ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૧/નર્મદયુગમાં પરંપરાગત અલંકારશાસ્ત્રની પ્રેરણા
નર્મદયુગમાં પરંપરાગત અલંકારશાસ્ત્રની પ્રેરણા અને પ્રભાવ : તત્કાલીન કાવ્યવિવેચનની પશ્ચાદ્ ભૂમિકા
આમુખ
આપણે ગયા પ્રકરણમાં નોધ્યું છે કે ગઈ સદીમાં આપણાં વિશ્વવિદ્યાલયોમાં પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રની સાથોસાથ સંસ્કૃત અલંકારશાસ્ત્રનો અભ્યાસ પણ આરંભાયો, અને એ બે વિભિન્ન પરંપરાની કાવ્યમીમાંસાનાં પ્રેરણા અને પ્રભાવ હેઠળ આપણી કાવ્યવિવેચનની પ્રવૃત્તિનો ઉદ્ભવવિકાસ સંભવ્યો. આપણે એમ પણ નોંધ્યું છે કે નર્મદથી આરંભાયેલી આપણી નવીન કાવ્યચર્ચામાં પૂર્વપશ્ચિમની કાવ્યમીમાંસાના અનેક પાયાના સિદ્ધાંતોને સાંકળી લેવાના પ્રયાસો થતા રહ્યા છે, અને એ રીતે આપણી અર્વાચીન કાવ્યવિવેચનામાં છેક આરંભકાળથી જ કવિતા વિષયક નવીન પ્રશ્નોને સ્થાન મળતું રહ્યું છે. પરંતુ, અહીં આપણે એક મહત્ત્વનો મુદ્દો એ નોંધવો જોઈએ કે નર્મદયુગના આરંભે, અને તે પછી પણ, આપણે ત્યાં પરંપરાગત સંસ્કૃત અને વ્રજના અલંકારશાસ્ત્રને લગતી કેટલીક અધ્યયન પ્રવૃત્તિ ચાલતી રહી છે. આપણી નવી કાવ્યવિવેચનાની પશ્ચાદ્ભૂમિકામાં રહેલી એ પ્રવૃત્તિનો વિચાર બે દૃષ્ટિએ મહત્ત્વનો છે. એક તો, એ સમયના દલપતરામ આદિ અનેક કવિઓની કાવ્યરુચિ પોષવામાં એ પરંપરાગત અલંકારશાસ્ત્રનો ફાળો મોટો છે. અને બીજું, આપણી નવી કાવ્યવિવેચનામાં પણ પ્રાચીન અલંકારશાસ્ત્રના રસ, ધ્વનિ, અલંકાર, રીતિ આદિ સંપ્રત્યયોનો નવેસરથી યોગ થતો રહ્યો છે. ટૂંકમાં, આપણી નવી કાવ્યવિવેચનામાં પણ પરંપરાગત અલંકારશાસ્ત્રનો સીધી યા આડકતરી રીતે યોગ થયો છે. હકીકતમાં, ગઈ સદીની આપણી કાવ્યવિચારણામાં સંસ્કૃત અને ખાસ તો વ્રજના પરંપરાગત અલંકારશાસ્ત્રનું અનુસંધાન એ કોઈ આકસ્મિક ઘટના નથી. નર્મદ જેવા કાવ્યજિજ્ઞાસુને પણ કવિતા વિષયક સમજણ મેળવવા તે જમાનામાં જે કંઈ આછુંપાતળું સાહિત્ય મહામહેનતે ઉપલબ્ધ બનેલું તેમાં મુખ્યત્વે તો સંસ્કૃત અને વ્રજના પરંપરાગત અલંકારગ્રંથો જ હતા. કવિ દલપતરામે તો વ્રજના કાવ્યશાસ્ત્રના ગ્રંથોનો વ્યવસ્થિત અભ્યાસ કરેલો. અને આપણે આગળ ઉપર એ પણ જોઈશું કે દલપતરામની કાવ્યશૈલીના કેટલાક અનુયાયીઓએ તો વ્રજના એ પ્રકારના ગ્રંથોનું પરિશીલન ઉપરાંત ટીકાટિપ્પણીનું કાર્ય પણ કર્યું છે. આપણે એમ કહી શકીએ કે નર્મદયુગના અનેક કવિઓની કાવ્યરુચિ પોષવામાં વ્રજ પરંપરાનો ફાળો નાનોસૂનો નથી. વળી, વ્રજના અલંકારશાસ્ત્રની આ પરંપરા સંસ્કૃત અલંકારશાસ્ત્રના જ કેટલાક વિશિષ્ટ ગ્રંથોની પ્રેરણા લઈને વિકસી છે (એ વિશે આગળ ચર્ચા કરવા ધારી છે). આ રીતે આપણે ત્યાં નર્મદયુગમાં કાવ્યશિક્ષણ અર્થે સંસ્કૃત અને વ્રજના અલંકારશાસ્ત્રનો જે પ્રભાવ દેખાય છે તે વાસ્તવમાં કોઈ વિભિન્ન પરંપરા નથી : આપણા દેશમાં છેક પ્રાચીનકાળમાં વિકસેલી અલંકારચર્ચાનું જ વત્તુંઓછું અનુસંધાન એમાં જળવાતું દેખાય છે. આપણે ત્યાં નવીન કાવ્યચર્ચાનો વિકાસ આરંભાયો ત્યારે પણ એ પરંપરાપ્રાપ્ત રૂઢ અલંકારચર્ચા એકદમ લુપ્ત બની ગઈ નથી. આપણે જોઈશું કે ક્રમશઃ એ રૂઢ અલંકારચર્ચાનું મહત્ત્વ ઓછું થતું રહ્યું છે. એ પ્રાચીન કાવ્યચર્ચામાંના મૂલ્યવાન અંશોનું શોધનવિવેચન આરંભાયું, અને એ રીતે એમાંની કેટલીક પાયાની ચર્ચા આપણી નવી વિવેચનામાં સુભગ યોગ પણ પ્રાપ્ત કરી શકી. પ્રસ્તુત પ્રકરણમાં, આપણે એ પરંપરાગત અલંકારશાસ્ત્રનું અનુસંધાન આપણી વિવેચનામાં કેવી રીતે થયું, અને તેની રૂઢ કાવ્યચર્ચાએ નર્મદકાલીન કાવ્યરુચિ ઘડવામાં કેવો ભાગ ભજવ્યો, એ મુદ્દાઓની સ્પષ્ટતા કરવા પ્રયત્ન કરીશું. અલબત્ત, આના અનુસંધાનમાં આપણી સમક્ષ કેટલાક મહત્ત્વના પ્રશ્નો ઊભા થાય જ છે : અર્વાચીન યુગના આરંભે આપણે ત્યાં સંસ્કૃત અલંકારશાસ્ત્રની કોઈ જીવંત પરંપરાએ આપણી વિવેચના પર વિશેષ પ્રભાવ પાડ્યો છે ખરો? મધ્યકાળમાં ગુજરાતીમાં એવી અલંકારશાસ્ત્રને લગતી કોઈ પ્રવૃત્તિ વિકસી છે ખરી? જો વિકસી હોય તો તેનું કોઈ અનુસંધાન મળે છે ખરું? આપણને વ્રજના અલંકારશાસ્ત્રનો પરિચય ક્યારે અને કેવી રીતે થવા પામ્યો? વ્રજના અલંકારશાસ્ત્રમાં કાવ્યનાં ક્યાં લક્ષણોનું વર્ણન મળે છે? અને સંસ્કૃત અલંકારશાસ્ત્રનો તેમાં કેવો યોગ થયો છે? અલબત્ત, આ બધા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચાવિચારણાને, દેખીતી રીતે જ, અહીં અવકાશ નથી. સ્વતંત્ર શોધ માગે એવા એ જટિલ પ્રશ્નો છે. એટલે પ્રસ્તુત પ્રકરણમાં એ પરંપરાગત અલંકારશાસ્ત્રની પ્રવૃત્તિની ટૂંકી ઐતિહાસિક રૂપરેખા આપી તેનો માત્ર પરિચય કરવા પ્રયત્ન કરીશું.
મધ્યકાલીન ગુજરાતમાં સંસ્કૃત અલંકારશાસ્ત્રને લગતી પ્રવૃત્તિ
આપણા દેશમાં પ્રાચીન સમયમાં ઉદ્ભવેલી સંસ્કૃત અલંકારશાસ્ત્રની પ્રવૃત્તિનું સાતત્ય મધ્યકાલીન ગુજરાતમાં યે જોવા મળે છે. ખાસ કરીને જૈન પરંપરાના વિદ્યાભ્યાસમાં અનેક સૂરિઓએ સાંપ્રદાયિક તેમજ બિનસાંપ્રદાયિક વિદ્યાઓની જે ઉપાસના કરી તેમાં સંસ્કૃત અલંકારશાસ્ત્ર જેવા વિષયને પણ સ્થાન મળ્યું હતું.[1] આ જૈન પરંપરામાં અલંકારશાસ્ત્ર ઉપરાંત, વ્યાકરણ, કોશ, તર્કશાસ્ત્ર, છંદશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, સ્થાપત્યશાસ્ત્ર આદિ વિદ્યાઓ પણ સ્થાન પામી છે.[2] વળી આ જાતની વિદ્યાવિષયક, પ્રવૃત્તિ આમ તો, છેક અર્વાચીન સમય સુધી જારી રહી હોવાનું જણાય છે.[3] પરંતુ ઉત્તરકાળમાંની એ પ્રવૃત્તિ ક્રમશઃ ક્ષીણ અને નિસ્તેજ બની ગયેલ જણાય છે. વળી આ સ્થાને એક વાત એ પણ નોંધવી જોઈએ કે હેમચંદ્રના સમયમાં કોઈ કોઈ જૈનેતર વિદ્વાનોએ પણ અલંકારશાસ્ત્રના ક્ષેત્રમાં કેટલુંક ગણનાપાત્ર કાર્ય કરેલું જણાય છે.[4] અલબત્ત, આ જૈન અને જૈનેતરોની અલંકારશાસ્ત્રને લગતી સર્વ પ્રવૃત્તિઓ હજી કદાચ પૂરેપૂરી પ્રકાશમાં આવી નથી. મધ્યકાલીન ગુજરાતમાં મમ્મટાચાર્યનો ‘કાવ્યપ્રકાશ’ ગ્રંથ પ્રગટતાંવેંત જ આપણા વિદ્વાનમંડળમાં પ્રતિષ્ઠા પામ્યો જણાય છે. એ ગ્રંથ પરની જૂનામાં જૂની ટીકાઓ પૈકીની એક ‘સંકેત’[5] અને ‘બીજી મૂકીને ત્રીજી’ ‘જયન્તિ’[6] આપણે ત્યાં જ રચાયેલી છે. એ સિવાય એ ગ્રંથ વિશે પાછળના કેટલાક વિદ્વાનોએ પણ ટીકાટિપ્પણીનું કાર્ય જારી રાખ્યું જણાય છે.[7] વળી, આચાર્ય હેમચન્દ્રે તો ‘કાવ્યપ્રકાશની’ પરિપાટીએ તેમનો ‘કાવ્યાનુશાસન’[8] નામે ગ્રંથ રચ્યો છે, જ્યારે બીજા એક વિદ્વાન વાગ્ભટે એ ‘કાવ્યાનુશાસન’ને અનુસરી ‘વાગ્ભટાલંકાર’[9] નામે ગ્રંથ રચ્યો છે. આ ગ્રંથોમાં ‘કાવ્યાપ્રકાશ’ની પદ્ધતિએ કવિતાની સર્વાંગી વિચારણા કરવાના પ્રયત્નો થયા છે, અને એ રીતે સંસ્કૃતની કાવ્યલક્ષણો વિષયક ઘણી ઉત્તમ ચર્ચાને એમાં સ્થાન મળ્યું છે. પરંતુ જૈન પરંપરામાં વિશેષ ધ્યાન ખેંચે એવી પ્રવૃત્તિ તો ‘કવિશિક્ષાના’ ગ્રંથો રચવાની છે. સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં ઉત્તરકાળમાં વિકસેલી આ વિલક્ષણ પ્રવૃત્તિ જૈન મુનિઓએ આગળ ચલાવી છે. અહીં કવિશિક્ષાની પ્રવૃત્તિના સમગ્ર ઇતિહાસને અવકાશ નથી. એટલે આપણા પ્રસ્તુત વિષયને અનિવાર્ય એટલી ટૂંકી ચર્ચા જ અહીં કરીશું. સંસ્કૃત અલંકારશાસ્ત્રના ક્ષેત્રમાં આનંદવર્ધન અને અભિનવગુપ્ત જેવા બે મહાન પ્રતિભાસંપન્ન સાહિત્યાચાર્યોએ અનુક્રમે, ધ્વનિ અને રસસિદ્ધાંતની અતિ સૂક્ષ્મ વિદ્વત્તાપૂર્ણ ચર્ચા કરી, એ પછી એ ક્ષેત્રમાં કંઈક બંધિયારપણું આવતું લાગે છે. એમના અનુગામીઓમાં, આમ તો, મમ્મટાચાર્ય, વિશ્વનાથ, જગન્નાથ આદિ તેજસ્વી આચાર્યોની પ્રવૃત્તિ ઓછી મહત્ત્વની નથી. પરંતુ એ વિદ્વાનોએ પણ નવીન કાવ્યતત્ત્વચર્ચા કરવા કરતાં તેમના પુરોગામી આચાર્યોની કાવ્યચર્ચાના ઉપાદેય અંશોને સાંકળીને બની શકે તો સર્વાંગપૂર્ણ સુવ્યવસ્થિત કાવ્યસિદ્ધાંત રચવાની દિશામાં જ પ્રવૃત્તિ ચલાવી છે. એ ગાળામાં અનેક વિદ્વાનોએ તેમના પુરોગામીઓના કાવ્યશાસ્ત્રના ગ્રંથોની વ્યાખ્યા કે ટીકાટિપ્પણીનું કાર્ય હાથ ધર્યું જણાય છે. ઉત્તરકાળની સંસ્કૃતની અલંકારચર્ચામાં હવે મુખ્યત્વે બે પ્રવૃત્તિઓ ધ્યાન ખેંચે છે. એક બાજુ પુરોગામીઓની કાવ્યચર્ચાને સાંકળીને બને તેટલી સર્વાંગી કાવ્યચર્ચા રજૂ કરવી, અને, બીજી બાજુ, નવોદિત કવિઓને કાવ્યની સમજણ આપવા અને કાવ્યરચનામાં વ્યવહારુ સૂચનો કરવા ‘કવિશિક્ષાના’ ગ્રંથો રચવા. એમાં પહેલા પ્રકારના ગ્રંથો પૈકી રાજશેખરનો ‘કાવ્યમીમાંસા’[10] જયદેવનો ‘ચંદ્રાલોક’[11], અપ્પય દીક્ષિતનો ‘કુવલયાનન્દ’[12], ભાનુદત્તનો ‘રસમંજરી’ [13], આદિ ખૂબ જાણીતા છે. જ્યારે બીજા પ્રકારના ગ્રંથોમાં ક્ષેમેન્દ્રનો ‘કવિકણ્ઠાભરણ’[14] અને, વિશેષતઃ મધ્યકાલીન ગુજરાતની જૈન પરંપરામાં ખૂબ જ પ્રતિષ્ઠિત થયેલા અમરચંદ્રસૂરિનો ‘કાવ્યકલ્પલતાવૃત્તિ’[15]ખૂબ જ જાણીતા છે. આપણે આગળ જોઈશું કે સંસ્કૃત અલંકારશાસ્ત્રના ઉત્તરકાલીન આ બેય પ્રકારના ગ્રંથો વ્રજના કાવ્યશાસ્ત્રની પ્રેરણા બન્યા છે, એટલું જ નહિ, આપણે ત્યાં નર્મદયુગમાં કાવ્યશિક્ષણ અર્થે વ્રજના ગ્રંથો ઉપરાંત સંસ્કૃતના જે કેટલાક અલંકારગ્રંથો ઉપલબ્ધ બન્યા હતા તે પણ વિશેષ તો આ ઉત્તરકાલીન ગ્રંથો જ હતા. આ ‘કવિશિક્ષા’ના ગ્રંથોની ચર્ચાવિચારણા આગવી પરિપાટી રચે છે. ક્ષેમેન્દ્રના ‘ઔચિત્યવિચારચર્ચા’[16]માં કવિએ પોતાની કવિતાની રચનામાં શબ્દાર્થ યોજતી વેળા કઈ કઈ રીતે ઔચિત્ય જાળવવું જોઈએ તેની ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી છે, તો ‘કવિકણ્ઠાભરણ’[17]માં કવિએ પ્રસિદ્ધ કવિતાના ગ્રંથોમાંથી પોતાની કવિતા અર્થે વિચાર કે કાવ્યબાનીના પ્રયોગો કેવી રીતે સ્વીકારવા અને પોતાની રચનામાં તેનો વિનિયોગ કરવો તેનાં વ્યવહારુ સૂચનો રજૂ થયાં છે. અમરચન્દ્રની ‘કાવ્યકલ્પલતાવૃત્તિ’[18] આ પ્રકારના ગ્રંથોમા અત્યંત પ્રતિષ્ઠિત કૃતિ છે, અને તેની વિષયવ્યવસ્થા ખૂબ જ ધ્યાનપાત્ર છે. આ ગ્રંથ ચાર ‘પ્રતાન’માં વહેંચવામાં આવ્યો છે : (૧) છંદસિદ્ધિ (૨) શબ્દસિદ્ધિ (૩) શ્લેષસિદ્ધિ (૪) અર્થસિદ્ધિ. આ પૈકી પ્રથમ ‘પ્રતાન’માં છંદોરચનાના નિયમ, બીજામાં પ્રાસાનુપ્રાસ માટે યોજવામાં ખપ લાગે એવા શબ્દોનો સંગ્રહ, ત્રીજામાં શ્લેષ અર્થે કામમાં આવે એવા શબ્દો અને ‘ચિત્રકાવ્ય’ની રચનાના નિયમો, અને છેલ્લા ચોથામાં વર્ણાદિ યોજનાની વિચારણા રજૂ કરવામાં આવી છે. આ રીતે ‘કવિશિક્ષા’ની પરંપરામાં કવિતાની રચનાકલાના શિક્ષણ નિમિત્તે પ્રાસાનુપ્રાસ, ઝડઝમક, શ્લેષચાતુરી, ચિત્રકાવ્ય, આદિ સ્થૂળ કાવ્યાંગોની ચર્ચા વધુ ને વધુ કેન્દ્રમાં આવતી ગઈ છે. કવિતાનાં લક્ષણોની ચર્ચામાં હવે છંદ, અલંકાર, રસ, નાયિકાભેદ આદિનો અલગ વિચાર કરવાની વૃત્તિ જ પ્રબળ બનતી દેખાય છે. કવિશિક્ષાની પરંપરામાં હેમચંદ્રના પ્રસિદ્ધ ગ્રંથ ‘અલંકારચૂડામણિ’[19] ઉપરાંત નરેન્દ્રપ્રભસૂરિનો, ‘અલંકારમહોદધિ’[20]ભાવદેવસૂરિનો ‘અલંકારસાર’[21] આદિ ગ્રંથો ય ખૂબ જાણીતા છે. વળી જૈન મુનિઓએ છન્દશાસ્ત્રને લગતી પ્રવૃત્તિ ય ચલાવી છે. તેમાં જયદેવની ‘જયદેવચ્છંદસ્’[22] જયકીર્તિ ‘છન્દોનુશાસન’[23]અને ‘હેમછંદોડનુશાસન’[24] જાણીતી કૃતિઓ છે. આ જ રીતે જૈન સૂરિઓએ નાટક અને સ્થાપત્ય આદિનો અભ્યાસ પણ કર્યો છે. હવે આપણે માટે વિચારવાનો મુદ્દો એટલો જ છે કે આ જૈન મુનિઓએ ખેડેલી સંસ્કૃત અલંકારશાસ્ત્રવિદ્યા આપણી અર્વાચીન વિવેચનામાં કોઈ મહત્ત્વનો ભાગ ભજવી શકી છે ખરી કે નહિ. અને એનો ઉત્તર એટલો જ કે એ જૈન મુનિઓની અલંકારશાસ્ત્રની રચના આપણી વિવેચના પર કોઈ પ્રભાવ દાખવી શકી જણાતી નથી. એનાં કારણો ય સ્પષ્ટ છે : પ્રથમ તો આ જૈન સૂરિઓએ ખેડેલી વિદ્યા સંસ્કૃતમાં ખેડાયેલી છે, અને તે કારણે તે અત્યંત સીમિત વિદ્વાન્મંડળમાં જ પ્રચાર પામી હોય એ સંભવિત છે. બીજું, મધ્યકાલીન ગુજરાતમાં રાજકીય અંધાધૂંધીને કારણે આ જૈનસાહિત્ય જૈનભંડારોમાં જ પુરાઈ રહ્યું હોય અને વિશાળ સમુદાય સુધી પહોંચ્યું ન હોય તે પણ સ્વાભાવિક છે. ત્રીજું, આ જૈનપરંપરાની તેજસ્વી વિદ્યાપરંપરામાં અલંકારશાસ્ત્રનો અભ્યાસ જાણે કે ક્રમશઃ નિસ્તેજ અને રૂઢ બની ગયેલો જણાય છે. એટલે, અર્વાચીન યુગના આરંભે, જૈનોએ ખેડેલી અલંકારશાસ્ત્રની પ્રવૃત્તિનો કોઈ સીધો પ્રભાવ આપણા ગુજરાતી વિવેચન પર જોવા મળતો નથી. હકીકતમાં, પંદરમીસોળમી સદીની આસપાસમાં જૈન મંડળોમાં પણ અલંકારશાસ્ત્રનું મહત્ત્વ કંઈક ઓછું થતું જણાય છે, અને એ પછી એ ક્ષેત્રમાં જે કંઈ સાહિત્ય રચાયું તેમાં એવી કોઈ તેજસ્વી કૃતિ કે સિદ્ધિ જોવા મળતાં નથી. ક્રમશઃ લુપ્તપ્રાયઃ બનતી ગયેલી આ પરંપરા અર્વાચીન યુગના આરંભે એવી તો ક્ષીણ બની ગઈ જણાય છે કે નર્મદયુગના સામાન્ય કાવ્યરસિકને એ પરંપરા જોડે કોઈ અનુસંધાન રહ્યું નથી. પરિણામે, આપણી નવી કાવ્યવિવેચના સુધ્ધાં એ પરંપરાનો કોઈ પ્રભાવ કે પ્રેરણા પ્રાપ્ત કરી શકી નથી. અહીં બીજો એક મુદ્દો એ નોંધવો જોઈએ કે હેમચંદ્ર પછીના યુગમાં જૈનોએ સાંપ્રદાયિક તત્ત્વોવાળું પુષ્કળ સાહિત્ય તત્કાલીન ગુજરાતીમાં લખ્યું છે. પરંતુ સાતઆઠ સૈકાઓ જૂની એ સાહિત્યપરંપરામાં યે અલંકારશાસ્ત્ર જેવી વિશિષ્ટ વિદ્યા વિકસાવવાનો કોઈ મોટો પ્રયત્ન જણાતો નથી.
મધ્યકાલીન જૈનેતર સાહિત્યક્ષેત્રમાં અલંકારશાસ્ત્રની પ્રવૃત્તિ ઉદ્ભવી હતી? – એક ટૂંકી ચર્ચા
આપણે હવે મધ્યકાલીન ગુજરાતીમાંના જૈનેતર સાહિત્યની પ્રવૃત્તિ પર દૃષ્ટિ નાંખીએ. એ તો અત્યંત જાણીતું છે કે ઈ.સ.ના પંદરમા શતકની આસપાસમાં આપણે ત્યાં વૈષ્ણવ સંપ્રદાયના પ્રભાવ હેઠળ કૃષ્ણભક્તિનું વિપુલ કાવ્યસાહિત્ય અસ્તિત્વમાં આવ્યું. ભક્તિસાહિત્યની આ પરંપરામાં આદ્યકવિ લેખે નરસિંહ મહેતાનું નામ જાણીતું છે. એ ભક્ત કવિએ વૈષ્ણવ ધર્મની પ્રેરણા લઈને પ્રેમભક્તિનું સાહિત્ય રચ્યું છે એમ દુર્ગાશંકર શાસ્ત્રી નોંધે છે.[25] આ સમયમાં કવિ કેશવદાસે[26] ભાગવતના ‘દશમસ્કંધ’નો અનુવાદ કર્યો. બીજા એક કવિ ભીમે બોપદેવની કૃતિ ‘હરિલીલાષોડ્શકલા’[27]નો અનુવાદ કર્યો. અને આ રીતે ભાગવતકથાની પ્રેરણાથી કૃષ્ણસાહિત્યની એક વિશિષ્ટ પરંપરા આપણે ત્યાં વિકસી. આપણા અનેક વૈષ્ણવ સંત કવિઓએ કૃષ્ણની જીવનલીલાનો કોઈ ને કોઈ પ્રસંગ લઈને ભક્તિસાહિત્ય નિપજાવ્યું.૨૮[28] અપવાદ રૂપે મધ્યકાલીન જૈનેતર પરંપરામાં કવિ દયારામ વલ્લભસંપ્રદાયના અનુયાયી હતા[29] અને તેમના સાહિત્યમાં સાંપ્રદાયિકતાના અંશો ય ભળ્યા છે. છતાં તેમની કૃષ્ણભક્તિપ્રેરિત ગરબીઓ આપણા મધ્યકાલીન સાહિત્યમાં અનન્ય સંપત્તિ બની રહે છે. આ સિવાય જૈનેતર સાહિત્યમાં ત્યાગવૈરાગ્યની ધર્મભાવના પોષતાં આખ્યાનો, લોકહૃદયને મુગ્ધ રંજન કરતી સંસારી પદ્યવાર્તાઓ, માતાપૂજાનો મહિમા ગાતા ગરબા આદિનું ખેડાણ પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ સર્વ સાહિત્યને અનુલક્ષીને એમ કહી શકાય કે મધ્યકાલીન જૈનેતર સાહિત્યમાં સંસારરસની કથાઓ છતાં તેમાં ભક્તિમૂલક સાહિત્ય જ મુખ્ય છે, અને તેનું પ્રેરક બળ ઘણું ખરું તો પ્રાચીન ધર્મગ્રંથો, આખ્યાનકથાઓ કે પુરાણો જ રહ્યાં છે.[30] આપણે માટે જે મુદ્દો વિશેષ મહત્ત્વનો છે તે એ કે આ મધ્યકાલીન જૈનેતર પરંપરાનું સાહિત્ય, એકંદરે, ધર્મભક્તિના એક ચોક્કસ સીમિત પ્રાંતમાં જ બદ્ધ રહ્યું. સંસ્કૃતમાં ખેડાયેલી જ્ઞાનવિજ્ઞાનની કોઈ ચર્ચાવિચારણાને તત્કાલીન ગુજરાતીમાં અવતારવાનો કે તેનો સારસંક્ષેપ કરી આપણી પ્રજા આગળ મૂકવાનો કોઈ ઉલ્લેખપાત્ર પ્રયત્ન જણાતો નથી. દુર્ગાશંકર શાસ્ત્રી કહે છે કે સંસ્કૃતના દર્શનચિંતનનો અલ્પાંશ પણ મધ્યકાલીન ગુજરાતીમાં અવતર્યો નથી[31] અને એ વાત અલંકારશાસ્ત્રને ય એટલી જ લાગુ પડે છે. સંસ્કૃતમાં અલંકારશાસ્ત્રના ક્ષેત્રમાં જે દીર્ઘ પરંપરા જન્મી અને તેમાં જે વિપુલ અલંકારસાહિત્ય જન્મ્યું તેનું પ્રતિબિંબ આપણા મધ્યકાલીન સાહિત્યમાં ઝિલાયું નથી જ.[32] અત્યારે આપણી સમક્ષ જે સંશોધન સાહિત્ય ઉપલબ્ધ બન્યું છે તે જોતાં પ્રાચીન અલંકારશાસ્ત્રની ટીકાટિપ્પણી કે વ્યાખ્યાનું કોઈ ધ્યાનપાત્ર કાર્ય એ સમયે થયું હોય એમ જણાતું નથી. આના સંદર્ભમાં આપણે મહત્ત્વની વાત એ નોંધવી જોઈએ કે સત્તરમીઅઢારમી સદીમાં આપણે ત્યાં મુખ્યત્વે ભક્તિસાહિત્ય જ રચાતું રહ્યું. જ્યારે એ જ સમયે વ્રજ ભાષામાં ‘રીતિકવિતા’ની વિલક્ષણ પરંપરા જન્મી ચૂકી હતી. આ ‘રીતિકવિતા’માં વ્રજના કવિ-આચાર્યોએ સંસ્કૃત અલંકારશાસ્ત્રની, વિશેષતઃ ઉત્તરકાલીન ગ્રંથોની પ્રેરણાથી કાવ્યશિક્ષણના ગ્રંથો પદ્યમાં રચ્યા, અને કાવ્યશિક્ષણ સાથે રંજકતાનું તત્ત્વ જોડાતાં વિલક્ષણ પરિપાટીની કવિતા રચાવા પામી હતી. આ વિશે આગળ વિગતે ચર્ચા કરવા ધારી છે. આપણા મધ્યકાલીન સાહિત્યમાં સંસ્કૃત સાહિત્યની અમુક જ પરંપરાઓ ઉપલબ્ધ બની શકી એની પાછળ આપણી મધ્યકાલીન રાજકીય, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક પરિસ્થિતિ રહેલી જોઈ શકાશે. જે સમયે આપણી પ્રજા ભયંકર અરાજકતા, અસ્થિરતા કે સંક્ષોભમાંથી પસાર થઈ હશે ત્યારે આપણા પ્રજાજીવનમાં વિદ્યાવિકાસ માટે એટલી અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ ન હોય. નાનકડા વિદ્વાનવર્ગમાં જે કંઈ જ્ઞાનવિજ્ઞાનની ચર્ચા ચાલી હશે તે પણ સંસ્કૃત દ્વારા જ. અને સૈકાઓ સુધી ‘અપભ્રંશ’ લેખાતી રહેલી ગુજરાતીમાં ઉચ્ચ વિદ્યાની ચર્ચાવિચારણા રજૂ કરવાનું વલણ જન્મ્યું ન હોય એ ય અસંભવિત નથી – એટલે આ ગાળામાં એવી કોઈ અલંકારશાસ્ત્રની સ્વતંત્ર પરંપરા બંધાવા પામી ન હોય તો એ સમજી શકાય તેવી વાત છે. વળી, આપણા સંતોએ તો ભક્તિરસ ગાવામાં જ જીવનની કૃતકૃત્યતા અનુભવી છે. તેમની લેખનપ્રવૃત્તિ તેમના ધાર્મિક જીવનના સહજ આવિષ્કારરૂપ જ વિશેષ છે. તે દ્વારા કાવ્યતત્ત્વની સ્વતંત્ર પ્રતિષ્ઠા કરવાનો કોઈ હેતુ ન હોય તો તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. આ સંતોએ આ કારણે અલંકારશાસ્ત્રના વિષયમાં યે કોઈ જીવંત રસ લીધો ન હોય તો તે પણ એટલું જ સ્વાભાવિક જણાય છે. જોકે પ્રેમાનંદ જેવા પ્રતિભાસંપન્ન કવિનાં આખ્યાનોમાં જે વિભિન્ન રસોની નિષ્પત્તિ દેખાય છે તે સંસ્કૃત આચાર્યોની નવરસની વ્યસ્થામાં બરાબર બેસી શકે તેમ છે. આમ, નર્મદયુગના આરંભે જે મધ્યકાલીન જૈનેતર સાહિત્ય ઉપલબ્ધ બન્યું તેમાં યે અલંકારશાસ્ત્રને લગતી કોઈ ચર્ચા પ્રાપ્ત થતી નથી.
‘નવરસ’[33] કવિ નારાયણદાસના નામે ચઢેલી રસ વિષયક પુસ્તિકા
આપણે ઉપરની ચર્ચામાં જોયું કે મધ્યકાલીન ગુજરાતીમાં અલંકારશાસ્ત્રને લગતી કોઈ ઉલ્લેખપાત્ર પ્રવૃત્તિ થઈ જણાતી નથી. પરંતુ સમગ્ર મધ્યકાલના સાહિત્યપ્રવાહમાં અત્યંત વિલક્ષણ ઘટના જેવી ‘નવરસ’ નામની કૃતિનો નિર્દેશ અહીં આવશ્યક બની રહે છે. આ નાનકડી પુસ્તિકામાં પ્રાચીનોને અભિમત રસનું રૂઢ નિરૂપણ જોવા મળે છે. એના કર્તા કોઈ નારણદાસ નામના કવિ હોવાનું નોંધાયું છે. જોકે એ કૃતિ ‘પ્રાચીન કાવ્યમાળા’ના મણકા લેખે પ્રગટ થતાંવેંત જ આપણા બે વિદ્વાનો – રમણભાઈ નીલકંઠ[34] અને નરસિંહરાવ દિવેટિયાએ[35] જે નોંધ લીધી છે તે એટલી જ સૂચક જણાય છે. બંને સંશોધકોને આ કૃતિના કર્તૃત્વ વિશે સંદેહ જાગ્યો જણાય છે. આપણા વિવેચનનાં અન્ય લખાણોમાંય એનો ખાસ કોઈ નિર્દેશ જડતો નથી. એ રીતે એ કૃતિની શ્રદ્ધેયતા સંશયાતીત નથી. ‘નવરસ’ કૃતિ નાનાંમોટાં અગિયાર છૂટક પદોની બનેલી છે. આરંભમાં મંગળાચરણ છે. તેના કર્તાએ વિવિધ રસનાં દૃષ્ટાંતો રજૂ કરવાને રાધા અને કૃષ્ણને જ નાયિકા નાયક રૂપે સ્વીકાર્યાં છે. આ પુસ્તકને ‘નવરસ’ શીર્ષક મળ્યું છે તે જોતાં તેમાં શાન્તરસ સમેત નવરસની ચર્ચાની કે નિરૂપણની અપેક્ષા રહે છે. પરંતુ એમાં તો શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત એમ આઠ રસનાં દૃષ્ટાંતો જ રજૂ થયાં છે. અનુમાન એવું છે કે શૃંગારના નિરૂપણમાં ‘વિપ્રલંભ શૃંગાર’ અને ‘સંભોગ શૃંગાર’નું વિસ્તારી અને સ્વતંત્ર નિરૂપણ થયું છે તે જોતાં કદાચ એ બંનેને સ્વતંત્ર ગણી લઈ ‘નવરસ’ શીર્ષક આપ્યું હોય. ગમે તેમ, આ કૃતિનું કર્તૃત્વ સંશયાતીત ન બને ત્યાં સુધી આવી અપવાદરૂપ કૃતિની પ્રતિષ્ઠા કરવાનું કાર્ય જોખમી જ ગણાય.
‘પ્રાચીન ગુજરાતી’માં ‘વિવેચનના અંકુર’[36]-રમણભાઈ નીલકંઠના અવલોકન વિશે ચર્ચા
આપણે ત્યાં મધ્યકાલમાં કાવ્યવિવેચનની પરંપરા ભલે ન રચાવા પામી હોય, પણ એ સમયના સાહિત્યમાં ‘વિવેચનના અંકુર’ તો પાંગર્યા હતા જ, એવો એક મત આપણા જાણીતા વિદ્વાન રમણભાઈ નીલકંઠે રજૂ કરેલો છે. તેમની સમજણ આ જાતની છે : “પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વિવેચન સિદ્ધાંતોનો જ્યોતિર્મય દીપ થયો નથી તે છતાં એ પ્રકાશનાં કિરણો કદી કદી પ્રવિષ્ટ થયાં છે, અને ગુણદોષ પરીક્ષાનો શોધક અગ્નિ સળગ્યો નથી છતાં એ પાવક સ્ફુલ્લિંગો કદી કદી ચેત્યા છે.”[37] આ જાતના ‘પાવક સ્ફુલ્લિંગો’ તેમને અખો, શામળ અને વલ્લભનાં લખાણોમાં પ્રગટ્યા હોવાનું જણાયું છે. પ્રથમ અખાના ‘કવિ અંગ’ની નીચેની કડીઓની ચર્ચા તેઓ આરંભે છે.
“કવિતા ઘણા કવી ગયા, અદ્યાપિ કવે પ્રત્યક્ષ રહ્યા;”
“વળી આગળ કવસે બહુ કવી, મનની વૃત્ત્ય જો જો અનુભવી,”
“અખા મનાતીત્ય ત્યમનું ત્યમ, મનની વૃત્યમાં મનની ગમ્ય”
“જ્ઞાનીની કવિતા ન ગણીશ, કિરણ સૂર્યના કેમ વરણીશ.”[38]
** ** **
“ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર!”
“સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાશી ગયું.”[39]
** ** **
“સંસ્કૃત પ્રાકૃત જે વડે ભણે, જેમ કાષ્ટ વિષે રહ્યો ભાથાકણે,”
“તે છોડ્યાં બાણો ના’વે અર્થ, તેમ પ્રાકૃત વિના સંસ્કૃત તે વ્યર્થ”[40]
(ભાષાઅંગ)
આ કડીઓમાં રમણભાઈને વિવેચનના અસ્ફુટ એવા સિદ્ધાંતોની ઝાંખી થઈ છે. તેઓ એ કડીઓનું વિવરણ કરતાં કહે છે : “...કવિઓ મનની વૃત્તિમાં અનુભવ પ્રાદુર્ભૂત કરે છે, કવિ સરખી મનની વૃત્તિમાં આવ્યાથી તે વૃત્તિ ગમ્ય થાય છે, જ્ઞાન એ કવિતાનો પ્રત્યક્ષ વિષય નથી, જ્ઞાની તે કવિથી જુદા છે... ભાષા કરતાં વક્તવ્ય વિષયનું વધારે મહત્ત્વ છે, જે પ્રાકૃત ભાષા આપણે નિત્ય બોલતા હોઈએ તેનો અનાદર કરી કેવળ સંસ્કૃતને વળગી રહેવાથી લક્ષ વસ્તુને પહોંચાતું નથી, પ્રાકૃત બોલનાર માટે વિવક્ષિત વાત પ્રાકૃતમાં જ યથેષ્ટ કહી શકાય છે.”[41] આ પ્રકારની રમણભાઈની ચર્ચામાં અખાની મૂળ પંક્તિઓમાંથી સાહિત્યિક વિવેચનના જે જે સિદ્ધાંતો શોધાયા છે તે કંઈક વધારે પડતા ઉત્સાહી પ્રયત્નનું પરિણામ લાગે છે. અખાના ઉચ્ચારણમાં, અલબત્ત, કવિ, જ્ઞાની કે ભાષાને વિશેની દૃષ્ટિ જ પ્રગટ થાય છે, પણ એમાં તો અખો પરમ તત્ત્વની પ્રાપ્તિના સંદર્ભમાં જ એ વિચારો રજૂ કરે છે. એમાં અલંકારશાસ્ત્રને લગતી કોઈ ચર્ચા કે અભિપ્રાયો ઉચ્ચારવાનો તેનો આશય જણાતો નથી. રમણભાઈએ તેને સાહિત્યવિવેચનના સિદ્ધાંતો લેખે ઘટાવવાનો જે પ્રયત્ન કર્યો છે તેમાં, દેખીતી રીતે જ, તેમના વિચારોનું આરોપણ જણાય છે. શામળની નીચેની પંક્તિ પણ તેમને પોતાના વક્તવ્યનું સમર્થન કરતી લાગી છે :
“કહ્યું કવે તે શાનો કવિ, શીખી વાત તે શાની નવી.”[42]
આ પંક્તિના સંદર્ભમાં ચર્ચા કરતાં તેઓ કહે છે : “કવિ જે કહે તે કોઈએ કહેલું હોવું ન જોઈએ, કવિતામાં નવીનતા જોઈએ, કવિ રસમય દર્શનથી જે તત્ત્વ શીખવે તે પૂર્વે બીજા કોઈએ શીખવેલું હોય તો ચમત્કાર જતો રહે : એ સિદ્ધાંતો વિવેચનસાહિત્યમાં કવિની શક્તિ અને કલા પરત્વે ઘણા અગત્યના છે.”[43] પ્રસ્તુત ચર્ચામાં રમણભાઈએ કવિપ્રતિભાનો ખ્યાલ શોધવાનો જે પ્રયત્ન કર્યો છે તેની આધારરૂપ કડી શામળની ‘નંદબત્રીશી’ વાર્તામાં માત્ર પ્રાસંગિક ઉદ્ગાર રૂપ જ છે.[44] એક સાદા અનુભવકથનને મૂળ સંદર્ભની બહાર લાવી તેમાં જે વિવેચનની પ્રવૃત્તિ જોવાનો પ્રયત્ન છે તે કોઈ રીતે બરાબર નથી. એ પછી તેમણે વલ્લભના ‘કુન્તી પ્રસન્નાખ્યાન’નો ખંડ ઉતારી, તેમાં ‘પૃથિરાજરાસા’ના કર્તા ચંદ વરદાઈ અને પ્રેમાનંદની જે રીતે સરખામણી કરવામાં આવી છે, તે તરફ ધ્યાન ખેંચ્યું છે.[45] ‘કુન્તીપ્રસન્નાખ્યાન’ના કર્તાએ બે જુદા જુદા કવિઓની કવિતાની તુલનાત્મક વિવેચના કરવાનો યત્ન કર્યો છે એમ તેઓ માને છે. હવે મૂળ મુદ્દો એ છે કે અહીં વલ્લભના ‘કુન્તીપ્રસન્નાખ્યાન’નો આધાર લેવામાં આવ્યો છે, પરંતુ એ કૃતિ જ નહિ, એના કર્તાના અસ્તિત્વ વિશે યે હવે તો શંકા સેવવામાં આવે છે. અનંતરાય રાવળે પોતાના ‘ગુજરાતી સાહિત્ય : મધ્યકાલીન’ એ ગ્રંથમાં[46] વલ્લભની કૃતિઓનો પ્રશ્ન છેડતાં એ કૃતિઓની બનાવટ વિશેની ચર્ચા કરી છે, એટલું જ નહિ, એ સાથે એનો કર્તા વલ્લભ પણ કલ્પિત ઠરશે એવો સંશય સુધ્ધાં વ્યક્ત કર્યો છે. આ સંજોગોમાં તુલનાત્મક વિવેચનપ્રવૃત્તિનો ખ્યાલ જે ઉપરોક્ત કૃતિ પર આધારિત હતો, તે કૃતિની નિરાધારતાની સાથે એટલો જ નિરાધાર બની રહે છે. આ રીતે, રમણભાઈએ આપણા મધ્યકાલીન કવિઓની કેટલીક પંક્તિઓમાં વિવેચનના ‘અંકુરો’ શોધવાનો ઉત્સાહી પ્રયત્ન કર્યો છે. તેમણે, આગળ નોંધ્યું છે તેમ, તેમાં પોતાનું આરોપણ જ કર્યું છે એ સ્પષ્ટ જણાઈ આવે છે. મધ્યકાલીન કવિઓએ પોતપોતાની રચનાઓમાં પ્રસંગોપાત્ત સ્વસૂઝથી જો કોઈ ઉક્તિઓને સ્થાન આપ્યું હોય તો તેને તેના સંદર્ભમાં જ ઘટાવવી એ યોગ્ય છે. વિવેચનની શુદ્ધ તત્ત્વચર્ચાનો એમાં કોઈ સભાન આયાસ નહોતો જ. તેમ, એવી પ્રસંગોપાત્ત ઉક્તિઓનું સૈદ્ધાન્તિક ભૂમિકા પર કોઈ ઝાઝું મૂલ્ય પણ ન હોય, એમ પણ કહેવું જોઈએ.
મધ્યકાલીન ગુજરાતમાં વ્રજની કવિતાનો યોગ : એક સાંસ્કૃતિક ઘટના
મધ્યકાલીન ગુજરાતમાં નવમાદશમા શતકમાં વૈષ્ણવ સંપ્રદાય દૃઢમૂલ થયો[47] અને થોડા સમય પછી ઈ.સ.ના પંદરમા શતકમાં તેનો પ્રભાવ એકદમ વધતો દેખાય છે.[48] આ વૈષ્ણવધર્મનો પ્રભાવ વધતાં આપણે ત્યાં કૃષ્ણભક્તિનું વિપુલ સાહિત્ય રચાવા લાગ્યું એ હકીકતનો આગળ નિર્દેશ કર્યો છે જ. આ સમયે ઉત્તર ભારતમાં વલ્ભ સંપ્રદાયનો પ્રચાર વધ્યો હતો.[49] આ સંપ્રદાયની કૃષ્ણભક્તિ પાછળ આગવી દાર્શનિક ભૂમિકા રહેલી છે[50] પરંતુ તેના ભક્તકવિઓએ કૃષ્ણભક્તિનાં જે લલિતમધુર પદો રચ્યાં તે સાંપ્રદાયિકતાને અતિક્રમી સર્વ ભક્તહૃદયને સ્પર્શી રહ્યાં. આ કૃષ્ણભક્તિના મધુર કાવ્યના તારેતારે આપણા મધ્યકાલીન સંતો-ભક્તો વ્રજનો પરિચય પામ્યા. વળી કૃષ્ણભક્તિની વાહક વ્રજભાષા પોતે આદરપાત્ર બની રહી. આપણા અનેક સંતકવિઓએ વ્રજની ભક્તિકવિતાનું અમૃતપાન તો કર્યું છે જ, પણ કેટલાકે તો વ્રજમાં પદો રચવાનો સાત્ત્વિક ઉત્સાહ પણ દાખવ્યો છે.[51] આપણા જાણીતા મધ્યકાલીન કવિઓ નરસિંહ, ભાલણ, અખો, પ્રીતમ, દયારામ આદિએ વ્રજમાં પદો રચ્યાં છે એ તો જાણીતું છે. આગળ ઉપર જોઈશું કે અર્વાચીન યુગના આરંભે આપણે ત્યાં આપણી માતૃભાષા ગુજરાતી કરતાંયે સંસ્કૃત અને વ્રજનો મહિમા વિશેષ હતો. આપણા રાજદરબારોમાં વ્રજની પ્રતિષ્ઠા થઈ ચૂકી હતી. અને વ્રજની કવિતા સાથે વ્રજના કાવ્યશિક્ષણના ગ્રંથોનો ઉપયોગ કરવાની પ્રવૃત્તિ ય આરંભાઈ હતી. આમ, કૃષ્ણભક્તિ નિમિત્તે આપણે ત્યાં વ્રજ ભાષાનો યોગ થયો એ આપણા દેશની મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાના જ એક ભાગરૂપ છે. આ વ્રજ કવિતાના ક્ષેત્રમાં સત્તરમી સદીના આરંભકાળમાં ‘રીતિકાવ્ય’ નામે ઓળખાતી અલંકારશાસ્ત્રને લગતી એક વિલક્ષણ પ્રવૃત્તિ વિકસવા લાગી. આપણે હવે એની પણ ટૂંકી રૂપરેખા દોરવાનો પ્રયત્ન કરીશું.
‘રીતિ-કાવ્ય’ વિલક્ષણ પરંપરા :[52] તેના વિવિધ ગ્રંથોનાં લક્ષણો અને ગુજરાતીમાં અનુસંધાન :
વ્રજના કવિ આચાર્યોની ‘રીતિ-કાવ્ય’ની રચનાપ્રવૃત્તિ સંસ્કૃત અલંકારશાસ્ત્રની, ખાસ કરીને એ પરંપરાના ઉત્તરકાલીન ગ્રંથોની પ્રેરણા અને આધાર લઈને વિકસી છે, પણ તેની માંડણી અને નિરૂપણશૈલી વિલક્ષણ છે. એમાં વ્રજના કવિઆચાર્યોએ સંસ્કૃત અલંકારશાસ્ત્રમાંનાં કાવ્યલક્ષણોને સદૃષ્ટાન્ત રજૂ કરવાની દૃષ્ટિ રાખી છે. એ રીતે ‘રીતિકાવ્ય’માં કવિતાની રચનાકલાને લગતા નિયમો અને એ નિયમોને જ આધીન કાવ્યરચના એ બંને વસ્તુઓનો યોગ થાય છે. વળી, આ કવિઓને દરબારી આશ્રય મળ્યો હોવાથી તેમાં સભારંજક તત્ત્વોનું પ્રાચુર્ય દેખીતી રીતે જ આવ્યું છે. આ વિલક્ષણ પ્રવૃત્તિના મૂળમાં એ પ્રદેશની લાક્ષણિક રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક પરિસ્થિતિ રહેલી છે. આ ‘રીતિ’ પરંપરાના ગ્રંથોને તેમાં નિરૂપાયેલા વિષય અને તેના આધારભૂત સંસ્કૃત અલંકારગ્રંથોને અનુલક્ષીને ચાર ભાગમાં વહેંચી નાખવામાં આવ્યા છે. (અ) કવિતાના સર્વાંગી નિરૂપણના (બ) રસ નિરૂપણના (ક) અલંકાર નિરૂપણના (ડ) પિંગળ નિરૂપણના ગ્રંથો.
(અ) કવિતાની સર્વાંગી (કે વિવિધાંગી) વિચારણા કરનારા ગ્રંથો :[53]
આ પ્રકારના ગ્રંથોમાં ચિંતામણિનો ‘કવિકુલકલ્પતરુ’ (સં. ૧૬૯૦ની આસપાસ), કુલપતિમિશ્રનો ‘રસરહસ્ય’ (સં ૧૭૨૭), પદુમનદાસનો ‘કાવ્યમંજરી’ (સં. ૧૭૪૧), દેવનો ‘શબ્દરસાયણ’ યા કાવ્યરસાયણ (સં. ૧૮૦૦), કુમારમણિનો ‘રસિકરસાલ,’ (?) શ્રીપતિનો ‘કાવ્યસરોજ’ (સં. ૧૭૭૭) સોમનાથનો ‘રસપીયૂષનિધિ’ (સં. ૧૭૯૪), ભિખારીદાસનો ‘રસસારાંશ’ (સં. ૧૭૯૧), પ્રતાપસિંહનો ‘કાવ્યવિલાસ’ (સં. ૧૮૮૬) આદિ મુખ્ય છે. (આપણે ત્યાં કવિ નથુરામ શર્માએ આ સદીમાં વ્રજના આ ગ્રંથોની પરિપાટીએ ‘કાવ્યશાસ્ત્ર’ની રચના કરી છે. (પ્રથમ આવૃત્તિ, પ્રકાશન ૧૯... પોતે જ પ્રકાશન કરેલું.)
(બ) રસનિરૂપણના ગ્રંથો[54] :
‘રીતિકાવ્ય’ની પરંપરામાં રસ અને નાયિકાભેદને લગતા ગ્રંથો પુષ્કળ લખાયા છે. રસનિરૂપણના ગ્રંથોમાં મુખ્યત્વે તો રસરાજ શૃંગારરસની અને તે નિમિત્તે વળી નાયક-નાયિકાભેદની વિચારણા જ કેન્દ્રમાં રહી છે. એમાંના કેટલાક ગ્રંથોમાં સર્વ રસોનું નિરૂપણ હોય છે. તો કેટલાકમાં માત્ર શૃંગારનું જ. વળી નાયક-નાયિકાભેદના સ્વતંત્ર ગ્રંથો ય મળે છે. આ ગ્રંથોની પ્રેરણા જેમાંથી પ્રાપ્ત થઈ છે તે ગ્રંથો આ પ્રમાણે છે : ભરતનું નાટ્યશાસ્ત્ર, વાત્સ્યાયનનું ‘કામસૂત્ર’, રુદ્રભટ્ટનો ગ્રંથ ‘શ્રુંગારતિલક’, ભોજનો ‘સરસ્વતીકંઠાભરણ’ અને ‘શૃંગારપ્રકાશ’, ધનંજયનો ‘દશરૂપક’, મમ્મટનો ‘કાવ્યપ્રકાશ’, ભાનુદત્તનો ‘રસતરંગિણી’ અને ‘રસમંજરી’ અને વિશ્વનાથનો ‘સાહિત્યદર્પણ’. ઘણી વાર આમાંના કોઈ એક ગ્રંથ યા અનેક ગ્રંથોનો આધાર લેવાયો હોય છે. રસના નિરૂપણમાં ખાસ કોઈ મૌલિકતા જણાતી નથી, પરંતુ નાયક-નાયિકા ભેદના નિરૂપણમાં વૈવિધ્ય જોવા મળે છે. અહીં આપણે આ પ્રકારના વ્રજના ગ્રંથોમાંથી કેટલાકનો જ નિર્દેશ કરીશું. સર્વ રસનું નિરૂપણ કરનારા ગ્રંથોમાં કેશવદાસ કૃત ‘રસિકપ્રિયા’ (રચના સાલ સં. ૧૬૪૮ આસપાસ) અને માત્ર શૃંગારરસનું નિરૂપણ કરનારા ગ્રંથોમાં સુંદર કવિનો ‘સુંદરશ્રુંગાર’ (સં. ૧૬૮૮) અને મતિરામનો ‘રસરાજ’ (સં. ૧૭૨૦ આસપાસ) એ ગ્રંથો નોંધપાત્ર છે, ખાસ તો એટલા માટે કે આ ગ્રંથો જ ઘણું કરીને આપણે ત્યાં નર્મદયુગમાં પ્રભાવક બન્યા જણાય છે. આપણા કવિ નર્મદે તેની ‘રસપ્રદેશ’ નામે પુસ્તિકા માટે સંસ્કૃત ગ્રંથ ‘સાહિત્યદર્પણ’ ઉપરાંત વ્રજના બે ઉપર ઉલ્લેખિત ‘રસિકપ્રિયા’ અને ‘સુંદરશૃંગાર’નો આધાર લીધો છે.[55] કવિ વાલજી લક્ષ્મીરામ નામના બીજા એક કવિએ સંસ્કૃત ‘રસમંજરી’ અને વ્રજના ‘રસરાજ’નો આધાર લઈ ગુજરાતીમાં ઈ.સ. ૧૮૭૭માં ‘રસમંજરી’ નામે ગ્રંથ બહાર પાડ્યો હતો.[56] વળી હર્ષદરાય નામના કોઈ કવિએ વ્રજના ‘રસિકપ્રિયા’ ગ્રંથ પર ટીકા લખી છે.[57] અહીં નર્મદના ‘નાયિકાવિષયપ્રવેશ’નો ય ઉલ્લેખ જરૂરી છે. નર્મદે આ પુસ્તિકા માટે સંસ્કૃત ‘સાહિત્યદર્પણ’, સંસ્કૃત ‘રસમંજરી’નો મરાઠી અનુવાદ તથા વ્રજના ‘સુંદરશૃંગાર’નો આધાર લીધો છે.[58]
(ક) અલંકાર નિરૂપણના ગ્રંથો[59] :
આ પ્રકારના ‘રીતિ’ ગ્રંથોની મુખ્ય પ્રેરણા (આગળની ચર્ચામાં ઉલ્લેખેલા) સંસ્કૃતના ગ્રંથો ‘ચંદ્રાલોક’ અને ‘કુવલયાનન્દ’ એ બેમાંથી મળી છે. આ પ્રકારના વ્રજના વિપુલ સાહિત્યમાં જશવંતસિંહનો ‘ભાષાભૂષણ’ ખૂબ જાણીતો છે. આપણે ત્યાં આ ગ્રંથ અનેક કવિઓને પ્રેરક બન્યો જણાય છે. કવિ નર્મદે પોતાની પુસ્તિકા ‘અલંકારપ્રવેશ’ માટે જે જે ગ્રંથોનો આધાર લીધો હતો તેમાં સંસ્કૃતના ‘ચંદ્રાલોક’; ‘કુવલયાનન્દકારિકા’ અને ‘સાહિત્યદર્પણ’ મરાઠીનો અલંકારવિવેક ઉપરાંત પ્રસ્તુત વ્રજ ગ્રંથ ‘ભાષાભૂષણ’નો ય આધાર લીધો હોવાનું નોંધ્યું છે.[60] આપણા બીજા એક કવિ દલપતરામ દુર્લભરામે વ્રજના ગ્રંથોની પ્રેરણા લઈ ઈ.સ. ૧૮૭૮માં ‘ભાષાભૂષણ’ ગ્રંથ રચ્યો હોવાનો ય ઉલ્લેખ મળે છે.[61]
(ડ) પિંગળનું નિરૂપણ કરનારા ગ્રંથો[62] :
