ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૧/નર્મદની કાવ્યવિચારણા


નર્મદની કાવ્યવિચારણા

નર્મદનું નવપ્રસ્થાન

“આ જમાનાની એટલે પાછલાં ત્રીસપાંત્રીસ વર્ષમાં ગુર્જરમંડળના ચિન્મય આકાશમાં જે લીલાઓ થઈ છે તેની ખરેખરી મૂર્તિ નર્મદાશંકર છે. નર્મદાશંકરને જ આ કાળની સમયમૂર્તિ અમે ગણીએ છીએ.” નવલગ્રંથાવલિ ભા. ૨, પૃ. ૩૧૧.
ઈ.સ. ૧૮૮૮માં ‘નર્મકવિતાની પ્રસ્તાવના’માં કવિ નર્મદને તેના વિદ્વાન મિત્ર નવલરામે સમુચિત રીતે જ ‘સમયમૂર્તિ’ કહ્યો છે. એ યુગના બે પ્રમુખ કવિઓ તે કવિ દલપતરામ અને કવિ નર્મદ જ, એમ તેમણે કહ્યું. એ સાથે, નર્મદના વિશિષ્ટ વ્યક્તિત્વને ઓળખવામાં તેઓ જરાય ચૂક્યા નથી. હકીકતમાં, બંનેનું કાવ્યમાનસ નિરાળું છે, અને બંનેની જીવનદૃષ્ટિ નિરાળી છે, એ વાતથી તેઓ પૂરેપૂરા સભાન છે. દલપતરામ અને નર્મદ એ બંનેએ લોકહિતાય અનેક પ્રવૃત્તિઓ આદરી. પરંતુ આપણા અર્વાચીન સાહિત્યના વિકાસના સંદર્ભમાં નર્મદનું અર્પણ કંઈક વિશેષ મૂલ્યવાન હોવાનું પ્રતીત થયું છે. તેની સાહિત્યપ્રવૃત્તિ અતિ મહત્ત્વાકાંક્ષી હતી, અને તેથી તેણે સાહિત્યના અનેકદેશીય વિકાસ અર્થે પુરુષાર્થ આદર્યો. તેણે કવિતા ઉપરાંત નિબંધ, ચરિત્ર, ઇતિહાસ. નાટક આદિ ક્ષેત્રો તો ખેડ્યાં જ; પણ એકલે હાથે કોષ અને જ્ઞાનકોષની રચના અર્થે ભગીરથ પુરુષાર્થ પણ કર્યો. એટલે જ તો, રામનારાયણ પાઠકે તેમને ‘અર્વાચીન ગદ્યપદ્યનો પ્રણેતા’ ગણાવ્યો છે. નર્મદની જિંદગીમાં તેની કવિતાપ્રવૃત્તિ એક અનેરો રંગ લાવે છે. તેણે કવિતાને ખાતર નોકરી છોડી અને પોતાની જિંદગીને કસોટીએ ચઢાવી. તેની સમસ્ત કારકિર્દીમાં ઈ.સ. ૧૮૫૮થી ઈ.સ. ૧૮૬૫-૬૬નો ગાળો એ ખૂબ જ મહત્ત્વનો તબક્કો બની રહે છે. એ સમયમાં તેણે સંસારસુધારણાના ક્ષેત્રે તેમ કવિતાના ક્ષેત્રે પોતાની સમસ્ત શક્તિ, સ્ફૂર્તિ અને જુસ્સાથી પ્રવૃત્તિઓ આદરી. ‘પ્રેમશૌર્ય’નું તે જાણે કે જીવંત પ્રતીક બન્યો. સંસારક્ષેત્રના એ સેનાનીને અનેક બાજુએથી અવરોધોનો સામનો કરવાના પ્રસંગો પણ ઊભા થયા, અને તેનું સંવેદનપટુ તંત્ર એ કારણે સતત સંક્ષોભ, વ્યગ્રતા અને સંઘર્ષ અનુભવતું રહ્યું. નર્મદના વ્યક્તિત્વની વિશિષ્ટતા તે તેની અંતર્મુખી વૃત્તિ જ ગણાય. તેના જીવનમાં જે જે તીવ્ર અને ઉત્કટ ક્ષણો આવી એ બધી ક્ષણોને તેણે કવિતામાં રજૂ કરવાની વૃત્તિ રાખી. જોકે તેણે કેટલીક વાર તેના પ્રતિસ્પર્ધી એવા દલપતરામે સ્પર્શેલા વિષયો પણ દેખાદેખીથી પોતાની કવિતામાં આલેખ્યા, અને એ પ્રકારની કવિતામાં તેણે દલપતરામની જેમ રચનાચાતુરી દાખવવાનો આશય પણ રાખ્યો. પણ, દેખીતી રીતે જ, નર્મદની એ કોઈ વિશિષ્ટ સિદ્ધિ નથી. હકીકતમાં, નર્મદે દલપતરામને અને દલપતરામે નર્મદને અનુસરી કાવ્યલેખનની પ્રવૃત્તિને વેગીલી બનાવી, અને આવી સ્પર્ધાથી બંનેનો કાવ્યરાશિ વિપુલ બનતો ગયો. આ રીતે નર્મદે ટૂંકા ગાળામાં જ દલપતરામની કવિતાના વિપુલરાશિ જેટલું લખાણ નિપજાવ્યું. પણ એ પછી સુધારાનો ઉત્સાહ ઊતરતાં જાણે કે તેની કવિતા ય ઓસરી ગઈ. તેની કાવ્યપ્રવૃત્તિ અંગે આપણા પ્રસિદ્ધ કવિ વિવેચક સુંદરમ્‌ નોંધે છે : ‘કવિતા કહેવાનો, કવિતામાં જીવવાનો, કવિતાથી જગતને જીતવાનો, પોતાના એકેએક સંવેદનની, વિષાદ અને ઉત્સાહ, પ્રણય અને વિરાગની, તેને નિકટતમ સહચારી બનાવવાનો પ્રયત્ન નર્મદ જેટલો ભાગ્યે જ અન્ય કોઈએ કર્યો હશે.”[1] એ રીતે તેની કવિતાને તેના આંતરજીવન જોડે ગાઢ સંબંધ રહ્યો છે, અને સુંદરમ્‌ કહે છે તેમ, તેની કવિતા તેના કાવ્યલેખનના ગાળાના ‘આંતરજીવનના અનુલેખ’ જેવી બની આવી છે. અલબત્ત, નર્મદના કાવ્યશિક્ષણમાં દલપતરામની જેમ કેટલાક વ્રજના કાવ્યશિક્ષાના ગ્રંથો પણ આવ્યા હતા, અને તેની આરંભની કવિતા મધ્યકાલીન પ્રણાલિ જોડે અનુસંધાન પણ જાળવે છે, પરંતુ પાશ્ચાત્ય કવિતાના પરિશીલનથી તેની કાવ્યરુચિ નવો સંસ્કાર પામે છે, અને ટૂંકા ગાળામાં જ તેની કવિતા નવાં વૃત્તિવલણો પ્રગટ કરી આપે છે. દલપતરામની શીઘ્ર કવિતાનાં સભારંજની તત્ત્વો તેને સ્વીકાર્ય રહ્યાં નહિ. શબ્દ અને અર્થની ચમત્કૃતિવાળી કવિતા પણ તેનો આદર્શ નથી. તેને સંભવતઃ પાશ્ચાત્ય રોમેન્ટિક કવિઓની પ્રેરણાજનિત કવિતાની અપેક્ષા છે. તેણે પોતાના અંતરના ‘દર્દ’ને, ‘જોસ્સા’ને, ઉછાળાને, મુક્તપણે શબ્દસ્થ કરવાની વૃત્તિ કેળવી, અને જોકે સૈદ્ધાન્તિક ભૂમિકા પર આપણા સંસ્કૃત આલંકારિકોને અભિમત રસતત્ત્વનો પુરસ્કાર કર્યો, પણ કમભાગ્યે રસનું સાચું રહસ્ય તે ખાસ અવગત કરી શક્યો નહિ. તેનું કાવ્ય બહુ ઓછી વાર શુદ્ધ રસતત્ત્વ સિદ્ધ કરી શક્યું છે. સુંદરમે નોંધ્યું છે : ‘નર્મદની કવિતાપ્રવૃત્તિની કરુણતા એ છે કે તેણે શબ્દઅર્થની ચમત્કૃતિઓનો નિષેધ તો સ્વીકાર્યો પરંતુ રસની ચમત્કૃતિનો સાચો કીમિયો શો છે તે તેને કદી હાથ આવ્યું નહિ. નર્મદમાં વિચારશક્તિ છે, કળાનાં તત્ત્વોને તે બૌદ્ધિક પૃથક્કરણથી પકડવા મથે છે, પણ કળાનું સૂક્ષ્મ રસાયણ તેના સર્જનવાંછુ અંતઃકરણને ગમ્ય કે લભ્ય નથી થતું.’[2] આમ છતાં, “નર્મદ કવિતામાં રસની ચમત્કૃતિને જ પ્રથમ અને પરમ સ્થાન આપે છે. એ કવિતાની ભાવનાની બાબતમાં તેનું મોટું પ્રસ્થાન છે”[3] એમ પણ તેમણે નોંધ્યું છે.

‘નર્મકવિતા’ની અર્વાચીનતા

નર્મદની કાવ્યપ્રવૃત્તિના વિશાળ ફાલ જેવા સંગ્રહ ‘નર્મકવિતા’માં અનેક કવિતાઓની નીચે જે પાદટીપો મૂકવામાં આવી છે તે તેની કાવ્યપ્રવૃત્તિને તેમ જ કાવ્યભાવનાને સમજવાને એક સમર્થ ભૂમિકા પૂરી પાડે છે. એમાંની કેટલીક પાદટીપો તેના જીવનની અત્યંત માર્મિક ઘટનાઓને સ્પર્શે છે. એક સભાન કવિ લેખે નર્મદની એ પાદટીપો આપણા કાવ્યવિવેચનની કાચી પણ મૂલ્યવાન સામગ્રી બની રહે છે. નર્મદની ચિત્તવૃત્તિ અને તેની કવિતાપ્રવૃત્તિનો સંબંધ એમાં સ્પષ્ટ થયો છે. અને આપણી અર્વાચીન કવિતાની વિશિષ્ટતાઓ પણ એમાં સૂચિત થઈ છે. નર્મદે જે અનેક વિષયો પર કવિતા લખી તેમાં પ્રકૃતિ, પ્રીતિ અને સ્વદેશપ્રેમની રચનાઓ વિશેષ મહત્ત્વની છે. નર્મદ પૂર્વે પણ આપણી કવિતામાં પ્રકૃતિ કે પ્રીતિનું નિરૂપણ થયું છે, પરંતુ આ વિષયો પરત્વે નર્મદનો અભિગમ સાવ નિરાળો છે. એમાં નર્મદની આત્મલક્ષી ઊર્મિ જ કાવ્યરૂપ ધારણ કરવા મથે છે. એ દૃષ્ટિએ આપણી અર્વાચીન આત્મલક્ષી કવિતાનો સાચો પ્રસ્થાનકાર તે નર્મદ જ. શ્રી પાઠકસાહેબ કહે છે : “આધુનિક કાવ્યનું એક મહાન લક્ષણ એ કાવ્ય સાંકડા સંપ્રદાયોન્મુખ હતું તે મટીને વ્યવહારોન્મુખ થયું. અને એનું જ એક સ્વરૂપ એ કે આત્મલક્ષી પ્રેમલક્ષણા ભક્તિના ઊર્મિકાવ્યે, ભક્તિ છોડી સાંસારિક પ્રેમની ઊર્મિને પણ વિષય કર્યો. આ નવી દિશાનો પ્રથમ પ્રસ્થાનકાર નર્મદ.”[4] આમ, નર્મદે પોતાના અંગત સંવેદનને રજૂ કરવાનો આદર્શ રાખ્યો. એ પછી આપણી કવિતાને, જાણે કે, ઐહિક જીવનની હર કોઈ લાગણીને સ્પર્શવાનો માર્ગ મળી ગયો. કવિ સુંદરમ્‌ કહે છે તેમ, નર્મદની કવિતાનું મૂળ તેની પ્રકૃતિમાં રહ્યું છે. અને એ હકીકત આપણી કવિતા અને કાવ્યવિચારણાના ઇતિહાસમાં ખૂબ જ સૂચક છે. નર્મદે પોતાની અનેક કવિતાઓના ઉદ્‌ભવની ક્ષણોનો જે કંઈ ઓછોવત્તો ઇતિહાસ નોંધ્યો છે તે પરથી જણાશે કે તેણે તેના અંતરના ‘ઉભરા’ કે ‘જોસ્સા’ને જ માર્ગ આપ્યો છે. અલબત્ત, તેના અંતરનો એ ‘ઉભરો’ કે ‘જોસ્સો’ બહુ ઓછી વાર કાવ્યત્વને પામ્યો છે. પરંતુ કવિતાના ઉદ્‌ગમ લેખે નિજી કવિપ્રકૃતિનો એમાં સ્વીકાર થયો છે. અને આપણે માટે એ નોંધપાત્ર મુદ્દો છે. તેણે પોતાના ‘કવિ અને કવિતા’ નિબંધના પૂર્વ ભાગમાં કવિચિત્તના સ્વરૂપની જે ચર્ચા કરી છે તેમાં તેણે કવિની સંવેદનશીલતાનો ખ્યાલ પુરસ્કાર્યો છે. એટલું જ નહિ, કવિચિત્ત બાહ્ય જગતની છાપો ઝીલીને કાવ્યસર્જન માટે સંસ્કારો પ્રાપ્ત કરતું હોય છે, એ મુદ્દો ય રજૂ કર્યો છે. કવિ નર્મદની આ સમજણ તેના અંગત અનુભવથી પોષાયેલી જણાય છે. તેનું ચિત્ત અતિ લાગણીપટુ હતું, એટલે સંસારના આઘાત પ્રત્યાઘાતો તેને અતિ સંક્ષુબ્ધ કરી દેતા. સમાજસુધારો, કેળવણી અને સાહિત્યસર્જનના ક્ષેત્રે અનેક પ્રવૃત્તિઓ કરવા તત્પર રહેતા આ કવિને વારંવાર વિષાદની ક્ષણો ભોગવવી પડી છે. તેની કવિતામાં મુખ્યત્વે તો તેના અંગત જીવનની લાગણીઓ જ આવિષ્કાર પામતી રહી છે. કવિ દલપતરામની આયાસપૂર્વકની કવિતા અને નર્મદની સહજ લાગણીના ‘ઉભરા’ જેવી રચના – એ બંનેના મૂળમાં મહત્ત્વનો ભેદ રહ્યો દેખાય છે. દલપતરામની કવિતા જો સ્વસ્થ ચિત્તે ગણતરીપૂર્વક રચાયેલી કૃતિ છે, તો નર્મદની કવિતામાં તેની પ્રકૃતિગત લાગણીનો સહજ ઉદ્રેક છે. આપણે નર્મદની કવિતામાં પાશ્ચાત્ય રોમેન્ટિક કવિઓની કાવ્યપ્રવૃત્તિનું અનુસંધાન જોઈ શકીએ છીએ. નર્મદની કવિતા સાચા અર્થમાં આત્મલક્ષી ઉદ્‌ગાર બની. અને એ કારણે તેની કવિતા દ્વારા આપણી અર્વાચીન કવિતાના ક્ષેત્રમાં મહત્ત્વનું નવપ્રસ્થાન આરંભાયું.

‘નર્મકવિતા’ની વિવેચના : આપણી કાવ્યરુચિ અને કાવ્યવિવેકનો પ્રશ્ન

‘નર્મકવિતા’ની રચનાઓમાં, સુંદરમ્‌ કહે છે તેમ, ‘કળાનું સૂક્ષ્મ રસાયણ’[5] સિદ્ધ થયું નથી. એ છતાં ‘કવિતાની ભાવનામાં અને વિષયમાં’[6] તો તેણે નવપ્રસ્થાન કર્યું જ છે. નર્મદના કવિમિત્ર નવલરામ તેની નૂતન શૈલીની રચનાઓથી એવા તો અંજાઈ ગયેલા કે આરંભમાં તેઓ નર્મદને પ્રેમાનંદ કરતાં યે મહાન કવિ લેખવા તત્પર થયેલા.[7] એ છતાં નર્મદની કવિતાના અર્વાચીન અંશોને ગ્રહણ કરવાનું એ યુગના કાવ્યરસિકોથી ખાસ બન્યું નથી. નર્મદના જીવનકાળ દરમ્યાન આપણા સાહિત્યક્ષેત્રમાં કવિ દલપતરામનું જ વર્ચસ્વ વધુ રહ્યું છે એમ સુંદરમે નોંધ્યું છે.[8] આનું કારણ સમજી શકાય એમ છે. નર્મદની કવિતાની પડછે ‘ભાખા’ પ્રણીત દલપત-કવિતાનો વ્યાપક પ્રસાર હતો. આપણો ઘણોખરો કાવ્ય-રસિક વર્ગ કવિતાની સાચી દૃષ્ટિ પામ્યો નહોતો. ગમે તે વિષય, પછી તે ઇતિહાસ હો કે વૈદક, પદ્યમાં મુકાય એટલે તે કવિતા બની એમ તે માનતો.[9] શીઘ્ર કવિતા કરવાનું વલણ તે વખતે વિશેષ હતું. તેમાં ય છંદ, અલંકાર આદિ ચાતુરીનું જ મહત્ત્વ હતું. થોડાક કાવ્યજિજ્ઞાસુઓને મન વ્રજકાવ્ય જ આદર્શરૂપ હતું. આ સંજોગોમાં મધ્યકાલીન રુચિ સામે ‘નર્મકવિતા’એ નવી કાવ્યરુચિ જન્માવવાની હતી. આ એક સંક્રાન્તિકાળ હતો. એમાં ‘નર્મકવિતા’ને મૂલવવા માટે કોઈ સાચી સમજણ નહોતી કેળવાઈ. એ સમયે ‘નર્મકવિતા’ને મૂલવવાનાં ધોરણોની બાબતમાં જ એક પ્રકારની અરાજકતા હતી. તે વિષે નવલરામ નોંધે છે : “બીજા ગુજરાતી કવિઓ વિશે બધાનો વિચાર ઘણું કરીને એકસરખો છે, પણ નર્મકવિતાની ખૂબી પિછાનવામાં તો જાણે દેશમાં બે થડાં બંધાઈ ગયાં હોય એમ જણાય છે, અને એ થડાં હમેશાં એકબીજા સાથે આગ્રહ અને જુસ્સાથી આથડતાં માલૂમ પડે છે. પણ જ્યાં સુધી સઘળા પોતાની લાગણી ઉપરથી પોતાનો જ કક્કો ખરો કર્યા કરશે, અને જ્યાં સુધી કાવ્યવિવેચનના અચળ નિયમ બાંધી તે પ્રમાણે ‘નર્મકવિતા’ની વાદ સાથે તુલના કરનારા રસજ્ઞાનીઓની નિષ્પક્ષપાત, ડાહી અને પોતાના નિષ્પક્ષપાતપણાથી અને ડહાપણથી સર્વને માન્ય એવી સભા ઊભી થઈ નથી ત્યાં સુધી ચાલતી તકરારનો નિવેડો આવે તેમ લાગતું નથી. પ્રેમાનંદ અને શામળ સંબંધી થોડા વખત ઉપર જાહેરમાં ચર્ચા ચાલી રહી હતી તે ઉપરથી આપણા વિદ્વાનોમાં પણ કવિતા તોલવાનું કેવું નાનું અને અશાસ્ત્રીય માપ છે તે જણાઈ આવ્યું.’[10] હકીકતમાં, ‘નર્મકવિતા’ની કવિતાને મૂલવવાના જે પ્રયત્નો થયા છે તે જોતાં, એમ જ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, તે નિમિત્તે આપણી નવી આરંભાતી કાવ્યવિવેચનાને જાણે કે એક મૂળગામી પડકાર ઊભો થયો હોય તેમ, ફરી ફરીને તેની તપાસ કરવી પડે છે. દલપત-નર્મદની કવિતાની આપણે ત્યાં દરેક પેઢીના વિદ્વાનોએ જે પુનર્વિચારણા કરી છે તે એટલી જ સૂચક છે. નવલરામે દલપતકવિતા અને નર્મકવિતાનાં લક્ષણો સ્પષ્ટ કરી આપ્યાં હતાં એ ખરું, પરંતુ એ પછી યે એ ચર્ચા છેક આ સદીમાં ચાલતી રહી છે. આપણા અર્વાચીન સાહિત્યના આરંભે જન્મેલી અને વિકસેલી બે વિભિન્ન શૈલી વચ્ચે તારતમ્ય કરવાનું વલણ એમાં સ્પષ્ટ દેખાય છે. અને એ સાથે જ આપણી વિવેચના કેટલી દૃષ્ટિસંપન્ન બની તેનો ય ખ્યાલ તેમાંથી પ્રાપ્ત થાય છે. રમણભાઈ નીલકંઠે ઈ.સ. ૧૮૮૮માં પ્રગટ કરેલા ‘કવિતા’ નિબંધમાં કવિ દલપતરામ અને બુલાખીરામ જેવા કવિઓની કવિતાની હળવી ટીકા કરી તેનાં દોષ-મર્યાદાઓ પરત્વે આંગળી ચીંધી છે. (જોકે તેમનો આદર્શ તો નરસિંહરાવની તાજી પ્રગટ થયેલી ‘કુસુમમાળા’ની રચનાઓ જ હતી.) આપણા બીજા સાક્ષર મણિભાઈ નભુભાઈએ કવિ દલપતરામના અંજલિલેખમાં, પ્રસંગોપાત્ત, દલપતરામની કાવ્યભાવના અને નર્મદની કાવ્યભાવનાની તુલના કરી લીધી છે, અને એવો મત દર્શાવ્યો છે કે ‘દલપતશાહી કાવ્યભાવના કરતાં આ નર્મદશાહી કાવ્યભાવના વાસ્તવિક કાવ્યભાવનાની વધારે સમીપ’[11] છે. એ પછી નવમી સાહિત્ય પરિષદમાં પ્રમુખ તરીકેના ભાષણમાં વીતેલી સાઠીની સાહિત્યપ્રવૃત્તિનું ટૂંકમાં અવલોકન કરતાં આચાર્ય આનંદશંકરે બંનેની કવિતાનું નિદાન કર્યું : ‘ઘડીકમાં સભાનું મનરંજન કરી દે એવી દલપતરામની કવિતા. નર્મદનાં સૃષ્ટિસૌંદર્યનાં અને ઋતુવર્ણનનાં કાવ્યો વિગતભર્યાં પણ મર્મગ્રાહી નહિ. એમના શૃંગારવીર અને દેશભક્તિરસના ઉછાળા, તેમાં કૃત્રિમતા નહિ તેમ કલા પણ નહિ. માત્ર સીધો અને પ્રબળ આવેશ.’[12] આચાર્ય આનંદશંકરની આ વિવેચનામાં દલપત-નર્મદની તટસ્થ અને સમભાવપૂર્વકની મૂલવણી થયેલી જોઈ શકાય. એ સાથે એમ ઉમેરવાનું રહે છે કે એ બંનેની ઉપલબ્ધિઓનું તારતમ્ય કરી નર્મદને સાચા પરિપ્રેક્ષ્યમાં ઓળખવાનો ય એટલો જ ઉદાર દૃષ્ટિકોણ રાખ્યો છે. તેઓ કહે છે : “કવિ નર્મદ તે ખાસ પોતાના જમાનાનો કવિ. નર્મદનો જમાનો ખાસ સુધારાનો અને નર્મદ તે સુધારાનો કવિ. આ સુધારો તે માત્ર સંસારસુધારો જ નહિ, પણ ભાષાસુધારો, વિચારસુધારો વગેરે. દલપતરામ વાંચતાં તમને જૂની ગુજરાતીનો સંબંધ તૂટ્યો નહિ લાગે. નર્મદમાં આવતાં તો તમે જાણે જૂની ગુજરાતી પાછળ મૂકી નવા યુગમાં પ્રવેશ કર્યો.”[13] અને નર્મશતાબ્દી પ્રસંગે તેમણે નર્મદનું જાણે કે અંતિમ મૂલ્યાંકન જ કરી દીધું : “નર્મદાશંકરની કદર એમને નવીન ગુજરાતના ઉત્તમ કવિ માનીને નહિ પણ નવયુગની કવિતાસરિતાના આદ્યપ્રવર્તક તરીકે જ થવી જોઈએ. અર્વાચીન સમયમાં શૃંખલાબદ્ધ જડ કવિતાને સ્થાને સ્વતંત્ર અને ચેતન કવિતાનું ગુજરાતને ભાન કરાવનાર પ્રથમ કવિ નર્મદાશંકર હતા.”[14] નર્મદને અપાયેલી અંજલિમાં આચાર્યશ્રીએ આમ ઉચિત રીતે તેનું ગૌરવ કર્યું છે. એમના પછી બળવંતરાય ઠાકોર,[15] રામનારાયણ પાઠક’[16] અને સુંદરમે[17], પ્રસંગોપાત્ત, દલપત-નર્મદની તુલના કરી છે. ઘણુંખરું એ વિદ્વાનોએ પણ નર્મદની કાવ્યચેતના અર્વાચીનતાના સ્પર્શવાળી હતી એ હકીકતનો સ્વીકાર કરી નર્મદે જે નવપ્રસ્થાન કર્યું, તેની ભારપૂર્વક નોંધ લીધી છે. આ સૌ વિદ્વાનોનાં મંતવ્યો કરતાં આપણા પારસી વિદ્વાન સંજાણાનું મંતવ્ય જુદું રહ્યું છે. તેમણે એવો વાદ કર્યો છે કે ગુજરાતીના પ્રથમ અર્વાચીન કવિ નર્મદ નહિ પણ દલપતરામ છે, નર્મદે પોતે એ માન દલપતરામને આપ્યું છે, અને દલપતરામે જ ગુજરાતીમાં કવિતાના ક્ષેત્રે નવા વિષયો ખેડ્યા, તેમજ આપણી જૂની શિથિલ પદ્યરચનાને દૃઢ ઘાટ આપ્યો. એમના મતે દલપતરામની કવિતાએ આપણી કવિતામાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું.[18] સંજાણાનો આ મત, ઉપરોક્ત વિદ્વાનોની ચર્ચા જોતાં, દેખીતી રીતે જ દોષિત જણાય છે. શ્રી સંજાણાએ કવિતાના સ્થૂળ બાહ્ય રૂપને લક્ષમાં રાખ્યું, પણ કાવ્યચેતનાની અવગણના કરી. દલપતરામે નવા વિષયો લીધા એ સાચું; ઈ.સ. ૧૮૪૫માં તેની ‘નવી શૈલીની પ્રથમ ઉપલભ્ય કૃતિ’ ‘બાપાની પીપર’ રચાયેલી. અને સુંદરમ્‌ આપણી અર્વાચીન કવિતાનો પ્રથમ સ્તબક પણ ત્યાંથી જ આરંભે છે. પરંતુ તેમણે એ પણ ભારપૂર્વક સ્પષ્ટ કર્યું છે કે આપણી કવિતામાં ‘અર્વાચીનતાનો શુદ્ધ આવિષ્કાર’ નર્મદથી શરૂ થાય છે.[19] તેમણે અર્વાચીન ગુજરાતી કવિતાના સંદર્ભમાં એક સાચા પ્રસ્થાનકાર લેખે તો નર્મદનું જ મહત્ત્વ કર્યું છે. અહીં આપણે એક વાત એ લક્ષમાં રાખીશું કે નર્મદને નવપ્રસ્થાનકાર તરીકે બિરદાવીએ છીએ ત્યારે કવિ દલપતરામની લોકહિતની ભાવના કે તેમની લેખનપ્રવૃત્તિની નિષ્ઠાની આપણે જરા યે અવગણના કરતા નથી. પરંતુ કાવ્યતત્ત્વવિચારણાની દૃષ્ટિએ જો વિવેક કરવાનો પ્રસંગ હોય તો, નર્મદની કવિતા અને કાવ્યભાવનામાં જે આત્મલક્ષી ઊર્મિકાવ્યોનો પુરસ્કાર જોવા મળે છે તે આપણને પ્રસ્તુત છે; આપણી કાવ્યવિવેચનાના સંદર્ભમાં નર્મદની કવિતા માટેની સભાનતા અને તેનો અર્વાચીનાભિમુખ આવિષ્કાર એ જ આપણને અભિપ્રેત છે.

નર્મદની વિવેચનપ્રવૃત્તિ

કવિ નર્મદની વિવેચનાનું મૂલ્ય તેના યુગના સંદર્ભમાં જ વધુ યથાર્થ સ્વરૂપે પામી શકાય. આગળના પ્રકરણમાં નોંધ્યું છે તેમ, એ સમયમાં ગુજરાતમાં કાવ્યશિક્ષણનાં કોઈ ખાસ સાધનો ઉપલબ્ધ નહોતાં. નર્મદને પોતાને કાવ્યશિક્ષણ માટે જે અપાર શ્રમ લેવો પડેલો તે હકીકત તો જાણીતી છે.[20] કવિએ પોતાની આત્મકથા ‘મારી હકીકત’માં એની નોંધ લીધી છે.[21] તેને પોતાના યુગમાં જે જૂજ સાહિત્ય ઉપલબ્ધ બન્યું તેમાં કેટલાક અંગ્રેજી, સંસ્કૃત અને વ્રજના ગ્રંથો હતા.[22] તેણે પોતાના અભ્યાસના ફલરૂપે ‘પિંગળ પ્રવેશ’, ‘અલંકારપ્રવેશ’, ‘રસપ્રવેશ’, અને ‘નાયિકાપ્રવેશ’ એ પુસ્તિકાઓ રચેલી. આ પુસ્તિકાઓમાં નર્મદનું વિશિષ્ટ ચિંતન જેવું ખાસ નથી, ઘણું ખરું તો તેણે પરંપરાપ્રાપ્ત વિચારો જ પોતાની આવડત પ્રમાણે મૂક્યા છે. એમાં ‘રસ’ વિષેની થોડી ચર્ચા રસપ્રદ છે. તેનો યથાસ્થાને ઉલ્લેખ કરીશું. આપણી કાવ્યતત્ત્વવિચારણાના સંદર્ભમાં એટલું નોંધવું જરૂરી છે કે નર્મદે વ્રજના કવિશિક્ષાના ગ્રંથોની પરિપાટીએ આ પુસ્તિકાઓ રચી છે, એ રીતે વ્રજના ગ્રંથોનો પ્રભાવ કેટલો હતો તે જોઈ શકાય. એમાં શુદ્ધ કાવ્યતત્ત્વવિચારને ભાગ્યે જ અવકાશ હોય. એ રીતે એનું ઐતિહાસિક મહત્ત્વ કરતાં ઝાઝું મૂલ્ય પણ ન હોય. હકીકતમાં, ઈ.સ. ૧૮૫૮માં લખાયેલો તેનો ‘કવિ અને કવિતા’ નિબંધ એ માત્ર તેની કાવ્યવિચારણાનો જ નહિ, આપણી અર્વાચીન કાવ્યવિચારણાનો પણ, એક પ્રારંભિક પ્રયત્ન લેખે અત્યંત મહત્ત્વનો દસ્તાવેજ બની રહે છે. એ ઉપરાંત તેણે પ્રસંગોપાત્ત ‘શીઘ્ર કવિતા’, ‘કવિતા જાતિ’, ‘પારસી કવિતા’, ‘ગુજરાતી કવિતા’ અને ‘સજીવારોપણ’[23] એ વિષયો પર કેટલુંક આછુંપાતળું લખાણ કરેલું છે. વળી મધ્યકાલીન કવિઓ – નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, દયારામ આદિનાં ચરિત્રોમાં તેણે એ સૌ કવિઓની કાવ્યપ્રવૃત્તિને ટૂંકમાં મૂલવવાનો પ્રયત્ન પણ કર્યો છે, અને તેમાં તેની કાવ્યસમજણની કસોટી થયેલી જોઈ શકાય. પણ આ બધાં ય લખાણોમાં ‘કવિ અને કવિતા’ નિબંધ જ મહત્ત્વનો છે. આપણી એ યુગની વિચારણામાં એ નાનકડો તો ય સીમાસ્થંભ છે. આપણી નવી વિવેચનાનો એ એક આધારસ્થંભ પણ છે. અહીં એટલું નોંધવું જોઈએ કે નર્મદે પોતાની ‘પિંગળપ્રવેશ’ આદિ પુસ્તિકાઓની રચના માટે જોયેલા આધારગ્રંથોની જે રીતે નોંધ રાખી છે તેવી આ નિબંધ માટે કોઈ નોંધ રાખી નથી. એમ થયું હોત તો તેના અભ્યાસમાં આવેલા કાવ્યવિચારો કે તેના પ્રેરણારૂપ સર્વ કવિવિવેચકોનો આપણને ખ્યાલ આવત. અને આપણી આરંભની કાવ્યવિવેચનાના પ્રેરણાસ્રોતો પૂરેપૂરા સ્પષ્ટ કરવાનું સુગમ બનત. અલબત્ત, તેમાં કેટલાક ગ્રંથો કે મીમાંસકોનો ઉલ્લેખ છે, પરંતુ તેની આરંભની વિચારણાના કેટલાક મુદ્દાઓ માટે તો અનુમાન જ કરવાનું રહે છે. એટલું સાચું કે નર્મદે, એમાં કેટલાક અંગ્રેજ વિદ્વાનોના, કેટલાક સંસ્કૃત વિદ્વાનોના, અને કેટલાક તેને વ્રજના અભ્યાસમાંથી સાંપડેલા અને અમુક સ્વકીય વિચારો ‘એકઠા કીધા છે’ એમ સ્પષ્ટ કર્યું જ છે. તેણે આમ નિખાલસતાથી એકરાર કર્યો છે કે તેના નિબંધમાં મૌલિક ચિંતન કરતાંયે વધુ તો અન્ય ચિંતકોના વિચારોને તેણે પ્રસ્તુત કર્યા છે.

‘કવિ અને કવિતા’ – પાઠાંતરોનો પ્રશ્ન[24]

રામનારાયણ પાઠકના મતે, નર્મદનું જે ગદ્યસાહિત્ય આપણને ઉપલબ્ધ થયું છે તે તેના પદ્યસાહિત્યની તુલનામાં એટલું વ્યવસ્થિત અને સંપૂર્ણપણે પ્રકાશિત થયું નથી. અત્યારે નર્મદનાં ગદ્યલખાણોને સંગ્રહતી જે વિવિધ આવૃત્તિઓ જોવા મળે છે,[25] તેમાં તેના પ્રકાશનને લગતી બધી વિગતોનો કડીબદ્ધ ઇતિહાસ જડતો નથી. વળી, નર્મદના ઉપલબ્ધ ગ્રંથોમાં ‘નર્મગદ્ય-પુસ્તક ૧લું’ અને ‘જૂનું નર્મગદ્ય - પુસ્તક ૧લું’ કરતાં સરકારી નર્મગદ્યની વાચના (text)માં ઓછોવત્તો ફેરફાર જોવા મળે છે. આ વિશે રામનારાયણ પાઠકની ચર્ચા અહીં ટૂંકમાં નોંધી છે. નર્મદે સૌ પ્રથમ ઈ.સ. ૧૮૬૫માં પોતાનાં ઈ.સ. ૧૮૫૦થી ૧૮૬૫ ઑગસ્ટ ૩૧ સુધીનાં લખાણોનો સંગ્રહ પ્રગટ કરેલો. એ ગ્રંથ ‘નર્મગદ્ય-પુસ્તક ૧લું’ એ શીર્ષકથી પ્રગટ થયેલો. એ પછી સરકારી કેળવણી ખાતાએ શાળાઓમાં શીખવવા માટે તેનાં ગદ્યલખાણો પ્રગટ કરવાની ઇચ્છા પ્રગટ કરી, પણ કેળવણી ખાતાને એમાંનું ઘણુંએક લખાણ વિદ્યાર્થીઓના હિતમાં સુધારવું પડે એમ લાગ્યું. એટલે કેળવણી ખાતાએ એ કામ નર્મદને સોંપ્યું. વળી આ સમયગાળામાં નર્મદને પણ પોતાનું કેટલુંક લખાણ સુધારવાની આવશ્યકતા લાગતી હતી જ. તેણે જોડણીમાં શાળાની કેળવણી અને સરકારી નીતિને અનુસરીને કેટલાક નાનામોટા ફેરફારો કર્યા. ઈ.સ. ૧૮૭૪માં નર્મદનું સંપાદિત અને સુધારાવાળું એ નર્મગદ્ય છપાયું ખરું, પણ જાહેરમાં આવ્યું જ નહિ. સરકારે કોઈક કારણસર એ છપાયેલી નકલો રદ જાહેર કરી. એ પછી કેળવણી ખાતાએ ફરીથી એ કામ મહિપતરામભાઈને સોંપ્યું. તેમણે કેળવણી ખાતાના આદેશોને અનુકૂળ રહીને નર્મદનાં લખાણોમાં સુધારાવધારા કર્યા. તેમણે સંપાદિત કરેલું નર્મદનું ગદ્ય ઈ.સ. ૧૮૭૫માં ‘નર્મગદ્ય’ અથવા ‘કવિ નર્મદાશંકર લાલશંકર – એઓના ગદ્યાત્મક ગ્રંથોનો સંગ્રહ ભાગ-૧-૨’ એ નામે પ્રગટ થયું. આજે સરકારી નર્મગદ્યની જે નકલો મળે છે તેમાં નર્મદનાં ઈ.સ. ૧૮૬૫નાં લખાણો સાથે સરખાવતાં કેટલાંક નોંધપાત્ર પાઠાંતરો જોવા મળે છે. પણ એમાં મહીપતરામભાઈએ પોતે કરેલા ફેરફારો કયા અને તેમાં જો નર્મદના કરેલા ફેરફારોનો સીધો સ્વીકાર હોય તો તે કયો, એ અંગે જાણવાને ચોક્કસ સાધન મળતું નથી. મહીપતરામભાઈએ જે જે ફેરફારો કર્યા તેમાં નર્મદની સંમતિ ન્હોતી જ, એમ રામનારાયણ પાઠકે નોંધ્યું છે.[26] આપણને વિશેષતઃ ‘કવિ અને કવિતા’ નિબંધ પૂરતું લાગેવળગે છે. પણ ‘જૂનું નર્મગદ્ય’ અને સરકારી ગદ્ય વચ્ચે કેટલાંક નોંધપાત્ર પાઠાંતરો એમાં યે મળે છે. એમાં નર્મદે સુધારેલો પાઠ કયો તે નક્કી થઈ શકતું નથી. પ્રસ્તુત અધ્યયન માટે ‘જૂનું નર્મગદ્ય : પુસ્તક ૧લું’ (આવૃત્તિ ૨જી : ઈ.સ. ૧૯૧૨)નો આધાર લીધો છે. એ પુસ્તક મૂળ ઈ.સ. ૧૮૬૫ના પ્રથમ ‘નર્મગદ્ય’નું પુનર્મુદ્રણ જ છે. અલબત્ત, જોડણીમાં અને ક્યાંક ક્યાંક વાક્યરચનામાં ઘટતા ફેરફારો છે. નર્મદની કાવ્યવિચારણાના અવલોકન માટે અહીં આ નર્મદ સંપાદિત વાચનાનો આધાર લીધો છે, પણ જ્યાં આવશ્યક જણાયું ત્યાં પાદટીપોમાં પાઠાંતરો પણ નોંધ્યાં છે.

કવિત્વશક્તિ અથવા કવિપ્રતિભાનું સ્વરૂપ

ગઈ સદીમાં અંગ્રેજ રોમેન્ટિક કવિઓએ કવિતાના ઉદ્‌ગમ લેખે કવિપ્રકૃતિની પ્રતિષ્ઠા કરી તે પછી ત્યાંના અનેક કવિ-વિવેચકો અને ચિંતકોએ સર્જકશક્તિના સ્વરૂપનો વિશેષ વિચાર રજૂ કર્યો છે. એ સમયના વડર્‌ઝવર્થ, શૈલી, કિટ્‌સ, કૉલેરિજ આદિ કવિઓએ પોતપોતાની કાવ્યપ્રવૃત્તિને અનુલક્ષીને આગવી આગવી કાવ્યભાવના વિકસાવી છે, અને એ પછી તો અનેક વિદ્વાનોએ કવિચિત્તની વિશિષ્ટ શક્તિ, સર્જનની ક્ષણના અનુભવનું સ્વરૂપ, કાવ્યનું પ્રયોજન આદિ વિષયોની ચર્ચા નવેસરથી વિકસાવી છે. એ ખરું કે અમુક કવિઓ જે કાવ્યભાવના રજૂ કરે તે સંભવતઃ તેની આગવી સમજણ માત્ર હોય, અને તેને કવિતાની સર્વાંગી ચર્ચાની ભૂમિકા ન યે મળી હોય. પરંતુ એવા કવિઓ આત્મનિરીક્ષણના આધારે જે કેટલાક મુદ્દાઓ રજૂ કરતા હોય છે, તેમાં સ્વાનુભવનું બળ અને શ્રદ્ધેયતા પ્રાપ્ત થયાં હોય એમ બને. આવા કવિ-વિવેચકોની કાવ્યભાવના અન્ય કોઈની તાર્કિક સિદ્ધાંતચર્ચા કરતાં યે વધુ પ્રભાવક નીવડે એ શક્ય છે. ગઈ સદીના ઉપરોક્ત કવિઓ તેમ જ એલિયેટ, યિટ્‌સ, પાઉન્ડ જેવા આ સદીના કવિઓની કાવ્યભાવનાએ પાશ્ચાત્ય કવિતા પર ઓછોવત્તો પ્રભાવ પાડયો જ છે એ હકીકત તો જાણીતી છે. નર્મદે પોતાના ‘કવિ અને કવિતા’ નિબંધના આરંભમાં જ પોતાના સ્વભાવ મુજબ, કંઈક અણઘડ લાગતી વાણીમાં, કવિત્વશક્તિ અથવા કવિપ્રતિભાનું સ્વરૂપ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. નર્મદની કાવ્યચર્ચામાં એ એક પ્રકારે નવપ્રસ્થાન ગણવું જોઈએ. અલબત્ત, આપણા સંસ્કૃત આલંકારિકોએ કવિની પ્રતિભાની ચર્ચાવિચારણા કરી જ છે.[27] પરંતુ એ વિચારણા પાછળથી ઠીક ઠીક અવગણના પામી હતી. નર્મદે સંભવતઃ પાશ્ચાત્ય રોમેન્ટિક કવિઓની કાવ્યભાવનામાંથી પ્રેરણા લઈ કવિચિત્તના સ્વરૂપનો વિચાર આરંભ્યો અને એ સાથે આપણી કાવ્યવિવેચનામાં કવિની પ્રતિભાનો વિચાર પુનઃપ્રતિષ્ઠા પામ્યો. નર્મદ કહે છે કે કવિત્વશક્તિના મૂળમાં માનવીની સુખદુઃખાદિ ભાવો અનુભવવાની બીજભૂત શક્તિ રહેલી છે.[28] હરેક માનવીને જન્મથી જ એ શક્તિ પ્રાપ્ત થઈ હોય છે. પરંતુ સૌમાં એ શક્તિ પાંગરતી હોતી નથી. આ પ્રકારની લાગણીપટુતાનો વિકાસ થાય તો તે કવિત્વશક્તિરૂપ પ્રાપ્ત કરે છે. નર્મદને પોતાની કવિતાના ઊગમમાં આવી ઉત્કટ લાગણીશીલતાનો અનુભવ રહ્યો હતો, એ હકીકતમાંથી તેણે આ વિચારણાનું સમર્થન મેળવ્યું જણાય છે. તેણે ‘નર્મકવિતા’ની ‘લલિતા’[29] ‘સ્વતંત્રતા’[30] ‘ઋતુવર્ણન’[31] આદિ રચનાઓમાં સર્જનની ક્ષણે લાગણીનો જે અનુભવ કર્યો હતો તેની એ કૃતિઓની પાદટીપમાં નોંધ લીધી છે. (યથાસ્થાને એની વિગતે ચર્ચા કરીશું). કવિત્વશક્તિનું સ્વરૂપ કેવી રીતે બંધાતું આવે અને વિકાસ પામે, તેની વિચારણા કરતાં તે કહે છે : “જેમ જેમ બાળક મ્હોટું થતું જાય છે તેમ તેની બહારની વસ્તુઓની છાપ તેની કર્મેન્દ્રીની મારફતે જ્ઞાનેન્દ્રી ઉપર પડે છે. ત્યાંહાં તે છાપો જ્ઞાનેન્દ્રીઓેની તર્કરૂપ રંગની ચીકાસથી ચીકટાય છે ને પછી મનના ઉપર અસર કરે છે ને એ અસર થવા ઉપર અથવા તો એ રસજ્ઞાનના ગુણ તથા માપવજન ઉપરથી માણસનું ભાવિ કવિસ્વરૂપ જણાઈ આવે છે.”[32] પ્રસ્તુત અવતરણમાં નર્મદે યોજેલા ‘કર્મેન્દ્રી’ અને ‘જ્ઞાનેંદ્રી’ એ બે શબ્દો કંઈક વિચારણા માગે છે. તે એમ કહે છે કે બહારની વસ્તુઓની ‘છાપ’ ‘કર્મેન્દ્રી’ મારફત ‘જ્ઞાનેન્દ્રી’ ઉપર પડે છે, ત્યારે તેને કદાચ એમ અભિપ્રેત હશે કે એ છાપ (બાહ્ય) કર્મેન્દ્રીયો દ્વારા ‘મન’ની અંદર પ્રવેશ પામે છે. આપણાં શાસ્ત્રોમાં કર્મેન્દ્રિયને જ્ઞાનેન્દ્રિયથી ભિન્ન કર્મ કરનારી જુદી ગણી છે.[33] નર્મદના પ્રસ્તુત અવતરણમાં ‘કર્મેન્દ્રી’ શબ્દ બાહ્ય જ્ઞાનેન્દ્રિયનો સંકેત પ્રગટ કરતો હોવાનું સમજાય છે. આ ઉપરાંત તેની પ્રસ્તુત ચર્ચામાંના ‘તર્ક’[34] અને ‘રસજ્ઞાન’ એ શબ્દો ય આગવા સંકેત પ્રગટ કરે છે. ‘તર્ક’ દ્વારા તેને સંભવતઃ અહીં કોઈ કલ્પના વ્યાપાર સૂચવવો છે. જ્યારે ‘રસજ્ઞાન’ દ્વારા તેને રમણીયતાનો બોધ કે એવો જ કંઈ અર્થ સૂચવવો છે. તેની આ વિચારણાનું તાત્પર્ય નીચે પ્રમાણે રજૂ કરી શકાય : (૧) કવિતાના ઉદ્‌ગમરૂપ જે કવિત્વશક્તિ છે તેની બીજભૂત શક્તિ તે લાગણી અનુભવવાની શક્તિ છે. આમ તો એ શક્તિ માનવી માત્રમાં જન્મજાત હોય છે, પણ બધાં માનવીઓમાં તેનો વિકાસ એકસરખો સંભવતો નથી. (૨) કવિત્વશક્તિનો વિશેષ બાહ્ય વિશ્વની અનંત છાપોના સંચયમાં છે. કવિત્વશક્તિની પ્રેરક જે પ્રકૃતિ તે બાલપણથી અનંતવિધ સંવેદનોને આત્મસાત્‌ કરી પુષ્ટ થતી આવે છે. એ રીતે કવિચિત્તમાં બાહ્ય વિશ્વના પદાર્થો વિવિધ ભાવ કે સંવેદનાના સ્પર્શ સહિત સુષુપ્ત રૂપમાં સંગ્રહાયા હોય છે. એ રીતે તેનું ‘રસજ્ઞાન’[35] વિકસે છે. તે ‘રસજ્ઞાન’ની ‘ગુણવત્તા’ તથા ‘માપવજન’ ઉપરથી તેનું ભાવિ કવિસ્વરૂપ જણાઈ આવે છે. નર્મદની આ સમજણ તેના અંગત અનુભવથી પોષાઈ જણાય છે. તેણે પોતાના બાલપણનાં સંસ્મરણોની છાપ જે રીતે તેના ચિત્તમાં સંગ્રહિત થઈ હોવાનું નોંધ્યું છે, તે આ સંદર્ભમાં સૂચક છે.[36] (૩) બાહ્ય વિશ્વના પદાર્થોની ‘છાપ’ (અંગ્રેજીમાં જેને impression કે imprint કહે છે તે.) ‘જ્ઞાનેન્દ્રી’ઓના ‘તર્કરૂપ રંગ’ની ચીકાસથી ‘ચીકટાય’ છે ને પછી ‘મનના ઉપર’ અસર કરે છે. અર્થાત્‌ પદાર્થની ‘છાપ’ ચિત્તમાં સ્થાયી રૂપ ધારણ કરે છે. આ રીતે ‘તર્ક’ વ્યાપાર દ્વારા મૂળની ‘છાપ’ કંઈક રૂપાંતર પામીને સંચિત થાય છે. નર્મદની વિચારણામાંનો આ અંશ ખૂબ જ સૂચક લાગે છે. એ વિચાર તેણે ક્યાંથી લીધો એ વિશે તેણે ઈશારો કર્યો નથી. પરંતુ શૈલી હેઝલિટ્‌ આદિ રોમેન્ટિક કવિઓની કાવ્યચર્ચામાંથી સાંપડયો હોય એ શક્ય છે.[37]

તો કવિ કોણ?

કવિત્વશક્તિના મૂળમાં બીજભૂત શક્તિ તો લાગણી અનુભવવાની શક્તિ છે. અને એ સર્વસામાન્ય વસ્તુ છે, તો કવિ કોને કહેવો અને સામાન્ય માનવીઓ કરતાં કવિ ક્યાં જુદો પડે છે તે વિચારવાનું રહે છે. આ મુદ્દાને અનુલક્ષીને ચર્ચા આરંભતાં નર્મદ કહે છે : “રસજ્ઞાન તો સહુ માણસોને હોય છે, ત્યારે શું સહુને જ કવિ કહેવા! પણ રસજ્ઞાન સઘળા માણસનું સરખું હોતું નથી. જુદા જુદા પ્રસંગો ઉપરથી, જુદી જુદી મનશરીરની પ્રકૃતિ ઉપરથી, જુદી જુદી વસ્તુઓ ઉપરથી, જુદાં જુદાં અવલોકન ઉપરથી, જુદા જુદા કાળ ઉપરથી અને જુદા જુદા દેશ ઉપરથી માણસનું રસજ્ઞાન થોડું-ઘણું, પોલું-નક્કર અને ઊંઘતું-જાગતું હોય છે; જેનું રસજ્ઞાન થનથન કરી રહેલું હોય છે, જે લાગણીઓને વશ છે, જે કામક્રોધાદિકને સારી પેઠે ઓળખે છે, જેવું દીઠું સાંભળ્યું તેવું બોલવાની કરી દેખાડવાની અથવા કોઈ પણ રીતે સમજ્યો એમ જુકતીથી રંગીને બતાવવાની જેની શક્તિ છે, તેઓને કવિ કેહેવા.”[38] આ ખંડમાં સામાન્ય માનવી કરતાં કવિપ્રતિભાનો વિશેષ ક્યાં રહ્યો છે તેનો વિચાર નર્મદે રજૂ કરવા ચાહ્યો છે. તેની સમજણ મુજબ હર કોઈ માનવીમાં ઓછુંવત્તું ‘રસજ્ઞાન’ તો હોય જ. પરંતુ બધાં માનવીઓને એ વિશે સભાનતા નથી હોતી. ‘કવિ’ પોતાના અનુભવમાં આવતી લાગણી કે સંવેદનને પૂર્ણ ઉત્કટતાથી અનુભવતો હોય છે, એટલું જ નહિ, તેનામાં એ લાગણી કે સંવેદનને ‘જુકતીથી રંગી’ને બતાવવાની શક્તિ પણ હોય છે. નર્મદના મત પ્રમાણે લાગણી સ્વયં કવિતાનું બીજભૂત તત્ત્વ છતાં કવિનો વિશેષ તેને શબ્દસ્થ કરવામાં રહ્યો છે, ને એને કવિ ‘જુકતીથી’ રંગીને બતાવે છે. અર્થાત્‌, તેની લાગણી નવો સંસ્કાર પામે છે, નવો રંગ ધારણ કરે છે. નર્મદની કાવ્યવિચારણામાંનો આ અંશ પૂરેપૂરો સ્પષ્ટ કરવાનું મુશ્કેલ જણાય છે. વર્તમાન કાવ્યવિચારણામાં કવિતા એક સર્જનની પ્રવૃત્તિ લેખે વિશિષ્ટ મૂલ્ય ધારણ કરતી જણાય છે. કવિ પોતાના સંવેદનને સભાનપણે નવો ઘાટ, નવો આકાર કે નવું રૂપ અર્પે એવી એક સમજણ હવે પ્રચારમાં આવી છે. કવિની મથામણ આ રીતે લાગણીની સામગ્રીનો વિનિયોગ કરી તેમાંથી સ્વાયત્ત સૌંદર્યકૃતિ સર્જવાની હોય છે. એ માટે તે પોતાની લાગણીને તટસ્થતાથી જોવાનો અને શોધવાનો યત્ન કરે છે. બીજા શબ્દોમાં, આજનો કવિ પોતાની લાગણીનું નવવિધાન કરતો હોય છે. કવિની અનૂભૂતિ સમસ્ત સર્જનપ્રક્રિયાને અંતે કૃતિમાં પરિણતિ પામે એ ક્ષણોમાં તેની મૂળની સામગ્રીનું નવીન રૂપ સિદ્ધ થયું હોય છે. આ એક સર્જનની બીજભૂત પ્રક્રિયા છે. નર્મદની કાવ્યવિચારણામાં આવી કોઈ સર્જનની વિભાવનાનો ખ્યાલ અપેક્ષિત નથી. એના યુગનો સંદર્ભ જોતાં એ વધુ પડતી લેખાય. તેની કાવ્યચર્ચાનું રહસ્ય સ્પષ્ટ કરતાં એટલું જરૂર કહી શકાય કે કવિની લાગણી શબ્દસ્થ થતાં નવો રંગ, નવી ઝાંય ધારણ કરે છે એમ તે સમજ્યો હતો. તેનો આ ખ્યાલ શૈલી કે વડ્‌ર્ઝવર્થના કાવ્યવિચારનો પ્રતિધ્વનિ ઝીલતો હોય એમ જોઈ શકાય. વર્ડ્ઝવર્થે કાવ્યનિર્મિતિની ક્ષણોમાં ચિંતવન દ્વારા મૂળ લાગણીનું નવવિધાન થાય એ હકીકત પર ભાર મૂક્યો હતો.[39] નર્મદે કવિતામાં લાગણીનો આવિષ્કાર થાય એ ખ્યાલ પુરસ્કાર્યો, એટલું જ નહિ, કૃતિ સિદ્ધ કરતાં તે ‘જુકતી’ દ્વારા નવો ઘાટ પામે છે એમ પણ સૂચવ્યું. નર્મદે કવિતાના ઊગમ લેખે સ્વયંભૂ સર્જકશક્તિનો મહિમા કર્યો છે. તે કહે છે : “કવિ થવામાં કંઈ પણ સ્વાભાવિક બુદ્ધિ જોઈએ ખરી.”[40] અહીં ‘સ્વાભાવિક બુદ્ધિ’ દ્વારા તેને જન્મજાત પ્રતિભાનો ખ્યાલ અભિપ્રેત જણાય છે. તે એમ નોંધે છે કે કેટલાક પાસે આવી ‘સ્વાભાવિક બુદ્ધિ’ હોય છે, પણ યોગ્ય અવકાશ ન મળતાં તે હ્રાસ પામે છે, જ્યારે કેટલાક પાસે એવી શક્તિ અલ્પ હોય છે પણ તેને યોગ્ય પોષણ મળતાં તે ખૂબ મ્હોરી ઊઠે છે. નર્મદની આ ચર્ચાનું તેના યુગના સંદર્ભમાં વિશેષ મહત્ત્વ છે. એ સમયમાં અનેક કવિયશઃપ્રાર્થીઓ, વ્રજના પ્રભાવ હેઠળ, કવિતાને રચનાચાતુરીનો વિષય સમજતા. એ સમયના ઘણા શિક્ષિતો કવિતા રચવા આતુર બન્યા હતા. સુંદરમે ‘અર્વાચીન કવિતા’માં આવા કવિયશઃપ્રાર્થીઓ માટે એક સ્થાને ‘લેખકો’[41] શબ્દ યોજેલો છે! નર્મદ આવા કવિપદવાંછુઓને ઉદ્દેશીને જ જાણે કે કવિપ્રતિભાનો મહિમા રજૂ કરે છે. એના અનુગામીઓ રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ, મણિલાલ આદિએ કવિપ્રતિભાનો ખ્યાલ વધુ ભારપૂર્વક પ્રતિષ્ઠિત કર્યો છે તે આ સંદર્ભમાં ધ્યાનપાત્ર છે. આપણે એ વિશે યથાસ્થાને વિગતે ચર્ચા કરવા ધારી છે. અહીં તો આપણે એ મુદ્દાની જ ભારપૂર્વક નોંધ લઈશું કે ‘ભાખા’ રીતિના પ્રભાવ હેઠળ રચનાચાતુરીનો જે મહિમા વધ્યો હતો તેનો પ્રતિકાર નર્મદાદિની વિચારણામાં ઓછોવત્તો થયો જ છે. કવિતાનું જીવાતુભૂત તત્ત્વ તો લાગણી જ છે, અને તેના મૂળમાં કવિની નૈસર્ગિક પ્રતિભા જ રહી છે એ હકીકત આ રીતે જોરશોરથી રજૂ થતી રહેલી છે.

