગની નીપજ રૂપ રહ્યું હોવાને કારણે કેટલાય ખંડ સાહિત્યજગતની બહાર રહી ગયા ગયો હોવાની શક્યતા નકારી ન જ શકાય. આપણને અચરજ થાય પણ બ.ક.ઠાકોર માનતા હતા કે ‘વસતીનાં નીચલાં થરોમાંથી સ્થાયી અને ઉંચા સાહિત્યમાં ખુરશી મેળવે એવા કવિઓ પાકવા જ જોઈએ. ‘ (પ્રવેશકોઃ ૧, ૧૦૩) વળી એક બીજા પ્રસંગે તેઓ જરા માંડીને આ વાત કરે છે : ‘... આપણે સુશિક્ષિત બ્રાહ્મણવાણિયા, ઉપનિષદો, વેદાન્ત, ગીતા, રામાયણ, મહાભારત, ભાગવત, પુરાણો, કાલિદાસાદિ કવિઓનાં કાવ્યો, ભર્તૃહરિ આદિનાં શતકો, પંચતંત્ર... આદિ એક બે મોટા વર્તુલોમાં જ ભમ્યાં કરિયે અને ગોંધાઈ રહિયે, તો તો શહેરો અને દરબારો, બજારો અને ધોરી રસ્તા, વાડીઓ અને ઉપવનોમાં જ આખી પ્રજા આવી જાય... અને આપણો ઇતિહાસ ઉકેલવા માટે જેમ જેમ પાછળના અને વધુ પાછળના સૈકાઓમાં દૃષ્ટિ લંબાવી શકીશું તેમ તેમ સુશિક્ષિતો જ લાભ લઈ શકે એવાં ગ્રંથસ્થ બલો કરતાં આ ભિન્ન પ્રકારનાં બલોનો પ્રજા-માનસ અને પ્રજાસંસ્કૃતિના ઘડતરમાં હિસ્સો વધારે અગત્યનો માલુમ પડશે.’ (પ્રવેશકો : ૨, ૧૪૨-૪૩) બ. ક. ઠાકોર ઇતિહાસમાં વધારે ઊંડા ઊતરીને આપણી સાંસ્કૃતિક નબળાઈઓનાં સંભવિત કારણો શોધી કાઢે છે. સમાજના ઉચ્ચ વર્ગ દ્વારા નિર્માણ થતાં કળા-સાહિત્ય-તત્ત્વવિચાર, વિજ્ઞાન એક બાજુએ અને કસબકારીગરી, મજૂરી, રોજગારી પર જીવતી પ્રજા બીજી બાજુએ - આ બે વચ્ચે આદાનપ્રદાન અટકી ગયાં; (તેઓ તો નવનારૂ, પાંચકારુ, સાત તાંસળી, માછી, વહાણવટા, માલમી, વણઝારા, વણકર, ચમાર, મોચી, ભાવસાર, સાળવી, ગોવાળ, ભીલ, ભીસ્તી, ભુવા, ધૂળધોયા, વાંસિયા, ફાંસિયાની એક લાંબીલચક યાદી આપે છે) નીચલા વર્ણના કે હલકા ગણાતા વ્યવસાયોના આ માનવીઓ અસ્પશ્ય, શૂદ્ર ગણાયા અને ‘તેમનાં જીવન, તેમના અનુભવ અને તેમના ન્હાનામોટા પ્રયોગ બુદ્ધિ અને સાહિત્યકેળવણી પર્યેષણા અને મીમાંસાને અસ્પશ્ય બન્યાં, બુદ્ધિ પંગુ અને ખાલીખમ બની.’ (ન.ક.વ્યા. ૫૦) પોતાની ચર્ચાને વધારે સંગીન બનાવવા બ. ક. ઠાકોર તુલનાત્મક અને ઐતિહાસિક વિવેચનપદ્ધતિનો આશ્રય લે છે. આમેય તેઓ ઇતિહાસના આજન્મ અભ્યાસી હતા, આને કારણે તેમની વિવેચનાનો વ્યાપ ઘણી બધી રીતે વિસ્તૃત થયેલો જોવા મળશે. બ. ક. ઠાકોરની આ વિચારણા માત્ર તેમના પૂરતી સીમિત હતી કે અન્યત્ર પણ જોવા મળતી હતી એની જ્યારે આપણે તપાસ કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે આ વિચારણા એક અથવા બીજે નિમિત્તે થયા કરતી હતી. સંસ્કૃતિના જે તબક્કે સમાજના જુદા જુદા વર્ગ વચ્ચે આદાનપ્રદાન ઘટી જાય ત્યારે જીવન પણ ખાલી બનવા માંડે; પ્રજા તરીકેના આપણા અનુભવજગતની મર્યાદાનો સ્વીકાર આનંદશંકર ધ્રુવે કર્યો છે : ‘આપણા જીવનમાં વિશિષ્ટતા નથી કે વિવિધતા નથી, જે છે તે ઘણું સામાન્ય અને એવું બીજું છે, અને આપણી વૃત્તિઓ પણ નચિકેતાના બાપે યજ્ઞના દાનમાં આપી હતી તેવી દૂબળી, ઘરડી અને વસૂકેલી ગાયો જેવી છે.’ (સાહિત્યવિચાર, ૩૦) જીવનની આ નિઃસત્ત્વતાનું એક કારણ ઝવેરચંદ મેઘાણી મૂઠીભર માણસોના સાંસ્કૃતિક ઇજારામાં જુએ છે. પરિણામે મૂઠીભર લોકોએ લખેલા સાહિત્યને જ સાહિત્ય માનવામાં-મુનાવવામાં આવે છે ને લઘુમતિ દ્વારા સર્જાયેલા સાહિત્યમાં વૈવિધ્ય ન પણ આવે. સામાન્ય રીતે પરમ્પરાથી કવિને પ્રજાની વાણી, પ્રજાના નેત્ર તરીકે ઓળખવામાં આવ્યો છે. પણ પણ આદાનપ્રદાન ઘટયાં અને એનું પરિણામ એ આવ્યું કે જેમની પાસે જીવન છે તેમની પાસે જીભ નથી, ને જીભવાળાઓ પાસે જીવન નથી.’ (પરિભ્રમણ, ૧ ૬૪) ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્યનું જે રીતે સંપાદન સંશોધન કર્યું તે રીતે તેમની વિચારણા આ પ્રકારની હોય કે ઘડાય તે સ્વાભાવિક છે. પરંતુ રસળતી કલમે લખાયેલી તેમની વિવેચના કેટલીક વાર વધુ પ્રસ્તુત - આપણા સમયના સન્દર્ભમાં – ઠરે છે. સામાન્ય રીતે સાહિત્યવિવેચનમાં ‘આજ સુધીની ભાષાસમૃદ્ધિના ઘડતરની તવારીખ ઓછી તપાસાય છે.’ (પરિભ્રમણ, ૨૪૩) સ્વાભાવિક છે કે જ્યારે આ પ્રકારની વિચારણા આવે ત્યારે એની સાથે કેટલાંક ભયસ્થાનો પણ ઊભાં થાય. સ્વાભાવિક રીતે આપણા સાહિત્યની અધૂરપો પૂરવાને માટે સમાજના ઉપેક્ષિત વર્ગને આપણે લઈ આવીએ, ‘આગગાડી’માં ચન્દ્રવદન મહેતા એવા જ એક ઉપેક્ષિત વર્ગને લઈને આવ્યા હતા, વર્તમાન સમયમાં પણ અત્યારે આપણે આ જ દિશામાં ગતિ નથી કરી રહ્યા? પણ એ જવાબદારી ઉપાડનાર કેવો હોવો જોઈએ, મેઘાણીના જ શબ્દોમાં જોઈએ : ‘આપણી કૃતિઓનો વીર સમસ્ત જનસમૂહ - ‘માસ’ને આલેખવો હશે તો તો એ આલેખનારી કલમોએ સમૂહના મનોવ્યાપારો, મંથનો, સદાશયો-દુરાશયો, સાચાં અને જુઠાં બળોનું સાચું પૃથક્કરણ કરવા જેટલો અનુભવ માગશે, એ અનુભવોના ચરુને સંવેદનની ભઠ્ઠી પર ચડાવવો પડશે. એવી વાર્તા લખવા બેસનાર હૃદયોએ એની પછવાડે વલોવાઈ જવું પડશે.’ (પરિભ્રમણ : ૧, ૨૪૨) ક્યારેક જર્મન કવિ રિલ્કેએ કહેલી વાત મેઘાણી જુદા શબ્દોમાં કહે છે : ‘એક પાનુંય જો સફળપણે આલેખવું હોય તો પાંચસો પાનાં આલેખવા જેટલાં અનુભવ, સંવેદન અને વિચારની સામગ્રી સાહિત્યકાર પાસે જમા થવી જોઈએ.’ (એજન ૧, ૨૪૨) આવી રીતે જ્યારે સાહિત્યની ચર્ચા માંડવામાં આવે છે ત્યારે એક બીજું ભયસ્થાન જન્મે છે અને તે માત્ર અનુભવના જોરે જ સાગર તરી જવાની બડાઈખોરીની. સર્જક પ્રચારક બની જાય એ જોખમ તો છે જ, પણ ઝવેરચંદ મેઘાણીએ એમની લાક્ષણિક અદામાં કહ્યું : ‘ગાંધીની ખાદી અને પૂણી, કરડના ચોખા વાર્તા કે કવિતાના વિષય બની ન શકે અને કવિને તેમણે સૂચના આપી, ‘તારી કલમને કોઈ પણ વાદની બાંદી ન બનાવજે, તું કોઈ દુકાનદારની જાહેરખબર ન બનજે.’ (પરિભ્રમણ : ૧, ૨૪૪) અને આવું કશું ન થાય તે જોવાની જવાબદારી વિવેચનની. કેટલાક ગુરુતાગ્રંથિથી પીડાતા સર્જકો તેમને પ્રતિકૂળ એવી વિવેચનાને સાંખી ન લે ત્યારે મેઘાણીની જેમ બુલંદ ગર્જના કરવી પડે : વિવેચકોને પણ જીવવાનો ને છૂટથી બોલવાનો હક્ક છે... ‘જો વિવેચકોની જબાન અને કલમ ચૂપ કરી નાખવાનો તમારો સંકલ્પ બર આવશે તો તમારી બેહાલી આજે છે તે કરતાં વિશેષ બનશે.’... ‘જ્યારે પોતાની કૃતિ પરની નરી પ્રશંસા સિવાયની કોઈ પણ સમાલોચના પર દ્વેષ અથવા દુષ્ટ બુદ્ધિનું આળ ઢોળવા બેસે છે ત્યારે એ પોતાની ગૌરવભ્રષ્ટતાનું પ્રદર્શન કરાવે છે.’ (પરિભ્રમણ : ૧, ૨૧૩) આના પ્રતિપક્ષનું ભાન આ વિવેચકને છે. વિવેચકો દ્વારા ચાલતા વિવિધ ખેલોથી તેઓ અજાણ્યા નથી. સંપૂર્ણ વાસ્તવિક પરિસ્થિતિઓના સન્દર્ભમાં વિવેચકોના પૂર્વગ્રહોનીય આકરી ટીકા અહીં જોવા મળે છે. મેઘાણીની રુચિ જે સાહિત્યકૃતિઓથી કેળવાઈ હતી તેને આધારે તેમણે પોતાની સાહિત્યવિભાવના ઘડી હતી, પરન્તુ એ બધાની પાછળ મૂળભૂત માન્યતા તો આ જ રહી હતી : ‘કલા તરીકે ઉમદા ગુણો ધરાવવા અને બીજી બાજુ જીવનને અધોગત કરનારી શક્તિ ધરાવવી, એવા વિરોધી વ્યાપારવાળી કળાનું મારે મતે અસ્તિત્વ જ નથી.’ ગુજરાતી સાહિત્યવિવેચનને તત્ત્વજ્ઞાનનો પુટ ચઢેલો નથી એમ કહી તેની ઊણપ તરફ કેટલાક ધ્યાન દોરે છે. આ ટીકાકારોની વાત ખોટી નથી. ભારતીય કાવ્યશાસ્ત્રનો પાયો તત્ત્વજ્ઞાનમાં છે એ વાત તો હવે ભાગ્યે જ કોઈને કહેવી પડે. પરન્તુ આ આક્ષેપમાંથી કેટલાક વિવેચકો ઊગરી જાય છે અને એમાં મોખરાનું સ્થાન આનંદશંકર ધ્રુવનું છે એ વાત ગમે તેટલાં પુનર્મૂલ્યાંકન કરીશું પણ મિથ્યા થઈ શકવાની નથી. એક બાજુ તેમની સાહિત્યિક રુચિ ભારતની તથા યુરોપની પ્રશિષ્ટ કૃતિઓથી ઘડાઈ હતી અને બીજી બાજુ તેમની વિચારણાના પાયામાં ભારતીય તથા યુરોપીય તત્ત્વજ્ઞાન હતાં. હજુ આજેય જે ચિંતકોનો પ્રત્યક્ષ પરિચય આપણે કેળવી નથી શક્યા તેમાંના કેટલાય ચિંતકોનો તેમને ગાઢ પરિચય હતો. આ રીતે ઘડાયેલા તેમના સાહિત્યિક વ્યક્તિત્વે આપણા જીવનની તથા આપણા સાહિત્યની મર્યાદાઓ તરત જ પારખી લીધી; એ સમયે તેમને યુગદ્રષ્ટા, યુગપ્રવર્તક કવિની ખોટ સાલી હતી, તે ખોટ પાછળથી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનેય વરતાઈ હતી. ગુ.સા.પરિષદના સ્વાગત પ્રમુખ તરીકે કે પરિષદના પ્રમુખપદેથી જે વ્યાખ્યાનો તેમણે આપ્યાં છે તે જોઈશું તો આપણને આનંદ અને અચરજ થાય તેટલો વ્યાપ ત્યાં છે. આનંદશંકર ધ્રુવને આપણા સાહિત્યની જે મર્યાદા વરતાઈ તેના મૂળમાં તેમની કેટલીક મૂળભૂત માન્યતાઓ જવાબદાર છે. તેમના જ શબ્દોમાં જોઈએ તો: ‘દેશની ધાર્મિક સાંસારિક રાજકીય વગેરે પ્રવૃત્તિઓથી જે સાહિત્ય નિર્લેપ રહેશે તે કદી ફાલી શકવાનું નથી. એમાં કાંઈ પણ એની ભૂમિનો પ્રાચીન પરમ્પરાપ્રાપ્ત રસ હશે તો તે પણ થોડા વખતમાં સુકાઈ જઈ, એ ઝાડ કરમાઈને મરી જશે.’ પણ તો પછી સ્થૂળતામાં સરી પડવાનું ભયસ્થાન ન હોય? આચાર્યને આનો ખ્યાલ છે, તેઓ ઉમેરે છે : ‘જીવન્ત સાહિત્યનો બીજો ધર્મ એ છે કે બહારની પ્રવૃત્તિઓને એ જ્યારે પોતાના શરીરમાં લે છે ત્યારે તે તેને પોતાનું વિલક્ષણ રૂપ આપે છે.’ અને સાહિત્યનો ઉત્કર્ષ સાધવા માટે ૧. જનસમાજની વાસનાઓ વધારે વિવિધ વિશાળ ઊંડી અને ઉદાત્ત બનવી જોઈએ. ૨. પશ્ચિમના ગ્રન્થોનું વાચન અનિવાર્ય બનવું જોઈએ. કેટલીક વખત બહુમતિથી વિરુદ્ધ જઈને તેમણે એ ક્ષિતીએ ચર્ચાઓ કરી છે અને લીકવાં પુનર્મૂલ્યાંકનો દરમિયાન ઉપેક્ષિત વિચારકોને ફરીથી પ્રકાશમાં આણવા જોઈએ. એ કડવા ઘૂંટ પીવાની આપણી તૈયારી હોવી જોઈએ. આવા એક ઉપેક્ષિત વિવેચક હતા જહાંગીર એ.