આ પ્રકારના ગ્રંથોમાં પિંગળની ચર્ચા મળે છે. એમાં કેશવકૃત ‘છંદમાલા,’ ચિંતામણિનો ‘પિંગલ’, મતિરામનો ‘વૃત્તકૌમુદી’, સુખદેવ મિશ્રનો ‘વૃત્તવિચાર’ આદિનો સમાવેશ થાય છે. આ પ્રકારનાં પિંગળોએ આપણે ત્યાં પ્રભાવ પાડ્યો હોય તો કેટલો તે જણાવતાં ચોક્કસ નિદર્શનો મળ્યાં નથી. આમ, વ્રજના કાવ્યસાહિત્યમાં લગભગ બે અઢી સૈકા સુધી આ પ્રકારની ‘રીતિ-કાવ્ય’ની એક વિશાળ પરંપરા વિકસતી રહી. આપણે જોયું કે એ પ્રકારના સાહિત્યની મૂળ પ્રેરણા અને આધાર તો સંસ્કૃત અલંકારશાસ્ત્રના ગ્રંથો, વિશેષતઃ ઉત્તરકાલીન ગ્રંથો જ, રહ્યા છે. એ રીતે સંસ્કૃતના અલંકારશાસ્ત્રની જે પરંપરા સોળમા સત્તરમા સૈકામાં એ પ્રદેશમાં ચાલી, તેનું અનુસંધાન જાળવીને વ્રજની, (અને આપણે ત્યાં ’ભાખા’ના નામે પ્રચલિત) ‘રીતિ-કવિતા’નો વિકાસ સંભવ્યો. આ ‘રીતિ-કવિતા’માં, આપણે જોયું તેમ, સંસ્કૃતના ઉત્તરકાલીન અલંકારગ્રંથોનો પ્રભાવ વિશેષ રહ્યો છે. સંસ્કૃતના ‘કવિશિક્ષા’ના ગ્રંથોમાં કવિતારચનાના જે નિયમો સ્થાન પામ્યા હતા, તેમાં પ્રાસાનુપ્રાસ, શ્લેષ, ઝડઝમક આદિ રચનાચાતુરીના સ્થૂળ અંશોનો મહિમા થવા લાગ્યો હતો એ વાત આપણે આગળ જોઈ ગયા છીએ. ‘રીતિ-કવિતા’માં આ પ્રકારની રચનાચાતુરીનો જ મહિમા રહ્યો, અને તેથી પ્રાસાનુપ્રાસાદિ સ્થૂળ તત્ત્વોની ઉપાસના વધી. હકીકતમાં, રીતિકાલીન આચાર્યોએ સદૃષ્ટાન્ત કાવ્યલક્ષણો રજૂ કરવાનાં હતાં. એટલે, દેખીતી રીતે જ, તેમાં કવિઓની સહજાનુભૂતિ કરતાં યે આયાસપૂર્વક સિદ્ધ કરેલી રચનાચાતુરીનું પ્રાધાન્ય રહ્યું. વળી આ સમગ્ર પરંપરા દરબારોના આશ્રયે વિકસી, એટલે એમાં સભારંજક તત્ત્વોનો પુરસ્કાર જ વધુ થયો. આ રીતે વ્રજ કે ‘ભાખા’ રીતિ એ સભારંજની કવિતાની લગભગ પર્યાય બની ગઈ. આપણે ત્યાં નર્મદયુગના આરંભકાળમાં વ્રજના રીતિકાવ્યનો પ્રભાવ વધ્યો જણાય છે. આપણે એ મુદ્દા વિશે વિચારણા કરીએ તે પૂર્વે એક મુદ્દો વિચારી લેવાનો રહે છે. અને તે એ કે મધ્યકાલમાં છેવટ પર્યંત આપણા સંતકવિઓએ વ્રજની ભક્તિકવિતા નિમિત્તે એ ભાષાનો પરિચય કર્યો હોય તો આપણે ત્યાં ‘રીતિ-કવિતા’ પ્રકારની રચનાઓ કેમ જન્મી નહિ હોય? આનો ઉત્તર એ કે આપણા મધ્યકાલીન સંતો તેમના ભક્તિરસમાં જ લીન રહ્યા છે, અને સભાનપણે અલંકારયુક્ત કવિતા રચનાની કોઈ વૃત્તિ તેમણે સામાન્યતઃ સેવી જણાતી નથી. વ્રજના દરબારી આચાર્યોએ જે રીતિ-કાવ્ય નિપજાવ્યું તેની પાછળ તત્કાલીન પરિસ્થિતિ જવાબદાર હતી એ વાત આપણે આગળ નોંધી ગયા છીએ. અને એ હકીકત ખૂબ જ સૂચક છે. વ્રજના કવિઓએ સભારંજનના હેતુથી, આયાસપૂર્વક, રચનાચાતુરીનું કૌશલ આણવાના પ્રયત્નો કર્યા. આપણા સંતકવિઓને એવી કોઈ આવશ્યકતા જન્મી નહોતી. તેમણે જે કંઈ ભક્તિસાહિત્ય રચ્યું તેમાં તેમના ભક્ત હૃદયની સરળ સરવાણી પ્રગટી છે. એટલે કૃત્રિમ વાક્વિલાસથી તેઓ વેગળા રહ્યા હોય એ દેખીતું છે.[63]
નર્મદયુગમાં ‘વ્રજ’નો પ્રભાવ અને પરંપરાગત અલંકારશાસ્ત્રની પ્રવૃત્તિઃ
આપણી અત્યારસુધીની ચર્ચાવિચારણા પરથી એક વાત તો સ્પષ્ટ જણાઈ આવે છે કે આપણે ત્યાં મધ્યકાલમાં સંસ્કૃત અલંકારશાસ્ત્રની કોઈ જૈનેતર પરંપરાનું સાતત્ય જોવા મળતું નથી. તેમ તે સમયના સાહિત્યમાં તેનું કોઈ પ્રતિબિંબ પણ ઝિલાયું નથી. વળી, આપણે આગળ જોયું તેમ, કૃષ્ણભક્તિના તારેતારે આપણને વ્રજના કાવ્યસાહિત્યનો સંબંધ થયો. જો કે મધ્યકાલીન સંતોએ ‘રીતિ-કાવ્ય’નું અનુસરણ કર્યું નથી. પરંતુ વ્રજનો મહિમા ઓછો થયો નથી. હકીકતમાં, નર્મદયુગના આરંભે આપણી માતૃભાષા ગુજરાતી કરતાં યે સંસ્કૃત અને વ્રજ (એ ‘ભાખા’ કે ‘હિન્દુસ્તાની’ નામે ય પ્રચલિત હતી)નો આદર કરવાનું વલણ વિશેષ જોવા મળે છે.[64] મધ્યકાલથી કૃષ્ણભક્તિ નિમિત્તે વ્રજના સાહિત્યનો જે આદર થવા લાગ્યો હતો, તે અર્વાચીન યુગના આરંભે જાણે પરાકાષ્ઠા સાધે છે. કવિતાની ભાષા તો સંસ્કૃત કે વ્રજ હોય એવું ય એ સમયે મનાવા લાગ્યું હતું.[65] અને આપણે ત્યાં રાજદરબારોમાં, તીર્થોમાં, અને મંદિરોમાં વ્રજનો પ્રચાર વધ્યો હતો.[66] આ સંજોગોમાં એ સમયના કાવ્યરસિકોએ વ્રજના ‘રીતિ-કાવ્ય’નું જે કંઈ આછુંપાતળું સાહિત્ય ઉપલબ્ધ બન્યું તેની જ પ્રેરણા લીધી છે. કવિ દલપતરામે તો ભુજ પાઠશાળામાં વ્રજના કાવ્યશાસ્ત્રનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હતો. તેમના અભ્યાસમાં વ્રજના ગ્રંથો ‘કવિપ્રિયા’, રસિકપ્રિયા, ‘જ્ઞાનચાતુરી’, ‘કાવ્યચાતુરી’ ઉપરાંત ‘માનમંજરી’, ‘અનેકાર્થી’ આદિ કૃતિઓ પણ આવી હતી.[67] તેમની કવિતામાં, દેખીતી રીતે જ, વ્રજના પ્રભાવરૂપે પ્રાસાનુપ્રાસ, ઝાડઝમક, શ્લેષરચના, છંદોચાતુરી, પ્રહેલિકા, ચિત્રકાવ્ય આદિનો મહિમા થયો, એટલું જ નહિ, વ્રજ કવિઓની રીતરસમને અનુસરી સભારંજની શીઘ્ર કવિતાનો પણ તેમણે પુરસ્કાર કર્યો.[68] તેમનું કાવ્યમાનસ આ ‘રીતિ’ના સંસ્કારોથી પોષાયું, અને એ સંસ્કારો એટલા તો દૃઢ બન્યા હતા કે તેમની લગભગ સમગ્ર કાવ્યપ્રવૃત્તિ એ ‘રીતિ’ની શૈલીમાં જ બદ્ધ રહી. નોંધવા જેવું એ છે કે અર્વાચીન યુગના આરંભે કવિ નર્મદે અંતઃક્ષોભપ્રેરિત આત્મલક્ષી એવી નવીન કવિતાની દિશામાં પ્રવૃત્તિ કરી – અને આપણે જોઈશું કે આપણી અર્વાચીન કવિતામાં તેમણે કેટલુંક મહત્ત્વનું નવપ્રસ્થાન પણ કર્યું છે – છતાં એ યુગના પ્રભાવશાળી કવિ તો દલપતરામ જ રહ્યા છે, એમ આપણા કવિ-વિવેચક સુંદરમે નોંધ્યું છે[69]. હકીકતમાં, દલપતકાવ્ય એ મધ્યકાલીન વ્રજ કવિતાનું અનુસંધાન જાળવતી કવિતા છે. આપણા નર્મદયુગમાં પરંપરાપ્રાપ્ત કાવ્યશાસ્ત્રના અભ્યાસથી પ્રભાવિત વ્યાપક કાવ્યરુચિની યે એ નિર્દેશક બની રહે છે. આપણી અર્વાચીન કવિતામાં નવપ્રસ્થાન કરનાર કવિ નર્મદે પણ પોતાના કાવ્યશિક્ષણ માટે આરંભમાં વ્રજ અને સંસ્કૃતના કાવ્યશાસ્ત્રના કેટલાક ગ્રંથોનો આધાર લીધો છે. તેણે પોતાના કાવ્યશિક્ષણની ફલશ્રુતિરૂપ ‘અલંકારપ્રવેશ’[70], ‘રસપ્રવેશ’[71] અને ‘નાયિકાવિષયપ્રવેશ’[72] આદિ પુસ્તિકાઓ લખી છે. આ પુસ્તિકાઓની નિરૂપણરીતિ સંસ્કૃત અને વ્રજના ગ્રંથોની પરિપાટીની જ છે. એના કેટલાક પ્રેરણારૂપ સંસ્કૃત અને વ્રજના ગ્રંથોનો આગળ ઉપર ઉલ્લેખ કરી ગયા છીએ. વ્રજના પરંપરાગત કાવ્યશિક્ષણનો અભ્યાસ કરનારા આપણા કવિઓમાં બીજા એક કવિ હીરાચંદ કાનજીનો ઉલ્લેખ પણ જરૂરી છે. તેમણે વ્રજના ગ્રંથ ‘ભાષાભૂષણ’[73] પર ટીકા, ઉપરાંત ‘સુંદરશૃંગાર’[74] તથા ‘હીરાશૃંગાર’[75] આદિની રચના કરી હોવાનું નોંધાયું છે. વળી કવિ વાલજી લક્ષ્મીરામનો ‘રસમંજરી’ ગ્રંથ[76], કવિ હર્ષદરાયની વ્રજના ગ્રંથ ‘રસિકપ્રિયા’ પરની ટીકા,[77] કવિ દલપતરામ દુર્લભરામનો ‘ભાષાભૂષણ’[78] નામે ગ્રંથ પણ આ જ પરંપરાનું અનુસંધાન જાળવતા જણાય છે. આ સદીમાં કવિ સવિતાનારાયણે રચેલી ‘અલંકારચંદ્રિકા’ પણ સંસ્કૃત અને વ્રજના અલંકારનિરૂપણને અનુસરતી જણાય છે. અને રાજકવિ નથુરામ શર્માના ‘કાવ્યશાસ્ત્ર’ અને ‘નાટ્યશાસ્ત્ર’ એ ગ્રંથો પણ આ પરંપરાનું જ સાતત્ય જાળવતા ગ્રંથો છે. પ્રાચીન પદ્ધતિએ, અનુક્રમે, કવિતા અને નાટકનાં લક્ષણોની ચર્ચા એમાં મળે છે. આપણા ગઈ સદીના નાટ્યકાર રણછોડભાઈએ પણ ‘નાટ્યપ્રકાશ’ અને ‘રસપ્રકાશ’[79] ની રચના કરી છે. આ પરંપરાગત કાવ્યચર્ચામાં, કાવ્યશાસ્ત્રના એક અંગ લેખે, પિંગળનો અભ્યાસ કરવાનું વલણ પ્રબળ જણાય છે. કવિ દલપતરામની કૃતિ ‘દલપતપિંગળ’[80], કવિ નર્મદની ‘પિંગળપ્રવેશ’[81], કવિ હીરાચંદની ‘પિંગળાદર્શ’[82], રણછોડભાઈની ‘રણપિંગળ’ આદિમાં આપણી પરંપરાગત પિંગળની ચર્ચા કે છંદોરચનાનું નિરૂપણ જોવા મળે છે. આ જ પરંપરામાં કેશવ હ. ધ્રુવનો ગ્રંથ ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના’ પણ ખૂબ મહત્ત્વનો છે. એમાં પદ્યરચના અને છંદોરચના વિષયક વિદ્વત્તાપૂર્ણ ચર્ચાવિચારણા જોવા મળે છે. આના અનુસંધાનમાં બીજી એક મહત્ત્વની વાત એ નોંધવી જોઈએ કે આપણી આરંભકાળની કાવ્યચર્ચામાં, નવલરામનાં અને વિશેષતઃ નરસિંહરાવનાં લખાણોમાં પિંગળ વિષયક ચર્ચા ઠીક ઠીક સ્થાન રોકે છે. અલબત્ત, આપણી અર્વાચીન કવિતાના સંદર્ભમાં તેની પદ્યરચના અને તેની છંદોરચનાના પ્રશ્નો ધ્યાન માગે એ સ્વાભાવિક છે. પરંતુ આપણે એ પણ નોંધવું જોઈએ કે એ યુગની કાવ્યચર્ચામાં પરંપરાગત પિંગળના પ્રશ્નો ય સ્વાભાવિક રીતે સ્થાન પામ્યા છે. આમ, આપણે ત્યાં ગઈ સદીના અંત સુધી, અને કંઈક આ સદીના આરંભમાં યે, પરંપરાગત કાવ્યશાસ્ત્રનો વિચાર કરવાનું વલણ જારી રહ્યું દેખાય છે. ઈ.