‘તર્કબુદ્ધિ’નું સ્વરૂપ અને કવિતા જોડે તેનો સંબંધ

‘કવિત્વશક્તિ’ અને ‘કવિ’ વિશે આટલી ચર્ચા કર્યા પછી નર્મદે ‘કવિતાની જણતી’ એવી ‘તર્કબુદ્ધિ’નો વિચાર રજૂ કર્યો છે. અહીંથી તેની કાવ્યવિચારણા નવા સંપ્રત્યયો (concepts) યોજે છે, અને તે જુદી જ રીતે વિકસે છે. એમાં ‘તર્કબુદ્ધિ’નો જે સંપ્રત્યય કેન્દ્રમાં છે તે સંભવતઃ શૈલીની કાવ્યવિચારણામાંથી તેને ઉપલબ્ધ બન્યો હોય. નર્મદે કવિતાની ‘જણતી તર્કબુદ્ધિ’, ‘કાવ્ય’નો વ્યાપક વિચાર, ‘કવિ’ની વ્યાપક ભાવના, અને ‘કાવ્ય’નાં ઉપાદાનોની જે ચર્ચાવિચારણા કરી છે તેમાં તે શેલીના જ કેટલાક વિચારોનો પડઘો ઝીલતો જણાય છે. અહીં શેલીની કેટલીક વિચારણા તેને પ્રેરક હોવાની માન્યતા પુષ્ટ કરવા શેલીના વિચારોને વિપુલ પ્રમાણમાં ઉતારવાનું આવશ્યક લાગ્યું છે. નર્મદે કવિતાની જનક એવી ‘તર્કબુદ્ધી’નો જે ખ્યાલ કેળવ્યો છે તે રજૂ કરવા તેણે માનવમનની બે વિભિન્ન શક્તિઓ સ્વીકારી છે. આ બે શક્તિઓ તે ‘વિવેકબુદ્ધી’ અને ‘તર્કબુદ્ધી.’ એ બેની વ્યાખ્યા કરતાં તે નોંધે છે : “એક વિચારને બીજા વિચાર સાથે કેટલો સંબંધ છે અને તેમાં ખરોખોટો કિયો છે એ વાતની તપાસ કરનાર જે આપણી મનશક્તિ તેને વિવેકબુદ્ધી કહેવી, અને એક બે અથવા વધારે વિચારોને પોતાની તરફનો પ્રકાશ આપી રંગનાર અને તેજી આપનાર અને તેમ કરી નવો વિચાર ઉત્પન્ન કરનાર એવી એ મનની શક્તિ તે તર્કબુદ્ધી.[42]” અને પછી તે કવિતાની વ્યાખ્યા કરે છે : “ને ‘તર્કબુદ્ધીનું નિસારણ’ એટલે તેનું શરીર ઉપર અથવા બહાર નિકળી આવવું તે કવિતા એમ એક વિદ્વાન કહે છે.”[43] અંગ્રેજ રોમેન્ટિક કવિ શેલીએ તેના પ્રસિદ્ધ નિબંધ ‘A Defence of Poetry’ (રચનાસાલ ૧૮૨૧)માં પોતાની કાવ્યભાવના સ્પષ્ટ કરવાને એ નિબંધના આરંભમાં જ માનવચિત્તની બે વિશિષ્ટ શક્તિઓ Reason અને Imaginationનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. નર્મદે યોજેલી પરિભાષા ‘વિવેકબુદ્ધી’ અને ‘તર્કબુદ્ધી’ અનુક્રમે શેલીના Reason અને Imaginationને સૂચવવા રચાયેલી જણાય છે. એ સાચું કે શેલીની સૂક્ષ્મ વિચારણાને તેણે પોતાની હાથવગી ભાષામાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. શેલીને અનુસરીને જ તેણે કવિતાને ‘તર્કબુદ્ધી’ની નીપજ ગણાવી જણાય છે. આમ છતાં, શેલીના કાવ્યવિચારમાં ‘કલ્પનાશક્તિ’ (Imagination)નો ખ્યાલ આગવી રીતે વિકસ્યો છે, અને નર્મદની ચર્ચાવિચારણા એ ખ્યાલ કરતાં એક અગત્યની બાબતમાં જુદી પડે છે. તે કહે છે : “કવિતામાં વિવેકબુદ્ધીનું થોડુંઘણું કામ પડે છે એ વાત ખરી, તો પણ હમે એમ કહેવાને વાજબી ધારીએ છીએ કે કવિતાની જણતી તર્કબુદ્ધિ છે. પછી એ જણતરને થોડીવાર વિવેકબુદ્ધીરૂપ ધાવ મળી હોય તો તે સારું કેળવાય એમાં શક નહીં.”[44] અહીં કવિતાની ઉત્પત્તિ ‘તર્કબુદ્ધી’માંથી થાય એમ એ સ્વીકારતો હોવા છતાં ‘તર્કબદ્ધી’ની ઉપલબ્ધિને ‘વિવેકબુદ્ધી’ (Reason) દ્વારા પોષણ મળે તો એ કવિતાને માટે હિતાવહ છે એવી તેની સમજણ રહી છે. શેલીની વિચારણામાં ‘કલ્પનાશક્તિ’ (Imagination) એ ચિત્તની સ્વયંભૂ સ્વાયત્ત સર્ગશક્તિ છે. એ ‘કલ્પનાશક્તિ’ દ્વારા જ વિશ્વજીવનનાં ગંભીર રહસ્યો ઉપલબ્ધ બને છે એવો સ્વીકાર છે. ‘કલ્પનાશક્તિ’થી ઉપલબ્ધ રહસ્યને બુદ્ધિથી મઠારવાનો ખ્યાલ શેલીને અભિપ્રેત નથી. નર્મદની સમજણ એ રીતે જુદી કેળવાઈ છે. ‘કવિ’ની વ્યાખ્યા કરતાં તેણે આ જ પ્રકારનો ખ્યાલ રજૂ કર્યો છે. કવિ પોતાના સંવેદનને ઉત્કટતાથી અનુભવે છે, એટલું જ નહિ, તેને ‘જુક્તીથી રંગીને બતાવવાની’ નિપુણતા તે ધરાવે છે. એમાં મૂળ સંવેદન તેના આદિમ્‌ સ્વરૂપમાં નહિ, પણ કવિના વિશિષ્ટ વ્યાપાર દ્વારા – ‘તર્ક’ વ્યાપાર દ્વારા – તે નવીન ‘રંગ’ ધારણ કરે છે, અર્થાત્‌ તે સંવેદન નવીન રૂપ ધારણ કરે છે, એમ અભિપ્રેત છે. આમ, કવિતાની ઉત્પત્તિ વિશે વિચારતાં તેણે કવિચિત્તમાં સ્ફુરતી ‘ઊર્મિ’ કે ‘ઉપલબ્ધિ’ને ‘જુક્તીથી રંગીને’ બુદ્ધિથી મઠારવાનો આગ્રહ રાખ્યો છે. કવિતાના ઉદ્‌ગમરૂપ એવી કવિત્વશક્તિ વિષે નર્મદે આરંભમાં ચર્ચા કરી છે તે, અને પછીથી ‘તર્કબુદ્ધી’ની જે વિચારણા રજૂ કરી છે તે – બંને પાછળ પાશ્ચાત્ય કાવ્યવિચારણાના બે વિશિષ્ટ ખ્યાલો રહેલા છે. તેણે કવિત્વશક્તિના વિકાસમાં બાલપણથી કવિચિત્તમાં અંકિત થતી અને સ્થાયીરૂપ ધારણ કરતી, બાહ્ય વિશ્વના પદાર્થોની ‘છાપ’નું મહત્ત્વ સ્વીકાર્યું છે. એ રીતે કવિત્વશક્તિને ‘બાહ્ય પ્રકૃતિ’ જોડે આંતરિક સંબંધ હોવાનું સૂચવાયું છે. કવિતાની ઉત્પત્તિમાં એ ‘બાહ્ય પ્રકૃતિ’ જ નવું રસાયન પામીને પ્રગટ થતી હોય એવું અભિપ્રેત છે. ‘તર્કબુદ્ધી’માં કવિએ અંતઃપ્રકૃતિ કરતાં તેને કોઈ અલૌકિક ક્ષણમાં સહજોપલબ્ધિ રૂપે પ્રાપ્ત થતા રહસ્યનો મહિમા વિશેષ છે. નર્મદની વિચારણામાં આ ભેદ સ્પષ્ટ થઈ શક્યો જણાતો નથી. એટલી ઝીણવટભરી દૃષ્ટિ તે કેળવી શક્યો નહિ તે માટે અંશતઃ તેના યુગની મર્યાદા લક્ષમાં રાખવી જોઈએ. તેના અનુગામી રમણભાઈએ પણ, શેલી વડ્‌ર્ઝવર્થની વિચારણાને કંઈક આ રીતે જ અભિન્ન લેખવતા હોય તેમ, આમેજ કરી જોવાનો પ્રયત્ન કર્યો છે. એ વિશે આગળ ચર્ચા કરીશું.

‘તર્ક’ – ભિન્ન ભિન્ન અર્થછાયા

નર્મદની કાવ્યવિચારણામાં ‘જોસ્સો’ અને ‘તર્ક’ એ બે પારિભાષિક શબ્દો ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એમાં ‘તર્ક’ શબ્દ તો નવલરામ રમણભાઈ આદિની વિવેચનવિચારણામાં યે પ્રવેશ પામ્યો છે, એટલે વિશેષ ધ્યાનપાત્ર છે. નર્મદે જુદા જુદા સંદર્ભમાં યોજેલા ‘તર્ક’ શબ્દના સંકેતો થોડા બદલાતા રહ્યા છે. તેણે પાશ્ચાત્ય રોમેન્ટિક કવિ વિવેચકો વડર્‌ઝવર્થ, શેલી, હેઝલિટ્‌ આદિનો પરિચય કર્યો હશે, પણ એ દરેકની વિચારણામાં કલ્પનાશક્તિ (Imagination)નો સંપ્રત્યય વિશિષ્ટ રીતે વિકસ્યો છે એ વાત પૂરતી લક્ષમાં આવી નથી. હેઝલિટ્‌ની કાવ્યવિચારણામાં passion ‘લાગણી’ અને Imagination - (કલ્પનાશક્તિ) એ બે બીજભૂત તત્ત્વો છે. (આગળ એની ચર્ચા કરવા ધારી છે.) નર્મદને એ બંને તત્ત્વો અનુકૂળ લાગ્યાં હોય એટલે તેની સમગ્ર વિચારણામાં બંને તત્ત્વો સ્થાન પામ્યાં છે. અલબત્ત, મૂળના સંકેતો એમાં વિસ્તર્યા છે કે સંકોચાયા છે, અને છતાં ય ‘તર્કબુદ્ધી’નો સંપ્રત્યય તેણે શેલીની વિચારણામાંથી જ ઝીલ્યો જણાય છે. હકીકતમાં, નર્મદની વિચારણામાં જે વિશિષ્ટ વિભાવનાઓ અસ્ફુટ કે અણવિકસિત દશામાં રજૂ થઈ છે તેના સંકેતો સ્પષ્ટ કરવાનું જરા યે સરળ નથી. તેમાં મૂળ પાશ્ચાત્ય વિચારોને તે પૂરેપૂરો અવગત કરી શક્યો હોય એવું જણાતું નથી. એટલે તેની સમગ્ર વિચારણામાં અનેક વિચારો સ્પષ્ટાસ્પષ્ટ રૂપમાં સાંકળી લેવાયા છે. તેની વિચારણામાં જે ‘તર્ક’ શબ્દ છે તે માટે પણ એટલું જ સાચું છે. (અ) નર્મદે કવિત્વશક્તિના સ્વરૂપનો વિચાર કરતાં ‘તર્ક’ શબ્દ પ્રયોજ્યો છે તે કંઈક વિલક્ષણ અર્થ દાખવે છે : “જેમ જેમ બાળક મ્હોટું થતું જાય છે, તેમ તેમ બહારની વસ્તુઓની છાપ તેની કર્મેન્દ્રી મારફતે જ્ઞાનેન્દ્રી ઉપર પડે છે. ત્યાંહાં તે છાપો જ્ઞાનેન્દ્રીઓની તર્કરૂપ રંગની ચીકાસથી ચીકટાય છે.”[45] અહીં બાહ્ય વિશ્વના પદાર્થોની ‘છાપો’ને સ્વકીય રંગ આપનાર, કોઈ ‘જ્ઞાનેંદ્રી’ઓના વ્યાપારને તર્કરૂપ કહ્યો છે. એ વ્યાપારથી બાહ્ય પદાર્થોની ‘છાપ’ જે નવીન ‘રંગ’ ધારણ કરે છે[46] તેને કારણે જ તે ચિત્તમાં સ્થાયી ‘રૂપ’માં વસવા યોગ્ય બને છે, અને એ ‘રૂપ’માં જ તે ચિત્તને અસર કરવાની ક્ષમતા પ્રગટ કરે છે. આમ કવિત્વશક્તિના બંધારણમાં પણ ‘તર્ક’ વ્યાપાર પ્રવર્તે છે. સર્જનની ક્ષણો જોડે તેને ત્યાં સાંકળવામાં આવ્યો નથી. અલબત્ત, ‘રંગીને બતાવે છે’ એમ તે કહે છે ત્યારે, સંભવતઃ કાવ્યરચનાની ક્ષણોમાં પણ એ પ્રકારે ‘રંગ’ આપનાર કોઈ એવો જ ચિત્તવ્યાપાર તેને ઉદ્દિષ્ટ હોય. (બ) નર્મદે સાહિત્યસૃષ્ટિમાં પ્રવર્તતી ‘કલ્પના’ માટે પણ ‘તર્ક’ શબ્દ યોજ્યો છે. ‘કવિ અને કવિતા’ નિબંધમાં કવિતાની ઉત્પત્તિ લેખે ‘તર્કબુદ્ધિ’નો તેનો ખ્યાલ એટલો વિશિષ્ટ રૂપનો છે. એમાં કવિતાની ‘જન્મદાત્રી સર્ગશક્તિ’ લેખે તેનો સ્વીકાર છે. શેલીના મતે એ સ્વયંભૂ સ્વાયત્ત શક્તિ છે. નર્મદ એ રહસ્ય બરાબર અવગત કરી શક્યો હોય એમ લાગતું નથી. પરંતુ શૈલીને અનુસરીને તે ‘કવિતા’ અને ‘કવિ’નો વ્યાપક સંકેત પ્રયોજતો જણાય છે. તે જોતાં તેની વિચારણાનું ધૂંધળું દર્શન થાય છે ખરું. શેલીની સાથે સાથે તેણે પણ કલાસર્જનને અતિક્રમી જતી, માનવ માત્રમાં સ્ફુરતી રચનાત્મક પ્રેરણારૂપ ચિત્તવૃત્તિ – કોઈ સંવાદી લયયુક્ત સંગીતમય સ્થિતિ –ને ‘કાવ્યરૂપ’ (રસરૂપ) લેખાવી છે.

‘કાવ્ય’ વિલક્ષણ સંપ્રત્યય

આપણે જરા આગળ ઉપર નર્મદે સ્વીકારેલી કવિતાની વ્યાખ્યાનો નિર્દેશ કર્યો હતો. એ વ્યાખ્યા આ પ્રમાણે હતી : “તર્કબુદ્ધીનું નિસ્સારણ એટલે તેનું શરીર ઉપર અથવા બહાર નીકળી આવવું તે ‘કવિતા’ એમ એક વિદ્વાન કહે છે.”[47] નર્મદની કાવ્યચર્ચામાંનો વિલક્ષણ લાગતો આ અંશ શેલીની કાવ્યવિચારણાના સંદર્ભમાં ગ્રહણક્ષમ બની રહે છે. શેલીએ કવિતાને ‘કલ્પનાની અભિવ્યક્તિ રૂપ’ લેખાવી છે, અને અભિવ્યક્તિની આ ક્ષણ માનવચિત્તની આંતરસંવાદી લયાન્વિત દશા છે. આવી સભરતાની ક્ષણોમાં માનવચિત્ત સહજ અભિવ્યક્તિ સાધવા પ્રવૃત્ત થતું હોય છે.[48] માનવચિત્તની અંદર જે સર્જકશક્તિ સક્રિય બને છે, જે creative principle કાર્ય કરી રહ્યો હોય છે, તે માટે શેલીએ અચેતન વાદ્યતંતુનો દાખલો આપ્યો છે, અને વાદ્યતંતુની તુલનામાં માનવીની સર્જકતાનો જે વિશેષ રહ્યો છે તેનો વિચાર રજૂ કર્યો છે. શેલીમાંથી નર્મદે પકડેલો વિચારતંતુ જોઈશું : “તે વિદ્વાન કહે છે કે જેમ કોઈ ગોખમાં મૂકેલી સતાર જુદી જુદી ગતિના પવન વડે હાલે છે અને મધુર સોરાવટ કહાડે છે તે પ્રમાણે માણસના ઉપર, બહારની તથા અંદરની વસ્તુઓની છાપ પડેથી મધુરી અસર થાય છે. રે એટલું જ નહિ પણ તે અસર પેલી અસલ છાપના જેવી જ આબેહૂબ થાય છે, બિંબ પ્રતિબિંબ જ. આ વાત માણસનામાં સતાર કરતાં વિશેષ છે. સતારના સૂરને અને પવનની ગતિને લય અથવા સામ્ય નથી. પણ માણસના મનને અને બાહ્યાંતર છાપને લય છે.”[49] નર્મદે શેલીની વિચારણા ઝીલવાને અહીં સારી મથામણ કરી છે. પોતાને હાથવગી ભાષામાં તેણે તેનું પ્રતિબિંબ ઝીલ્યું, પણ તે હકીકત કદાચ એટલી મહત્ત્વની નથી. પરંતુ તેણે શેલીના કેટલાક વિચારોને ઝીલવાનો જે પ્રયત્ન કર્યો છે, ખાસ તો તેમાં ‘કવિતા’ અને ‘કવિ’ વિશેના જે વ્યાપક ખ્યાલો પ્રગટ થયા છે તેમાં શેલીનો પ્રભાવ જ રહ્યો છે, એ સંભાવનાને અહીં પૂરતું સમર્થન મળે છે. ‘કવિતા તે તર્કબુદ્ધિનું નિસારણ’ કહેનાર વિદ્વાને જ ‘ગોખમાં મૂકેલી સતાર’ વિશે ચર્ચાવિચારણા કરી છે. અહીં નર્મદે શેલીના Aeolian Lyreની ચર્ચાને જ બિંબપ્રતિબિંબ ભાવે ઝીલી છે. વળી ‘વિવેકબુદ્ધી’ અને ‘તર્કબુદ્ધી’ના ખ્યાલો પણ શેલીમાંથી જ લીધા હોવાનું તે સ્પષ્ટ સૂચવી દે છે. વાસ્તવમાં, નર્મદે કેટલીક પાયાની વિચારણા, ખાસ કરીને કલ્પનાશક્તિ (Imagination), કવિતા (Poetry), અને કવિ (Poet) વિશેની વિચારણા શેલીમાંથી જ પ્રાપ્ત કરી જણાય છે. સંભવતઃ શેલીને અનુસરીને તેણે ત્રણેય શબ્દોના પ્રથમ વ્યાપક સંકેતો રજૂ કર્યા છે, તે પછી જ એ ત્રણે ય શબ્દોને રૂઢ અર્થમાં યોજ્યા છે. આગળ નોંધ્યું છે તેમ, બાહ્ય વિશ્વના સંનિકર્ષથી માનવચિત્તમાં સંવાદી લયયુક્ત સંગીતમય અંતઃસ્થિતિ જન્મે છે ત્યારે તે સહજ અભિવ્યક્તિ સાધે છે. આ પ્રકારની સર્ગશક્તિ માનવીમાં આદિકાળથી જ અનુસ્યૂત રહેલી . ‘Poetry is connate with the origin of man.’[50] એમ શેલી માને છે. તેની કાવ્યસમજણમાંનો જ એક વિલક્ષણ અંશ નર્મદમાં જોવા મળે છે. માનવવ્યક્તિમાં આવી કોઈ કલ્પનાશક્તિ (Imagination) Vital Creative Principle કાર્ય કરતો હોય છે.[51] એટલે જ આદિવાસી કે બાળકમાં આવી સહજાભિવ્યક્તિ સાધતી ચિત્તવૃત્તિ જોવા મળે છે. અને સમાજજીવનના સંદર્ભમાં તો અનંતવિધ એવી ચિત્તવૃત્તિઓને અવકાશ પ્રાપ્ત થાય છે.[52] નર્મદે આ વિચારો પોતાની સૂઝ પ્રમાણે રજૂ કર્યા છે. અહીં નર્મદની ‘રસ’ વિશેની એક વિલક્ષણ સમજણ સ્પષ્ટ થાય છે. તે કહે છે : ‘ઈશ્વરે અહીં ને તહીં, નાના પ્રકારની વસ્તુઓ ઉત્પન્ન કરેલી છે, જે જોઈને, જેને વિષે સાંભળીને, જેના ઉપર વિચાર કરીને, માણસન દિલમાં કંઈ થઈ આવે છે ને જેથી જોયેલી સાંભળેલી અને વિચારેલી વસ્તુની છાપ તેના ઉપર આબાદ પડે છે ને તેને તે વસ્તુઓનો રસ સમજાય છે. રસ એટલે અંદરની મજા. દુઃખથી પણ રસ ઊપજે છે. કોઈને દુઃખી જોતાં આપણામાં સાત્ત્વિક ભાવ પેદા થાય છે તે પણ એક રસ છે.’[53] નર્મદે અહીં જે ‘રસ’નો વિચાર રજૂ કર્યો છે તે શેલીની વિચારણાના સંદર્ભમાં વધુ સારી રીતે ગ્રહણ કરી શકાય. શેલીએ આંતર-બાહ્ય પ્રકૃતિની અસરથી વ્યક્તિચિત્તમાં સર્જાતી મધુરરમ્ય સંવાદી લયયુક્ત સંગીતાત્મક અંતઃસ્થિતિને જ, વ્યાપક રૂપમાં, ‘કવિતા’ ગણી. નર્મદે પણ એવી જ અંતઃસ્થિતિને ‘રસ’ની કોટિનો અનુભવ ગણ્યો. ‘રસ’ એટલે અંદરની ‘મજા’ – દ્વારા તેને એવી જ કોઈ ચિત્તાવસ્થા અભિપ્રેત જણાય છે. આગળ આપણે જોઈશું કે નર્મદે ‘સાહિત્યદર્પણ’કારને અનુસરી, ‘વાક્યં રસાત્મકં કાવ્યમ્‌ |’ એ વ્યાખ્યા પુરસ્કારી, કવિતામાં રસતત્ત્વની પ્રતિષ્ઠા કરી. જોકે તે રસસિદ્ધાંતની શાસ્ત્રીય ઝીણવટભરી ચર્ચા કરી શક્યો નથી. તેના ‘રસ પ્રવેશ’માં તેણે કેટલીક પરંપરાગત વિચારણા જ રજૂ કરી છે. આમ છતાં તેણે તેમાં ’રસ’ના અધિકાર વિશે જે થોડીક ગડમથલ કરી છે તે રસપ્રદ છે.[54] અહીં એક વાત એ પણ નોંધવી જોઈએ કે ભારતીય કાવ્યમીમાંસામાં રસનું સ્વરૂપ, રસનિષ્પત્તિ, રસનું સાચું અધિષ્ઠાન આદિ વિષયોમાં ખૂબ ઝીણવટભરી ચર્ચા થયેલી છે. તેમાં રસનું અધિષ્ઠાન તે ભાવક છે એવો આચાર્ય અભિનવગુપ્તનો મત બહુમાન્ય થયેલો છે. આચાર્ય અભિનવગુપ્તના મતે રસ એક પ્રકારે આત્મપ્રકાશ અને આત્મવિમર્શ છે. સાહિત્યકૃતિનો યોગ થતાં ભાવક અંતે તો આત્મભાવનાને જ આસ્વાદે છે. આપણે રમણભાઈની રસમીમાંસા નિમિત્તે એ વિષે વિગતે ચર્ચા કરીશું. અહીં એટલું જ નોંધીશું કે, કોઈ વિશ્વપદાર્થની ઉપસ્થિતિમાં વ્યક્તિચિત્તમાં સર્જકતાની ક્ષણે કોઈ સંવાદી અંતઃસ્થિતિ જન્મે છે એવા શેલીના ખ્યાલને અનુસરીને નર્મદે ‘રસ એટલે અંદરની મજા’ એવી વ્યાખ્યા કરી જણાય છે.