સંજાણા, આજે વર્ષેદહાડે ત્રણ ત્રણ લાખનો પગાર મેળવતા ગુજરાતી સાહિત્યના અધ્યાપકોમાંથી મોટા ભાગનાઓને એમનો જરાય પરિચય નથી! ૧૯૪૨માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ‘સ્ટડીઝ ઇન ગુજરાતી લિટરેચર’ વિશે વ્યાખ્યાનો આપ્યાં ત્યારે વર્તમાનપત્રોએ ભારે દેકારો મચાવ્યો હતો; આવા ‘ભયાનક’, ‘બેજવાબદાર’ માણસને વ્યાખ્યાન માટે બોલાવ્યો એ બદલ યુનિવર્સિટીની આકરી ટીકા કરી હતી. અર્વાચીન ગુજરાતી સાહિત્યલેખનનો પ્રયત્ન આ વ્યાખ્યાનોમાં જોવા મળશે. જ.સંજાણાએ ગુજરાતી સાહિત્યની મર્યાદાઓ થોડા આકરા શબ્દોમાં ચીંધી બતાવી હતી. પરંતુ સમકાલીનોને સૌથી મોટો વાંધો નર્મદના પુનર્મૂલ્યાંકન સામે હતો. નર્મદ અને દલપતરામના સમયથી આ બંને કવિઓ વિશે ભારે વિવાદ થતો રહ્યો છે. સામાન્ય પ્રજાએ અને વિવેચકોએ નર્મદના વ્યક્તિત્વની ભારે પ્રશંસા કરી છે. આ પરિસ્થિતિમાં નર્મદની છબિને ઝાંખી પાડવાનો કોઈ પ્રયત્ન ચલાવી ન લેવાય એવું કેટલાકનું માનવું હતું. પરન્તુ જ.સંજાણાએ નર્મદના સમકાલીનો અને અનુગામીઓનાં તારણોને આધારે વસ્તુલક્ષી ભૂમિકાએ નર્મદના સર્જકવ્યક્તિત્વનું પુનર્મૂલ્યાંકન કર્યું હતું. ગોવર્ધનરામ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘નર્મદાશંકરની મોહજાળમાંથી નવલરામ પણ બચ્યા ન હતા.’ જ્યારે નવલરામે સ્વીકાર્યું હતું કે ‘લોકોમાં પોતાની કીર્તિ તાજી ને તાજી રાખવાની એને ચીવટ અને આવડત હતી.’ (નવલગ્રંથાવલિ, ૨૨૯) ‘ભટનું ભોપાળું’ વિશે નર્મદનો અભિપ્રાય બહુ જ આકરો હતો, નવલરામને તો એ ‘ભુલભરેલો અને દગાફટકાનો’ લાગ્યો હતો. કવિ નર્મદની આ વ્યક્તિતા – જે તેમણે ઊભી કરી હતી અને પાછળથી બધા લોકોએ જેને વળ ચડાયા કર્યો હતો તેની તટસ્થ ચર્ચા જ.સંજાણાનાં વ્યાખ્યાનો પછી થવી જોઈતી હતી. પરન્તુ કલમને ખોળે માથું મૂકનારા અને ઘરમાં માત્ર ચાર આના હોય તો ‘એ પણ એક રંગ છે’ એમ કહેનારા નર્મદને આપણે યાદ રાખ્યા પણ એ જમાનામાં કરસનદાસ મૂળજી પાસેથી ૧૨૦૦૦ રૂપિયા(સંજાણાની ગણત્રી પ્રમાણે) કે ૨૦૦૦૦ રૂપિયા (રામનારાયણ પાઠકની ગણત્રી પ્રમાણે) લેનારા નર્મદને વિસારે પાડ્યા. ‘દેશાભિમાન’ જેવા જે શબ્દો માટે નર્મદની પ્રશંસા કરવામાં આવે છે તે જ.સંજાણાની દૃષ્ટિએ કેન્ડીના શબ્દકોશમાં(૧૮૪૭) અને મરાઠીમાં તો ૧૮૩૦ની આસપાસ વપરાયો હતો. આજે નર્મદ અને દલપતરામના ગ્રન્થોનું પુનઃસંપાદન-પ્રકાશન થયું છે ત્યારે આ બંને સર્જકવ્યક્તિત્વનાં પુનઃમૂલ્યાંકન થવાં જોઈએ. ગુજરાતી વિવેચનના ત્રીજા સ્તબકમાં અર્થાત્ ૧૯૫૧-૭૫ સુધીમાં આધુનિકતાવાદી વલણો