ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૧/કૃતિ-પરિચય

Revision as of 12:52, 22 August 2025 by Shnehrashmi (talk | contribs)
કૃતિ પરિચય  : `ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા’

આપણા એક સમર્થ અને સન્નિષ્ઠ વિવેચકનો આ પીએચ.ડી.નો શોધપ્રબંધ (ભાગ : 1) છે. સાહિત્ય-સંશોધન કેવું હોઈ શકે એનું એક વિરલ દૃષ્ટાંત આ પુસ્તક (અને હવે પછી ઇ-પ્રકાશિત થનાર એનો ભાગ : 2) પૂરું પાડે છે. સંશોધકે વિષય જ ખૂબ ગંભીર – આજે તો ખૂબ અઘરો લાગે એવો – લીધો છે. કાવ્યતત્ત્વ એટલે કે કાવ્યનું મૂળ રૂપ, એની ગુજરાતી સાહિત્યના સુધારકયુગ – પંડિતયુગના વિદ્વાનોએ કરેલી તત્ત્વવિચારણા, એમનું તત્ત્વલક્ષી એટલે સિદ્ધાન્તનિષ્ઠ વિવેચન. પ્રમોદભાઈનો આ ગ્રંથ એ તત્ત્વવિચારણાનો પણ તત્ત્વવિચાર કરનારો-વિવેચનનાં ઊંડાણોમાં ઊતરીને એનાં સમીક્ષા-મૂલ્યાંકન-ચિકિત્સા કરનારો છે - એ જ, પહેલાં તો, એનું ગૌરવ, એનું મહત્ત્વ સ્થાપી આપનારી બાબત છે. વિવેચનનું વિવેચન અહીં સૈદ્ધાન્તિક પરિપાટીએ, સંશોધનની મૂળગત પદ્ધતિએ થયેલું છે. આરંભે, ગુજરાતી વિવેચનમાં થયેલી તત્ત્વવિચારણાની સંગીન ભૂમિકા રચીને પછી નર્મદ અને નવલરામની વિવેચનાને પૃથક્કરણની રીતે પણ પૂરી સહૃદયતાથી ને સમજથી તપાસે છે. સંશોધનનાં મહત્ત્વનાં બે સ્તર – સળંગ ચાલતી વિચારણા અને એની અંતર્ગત મહત્ત્વના સંદર્ભો (જેવા કે તે તે મુદ્દાના સમાન્તર સંદર્ભો, પૂર્વસંદર્ભો, સ્પષ્ટતાઓ વગેરે) અંગેની પ્રકરણાન્તે કરેલી નોંધો (endnotes). કેટલાંક પ્રકરણોમાં આવી સંદર્ભનોંધો 20-20 પાનાં સુધી વિસ્તરે છે ને 100 ઉપરાંત સંદર્ભોની વિગતે સ્પષ્ટતા કરે છે. જૂના-નવા સર્વ વિવેચન-સંશોધન-અભ્યાસીઓ માટે આ પુસ્તક પથદર્શક બને એમ છે.

– રમણ સોની