‘કવિ’ – વ્યાપક વિભાવના

‘કવિતા’નો વ્યાપક વિચાર રજૂ કર્યા પછી નર્મદે સંભવતઃ શેલીને અનુસરીને જ ‘કવિ’નો વ્યાપક વિચાર રજૂ કર્યો છે. આગળ જોયું તેમ, આ વિશ્વની ઉપસ્થિતિમાં ઓછોવત્તો ‘રસ’ તો સૌ કોઈ અનુભવે છે, પણ ‘કવિ’ નામને પાત્ર તો થોડીક વિશિષ્ટ વૃત્તિવાળી વ્યક્તિઓ જ સંભવે છે : ‘બોલવામાં, ગાવામાં, ઈશ્વરી અને કૃત્રિમ પદાર્થોની નકલ કરવામાં થોડોઘણો સઘળા લોકો રસ જોય છે. પણ એકનો એક જ, તેનો તે જ નથી જોતાં, માટે જેવો ઉપર લખ્યા પ્રમાણે ઘણા આગળ પડતા છે તેઓને “કવિ” કહેવા.[55] પરંતુ ‘કવિ’નો સંકેત વાણીના ઉપાસક કવિથી ઘણો વિસ્તાર્યો છે. અને એની ચર્ચા પછી તેણે તેને રૂઢિગત અર્થમાં પ્રયોજ્યો છે. “કવિઓ અથવા જેઓ, ન જતો રહે એવો ઉપર લખેલો ‘રસ’ વિચારે છે અથવા બતાવે છે, તેઓ ભાષાકવિ, ગાનારા, નાચનારા, ઇમારત બાંધનારા, સલાટો, ચિતારાઓ માત્ર નથી, પણ કાએદા કરનારા, કળા શોધનારા અને રાજ્ય સ્થાપનારા હોય છે. એટલે આ સઘળા કવિઓ જ છે. એમ નહિ કે ભાષામાં કવિતા કરે તેને જ કવિ કહેવા. હર કોઈને ઉપર લખેલી વાતોથી અનુકૂળ થયા તેને કવિ કહેવા, પછી તેઓ કોઈ પણ રીતે અને કોઈ પણ બાબત ઉપર પોતાનું રસજ્ઞાન કહાડો. ભાષા, રંગ, આકાર, એ સર્વ કવિતાની બાબતો અને કવિતા લખવાનાં સાધન છે.”[56] શેલીએ કલાના ઉપાસકો જ નહિ, સમાજજીવનના નવવિધાયક આચાર્યો, ઋષિઓ અને દ્રષ્ટાઓને પણ ‘કવિ’ લેખાવ્યા છે. એ સૌ સત્ય અને સૌંદર્યના ઉપાસકો છે. પરમ જગતમાં જે જે સત્યો અને ઋતો આ પાર્થિવ જગતમાં ઉપલબ્ધ બને છે તેને તેઓ પ્રગટ કરે છે. આ ‘કવિ’ઓનું દર્શન એ ધર્મનું જ વિશુદ્ધ દર્શન હોય છે. તેમના અંતરમાં ઉદ્‌ભવતી સૃષ્ટિ, તેમનું ભાવનાજગત, સ્વયં તેમની ‘કાવ્યસૃષ્ટિ’રૂપ હોય છે. એને આ સ્થૂળ જગતમાં આકાર આપવાને તેઓ પ્રવૃત્ત થયા હોય છે. આપણો નર્મદ એ વિચારણાનો પડઘો ઝીલે છે. એ પછી તે શેલીને પગલે પગલે વાણીના ઉપાસક કવિની મહત્તા રજૂ કરે છે :

“કવિતાને સઘળી વાત જોડે સંબંધ છે, તેમાં ભાષા કવિઓને ઘણો સંબંધ ધર્મ જોડે માલૂમ પડે છે.”[57] અને, કવિની ક્રાન્તદર્શિતાનો પુરસ્કાર કરે છે : “કવિતામાં બે ગુણ છે : વર્તમાનકાળની જ વાત સૂક્ષ્મ નજરથી જોય છે, અને તેની ખોડ બતાવી નવી સૂચના બતાવે છે, એટલું જ નહિ પણ વર્તમાનને જોઈને ભવિષ્ય કહે છે.”[58] શેલીના મૂળ વિચારનો અહીં કંઈક ધૂંધળો અને અસ્પષ્ટ ખ્યાલ નર્મદે રજૂ કરેલો જણાય છે. શેલીએ કવિની પરમ દૃષ્ટા લેખે પ્રતિષ્ઠા કરી છે. કવિને તેની સહજોપલબ્ધિની ક્ષણે જે રહસ્ય પ્રાપ્ત થાય છે, પ્રેરણાની પ્રોજ્જ્વલ ક્ષણે વિશ્વની પાર રહેલું જે કોઈ ‘સત્ય’નું દર્શન થાય છે, તે જ કવિતાનું જીવાતુભૂત તત્ત્વ છે. પ્લેટોએ પોતાના World of Ideasની પરમ પ્રતિષ્ઠા કરી, કવિના વિશ્વને સત્યથી બેવડું છેટું ગણી તિરસ્કારી કાઢ્યુ; પણ શેલીએ કવિની સૃષ્ટિને પરમ સત્યની ધારક ગણી તેની પ્રતિષ્ઠા કરી. A poet participates in the Eternal, the Infinite, and the One; as far as relates to his conceptions, time and place and number are not.[59] શેલીના મતે કવિ આવા શાશ્વત અને અનંતનું અનુસંધાન કેળવતો હોય છે. એટલે એ અર્થમાં તે દૃષ્ટા પણ ખરો. નર્મદે પોતાને શેલીનો જે કંઈ વિચાર ગ્રાહ્ય બન્યો હશે તેને પોતાની રીતે મૂક્યો છે, જોકે તેમાં શેલીના વક્તવ્યનું રહસ્ય પૂર્ણ પ્રગટ થતું નથી.

કળાનાં ઉપાદાનો : તેની શક્તિ અને સીમા

નર્મદે તેની કાવ્યવિચારણામાં શેલીની કાવ્યચર્ચાના અનેક મુદ્દાઓને સ્પર્શ કર્યો છે. ‘કવિ’ અને ‘કવિતા’ની પ્રથમ વ્યાપક વ્યાખ્યા કરી. એ પછી તેણે શબ્દની ઉપાસના કરનારા ‘ભાષાકવિ’નો વિચાર કર્યો છે. ભાષાકવિના ઉપાદાન લેખે ભાષાનો વિચાર કરતાં તેને અન્ય કળાનાં ઉપાદાનો જોડે તુલના કરવાનો પ્રસંગ આવે છે : “ભાષાનો ગુણ જ એવો છે કે આપણા જીવનાં જે કર્મ અને જોસ્સા, તેના તે બરાબર ચિતાર આપે છે. શું સલાટોનાં પૂતળાંથી અને ચિત્રથી અસલ વસ્તુનું ચોખ્ખું સ્વરૂપજ્ઞાન થતું નથી? થાય છે. પણ ભાષામાં કંઈ વિશેષ ગુણ છે. ભાષા તરેહ તરેહ વાર રીતે સે’લથી વપરાઈ શકાય છે – રંગ, આકાર અને ગતિ ફેરવાતાં નથી. ભાષાનો કવિતાશક્તિ જોડે પાસેનો ને સીધો સંબંધ છે, તેથી ભાષા તેનું કહ્યું તરત ને ઘણું કરે છે. સલાટ અને ચિતારાના કામમાં ધારેલી વસ્તુઓ અને પોતાનાં રસજ્ઞાન એની વચમાં બીજી કેટલીક વસ્તુઓ – હથિયારો, હુન્નરની રીતિઓ, કેટલા વિચાર આવી નડે છે, તેથી તેઓનું કામ વધારે મુશ્કેલ થાય છે. ભાષા પોતાનું રસજ્ઞાન ટપ દઈને ભાષામાં બોલી બતાવશે, પણ સલાટને પથરા ને હથિયાર જોઈશે. ચિતારાને પણ કાગળ ને લેખણ જોઈશે ને, દેખાઈતું છે કે એ લોકોનો કિસબ ભાષાકવિના કિસબને પાણી ભરાવે છે, ને તેઓ મોટા માનને યોગ્ય છે. તો પણ કેટલાક ભાષાકવિઓએ બેહદ તર્કશક્તિ બતાવી છે કે, જેની આગળ મોટા મોટા સલાટો અને ચિતારા પોઈસ છે.”૬૦ નર્મદની પ્રસ્તુત વિચારણા શેલીમાંથી જ આવી હોવાનો અભિપ્રાય બાંધવામાં ઝાઝી મુશ્કેલી નથી નડતી. શેલીના વિચારોમાંથી નર્મદે તંતોતંત વિચારો પકડયા છે, અને પોતાની સૂઝ પ્રમાણે મૂકી આપ્યા છે. નર્મદે શેલીને અનુસરીને જ ભાષાની અસાધારણ શક્તિનો મહિમા ગાયો છે. શેલીના મતે ભાષાનું તાત્ત્વિક સ્વરૂપ જ રૂપકાત્મક (metaphorical) છે. આદિ માનવીઓની જીવંત ભાષા સ્વયં કાવ્યમય હતી. એ આદિમાનવે જે ભાષા સરજી તે તેની સર્જકકલ્પનાની નીપજ હતી. શેલી નોંધે છે : “Their language is vitally metaphorical, that is, it marks the before unapprehended relations of things and perpetuates their apprehension, until the world which represent them become, through time, signs for portions or classes of thoughts : instead of pictures of integral thoughts, and then if no new poets should arise to create afresh the associations which have been thus disorganised, language will be dead to all the nobler purposes of human intercourse.”[60] ભાષા, એ રીતે, સ્વયં કલ્પનોત્થ સાધન છે. એ નવા નવા કવિઓ દ્વારા પુનર્વિધાન પામતી આવે છે, અને કવિચિત્તનાં રહસ્યોને વ્યક્ત કરવામાં તે સૌથી વધુ અનુકૂળ સિદ્ધ થાય છે. ભાષાની ઉત્પત્તિના મૂળમાં એ જ શક્તિ રહી છે, જેમાંથી કવિને સહજોપલબ્ધિરૂપ રહસ્ય પ્રાપ્ત થાય છે. જગતના પદાર્થો વચ્ચેનો કોઈ ગૂઢ સંબંધ આદિ ભાષાના સંકેતોમાં અનુસ્યૂત રહ્યો હોય છે. અને જ્યાં સુધી ભાષાની જીવંતતા ટકી રહી હોય ત્યાં સુધી એ ગૂઢ સંબંધ દાખવવાની તેમાં ક્ષમતા રહી હોય છે. એટલે જ શિલ્પી, ચિત્રકાર આદિ કલાકારોનાં ઉપાદાન કરતાં ભાષાકવિનું ઉપાદાન વધુ સૂક્ષ્મ, અનુનેય અને ક્ષમતાવાળું હોય છે. નર્મદની આ વિચારણા એના યુગના સંદર્ભમાં અતિ વિલક્ષણ લાગે. તેમના પછી નરસિંહરાવે કલા વિશે કેટલીક આછીપાતળી તત્ત્વવિચારણા કરી છે, મણિભાઈ દ્વિવેદીએ પણ ટૂંકી ચર્ચા કરી છે, પણ કલાનાં ઉપાદાનોની ક્ષમતા વિશે કોઈએ વિસ્તૃત અને ગહન સૂક્ષ્મ ચર્ચા કરી નથી. એક દૃષ્ટિએ એમાં ઝાઝું આશ્ચર્ય પામવા જેવું યે નથી. નર્મદને તો શેલીમાંથી માત્ર ગતાનુગતિક રીતે જ એ વિચારો પ્રાપ્ત થયા છે એટલું જ, બાકી એ યુગમાં કવિતાકલાની અન્ય કલાઓના સંદર્ભમાં વિચારવાની ખાસ દૃષ્ટિ કેળવાઈ નથી. નર્મદ, રમણભાઈ, નરસિંહરાવ જેવા કવિવિવેચકોએ જે કાવ્યભાવના રજૂ કરી તેમાં કાવ્યકૃતિના વાઙ્‌મય સ્વરૂપ લેખે તેનું માધ્યમ ભાષા તેની શક્તિ મર્યાદા, અને કૃતિનિર્માણમાં ઉપાદાન લેખે ભાષાનું મૂલ્ય એ મુદ્દાઓ એટલું મહત્ત્વનું સ્થાન પામ્યા જણાતા નથી. એ કવિઓને મન કવિતા એ કવિચિત્તનો સહજ આવિષ્કાર છે. એટલે કવિએ સભાનપણે ભાષાનું પુનર્વિધાન કરવાનું હોય એ ખ્યાલને ઝાઝો અવકાશ મળ્યો નથી. એકંદર, એમ કહેવું જોઈએ કે, ગઈ સદીમાં આપણે ત્યાં જે કેટલીક ત્રૂટક વિચારણાઓ કલા વિષે થઈ છે, તેમાં કલાકૃતિનાં વિભિન્ન ઉપાદોનોની ક્ષમતા અને સીમા વિશે ઝીણવટથી વિચારવાનું વલણ ઊગ્યું નથી.

‘વાક્યં રસાત્મકં કાવ્યમ્‌ |’ કાવ્યની પુનર્વ્યાખ્યા

નર્મદની કાવ્યવિચારણામાં અનેક વિચારો તેના પાશ્ચાત્ય કાવ્યમીમાંસાના અધ્યયનમાંથી પ્રવેશ પામ્યા છે. આપણી સંસ્કૃત કાવ્યમીમાંસામાંથી તે રસસિદ્ધાંતનો પુરસ્કાર કરે છે, અને પશ્ચિમની વિચારણામાં તેને આમેજ કરે છે. એના યુગમાં એને આપણા સંસ્કૃત આલંકારિકોના ગ્રંથો સુલભ નહોતા. તેને કાવ્યશિક્ષણ માટે જે ભારે શ્રમ ઉઠાવવો પડેલો તેનો નિર્દિશ થઈ ગયો છે. આગળ નોંધ્યું છે તેમ, રસસ્વરૂપની કોઈ સૂક્ષ્મ શાસ્ત્રીય છણાવટ પણ તે કરી શક્યો નથી. ‘રસપ્રવેશ’માં તેણે ‘રસ’ વિશે રજૂ કરેલી વિચારણા એટલી જ અધૂરી અપકવ અને ઉપરછલ્લી ગણાય તેવી છે. આમ છતાં, કવિતાના પ્રાણભૂત એવા રસ તત્ત્વ અને તેની સિદ્ધિમાં ભાગ ભજવતાં સાધનો વચ્ચે તે ભેદ કરી શક્યો છે તે ઘણું મહત્ત્વનું છે. પ્રથમ તે તેના અભ્યાસમાં આવેલા ‘પ્રતાપરુદ્ર’ નામના અલંકારગ્રંથમાંથી કવિતાની વ્યાખ્યા ટાંકે છે :

ગુણાલંકારસહિતૌ શબ્દાર્થૌ દોષવર્જિતૌ |
ગદ્યપદ્યોભયમયં કાવ્યં કાવ્યવિદો વિદુઃ ||

પણ પ્રસ્તુત શ્લોકમાં – ‘કવિતા શું છે એ સમજાવ્યું નથી પણ કવિતાનાં સાધનો કહ્યાં છે’ – એમ કહી તે એ વ્યાખ્યાને કાઢી નાખે છે. અને પછી વિશ્વનાથના પ્રસિદ્ધ ગ્રંથ ‘સાહિત્યદર્પણ’ની વ્યાખ્યા ‘વાક્યં રસાત્મકં કાવ્યમ્‌ |’ રજૂ કરે છે. આમ કવિતાના પ્રાણતત્ત્વ લેખે તે રસની પ્રતિષ્ઠા કરે છે. સંસ્કૃત કાવ્યમીમાંસામાં આનંદવર્ધને અને ખાસ તો અભિનવગુપ્તે રસની કાવ્યના પ્રાણતત્ત્વ લેખે અપૂર્વ પ્રતિષ્ઠા કરી. તે પછી મમ્મટ અને વિશ્વનાથે રસસિદ્ધાંતની પુનઃપ્રતિષ્ઠા કરી. નર્મદે વિશ્વનાથના સૂત્રમાંથી પ્રેરણા લઈ આપણી વિવેચનાને શુદ્ધ રસતત્ત્વની દિશામાં અભિમુખ કરી. તેણે વિશ્વનાથના પ્રસ્તુત સૂત્ર પર નોંધ કરી કહ્યું છે : “વાક્યરૂપી શરીરમાં જે રસરૂપી જીવ છે તે કવિતા. આ રીતે તો કવિતાની પરીક્ષા એટલી જ છે કે તે ખુશ કરતી અને અસર કરતી જોઈએ.”[61] સરકારી નર્મગદ્યમાં પ્રસ્તુત સૂત્ર પર જે નોંધ કરી છે તે ખૂબ સૂચક છે. તેમાં નવેસરથી કવિતાની વ્યાખ્યા મળે છે. રસ છે આત્મા જેનો એવું જે વાક્ય તે કવિતા. અમે આમ સમજીએ છીએ કે જે તર્કશક્તિથી સાર્થ વાણીમાં રસનું અવતરણ થયું હોય તે કવિતાશક્તિ અને સાર્થ વાણીમાં અવતરેલો જે તર્કજનિત રસ તે કવિતા.”[62] ભારતીય રસતત્ત્વ અને પાશ્ચાત્ય કાવ્યમીમાંસકોએ નિપજાવેલા કલ્પનાના સિદ્ધાંતનો વિનિયોગ કરવાનો એ એક નોંધપાત્ર પ્રયત્ન જણાય છે, પરંતુ આ વિધાનનું કર્તૃત્વ અસ્પષ્ટ છે. ‘જૂનું નર્મગદ્ય’માં કાવ્યની વ્યાખ્યા પછી નર્મદે પાશ્ચાત્યોએ સ્વીકારેલાં કાવ્યપ્રયોજનોનો વિચાર પણ સાંકળ્યો છે. મૂળ ગદ્યમાં કાવ્યની વ્યાખ્યા પછી તેણે ઉમેર્યું છે : ‘આ રીતે તો કવિતાની પરીક્ષા એટલી જ કે તે ખુશ કરતી અને અસર કરતી જોઈએ.’[63] આમાં ‘ખુશ કરતી’ એટલે to delight અને ‘અસર કરતી’ એટલે to move એ બે પાશ્ચાત્ય કાવ્યપ્રયોજનો આપણા રસવિચાર જોડે સાંકળવાનો પ્રયત્ન છે. આપણી રસમીમાંસામાં રસાનુભવનો પરમાનંદ અતિ ગૌરવપૂર્ણ સ્થાન પામ્યો છે, અને આપણા આલંકારિકોએ આનંદ સિવાય અન્ય લૌકિક પ્રયોજનોનો રૂઢિગત સ્વીકાર કર્યો હોવા છતાં, કાવ્યાનુભવની પરમ સિદ્ધિ તો રસાનુભવમાં જ છે, એ હકીકત તેમના લક્ષ્ય બહાર રહી નથી. અહીં નર્મદે રસાનુભવને પાશ્ચાત્ય મીમાંસકોની પરિભાષામાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે એ ખૂબ સૂચક છે. પાશ્ચાત્યોએ વળી કાવ્યપ્રયોજન લેખે નૈતિક ભાવકના શ્રેય, વૈયક્તિક કેળવણી કે સામાજિક ભૂમિકા પર તેની હિતાવહતા સ્વીકારી છે. નર્મદે એ વાત પોતાની રીતે મૂકી છે : “કવિતા તે જ છે કે જે ગુપ્ત રીતે અસર કરતી અને આપણા મનની સાથે વાતો કરે છે, જે આપણી પરોપકાર બુદ્ધિ અને દયાને જાગતી કરે છે, જે પ્રીતિના જોસ્સાને બહાર કહાડે છે, જે આપણી લાગણીઓને કેળવીને લાયક કરે છે, જે પડતી દશામાં દલાસો, ચડતીમાં ક્ષમા અને જિંદગાનીમાં નાના પ્રકારનાં નિર્મળ સુખ આપે છે.”[64] નર્મદને આ વિચારણા પાશ્ચાત્ય વિવેચકોમાંથી મળી જણાય છે. તેણે રસસિદ્ધાંતનો પુરસ્કાર કર્યો તે સાથે જ તેણે પાશ્ચાત્યોએ સ્વીકારેલાં કાવ્યપ્રયોજનો પણ આગળ ધર્યાં. તેની કાવ્યભાવનામાં ‘જોસ્સો’ અથવા ‘લાગણી’ તત્ત્વને મહત્ત્વનું સ્થાન મળ્યું, એટલે સ્વાભાવિક રીતે જ તે રસસિદ્ધાંતને આવકારી શક્યો. તે સાથે જ તેણે પશ્ચિમના ચિંતકોને અનુસરી, કવિતા ભાવકની લાગણીને સંસ્કારે છે એ વિચાર પણ રજૂ કર્યો.