પ્રવેશ્યાં હતાં અને એ વલણોથી એક છાપ એ ઊભી થઈ કે વિવેચનમાં કૃતિનિષ્ઠ અભિગમ સર્વેસર્વા છે. પરન્તુ ભૂતકાળની વિવેચનાનું મહત્ત્વ સમજાવું જોઈએ. પરમ્પરા અને પરમ્પરાનુસંધાન ઉપર જેઓ ભાર મૂકે છે તેઓ પણ દેશની પ્રજાઓનો સ્થૂળ અને સાંસ્કૃતિક ઇતિહાસ જાણ્યા વિના સાહિત્યના કે કળાના ઇતિહાસ સમજી નહિ શકે. બ.ક.ઠાકોર તો ઇતિહાસના અભ્યાસી હતા એટલે તેમણે તો અવારનવાર એના પર ભાર આપ્યો જ હતો. વાસ્તવમાં ઇતિહાસ અને સાહિત્યને સાથે સાથે રાખીને ચર્ચાઓ થવી જોઈએ. આવી એક ચર્ચા કેશવલાલ કામદારકૃત ‘સ્વાધ્યાયઃ ૧, ૨ (૧૯૪૦)માં છે. મોટા ભાગના સહૃદયોનું ધ્યાન આ ગ્રન્થ ઉપર ઓછું ગયું છે. આપણા ઇતિહાસકારો પણ સામાન્ય રીતે સાહિત્ય પાસે જતા નથી. કેશવલાલ કામદાર અપવાદરૂપ ઇતિહાસકારોમાંના એક છે. તેમને સાહિત્ય, કળા સામે કેટલાક મૂળભૂત વાંધા છે. તેમની દૃષ્ટિએ આપણી કળાને અને આપણા સંસ્કારિત્વને ગાઢો સમ્બન્ધ નથી, આપણી કળા વ્યક્તિગત છે અને તેનું સામાજિક પ્રયોજન કે કર્તવ્ય શું છે તે આપણા કળાધરો બરાબર સમજી શક્યા નથી; આ ઇતિહાસકાર પણ બ.ક.ઠાકોર કે આનંદશંકર ધ્રુવ કે ઝવેરચંદ મેઘાણીની જેમ માને છે કે સાહિત્યસર્જનમાં પ્રાકૃત જનની ઉપેક્ષા ન ચાલે. ગુજરાતી સાહિત્યની મર્યાદા સૂચવતાં ઉમેરે છે કે ‘ઇતિહાસને જરા પણ સ્થાન નથી. તેમાં વિચારબળને બહુ સ્થાન નથી. મુસલમાનો પાસેથી કાંઈ શીખ્યા નથી.’ કેશવલાલ કામદારની એક બીજી સેવાની નોંધ લેવાઈ નથી અને તે છે ‘સરસ્વતીચંદ્રની ઐતિહાસિક આલોચના’ નામનો લેખ. આ પ્રકારની કૃતિની ચર્ચા આવા પરિપ્રેક્ષ્યમાં પણ થવી જોઈએ. ઇતિહાસના અભ્યાસી બ.ક.ઠાકોરે સુધ્ધાં ‘સરસ્વતીચંદ્ર’ની આલોચના માત્ર સાહિત્યિક પરમ્પરાઓમાં રહીને જ કરી છે. શ્રી કામદારે ‘સરસ્વતીચંદ્ર’નું વસ્તુ ૧૮૭૮-૮૩ બંધાયાની નોંધ લઈને તે સમયની તથા કૃતિપ્રકાશનના સમયની સાંસ્કૃતિક, રાજનૈતિક, સામાજિક પરિસ્થિતિઓ સાથે એનો સમ્બન્ધ બાંધી આપ્યો. નવલકથાના છેલ્લા ભાગમાં પાંચાલીનું રુદન, કુન્તાનું આશ્વાસન, અદૃષ્ટ દુર્યોધન, સુગ્રીવ, વાલી અને હનુમાનની કે અંગ્રેજોની મર્મવેધક ઉક્તિઓ એટલે છેલ્લી સદીનાં અંતિમ વરસો દરમિયાન રાષ્ટ્રજીવનના અનુભવોના અક્ષરદેહ. ગોવર્ધનરામ ત્રિપાઠીના જમાનામાં તક્ષશિલા, મોહેં-જો-દરોના અવશેષો મળ્યા ન હતા, ભાસનાં નાટકો, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પ્રકાશિત થયાં ન હતાં. અને છતાં આ નવલકથાકારમાં પૂરેપૂરું સંસ્કૃતિદર્શન જોવા મળ્યું એની નોંધ આ ઇતિહાસકારે લીધી છે, તેઓ દૃઢપણે માને છે કે ‘ગોવર્ધનરામે ઇતિહાસકારનું, નાટકકારનું કે કવિનું કામ કર્યું નથી, તેમણે તો જૂની સંસ્કૃતિને નવી કરી બતાવી છે.’ બીજા શબ્દોમાં ‘શ્રુતિથી માંડીને અંગ્રેજોના આગમન’ સુધીના ઇતિહાસને આવરી લીધો અને છતાં તત્કાલીન ગુજરાતમાં જે ન હતું તે તેમણે નવલકથામાં લીધું નથી; દુરાકૃષ્ટ મનાતા ચોથા ભાગને વર્તમાન સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યમાં જ સમજી શકાય. કેશવલાલ કામદાર નવલકથાના જે અંતિમ અંશનો નિર્દેશ કરે છે તેને તેના સન્દર્ભ સાથે જોવા જેવો છે. ‘સ્ત્રીમંડળનો મોટો ભાગ કથામાં હતો તે પૂરી થતાં સુધીમાં સમુદ્રભણીની બારીઓ ઉઘાડી મૂકી સર્વથી ઉપલા માળના એક ખંડમાં આરામાસન પડ્યો પડ્યો સરસ્વતીચંદ્ર બારીમાંથી આવતી સમુદ્રના પવનની લહેરોથી નિદ્વાયશ થયો. નિદ્રામાં એને સ્વપ્ન થયું તેમાં તે સુન્દરગિરિ ઉપર એક પલંગ ઉપર બેસી સામી ઊભેલી કુસુમને કહેતો હતો : ‘કુસુમ ! આખો દેશ જ્યાં સુધી પૃથ્વી ઉપર સૂએ છે ને તેને પહેરવાને વસ્ત્રો નથી ને ખાવાને અન્ન નથી ત્યાં સુધી આપણે આ પલંગ, આ મિષ્ટાન્ન, અને આ વસ્ત્ર શાં ? ભૂતલશય્યા તરુતલવાસઃ કસ્ય સુખં ન કરોતિ વિરાગ:’ આટલું બોલે છે તેની સાથે પલંગનો પથરો થઈ ગયો અને બેના શરીર પર વસ્ત્રોની કન્થાઓ થઈ ને સ્વપ્ન પૂરું થયું.’ કેશવલાલ કામદાર એક બીજી ઘટના સાથે આ દૃશ્યનો સમ્બન્ધ જોતા નથી તેની વાત આપણે કરીએ. આ સ્વપ્ન લખાયું ૧૯૦૦માં. આપણે યાદ રાખવું જોઈએ કે હજુ ગાંધીજી ભારતમાં આવ્યા નથી, વર્ષો પછી આવે છે ત્યારે કોંગેસની એક બેઠકમાં ગોપાળકૃષ્ણ ગોખલે મળે છે અને તેઓ ગાંધીજીને નેતાઓના દંભની વાતો કહીને ગાંધીજીને ભારતદર્શન માટે મોકલે છે, એ વખતે ગાંધીજી પેલી સ્ત્રીને મળે છે, જેની પાસે બદલવા માટે બીજું વસ્ત્ર નથી. ગાંધીજી એ પળે નક્કી કરે છે કે તો પછી મને આટલાં બધાં વસ્ત્ર, પાઘડી પહેરવાનો કયો હક? સરસ્વતીચંદ્રને સ્વપ્ન આવ્યું અને ગાંધીજીએ એને ચરિતાર્થ કરી બતાવ્યું. સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય સફળ થયું. અહીં કલ્પના અને વાસ્તવના છેડાઓ એકબીજામાં ભળી જતા લાગશે. પણ ‘સરસ્વતીચંદ્ર’ના લેખનપ્રકાશન વખતે સમગ્ર ભારતીય પ્રજાની ચેતનામાં આવું એક વલણ સાકાર થઈ રહ્યું હતું. વ્યક્તિ વ્યક્તિ મટીને સમાજના એક અંશ – જવાબદાર અંશ – તરીકે પોતાને જોતો થયો હતો, અને સમાજ વિના પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી આની એક દૃઢ પ્રતીતિ પણ થઈ ચૂકી હતી. સ્વામી વિવેકાનન્દે પણ પોતાના ભારતદેશને રખડીરખડીને ઓળખવાનો પ્રયત્ન કર્યો, કલ્પિત સરસ્વતીચંદ્રને આવેલા સ્વપ્નનું મૂર્તીકરણ વીસેક વરસ પછી ગાંધીજી પોતાના જીવનમાં કરી બતાવે છે. એ રીતે ગોવર્ધનરામ ત્રિપાઠીએ અને ગાંધીજીએ સમગ્ર ભારતીય પ્રજાની ગૂઢતમ લાગણીઓને વાચા આપી હતી. હજુ આજે પણ સાહિત્યના ઇતિહાસોમાં પ્રજાના ઇતિહાસોને ધ્યાનમાં રખાતા નથી, આ દુઃખદ પરિસ્થિતિ દૂર થવી જોઈએ. કોઈ પણ ભાષાના સાહિત્યવિવેચન પાસે અપેક્ષા રાખવામાં આવે છે (અને એ અપેક્ષા રાખવી જોઈએ) કે તેમાં જે તે ભાષાના સાહિત્યસન્દર્ભે પ્રશ્નોની માંડણી થવી જોઈએ. એમ કરવા જતાં ક્યારેક સાહિત્યવિવેચન અને સાહિત્યના ઇતિહાસ વચ્ચેનું અન્તર કેટલેક અંશે ઓછું થાય. આવી કામગીરી રામનારાયણ પાઠકે બજાવી. ૧૯૩૫-૬માં ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’ શીર્ષક હેઠળ સમગ્ર ગુજરાતી કાવ્યસાહિત્યની ચર્ચા કરી. એ ચર્ચા રોમન ઇન્ગાર્ડનની અનેકથરી સાહિત્યરચનાની નજીક જઈ પહોંચે છે. જ્યારે જ્યારે તેઓ ગુજરાતી કવિતાની વાત કરે છે ત્યારે ત્યારે બધા કાવ્યપ્રકારોને પણ સામે રાખે છે. ગુજરાતી વિવેચને સૌન્દર્યશાસ્ત્ર સાથે ઝાઝો સમ્બન્ધ કેળવ્યો નથી. ‘વીસમી સદી’ આગલા સ્તબકમાં જાય છે. પરન્તુ એની પરમ્પરાને વિસ્તારનાર ‘કુમાર’ આ સ્તબકમાં આવે. ‘વીસમી સદી’ની પ્રતિકૃતિ જેવા ‘સુવર્ણમાલા’ પણ આ સ્તબકમાં આવે. આવાં સામયિકો હોવા છતાં સૌન્દર્યશાસ્ત્ર પ્રત્યેની ઉપેક્ષા વિશે ફરિયાદ કરવી પડે છે. અહીં માર્કંડ ભટ્ટનું પુસ્તક ‘રૂપપ્રદ કલા’ તરત યાદ આવે. જોકે એમાં પશ્ચિમના સાહિત્યવિવેચન વિશેનાં પ્રકરણો પણ છે. ૧૯૫૦ સુધીના સાહિત્યવિવેચકોમાં જુદી જુદી કળાઓ સાથે સૌથી વધારે સમ્બન્ધ રાખ્યો હોય તો તે રામનારાયણ પાઠકે. માત્ર લલિત કળાઓ જ નહીં પણ ભવાઈ, રાસ, ગરબા, લોકકળા જેવાં ક્ષેત્રોને પણ તેમણે આવરી લીધા હતા. આ પરંપરા આજે પણ ટકાવી રાખવી જોઈએ.

‘વાત આપણા વિવેચનની’ (ઉત્તરાર્ધ) પૃ.૬૧ થી ૭૦