સ. ૧૯૦૯માં ડાહ્યાભાઈ દેરાસરીએ ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’[83]માં આપણી નવી કાવ્યવિવેચનાની પ્રાણપ્રતિષ્ઠા નથી કરી, પણ આઠમા પ્રકરણ ‘ભાષા અને વિજ્ઞાન’માં પેટાશીર્ષક ‘પિંગળ-અલંકાર વગેરે’[84] હેઠળ વીતેલી સાઠીનાં પિંગળાદિની જ મુખ્યત્વે ચર્ચા કરી છે. હકીકતમાં, એ સમય સુધીમાં નર્મદ નવલરામની થોડીક અગત્યની ચર્ચા, ઉપરાંત, ખાસ તો, રમણભાઈ નીલકંઠની સર્વાંગી કાવ્યવિવેચનાના લેખો પ્રગટ થઈ ચૂક્યા હતા.[85] વળી મણિલાલ[86], નરસિંહરાવ[87] ગોવર્ધનરામ અને આચાર્ય આનંદશંકરની[88] સિદ્ધાંતચર્ચાનાં કેટલાંયે મહત્ત્વનાં લખાણો પ્રગટ થઈ ચૂક્યાં હતાં. આમ છતાં ડાહ્યાભાઈ દેરાસરીના પ્રસ્તુત ગ્રંથમાં તેની ખાસ નોંધ લેવામાં આવી નથી એ સૂચક છે. એ વેળાએ પણ કાવ્યચર્ચા પિંગળ અલંકારાદિની વિચારણામાં જ સીમિત થઈ જાય એવો કંઈક ખ્યાલ પ્રવર્તતો જોઈ શકાય. આ ચર્ચાવિચારણાને અંતે એમ કહી શકાય કે ગઈ સદીમાં પરંપરાગત કાવ્યશિક્ષણના ગ્રંથોનો પ્રભાવ ઠીક ઠીક રહ્યો જણાય છે. કવિતાના અભ્યાસ નિમિત્તે પિંગળ ઉપરાંત અલંકારાદિનો રૂઢ વિચાર કરવાનું વલણ જ પ્રબળ દેખાય છે. વળી વ્રજના કાવ્યશાસ્ત્રના સંસ્કારો પામેલો એક મોટો કવિવર્ગ તો કવિતામાં ઝડઝમક, પ્રાસાનુપ્રાસ, શ્લેષ આદિનો જ મહિમા કરતો રહ્યો છે. અને છંદોરચનાની ચાતુરી કે દરબારી સભારંજક શીઘ્રકવિતા માટે પક્ષપાત ધરાવતો દેખાય છે. આપણા મોટા ભાગના કાવ્યરસિકોની કાવ્યરુચિ એથી કુંઠિત થઈ જવા આવી હતી. આ કારણે જ નર્મદ, નવલરામ, રમણભાઈ, નરસિંહરાવ અને મણિલાલ જેવા આરંભકાળના વિવેચકોએ વ્રજપ્રેરિત શીઘ્રકવિતા કે છંદોચાતુરીવાળી રચનાઓનો સતત વિરોધ કરી શુદ્ધ ભાવમૂલક કવિતાની પ્રતિષ્ઠા કરવાના પ્રયત્નો કર્યા છે. આપણે એ વિદ્વાનોની કાવ્યચર્ચામાં, યથાસ્થાને, નોંધ કરીશું કે એ વિદ્વાનોએ પાશ્ચાત્ય અને સંસ્કૃત કાવ્યશાસ્ત્રના અભ્યાસમાંથી પ્રાપ્ત કાવ્યવિચારણાનો યોગ કરી શુદ્ધ કાવ્યની રુચિ પોષવાનો યત્ન કર્યો છે. એ વિદ્વાનોએ એ રીતે આપણા એ સમયના કાવ્યરસિકોની કુંઠિત થયેલી કાવ્યરુચિને પરિશુદ્ધ કરવાનો પ્રશસ્ય પુરુષાર્થ કર્યો છે. આપણા વિવેચનની એ એક મહત્ત્વની ઘટના છે.
નવીન કાવ્યવિવેચનામાં સંસ્કૃત અલંકારશાસ્ત્રની પુનઃપ્રતિષ્ઠા :
આપણે ગયા પ્રકરણમાં નોંધી ગયા છીએ કે ગઈ સદીમાં આપણે ત્યાં શરૂ થયેલી યુનિવર્સિટીઓમાં પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રની સાથોસાથ સંસ્કૃત અલંકારશાસ્ત્રની પુનઃપ્રતિષ્ઠા થઈ, અને આપણા એ સમયના વિદ્વાનોને બે ભિન્ન દેશકાળમાં વિકસેલી કાવ્યશાસ્ત્રની પરંપરાઓનો તુલનાત્મક અભ્યાસ કરવાની તક મળી. જોકે નર્મદયુગમાં બંને પરંપરાના કાવ્યશાસ્ત્રની હજી અછત વરતાતી હતી, પણ એ પછીના સમયના વિદ્વાનો એ પરંપરાની કેટલીક મૂલ્યવાન ચર્ચાઓ વિશે માહિતગાર બન્યા હતા. એટલે તેમની વિવેચનામાં આપણા સંસ્કૃત અલંકારગ્રંથોની વ્યાખ્યા અને વિવેચના આરંભાઈ, અને પાશ્ચાત્ય કાવ્યસિદ્ધાંતોના સંદર્ભમાં આપણા પ્રાચીન પરંપરાના સિદ્ધાંતોનું મહત્ત્વ વધુ ને વધુ સ્પષ્ટ થવા લાગ્યું. કવિ નર્મદે તેના ‘કવિ અને કવિતા’ નિબંધમાં પાશ્ચાત્ય કાવ્યચર્ચાના કેટલાક ત્રૂટક વિચારો સાથે ભારતીય રસતત્ત્વને સાંકળી લેવાનો પ્રયત્ન કર્યો. તેણે ‘પ્રતાપરુદ્ર’ની કવિતાની વ્યાખ્યાને અવગણી વિશ્વનાથની ‘વાક્ય રસાત્મકં કાવ્યમ્’ એ વ્યાખ્યાનો પુરસ્કાર કર્યો.[89] એના સમકાલીન અને વિદ્વાન મિત્ર નવલરામે પોતાનાં ગ્રંથાવલોકનોમાં રસતત્ત્વને એક મહત્ત્વના નિકષ લેખે સ્થાપિત કર્યું છે. પંડિતયુગના અભ્યાસીઓએ રસસિદ્ધાંત ઉપરાંત પ્રાચીનોના ‘રીતિ’ ‘અલંકાર’ ‘ધ્વનિ’ આદિ સિદ્ધાંતોની પ્રતિષ્ઠા કરી. આપણી નવી કાવ્યવિવેચનામાં એ રીતે પ્રાચીન કાવ્યસિદ્ધાંતોનો વિનિયોગ થતો રહ્યો છે. રમણભાઈ નીલકંઠે તેમના ‘કાવ્યાનંદ’ નિબંધમાં આનંદમીમાંસાના આધારરૂપે (મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ને અનુસરી) રસસિદ્ધાંતનું વ્યવસ્થિત અને સર્વાંગી નિરૂપણ કર્યું. તેમણે પોતાની કાવ્યચર્ચામાં કવિતાના ‘અંગી’ લેખે રસતત્ત્વની પ્રતિષ્ઠા કરી અને કવિત્વરીતિ, અલંકાર, છંદ, પ્રાસાદિનો કવિતાના અંગ લેખે વિચાર કર્યો. વળી પંડિત યુગના અન્ય વિદ્વાનોમાં, નરસિંહરાવ, મણિલાલ અને આચાર્ય આનંદશકર તેમની આગવી આગવી કાવ્યચર્ચાના સંદર્ભમાં રસસિદ્ધાંતને જ કેન્દ્રમાં સ્થાપતા જણાય છે. એ પછી આપણી વિવેચનાને આગળ લઈ જનારા વિદ્વાનોમાં રામનારાયણ પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, રામપ્રસાદ બક્ષી, રસિકલાલ પરીખ, ડોલરરાય માંકડ આદિએ રસમીમાંસાના કોઈ ને કોઈ પ્રશ્નનું વિવરણ કે તેની નવીન સંદર્ભમાં ચર્ચાવિચારણા જારી રાખી છે. આમ, આપણી એક સૈકાથી યે કંઈક વધુ ગાળાની વિવેચનામાં સંસ્કૃત અલંકારશાસ્ત્રના રસ, ધ્વનિ, અલંકારાદિ સિદ્ધાંતો ઓછાવત્તા ચર્ચાતા રહ્યા છે. અને ગઈ સદીમાં રૂઢ થઈ જવા આવેલા એ સંપ્રત્યયોની નવેસરથી સ્પષ્ટતા કરી તેની પુનઃપ્રતિષ્ઠા કરવાના પ્રયત્નો કર્યા છે.
પાદનોંધ :
- ↑ (અ) પ્રો. હીરાલાલ કાપડિયાના સંશોધનગ્રંથ “જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસઃ સાર્વજનીન સાહિત્ય – ખંડ ૧”માં જૈન સૂરિઓએ ખેડેલી વિદ્યાઓનો અભ્યાસપૂર્ણ પરિચય મળે છે.
(બ) ડૉ. ભોગીલાલ સાંડેસરાના સંશોધનગ્રંથ ‘મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો’ ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, આવૃત્તિ પહેલી, ઈ.સ. ૧૯૫૭’માં વસ્તુપાળના સમયમાં ચાલેલી જૈન-જૈનેતરોની, વિશેષતઃ જૈન સૂરિઓની વિદ્યાવિષયક પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
(ક) આચાર્ય આનંદશંકરના ‘ગુજરાતનું સંસ્કૃત સાહિત્ય’ એ લેખમાં પણ જૈન-જૈનેતરોની વિદ્યાવિષયક પ્રવૃત્તિઓનો ટૂંકો પણ વિદ્વત્તાપૂર્ણ પરિચય મળે છે. મૂળ આ લેખ ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદમાં વંચાયેલો. પાછળથી ‘દિગ્દર્શન’માં ગ્રંથસ્થ થયો છે. દિગ્દર્શન’ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટીઃ અમદાવાદ (સંપાદકો – રામનારાયણ વિ. પાઠક, ઉમાશંકર જે. જોશી) આવૃત્તિ પહેલી : ઈ.સ. ૧૯૪૨ - ↑ “જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : સાર્વજનીન સાહિત્ય” ખંડ ૧માં પ્રકરણ - ૬ ‘અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર)’ પ્રકરણ – ૭ ‘નાટ્યશાસ્ત્ર’ એ બે પ્રકરણોની ચર્ચા વિશેષ ઉલ્લેખપાત્ર છે.
- ↑ એજન : અલંકારશાસ્ત્રના ક્ષેત્રમાંની પ્રવૃત્તિઓનો સૈકાવાર પરિચય મળે છે. પ્રકરણ - ૬ ‘અલંકારશાસ્ત્ર’ જુઓ.
- ↑ જૈનેતરોમાં જયંતિ ભટ્ટનું નામ વિશેષ ઉલ્લેખપાત્ર છે. તેની ‘કાવ્યપ્રકાશ’ પરની ટીકા ‘જયન્તિ’ ખૂબ જાણીતી છે. વધુ વિગતો માટે જુઓ :
(અ) ડૉ. ભોગીલાલ સાંડેસરાના આગળ નિર્દિષ્ટ ગ્રંથ ‘મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ’ - પૃ. ૨૧૪
(બ) આચાર્ય આનંદશંકરના લેખમાંની ચર્ચા. (‘દિગ્દર્શન’ પૃ. ૨૨ ૫૨). - ↑ વસ્તુપાળના મિત્ર જૈન આચાર્ય માણિક્યચન્દ્રસૂરિની આ કૃતિ ઈ.સ. ૧૧૬૦ (સં.૧૨૧૬)માં રચાયેલી હોવાનું નોંધાયું છે. તેની વધુ વિગતો માટે જુઓ :
(અ) ‘મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ,’પૃ. ૧૧૨
(બ) ‘દિગ્દર્શન’, પૃ. ૨૨ - ↑ જૈનેતર જયંતિ ભટ્ટની રચના. ઉપર તેનો નિર્દેશ થયો છે. એ કૃતિ ઈ.સ. ૧૨૯૪માં રચાયેલી જણાય છે.