વાસ્તવવાદ વિ. ભાવનાવાદ

નર્મદની કાવ્યવિચારણામાં કાવ્યતત્ત્વને લગતા અનેક વિચારો બીજભૂત સ્વરૂપમાં સ્થાન પામ્યા છે. એમાંની કેટલીક ચર્ચા તો તેણે તેના પાશ્ચાત્ય કાવ્યમીમાંસાના અભ્યાસમાંથી સીધેસીધી લીધી જણાય છે. જોકે એ બધા વિચારોને તેણે ત્રૂટક ત્રૂટક સ્વરૂપમાં જ મૂક્યા છે. તેમાંથી સુસંગત કાવ્યવિચાર તારવવાને આવશ્યક ગહન અભ્યાસ અને ધૈર્ય તે કેળવી શક્યો નથી. કદાચ એ તેની પ્રકૃતિને અનુકૂળ નહોતું. કાવ્યપ્રયોજન પછી તે એક મહત્ત્વના પ્રશ્નને રજૂ કરે છે : “વસ્તુઓને અને બનાવોને જેવા હોય તેવા જ રંગમાં ચિતરી બતાવવામાં કે પછી ગમે તે રીતે તેને કવિ પોતાના તર્કના પ્રદેશમાં લઈ જઈને જેવો રંગ આપે તેવા રંગથી ચિતરી બતાવવામાં – (બેમાંથી કોઈ રીતની કવિતા કીધાથી) કવિને માન છે?”[65] અને અનેક વિદ્વાનોનાં મંતવ્યોને સારવી આપતાં તે કહે છે : “એવું કંઈ જરૂરનું નથી કે વસ્તુઓ આશ્ચર્ય ઉપજાવે તેવી જોઈએ, તે ગમે તેવી હોય પણ તેને જે તર્કથી વણાયેલું ને રંગાયેલું વસ્ત્ર પેરાવવું, તે તર્ક અલૌકિક જોઈએ ખરો.”[66] આમાં તે કવિસૃષ્ટિની વસ્તુ પરિચિત જગતની હોય તો ચાલે, પણ તેના નિરૂપણમાં કશીક લોકોત્તર ચમત્કૃતિ તો જન્મવી જ જોઈએ એવું તે માનતો જણાય છે. વળી, કવિસૃષ્ટિની વિશિષ્ટતા રજૂ કરવા અન્ય વિદ્વાનોનો આધાર લઈ તે કહે છે : “એક વિદ્વાન કહે છે કે જેવું કુદરતમાં હોય તેવું ચિતરી બતાવવું; એટલું જ નહીં, પણ તેની સાથે કર્મ અને બિનાઓને આશ્ચર્યકારક અને ફેરફારવાળી અને નવાઈ જેવી રીતે બતાવવાં જોઈએ. બન્યું તે જ ન બતાવવું, પણ જે ભવિષ્યમાં બની શકે તે બતાવવું એ કવિનું કામ છે. સંસ્કૃત વિદ્વાનો કહે છે કે તે કવિતા સારી જાણવી જે નવા તર્કને ઉત્પન્ન કરે છે, ને એ રીતે મનના નવા નવા તરંગોથી પ્રફુલ્લિત કરે છે.”[67] પ્રસ્તુત વિચારણામાં એરિસ્ટોટલને[68] અભિમત કાવ્યસિદ્ધાંતને સંક્ષેપમાં રજૂ કરી, તે સાથે સંસ્કૃત વિદ્વાનોએ[69] કવિપ્રતિભા વિશે રજૂ કરેલા ખ્યાલને મૂકી આપ્યો હોવાનું સમજાય છે. આપણી અર્વાચીન કાવ્યવિવેચનામાં, આમ, બે ભિન્ન પરંપરાના કાવ્યશાસ્ત્રના વિચારોને સાથે મૂકી અવલોકવાનો પ્રયત્ન નર્મદથી જ આરંભાયો જણાશે. તે કહે છે કે પ્રતિભાશાળી સર્જક પોતાની લોકોત્તર સૃષ્ટિમાં, દેખાતા જગતની વીગતો અને ઘટનાઓને યથાતથ રજૂ કરીને થંભી જતો નથી. તે પોતાની ભાવનાને અનુરૂપ નવી સંભાવ્ય એવી સૃષ્ટિ પણ રચે છે. આવી નવીન કથાસૃષ્ટિની ઘટમાળને આગવું ઋત હોય છે, અને એના સર્જકકવિની પ્રતિભા દ્વારા તે પ્રગટ્યું હોય છે. સંસ્કૃત આચાર્યોએ પ્રતિભાને નવા નવા ઉન્મેષ પ્રગટાવનારી પ્રજ્ઞાબુદ્ધિ કહી છે અને એ ‘પ્રજ્ઞા’ બુદ્ધિ જ પેલી લોકોત્તર સૃષ્ટિનું આગવું ઋત પ્રગટાવતી હોય છે એમ સ્વીકાર્યું છે. નર્મદે કવિતા અને ઇતિહાસના સ્વરૂપનો ભેદ સ્પષ્ટ કરતાં જે વિચારો રજૂ કર્યા છે તેમાં યે ઍરિસ્ટોટલની કાવ્યચર્ચાનો પ્રતિધ્વનિ સંભળાય છે. તે કહે છે : “ઇતિહાસ કરતાં કવિતા ઘણી ગંભીર અને તત્ત્વવેત્તા છે. ઇતિહાસમાં તુટક તુટક બીનાઓ (જેમાં કાળ, જગા, હકીકત, કારણ ને કાર્ય હોય છે તે) સિવાય બીજો કોઈ સંબંધ નથી. ઇતિહાસ થોડાને લગતી વાતની જાણ કરે છે, પણ કવિતા માણસ માત્રને લગતી વાતની જાણ કરે છે. ઇતિહાસ અપૂર્ણ છે, થોડા વખતને જ અને કેટલીએક બાબતો જે ફરી ભાગ્યે જ થવાની હોય તે વિષે બોલે છે. પણ કવિતા પૂર્ણ ને સઘળા કાળને સારુ છે; અને જે જે કારણ અને કાર્ય માણસજાતના સ્વભાવમાં ને સ્વભાવથી નીપજવાનાં છે તે સર્વનો અંકુર કવિતામાં લખાયેલો હોય છે.”[70] નર્મદે પ્રસ્તુત વિચારણામાં કાવ્યસૃષ્ટિની વિશિષ્ટતા બરાબર પકડી છે. આપણે માટે એ મુદ્દો બીજી દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો છે. પાશ્ચાત્ય વિચારણામાં પુનર્જાગૃતિના કાળમાં એરિસ્ટોટલના કાવ્યશાસ્ત્રની પુનર્વ્યાખ્યા થવા લાગી. એ સમયે બેકને કવિતા વિશે નવીન દૃષ્ટિ આપી. તે પછી એરિસ્ટોટલ અને બેકનની વિચારણા દીર્ઘ કાળ સુધી વિવાદનો વિષય બની રહી. એરિસ્ટોટલની વિચારણામાં જે ‘અનુકરણ’નો સિદ્ધાંત હતો, અને બેકને જે ‘નવનિર્માણ’નો સિદ્ધાંત રજૂ કર્યો, તે જાણે કે બે આત્યંતિક વિચારણા હોય તેમ, પુષ્કળ વિવાદમાં પરિણમી. આપણે ત્યાં નર્મદના મિત્ર નવલરામે એરિસ્ટોટલ અને બેકનના કાવ્યવિચારોનો સમન્વય સાધી નવા યુગને અનુરૂપ નવીન ‘રસશાસ્ત્ર’ (aesthetics) નિર્માણ કરવાની મહાન અભિલાષા સેવેલી. રમણભાઈ નીલકંઠે પણ ‘કવિતા’ નિબંધમાં કવિતાની ઉત્પત્તિનો વિચાર કરતાં આરંભમાં જ એરિસ્ટોટલ વિ. બેકનના વિવાદનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પછીથી એ બંનેના ખ્યાલોને પોતાની સમજણ પ્રમાણે કાવ્યની રચનારીતિમાં સાંકળવાનો પ્રયત્ન કર્યો છે. નર્મદે કાવ્યસૃષ્ટિના સ્વરૂપ વિશે પ્રસ્તુત ખંડમાં ચર્ચાનો જે મુદ્દો ઉપસ્થિત કર્યો છે, તેનું બીજી દૃષ્ટિએ પણ મહત્ત્વ છે. એમાં તેણે કવિતાના સત્યાસત્યનો પ્રશ્ન જ સ્પર્શ્યો છે. આપણી વિવેચનામાં એ જાતનો એ કદાચ પ્રથમ પ્રયત્ન છે. પાશ્ચાત્ય વિવેચનામાં, અલબત્ત, આ પ્રશ્ન છેક પ્લેટોના સમયથી ચર્ચાતો રહ્યો છે. પ્લેટોએ કાવ્યસૃષ્ટિના સ્વરૂપની ચર્ચા કરતાં એમ પ્રતિપાદિત કરેલું કે કવિ (કળાકાર) આભાસી જગતની નકલ માત્ર કરતો હોવાથી તે પરમ ‘સત્ય’થી બેવડો છેટો રહે છે.[71] એના પ્રત્યુત્તર રૂપે જ જાણે કે એરિસ્ટોટલે એવો સિદ્ધાંત રજૂ કર્યો કે કવિ જે નવી ભાવનાપૂર્ણ સૃષ્ટિનું નિર્માણ કરે છે તે દ્વારા તે પેલા પરમ ‘સત્ય’ની જ નજીક જતો હોય છે.[72] નર્મદની ચર્ચામાં અણવિકસિત રહેલો આ મુદ્દો, સાક્ષરયુગમાં રમણભાઈ નીલકંઠની કાવ્યચર્ચામાં વિદ્વત્તાપૂર્ણ છણાવટ પામ્યો છે. એ વિશે આગળ યથાપ્રસંગ ચર્ચા કરીશું.

નર્મદનો કાવ્યવિચાર : હેઝલિટ્‌ની પ્રેરણા અને પ્રભાવ

નર્મદે પોતાના ‘કવિ અને કવિતા’ નિબંધમાં, તે યુગની પાશ્ચાત્ય કાવ્યચર્ચાઓમાંથી કેટલાક મહત્ત્વના મુદ્દાઓ સ્પર્શી, હેઝલિટ્‌નો કાવ્યવિચાર પણ સંક્ષેપમાં રજૂ કરી આપ્યો છે : “હાઝિલિટ નામનો વિદ્વાન કહે છે કે કોઈ પણ પદાર્થની અને બનાવની તેનાં તેજીપણાએ કરીને આપણાં મનમાં જે સ્વાભાવિક છાપ પડે છે અને જેથી (વગર વિચારે આપોઆપ અથવા ઇચ્છાએ) તર્ક અને જોસ્સા ઝપ જાગી ઉઠી કામે વળગે છે અને પછી સાત્વિક ભાવે સામાનાં સુખદુઃખ આપણને લાગે છે, અને એથી પછી અવાજ, અથવા શબ્દનું જે નીમસર નિકળવું થાય છે, તે છાપનું નામ કવિતા.”[73] નર્મદે અહીં જે હેઝલિટ્‌નો કાવ્યવિચાર ઉતાર્યો, તેમાં હેઝલિટ્‌ના Imagination માટે ‘તર્ક’ અને passion માટે ‘જોસ્સા’ શબ્દનો પ્રયોગ કર્યો જણાય છે. હેઝલિટ્‌ના સમગ્ર કાવ્યસિદ્ધાંતમાં આ બે શબ્દો બીજભૂત સંપ્રત્યયો છે.[74] જોકે વડર્‌ઝવર્થ, શેલી આદિ રોમેન્ટિક કવિઓની કાવ્યભાવનામાં Imagination કે passion એ બે સંપ્રત્યયો ઓછાવત્તા પાયામાં રહ્યા છે. પરંતુ હેઝલિટ્‌ના કાવ્યવિચારમાં એ બંનેનો વ્યાપક પ્રયોગ જોવા મળે છે, તે નોંધપાત્ર છે. નર્મદે પ્રસ્તુત નિબંધ ‘કવિ અને કવિતા’ (રચના ઈ.સ. ૧૮૫૮)માં તે સમયે તેના અભ્યાસમાં આવેલા કેટલાક પાશ્ચાત્ય કાવ્યવિચારોને આમેજ કરી લેવાનો પ્રયત્ન કર્યો છે. અને હેઝલિટ્‌નો કાવ્યવિચાર પણ એ રીતે એમાં સહજ સ્થાન પામ્યો છે. પરંતુ એ પછીનાં લખાણોમાં હેઝલિટ્‌ના કાવ્યવિચારનો પ્રભાવ કંઈક વિશેષ રહ્યો જણાય છે. તેણે હેઝલિટ્‌ના Imagination અને Passion એ બે શબ્દોનો અનુક્રમે ‘ચિત્ર પાડવાની શક્તિરૂપ તર્ક’ અને – ‘જોસ્સો’ – ઉત્કટ ભાવાવેશ – એ શબ્દોમાં અનુવાદ કરી લીધો જણાય છે. ‘નર્મકવિતા’ની અનેક પાદટીપોમાં૭૬[75] ‘ચિત્ર પાડવાની શક્તિ’ અને ‘જોસ્સો’ એવા પ્રયોગો વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે, તેના મૂળમાં પણ કદાચ હેઝલિટ્‌નો પ્રભાવ હોય એમ લાગે છે. વળી, મધ્યકાલીન કવિઓની કવિતાની મુલવણી કરતી વેળાએ તેણે ‘ચિત્ર પાડવાની શક્તિ’ અને ‘જોસ્સો’ એ બે સંપ્રત્યયોને જ વધુ તો પાયાના નિકષ લેખે સ્વીકાર્યા જણાય છે.૭૭[76] અને અંતમાં એ પણ નોંધવું જોઈએ કે તેણે તેના ‘આત્મચરિત્ર’રૂપ ગ્રંથ ‘મારી હકીકત’માં પણ એ જ પરિભાષાનો અનેક સ્થાને પ્રયોગ કર્યો છે.[77] નર્મદની કાવ્યવિચારણામાં ‘તર્ક’ અને ‘જોસ્સો’ એ બે સંપ્રત્યયો, તેની ઉત્તરકાલીન કાવ્યચર્ચામાં વધુ મહત્ત્વનું સ્થાન લે છે એ ખરું, પરંતુ કાવ્યજન્મની ક્ષણના ‘જોસ્સા’ના સ્વરૂપની તાત્ત્વિક સ્પષ્ટતા કરવાનો ખાસ પ્રયત્ન કર્યો જણાતો નથી. પછીથી રમણભાઈએ જ્યારે કવિના ‘અંતઃક્ષોભ’નો મુદ્દો ચર્ચ્યો ત્યારે તેનું સ્વરૂપ સ્પષ્ટ કરવાની દિશામાં તેમણે સભાન પ્રયાસ કર્યો છે તે આપણે જોઈશું. હેઝલિટ્‌ના કાવ્યવિચારનો આધાર લઈ નર્મદ ઉત્તમ કવિનો જે ખ્યાલ રજૂ કરે છે તે નોંધપાત્ર છે : “જે કવી કુદરત સંબંધી આપણા વિચારને બેહદ પ્રૌઢત્વ આપે છે અથવા દીલના જોસ્સાને બેહદ જોર આપે છે તે, જેનો તર્ક જબરો, જેનો પ્રીતિનો આવેશ શ્રેષ્ઠ, જેનું ઈશ્વરી સૌંદર્ય વિષે રસજ્ઞાન ઉત્કંઠિત, અને માણસજાતનાં દીલમાં જે જે વિકારો ઉત્પન્ન થાય છે તેનો જે અંતરજામી તે ઉત્તમ કવિ જાણવો. ખુબસુરતી, શક્તિ અને જોસ્સાનાં તત્ત્વો જે પોતાની છાતીમાં રમે છે, તેણે કરીને દુનિયામાં જે જે સુંદર, મહત તથા ગંભીર છે, અને પોતપોતાના સાદા ભારમાં છે તેઓને પોતાના જાણે છે – (સર્વનું જેને રસજ્ઞાન છે) તે ઉત્તમ કવિ સમજવો... ટુંકામાં કુદરતનું સંપૂર્ણ રસજ્ઞાન મેળવી તે પ્રમાણે કહાડી બતાવવું એ ઉત્તમ કવિનું કામ છે. સાચા અને મોટા કવિના મનમાં ઈશ્વરી લીલાનો અનુરાગ એ મુખ્ય વસ્તુ છે ને પોતાની સ્તુતિ સંબંધી વાત છેલ્લી છે અથવા નથી.”[78] નર્મદની પ્રસ્તુત વિચારણામાં ઉત્તમ કવિની જે ભાવના રજૂ થઈ છે તેમાં એણે આપણને કોઈ ક્રાન્તદ્રષ્ટા કવિની વિશિષ્ટ શક્તિનો પરિચય કરાવ્યો છે. વિશ્વ સમસ્તના પરમ રહસ્યને પામવા જે કવિ ઉત્સુક હોય, અને જે આ વિશ્વની અનંત લીલાને વિસ્મયભાવે નિહાળી રહેતો હોય તે જ મહાન કાવ્ય સર્જી શકે. બીજા શબ્દોમાં, જે ક્રાન્તદર્શી હોય તે જ વિશ્વના પરમ રહસ્યનો ઉદ્‌ગાતા બની શકે. નર્મદે પુરસ્કારેલા આ ખ્યાલમાં કવિ અને બાહ્ય વિશ્વના અનુસંધાનનો વિચાર મહત્ત્વ પામતો જણાય છે. એમના અનુગામીઓમાં નવલરામ, રમણભાઈ, નરસિંહરાવ, મણિલાલ આદિ વિદ્વાનોએ કોઈ ને કોઈ પ્રસંગે કવિ અને બાહ્ય વિશ્વના સંબંધની ચર્ચા કરી છે, તે આપણે યથાસ્થાને અવલોકીશું. નર્મદના મિત્ર અને વિદ્વાન નવલરામે કવિતાની વ્યાખ્યા કરતાં કહ્યું છે : “માયા અથવા કુદરતના સ્વરૂપનું ખરેખરું ચિત્ર તે કવિતા”[79] આ વિધાનમાં નર્મદની ચર્ચાનો તંતુ જુદી રીતે વિકસતો જોઈ શકાશે. અહીં એક મુદ્દો એ નોંધવો જોઈએ કે અર્વાચીન યુગમાં આરંભની આપણી કાવ્યવિવેચનામાં એક બાજુ રોમેન્ટિક કવિઓની કાવ્યભાવનાના પ્રભાવ હેઠળ કવિતાને આત્મલક્ષી ઉદ્‌ગાર લેખે બિરદાવવાનું વલણ દેખાય છે, તો બીજી બાજુ, કવિતાનો વધુ વ્યાપક વિચાર કરતાં તેને બાહ્ય વાસ્તવ સાથે સંકળવાનું વલણ દેખાય છે.

કવિતા અને શાસ્ત્ર

ગઈ સદીમાં મેકોલે જેવા પાશ્ચાત્ય ચિંતકે એવો એક મત પ્રવર્તાવ્યોહતો કે કવિતા જ દરેક પ્રજાની સૌથી આદિમ્‌ પ્રવૃત્તિ છે, ગદ્ય નહિ. નર્મદ પણ એ જ ખ્યાલનો પ્રતિધ્વનિ ઝીલતો જણાય છે. તે કહે છે : “હરેક દેશનો ભાષા વિદ્યા સંબંધી પહેલો યત્ન કવિતા રૂપે હોય છે. સારું નરસું સમજવું એ મોટું કામ છે, પણ શરીરના ઉપર બહાર અંદરની વસ્તુઓની છાપ વહેલી પડે છે. મનની બીજી શક્તિ કામ કરવાને પાથણામાંથી ઊઠે છે, તે સહુની અગાઉ તર્કશક્તિએ પોણું કામ પાર કર્યું હોય છે. સૃષ્ટિનું સૌંદર્ય અને અદ્‌ભુતતા માણસની નજરે પ્રથમ પડે છે. કાયદા કરવા ને શાસ્ત્રો બનાવવાં એ પછવાડેનાં કામો છે. કવિ અસલ છે...”[80] આમ, માનવજાતિના ઇતિહાસમાં સંવેદનમૂલક ભાવના પ્રથમ અને તર્કપૂત વિચાર પછી એવો પૂર્વાપૂર્વીનો ક્રમ જોવા મળે છે, એ તત્કાલીન પાશ્ચાત્ય સંસ્કૃતિવિચારનો પડધો નર્મદમાં તેમ રમણભાઈમાં ય પડયો છે. આ હકીકત પાછળ ગઈ સદીમાં યુરોપમાં પ્રવર્તતો વિકાસવાદનો સિદ્ધાંત રહ્યો જણાય છે. આધુનિક સમયમાં માનવબુદ્ધિએ વિદ્યા અને વિજ્ઞાનના ક્ષેત્રમાં અપૂર્વ સિદ્ધિઓ મેળવી. અનેક કુદરતી વિજ્ઞાનો (Physical Sciences) અને માનવવિદ્યાઓ (Humanities)નો તર્કપૂત વિકાસ વેગીલો બન્યો, અને માનવબુદ્ધિની પ્રતિષ્ઠા વધી. આ ગાળામાં કેટલાક ચિંતકોને એમ લાગ્યું કે તર્કપ્રતિષ્ઠાના આ યુગમાં કવિતાનું ભાવિ જોખમાશે. આદિ કાળમાં માનવી બાહ્ય વિશ્વની ઉપસ્થિતિમાં જે વિસ્મયાદિ ભાવો અનુભવતો, તેવી સ્થિતિ આ વિજ્ઞાનના યુગમાં રહી નથી. માનવીની બુદ્ધિશક્તિએ વિશ્વપદાર્થોનું પૃથક્કકરણ કરી તેનું વૈજ્ઞાનિક સત્ય શોધવાના અવિરત પ્રયત્નો કર્યા છે. આ સંજોગોમાં ‘પદાર્થો’ના પ્રતિભાવ રૂપે વિસ્મયાદિ ભાવની શક્યતા જ રહેતી નથી. થોમસ લવ પિકૉક નામના વિદ્વાને તેમની ‘The Four Ages of Poetry’ નામે પુસ્તિકામાં (પ્રકાશન ઈ.સ. ૧૮૨૦માં) એમ પ્રતિપાદિત કર્યું કે માનવજાતિના ઉત્તરોત્તર વિકાસની સાથે કવિતાને માટેનો પ્રદેશ સાંકડો થતો ગયો છે, અને હવે વિજ્ઞાનયુગમાં કવિતાના અસ્તિત્વ માટે કોઈ ભૂમિકા જ રહેતી નથી.[81] (કવિ શેલીએ A Defence of Poetry નામે નિબંધ આ પુસ્તિકાની સામે બચાવરૂપે લખેલો તે જાણીતી વાત છે.) આપણી કાવ્યવિવેચનામાં આ મુદ્દાની ચર્ચા, દેખીતી રીતે જ, ઈ.સ. ૧૮૨૦ના ગાળામાંની પાશ્ચાત્ય કાવ્યચર્ચાની પ્રેરણાથી ચાલી જણાય છે. નર્મદ પછી રમણભાઈએ પણ ‘કવિતા’ અને ‘કાવ્યાનંદ’ નિબંધમાં આ મુદ્દાની વિગતે છણાવટ કરી છે. નર્મદની અને નર્મદના અનુગામી વિદ્વાનોની કાવ્યચર્ચામાં આવા કેટલાક પ્રશ્નો પાશ્ચાત્ય વિવેચનાના પ્રભાવ નીચે સ્થાન પામ્યા છે. નર્મદે, આ ઉપરાંત, અન્ય જે કેટલીક ચર્ચાઓનો સ્પર્શ કર્યો છે તે પ્રાસંગિક હોવા છતાં તે યુગની ભૂમિકા સમજવાને જરૂરી છે. (૧) કવિતા એ પદ્યમાં હોય અને ગદ્યમાં પણ હોય.[82] આપણે ત્યાં અર્વાચીન યુગના આરંભે પદ્ય જ એક વ્યાપક વાહન હતું. ગદ્યમાં કાવ્ય હોઈ શકે એ ખ્યાલ નર્મદે ફરી પ્રતિષ્ઠિત કર્યો. (૨) કવિતા અને સંગીત વચ્ચે તે ભેદ કરે છે. તે નોંધે છે : “રાગ કંઈ કવિતા નથી. કવિતા તે એક જુદી જ મનની વિચારશક્તિ છે, જે રાગના રૂપમાં અવતરીને બહાર આવે છે.”[83] નર્મદનો આ ખ્યાલ મહત્ત્વનો છે. કવિતા અને સંગીત વચ્ચે ભેદ સ્પષ્ટ કર્યા છતાં કવિતાને સંગીતની ઉપકારકતાનો તે સ્વીકાર કરે છે. તે એ વિશે સ્પષ્ટતા કરતાં એમ કહે છે : “ગાયન પહેલું કે કવિતા પહેલી?” આ સવાલનો જવાબ દેવો કઠણ છે. પણ એટલું કે તે બંનેનો પરસ્પર ઘણો સંબંધ છે, તેઓને એક માની બે બે’ન કહિયે તો ચાલે ખરું. જે ગાયન છે તે ઘણું કરીને કવન હોયા વગર રહેનાર નહીં અને જે કવન છે તે તો ગાયન થવું જ જોઈએ”[84] આમ બંને કળાની વિભિન્નતા સ્વીકાર્યા પછી તે બંનેના ક્ષેત્રને પરસ્પરમાં અતિક્રમી જતું જુએ છે. આ વિશે તેની લિરિકની ચર્ચા અવલોકતાં વિગતે નોંધીશું. (૩) સંસ્કૃતમાં ‘અનુપ્રાસ’ આદિના પ્રયોગો ઓછા હતા. તે પછી પાછળના કવિઓએ ‘પ્રાસ’ આદિનું મહત્ત્વ વધારી દીધું હતું. એ સંદર્ભે નર્મદ કહે છે કે, કવિતામાં પ્રયત્નપૂર્વક પ્રાસનાં બંધન લાવવાની આવશ્યકતા નથી.[85] પાછળથી રમણભાઈએ ‘છંદ અને પ્રાસ’ વિશે વિદ્વત્તાપૂર્ણ ચર્ચા કરી છે. તેમાં કાવ્યતત્ત્વના સંદર્ભમાં પ્રાસનું સ્થાન વિગતે ચર્ચ્યું છે. (૪) નર્મદે શેલીને અનુસરીને કવિતાની મહત્તા અને તેની શ્રેયસ્કરતા નોંધી છે. અને કવિતાને અલૌકિક સત્ત્વ લેખે સ્થાપી છે.[86] આ ઉપરાંત તેણે કવિતાની ટૂંકી વિકાસ રેખા દોરવાનો પ્રયત્ન કર્યો છે. પોતાની મુખ્ય વિચારણાની આસપાસ તેણે ફરીફરીને અનેક વિચારો દોહરાવ્યા પણ છે. અંતભાગમાં કવિતા રચના કરવા ચાહનારને સૂચનો આપ્યાં છે. ગુજરાતી ભાષા અને ગુજરાતી કવિતાની પ્રાણપ્રતિષ્ઠા કરવા તેણે આક્રોશભરી અપીલ પણ કરી છે.

