સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ/નવલરામ પંડ્યાની વિવેચના
(૭) નવલરામ પંડ્યાની વિવેચના
સુધારકયુગમાં કાવ્યચર્ચાનો આરમ્ભ ભલે નવલરામ પંડ્યાથી ન થયો તેમ છતાં એમને આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના પહેલા વિવેચક તરીકે ગણાવી શકીએ, ‘શાળાપત્ર’ના નિમિત્તે તેમણે ગુજરાતીમાં લખાયેલા ગ્રન્થોની વિવેચના કરી, તે સમયની ઐતિહાસિકતા આગળ ધરીને તેમની વિવેચનાનો કોઈ બચાવ કરવા જાય તો તે અર્થહીન પુરવાર થાય કારણ કે આ વિવેચનાનું માત્ર ઐતિહાસિક મૂલ્ય નથી, એનું સાહિત્યિક મૂલ્ય અનેક રીતે છે. તેમણે વિવેચનાનો આરમ્ભ કર્યો ૧૮૬૭માં અને પૂરા બે દાયકા સુધી આ પ્રવૃત્તિ ચાલુ રાખી, નવલરામ પંડ્યા પોતાની પાછળ મૂકી ગયેલા, એ દ્રવ્યમાંથી એમના સર્જન-વિવેચનના પ્રકાશન માટે મિત્ર/આશ્રિત હરિલાલ વલ્લભરામ, પુત્ર ધીમત ઘણાબધા સાહિત્યકારોની સહાય માટે રખડ્યા પરંતુ કૃતઘ્ન સમાજમાંથી કોઈ આગળ ન આવ્યું. છેવટે ખૂબ જ સંકોચપૂર્વક ગોવર્ધનરામ ત્રિપાઠી પાસે તેઓ આવ્યા. સાવ નકામાં પુસ્તકો પાછળ નિરાંતે લેખિની ચલાવનારા નવલરામ પંડ્યાએ ‘સરસ્વતીચંદ્ર’ વિશે એક પરિચ્છેદ લખીને વાત આટોપી લીધી હતી. પરિસ્થિતિ આમ હોવા છતાં ગોવર્ધનરામ ત્રિપાઠી સાચા મનીષી, એટલે તેમણે સાચા માણસની રૂએ હા પાડી, કારણ કે તેમને દહેશત હતી - જો હું પણ ના પાડીશ તો ‘ગુજરાતી સાક્ષર વર્ગને શિર મ્હોટો કૃતઘ્નતા દોષ આરોપાત.’ અને તેમણે મહાનવલ લખતાં લખતાં નવલગ્રંથાવલિ ભાગ ૧થી ૪ માટે સમય કાઢ્યો અને તેનું પ્રકાશન ૧૮૯૧માં થયું; જો આ કરવા જેવું કાર્ય ન થયું હોત તો ઉમાશંકર જોશીએ જેવી રીતે ‘ક્લાન્ત કવિ’ના સન્દર્ભે શીર્ષક માંડેલું ‘અડધી સદીનો દેશવટો’— તેવી રીતે ફરી કોઈને એવું જ કશું શીર્ષક માંડવું પડત. આજે આપણી સામે જે વાચના છે તે તો સંપાદિત કરેલા લેખોની વાચના છે, કાકાસાહેબ કાલેલકરના કહેવાથી નરહરિ પરીખે ૧૯૩૭માં આ ગ્રન્થ પ્રગટ કર્યો હતો. મૂળ ગ્રન્થ શોધવાના અથાક્ પ્રયત્નો છતાં એનો માત્ર બીજો ભાગ જ હાથવગો થઈ શક્યો છે. આશા રાખીએ કે આ ચારે ચાર ભાગ ફરી આપણને જોવા મળે. આ ચાર ભાગ એટલે : ૧. નાટકો, કાવ્યો, વાર્તાઓ વગેરે અસલ લેખ અને ભાષાન્તર ૨. ગ્રંન્થો, ગ્રંથકારો અને સાક્ષરચર્ચા 3. શાળોપયોગી લખાણો ૪. સામાન્ય જ્ઞાનના વિષયો આ સમયે સ્વાભાવિક રીતે જ સાહિત્યસિદ્ધાન્ત માટે અનુકૂળ વાતાવરણ ન હતું. કવિ નર્મદ, નવલરામ પંડ્યાનાં અંગ્રેજી લખાણો સાથે ગુજરાતી લખાણો સરખાવીશું તો ખ્યાલ આવશે કે ગદ્યવિકાસ માટે ઘણો પુરુષાર્થ કરવો પડે એમ હતું. પરિભાષાનું કશું ઠેકાણું ન હતું. મુદ્રિત સાહિત્ય જ નહીં, બીજું ઘણું ઘણું જોઈને બધા બાવરા બાવરા થઈ ગયા હતા. આવા સમયે નવલરામ પંડ્યા જેવા વિવેચક કેવાં પુસ્તકોની પસંદગી વિવેચન માટે કરે છે, અનુવાદ/રૂપાન્તર માટે કેવા ગ્રંન્થો સામે રાખે છે, સમીક્ષા નિમિત્તે જે સૈદ્ધાન્તિક પ્રશ્નો ઉપસ્થિત કરે છે તેની પ્રસ્તુતતા આજે કેટલી છે અને તેમની આ વિચારણાનો આધુનિક ગુજરાતી ભાષામાં અનુવાદ કરીએ તો આપણા સન્દર્ભને કેવી રીતે સમાન્તરે છે, તેને છેદે છે, પુષ્ટ કરે છે વગેરે પ્રશ્નો પણ મનમાં થાય. સુધારકયુગમાં અર્વાચીનતાનો આરમ્ભ થયો, એ સમયે, એટલે કે ૧૮૫૦ પૂર્વે મુદ્રણયન્ત્ર, અંગ્રેજી શિક્ષણ, પત્રકારત્વ, વિવિધ સંસ્થાઓની સ્થાપના થઈ ચૂકી હતી. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં તો ગુજરાતી ભાષાનું સાહિત્યિક પત્રકારત્વ વિકસી રહ્યું હતું. મધ્યકાલીન સાહિત્ય વિશે અભ્યાસ-સંશોધન પ્રમાણમાં ઓછાં હતાં તેમ છતાં નર્મદે કેટલાક મધ્યકાલીન કવિઓ ઉપર નિબન્ધો લખ્યા હતા; એટલું જ નહિ, ભારતીય મહાકાવ્યો અને ગ્રીક મહાકાવ્ય ‘ઇલિયડ’ વિશે પણ લેખો કર્યા હતા. દલપતરામે ગ્રીક કૉમેડી ‘પ્લુટસ’ના આધારે ‘લક્ષ્મી’ નાટક; નવલરામ પંડ્યાએ મોલિયેરના નાટક પરથી ‘ભટનું ભોપાળું’ રૂપાન્તરિત કર્યાં હતાં. એ ઉપરાન્ત તેમણે તો ‘મેઘદૂત’નો અનુવાદ કરીને પંડિતયુગની આછીપાતળી ભૂમિકા રચી હતી. શાસ્ત્રીય પરિપાટી વિના ગુજરાતી સાહિત્યકાર કાવ્યના તુલનાત્મક અધ્યયનની કાચીપાકી પીઠિકા તૈયાર કરી રહ્યો હતો. ગોવર્ધનરામ ત્રિપાઠીએ સંપાદિત કરેલી ‘નવલગ્રંથાવલિ’ના બીજા ભાગમાં ‘ગ્રંથો, ગ્રંથકારો, અને સાક્ષરચર્ચા’ વિશેના લેખો છે. એમાં સૌથી વધારે લેખ નાટકને લગતા છે, ત્યાર પછીના ક્રમે કવિતા અને અનુવાદ વિશેના નિબંધો છે. સુધારકયુગના આ વિવેચકની કાવ્યરુચિ પ્રશિષ્ટ કૃતિઓથી ઘડાઈ છે, માત્ર ગુજરાતી સાહિત્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તેઓ એ સીમાઓને ઉલ્લંઘે છે; આ ઉલ્લંઘન તેમની વિચારણાને બળવાન બનાવે છે. નવલરામ પંડયાના આ ગુણવિશેષ પર સંપાદક ગોવર્ધનરામ ત્રિપાઠીનું ધ્યાન ન જાય તો જ અચરજ, તેમણે તો ‘નવલરામનું જીવનવૃત્તાંત’ ગ્રંથ પણ લખ્યો છે અને તેને અંતે દુરારાધ્ય બની બેસે એવા વાચકને સંબોધે છે : ‘વાંચનાર, જો તું મ્હોટાં, માણસનાં જીવન સાંભળતાં જ તૃપ્ત થતો હોય તો સરત રાખજે કે મ્હોટાને માથે પણ મ્હોટા છે અને ન્હાના હોય તે પોતાનાથી વધારે ન્હાના આગળ તો મ્હોટા છે; આટલો મોટો સૂર્ય પણ જ્યારે આકાશમાં એક બિન્દુ જેવો છે, ત્યારે બિન્દુ જેવા આપણા ઘરના દીવા રાત્રે શા ખોટા?
મ્હોટાં ન્હાનાં વધુ મ્હોટામાં, તો ન્હાનાં પણ મ્હોટાં;
વ્યોમદીપ રવિ નભબિન્દુ, તો ઘરદીવડાં નહીં ખોટાં.’
તો ગૃહદીપક એવા નવલરામ પંડ્યા ઘણી ગ્રંથપરીક્ષામાં દુરારાધ્ય ભાસે છે. સમાધાન કરવાની વાત પ્રવેશતી નથી. છવીસ વર્ષની વયે લાયબલ કેસ પર કવિતા રચીને સ્પર્ધામાં ભાગ લીધો અને અડધું ઇનામ સ્વીકારવાની ના પાડી દીધી, ઇનામોના અસ્વીકાર કરનારાઓમાં તેઓ અગ્રણી હશે. પોતાના સ્થાન વિશે, પોતાના વિચારજગતની સત્યતા વિશે તેઓ સ્પષ્ટ હતા. એટલે જ અર્વાચીન ગુજરાતી કવિતાના નવા પરોઢ વિશે અને પોતાના વિશે સ્પષ્ટ શક્યા :
‘I am very ambitious to have the merit of being the critic who first perceived its existence and beauties.'