- ↑ રત્નકંઠ, જયાનંદસૂરિ, યશોવિજયજીની ટીકાઓની નોંધ ‘મહામાત્ય : વસ્તુપાળનું સાહિત્ય મંડળ’માં પૃ. ૨૧૪ પર મળે છે.
- ↑ ‘દિગ્દર્શન’, પૃ. ૧૬
- ↑ ‘દિગ્દર્શન’, પૃ. ૧૬
- ↑ સુશીલકુમાર દેના ગ્રંથ ‘History of Sanskrit Poetics Vol. ૧.’માં પૃ. ૧૧૫-૧૨૦ પર ચર્ચા મળે છે. રાજશેખરની અત્યારે ઉપલબ્ધ કૃતિ તો તેણે રચવા ધારેલા મહાગ્રંથનો પ્રથમ ખંડ માત્ર છે.
- ↑ સુશીલકુમાર દેના ઉપરોક્ત ગ્રંથમાં પૃ. ૧૯૬-૧૯૭ પર ચર્ચા મળે છે. ડૉ. પી.વી. કાણેના ગ્રંથ ‘History of Sanskrit Poetics’માં પૃ. ૨૯૦ પર એની નોંધ છે. ડૉ. કાણે માને છે કે ‘ગીતગોવિંદ’નો ગાયક જયદેવ અને ‘ચંદ્રાલોક’નો કર્તા જુદા છે. આ ગ્રંથ દશ ‘મયૂખ’માં વહેંચાયેલો છે અને કવિતાની સર્વાંગી ચર્ચા રજૂ કરે છે. કવિ નર્મદે આ ગ્રંથનો પરિચય કર્યો છે. જુઓ ‘નર્મકવિતા’માં પરિશિષ્ટરૂપે ‘અલંકારપ્રવેશ’ પૃ. ૮૯૩.
- ↑ ‘Sanskrit Poetics Vol. I.’માં પૃ.૨૨૧-૨૨૬ પર ચર્ચા. ડૉ. કાણેના ગ્રંથ History of Sanskrit Poetics Vol. ૧.’માં પૃ. ૩૧૭ પર ચર્ચા. સુશીલકુમાર દે નોંધે છે કે આ ગ્રંથ અંશતઃ જયદેવના ઉપરોક્ત ‘ચન્દ્રાલોક’ પર આધારિત છે. એમાં અલંકાર વિષયક ચર્ચામાં સૌથી વધુ સંખ્યાના અલંકારોનો નિર્દેશ મળે છે. કવિ નર્મદે આ ગ્રંથ પણ જોયો હોવાનું નોંધ્યું છે. જુઓ ‘નર્મકવિતા’નું પરિશિષ્ટ : ‘અલંકારપ્રવેશ’, પૃ. ૮૯૩.
- ↑ ‘Sanskrit Poetics Vol. I.’માં પૃ. ૨૪૧ પર ચર્ચા. આ ગ્રંથમાં નાયક-નાયિકાનો વિચાર કરવામાં આવ્યો છે. નર્મદે ‘રસમંજરી’ના મરાઠી અનુવાદનો આધાર તેની ‘નાયિકાવિષયપ્રવેશ’ પુસ્તિકા માટે લીધેલો. જુઓ, ‘નર્મકવિતા’નું પરિશિષ્ટ ‘નાયિકાવિષયપ્રવેશ’.
- ↑ ‘Sanskrit Poetics’ Vol. II. pp. ૨૮૩-૨૮૯. જેમાં ‘કવિશિક્ષા’ના ગ્રંથો લેખે ક્ષેમેન્દ્રના ‘ઔચિત્યવિચારચર્ચા’ અને ‘કવિકણ્ઠાભરણ’ બંનેનો પરિચય મળે છે.
- ↑ ‘Sanskrit Poetics’ Vol. II. ’માં પૃ. ૨૮૯-૨૯૧. પ્રસ્તુત ગ્રંથમાં એની ચર્ચા મળે છે, તે ઉપરાંત નીચેના ગ્રંથોમાંય તેની વિસ્તૃત ચર્ચા મળે છે.
(અ) પ્રો. હીરાલાલ કાપડિયા કૃત ‘જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ’ સાર્વજનીન સાહિત્ય, ખંડ - ૧ (પ્રકરણ - ૬ઠ્ઠું ‘અલંકાર-શાસ્ત્ર’) પૃ. ૧૬૦
(બ) ડૉ. ભોગીલાલ સાંડેસરા કૃત ‘મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ’માં પ્રકરણ - ૫, વિભાગ - ૨, પેરા, ૧૦૪ ‘અમરચંદ્રની સાહિત્ય કૃતિઓ’ પૃ. ૧૯૩. વળી એ જ ગ્રંથમાં પૃ. ૨૨૫-૨૨૯ પર ચર્ચા મળે છે. - ↑ Sanskrit Poetics Vol. II ૨૮૩-૨૮૯
- ↑ Sanskrit Poetics Vol. II ૨૮૩-૨૮૯
- ↑ ‘મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ’માં પૃ. ૨૨૫-૨૨૯ પર ચર્ચા. આ રચના સંવત ૧૨૮૦માં રચાયેલી છે. આ વિશે પ્રો. હીરાલાલ કાપડિયાના આગળ નિર્દિષ્ટ ગ્રંથ “જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ...”માં પણ પૃ. ૧૬૦ પર ચર્ચા મળે છે. આ કૃતિના કર્તા ‘વાયડ’ ગચ્છના હોવાનું જણાય છે.
- ↑ હેમચંદ્રની આ કૃતિ કોઈ સ્વતંત્ર ગ્રંથ નહિ પણ તેમના ‘કાવ્યાડનુશાસન’ની સ્વોપજ્ઞ ટીકા માત્ર છે એમ પ્રો. હીરાલાલ કાપડિયાનો મત છે. આ વિશે વધુ વિગતો માટે જુઓ તેમના આગળ નિર્દિષ્ટ ગ્રંથ “જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ” ખંડ-૧માં પૃ. ૧૬૦ પરની ચર્ચા.
- ↑ ‘જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ’ ખં - ૧ પૃ. ૧૬૦
- ↑ ‘જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ’ ખં - ૧ પૃ. ૧૬૦
- ↑ એજન. પ્રકરણ ‘છન્દશાસ્ત્ર’માં એની ચર્ચા મળે છે.
- ↑ એજન. પ્રકરણ ‘છન્દશાસ્ત્ર’માં એની ચર્ચા મળે છે.
- ↑ એજન. પ્રકરણ ‘છન્દશાસ્ત્ર’માં એની ચર્ચા મળે છે.
- ↑ ‘વૈષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પૃ. ૩૬૫-૩૬૬
- ↑ એજન. પૃ. ૩૭૭
- ↑ એજન, પૃ. ૩૭૮
- ↑ એજન, પૃ. ૩૭૯-૩૮૦ પર વૈષ્ણવ કવિઓ અને તેમની કૃષ્ણવિષયક કૃતિઓની ઘણી મોટી યાદી મળે છે. તેમાં ચતુર્ભુજ તથા બ્રેહદેવકૃત ‘ભ્રમરગીતા’, હરિદાસકૃત ‘ભાગવતસાર’, લક્ષ્મીદાસકૃત ‘ગજેન્દ્રમોક્ષ’, નારણદાસકૃત ‘રાધારાસ’ આદિ અનેક રચનાઓના નામોલ્લેખ પણ એ વિષયના વિપુલ સાહિત્યનો પરિચય આપે છે.
- ↑ એજન, પૃ. ૩૯૩
- ↑ ‘ગુજરાતી સાહિત્ય : મધ્યકાલનો સાહિત્યપ્રવાહ’માં દુર્ગાશંકર શાસ્ત્રીનો લેખ ‘સંસ્કૃત સાહિત્યનાં આંદોલનો’ની પૃ. ૩૭ પરની ચર્ચા જુઓ.
- ↑ ‘ગુજરાતી સાહિત્ય : મધ્યકાલનો સાહિત્યપ્રવાહ’ પૃ.૩૭-૩૮ની ચર્ચા જુઓ.
- ↑ ‘કવિતા અને સાહિત્ય’, વૉ. ત્રીજું, પૃ. ૮૯-૯૦, રમણભાઈ નીલકંઠની ચર્ચા જુઓ. તેઓ પૃ. ૮૯ પર નોંધે છે : “પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં અલંકારશાસ્ત્ર રચવા માટે કેવા પ્રયત્ન થયા છે એ પ્રશ્ન હાથમાં લેતાં અલંકારની ચર્ચાનાં પુસ્તકોની અછત નવાઈ જેવી લાગે છે. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં એ વિષયનાં પુસ્તકો છે જ નહિ એમ આપણી હાલની માહિતી પ્રમાણે કહીએ તો ચાલે.”
- ↑ મુંબઈની ‘ફોર્બ્સ ગુજરાતી સભા’ના પુસ્તકાલયમાં ‘નવરસ’ નામે એક કૃતિ આ લખનારને જોવા મળી છે. આ પુસ્તિકાની પાછળ ‘રાધાવિલાસ’ નામે બીજી નાનકડી કૃતિ પણ છાપવામાં આવી છે. આ પુસ્તક ‘પ્રાચીન કાવ્યમાળા’ના એક મણકારૂપે છપાયેલું હોવાની એમાં નોંધ છે. પરંતુ એ પુસ્તિકાના આરંભે તેની પ્રકાશન સાલ, પ્રકાશક સંસ્થા, તેની આવૃત્તિ, તેના લેખક-સંપાદક આદિ છાપેલી માહિતીવાળું કોઈ પૃષ્ઠ જોવા મળ્યું નથી. એમાં જે ઉપોદ્ઘાત રૂપ નોંધ છે તેના અંતે પણ કોઈની સહી નથી, તારીખ પણ નથી. માત્ર અંતભાગમાં આ કૃતિમાંનાં ટીકાટિપ્પણ છોટાલાલ નરભેરામે લખ્યાં હોવાનો નિર્દેશ મળે છે.
ઉપરાંત, લાવણ્યસમયે પણ ‘રંગરત્નાકર છંદ’ એ નામે કાવ્ય રચ્યું છે. ‘કવિચરિત’ ૧-૨, કે.કા. શાસ્ત્રી પૃ. ૫૧૦ - ↑ ‘કવિતા અને સાહિત્ય’ વૉ. ત્રીજું પૃ. ૮૯-૯૦ પરની ચર્ચા જુઓ. એ વિશેની ચર્ચામાંથી એવું ફલિત થાય છે કે આ કૃતિના પ્રકાશન પાછળ કોઈ ચોક્કસ આધારભૂત હસ્તપ્રત નહિ હોય.
- ↑ ‘નરસિંહરાવની રોજનીશી’માં પૃ. ૨૯ પર નરસિંહરાવની નોંધ ખૂબ જ સૂચક છે : “કારવાર : તા. ૨૭-૧૨-૯૨ – (‘નવરસ’ને ‘રાધાવિલાસ’ને અનુલક્ષીને) આ ક્યહાંથી અપ્રસિદ્ધ પદ્ય કર્તાએ શોધી કાઢ્યાં છે? ‘અનેક પ્રતો મેળવી સંશોધન કરી’- એમ લખે છે અને મળે છે તો એક જ પ્રત, છતાં છાપે છે એકદમ...”
- ↑ ‘કવિતા અને સાહિત્ય’ (વૉ. ત્રીજું)માં ગ્રંથસ્થ થયેલો લેખ : ‘પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં ઊગેલા વિવેચનના અંકુર’ (પૃ. ૧૭૯–૧૯૭)
- ↑ એજન, પૃ. ૧૮૧
- ↑ અખાની આ કડીઓ વિશે પાઠભેદ દેખાય છે. આપણા કવિવિદ્વાન ઉમાશંકર જોશીએ સંપાદિત કરેલો પાઠ આ પ્રમાણે છે.
“કવિતા ઘણા કવિ કવી ગયા, અદ્યાપિ કવે છે પ્રત્યક્ષ રહ્યા”
“વળી આગળ કવશે બહુ કવિ, સર્વ મનની વૃત્ય જોજો અનુભવી.”
“અખા મનાતીત ત્યમનું ત્યમ, એ તો મનની વૃત્યમાં મનની ગમ” (૨૧)
“જ્ઞાનીને કવિતા ન ગણેશ, કિરણ સૂર્યનાં કેમ વણેશ?”
}}– અખાના છપ્પા’ (પૃ. ૫) સં. ઉમાશંકર જોશી.