‘કવિતાજાતિ’ : નર્મદની કાવ્યપ્રકાર વિશે વિચારણા

નર્મદની સમસ્ત કાવ્યવિચારણામાં ‘કવિ અને કવિતા’ નિબંધ સૌથી મહત્ત્વનો છે. એ સિવાયનાં અન્ય લખાણોમાં ‘કવિતાજાતિ’ કંઈક ધ્યાનપાત્ર છે. આપણે ત્યાં કાવ્યપ્રકારો વિશે પછીથી બ. ક. ઠાકોર[87], રામનારાયણ પાઠક[88], ડોલરરાય માંકડ[89], ઉમાશંકર જોશી[90], ચંદ્રવદન મહેતા[91] આદિ વિદ્વાનોએ કેટલીક મહત્ત્વની વિચારણા કરી છે. નર્મદની એ વિશેની વિચારણા માત્ર એક પ્રારંભિક પ્રયત્ન લેખે જોવા જેવી છે. નર્મદે સંસ્કૃત આલંકારિકોને અનુસરી પ્રથમ સાહિત્યના ત્રણ મૂળગત ભેદ સ્વીકાર્યા છે : ‘લખાણ ત્રણ રીતનું હોય છે. ગદ્ય એટલે કવિતા વિનાનું; પદ્ય એટલે કવિતાવાળું; અને ચંપૂ અથવા નાટક એટલે જેમાં ગદ્યપદ્ય બે આવે તેવું.’[92] જોકે સંસ્કૃતમાં ગદ્યના આશ્રયે પણ કાવ્ય પાંગર્યું છે, અને આલંકારિકોએ આ દૃષ્ટિએ ‘કાવ્ય’નો વ્યાપક અર્થ પણ કર્યો જ છે. નર્મદે તેના આગળના ‘કવિ અને કવિતા’ નિબંધમાં એનો સ્વીકાર કર્યો હતો કે ‘કવિતા’ ગદ્યમાં પણ હોય. આમ છતાં, વર્ગીકરણની સુગમતાને ખાતર તેણે પરંપરાના વિચારોને અપનાવી લીધા જણાય છે. એ પછી કવિતાના ત્રણ ‘મોટા વર્ગ’ તે પાશ્ચાત્યોને અનુસરીને આપે છે. (અ) ‘ગીતકવિતા’ (Lyric માટે તેણે યોજેલો શબ્દ) (બ) વીરકવિતા (epic માટે તેણે યોજેલો શબ્દ) (ક) ‘નાટક’ (drama) આ ત્રણેયનાં લક્ષણો તે પાશ્ચાત્ય વિવેચકોને અનુસરીને આપે છે. પરંતુ પછીથી આપણા ગુજરાતી સાહિત્ય (અને સંસ્કૃત સાહિત્ય)નાં પરંપરાપ્રાપ્ત કાવ્યસ્વરૂપોને પોતે સ્વીકારેલી યોજનામાં ગોઠવવા જતાં તેને ઘણી મુશ્કેલી નડી છે. એ બધામાં તેનો ‘ગીતકવિતા’ (Lyric) વિશેનો ખ્યાલ એ યુગની કાવ્યભાવનાના સંદર્ભમાં વિશેષ મહત્ત્વનો બની રહે છે. આજે આપણે અંગ્રેજી Lyric માટે ‘ઊર્મિકાવ્ય’ શબ્દ જ વિશેષતઃ વપરાતો જોઈએ છીએ. નર્મદે એને માટે યોજેલો પર્યાય ‘ગીતકવિતા’ એ તેની લાક્ષણિક સમજ નક્કી કરી આપે છે. ‘ગીતકવિતા’ માટે તે કહે છે : “આવી કવિતા રચવામાં છંદના નીમ સાથે ગાયનના નીમ પણ પાળવા પડે છે; ને તેથી તે ઘણું કરીને ગાવામાં જ આવે છે. એવી કવિતા ગાવામાં વધારે શોભે છે ને દિલને અસર કરે છે; બાકી સાદી રીતે વાંચી ગયાથી ઘણી લ્હેજત નથી આપતી.”[93] વળી એક વાર તે તેની વ્યાખ્યા કરતાં કહે છે. “ગાયનમાં જ ગાવાને માટે તેના નીમસર બનાવેલી જે કવિતા, તે ગીતકવિતા.”[94] આ રીતે અવલોકતાં આપણા મધ્યકાલના અનેક ભક્તકવિઓની રચના ‘ગીતકવિતા’ના વર્ગમાં આવે તેમ તે માને છે. તેના મતે ન્હાનાં આખ્યાનો, પદો, ગરબીઓ, લાવણીઓ એ ગીતકવિતા જ છે. આ રીતે શક્ય તેટલાં લઘુ ગેય કાવ્યસ્વરૂપોને ‘ગીતકવિતા’માં સમાવવામાં તેનો પ્રયત્ન દેખાય છે. એ પ્રકારની રચનાઓ ગેય હોય પણ તેથી તે અતંત્ર ન હોય. તેમાં કોઈ નિયમ તો હોય જ. ‘ગાયનમાં નીમ પ્રમાણે તાલની સાથે કોઈ પણ માત્રા નીમ આવવો જ જોઈએ.”[95] બીજા પક્ષે તે એ પણ સ્પષ્ટ કરી લે છે કે ‘કવિતા એક જાતનું ગાયન છે, પણ ગાયન કંઈ કવિતા નથી.’ કવિતા અને સંગીત વચ્ચે તે ભેદ કરવાનો આગ્રહ કરે છે, અને છતાં ‘ગીતકવિતા’માં સંગીતની ઉપકારકતા એ સ્વીકારે પણ છે. “કવિતા ને ગાયન જુદાં છે, તો પણ ઉત્તમ પંક્તીએ ચડવાને કવિને એ સાહિત્ય અગત્યનું છે.”[96] નર્મદે કેળવેલી આ સમજણ તેના યુગના સંદર્ભમાં સમજી શકાય તેવી છે. તેમના સમકાલીન નવલરામે પણ ઊર્મિકવિતાના ઉદ્‌ગમ લેખે ‘પૂર્ણ રસ’ની કોટિના ‘કાવ્યાનુભવ’ની કલ્પના કરી છે, અને તેમાંથી ઉદ્‌ભવતી ઊર્મિકવિતા સંગીતની સહાય દ્વારા જ મૂળ ‘રસ’નો આસ્વાદ કરાવી શકે એવું તેઓ માનતા જણાય છે.”[97] તેમના અનુગામી સાક્ષરો રમણભાઈ નીલકંઠ અને નરસિંહરાવે પણ કવિતા અને સંગીતકલાનો ભેદ કર્યા છતાં ઊર્મિકવિતામાં સંગીતતત્ત્વની ઉપકારકતા સ્વીકારી છે. નરસિંહરાવની રોમેન્ટિક પ્રકૃતિને જે ઊર્મિકાવ્યની અપેક્ષા છે તેમાં અપાર્થિવ સંગીતનાદનું અપૂર્વ સ્થાન છે. એમની સામે બળવંતરાય ઠાકોર નવી કાવ્યભાવના વિકસાવે છે. તેમણે કવિતામાં અર્થતત્ત્વનું ગૌરવ કર્યું, એટલું જ નહિ, સંગીતની ગેયતાને સ્થાને અર્થમાધુર્ય કે અર્થસંગીતનું મહત્ત્વ કર્યું. આપણી વિવેચનામાં કંઈક પાછળથી એ નવીન વલણ પ્રગટ્યું. ઊર્મિકવિતામાં સંગીતતત્ત્વની ઉપકારકતાનો પ્રશ્ન આપણી વિવેચનામાં કોઈ આગંતુક પ્રશ્ન જણાતો નથી. એની પાછળ પાશ્ચાત્યોની ઊર્મિકવિતાના સ્વરૂપ વિશેની ચર્ચાવિચારણાની ઠીક ઠીક દીર્ઘ પરંપરાનું અનુસંધાન જોઈ શકાય. નર્મદના સમયમાં મધ્યકાલીન કવિતામાં ગેય ઢાળોનું પ્રાચુર્ય હતું, અને એ રીતે આપણે ત્યાં કવિતા એ ગાવાની વસ્તુ છે એ ખ્યાલ પ્રચલિત હતો એ ખરું, પણ નર્મદની પોતાની ‘ગીતકવિતા’ની સમજણ પાશ્ચાત્યોની વિચારણા દ્વારા સમર્થન પામી છે, એમ માનવું કદાચ વધુ સયુક્તિક ગણાય. એના યુગમાં પાશ્ચાત્ય વિવેચનામાં ઊર્મિકવિતા (Lyric)ના સ્વરૂપનો જે ખ્યાલ પ્રચલિત હતો તેમાં તેની સંગીતાત્મકતા (musicality)નો પુરસ્કાર હતો. ખાસ તો પાશ્ચાત્ય રોમેન્ટિક કવિઓએ કવિતાના ઉદ્‌ભવની ક્ષણે કવિચિત્તમાં હૃદયસંવાદી લયાન્વિત ભાવ જન્મે એવો ખ્યાલ પ્રતિષ્ઠિત કર્યો હતો. જોકે આ સદીમાં અનેક પાશ્ચાત્ય કવિઓએ ચિંતનપ્રણીત, અર્થસઘન, દુર્બોધ, વ્યંગતત્ત્વયુક્ત કવિતાનો પક્ષપાત કર્યો છે, અને પરિણામે ગઈ સદીની એ મધુર રાગાત્મક ઊર્મિકવિતા – સી. ડી. લૂઈસ જેને Singing line કહે છે – તેનો પ્રવાહ આજે ક્ષીણ થતો દેખાય છે.[98] એક કાવ્યપ્રકાર લેખે ઊર્મિકાવ્ય (Lyric)ની ચોક્કસ વ્યાખ્યા બાંધવાનું કોઈ રીતે સરળ નથી. પાશ્ચાત્ય કાવ્યસાહિત્યમાં એના ઉદ્‌ભવવિકાસનો જે દીર્ઘ ઇતિહાસ રહ્યો છે, અને તેમાં સમયે સમયે જુદાં જુદાં વૃત્તિવલણો પર જે ભાર મુકાયો છે, તે સર્વને આવરી લે એવી તેની વ્યાખ્યા કરવાનું તો એથીય વધુ દુષ્કર છે. પાશ્ચાત્ય સાહિત્યના વિદ્વાનોએ બે પ્રાચીન કવિઓ – પિંડર અને હોરેસ –ની વિભિન્ન શૈલીની ઊર્મિકવિતામાં તેની બે મુખ્ય વૃત્તિઓનો ઊગમ જોયો છે. Highet નામના વિદ્વાને તેમના The Classical Tradition નામે ગ્રંથમાં એ બે કવિઓની ઊર્મિકવિતાનું વિશિષ્ટ સ્વરૂપ વિગતે સ્પષ્ટ કરી આપ્યું છે.[99] અહીં તેના મુદ્દાઓ જ નોંધીશું. (અ) પિંડરની રચનાઓ જાહેર ઉત્સવ પ્રસંગે ગાવા માટે રચાયેલી છે. તેમાં ઉત્કટ ઊર્મિનો આવિષ્કાર પ્રગટ્યો છે. આવી ઉત્કટ પળોમાં તેજસ્વી કલ્પનાઓ ચમકી ઊઠી હોય છે. આ ઊર્મિકવિતા તેના કવિના હૃદયના નિબંધ પ્રવાહ જેવી, પ્રબળ વેગવાન, ઓજસ્‌ અને સામર્થ્યવાળી સ્વચ્છંદી રચનાઓ છે. તેમાં તેનો ભાવક અવશ્યપણે તણાય એ સહજ છે. (બ) હોરેસનું માનસ જુદા પ્રકારનું છે. તેના ચિત્તમાં ઊઠતી લાગણી ઉત્કટ હોય તો યે કવિનો અંકુશ તેના પર ખરો. આ કવિએ સ્વસ્થ ચિત્તે પોતાના સંવેદનને કંડારતાં તેમાંથી સૌષ્ઠવપૂર્ણ શિલ્પાકૃતિ રચી છે. તેમાં જાગૃત કળાકારની રચનાકલાનો પ્રભાવ છે. તેના ભાવકને એ ઊર્મિકવિતા લાગણીના પ્રવાહમાં અવશ બનાવતી નથી. એમાં તો ભાવના સંયમિત નિરૂપણની ભીતરમાં ઊંડેરું કશુંક ગુંજન સંભળાય છે. પાશ્ચાત્ય કવિતાના ઇતિહાસમાં આ બે વિભિન્ન ઊર્મિકાવ્યની ધારાઓ ક્યારેક એકત્ર થતી લાગતી, તો ક્યારેક સર્વથા ભિન્ન વહેતી જોઈ શકાય. આપણને અહીં જે મુદ્દો પ્રસ્તુત છે તે એ કે નર્મદે પોતાના ‘કવિ અને કવિતા’ નિબંધમાં જે ઊર્મિકાવ્યનો ખ્યાલ બાંધ્યો છે તેમાં ગેયતાના તત્ત્વનો સ્વીકાર કર્યો છે, એટલું જ, એથી વિશેષ તેનાં અન્ય લક્ષણો સ્ફુટ કર્યાં નથી. આપણે આગળ ઉપર જોઈશું કે નવલરામ, નરસિંહરાવ આદિ વિદ્વાનોએ તેમની ઊર્મિકાવ્યની ચર્ચામાં પિંડર શૈલીની રચનાઓ તરફ ઝોક પ્રગટ કર્યો છે. નર્મદે ‘ગીતકવિતા’ (Lyric)ના વિષયવસ્તુને લક્ષીને ચાર પેટા પ્રકારો પાડયા છે. (૧) ભજન અથવા ધર્મ સંબંધી ગીત (૨) વીર પુરુષો અને વીરકર્મની સ્તુતિ સંબંધી ગીત. (૩) નીતિ અને તત્ત્વજ્ઞાન સંબંધી ગીત (૪) જમણવાર, લગન, વગેરે શુભ કારજ અને પ્રીતિ સંબંધી ગીત. નર્મદે આ ચાર પ્રકારોમાં ઊર્મિકવિતાના ઘણાખરા વિષયો સમાવી લીધા છે. તેણે ‘વનકવિતા’ (અંગ્રેજી Pastoral Songs) નામે બીજો એક સ્વતંત્ર પ્રકાર પણ સ્વીકાર્યો છે. તેથી તેણે પ્રકૃતિના વિષયને અહીં જુદો મૂક્યો જણાતો નથી. બળવંતરાયે પોતાના ‘લિરિક’ પુસ્તકમાં ‘લિરિક’ના જે પેટાપ્રકારો ગણાવ્યા છે,[100] તેમાં નર્મદના પેટાપ્રકારોથી ભિન્ન દૃષ્ટિની વ્યવસ્થા હોવાથી બંનેમાં સમરૂપતા ઓછી છે. નર્મદના ‘કવિતાજાતિ’ નિબંધમાં ‘વીરકવિતા’ (Epic)ની કલ્પના ધૂંધળી અને અસ્પષ્ટ જણાય છે. તેણે એરિસ્ટોટલની પદ્ધતિને અનુસરી કવિતાના નાટક, ‘વીરકવિતા’ (Epic) અને ગીતકવિતા (Lyric) એમ ત્રણ પ્રકારો સ્વીકાર્યા. એ પૈકી ‘વીરકવિતા’ - Epic માટે તેણે યોજેલો શબ્દ સૂચવે છે કે ‘વીરકવિતા’માં વીરપુરુષની કથા હોય અને તેમાં વીરરસનું પ્રાધાન્ય હોય.[101] પરંતુ રામનારાયણ પાઠક[102] કહે છે તેમ, પાશ્ચાત્ય સાહિત્યમાં જે પ્રયત્નાત્મક અગેય કાવ્યલયનું સ્વરૂપ વિકસ્યું છે તેનું હાર્દ તે ગ્રહી શક્યો નથી. આ કારણે આપણાં મધ્યકાલીન કવિતાનાં વિવિધ સ્વરૂપોને ઉપરોક્ત વ્યવસ્થામાં ગોઠવતાં તે મૂંઝાય છે. એક બાજુ ‘વીરકવિતા’ના પ્રકારમાં આપણાં પ્રાચીન મહાકાવ્યો – ‘રામાયણ’ અને ‘મહાભારત’ની સાથોસાથ તે પ્રેમાનંદનું ‘ઓખાહરણ’ અને સામળની ‘સિંહાસનબત્રીસી’ જેવી કૃતિઓને સમાવે છે; તો બીજી બાજુ, ‘ગીતકવિતા’ (Lyric) તો ગાઈ શકાય તે જ, અને ગાવા માટે જ રચેલી હોય છે, તેવી માન્યતાને લઈને તેને ‘વીરકવિતા’માં મૂકતાં તેને તેનું (વીરકવિતાનું) મુખ્ય લક્ષણ ત્યજવાનો પ્રસંગ ઊભો થયો છે. તે કહે છે : “તેમ વીરકવિતામાં વીરરસ જ જોઈએ એમ નહીં, કદાપિ કોઈ પુસ્તકમાં (ઓખાહરણ જેવામાં) શ્રૃંગારરસનું પ્રધાનવટું છે તો તેને પણ એ જાતમાં, (બીજી વાતોને ધ્યાનમાં લેતાં ને વળી થોડો ઘણો પણ વીરરસ હોય જ તેથી) મૂકવી એ ઠીક છે.”[103] આમ, નર્મદની ‘વીરકાવ્ય’ની કલ્પના અસ્પષ્ટ બની જતી જણાય છે. નર્મદે ‘નાટક’ના બે પ્રકારો પાશ્ચાત્ય નાટ્ય સાહિત્યના વર્ગીકરણને અનુસરીને પાડ્યા જણાય છે : ‘દુઃખપરિણામક નાટક’ (અંગ્રેજી Tragedy માટે તેણે યોજેલો શબ્દ) અને ‘સુખપરિણામક નાટક’ (Comedy માટેનો શબ્દ). તેણે એ બે પ્રકાર વિશે અત્યંત સંક્ષિપ્ત એવી ચર્ચા કરી છે. એ ઉપરાંત, કવિતાના અન્ય પ્રકારો લેખે તેણે ‘વનકવિતા’ (કદાચ અંગ્રેજીની Pastoral Poetryનો ખ્યાલ અભિપ્રેત હશે), ‘ઉપદેશ કવિતા’ અને ‘વર્ણનકવિતા’ વિશે ય અછડતી ચર્ચા કરી છે. નર્મદનાં અન્ય વિવેચનાત્મક લખાણો – ‘શીઘ્રકવિતા’, ‘પારસી કવિતા’ ‘ગુજરાતી કવિતા’ આદિ આછી પાતળી નોંધ જેવાં છે. એમાં કાવ્યના મૂળ તત્ત્વને સ્પર્શતી કોઈ ખાસ વિચારણા નથી. તેના બીજા એક ‘સજીવારોપણ’ નામના લેખમાં તેની પ્રસ્તુત સજીવારોપણ અલંકારની ચર્ચા પ્રાથમિક કોટિની છે. તેણે અલંકારના ‘શબ્દાલંકાર’ અને ‘અર્થાલંકાર’ એવા ભેદ પાડી ‘સજીવારોપણ’ વિશે નોંધ્યું છે : “સજીવારોપણ ઊભરતા રસતર્કથી થાય છે. જેમ વિષયનું મહત્ત્વ તેમ સજીવારોપણ મહત્ત્વવાળું થાય છે ને આપણને મોટો આનંદ પમાડે છે. મોટા તર્ક કરનારા કવિઓ ને ચિતારા સજીવારોપણને બહુ લડાવે છે. તેઓએ મનોવિકાર, વિદ્યાકળા, દેશ, સમય, સ્થિતિ, ગુણ ઇત્યાદિને સ્ત્રીપુરુષનાં રૂપ આપ્યાં છે. સજીવારોપણનાં વર્ણન વાંચ્યાથી ને ચિત્ર જોયાથી આનંદ થાય છે, એટલું જ નહિ પણ જાતિ ભક્તિ ઉપર આપણો ભાવ બેસે છે[104]

નર્મદને સજીવારોપણ અલંકાર વિશે વિચાર કરવાની વૃત્તિ થઈ. તેના અનુગામીઓમાં રમણભાઈ નીલકંઠ, મણિલાલ, નરસિંહરાવ આચાર્ય, આનંદશંકર આદિ વિદ્વાનોને વૃત્તિમય ભાવાભાસ (Pathetic Fallacy) વિશે દીર્ઘ ચર્ચાવિચારણા કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો. આપણી કાવ્યવિવેચનાનું એ એક રસપ્રદ પ્રકરણ છે.

ઉપસંહાર

આપણા સાહિત્યક્ષેત્રમાં કવિ નર્મદે અર્વાચીન કવિતા તેમજ કાવ્યવિચારણાના ક્ષેત્રમાં નવપ્રસ્થાન કર્યું. તેણે ‘કવિ અને કવિતા’ નિબંધમાં કવિતાને લગતા અનેક પ્રાણભૂત પ્રશ્નો સ્પર્શ્યા. અલબત્ત, તેણે સ્વીકાર્યું છે તેમ, કેટલાક સંસ્કૃત કેટલાક પાશ્ચાત્ય અને કેટલાક પોતાના વિચારો અહીં એકત્ર કર્યા છે, પણ તેણે જે જે પ્રશ્નો પર નજર ઠેરવી છે તે જોતાં તે સાચી દિશામાં અભિમુખ હતો એમ કહી શકાય. આપણી વિવેચનામાં પૂર્વપશ્ચિમના વિચારોને સાથે સાથે યોજીને તેમાંથી કોઈ સમન્વિત વિચાર તારવવાનો તેનો ઇરાદો જણાય છે. તેની વિચારણામાં મૌલિક કહી શકાય એવું લખાણ કદાચ ઘણું ઓછું હશે, પણ આપણી ભાષામાં આરંભાયેલી નવી કાવ્યવિચારણાના સંદર્ભમાં તેનું મહત્ત્વ ઓછું નથી. વાસ્તવમાં, નર્મદે સમાજસુધારા, કેળવણી, સાહિત્ય આદિના પ્રશ્નોની ચર્ચા અર્થે ગદ્ય ખેડ્યું અને તે સમર્થ ગદ્યનો સ્રષ્ટા બન્યો. કવિતા જેવા સૂક્ષ્મ અને અનિર્વચનીય સત્ત્વ વિશે ગુજરાતી ગદ્યમાં વિચારવાનો તેણે પ્રથમ પ્રયત્ન કર્યો. એ માટે તેણે સ્વસૂઝથી કાવ્યવિચારની સ્વતંત્ર રીતે પરિપાટી નિપજાવવાની હતી. કાવ્યવિચાર માટે પરિભાષાની મુશ્કેલી તેને નડી જ છે. તેણે જે જે પાશ્ચાત્ય કાવ્યવિચારને રજૂ કરવા ધાર્યો, તેના સંપ્રત્યયોને ગુજરાતીમાં યથાર્થરૂપે રજૂ કરવાને કોઈ સુરેખ પરિભાષા તે સમયે ઉપલબ્ધ નહોતી. એ માટે તેણે સ્વસૂઝથી જ પરિભાષા રચી લેવાનો પ્રયત્ન કર્યો. આપણે આગળ નોંધ્યું છે તેમ તેણે તેની કાવ્યચર્ચામાં પાશ્ચાત્ય કાવ્યમીમાંસાની બે બીજભૂત પરિભાષા passion અને imagination માટે અનુક્રમે ‘જોસ્સો’ અને ‘તર્ક’ એ પર્યાયો યોજ્યા. એ મૂળ પરિભાષાના સંકેતો તે સંપૂર્ણતયા યથાર્થ રૂપમાં સમજ્યો હોય એમ તો ન કહી શકાય, પણ તેણે તેની હાથવગી ભાષામાં કાવ્યવિચારણાનો એક નોંધપાત્ર પ્રયત્ન કર્યો. અલબત્ત, પૌર્વાત્ય અને પાશ્ચાત્ય કાવ્યવિચારણાઓને સમન્વિત કરી કોઈ એક વ્યાપક અને સંગતિપૂર્ણ કાવ્યસિદ્ધાંત નિપજાવવાનું તો આજે યે એટલું જ દુષ્કર છે. નર્મદને પોતાની મર્યાદાઓ હતી, વિશેષ તેના યુગની મર્યાદાઓ ખરી. વળી નર્મદ પ્રકૃતિએ જ તરવરિયો અને ચંચળ એટલે ઠરેલ દીર્ઘ અભ્યાસના ફલરૂપ સુવ્યવસ્થિત વિચારણા કરવાનું તેને સુગમ નહોતું. એટલું ખરું કે તેના યુગમાં તેને જે સાહિત્ય માંડ ઉપલબ્ધ થયું, તેમાંથી કેટલીક મુખ્ય મુખ્ય વિચારણાઓનો વિવેક તે કરી શક્યો. તેના નિબંધમાં અનેક વિચારબીજો સંગ્રહાયાં છે, અને પછીના સાક્ષરયુગમાં, જાણે કે, તે સૌ અંકુરિત બને છે. નર્મદની કાવ્યવિચારણામાં કેટલીક ગંભીર ત્રૂટિઓ પણ છે, અને તેણે કવિતાના ઉદ્‌ગમરૂપ ‘જોસ્સા’નો જે ખ્યાલ કેળવ્યો તે જોતાં કાવ્યકલાનું પૂર્ણ રહસ્ય તેની પ્રતીતિમાં આવ્યું નથી, છતાં તે સાચી દિશામાં નવપ્રસ્થાન આદરી શક્યો છે. તેણે કવિત્વશક્તિ વિશે જે વિચારો પુરસ્કાર્યા તેમાં તેને, અલબત્ત, કાવ્યરચનાની ક્ષણોના તેના રહસ્યસભર જાતઅનુભવ દ્વારા સમર્થન પણ મળ્યું. તેણે કવિતા અને સંગીત વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરી. વળી સાચી કવિતા તો પદ્યમાં તેમ ગદ્યમાં પણ હોઈ શકે, એ મુદ્દો એણે રજૂ કર્યો. ભારતીય કાવ્યમીમાંસામાંથી તેણે રસતત્ત્વનો પુરસ્કાર કર્યો તે પણ એટલી જ મહત્ત્વની વસ્તુ છે. દલપતરામની કવિતારીતિમાં માત્ર રચનાચાતુરીનો જ મહિમા હતો તેને છોડી તે સાચી કવિતા સિદ્ધ કરવા ઉત્સુક બન્યો. સંભવતઃ તેણે પાશ્ચાત્ય કવિતાનો આસ્વાદ લઈ ઉચ્ચ કવિતાની ઝાંખી કરી હશે. એટલે જ પ્રેમાનંદની કવિતાની સિદ્ધિ દર્શાવ્યા છતાં તે પ્રેમાનંદની કવિતાની સીમા જોઈ શક્યો છે. એ દૃષ્ટિએ દલપતરામ કરતાં તેની દૃષ્ટિ વધુ દૂરગામી હતી એમ કહી શકાય. પોતાના યુગના કવિપદવાંછુઓ અને કાવ્યરસિકોની રુચિને સંસ્કારવાનો તેનો પુરુષાર્થ હતો. તેની કાવ્યવિવેચનાને આપણા સાહિત્યમાં એક મોટું નવીન સંસ્કારબળ લેખાવી શકાય. આપણા સાહિત્યજીવનમાં એ સાથે નવી રસવૃત્તિ (Taste)ની પ્રતિષ્ઠા આરંભાઈ જણાય છે.