જીવનમાં અને સાહિત્યમાં ટેકીલાપણાને અણનમ રાખનાર, કોઈને આત્મશ્લાઘા લાગે તો ભલે, તેઓ પોતાના વિશે સ્પષ્ટ હતા :
ઊંચો ટેકી નવલ ભલો નીચો કદાપિ ન થાય,
ઈશ્વર નીતિ ને ધર્મની નથિ ઊંફ પણ નહીં ગભરાય.
લેખક તરીકે નવલરામ પંડ્યા કયા ગુણોથી ગોવર્ધનરામ ત્રિપાઠી અંજાયા? ‘અભ્યાસ, અવલોકન અને અનુભવ એ ગ્રંથકાર થનારનું તેલ છે. અને તે વિના એકલી વધવા ઇચ્છતી બુદ્ધિ દીવાશળીની પેઠે સળગી તરત હોલાય છે. ગુજરાતમાં કવિઓ, વર્તમાનપત્ર લેખકો અને બીજા ગ્રંથકારો તીડનાં ટોળાં પેઠે ઉભરાય છે અને થોડીક વારમાં સ્વતઃ શાંત થઈ જાય છે.’ આ તીડિયાં ટોળાંની વાત વિસ્તરતી વિસ્તરતી બ.ક.ઠાકોર સુધી લગભગ એકસરખી ભાષામાં ચાલુ રહે છે. નવલરામ પંડ્યા સંસ્કૃત અલંકારશાસ્ત્રમાંથી થોડેઘણે અંશે તો પસાર થયા હોવા જોઈએ, એટલે જ પદમૈત્રી, શય્યા, પાક વગેરે વિભાવનાઓ દ્વારા જૈવિક સંવાદિતાની જે વાત કરવામાં આવી હતી તેનાથી તેઓ પરિચિત છે અને એટલે જ પરિભાષાનો ઉપયોગ કર્યા વિના રૂપરચનાની વાત આટલી બધી સ્પષ્ટ રીતે કરી શક્યા છે : ‘વાક્યના બોલેબોલ પ્રયોજનવાળા, - તેમાંથી એક પણ કાઢી નાખીએ અથવા બદલીએ તો અર્થના ચિત્રનું અંગ ખંડિત થાય, તે શબ્દના ક્રમમાં ફેરફાર કરીએ તો રસમાં ઘટાડો થાય, - ઝડઝમકનાં ભૂષણ ધરેલા તથાપિ તે અંગના જ અવયવ હોય એમ જણાય, નિરર્થક વિસ્તાર નહીં કીધેલો પણ ચતુરને માત્ર ચેતવણી હોય, સંક્ષેપમાં લખેલું પણ વિદ્વાનને એક શબ્દ પણ ઉમેરવો ન ગમે, જેમાં પિંગળશાસ્ત્રનો પણ એકે નિયમ ખસેલો નહીં – એવી અર્થગૌરવ અને વ્યંજનાયુક્ત કવિતા આપણી ભાષામાં નથી જ. એ ખૂબી તો સંસ્કૃત અને અંગ્રેજી કાવ્યમાં જ રહેલી છે.’ (૧૩૩, પરીખ) સ્પષ્ટ છે કે આપણા વિવેચકની સામે સુધારકયુગની કવિતા છે. જેમની કાવ્યરુચિ સંસ્કૃત અને અંગ્રેજી ભાષાની ભાષાની ઉત્તમ રચનાઓથી કેળવાયેલી હોય તેમને સુધારકયુગની કવિતા નબળી જ લાગે. અહીં બિનજરૂરી રીતે ઘરદીવડાઓની પ્રશંસા થતી નથી. એટલે જ અવારનવાર કેળવાયેલી રુચિ ઉપર ભાર આપવામાં આવે છે. જૈવિક સંવાદિતાની, રૂપરચનાની આ વાત શબ્દાન્તરે પ્રાચીન, અર્વાચીન કે આધુનિક વિવેચનામાં અનેક સ્થળે કહેવાયેલી છે. કૃતિ અખંડ લાગવી જોઈએ એવો આનો ધ્વનિ છે અને એનો અભાવ ‘કરણ ઘેલો’ને વણસાડે છે. રસભંગ થવાના કારણ તરીકે કહે છે : ‘કરણ રાજા સિવાય ઘણું કરીને સઘળા ગુણચિત્રોના છૂટા છૂટા અંગને શણગારવાને જેટલો શ્રમ લીધો છે તેટલો તે એકમેકને અનુકૂળ કરવામાં લીધો નથી.’ (૭) કાવ્યત્વનો આવો ઊંચો આદર્શ રાખનાર સામે જ્યારે કવિ નર્મદની કવિતા આવે છે ત્યારે શું થાય છે? તેઓ આપણને માત્ર નિરાશ જ કરતા નથી પણ ભારે આઘાત આપે છે. ‘પ્રેમાનંદ સુધ્ધાં સઘળા ગુજરાતી કવિઓ કરતાં નર્મકાવ્ય ઘણી ઊંચી જાતનું છે, અને અગર જો કે નિત્યના સહવાસથી નર્મદાશંકરના કવિત્વની ખૂબીનો પૂરેપૂરો ખ્યાલ આપણા મનમાં આવી શકતો નથી. તો પણ આવતા જમાનામાં એ કવીશ્વર હમણાં કરતાં ઘણું જ વધારે માન પામશે.’ (પરીખ, ૧૩૩) આમાંથી એક વાત સ્પષ્ટ થઈ કે સામાન્ય રીતે સમકાલીનો વિશે આપણે નિકટ હોવાના કારણે કે બીજા કોઈ કારણે તટસ્થતાથી નિર્ણય કરી શકતા નથી. કાં તો અતિપ્રશંસા કાં તો ઉપેક્ષા નજરે પડે છે. એટલે જ ઉમાશંકર જોશીએ કહ્યું હતું કે વિવેચકની કસોટી સમકાલીનોનું મૂલ્યાંકન કરવામાં છે. જોકે અહીં વિવેકભાન ચૂકી જવાયું છે. આટલું ઓછું હોય તેમ નવલરામ પંડ્યા બંને કવિઓના શૃંગારની તુલના કરતાં જણાવે છે, ‘નર્મદાશંકર કરતાં એનો શૃંગાર ઓછો એમ કહેવાની ફરજ પડે છે. વળી પ્રેમાનંદના શૃંગારથી ચિત્ર પડે છે, પણ નર્મશૃંગારમાં ઘણી ઊંચી જાતનાં, અને પૂર્ણ ચિત્ર છે.’ (૧૩૨) આગળ જોઈ ગયા તે પ્રમાણે સૌથી વધુ લેખ નાટક વિશે છે, એ સમય તો સાવ સામાન્ય કક્ષાનાં નાટકોનો હતો, એટલે વાંચેલાં નાટકોને આધારે, અન્ય ઉત્તમ સાહિત્યકૃતિઓના વાચનને આધારે કેટલાંક તારણો પર વિવેચક જઈ પહોંચે છે. નાટક વિશે જે કંઈ વિવેચન થયું છે એની સમાન્તરે આ તારણો જોવા મળે એ આનન્દ-આશ્ચર્યની જ વાર્તા ગણાય ને! નવલરામ પંડ્યા નાટકને, અને વ્યાપક રીતે સાહિત્ય માત્રને, ‘રસમય, ને રસોદેશી’ જોવા માગે છે. આ રીતે જોઈએ તો સાહિત્યના મૂલ્યાંકન પાછળ સાહિત્ય સિવાયનો બીજો કોઈ માનદંડ હોઈ જ ન શકે એ વાત ગુજરાતી વિવેચનમાં કેટલી જૂની સાબીત થાય છે! વળી નબળાં નાટક માટે જો કોઈ દોષી હોય તો તે ‘નઠારો લોકમત’ છે. આ લોકમત આજની તારીખે પણ બદલાયો હોય એમ લાગતું નથી અને એક સારી કૃતિ બીજી નવ્વાણુ ખરાબ કૃતિને બાજુ પર મૂકે છે એવી જાણીતી ઉક્તિ નવલરામ પંડ્યામાં જુદી રીતે આવે છે, ‘નઠારા નાટકને કાઢવાનો ઉપાય એ જ છે કે સારાં નાટકને ઓળખી તેને ઉત્તેજન આપવું. અને તેના જે દોષ હોય તે વિવેકથી બતાવવા. (૪૫) આજે આપણે ત્યાં ભજવાતાં નાટકોની તટસ્થ સમીક્ષાઓ થતી નથી એ સમયે નવલરામ પંડ્યા ‘ગોપીચંદ’ નાટકને નિમિત્તે ખૂબ જ આકરી ટીકા કરે છે. નાટકની રૂઢિઓ કેવી રીતે ઊભી થાય છે તેની સૂઝ એમનામાં છે. મરાઠી નાટ્યપરમ્પરાનાં કેટલાંક દૂષણ પાછળ આવાં કારણ હતાં. ‘અજ્ઞાન અને આળસુ પાત્રોથી પાઠ તૈયાર થઈ શકે નહિ એમ ધારી કેટલીક રૂઢિઓ દાખલ થઈ હતી.’ મણિલાલ દ્વિવેદીના ‘કાન્તા’ નિમિત્તે થયેલી નાટ્યવિષયક ચર્ચા મહત્ત્વની છે. ‘રસ, પાત્ર-ભેદ, અને વસ્તુસંકલના એ જે ત્રણ વાના નાટકાદિની ગ્રંથિમાં અવશ્યનાં છે તે પ્રત્યેકની રચનામાં મુશ્કેલીઓ પણ એ જ અનુક્રમે ઉત્તરોત્તર વધતી છે.’ (૨૪) ‘વસ્તુને સાંકળવી એ કામ સૌથી અઘરું છે. એમાં ઘણા વિવેકનો ખપ પડે છે. અને તેથી તે ઘણો અનુભવ થયા વિના કદી પણ બરાબર થઈ શકતું નથી. સ્વાભાવિક બુદ્ધિ સારી હોય તો પ્રથમ પ્રયત્ને જ રસ ને પાત્ર ભેદના કામમાં કોઈ ફતેહ પામે ખરો, પણ શિખાઉને હાથે વસ્તુસંકલના નિર્દોષ ઊતરવી એ અશક્ય નહીં તો અત્યંત દુર્લભ છે. મહાકવિઓનાં પણ ઉત્તમ સંકલિત કાવ્યો તેમની મધ્ય કે ઉત્તરાવસ્થામાં જ બનેલાં છે. રસગ્રંથિનો સ્વાભાવિક ક્રમ આ પ્રમાણે જણાય છે : પ્રથમ પ્રસંગોપાત્ત છુટક પદો, પછીથી નાની વાર્તાઓ, અને એ પ્રમાણે કેટલાંક વર્ષ સુધી કાવ્યકળા ખેડાઈ રહે ત્યારે જ મહાકાવ્ય કે નાટક.’ (૨૬) ગુજરાતીમાં ઉમાશંકર જોશી અને અંગ્રેજીમાં ટી.એસ.એલિયટનાં દૃષ્ટાન્ત જાણીતાં છે. નવલરામ પંડ્યાએ ભરતનું નાટ્યશાસ્ત્ર વાંચ્યું ન હતું. એ તો વીસમી સદીમાં પ્રગટ થયું હતું. પરન્તુ નાટકની ક્રીડનક તરીકેની વિભાવના કે ‘પાંચમો વેદ’ તરીકેની વિભાવના જેવું તો કશુંક તેમની પાસે હોવું જોઈએ, એટલે જ તેઓ નાટકશાળાને ‘સુધારાની નિશાની’ ગણે છે. ‘આખો જનસમૂહ, જ્ઞાન, વિચાર, તથા મનોવૃત્તિમાં કેવો છે તેની ખરેખરી આરસી તો નાટકશાળા જ છે, ... માટે જે દેશનાં નાટકો સુઘડ, સુરસ ને સૂક્ષ્મ વિચાર કરવાની સ્થિતિએ પહોંચેલાં છે...’(૪૨) અન્યત્ર ‘કજોડાદુઃખદર્શક’ નાટક નિમિત્તે કહેવાયું છે : ‘પોતાની જેમાં બુદ્ધિ ચાલે છે તેને વળગી રહી નાટક જેવી કાવ્યકળાની સર્વોપરી વાતમાં હાથ ઘાલી નકામા હાંસીપાત્ર થવું નહીં.’ નાટકને ‘કાવ્યકળાની સર્વોપરી વાત’ માનીને નવલરામ પંડ્યા સામાન્ય લેખકોને દૂર રહેવાની સલાહ આપે છે. ‘નાટકનો વિષય એવો છે કે જેમાં વિચક્ષણ વિદ્વાનો પણ ફતેહ પામે તો તેમનાં ભાગ્ય સમજવાં.’ (૪૭) એટલે પછી આવા ઉત્સાહી સર્જકોને મિથ્યા પ્રોત્સાહન આપવાને બદલે સ્પષ્ટ કહી શકે છે, ‘નાટકફાટક લખવાનું ચેટક’ ત્યજી દેવું. (૪૨) અહીં નીતિમત્તાનું એક ભયસ્થાન રહેલું છે અને એની જાણ છેક સુધારકયુગના નવલરામ પંડ્યાને છે! સ્પષ્ટતા કરવામાં આવે છે : ‘અમારો હેતુ એમ નથી કે નાટકો બોધપ્રધાન હોવાં જોઈએ... અમારા વિચારમાં તો બોધ કરવો એ વાત જ તે ભૂલી જાય તો સૌથી સારું... બોધ ઉપર જ નજર નાખનારાં નાટકો તો નકામાં ટાયલાં જ સમજવાં. રસ, જે કાવ્યનાટકોનું લક્ષણ, તે જેને છોડ્યું, તે કાવ્યનાટકે તો પોતાનો સ્વધર્મ જ છોડ્યો...’ નાટકમાં આવા સ્પષ્ટ બોધને તો ટાહ્યલાં કહેવામાં આવ્યો છે, અને આવી ‘પથરાબોધક’ ‘રાખબોધક’ સામગ્રી પીરસતી નાટકમંડળીઓને ભિખારીઓનાં ટોળાં સાથે સરખાવી છે. નાટ્યવિચારને નિમિત્તે નવલરામ પંડ્યા સાચીખોટી રચનાઓ વિશે સ્પષ્ટ લોકમત કેળવવા પર ભાર મૂકે છે, વર્તમાનપત્રો જાહેર ચર્ચા કરે અને ‘ખાનગી ગૃહસ્થોએ પોતાના મિત્રમંડળમાં નાટક કેવી રીતે ભજવાયેલું તેની ચર્ચા’ કરવી. કારણ કે આપણા વિવેચકની દૃષ્ટિએ તો ‘નાટકટોળીઓ કરતાં નઠારા લોકમતને’ જ આ માટે જવાબદાર લેખવો જોઈએ. એક બીજી દૃષ્ટિએ પણ નવલરામ પંડ્યાની આ ભૂમિકા સમજવી જોઈએ. આ સમયે અર્વાચીન ગુજરાતી સાહિત્ય પાંગરી રહ્યું હતું, આ અપરિપક્વ કાળમાં સર્જકો પ્રત્યે કેવું વલણ દાખવવું? નબળી, અપરિપક્વ રચનાઓને ઉદાર બનીને ચલાવી લેવી જોઈએ કે નીરક્ષીર દ્વારા બધું સ્પષ્ટ કરી બતાવવું? આજે સવાસો વર્ષ પછી શી હાલત છે? કેવી નબળી રચનાઓ સંપાદકો પ્રગટ કરે છે અને એની કેવી કેવી વાહ વાહ થાય છે, એવા કાચા લહિયાઓને કેવાં માનપાન મળે છે! આવી પરિસ્થિતિનો ઉપાય નવલરામ પંડ્યા કહે છે એ પ્રમાણે ‘તેનું વિવેચન, નિરંતર વિવેચન, ખરા રસજ્ઞ પુરુષોની તરફથી થવું જોઈએ.’ (૪૫) સામાન્ય રીતે આવા સંજોગોમાં જો થોડો ઉદાર દૃષ્ટિકોણ આ વિવેચકે રાખ્યો હોત તો એમને આપણે ચલાવી લેત. પરન્તુ અર્વાચીન સાહિત્યના આરમ્ભકાળે જ નબળી રચનાઓને મહત્ત્વ ન જ મળવું જોઈએ, નહીંતર એવી રચનાઓના રાફડા ફાટી નીકળે. એટલે જ પાછળથી બ. ક. ઠાકોર અત્યન્ત ભાવુક બનીને ગુજરાતી સર્જકોને પોતાની કૃતિઓ વિશ્વસાહિત્યના ધોરણે મૂલવવા જણાવે છે. વાસ્તવમાં તો જેમ સમય ગતિ કરતો જાય તેમ મૂલ્યાંકનનાં આપણાં ધોરણો વધુ ને વધુ આકરાં, ઊંચાં થવાં જોઈએ. એ સમયે નાટકના સ્વરૂપ, પ્રકાર વિશેની સ્પષ્ટતા થાય એ પણ મોટી વાત ગણાવી જોઈએ : ‘નાટક બે પ્રકારનાં કહેવાય છે: વાંચવાનાં અને ભજવી બતાવવાનાં. એમાં ભજવી બતાવવાનાં તે જ નાટક ખરાં... વાંચવાનાં નાટક તો ફક્ત બીજાં પુસ્તક જેવાં છે અને તેની અસર ટૂંકી હદમાં જ રોકાઈ રહે છે. ’(૪૬) એ જ રીતે દૃશ્યકાવ્ય અને શ્રાવ્યકાવ્યના ભેદ પાડીને નાટકને માત્ર શ્રાવ્યકાવ્ય બનતું અટકાવવું જોઈએ. આધુનિક નાટ્યવિવેચન પણ લગભગ આવો જ અભિપ્રાય ધરાવે છે અને તેમ છતાં દુનિયાભરનાં ઉત્તમ નાટકોની ભજવણી જોઈ ન શકનાર મોટા ભાગના ભાવકો નાટકો વાંચી લે છે. તેમને રસાનુભૂતિ થતી નથી એમ કહેવું વધારે પડતું નથી? ઍરિસ્ટોટલ જેવાએ પણ કહ્યું હતું કે નાટકની ભજવણી એવી રીતે થવી જોઈએ કે અન્ધ પ્રેક્ષક પણ નાટક માણી શકે. એટલે દૃશ્યતાની સમાન્તરે શ્રાવ્યતાનું ગૌરવ કરવામાં આવ્યું હતું. આ વિવેચક નાટકને ઉત્તમ સાહિત્યપ્રકાર લેખે છે તેની પાછળ નાટકની પ્રકૃતિ છે. ‘નાટક કાવ્યોમાં એથી જુદા જ–બહુ ઊંચી જાતના - કવિત્વનો ખપ પડે છે. એમાં ફક્ત પોતાના અંતરમાં અનુભવેલા રસનું વર્ણન કરવું એ બસ નથી. અથવા વખતે કાંઈ જ કામનું નથી. એમાં તો ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા બીજાને ભિન્ન ભિન્ન પ્રસંગો કેવા લાગે છે તેનું વર્ણન કરવાનું છે... ભાતભાતના મનુષ્યોના મનમાં કેવી કેવી વિવિધ ઊર્મિઓ ઊઠે છે, તેનું એવી રીતે વર્ણન કરવું કે જાણે તેના હૃદયમાં જ પેસીને જોઈ આવ્યો હોય એ નાટ્ય કે વાર્તિક કવિનું કામ છે.’ (૨૫) સામાન્ય રીતે ગુજરાતી વિવેચકની દૃષ્ટિ પશ્ચિમ તરફ વધારે ઢળેલી રહેતી હોવાને કારણે વાલેરી, રિલ્કેને ટાંકીને આપણે પરચિત્તપ્રવેશની વાત કરીશું પણ ત્યાં નવલરામ પંડયાને યાદ નહિ કરીએ. નવલરામ પંડ્યા વિવેચકના ધર્મ વિશે સભાન છે. બિનજરૂરી ઉદારતા દાખવવામાં તે માનતા નહીં, ‘જે સમયે કોઈ લખતું નહોતું ત્યારે જેવી રહેમિયત રાખતા હતા તેવી હવે રાખવાની જરૂર નથી. એવી રહેમિયત રાખવાથી સારું ને નઠારું લખાણ અંધેરીની નગરીની પેઠે એક જ ભાવે વેચાય છે.’ મૂળમાં તો આવાં ગુણહીન લખાણોને કારણે ‘લોકો વર્તમાન વિવેચનની ભાષામાં – જેને ઉમાશંકર જોશીએ ‘થાબડભાણા શૈલી’, ‘મગમરી શૈલી’ કહી હતી – સન્દિગ્ધ ભાષામાં ઘણું લખાય છે પણ ‘સારા કે નઠારા ગ્રંથની ટેવ પડી ગઈ તે કાઢી નાખવી જોઈએ, અને એમ ‘બારે રાશિકા ભલા’ કહેવાને બદલે ગ્રંથ સારો હોય તો ખખડાવીને કહેવું કે સારો છે, અને નઠારો હોય તો શરમ રાખ્યા વિના બેલાશક થોડા ચાબખા લગાવવા.’(૫૫) નવલરામ પંડ્યા દુરારાધ્ય હતા, પોતે પણ કબૂલતા, ‘આવા (પ્રશંસાના) બોલ અમારા મુખમાંથી ગ્રંથવિવેચન વેળા નીકળવા સાધારણ નથી. કાવ્યપરીક્ષામાં તો અમારું માપ ઊંચું જ રહે છે... કવિતા એવો ઊંચો વિષય છે કે તેમાં નાદાન છોકરાં કલકલાણ કરવા આવે તો તેને ધમકાવી કાઢવાં એ જ ઉત્તમ માર્ગ છે. કવિતા કરવી એ સાક્ષરતાની પરિસીમા છે, પણ હાલ તો કાંઈ ન આવડે તે પણ કવિતા કરવાને તો હું લાયક છું એમ પોતાના મનથી સમજે છે. અંગ્રેજી, સંસ્કૃત, વ્રજ કે પોતાની જ ભાષા બરાબર ભણતા નથી એવા નાદાનો નિશાળ છોડી કવિ થવા જ દોડે છે.’ (૫૪) આવા કવિબ્રુવોને કોઈ રીતે પ્રોત્સાહન મળવું ન જોઈએ. ભામહે એ સમયે વાસ્તવિકતાનો અનુવાદ કરતી કવિતાનો સ્વીકાર કર્યો ન હતો. નવલરામ પંડ્યાની વિવેચનાની પડછે જો બલવંતરાય ઠાકોરની કાવ્યવિચારણા મૂકીશું તો જણાશે કે આ ક્ષાત્રવિવેચકની ઓજસવંતી વાણી સુધારકયુગના આવા વારસાને આત્મસાત્ કરીને બેઠી છે. નવલરામ પંડ્યા તો સ્પષ્ટ રીતે કહેતા-લખતા કે ‘એક ચીંથરું’ થોડા દિવસ ઉપર આવ્યું છે, એમનો એક નિબંધ તો ખૂબ જ જાણીતો છે : ‘ઓથારિયો હડકવા.’ કોઈ નિમિત્ત ન હોય તો પણ તેઓ સમકાલીન નિર્બળ લેખકોની ટીકા કર્યા વિના રહી શકતા નથી. દા.ત. ‘રઘુવંશ’નો અનુવાદ શાસ્ત્રી રેવાધર ભટ્ટે કર્યો ત્યારે તેને આવકારતાં ઉમેરે છે કે ‘આજકાલ જ્યારે ‘નાનકડા’ કવિઓએ કવિતાને નામે પિંગળરહિત, રસશૂન્ય, અર્થ વિનાનાં, અશુદ્ધ ભાષામાં વાક્યો ચારે તરફ ફેંકી કવિનું નામ પૈસે શેર કરી મૂક્યું છે... ’(૫૧ ‘પરીખ’) પુસ્તકપરીક્ષા અંગે ગોવર્ધનરામ ત્રિપાઠી પાછળથી કહે છે : ‘પુસ્તક પરીક્ષકનું ખરેખરું કામ તો એ છે કે એક તો નવીન અપ્રસિદ્ધ ગ્રંથકારમાં યોગ્યતા હોય તો તે દર્શાવી આપી પ્રગટ કરી એ ગ્રંથકારનો હાથ ઝાલી સાક્ષરવર્ગ આગળ એને પ્રસિદ્ધ કરવો, અને બીજું પ્રતિષ્ઠિત ગ્રંથકારના ગુણનું પૃથક્કરણ કરી વાંચનારાઓ આગળ એ ગુણો પારદર્શક કરી મૂકવા.’ (‘નવલરામનું જીવનવૃત્તાંત’, ૪૩) નવલરામની ગ્રંથપરીક્ષા કરવાની પદ્ધતિ આવા તારણની દિશામાં લઈ જાય. અવારનવાર એટલા જ માટે લેખકોના કાન પકડવા નવલરામ પંડ્યા તો ખડે પગે તૈયાર જ રહેતા હતા. કોઈ ‘આપવડાઈના તડકા’ મારે તો તરત જ એને ચેતવતા કે ‘નવા જુવાન ગ્રંથકારમાં નમ્રતા જેવી શોભા આપનારી છે તેવું અહંપદ કે તડાકાભડાકા નથી જ.’ જો કોઈ કવિ કાવ્યના વેશમાં ભૂગોળ લખી કાઢે તો ‘આવી ચોપડીઓ નિશાળના કોઈ છોકરાને ખરીદ કરવા દેવી નહીં. ભૂગોળવિદ્યા શીખવવાનો ખરો રસ્તો નકશાથી છે, લંગડીલૂલી કવિતાના રાગડા ગોખાવવાથી નહીં.’ (૭૨) એક મનુષ્ય તરીકે પણ અભિમાન અનિવાર્ય છે તો કવિપક્ષે તો ગરિમા હોવી જ જોઈએ. નવલરામ પંડયા ક્રોધે ભરાય તો પણ ક્યારેક એમાં નર્મમર્મ ભળી જાય.- પ્રસ્તાવનાકાર જો કહે કે ‘એ કવિતા નીરદોષ છે’ તો તેઓ ‘નીરદોષ’ લઈને લખવા બેસે : ‘એ નીરદોષ હોય કે દૂધદોષ હોય એની અમને કાંઈ ફિકર નથી.’ તેમનો પુણ્યપ્રકોપ તો ઠલવાય છે કવિના શરણાગતિના ભાવ નિમિત્તે, ‘કવિએ મુખપૃષ્ઠ પર જ ભિખારીવેડા કર્યા હતા. ‘આ કાવ્યકર્તાને નામદાર તરફથી બક્ષિસ ખાતે રૂા. ૭) આપેલા, ત્યારબાદ ને અરજ કરવાથી રૂ.૫) પાછળથી આવ્યા છે...’ (૭૪) પાછળથી આવા સગવડિયા, સમાધાનકારી લેખકોની સુરેશ જોષીએ વારંવાર આકરી ટીકા કરી હતી. વિવેચકની એક કસોટી સમકાલીન સાહિત્યના મૂલ્યાંકનની છે. નવલરામ પંડ્યાને તો મોટે ભાગે આ જ કર્તવ્ય બજાવવાનું આવ્યું હતું. ગાંધીયુગમાં પ્રશિષ્ટ તરીકે નીવડી આવેલી કેટલીક રચનાઓને તેમણે કઈ રીતે જોઈ એ પણ વિચારવું જોઈએ. દા.ત. સાવ સામાન્ય કક્ષાની કૃતિઓની વિગતે ચર્ચા કરનારા નવલરામ પંડ્યા પાસે જ્યારે ‘સરસ્વતીચંદ્ર’ જેવી કૃતિ આવે છે ત્યારે તેમનો પ્રતિભાવ કેવો છે? ગણીને ચૌદ પંક્તિઓ આ પ્રશિષ્ટ કૃતિ માટે તેમણે ફાળવી છે, તેમાંય પાછી આઠ લીટી તો ગ્રંથાવલોકનના મહત્ત્વ વિશે. ‘એ નવલવાર્તા જેવી બુદ્ધિજન્ય તેવી જ પંડિતાઈભરેલી અને તેટલી જ રસમય છે. અંગ્રેજી ભાષામાં લખાયેલી નામીચી નોવેલો સાથે એનો મુકાબલો કરી શકાય એમ છે, અને એ ‘કરણ ઘેલો’ છે તે કરતાં પણ કેટલીક બાબતોમાં બહુ ચડિયાતી છે. અલબત્ત એમાં કેટલાક ગંભીર દોષો પણ છે.’ (૨૩) નવલરામ પંડ્યા ‘સરસ્વતીચંદ્ર’ની સામે ‘કરણ ઘેલો’ને મૂકી જુએ છે એમની મોટી મર્યાદા. વળી ‘ગંભીર દોષો’ જોવા માટે આપણે રમણભાઈ નીલકંઠ સુધી પ્રતીક્ષા કરવાની રહે છે. ભલે નવલરામ પંડ્યા પાસે આ નવલકથાનો પહેલો ભાગ જ હતો તો પણ આ ભાગમાં ઉત્તમના ઘણા અંશો હતા. ચારેચાર ભાગને ધ્યાનમાં રાખીને કહી શકીએ કે ગુજરાતી જ નહિ પણ ઉત્તમ ભારતીય નવલકથા તરીકે પણ પાછળથી તે સ્વીકૃતિ પામી હતી. ભાષા, દૃશ્યયોજના, સંકલના, ચરિત્રચિત્રણ -આ બાબતોમાં ગોવર્ધનરામ ત્રિપાઠી અસાધારણ જ પુરવાર થયા હોત. પ્રશ્ન એ છે કે ‘અંધેરી નગરી...’ પાછળ સાતઆઠ પૃષ્ઠ ખર્ચી શકાતાં હોય તો ‘સરસ્વતીચંદ્ર’ પ્રત્યે આવી ઉપેક્ષાનું કારણ શું? એવી જ રીતે ગુજરાતી કવિતાના ઇતિહાસમાં મહત્ત્વના સ્થિત્યન્તરરૂપ સાબિત થયેલી ‘ક્લાન્ત કવિ’ને તેઓ કઈ દૃષ્ટિથી જુએ છે તે પણ જોવા જેવું છે : ‘આ સમશ્લોકી ખંડકાવ્ય છે. એમાં ૧૦૦ શિખરિણી વૃત્ત પ્રિયાવિરહ ઉપર લખેલાં છે. ભાષા તથા પદ્યબંધ ઠીક છે, અને કોઈ કોઈ સ્થળે રસતરંગ પણ છે, પરંતુ એમાં ઠેકાણે ઠેકાણે ઉઘાડો શૃંગાર અને પરકીયા ભાવ હોવાથી અમે તેનું વિશેષ વિવેચન જ લખવા રાજી નથી.’ (૭૩) કદાચ ગુજરાતી સમીક્ષાના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ કૃતિની આટલી ટૂંકી સમીક્ષા ભાગ્યે જ થઈ હશે. સાહિત્ય અને નીતિશાસ્ત્ર વચ્ચેના અન્તરને અન્યથા પ્રમાણનાર, નર્મદ-પ્રેમાનન્દ જેવાની શૃંગારિક કવિતાના પ્રશંસક નવલરામ પંડ્યા બાલાશંકર કંથારિયાને આવો મોટો અન્યાય કેમ કરી બેઠા હશે? પરકીયા પ્રેમની આટલી બધી સૂગ ધરાવનાર ભાવક કૃષ્ણભક્તિનાં કાવ્યોને કેવી રીતે આસ્વાદી શકશે? છાંદસ-દેશીની સૂઝપૂર્વકની ચર્ચા ‘મેઘદૂત’ નિમિત્તે કરનારા આ વિવેચક ગુજરાતી કવિતાની આ નવી બાની વિશે કશું કહી જ ના શક્યા! દા.ત.
ક્વચિત્ કેસૂડાંની નવ કલિ કુસૂમાંજલિ ભરી,
ગુલાલે હે બાલે! અમલ અલકે રંગનિ ભરી;
વસંતે એકાંતે રમણિય વનાંતે નિરજને,
રમ્યો’તો હે કાંતે! સરસ નવ ફાગ તુજ કને.
અને જેને ઉઘાડો શૃંગાર કહે છે તે પંક્તિઓ આ રહી :
મને પૂરૂં તારાં શશિરવિસ્તનોનું સ્મરણ છે,
અહા! પૂર્ણીમાએ રમણિય પ્રદોષે વન વિષે,
ઉઘાડાં મૂક્યાં’તાં મદથિ છકિ નીરંચલ કરી,
હરી’તી તેં મારી હૃદયમતિને મોહિત કરી.
આ ભાનીમાંથી કાન્ત પોતાની વિશિષ્ટ બાની નિપજાવે છે. કાન્તના શિખરિણીના વિનિયોગ સાથે આ કંડિકાઓ સરખાવવા જેવી છે. એવી જ રીતે ‘કુસુમમાળા’નું અવલોકન જુઓ : ‘અમે જોઈને ખુશ થયા છીએ કે મિ. નરસિંહરાવ ભોળાનાથ બી.એ.એ પોતાના સિવિલ સર્વિસના કામમાંથી અવકાશ આણી આ નાનું પણ રસિક પુસ્તક રચ્યું છે. એમાં અંગ્રેજી કવિ શૈલીની ને કાંઈક વર્ડ્ઝવર્થની છાયા જોવામાં આવે છે, અને પાશ્ચાત્ય કાવ્યપદ્ધતિ કેવી હોય છે તે જણાવવાનો હેતુ એમાં કેટલેક દરજ્જે પાર પડ્યો છે. પદ્યબંધ મધુર તથા બહુધા સરળ છે, અને ભાષા પ્રૌઢ છતાં ભણેલા ગુજરાતી જનોથી સમજાઈ શકે એવી છે.’ (૭૬) ‘કુસુમમાળા’ને નિમિત્તે પણ કાવ્યચર્ચાને કેટલો બધો અવકાશ હતો પણ નવલરામ એ સુધ્ધાં જતો કરે છે. ઉપર નોંધેલી ત્રણેય કૃતિઓ ગુજરાતી સાહિત્યમાં અવારનવાર ચર્ચાતી રહી છે એટલું જ નહિ આ ત્રણે કૃતિઓએ અનુગામી સર્જન અને વિવેચન પર ભારે પ્રભાવ પાડયો છે, એ રીતે જોવા જતાં નબળી સમકાલીન રચનાઓને પારખી શકનાર નવલરામ પંડ્યા ઉત્તમ સમકાલીન કૃતિઓના પરીક્ષણમાં નિષ્ફળ જાય છે. કોઈ કૃતિ વિશે ઘણી વાર વિવેચકોમાં મતૈક્ય જોવા મળતું નથી. સંસ્કૃત કાવ્યશાસ્ત્રે તો સાવ વિરુદ્ધ મૂલ્યાંકનોને પણ સ્વીકાર્યાં હતાં. પણ કાન્ટ જેવાએ કૃતિસૌન્દર્ય કોઈ એકાદને માટે નહિ પણ સર્વ માટે છે એવી વાત કહી હતી. મોટે ભાગે મતૈક્યના આ અભાવ પાછળ રુચિભેદ, જુદા જ પ્રકારની સાહિત્યવિભાવનાઓ, પૂર્વગ્રહો ભાગ ભજવી જતાં હોય છે. ‘હેમ્લેટ’ વિશે ટી.એસ.એલિયટ, ‘સરસ્વતીચંદ્ર’ વિશે સુરેશ જોષી આવી ઘટનાનાં જાણીતાં દૃષ્ટાન્ત છે. વિવેચનમાં જ્યારે મતમતાંતરો ઊભા થાય છે ત્યારે શું કરવું જોઈએ એનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. ‘જ્યાં સુધી કાવ્યવિવેચનના અચળ નિયમ બાંધી તે પ્રમાણે નર્મકવિતાની વાદ સાથે તોલના કરનારા રસજ્ઞાનીઓની નિષ્પક્ષપાત, ડાહી અને પોતાના નિષ્પક્ષપાતપણાથી અને ડહાપણથી સર્વને માન્ય એવી સભા ઊભી છે.’ તે સૌ કોઈએ ધ્યાનમાં રાખવું જોઈએ. સુધારકયુગમાં નાટયલેખનની સમાન્તરે નવલકથાલેખન પણ મૌલિક, અનુવાદ કે રૂપાન્તર વેશે ચાલતું હતું. ૧૮૬૦ની આસપાસ ભારતની ઘણી ભાષાઓમાં નવલકથાલેખન પ્રવૃત્તિ ચાલતી હતી. ગુજરાતી ભાષામાં સાતમા દાયકાથી નવલકથાલેખનનો આરમ્ભ થયો. એ એક જોગાનુજોગ કે આદ્ય વિવેચકની કલમે ગુજરાતની પહેલી નવલકથાનું વિવેચન કરવાનું આવ્યું. સ્વાભાવિક રીતે આ વિવેચક સામે ઉત્તમ નવલકથાના નમૂના નથી, ઈતર વાચનના નમૂના મળે છે. પણ જેવી રીતે તેમના હાથમાં મોલિયેર અનુવાદ દ્વારા આવી ચઢ્યા એવી રીતે અંગ્રેજી ભાષાની નવલકથાઓના નમૂના આવ્યા નથી. છતાં ‘રસિક પુસ્તક’નાં ત્રણ મહત્ત્વનાં ઘટક રસ, રીતભાત, અને સુવિચાર- ને આધારે ‘કરણ ઘેલો’ની સમીક્ષા કરે છે અને તે વખતે આદર્શ વિવેચકની જેમ તેઓ જે પરિભાષા વાપરે છે એની સ્પષ્ટતા પણ કરતા જાય છે : એ પ્રમાણે ‘ભાતભાતના પ્રસંગ વડે માણસના મનમાં જે ભાતભાતના વિકાર ઉત્પન્ન થાય છે તેના ખરેખરા વર્ણનનું નામ તે રસ અને એમાંના અસાધારણ વિકારો જગતમાં જુદા જુદા દેશકાળે પ્રગટ થાય છે તેને રીતભાત કહીએ તો ચાલે.’ (૩) નંદશંકર મહેતાના ગુણપક્ષે તેમનું ગદ્ય છે, સન્તોષકારક ગદ્યના નમૂનાઓ નવલરામ પંડ્યા ચીંધી બતાવે છે. એ રીતે અનુગામી ગ્રંથવિવેચકોને માર્ગદર્શન મળી રહે છે. સાથે સાથે તેઓ સાચા પારખુ પણ છે. તેમને પણ પોતાની મર્યાદાઓનો ખ્યાલ છે એટલે ‘રીતભાત’ - ‘ઇતિહાસ’ માટે બીજા અંગ્રેજી ગ્રંથો પર આધાર રાખ્યો. પણ વસ્તુસંકલના કેવી રીતે સિદ્ધ કરવી એની આવડત નવલકથાકારમાં નથી પરિણામે આકસ્મિકતા, બિનજરૂરી સંભાષણો પ્રગટ્યાં, ‘સતી થવાના અદ્ભુત રસની સાથે વનનું લલિત વર્ણન મૂકવું એ સ્મશાનમાં મુડદા આગળ ઠુમરી ગાવા જેવું રસિકજનને વિપરીત લાગે છે.’ (૬-૭) એવી જ રીતે ‘અંધેરી નગરીનો ગંધર્વસેન’ને ઉટંગ વાર્તા તરીકે ઓળખાવી વિસ્તૃત સાર આપ્યો છે ! રસાનુભૂતિનાં વિઘ્નોની યાદીમાં ‘પ્રધાનગૌણ વિવેકભાન’ હેઠળ જે વિઘ્નની વાત અભિનવગુપ્ત કરે છે એ જ વાત નવલરામ પંડ્યા આ રીતે મૂકી આપે છે : ‘આ કહાણીઓ (= આડકથાઓ) એટલી બધી છે કે તે મૂળ વાતમાં ભંગાણ પાડી વાંચનારના રસને તોડી નાખે છે. આ વાર્તાની સંકલનામાં આવી આડકથાઓ દાખલ કરતાં ઘટતો વિવેક ન વાપરી શકાયો તેથી બધી જ ખરાબી થઈ છે.’ (૧૦) એ સમયે રૂપકપ્રધાન લખાણોની રૂઢિ હતી. ‘બુદ્ધિ અને રૂઢિની કથા’ નિમિત્તે નવલરામ પંડ્યા રૂપકગ્રંથિની સૈદ્ધાન્તિક ચર્ચા માંડે છે. ‘સારી રૂપકગ્રંથિ ગૂંથવી એ કાવ્યકળામાં અઘરામાં અઘરું કામ છે. એમાં રસકલ્પનાદિકનો જેટલો ખપ પડે છે તેટલો જ બલકે તેથી પણ વધારે તોલનપૃથક્કરણાદિકનો પણ પડે છે. રૂપક ગૂંથનાર એક કવિ તેમ જ સારો તત્ત્વવેત્તા જોઈએ.. જો એમાં (રૂપકકથામાં) રસરૂપી જીવ નથી, તો તત્ત્વજ્ઞાને આપેલાં હાડપાંસળાં કેવળ મિથ્યા અને અને કંટાળો ઉપજાવનારાં છે. ’(૧૬) સુધારકયુગે અને પંડિતયુગે કવિતાને દ્વિજોત્તમ તરીકે ઓળખાવી છે, નવલરામ પંડ્યાને પણ આ સ્વરૂપ માટે ભારે મહત્ત્વ, એટલે જ તેઓ સામાન્ય સ્તરની કવિતાને સાંખી લેવા જરાય તૈયાર ન હતા. આજે તો અનેક દેશની, અનેક સમયની ઉત્તમ રચનાઓ આપણી સામે છે અને તોય કાવ્યવિવેચનનાં ધોરણો સાવ પાણીપાતળાં કરીને બેઠા છીએ ત્યારે નવલરામ પંડ્યાની નિર્ભીક વિવેચના માટે સાચે જ માન થાય. કવિ અથવા કવિતા નિમિત્તે ઇતિહાસની કે સાહિત્યતત્ત્વની ચર્ચાવિચારણા ચાલતી રહે છે. અર્વાચીન કવિતાના લગભગ ચાર દાયકા અને સમગ્ર મધ્યકાળ – નવલરામ પંડ્યા આમાંથી કોના ઉપર વિવેચન કરે છે અને કોને બાજુ પર રાખે છે ? મધ્યકાળમાં તેમનો સૌથી વધુ માનીતો કવિ છે પ્રેમાનન્દ, અને એમની રસનિરૂપણ કળા વિશે જે શબ્દો વાપર્યા તેની બહાર નીકળવાનું સાહસ કરવા ગુજરાતી વિવેચન તૈયાર જ નથી. વૉલ્ટર પેટરનો ‘મોનાલીસા’ પરનો નિબંધ અહીં સહજ યાદ આવે. અંગ્રેજી વિવેચન પણ પેટરની ભુરકીમાંથી બહાર આવી શક્યું ન હતું. પરન્તુ આપણે અપેક્ષા રાખી હોય કે ‘નળાખ્યાન’, ‘સુદામાચરિત’, ‘દશમસ્કંધ’ વિશે નવલરામની કલમ મોકળે મને, એના વિશેષોની વાત સદૃષ્ટાન્ત આવશે પરન્તુ નવલરામ પંડ્યા આપણને નિરાશ કરે છે અને આપણને એનું અચરજ થાય છે. આવા સુજ્ઞ અને રસજ્ઞ પંડિત પણ નર્મદની કવિતાનું મૂલ્યાંકન કરતાં વિવેકભાન ગુમાવી બેસે છે. ગુજરાતી કવિતાના સર્વશ્રેષ્ઠ કવિ તરીકે પ્રેમાનંદને ગણાવ્યા પછી નર્મદની કવિતાના સન્દર્ભે એક જ નિબન્ધમાં જુદા જુદા પ્રકારનાં તારણોથી તેઓ આપણને મૂંઝવે છે. ‘કવિ નર્મદાશંકરની કવિતા’ નિબધમાં ઐતિહાસિક અને તુલનાત્મક અભિગમ સાથે સાથે જોવા મળશે, અવકાશ મળ્યે કોઈ અભ્યાસીએ આવા નિબન્ધની સઘન વાચના તૈયાર કરવી જોઈએ. એક ઐતિહાસિક વિગત તરીકે નોંધવું જોઈએ કે આ નિબન્ધ નવલરામ પંડ્યાની આરમ્ભકાલીન વિવેચનાનું પ્રતિનિધિત્વ કરે છે, ૧૮૬૭થી વિવેચનાનો આરમ્ભ થાય છે અને એ જ વર્ષે આ નિબન્ધ લખાયો છે. ગુજરાતી વિવેચનની અપરિપક્વતાની ચર્ચાથી લેખનો આરમ્ભ થાય છે. ગુજરાતી વિદ્વાનોમાં ‘કવિતા તોલવાનું કેવું નાનું અને અશાસ્ત્રીય માપ છે તે તેમને જણાઈ આવ્યું. નવલરામ પંડ્યા ‘માયાનું પૂર્ણ ચિત્ર તે ઉત્તમ કવિતા’ જેવી અસ્પષ્ટ વ્યાખ્યા આપીને તેના આધારે વિવિધ કવિઓનું મૂલ્યાંકન કરવા જાય છે ત્યારે તેમને નર્મદમાં ‘ઊંચી જાતની કવિતા’ જણાઈ. હવે નીચેનાં અવતરણો વાંચો : ‘પ્રેમાનંદ ભટ્ટ, શામળ ભટ્ટ, દયારામ અને નરસિંહ મહેતા જે ગુજરાતી કવિઓમાં પહેલા વર્ગના ગણાય છે તેમાંથી માત્ર પ્રેમાનંદ જ નર્મદાશંકરની જોડે બેસવાનો કંઈ દાવો કરી શકે એવો છે.’ (૧૨૬) નરસિંહ અને દયારામમાં પણ દયારામની કવિતા ઊંચી જાતિની...(૧૨૬) એ (દયારામના) શૃંગારનો નર્મકવિતા સાથે મુકાબલો કરી શકાય ખરો... (૧૨૭) નર્મનીતિબોધના ઊંડાણની સામા કોઈ પણ જૂના કવિનો નીતિબોધ ક્ષણભર પણ ઊભો રહેવાને લાયક નથી. પ્રેમાનંદનો શૃંગાર નિશ્ચય ઉત્તમ જાતિનો છે, પણ નર્મદાશંકરનો એવાજ ઊંચા પાણીનો અને ઘણો છે. (૧૩૨) પાછળથી એટલે કે ૧૮૮૭માં, ‘કવિજીવન’માં કવિ વિશેનો વ્યક્તિગત અભિપ્રાય બદલાય છે. ગુજરાતી સાહિત્યવિવેચનના પ્રારંભિક તબક્કે રસજ્ઞતા એટલે કે રુચિની ચર્ચા થાય એ પણ બહુ મોટી ઘટના ગણાય. ‘કાવ્યમાં વિવેક વાપરવો તો તે પૂરો વાપરવો જોઈએ, અને તેને માટે ઊંચી કેળવણી તથા રસશાસ્ત્રનો ઊંડો અભ્યાસ અવશ્યનો છે. ત્યારે જ શુદ્ધ રસજ્ઞતા (taste) પ્રાપ્ત થાય છે.’ નવલરામ પંડ્યા એક સફળ અનુવાદક, રૂપાન્તરકાર પણ હતા. ગણપતરામ અનુપરામની પુસ્તિકાને નિમિત્તે થોડી ચર્ચા કરી છે. ભાષાન્તર કરતી વખતે મૂળનો રસ જળવાય તેનું ધ્યાન રાખવું જોઈએ, ‘મોહનશૈલીના ગ્રંથોનું ભાષાન્તર કરવામાં ફક્ત ભાષાફેર કરવો એ જ બસ નથી, પણ તે વાર્તાના તમામ બનાવો તથા વિચારને પણ જે લોકને સારુ તરજુમો કરવો હોય તેના દેશકાળને અનુસરી કરી નાખવા એ પ્રથમ જરૂરનું કામ છે. ’ (૨૧) અને આગળ ચાલતાં તેઓ ભાષાન્તરના પ્રકારો પાડી બતાવે છે : ‘શબ્દાનુસારી, અર્થાનુસારી, અને રસાનુસારી. રસાનુસારી ભાષાંતરમાં શ્રોતાના દેશકાળને અનુસરવાની પ્રથમ જરૂર છે... રસાનુસારી ન કહેવું હોય તો એને દેશકાલ (adaptation)કહો, પણ એમ કર્યા સિવાય એક દેશનું કે એક કાવ્યનું કાવ્ય બીજા દેશકાળના લોકને કદી પણ ધારેલો રસ આપી શકશે નહીં.’ (૨૧-૨) તો રઘુવંશનું ભાષાંતર રેવાશંકર ભટ્ટે કર્યું તે નિમિત્તે નવલરામ પંડ્યાએ ભાષાંતર વિશે રજૂ કરેલા વિચારો મહત્ત્વના છે. ‘જે તરફ આપણે સાનંદાશ્ચર્યથી જોતા નથી, તે ગ્રંથનું ભાષાંતર આપણે કદી સારું કરી શકવાના નથી... જાણે તે જ કવિ આપણી ભાષામાં લખવા બેઠો હોય તો તે કેમ લખે. નવો ગ્રંથ લખવા કરતાં પણ ભાષાંતર કરવું એ અનુભવી વિદ્વાનો વધારે વિકટ ગણે છે.’ (૫૨) ભાષાન્તર વિશે પાછળથી ગોવર્ધનરામ ત્રિપાઠીએ એક સરસ વાત કહેલી કે મુક્તિફોજની મઢમોને ભગવાં કપડાં પહેરાવવાથી તે હિંદવાણી બની શકતી નથી. નવલરામ પંડ્યાએ પોતે ‘મેઘદૂત’નો અનુવાદ સાવ વિલક્ષણ રીતે કર્યો હતો. એટલે અનુવાદના પ્રશ્નો વિશે તેઓ સભાન છે. વળી સંસ્કૃતમાંથી થયેલા અનુવાદોમાંથી તેઓ પસાર થયા હતા. એ રીતે તેઓ ભાષાન્તરની વિશિષ્ટતાની સાથે સાથે ભાષાન્તરકારના ધર્મ વિશે પણ જાણે છે, ‘ભાષાન્તર કરનારનું કામ મૂળ કવિના પ્રતિસ્પર્ધી થવાને ઠેકાણે તેના ભક્ત, તેના આજ્ઞાંકિત સેવક, તેના એકાંતિક મિત્ર થવાનું છે. જે ગ્રંથ પર આપણી ભક્તિ નથી, એટલે જે તરફ આપણે આનંદાશ્ચર્યથી જોતા નથી, તે ગ્રંથનું ભાષાન્તર આપણે કદી પણ સારું કરી શકતા નથી...’ અને એમ કરવા જતાં એક આદર્શ ધરે છે : ‘જે ગુણ, જે દોષ, જે છટા, જે ભાષાની મીઠાશ મૂળમાં છે તે સઘળી ભાષાંતરમાં આવવી જોઈએ. જાણે તે જ કવિ આપણી ભાષામાં લખવા બેઠો હોય તો તે કેમ લખે.’ (૫૨, પરીખ) વીસમી સદીના ઉત્તરાર્ધમાં સુરેશ જોષી કહે છે : ‘પોતાની ભાષાના વાતાવરણમાંથી નીકળીને કાવ્યની મૂળ ભાષાના વાતાવરણમાં પોતાની જાતને મૂકવી જોઈએ. આટલું સિદ્ધ થયા પછી વળી પોતાની ભાષામાં એને સમાન્તર ભાવસ્થિતિની શોધ કરી, એના પરિવેશમાં મૂળ કાવ્યને ઉતારવું જોઈએ.’ (કાવ્યનો અનુવાદ, કિંચિત્) સંસ્કૃત કાવ્યના અનુવાદકની સામે એક પ્રશ્નનો સામનો કરવાનો આવે : સમશ્લોકી અનુવાદ કરવો કે નહીં? ગુજરાતી ભાષા સંસ્કૃત ભાષાની જેમ દીર્ઘ સમાસરચનાવાળી, સંધિસમાસની વ્યવસ્થાવાળી, પર્યાયબહુલ કે શિથિલ અન્વયવાળી નથી. એટલે આમેય સંસ્કૃત અક્ષરમેળ છન્દોમાં લખતા ભલભલા કવિઓએ છન્દ સાચવવા માટે વિશ્લેષ કે સ્વરભક્તિનો આશ્રય લેવો પડે છે. એટલે જ જુઓ, ન્હાનાલાલના અપદ્યાગદ્યના પ્રયોગો પછી પરંપરિતના પ્રયોગો અને ૧૯૫૫ પછી ઉમાશંકર જોશીએ અછાંદસની દિશા ચીંધી બતાવી. આજે અત્યારે કેટલાક કવિઓ વળી પાછા સંસ્કૃત અક્ષરમેળ તરફ વળ્યા છે અને અછાંદસ છાંદસ અંગે ભારે ચર્ચાઓ ચાલી રહી છે. અછાંદસની સમાન્તરે વિનોદ જોશી, મણિલાલ પટેલ, ચન્દ્રકાન્ત ટોપીવાળા જેવા કવિઓ સંસ્કૃત છન્દોમાં કાવ્યસર્જન કરી રહ્યા છે. નવલરામ પંડ્યા માનતા હતા કે ‘સંસ્કૃત ઢબના અક્ષરછંદો તો આપણા સમૂહને છેક અજાણ્યા છે જ અને તે ગુજરાતી ભાષાને અનુકૂળ પણ નથી, અર્થક્લેશ કે ભાષાની ખેંચતાણ કરીને તે જોડયા કરતા માત્રિક છંદમાં સરળ કવિતા કરવી એ ઘણું ડાહ્યું કામ છે.’ (૩૨) એક દીવા જેવી હકીકત એ પણ હતી કે ગુજરાતી ભાષાનું ખેડાણ ધીમે ધીમે આગળ વધી રહ્યું હતું. વળી તત્સમ પદાવલિનો પરિચય પંડિતયુગના સાક્ષરોના આગમન પછી વધુ થવા લાગ્યો. આ એક પ્રાપ્તિ થઈ તો બીજી બાજુ ગુજરાતી કવિતા બોલાતી ભાષાથી દૂર સરી. ગુજરાતીમાં ‘શૈલીશાસ્ત્ર’ શબ્દપ્રયોગ સૌથી પહેલાં નવલરામ પંડ્યા આપણને જોવા મળે છે. અલબત્ત અત્યારે જેને શૈલીવિજ્ઞાન કહીએ છીએ તેના સંકેતો અહીં જોવા નહીં મળે. તેવી જ રીતે ગુજરાતી ભાષા વિશેની ચર્ચા અત્યારે પણ આપણને ઉપયોગી નીવડે એવી છે. કેટલીક વખત ભાષાની ક્ષમતા વિશે પ્રશ્નો ઉઠાવવામાં આવતા હોય છે. હા, આજે વિજ્ઞાનટેકનોલોજીના પ્રસારને કારણે જે પરિભાષા અંગ્રેજીમાં જોવા મળે છે તેવી પરિભાષા ગુજરાતીમાં ઉપજાવવી કપરી તો છે, કારણ કે યંત્રવિજ્ઞાન યુરોપઅમેરિકામાં ભારે વિકાસ પામ્યું છે. પણ સુધારકયુગમાં તો ગુજરાતી ભાષાએ ખાસ્સું ગજું કાઢ્યું હતું. ‘સરસ્વતીચંદ્ર’ અને કાદમ્બરીનો અનુવાદ (છગનલાલ પંડ્યા) એનાં ઉત્તમ ઉદાહરણો છે. નવલરામ પંડ્યા સ્પષ્ટપણે કહે છે, ‘અમે કહીએ છીએ કે ગુજરાતી ભાષા બિનખેડાયેલી નથી. વિદ્યાદિક વિષયના વિચારને શબ્દો નથી. પણ એ તો દરેક ભાષામાં નવી વિદ્યા દાખલ થાય છે ત્યારે હરકત નડે છે, અને ત્યાં જેમ થતું આવ્યું છે તેમ અહીં પણ થવું જોઈએ. જૂના શબ્દોની મેળવણીથી તથા ભાષાના વલણને અનુસરી નવા શબ્દ યોજવામાં આવ્યા હોય તો તે ભાષામાં ચાલી શકે છે, અને તે માટે કોઈ દોષ કાઢતું નથી. વિના કારણ એક શબ્દ પણ નવો ન જ લખવો જોઈએ. તેમાં કવિતાના વિષયમાં તો જે માણસ ગુજરાતી ભાષાને અપૂર્ણ સમજતો હોય તે ભૂલ જ કરે છે.’ (પરીખ, ૧૧૫) આ પછી નવલરામ પંડ્યા પ્રેમાનંદ, શામળ ભટ્ટ, દયારામ વગેરે કવિઓનાં દૃષ્ટાંત આપીને કહે છે કે જે ભાષામાં આ બધા કવિઓ પોતાની રચના કરી શક્યા હોય તે ભાષા સક્ષમ નથી એમ કહી ન શકાય. ૧૯૩૦-૪૦નાં વર્ષો પછી ગુજરાતી સાહિત્યવિવેચનમાં રૂપરચનાવાદી દૃષ્ટિબિન્દુ વધુ ને વધુ દૃઢ થવા માંડ્યું. નવલરામ પંડ્યાએ એરિસ્ટોટલ વાંચ્યા છે કે નહિ તેની ખબર નથી પરંતુ ટ્રેજેડીની ચર્ચા વખતે જેવી રીતે આ ગ્રીક વિવેચકે બધાં ઘટકોમાંથી વસ્તુસંકલનાને મહત્ત્વપૂર્ણ બતાવી હતી તેવી રીતે નવલરામ પંડ્યા પણ સ્પષ્ટ જણાવે છે કે ‘વસ્તુને સાંકળવી એ કામ સૌથી અઘરું છે.’ આ વાત આગળ જોઈ ગયા. મૂળ વાત દીર્ઘકાલીન અનુભવની છે, એટલે જ લોન્જાઇનસ જેવા પ્રાચીન વિવેચકે ‘ઓન ધ સબ્લાઈમ’ ગ્રંથમાં શૈલીની પરખ સાથે દીર્ઘકાલીન અનુભવને સાંકળ્યો હતો. એવી જ રીતે એરિસ્ટોટલે અનિવાર્યતા અને સંભાવનાની દૃષ્ટિએ ટ્રેજેડીની વસ્તુસંકલનાને ચર્ચી હતી. નવલરામ પંડ્યા વિવેચન કરતી વખતે માત્ર કૃતિને કેન્દ્રમાં રાખે છે, સર્જકને બાજુ પર મૂકે છે; એટલે જ તેઓ ભવભૂતિ જેવા પ્રશિષ્ટ કવિના ‘માલતીમાધવ’ ના સન્દર્ભે પણ કહી શકે છે, ‘પાત્રતા અને સંભવિતતાનો થોડો જ વિચાર જણાય છે, તેનો પાંચમો અંક તો બેશક બહુ જ ભૂલભરેલો છે. ’(૪૯) તો વળી ‘રત્નાવળી’ નાટકને નાટ્યકળાના વિશિષ્ટ નમૂના તરીકે ઓળખાવવા છતાં તેને ‘જિનિયસ’ તરીકે ઓળખાવતા નથી. આ નાટક વિશે પણ તેમણે એક વાત સારી નોંધી છે, ‘પહેલેથી છેલ્લે સુધી એક શબ્દ પણ કોઈ પાત્રના મોંમાંથી એવો નીકળ્યો નથી કે જેનો વસ્તુની સાથે સંબંધ નહીં હોય.’ (૫૦) નવલરામ પંડ્યાના સમયમાં હજુ પુસ્તકોનો વ્યાપ એટલો બધો ન હતો. પરંતુ તેમણે ખાસ્સાં પુસ્તકો વાંચીને પોતાની રુચિ કેળવી હતી, વિસ્તારી હતી. દેશીવિદેશી પ્રશિષ્ટ ગ્રન્થો, ડીકન્સ કે સર્વાન્તિસની નવલકથાઓ, કેટલાક તે સમયે જાણીતા અંગ્રેજી ભાષાના ગ્રન્થો. અંગ્રેજીમાં અનૂદિત થઈને આવેલા યુરોપીય ગ્રન્થો અને તેમની વિગતે સમીક્ષા કરીને નવલરામ પંડ્યાએ સાહિત્યશિક્ષણસંત્રીનો પાઠ બરાબર બજાવ્યો હતો. ઉત્તમ ગ્રંથોના સેવનથી જ રુચિ કેળવાય એવું તે સ્પષ્ટ માનતા હતા, ઉત્તમ ગ્રન્થો સમયની કસોટીમાંથી પાર ઊતરતા હોય છે એટલે આપણી ભાષામાં કહીએ તો ઐતિહાસિકતા હોય અને છતાં ઐતિહાસિકતાનું અતિક્રમણ કરવામાં આવ્યું હોય તેને તેઓ ઉત્તમતા સાથે સાંકળે છે. પ્રાચીન કાળથી ધર્મ, તત્ત્વજ્ઞાન અને કળાનો સમન્વય થતો આવ્યો છે. આજે ઘણા આધુનિક ચિંતકો પ્રાચીન કળાની મહાનતા પાછળ આવો સમન્વય જુએ છે. નવલરામ પંડ્યા એક રીતે જોઈએ તો કાવ્યમાં શુદ્ધિના ભારે આગ્રહી છે, એટલે તેઓ સ્પષ્ટપણે કહી શક્યા, ‘ધર્મની ફિલસુફીના સિદ્ધાંતો સાથે કાવ્યશાસ્ત્ર ઘણો સંબંધ રાખતું નથી, તો પણ કેટલોક તો તેઓનો પાયો સામાન્ય જ છે.’ (૧૮૭) સુધારકયુગમાં અર્વાચીન સાહિત્યનો આરમ્ભ થતો હતો, પાયાની કેટલીક સંજ્ઞાઓ વિશેની સ્પષ્ટતાઓ કરવી એ વિવેચકનો ધર્મ ગણાય. જોકે આપણો અનુભવ તો એમ કહે છે કે આ એકવીસમી સદીમાંય મૂળભૂત સંજ્ઞાઓ વિશેની સ્પષ્ટતાઓ ઓછી છે. તે સમયે છંદ, ગદ્ય, પદ્ય જેવી સામાન્ય પરિભાષાનો પરિચય થવો જરૂરી હતો. છન્દ વિશે માર્ગદર્શન મેળવવું અથરું હતું. નવલરામ પંડ્યા માનતા હતા કે જેવી રીતે બોલાતી ભાષાના અવલોકન વિના વ્યાકરણ લખી શકાતું નથી તેવી રીતે શ્રવણશુદ્ધિ અને કાવ્યશાસ્ત્રની સ્વાભાવિક સમજ વિના પિંગળ રચી ન શકાય. એવી જ રીતે પદ્ય અને કવિતા વચ્ચે ભેદ કરવો ત્યારે એમને જરૂરી લાગ્યો હતો, ‘કવિતા પદ્યથી જુદી જ વસ્તુ છે. કવિતા અર્થમાં રહેલી છે અને પદ્યરચના શબ્દના ધ્વનિમાં રહેલી છે... પધ કવિતા વિનાનું સંભવી શકે છે.’ (૩૮૭) સુધારકયુગમાં આજની પરિભાષામાં તુલનાત્મક સાહિત્યવિવેચન ન હતું. છતાં નવલરામ પંડ્યા એક કવિનું મૂલ્યાંકન કરતી વખતે બીજા કવિને સામે રાખે છે. શામળ જેવાની કવિતાને પ્રેમાનન્દની કવિતાને સામે રાખીને જુએ ત્યારે તેમને પ્રેમાનન્દમાં ‘અખંડ લહેરી’ લાગે છે, જ્યારે શામળમાં ‘લહેરની સળંગતા બિલકુલ નહિ’ વરતાય છે. તેઓ તેમની લાક્ષણિક બાનીમાં કહે છે, ‘શામળની બાનીમાં ટુકડા ટુકડા પડે છે. એ જ મુગ્ધ દૃષ્ટિને લીધે, અને એથી જ વચલા વર્ગનાને(અધકચરાને) ગમે છે. પ્રૌઢ બુદ્ધિવાળાને પ્રૌઢ બાની જ ગમે. મારાથી શામળ આ વખતે ખુશી સાથે વાંચી શકાતો નથી. લહરીખંડન ડગલેપગલે થાય છે. બીહીજા લોકને એ ખંડનથી ખુશી થતી હશે ખરી? એમ હોય તો પ્રૌઢબાની જનપ્રિય થાય નહિ. હોમર કેમ જનપ્રિય થયો? એનામાં અખંડ લહરી છતાં ખંડભોગીને કેમ ગમ્યો? (પરીખ, ૧૯૫) નવલરામ પંડ્યાએ એમના સમયના સન્દર્ભે નવલકથાકારોને નીચલી પાયરીએ એટલે કે ખંડ લહરીની પાયરીએ મૂક્યા છે. પણ ત્યાર પછીના દાયકાઓમાં નવલકથાએ બહુ મોટું ગજું દેખાડયું છે, એટલે જ આ સ્વરૂપમાં અસામાન્ય કક્ષાનાં પરિમાણો સિદ્ધ થયાં છે; કદાચ તેમની આ માન્યતાએ ‘સરસ્વતીચંદ્ર’ વિશે તેમને મોકળે મને લખવા દીધું નહીં હોય. શામળ અને પ્રેમાનન્દની સરખામણી કરતી વખતે એક મહત્ત્વના મુદ્દા પર તેઓ આવે છે, ‘પ્રેમાનન્દનું જ્ઞાન, અધ્યાત્મ, રસજ્ઞાન એ ત્રણે મળીને એક ઘાટ ઘડાયો છે. સામળમાં એ ત્રણે નોખાં જ રહેલાં છે.’ આ ‘એક ઘાટ’ ઘડાવાની વાત આજે આપણો સામાન્ય વિદ્યાર્થી પણ કરતો થઈ ગયો છે. વળી અધ્યાત્મની વાત હવે આપણે જુદી રીતે કરતા થયા છીએ. ઉત્તમ કૃતિ એના અંતિમ સોપાને દાર્શનિક ભૂમિકાએ જઈ પહોંચતી હોય છે. દા.ત. રાજેન્દ્ર શાહનાં ‘આયુષ્યના અવશેષે’ના છેલ્લાં કાવ્યો. વર્તમાન સાહિત્યકૃતિએ તત્ત્વચિંતનનું છેલ્લા પગથિયા સુધી રહ્યું. દા.ત. ‘સરસ્વતીચંદ્ર’નો છેલ્લો ભાગ, રાજેન્દ્ર શાહના ‘આયુષ્યના અવશેષે’નું છેલ્લું સોનેટ. નવલરામ પંડ્યા આ રીતે ગુજરાતી વિવેચનમાં અત્યંત મહત્ત્વનું સોપાન પૂરું પાડે છે. સુધારક યુગનો સન્દર્ભ જોતાં એમ લાગે કે તેઓ પોતાના સમયથી આગળ હતા અને અનુગામી વિવેચનાનાં ઘણાં ગૃહીતો કાચાપાકા સ્વરૂપે તેમની વિવેચનામાં પડેલાં વરતાય છે.
૧૦. ૦૩. ૨૦૧૧
‘વાત આપણા વિવેચનની’ (પૂર્વાર્ધ) પૃ. ૧ થી ૧૭