નોંધ : આ કડીઓની પાદટીપમાં ઉમાશંકર જોશી નોંધે છે :
‘કવિતા = કવનાર, છમાંથી પાંચ પ્રતો ‘વણેશ’ પાઠ આપે છે. સૂર્યનાં કિરણને સોનાના તારરૂપ ગણી શી રીતે વણવામાં લઈ શકીએ?!! - ↑ ‘કવિતા અને સાહિત્ય,’ વૉ. ત્રીજું, પૃ. ૧૮૨
- ↑ એજન, પૃ. ૧૮૨
- ↑ એજન, પૃ. ૧૮૨
- ↑ ‘કવિતા અને સાહિત્ય’, વૉ. ત્રીજું, પૃ. ૧૮૨
- ↑ એજન, પૃ. ૧૮૩
- ↑ બૃહત્ કાવ્યદોહન ભા. ૧લો : “ગુજરાતી” પ્રિંટિંગ પ્રેસ : સાતમી સુધારેલી આવૃત્તિ; (સં. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ) પ્રકાશન સાલ : (વિ. સં. ૧૯૮૧) - પ્રસ્તુત ગ્રંથમાં સામળભટની ‘નંદબત્રીશી’ વાર્તામાં નંદરાજાના જારકર્મ નિમિત્તે વિસ્તારી અનુભવકથનો રજૂ થયાં છે, તેમાં આ કડી સ્થાન પામી છે. જુઓ પૃ. ૩૪૬ ** ** ** “ગુણ વિના તે શાનું રૂપ, પ્રજા પીડે તે શાનો ભૂપ;” “વિવેક વિના તે શી વિદ્યાય, નિર્લજને મન શી નિંદાય.” “કંઠ વિના તે શાનું ગાન, તાલ વિના તે શાનું તાન;” “દયા વિના તે શાનું દાન, મોટમ પાખે શાનું માન;” “હરિજનને શેનો સંસાર, ખરી વાતમાં શાનો ખાર;” “કહ્યું કથે તે શાનો કવિ, શીખી વાત તે શાની નવી.” ** ** **
- ↑ ‘કવિતા અને સાહિત્ય’- વૉ. ત્રીજું. પૃ. ૧૮૬ – ૧૯૬
- ↑ જુઓ. પૃ. ૧૭૦-૧૭૪ની ચર્ચા.
- ↑ દુર્ગાશંકર શાસ્ત્રી : વૈષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ. પૃ. ૩૫૧
- ↑ એજન, પૃ. ૩૬૪
- ↑ એજન, પૃ. ૨૫૪
- ↑ એજન, પૃ. ૨૫૭-૨૭૨.
- ↑ ફાર્બસ સભાએ તૈયાર કરેલી હસ્તપ્રતોની યાદીમાં અનેક ગુજરાતી ભક્તોની વ્રજ કવિતાનો ઉલ્લેખ મળે છે. હિંદીના એક અભ્યાસી ડૉ. વ્યાસનો સંશોધન ગ્રંથ “ગુજરાતી સંત કવિયોંકા હિંદી કાવ્યોમેં પ્રદાન’ ખાસ નોંધે છે.
- ↑ આ મુદ્દાની ચર્ચાવિચારણા માટે મુખ્ય આધારગ્રંથ છે : હિન્દી સાહિત્ય કા બૃહદ ઇતિહાસ : ષષ્ઠ ભાગ : રીતિકાલ – રીતિબદ્ધ કાવ્ય (સં. ૧૭૦૦-૧૯૦૦) સંપાદક : ડૉ. નગેન્દ્ર , પ્રકાશક : નાગરી પ્રચારિણી સભા કાશી સં. ૨૦૧૫ વિ. આના અનુસંધાનમાં જોયેલા અન્ય ગ્રંથો આ પ્રમાણે છે :
(I) રિતિકાવ્યકી ભૂમિકા : ડૉ. નગેન્દ્ર (II) હિન્દી કાવ્યશાસ્ત્રકા ઇતિહાસ : ડૉ. ભગીરથ મિશ્ર (III) રીતિકાવ્ય સંગ્રહ – ડૉ. જગદીશ ગુપ્ત. - ↑ હિન્દી સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ : ષષ્ઠ ભાગ : રીતિકાલ – રીતિબદ્વ કાવ્યઃ તૃતીય ખંડ તૃતીય આધ્યાય – “સર્વાંગ (વિવિધાંગ) નિરૂપક આચાર્ય” પૃ. ૩૦૦-૩૮૪
- ↑ એજન, ચતુર્થ અધ્યાય : રસનિરૂપક આચાર્ય, પૃ. ૩૮૫-૪૩૯ ની ચર્ચા
- ↑ ‘નર્મકવિતા’ (આવૃત્તિ ચોથી. ઈ.સ. ૧૯૧૪)માં પરિશિષ્ટ રૂપે જોડવામાં આવેલી પુસ્તિકા ’રસપ્રવેશ’ (બીજી આવૃત્તિ) વિશે પૃ. ૮૯૩ પર પાદટીપની ચર્ચા જુઓ.
- ↑ ડાહ્યાભાઈ દેરાસરી : ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’ પૃ. ૨૧૫
- ↑ એજન, પૃ. ૨૧૫
- ↑ ‘નર્મકવિતા’ (ઉપરોક્ત આવૃત્તિ)માં પરિશિષ્ટ રૂપે મૂકેલી પુસ્તિકા ‘નાયિકા વિષયપ્રવેશ’ની પાદટીપની ચર્ચા.
- ↑ હિન્દી સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) પાંચમો અધ્યાય : અલંકારનિરૂપક આચાર્ય પૃ. ૪૪૦-૪૭૮ની ચર્ચા.
- ↑ ‘નર્મકવિતા’ (ઉપરોક્ત આવૃત્તિ)માં પરિશિષ્ટ રૂપે પુસ્તિકા ‘અલંકારપ્રવેશ’માં પૃ. ૮૯૩ પરની પાદટીપ જુઓ.
- ↑ ડાહ્યાભાઈ દેરાસરી : સાઠીના સાહિત્યનું દિગ્દર્શન, પૃ. ૨૧૫.
- ↑ હિંદી સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ : (આગળ ઉલ્લેખિત આવૃત્તિ)માં છઠ્ઠો અધ્યાય : પિંગળનિરૂપક આચાર્ય પૃ. ૪૭૯-૪૯૩ની ચર્ચા.
- ↑ (અ) આ પ્રશ્ન અંગે ચર્ચા કરતાં રમણભાઈ નીલકંઠ કહે છે : “વ્રજભાષાનું કલ્પનામય સાહિત્ય કેવળ અલંકારમય છે અને તેની રચનામાં અલંકારને જ પ્રધાન ગણી પ્રવૃત્તિ થાય છે. પણ પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં તે પ્રમાણે થયું નથી. આનું મુખ્ય કારણ એ જણાય છે કે ગુજરાતી કવિતાના આરંભકાળમાં થયેલા કવિઓને પ્રવૃત્ત કરનાર વિશેષ કારણ તે તેમનો ભક્તિ વિષયનો ઉત્સાહ હતો. અલંકારશાસ્ત્રમાં પ્રવીણતા દર્શાવવા કવિતા કરવી એવો તેમનો ઉદ્દેશ જ નહોતો” – ‘કવિતા અને સાહિત્ય’- વૉ. ત્રીજું પૃ. ૮૫
(બ) હિંદીના એક વિદ્વાન ડૉ. જગદીશ ગુપ્તનું આ પ્રશ્ન વિશેનું નિરાકરણ પણ નોંધવા જેવું છે : વ્રજ ભાષા કે રીતિકાલીન કવિ અવશ્ય દરબારોમેં આશ્રય ગ્રહણ કરકે લોકજીવનસે દૂર જા પડે થે પરંતુ ગુજરાતીકે પ્રાયઃ સભી કવિયોંકા લોકસે ઘનિષ્ઠ સંબંધ રહા હૈ | યહી કારણ હૈ કી ભક્તિસે હટકર ગુજરાતી કાવ્ય વ્રજ ભાષાકે કાવ્યકી તરહ રીતિશૈલીકી આલંકારિકતા ઔર કૃત્રિમ ભાષાભિવ્યક્તિકી ઓર અગ્રસર નહીં હુઆ || “ગુજરાતી ઔર વ્રજભાષા : કૃષ્ણકાવ્યકા તુલનાત્મક અધ્યયન” પૃ. ૪૮૦ - ↑ નર્મદની ચર્ચાઓ જુઓ :
“પણ આજકાલ ગુજરાતી ભાઈઓ પોતાની ભાષાને ઘણી નજીવી અને તુચ્છ ગણે છે... ઘણા એમ સમજે છે કે સંસ્કૃત ઇંગ્રેજી અને હિંદુસ્તાનીમાં કવિતા કરે તેને મોટું માન છે ને ગુજરાતીમાં કરે તેને થોડું છે...ને ગુજરાતી ભાઈઓ પોતાની ભાષા સમજતા નથી, તેઓ હિંદુસ્તાની ભાષા સમજવાનું ડોળ બતાવી તેમાં કવિતા કરે છે તેથી હસવા જેવું થાય છે."
– જૂનું નર્મગદ્ય : પુસ્તક નવું (“ગુજરાતી” પ્રિન્ટિંગ પ્રેસ, આવૃત્તિ ૧૯૧૨) પૃ. ૧૩૯ - ↑ નર્મદની ચર્ચાઓ જુઓ :
“પણ આજકાલ ગુજરાતી ભાઈઓ પોતાની ભાષાને ઘણી નજીવી અને તુચ્છ ગણે છે... ઘણા એમ સમજે છે કે સંસ્કૃત ઇંગ્રેજી અને હિંદુસ્તાનીમાં કવિતા કરે તેને મોટું માન છે ને ગુજરાતીમાં કરે તેને થોડું છે...ને ગુજરાતી ભાઈઓ પોતાની ભાષા સમજતા નથી, તેઓ હિંદુસ્તાની ભાષા સમજવાનું ડોળ બતાવી તેમાં કવિતા કરે છે તેથી હસવા જેવું થાય છે."
– જૂનું નર્મગદ્ય : પુસ્તક નવું (“ગુજરાતી” પ્રિન્ટિંગ પ્રેસ, આવૃત્તિ ૧૯૧૨) પૃ. ૧૩૯ - ↑ ન્હાનાલાલ : “એ વેળાએ ક્ષત્રિયોની વીરશ્રુતિ પૃથુરાજરાસો હતો. ને રાજભાષા વ્રજભાષા હતી. વૈષ્ણવમંદિરમાં પદ સુરદાસજીનાં ગવાતાં તેથી મન્દિરભાષા પણ વ્રજ હતી. વનોમાં, તીર્થોમાં, મઢીઓમાં તુલસીકૃત રામાયણ વાંચતા એટલે તીર્થભાષા એ વ્રજ હતી....”
– કવીશ્વર દલપતરામ, ભાગ ૧લો, પૃ. ૧૪૦. - ↑ એજન પૃ. ૧૪૦-૧૪૧.
- ↑ નવલરામ : “દલપતરામની કવિતા શાંત બુદ્ધિની, વ્યવહારમાં કુશળ ચતુરાઈભરી અને સભારંજની છે.” નવલગ્રંથાવલિ : વૉ. ૨ :
- ↑ “અર્વાચીન કવિતા”, પૃ. ૭૪
- ↑ આ પુસ્તિકાઓ ‘નર્મકવિતા’ (આવૃત્તિ ચોથી ઈ.સ. ૧૯૧૪)માં પરિશિષ્ટ રૂપે મુકાયેલી છે. આ પુસ્તિકાઓની પાદટીપમાં તેણે જે સંસ્કૃત, વ્રજ અને અંગ્રેજીના કાવ્યશાસ્ત્રના ગ્રંથો જોયા તેની વિગતો નોંધેલી છે. પ્રસ્તુત પ્રકરણમાં તેની યથાસ્થાને નોંધ લેવાયેલી છે.
- ↑ આ પુસ્તિકાઓ ‘નર્મકવિતા’ (આવૃત્તિ ચોથી ઈ.સ. ૧૯૧૪)માં પરિશિષ્ટ રૂપે મુકાયેલી છે. આ પુસ્તિકાઓની પાદટીપમાં તેણે જે સંસ્કૃત, વ્રજ અને અંગ્રેજીના કાવ્યશાસ્ત્રના ગ્રંથો જોયા તેની વિગતો નોંધેલી છે. પ્રસ્તુત પ્રકરણમાં તેની યથાસ્થાને નોંધ લેવાયેલી છે.
- ↑ આ પુસ્તિકાઓ ‘નર્મકવિતા’ (આવૃત્તિ ચોથી ઈ.સ. ૧૯૧૪)માં પરિશિષ્ટ રૂપે મુકાયેલી છે. આ પુસ્તિકાઓની પાદટીપમાં તેણે જે સંસ્કૃત, વ્રજ અને અંગ્રેજીના કાવ્યશાસ્ત્રના ગ્રંથો જોયા તેની વિગતો નોંધેલી છે. પ્રસ્તુત પ્રકરણમાં તેની યથાસ્થાને નોંધ લેવાયેલી છે.
- ↑ ડાહ્યાભાઈ દેરાસરી : ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’, પૃ. ૨૧૪
- ↑ એજન, પૃ. ૨૧૪
- ↑ એજન, પૃ. ૨૧૪
- ↑ એજન, પૃ. ૨૧૫
- ↑ એજન, પૃ. ૨૧૫
- ↑ એજન, પૃ. ૨૧૫
- ↑ રણછોડલાલ સ્મારક ગ્રંથમાં ‘રસપ્રકાશ’નાં બે પ્રકરણો છાપવામાં આવ્યાં છે.
- ↑ ડાહ્યાભાઈ દેરાસરી : ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’માં પૃ. ૨૧૪ પર ઉલ્લેખ
- ↑ એજન, પૃ. ૨૧૪
- ↑ એજન, પૃ. ૨૧૪
- ↑ એજન, પૃ. ૨૧૫
- ↑ એજન, પૃ. ૨૧૩ - ૨૨૧ પરની ચર્ચા.
- ↑ રમણભાઈના સિદ્ધાંતચર્ચાના લેખો ૧૮૮૭-૧૯૦૧ના ગાળામાં પ્રગટ થયેલા.
- ↑ મણિલાલનું લખાણ (ઈ.સ. ૧૮૯૮ તેમની અવસાન સાલ) પૂર્વે પ્રગટ થયેલું.
- ↑ નરસિંહરાવના લેખો – ‘એક ચિત્ર જોઈ સૂઝેલો વિચાર’ (ઈ.સ. ૧૮૮૮) ‘વસંતોત્સવ ઉપર ચર્ચા’ ઈ.સ. ૧૮૯૯) ‘ગુજરાતી કવિતા અને સંગીત’ (ઈ.સ. ૧૯૦૪ની આસપાસ) પ્રગટ થયેલી.
- ↑ આ. આનંદશંકર ‘કવિતા’ નિબંધ ૧૯૦૨માં પ્રગટ થયેલો.
- ↑ જૂનું નર્મગદ્ય : પૃ. ૧૩૩
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.