પાદટીપ

  1. અર્વાચીન કવિતા : ગુજરાત વિદ્યાસભા : આવૃત્તિ રજી, ઈ.સ. ૧૯૫૩ : પૃ. ૩૧
  2. અર્વાચીન કવિતા : સુંદરમ્‌ પૃ. ૩૦
  3. એજન, પૃ. ૩૦
  4. નર્મદ : અર્વાચીન ગદ્યપદ્યનો આદ્ય પ્રણેતા : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, આવૃત્તિ બીજી, ૧૯૬૫, પૃ. ૩૨
  5. ‘અર્વાચીન કવિતા’, પૃ. ૩૦
  6. એજન, પૃ. ૨૯
  7. ‘નવલગ્રંથાવલિ’ : “કવિ નર્મદાશંકરની કવિતા” વૉ. બીજું, આવૃત્તિ ૧૮૯૧, પૃ. ૫-૬
  8. અર્વાચીન કવિતા, પૃ. ૭૪
  9. નવલગ્રંથાવલિ : ‘કવિ નર્મદાશંકરની કવિતા’, પૃ. ૬
  10. નવલગ્રંથાવલિ : વૉ. ર : ‘કવિ નર્મદાશંકરની કવિતા’ : આવૃત્તિ ૧૮૯૧, પૃ. ૨
  11. ‘સુદર્શનગદ્યાવલિ’ “કવીશ્વર દલપતરામ ડાહ્યારામ સી.આઈ.ઈ. પ્રથમ આવૃત્તિ, ઈ.સ. ૧૯૦૯, પૃ. ૭૫૪-૭૫૫.
  12. સાહિત્યવિચાર : (“નવમી ગૂજરાતી સાહિત્ય પરિષદ, - નડિયાદ : પ્રમુખ તરીકેનું ભાષણ”) : આવૃત્તિ બીજી - પુનર્મુદ્રણ : ૧૯૫૭ : પૃ. ૩૩.
  13. ‘સાહિત્યવિચાર’ (લે. આચાર્ય આ. બા. ધ્રુવ.) પૃ. ૩૯૫.
  14. એજન, પૃ. ૪૦૧
  15. બ. ક. ઠાકોરે ‘વિવિધ વ્યાખ્યાનો’ ગુ. રજો, વિભાગ ૧લો, પૃ. ૩૬ પર ‘કવિતાભાવના અને નર્મદ’એ પેટાશીર્ષક હેઠળ ચર્ચા કરી છે.
  16. રામનારાયણ પાઠકે ‘નર્મદ : અર્વાચીન ગદ્ય-પદ્યનો આદ્યપ્રણેતા’માં : પૃ. ૮૭-૯૪ પર બંને કવિઓ વિશે તુલના કરી છે. :
  17. સુંદરમે ‘અર્વાચીન કવિતા’માં પૃ. ૪-૫ પર તુલના કરતાં કહ્યું છે :
    “દલપતરામ પ્રાચીન અને અર્વાચીન વચ્ચેના સેતુ જેવા છે. તેમનો એક પગ પ્રાચીન કાળમાં અને બીજો અર્વાચીન કાળમાં છે. તેમનું કાવ્યમાનસ જૂની મધ્યકાલીન ભાષાપ્રણાલિની કાવ્યભાવનાથી ઘડાયેલું છે. નર્મદાશંકરમાં પ્રાચીન કાવ્ય સાથે અનુસંધાન છે, પરંતુ તેનું કાવ્યમાનસ તેથી નિરાળી ઢબનું છે, અર્વાચીન કહેવાય તેવા કાવ્ય સંસ્કારોવાળું છે. તેની કવિતાના બંને પગ અર્વાચીનમાં છે.”
  18. “It is the fashion to call Narmadashankar the first modern poet. but Narmad himself has rightly declared that this distinction belongs to Dalapatramઃ એઓ...નવી ઢબની કવિતા કરનારાઓમાં પહેલા છે. [નર્મદનું મન્દિર-ગદ્યવિભાગ પૃ. ૩૧૭] Not only did Dalpatram revolutionise the outward shape of Gujarati Poetry by substituting strict metrical forms for the unshapely, slipslod and nerveless verification of the older poets, he modernised the contents and subject-matter also; and this inspite his utter ignorance of the English Language and Literature”
    J. E. Sanjana
    – Studies in Guj. Literatureઃ pp. ૧૫૬
  19. અર્વાચીન કવિતા, પૃ. ૨૯
  20. નવલરામે તેમના મિત્ર લેખે કવિ નર્મદનું ટૂંકું જીવનચિત્ર ‘કવિજીવન’ લખ્યું, તેમાં નર્મદના કાવ્યશિક્ષણની પ્રવૃત્તિનો વિગતે પરિચય કરાવ્યો છે. નર્મદને તે સમયમાં કાવ્યશાસ્ત્રનું સાહિત્ય મેળવવામાં કેવી તો વિટંબણાઓ પડી હતી તેનું એમાં વિસ્તારથી વર્ણન કર્યું છે. એ આખી ચર્ચા એ સમયે ગુજરાતમાં કાવ્યશાસ્ત્રના ક્ષેત્રનું સાહિત્ય કેટલું અલ્પ હતું તેનો ચિતાર આપે છે.
  21. નર્મદ : ‘મારી હકીકત’ ‘ગુજરાતી’ પ્રિન્ટીંગ પ્રેસ : ૧૯૩૩ : પૃ. ૪૯
  22. નર્મદે ‘પિંગળપ્રવેશ’ ‘અલંકારપ્રવેશ’ ‘રસપ્રવેશ’ વગેરે પુસ્તિકાઓની પાદટીપમાં તેના આધારગ્રંથો નોંધ્યા છે. બીજા પ્રકરણમાં તેનો ઉલ્લેખ કર્યો છે.
  23. ‘જૂનું નર્મગદ્ય’માં એ લેખ સંગ્રહાયો નથી. સરકારી આવૃત્તિમાં પ્રાપ્ત થાય છે.
    નોંધ : નર્મદના ગદ્યના જે જુદા જુદા સંગ્રહો મળે છે તેમાં નર્મદના પોતાના સંપાદિત ગદ્યની બે આવૃત્તિઓ ઉપરાંત સરકાર દ્વારા સંપાદિત ગદ્યની આવૃત્તિઓમાં નિબંધોની પસંદગી તેમજ તેની વાચનાની બાબતમાં કેટલોક નોંધપાત્ર ભેદ જોવા મળે છે. પ્રસ્તુત મુદ્દા વિશે આગળ ઉપર ચર્ચાઓ કરી છે.
  24. રામનારાયણ પાઠકના ગ્રંથ : ‘નર્મદ : અર્વાચીન ગદ્યપદ્યનો પ્રણેતા’ એમાંની પ્રસ્તુત મુદ્દાને લગતી ચર્ચાના આધારે જ અહીં વિચારણા રજૂ કરી છે.
  25. મુંબઈની ફોર્બ્સ ગુજરાતી સભામાં નર્મદનાં ગદ્યલખાણોની મને જે ચાર નકલો જોવા મળી તેની વિગતો નીચે મુજબ છે.
    (અ) ‘નર્મગદ્ય-પુસ્તક ૧લું’ લિથોમાં છપાયેલું છે. તેની અંદરના પ્રથમ પૃષ્ઠ પર આ પ્રમાણે વિગતો નોંધેલી છે :
    (સને ૧૮૫૦-૧૮૬૫ ઓગસ્ટ ૩૧ સુધીનો સંગ્રહ. નર્મદાશંકર લાલશંકરે છપાવી પ્રસિદ્ધ કીધું. મુંબઈ. ગણપત કૃષ્ણાજીનો પ્રેસ, સપ્ટેમ્બર ૧૮૬૫, કિંમત રૂ. ૬).
    (બ) ‘જૂનું નર્મગદ્ય : પુસ્તક ૧લું’ (નકલ (અ)નું પુનર્મુદ્રણ છે. પણ જોડણીમાં તેમજ બીજા કેટલાક ઝીણા ફેરફારો છે.) સને ૧૮૫૦થી ૧૮૬૫ ઑગસ્ટ ૩૧ સુધીનો સંગ્રહ, કર્તા- નર્મદાશંકર લાલશંકર પ્રસિદ્ધકર્તા : ‘ગુજરાતી’ પ્રેસના માલીક. ‘ગુજરાતી’ પ્રિંટીંગ પ્રેસ, મુંબઈ ઈ.સ. ૧૯૧૨ સંવત ૧૯૬૮, કિંમત રૂ. અઢી, આવૃત્તિ રજી.
    નોંધ : પ્રસ્તુત અધ્યયન માટે આ ગ્રંથનો આધાર લીધો છે.
    (ક) ‘નર્મગદ્ય’ અથવા ‘કવિ નર્મદાશંકર લાલશંકર - એઓના ગદ્યાત્મક ગ્રંથોનો સંગ્રહ,’ ભા.૧-૨, મુંબઈ, ગવર્નમેન્ટ સેંટ્રલ બુક ડીપો, સને ૧૮૭૫.
    નોંધ : અહીં નોંધેલી વિગતો એ નકલના આરંભના પાના પર કોઈના હસ્તાક્ષરોમાં ઉતારેલી નોંધને આધારે મૂકી છે. મૂળ છાપેલું પાનું નાશ પામ્યું છે.
    (ડ) ‘નર્મગદ્ય’ અથવા ‘કવિ નર્મદાશંકર લાલશંકરના ગદ્યાત્મક ગ્રંથોનો સંગ્રહ’ સુધારો કરનાર - રાવસાહેવ મહીપતરામ રૂપરામ નીલકંઠ, સી.આઈ.ઈ. મા. ગૂજરાતી ટ્રાન્સલેટર, એજ્યુકેશનલ ડિપાર્ટમેન્ટ, સાતમી આવૃત્તિ. પ્રસિદ્ધકર્તા ચીમનલાલ ચુનિલાલની કંપની, અમદાવાદ, સન. ૧૯૦૯,
  26. ‘નર્મદ - અર્વાચીન ગદ્યપદ્યનો આદ્ય પ્રણેતા’ : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય : આવૃત્તિ ૨જી; ૧૯૬૫, પૃ.૧૦૪.
  27. અભિનવગુપ્તે કવિની અનુભૂતિનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહ્યું છે : “કવિગતસાધારણીભૂતસંવિન્મૂલશ્ચ કાવ્યપુરઃસ્સરો નટવ્યાપારઃ | સૈવ ચ સંવિત્‌ પરમાથતો રસઃ || xx તદેવ મૂલબીજસ્થાનીય કવિગતો રસઃ | xx તતો વૃક્ષસ્થાનીય કાવ્યમ્‌ |”
    – હિન્દી અભિનવભારતી : સં. નગેન્દ્ર, પ્ર. દિલ્લી વિશ્વવિદ્યાલય, દિલ્લી , પ્રથમ આવૃત્તિ ૧૯૬૦- pp. ૫૧૫
  28. જૂનું નર્મગદ્ય પૃ. ૧૨૮
  29. નર્મકવિતા (“ગુજરાતી’ પ્રિન્ટીંગ પ્રેસ આવૃત્તિ ૪થી, ઈ.સ. ૧૯૧૪) પૃ. ૧૬
  30. એજન, પૃ.૮૦
  31. એજન. પૃ. ૧૧૬
  32. જૂનું નર્મગદ્ય : પૃ.૧૨૮
  33. સાંખ્ય દર્શનમાં અહંકારના સ્વરૂપની ચર્ચા કરતાં જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોનો વિચાર કરવામાં આવ્યો છે. ‘શ્રીસાંખ્યપ્રવચન’ નામે ગ્રંથમાં અહંકારનાં સોળ કાર્યોનું વર્ણન કરનારા સૂત્રમાં તેનો નીચે પ્રમાણે વિચાર કરવામાં આવ્યો છે.
    ‘એકાદશં પંચતન્માત્રં તત્કાર્યમ્‌ || ૧૭ ||
    એકાદશેન્દ્રિયાણી પશ્ચતન્માત્રાણી ષોડશકં તત્કાર્યમ્‌ ||’
    સૂત્ર : તેનું કાર્ય અગિયાર (અને) પાંચ તન્માત્રા છે.
    વિવરણ : મનસહિત અગિયાર ઇન્દ્રિયો અને શબ્દાદિ પાંચ તન્માત્રાઓ એ સોળ તત્ત્વો અહંકારનાં કાર્યો છે. કાન, ચામડી, આંખ, જીભ અને નાક એ પાંચ જ્ઞાનેન્દ્રિયો કહેવાય છે; અને વાણી હાથ, પગ, ઉપસ્થ ને ગુદા એ પાંચ કર્મેન્દ્રિયો કહેવાય છે; તથા મન એ બંને ઇન્દ્રિયોની સાથે કામ કરનારું અને સુખદુઃખાદિને જાણનારું છે. એમ અગિયાર ઇન્દ્રિયો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ સૂક્ષ્મ દ્રવ્યો તન્માત્રાઓ કહેવાય છે.
    – શ્રી સાંખ્ય પ્રવચન : ૨ : પ્રધાન કાર્યાલય-સૂત્ર : ૧૭, પૃ. ૧૪૫.
  34. આપણાં પ્રાચીન શાસ્ત્રોમાં તર્કનો સંકેત વિશિષ્ટ છે.
    (અ) આપ્ટેની Sanskrit-English Dictionaryમાં તર્કઃ નો એક અર્થ Reasoning, Speculation, discussion, abstract reasoningઃ બીજો અર્થ Logic. The Science of logic; ત્રીજો અર્થ (In logic) Reduction to sbsurdity, a con-clusion opposed to the premises, a reductio absurdum.
    (બ) ‘તર્ક’ સંગ્રહ આપવામાં આવેલા તર્ક શબ્દ દ્વારા ન્યાય - વૈશેષિકને અભિમત Logic એવો ખ્યાલ અન્નમ ભટ્ટે રજૂ કર્યો છે જુઓ ‘A Primer of Indian Logic” By Kuppu Swamy Shastry, III Ed. ૧૯૦૧
  35. નર્મદની કાવ્યચર્ચામાં ‘રસજ્ઞાન’ શબ્દ એક વિશિષ્ટ પારિભાષિક પ્રયોગ જણાય છે. એમાં ‘રસ’ શબ્દ દ્વારા તેને Poetic ‘કાવ્યાત્મક’ કે ‘સૌંદર્યાત્મક જ્ઞાન’ એવું અભિપ્રેત જણાય છે. રસજ્ઞાન એટલે કદાચ ‘કાવ્યસંસ્કારો’થી પોષાયેલું ‘કાવ્યસંવિદ્‌’ (Poetic consciousness) એવો ખ્યાલ પણ અભિપ્રેત હશે. બાળપણથી સંચિત થતા સ્મૃતિજન્ય સંસ્કારોથી આ ‘કાવ્ય સંવિદ્‌’ પોષાય છે, એવી કંઈક નર્મદની સમજણ રહી જણાય છે.
  36. ‘મારી હકીકત’ (પૃ. ૨૫)માં નર્મદે નોંધ્યું છે :
    (અ) “એ મારી બાળપણની મુસાફરીથી તે વખત મારા મન ઉપર જે છાપ પડેલી તે હજી સાંભરે છે... સાંજે ગામના પાદરનાં ઝાડોની નમતી શોભાની અને કોસકુવાની છાપ હજી મારા મનમાંથી ખસી નથી... એ સઘળી છુપી રહેલી છાપો કવિતા કરવા માંડ્યા પછી મને તેજદાર ભભકમાં પાછી આબેહુબ દેખાવા લાગી.”
    (બ) ‘નર્મકવિતા(આ.૪થી, ઈ.સ. ૧૯૧૪)માં ‘ઋતુવર્ણન’ કવિતા પૃ. ૧૧૫-૧૧૬ પર તેણે નોંધ્યું છે.
    “કોઈને શક ઉપજશે કે કુદરતના દેખાવ સંબંધી વિચારો મારા પોતાના અનુભવ નથી પણ સંસ્કૃત અંગ્રેજી ચોપડીઓમાંના હશે, પણ એમ નથી જ. કુદરતના દેખાવની છાપ મારા મન ઉપર મારા બાળપણમાંથી જ સારી પેઠે પડી હતી! અલબત્ત ઝાંખી તો ખરી. (એ વિશે બીજે ઠેકાણે સારી પેઠે બોલીશ.) એ ઝાંખી છાપ જ્યારે હું સુરતમાં ત્રણ વરસ રહ્યો હતો ને ગામડાંઓમાં ફરતો હતો ત્યારે ચિત્રરૂપે થવા આવી હતી, તે કવિતા સરૂ કર્યા પછી પ્રસંગ તથા વિચારને જોરે આપોઆપ આબેહુબ ચિત્રરૂપ બ્હાર નીકળી પડી છે."
  37. (અ) શેલીએ કલ્પનાશક્તિ (Imagination)ના સ્વરૂપનું વર્ણન કરતાં તેની ‘રંગ’ આપવાની શક્તિનો નિર્દેશ કર્યો છે. : ‘According to one mode of regarding those two classes of mental action, which are called reason and imaginationઃ the former may be considered as mind contemplating the relations born by one thought to another however produce; and the latter as mind acting upon those thoughts so as to colour them with its own light....
    English Critical Essays XIX Edn. ૧૯૧૬
    Edઃ Edmund D. Jones ppઃ ૧૨૦
    (બ) હેઝલિટ્‌ની કાવ્યચર્ચામાં કલ્પનાશક્તિનું સ્વરૂપ નીચે મુજબ વર્ણવાયું છે. તેમાં યે બાહ્ય વિશ્વના પદાર્થને ‘કલ્પના’ દ્વારા નવું રૂપ આપવાનો વિચાર રજૂ થયો છે. “It (Poetry) is strictly the language of the imagination; and the imagination is that faculty which represents objects, not as they are in themselves, but they are moulded by other thoughts and feelings into an infinite variety of shapes and combinations of power.’ – Hazlitt’s worksઃ On Poety in General, pp. ૫
  38. સરકારી નર્મગદ્યમાં ‘જેનું રસજ્ઞાન...કવિ કહેવા’ એ ખંડને થોડો ટૂંકાવ્યો છે.
    ‘જેનું રસજ્ઞાન થનથન કરી રહેલું હોય છે, જે લાગણીઓને વશ છે, જેવું દીઠું સાંભળ્યું તેવું બોલવાની, કરી દેખાડવાની અથવા કોઈ પણ રીતે સમજ્યો એમ જુકતીથી રંગીને બતાવવાની જેની શક્તિ છે તેઓને “કવિ” કહેવા.” પૃ.૪૯. (આવૃત્તિ ૧૮૭૫)
  39. ‘I have said that poetry is the spontaneous overflow of powerful feelings it takes its origin from emotion recollected in tranquilityઃ the emotion is contemplated, till by a species of reaction, the tranquility gradually disappears and an emotion, kinded to that which was before the subject of contemplation is gradually produced and does itself actully exist in the mind.’
    Eng. Critical Essays xix
    Edઃ Edmund D. Jones
    Edition ૧૯૧૬. pp.૩૬
  40. જૂનું નર્મગદ્ય, પૃ. ૧૨૯
  41. અર્વાચીન કવિતા, પૃ.૩
  42. સરખાવો : ‘According to one mode of regarding those two classes of mental action, which are called reason and imagination; the former may be con-sidered as mind contemplating the relations borne by one thought to another, however produced and the latter as to mind acting upon those thoughts to as to colour them with its own light and composing from them as from elements other thoughts, each containing within itself the prin-ciple of its own integrity.’
    Eng. Criticel Essays XIX, pp. ૧૨૧. નોંધ : નર્મદના પ્રસ્તુત અવતરણ – “એક વિચારને... કહે છે.” -ને અનુલક્ષીને એક અગત્યની ચર્ચા કરી લેવી આવશ્યક છે. નર્મદની વિચારણાનો આ ખંડ હેઝલિટ્‌ના વિચારોનું ‘રૂપાંતર’ છે એમ શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ તેમના ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય’માં પૃ. ૩૪ પર નર્મદના લખાણમાં કહ્યું છે; તેમનું એ મંતવ્ય બરાબર લાગતું નથી. તેમણે નર્મદને પ્રેરણા રૂપ હેઝલિટ્‌નો જે ગદ્યખંડ ટાંક્યો છે તેની જોડે સરખાવીશું. હેઝલિટ્‌નું મૂળ વિધાન આ પ્રમાણે છેઃ ‘It (Poetry) is strictly the language of imaginationઃ and imagination is that faculty which represent objects; not as they are in themselves, but as they are moulded by other thoughts and feelings into an infinite variety of shapes and combination of power." હેઝલિટ્‌ના આ અવતરણમાં કલ્પનાશક્તિ (Imagination)નો જે ખ્યાલ રજૂ થયો છે તે શેલીના કાવ્યવિચારમાંના કલ્પનાશક્તિ (Imagination)ના સંપ્રત્યયથી ઠીક ઠીક નિરાળો છે. રોમેન્ટિક કવિઓમાં વર્ડ્‌ઝવર્થ, શેલી, કોલરિજ, હેઝલિટ્‌ આદિ સર્વ કવિઓએ સ્વતંત્ર રીતે એ સંપ્રત્યય વિકસાવ્યો છે. તેની ચર્ચા રમણભાઈની એ વિશેની ચર્ચાના અનુસંધાનમાં વિસ્તારથી કરવા ધારી છે. અહીં આપણે માટે એ મુદ્દો જ મહત્ત્વનો છે કે હેઝલિટ્‌ અને શેલીને ‘કલ્પનાશક્તિ’ (Imagination) દ્વારા જે ખ્યાલ અભિપ્રેત છે તે નિરાળા છે. અલબત્ત, બે વચ્ચે કેટલુંક સામ્ય છે. પણ તેથી યે વિશેષ તેમાં મહત્ત્વનો ભેદ પણ છે. હેઝલિટ્‌ની ‘કલ્પનાશક્તિ’ સ્થૂળ જગતના પદાર્થોને પ્રત્યક્ષ કર્યા પછી તેમાંથી અનંત રૂપો સર્જવાની ક્ષમતા ધરાવે છે. અને એમ કરતાં તેમાં મૂળ પદાર્થોની છાપો નવાં નવાં રૂપો પ્રાપ્ત કરે છે, પણ હેઝલિટ્‌ની વિચારણાની તુલનામાં શેલી એક મહત્ત્વની બાબતમાં જુદો પડે છે અને તે એ કે સર્જકની ‘કલ્પનાશક્તિ’ સ્વયંપ્રેરણાથી જ પરમ ભાવના પ્રાપ્ત કરે છે. તેમાં કશીક પાયાની બીજભૂત અખિલાઈ કે સ્વાયત્તતા (principle of its own integrity) પ્રાપ્ત થાય છે. એમાં સ્થૂળ વિશ્વના પદાર્થો જોડે પ્રત્યક્ષ સંબંધ નહિ તેટલો તેના સાક્ષાત્કારના તત્ત્વ (visionના તત્ત્વ)નો સ્વીકાર છે. એ Imagination વૈવિધ્યપૂર્ણ આભાસો (appearances)ની અંદર રહેલા કોઈ ઋતને રજૂ કરે છે. વિવિધતાની પાર રહેલી ‘એકતા’ તેને વધુ અભિપ્રેત છે. શેલીએ એ Imaginationની જે વ્યાખ્યા આગળ ચલાવી છે, તે એનું સમર્થન કરે છે : “Reason is the enumeration of quantities already known; Imagination is the perception of the value of those quantities, both separately and as a whole. Reason repec the differences and Imagination the similitudes of things. Reason is to the Imagination as the instrument to the agent, as the body to the spirit, as the shadow to the substance.’ Ens. Essays XIX pp.૧૨૦ નર્મદે જે રીતે ‘તર્કબુદ્ધી’નું વર્ણન કર્યું છે તેમાં શેલીના વિચારોનું પ્રતિબિંબ ઝીલવાનો યત્ન છે. બીજી અનેક હકીકતો આ સંભાવનાને પુષ્ટિ આપે છે. (I) શેલીની જેમ નર્મદે પણ માનવચિત્તની બે વિશિષ્ટ શક્તિઓને જુદી સ્વીકારી તેનું વર્ણન કર્યું છે. તેમાં નર્મદની વિચારણા શેલીના ખ્યાલોનું જ ધૂંધળું પ્રતિબિંબ ઝીલે છે. (II) નર્મદે શેલીને અનુસરીને કવિતાની વ્યાખ્યા-‘તર્કબુદ્ધિનું નિસારણ’ આપી છે. શેલીના Expression of Imaginationનો એ અનુવાદ જણાય છે. (III) શેલીના lyreનો વિચાર તેણે ગોખમાં મૂકેલી સતાર દ્વારા સાંકળ્યો છે તે ખૂબ જ સૂચક છે. યથાસ્થાને તેની વિગતે ચર્ચા છે.
  43. જૂનું નર્મગદ્ય : પૃ. ૧૨૯
  44. જૂનું નર્મગદ્ય : પૃ. ૧૨૯
  45. જૂનું નર્મગદ્ય : પૃ. ૧૨૮
  46. આગળ ચર્ચામાં કહ્યું છે કે નર્મદને કવિત્વશક્તિ વિશેનો વિચાર સંભવતઃ વડર્‌ઝવર્થમાંથી સાંપડ્યો હોય. પરંતુ વડર્‌ઝવર્થે ‘કલ્પના’ (Imagination) અને તરંગ વચ્ચે ભેદ પાડ્યો છે. પણ શેલીએ એ સ્વીકાર્યો નથી. શેલીએ જે (Fancy) (Imagination)નું વર્ણન કર્યું છે તેમાં તેની સ્વકીય ‘રંગ’ આપવાની શક્તિનો વિચાર આ રીતે રજુ કર્યો છે... And the latter, as mind acting upon those thoughts so as to colour them with its own light, and composing from them as from elements, other thoughts.
    Eng. Crit. Essays xix pp. ૧૨૦
  47. સરખાવો :
    ‘Poetry, in a general sense, may be defined to be the expression of the Imagination.’
    – Eng. Critical Essays: xix A Defence of Poetry. pp૧૨૧
    નોંધ : નર્મદનું પ્રસ્તુત વિધાન સરકારી નર્મગદ્યની ‘કવિ અને’ કવિતા’ની વાચના જોડે સરખાવવા જેવું છે.
    [સરકારી નર્મગદ્ય – નર્મગદ્ય અથવા કવિ નર્મદાશંકર લાલશંકર – એઓના ગદ્યાત્મક ગ્રંથોનો સંગ્રહ-ભા. ૧-૨, મુંબઈ - ગવર્નમેન્ટ, સેંટ્રલ બુક ડેપો, ઈ.સ. ૧૮૭૫ની આવૃત્તિ) “તર્કબુદ્ધીનું નિસ્સારણ એટલે તેનું બહાર નીકળી આવવું તે ‘કવિતા’ એમ એક વિદ્વાન કહે છે.” (પૃ. ૫૦)
    નર્મદના મૂળ લખાણમાં પ્રસ્તુત વિધાનમાં ‘શરીર ઉપર’ એવા શબ્દો હતા તે અહીં દૂર કરવામાં આવ્યા છે તે સૂચક છે. કવિતા ‘શરીર ઉપર’ સ્થૂળ અભિવ્યક્તિ સાથે એવો જે મૂળનો ખ્યાલ હતો તે દૂર કરી દેવાનો એમાં પ્રયત્ન જણાય છે. જોકે આ સુધારો નર્મદનો છે કે મહીપતરામનો તે જાણવાનું અત્યારે કોઈ સાધન ઉપલબ્ધ બન્યું નથી. આ વિશે આગળ ચર્ચા કરેલી છે.
  48. “A man cannot say, ‘I will compose potry’. The greatest poet even cannot say it; for the mind in creation is as a fading coal, which some invisible influence, like an inconstant wind, awakens to transitory brightness...”
    – English Critical Essays xix Ed Jones ૧૯૧૬
  49. સરખાવો : સરકારી નર્મગદ્ય : પૃ.૫૦ ‘અંદરની છાપ પડેથી’ એમ સુધાર્યું છે. શેલીની વિચારણા સરખાવો :
    “Man is an instrument over which a series of external and internal impressions are driven, like the alternations of an ever changing wind over an Aeolian. lyre which move it by their motoin to ever changing melody. But there is a principle within the human being, and perhaps within all sentient beings, which acts otherwise than in the lyre, and produces not melody alone but harmony, by an internal adjustment of the sounds or motion thus excited to the impressions which excite them." Eng. Criti. Essays XIX pp. ૧૨૧
  50. જુઓ પૃ. ૮૮ પરની પાદટીપ (૪૯)ની ચર્ચા : “But there is a principle within the human being and perhaps within all sentient beings which acts otherwise than in the lyre and produces not melody alone but harmony, by an internal adjustment to the sounds or motion thus excited to the impressions which excite them.
    Eng. Critical Essays XIX
  51. જુઓ પૃ. ૮૮ પરની પાદટીપ (૪૯)ની ચર્ચા : “But there is a principle within the human being and perhaps within all sentient beings which acts otherwise than in the lyre and produces not melody alone but harmony, by an internal adjustment to the sounds or motion thus excited to the impressions which excite them.
    Eng. Critical Essays XIX
  52. નર્મદ સંભવતઃ શેલીને અનુસરીને જે બીજા થોડા વિચારો રજૂ કરે છે તેની સરખામણી કરીશું.
    નર્મદ : (અ) “છોકરું રમતું રમતું પોતાના અવાજથી અને ગતિથી પોતાની ખુશી બતાવે છે. જંગલી માણસ પણ આસપાસ વસ્તુઓ જોઈને નાચે છે, કુદે છે. સુધરેલી સ્થિતિના મંડળમાં તો તરેહ તરેહવાર રીતનાં માણસના રસજ્ઞાન હોય છે.” જૂ. નર્મગદ્ય, પૃ. ૧૨૯.
    શેલી : (A) ‘A child at play by itself will express its delight by it voice and motions; and every inflexion of tone and every gesture will bear exact relation to a corresponding antitype in the pleasurable impressions which awakene it and it will be the reflected image of that expression." : A Defence of Poetry. Eng. Critical Essays XIX pp ૧૨૧. શેલી : (B) ‘The savage (for the savage is to ages what the child is to years) expresses the emotions produced in him by surrounding objects in a similar manner.’ pp. ૧૨૧.
    શેલી : (C) ‘Man in society, with all his passions and his pleasures, next becomes the object of passions and pleasures of man, an additional class of emotions produces an augmented treasure of expnessions...’
    bd pp. ૧૨૧-૧૨૨
  53. જૂ.ન.ગ. પૃ. ૧૩૦
  54. ‘રસપ્રવેશ’ નર્મકવિતા - (‘ગુજરાતી’ પ્રિંટીંગ પ્રેસ, આવૃત્તિ ૪ : ઈ.સ. ૧૯૧૪)માં પરિશિષ્ટ રૂપે મુકાયેલી પુસ્તિકાની પાદટીપમાંની નર્મદની એ ચર્ચા ઉતારીશું. “એક સંસ્કૃત ગ્રંથમાં એમ છે કે કેટલીએક મનની વૃત્તિના સમુદાયનું રુડે પ્રકારે શોભી રહેવું તે રસ. બીજો ગ્રંથકાર કહે છે કે કેટલાંએક કારણોની સહાયતાથી આવી રહેલું જે સ્વાદુત્વ તે રસ. ત્રીજો ગ્રંથકાર કહે છે કે અત્યાનંદ થકી ઉત્પન્ન થયેલો જે ચિત્તનો દ્રાવ તે રસ. ચોથો ગ્રંથકાર કહે છે કે જેમાં ચમત્કૃતિ રહેલી છે તે વિષયનું નામ રસ. ઉપલી ત્રણ વ્યાખ્યા ઘણું કરીને મળતી છે પણ ચોથી જુદી દેખાય છે. રસ સંબંધી મારા પોતાના વિચાર આ પ્રમાણે છે. મધમાં રહ્યો છે તે રસ કે મધ ખાધા પછી આપણને જે લાગ્યો તે રસ? જ્યાં સુધી મધ પહેલવ્હેલું પણ કોઈના ચાખ્યામાં આવેલું નહીં ત્યાં સુધી કોઈએ મધને મીઠું નહીં જ કહ્યું હોય. વસ્તુ અને તેનો ભોક્તા એ બેના સંબંધ ઉપરથી વસ્તુનો ગુણ વર્ણ્યામાં છે. માટે મીઠાસ પ્રથમ તો મધમાં નહીં પણ મધ ખાનારામાં છે-તે પછી જ મધમાં છે, એમ કહેવાનો વહેવાર ચાલેલો. વળી આ કવિતામાં રસ છે એટલે તે કવિતા જેથી નીકળી છે તેનામાં પ્રથમ રસ હતો તે કવિતા રૂપે બહાર નીકળ્યો છે. અર્થાત્‌ મારો વિચાર તો આ કે રસ શબ્દ ભોક્તાને જ લગાડવો.
    રસનો અર્થ આનંદી સ્થિતિ એવો કહ્યો, પણ એમાં બાધક આવે છે. નવ રસમાંના જે કરુણા, રૌદ્ર, ભયાનક, બીભત્સ રસ, જે રસનો અનુભવ લેનારાઓને આનંદ થતો નથી – માટે હું જાણું છું કે રસની વ્યાખ્યા આમ થઈ હોત તો વધારે સારું - કે મનના જોસ્સા જૂદે જૂદે પ્રસંગે જૂદે જૂદે રૂપે જૂદી જૂદી અસર કરનારા હોય છે – જે જૂદી જૂદી અસરના નવ વર્ગ છે, એમાંના અનેક વર્ગનું - એક જ જાતની જે અસર તેનું નામ રસ.
    પણ પાછું એમ જોઈએ :- એવી વ્યાખ્યાને રસ શબ્દ લગાડવો એ સારું નથી. સંસ્કૃત ગ્રંથકારોએ આનંદની સ્થિતિને રસ કહ્યો છે, તે મારા ધાર્યા પ્રમાણે કાવ્યનાટકનાં વાંચવા સાંભળવાથી (ખરેખરો અનુભવ કર્યાથી નહીં) જે આનંદી સ્થિતિ થાય છે તે ઉપરથી – હા, કાવ્ય નાટકોમાંના કરુણા, રૌદ્ર, ભયાનક બીભત્સ રસથી પણ આનંદ થાય છે ખરો. પ્રસંગ પ્રમાણે શોભતાં વર્ણનથી આનંદ થાય જ. કાવ્યનાટકનો ઉદ્દેશ રમૂજ સાથે શિખામણ આપવાનો છે ને તેમાં એ રસો જાતઅનુભવે દુઃખકર્તા છે તો પણ શિક્ષારૂપે સુખકર્તા છે, જે પ્રસંગોપાત્ત તે એવી અસર કરે છે કે કંઈ કહ્યાની જ વાત નહીં. મોટા સતવાદીઓને અને ખરા પ્રેમીને સંસારમાં કેટલું સોસવું પડશે એ વાત જોયાથી આપણને તેઓની દયા ઊપજી રડવું આવે છે. પણ એ રડવું અંદરથી કેવું સુખ કરતું છે તે અનુભવીઓ જ જાણે જ છે – એ રીતે કરુણારસમાં આનંદ છે જ. કરુણારસમાં દુઃખ હોય તો તે સમજવાને કોઈ યત્ન ન કરે – કરુણારસ વિશે તો રસિક પુરુષોનો આગ્રહ છે. દુષ્ટના ક્રોધભયથી કેટલા અલાભ છે એ વાત શબ્દાર્થ ચમત્કૃતિમાં જાણવાથી આનંદ થાય છે, જુદ્ધમાં લોહીની નદી, ધડમાથાંનાં ચકદાવાં એવાં કંટાળા ઉપજાવે તેવાં વર્ણન પણ શિક્ષારૂપે આનંદ આપે છે. અર્થાત્‌ દોહરામાં જે રસ વર્ણવ્યો છે તે કાવ્યનાટક સંબંધી છે (જાત અનુભવસંબંધી નથી;) અને સઘળા રસ આનંદે ચિત્તનો દ્રાવ કરે છે.” પૃ. ૯૨૮ – ૯૨૯
    નોંધ : પ્રસ્તુત વિચારણા જોતાં નર્મદ રસસિદ્ધાંત વિશે ઠીક ઠીક અસ્પષ્ટ હતો એમ જણાય છે.
  55. સરખાવો : ‘But poets, or those who imagine and express this indestructible order are not only the authors of the language and of music, of the dance and architecture and statuary and painting: they are the institutors of laws and the founders of civil society and the inventors of the arts of life.’
    Eng Crit. Essays XIX
    A Defence of Poetry: pp ૧૨૪.
  56. સરખાવો : ‘Language. colour, form, and religious and civil habits of action are the instruments and materials of poetry.’ Eng Crit: Essays XIX
    A Defence of Poetry: pp ૧૨૫.
  57. સરખાવો : ‘For he (i.e. poet) not only beholds intensely the present as it is, and discovers those laws according to which present things ought to be ordered, but he beholds the future in the present, and his thoughts are the germs of the flower and the fruit of latest time." ibid pp. ૧૨૪
  58. સરખાવો : ‘Poets, according to the circum-stances of the age and nation in which they appeared were called in the earlier epochs of the world legislators or prophets: a poet essentially comprises and unitess both these characters.’ ibid pp. ૧૨૪ English Critical Essays XIX: A Defence of Poetry pp. ૧૨૫
  59. સરખાવો : ...‘And this springs from the nature itself of language, which is a more direct representation of the actions and passions of our internal being. and is susceptible of more various and delicate combinations, than colour form or motion, and is more plastic and obedient to the control of that faculty of which it is the creation. For language is arbitranily produced by the imagination and has relation to thoughts alone; but all other materials, instruments and conditions of art have relations among each other, which limit and interpose between conception and expression. The former is as a mirror which reflects, the latter as a cloud which enfeebles, the light of which both are mediums of communication. Hence the fame of sculptores, painters and musicians, although the intrinsic power of the great masters of these arts may yield in no degree to that of those who have employed language as the heiroglyphic of their thoughts, has never equalled that of poets, in the restricted sense of the term...’
    Shelley: Eng Crit. Essays
    A Defence of Poetry : ૧૨૫-૧૨૬
  60. Eng. Crit. Essaysઃ A Defence of Poetry : ૧૨૩
  61. જૂ. નર્મગદ્યમાંની પ્રસ્તુત ખંડ પછીની કેટલીક ચર્ચાઓ સરકારી નર્મગદ્યમાંથી કાઢી નાખવામાં આવી છે.
    (અ) ‘ત્યારે હવે કવિતામાં શું છે...તે તર્ક અલૌકિક જોઈયે ખરો.” આટલો ગદ્યખંડ પડતો મૂકવામાં આવ્યો છે. એમાં નર્મદે સ્પર્શેલા બીજા મુદ્દાઓ સાવ અવગણવા જેવા નથી.
  62. (સરકારી) : નર્મગદ્ય અથવા કવિ નર્મદાશંકર : એઓના ગદ્યાત્મક ગ્રંથોનો સંગ્રહ, ભા. ૧-૨, મુંબઈ-ગવર્નમેન્ટ સેંટ્રલ બુક ડીપો. સને ૧૮૭૫ : પૃ. ૫૩ (પાદટીપ : ૨૫માં વર્ણવેલી ક કૃતિનો સંદર્ભ)
  63. જૂનું નર્મગદ્ય પૃ-૧૩૩
  64. શેલીએ કવિતા દ્વારા સધાતા વ્યક્તિના શ્રેય વિશે જે વિચારણા કરી છે તે નોંધપાત્ર છે :
    ‘The great secret of morals is love; or a going out of our own nature, and an identification of ourselves with the beautiful which exists in thought, action or person, not our own. A man to be greatly good must imagine intensely and comprehen-sively; he must put himself in the place of another and of many othersઃ the pains and pleasures of his species must become his own. The great instrument of morel good is the imagination; and poetry administers, to the effect by acting upon the cause.’ – Shelley Eng. erit. Essaysઃ XIX pp. ૧૩૨ ‘Poetry is that fine particle within us that expands, rarefies, refines, raises our whole beingઃ without it man’s life is poor as beasts.’ Hazlitt
    – Hazlitt’s Works. pp. ૨ નોંધ : નર્મદે ’કવિ અને કવિતા’માં અન્યત્ર શેલીના વિચારોને શબ્દશઃ ઝીલવાનો યત્ન કર્યો છે. “કવિતા ન હોત તો સદ્‌ગુણ, પ્રીતિ, સ્વદેશાભિમાન મિત્રાઈ એની શી દશા થાત?...”’ (પૃ. ૧૪૭) સરખાવો : ‘What were virtue, love, patriotism, Friendship...’
    Crit. Essays XIX pp. ૧૫૬.
  65. જૂનું નર્મગદ્ય ‘પૃ. ૧૩૩
  66. એજન, પૃ. ૧૩૩
  67. જૂનું નર્મગદ્ય : પૃ. ૧૩૩-૧૩૪
  68. ‘It is, moreover, evident from what has been said. that it is not tha function of the poet to relate what has happened, but what may happen- what is possible according to the law of probability or necessity."
    — Aristotle’s Theory of Poetry and Fine artઃ (Ed. by S.H. Butcher Fourth Ed Dover Publications.) pp. ૩૫
  69. (અ) ‘પ્રતિભા’ અપૂર્વવસ્તુનિર્માણક્ષમા પ્રજ્ઞા | તસ્યા ‘વિશેષો’ રસાવેશવૈશદ્યસૌન્દર્યર્ કાવ્યનિર્માણક્ષમત્વં ||
    ધ્વન્યાલોક – લોચન : ( ચૌખમ્બા વિદ્યાભવન , પ્રથમ સંસ્કરણ ૧૯૬૫,) pp ૯૩-૯૪
    (બ) ‘શક્તિઃ કવિત્વબીજ રૂપાઃ કાવ્યપ્રકાશ’ (Bhandarkar Oriental Research Institute) poona – Ed. R. D. Karmarkar. VII Ed ૧૯૬૫ pp ૧૧-૧૨
    (ક) ‘હેમચન્દ્ર : પ્રતિભા નવનવોલ્લેખશાલિની પ્રજ્ઞા | અસ્ય કાવ્યસ્યેદં પ્રધાનં કારણમ્‌ ||
    xx સવિતુરિવપ્રકાશસ્વભાવસ્વાતમ્નોઽભ્રપટલમિવ જ્ઞાનાવરણીયાદ્યાવરણં તસ્યોદિતસ્ય ક્ષયેઽનુદિતસ્યોપશમે ચ યઃ પ્રકાશાવિર્ભાવ સા સહજા પ્રતિભા ||’
    Kavyanusasana
    Ed. by Prof. R. C. Parikh
    Dr. V. M. Kulkerni
    Sri Mahavir Jain Vidyalay. Bombay Revised Il Edn. ૧૯૬૧ pp. ૬.
    (ડ) ‘રાજશેખર : પ્રતિભાવતઃ પુનરપશ્યતિઽપિ પ્રત્યક્ષ ઇવ ||’
    Kavyamimansa. Gaekwad Oriental Series
    No.૧. Ed. III. ૧૯૩૪, pp. ૧૧-૧૨
    Ed. by C. D. Dalal & Pandit Sastry
    Revised by Ramswamy Sastry.
  70. જૂનું નર્મગદ્ય - પૃ. ૧૩૪
  71. પ્લેટોના Republicમાં જાણીતો સંવાદ :
    “And the tragic poet is an imitator, and therefore like all other imitators, he is thrice removed from the king and The Truth?"
    ‘That appears to be so.” Republic : X
    The Dialogues of Platoઃ Tr. Jowett.
  72. એરિસ્ટોટલ : ‘Poetry, therefore, is a more philosophical and a higher thing than history for poetry tends to express the universal, history the particular.’
    – Aristotle’s Theory of Poetry and Fine Arts. pp. ૩૫
  73. હેઝલિટ્રની કાવ્યવ્યાખ્યા જોડે સરખાવો :
    ‘The best general notion which I can give of poetry is that it is the natural impression of any object or event, by its vividness exciting an involuntary movement of imagination and passion and producing by sympathy, a certain modulations of the voice of sounds, expressing it." Hazlitt’s Worksઃ Poetry in General : pp. ૧
  74. નીચેનાં વિધાનો અવલોકો :
    (અ) ‘Poetry is the language of the imagination and the passion, ibid pp. ૧.
    (બ) ‘Poetry, then, is an imitation of nature, but the imagination and the passions are a part of man’s nature...’ ibid pp. ૪
    (ક) ‘Poetry is in all its shapes, the language of the imagination and passions of fancy and will.’
    ibid. pp.
    (ડ) ‘Poetry in its matter and form is natural imagery or feelings, combines with passion and fancy...’
    ibid. pp. ૧૫
  75. ‘નર્મકવિતા’ : “ગુજરાતી” પ્રિન્ટીંગ પ્રેસ : આવૃત્તિ ચોથી : ૧૯૧૪
    (અ) ‘ઋતુવર્ણન’ : (પૃ.૧૧૬)
    “..પણ આ ગ્રંથમાં બ્હારના દેખાવોનો આબેહૂબ ચિતાર આપી તેના સરખો અથવા ઊલટો દિલના જોસ્સાનો પણ આબેહૂબ ચિતાર આપેલો છે. કુદરતના દેખાવની છાપ મારા મન ઉપર બાળપણમાં જ સારી પેઠે પડી હતી. અલબત્ત ઝાંખી તો ખરી. એ ઝાંખી છાપો જ્યારે હું સુરતમાં ત્રણ વરસ રહ્યો હતો ને ગામડાંઓમાં ફરતો હતો ત્યારે ચિત્રરૂપે થવા આવી હતી તે કવિતા કર્યા પછી પ્રસંગ તથા વિચારને જોરે આપોઆપ આબેહૂબ ચિત્રરૂપ બહાર નીકળી પડી છે.”
    (બ) ‘કુમુદચંદ્ર - પ્રેમપત્રિકા’ (પૃ. ૩૫૫)
    “સ્વભાવ, ગુણ, વિદ્યા, રીતભાત, જગતની લીલા, અને તરેહતરેહવાર જોસ્સા - એઓનાં જાંહાં ચિત્ર હોય છે તાંહાં ઉત્તમ કવિતાની જાત છે.”
  76. ૭૭ : જૂનું નર્મગદ્ય : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ.)
    (અ) ‘મીરાં’ :
    “(મીરાંની) કવિતામાં વિદ્વત્તા નથી, પણ પ્રેમભક્તિનો જોસ્સો કુમળી કુમળી ભાષામાં સારી પેઠે ઠરેલો જોવામાં આવે છે.” (પૃ. ૪૫૭)
    (બ) ‘સામળ’
    “પ્રાસાદિત અથવા કુદરતી કવિ થવામાં પ્રીતિ સંબંધી અથવા ધર્મસંબંધી ન ડાબ્યો રહે તેવો જોસ્સો જોઈયે, તે જોસ્સો સામળની કવિતામાં નથી.” (પૃ. ૪૬૮)
    {gap}}“સામળમાં હૈયું ભેદાય તેવું ઘણું નથી, પણ તર્કથી લ્હેર આવે તેવું ઘણું છે.” (પૃ.૪૬૯)
    (ક) ’દયારામ’
    “કવિ ગમે તેટલો વિદ્વાન હોય અને ગમે તેટલી સરળતા રાખી પ્રાસાદિત શક્તિથી પોતાની કવિતાને સણગારતો હોય, પણ જો તેહેમાં રસ નથી, જોસ્સો નથી, અને ચિત્ર પાડવાની શક્તિ નથી, તો તે કવિ જો કે અજ્ઞાની લોકોમાં મ્હોટો કહેવાય છે, તો પણ તે કવિપંક્તિમાં છેલ્લો બેસે છે.” (પૃ. ૪૭૮)
  77. (અ) ‘મારી હકીકત’ અથવા ‘નર્મદનું સ્વાત્મચરિત્ર’ ભા. ૧. (“ગુજરાતી” પ્રિન્ટીંગ પ્રેસ : ઈ.સ. ૧૯૩૩)
    “જ્યારે હું ઉપર કહેલી ચોપડીઓ શીખતો...પોએટ્રીના તર્કનો આનંદ મ્હારા પોતાના તર્કનાં બિડાયેલાં કમળને લાગતો....”
    (બ) ઉત્તર નર્મદ ચરિત્ર : (“ગુજરાતી” પ્રિન્ટીંગ પ્રેસ : ઈ.સ. ૧૯૩૯)
    ‘મારી કવિતા વિશે મારા વિચાર’ એ ટાંચણિયા લખાણમાંની
    નોંધ : ‘જોસ્સાવાળું ને તર્કથી જે રંગેલું એવું જે કુદરતનું આબેહુબ વર્ણન (તે કાવ્ય)” પૃ. ૧૧૧.
  78. જૂનું નર્મગદ્ય : ‘કવિ અને કવિતા’ : પૃ. ૧૩૪-૧૩૫.
  79. નવલગ્રંથાવલિ, ભા. ૨, આ. ૧૮૯૧, પૃ. ૧૨
  80. મેકોલેના પ્રસ્તુત મતની સમીક્ષા માટે જુઓ : A History of Modern Criticism Vol. III Rene Wellek I Edn, pp ૧૨૬, ૧૨૭
  81. જુઓ : ‘The Four Ages of poetry’ની ચર્ચા ‘...When we consider that the great and permanent interests of human society become more and more the main-spring of intellectual pursuitઃ that of proportions as they become so. the subordinate of the orhamental to the useful will be more and more seen and acknowledged, and that therefore the progress of useful art and science, and of moral and political knowledge will continue more and more to withdraw attention from frivolous and unconductive. to solid and condutive studies that therefore the poetical audience will not only continually diminish in the proportion of it’s number to that of the rest of the reading public, but will also lower and lower in the comparison of intellectul achievement: when we consider that the poet must still please his audience, and must therefore continue to sink to their level while the rest of the community is rising above it: We may easily concltive that the day is not distant, when the degraded state of every species of poetry will be as generally recognised as that of dramatic poetry has long been....’
    Makers of Literary Criticism. Vol. II:"
    Ed. George
    Asia Publishing House
    Ed. ૧૯૬૭, ‘Four Ages of Poetry.’
  82. સંસ્કૃત આલંકારિકોએ કાવ્ય, ગદ્ય તેમજ પદ્યમાં હોય એ વાત ભારપૂર્વક કહેલી છે :
    દંડી : ‘ગદ્યં પદ્યંશ્ચ મિશ્રઞ્ચ તત્‌ ત્રિધૈવ વ્યવસ્થિતમ્‌ |’
    કાવ્યાદર્શ : Ed by Pandit Shri Ashubodha
    Vidyabhushan & Pandit Shri Nityabodha.
    Vidyaratna. Fourth Edn. ૧૯૨૫ pp. ૧૦.
  83. જૂનું નર્મગદ્ય : પૃ. ૧૩૬
  84. જૂનું નર્મગદ્ય : પૃ. ૧૩૬
  85. એજન પૃ. ૧૪૦
  86. નર્મદ : ‘કવિતા ન હોત તો સદ્‌ગુણ, પ્રીતિ, સ્વદેશાભિમાન, મિત્રાઈ એની શી દશા થાત ? આ સુંદર રમણીય જગતનો દેખાવ કેવો થાત?..’
    જૂનું નર્મગદ્ય. પૃ. ૧૪૧.
    શેલી : What were Virtue, Love, Patriotisms, Friendship What were the Scenery of this beautiful Universe which we inhabit...if poetry did not ascend to bring light and fire from those eternal regions where the owl-winged faculty of calculation dare not ever soar?
    Shelley Eng. Critical Essays A Defence of Poetry pp. ૧૫૬
  87. (અ) ‘લિરિક’ (પ્રયોગમાલા : પાંચમો મણકો) ઈ.સ. ૧૯૨૮ની આવૃત્તિ - ઊર્મિકવિતાના સ્વરૂપની ચર્ચાવિચારણા.
    (બ) નવી કવિતા વિશે વ્યાખ્યાનો.
  88. (અ) અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો : (ભારતી સાહિત્ય સંઘ, અમદાવાદ, આવૃત્તિ બીજી – ૧૯૪૭) – પ્રસ્તુત ગ્રંથમાં પાંચમા વ્યાખ્યાનમાં કાવ્યના પ્રકારોની ચર્ચા કરવામાં આવી છે.
    (બ) નભોવિહાર : (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય : અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૧) : આ ગ્રંથમાં બીજા ખંડમાં અર્વાચીન કાવ્યસ્વરૂપોની ચર્ચા મળે છે.
  89. ગુજરાતી કાવ્યપ્રકારો : (ગંગાજળા પ્રકાશન, જામનગર, પહેલી આવૃત્તિ, ૧૯૬૪) : મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા ૫૭-૫૮માં કાવ્યપ્રકારો વિષયક વ્યાખ્યાનો.
  90. (અ) શૈલી અને સ્વરૂપ : (વોરા અને કંપની પબ્લિશર્સ પ્રા. લિ. મુંબઈ, પ્રથમ આવૃત્તિ ૧૯૩૦) : પ્રસ્તુત ગ્રંથમાં ‘પદ’, ‘મુક્તક’ ‘સૉનેટ’ ‘અર્વાચીન ઊર્મિકાવ્ય’ આદિ લેખોની ચર્ચા.
    (બ) ‘સમસંવેદન’ : (વોરા એન્ડ કંપની પબ્લિશર્સ : પ્રા. લિ. મુંબઈ, બીજી આવૃત્તિ, ૧૯૬૫) ગ્રંથમાં, ‘ખંડકાવ્ય’ને લગતી ચર્ચા.
  91. લિરિક અને લગરિક : (સ્વાતિ પ્રકાશન, મુંબઈ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૫.) ‘લિરિક’ વિશેનો લેખ.
  92. જૂનું નર્મગદ્ય : પૃ. ૩૩૯
  93. જૂનું નર્મગદ્ય પૃ. ૩૩૯
  94. એજન પૃ. ૩૩૯
  95. એજન પૃ. ૩૩૯
  96. જૂનું નર્મગદ્ય : ૩૩૯
  97. નવલગ્રંથાવલિ : વૉ. રજું : આવૃત્તિ ૧૮૯૧ : પૃ. ૧૫-૧૭
  98. ‘Lyric Impulse’ ૧૯૬૫ Chatto and Windingઃ London pp ૨૨ ૨૩.
  99. The Classical Traditionઃ Oxford University Press, New York and London Forth Printingsઃ ૧૯૫૯. pp. ૨૨૧ ૨૨૮
  100. બળવંતરાયે લિરિકના પેટાપ્રકારો મુખ્યત્વે કવિતાભાવને અનુસરીને પાડ્યા છે.
    (૧) વિરહશોક (૨) વૈરાગ્ય - નૈરાશ્ય - દૈવની અવળાઈ આદિનાં ખટક અને શાન્તિ.
    (૩) જીવન, કુદરત, પરિસ્થિતિ, સ્થલ, કર્તવ્ય, માણસો આદિમાં આનન્દ અને તેમના ઉપર પ્રેમ.
    (૪) ઉત્સાહ – ભક્તિ - પ્રજ્ઞા - અગમનિગમ
    નોંધ :- નર્મદના ‘ગીતકવિતા’ (lyric)ના પેટા પ્રકારો અને બળવંતરાયના પેટાપ્રકારો સમરૂપ નથી. નર્મદનો પ્રથમ વિભાગ ભજન અથવા ધર્મસંબંધી ગીત એ બળવંતરાયના બીજા કે ચોથા વિભાગ જોડે અનુસંધાન જાળવે છે. નર્મદનો બીજો ખંડ વીરપુરુષોને લગતી રચનાનો છે. તે બળવંતરાયના ત્રીજા કે ચોથા ખંડ જોડે સાંકળી શકાય. આ રીતે નર્મદના બીજા બે પેટા પ્રકારોનો ય ઠાકોરની વ્યવસ્થામાં સમાવેશ કરી શકાય. પરંતુ એ બંનેનો અભિગમ જુદો છે, એ લક્ષમાં રાખવું જોઈએ.
  101. “નર્મકવિતા’ : (કવિ નર્મદાશંકર લાલશંકરની કવિતાનો સંપૂર્ણ સંગ્રહ) (આવૃત્તિ ચોથી) “ગુજરાતી” પ્રેસના માલીક ઈ.સ. ૧૯૧૪, પૃ. ૨૮૯ પર “હિંદુઓની પડતી”ની પાદટીપમાં ’વીરકવિતા’ની નર્મદની વિચારણા જુઓ.
    “મારો અસલથી જ વિચાર કે એક મોટો ગ્રંથ કરવો, અને બને તો જેને અંગ્રેજીમાં ‘એપિક’ કહે છે તેવો કરવો. પણ ‘એપિક’ લખવામાં નિરાંત, એક ચિત્તવૃત્તિ તથા ઉલ્હાસની સાથે આ દેશના ઇતિહાસમાંથી લીધેલી એક સુરસ વાતમાંનો યોગ્ય નાયક જોઈએ, અને પછી એ લાંબો વિષય આડકથાઓથી સણગારીને એક જ વૃત્તમાં લખવો જોઈએ.” (પૃ.૨૮૯)

    “એપિક’ કવિતામાં વીર કરુણા ને શૃંગાર એ ત્રણ રસનું પ્રાધાન્ય જોઈયે - વીરનું તો પ્રથમ જ અને વળી ઘણુંએક.” (પૃ.૨૯૦) “એપિકમાં અનુકૂળ આવતાં વૃત્તો મારી નજરમાં આવ્યાં છે તે આ : દોહરા, ચોપાઈ, રોલા એ માત્રાવૃત્ત; ગીતિ એ માત્રાગણવૃત્ત; ઈંદ્રવજ્ર, ભુજંગપ્રયાત, મોતિદામ એ અક્ષરવૃત્ત. માત્રાવૃત્તમાં છેલ્લા અનુપ્રાસ મળતા આવવા જોઈયે ને અક્ષરવૃત્તમાં આવે તો સારું ને ન આવે તો કંઈ ચિંતા નહીં.” (પૃ. ૨૯૦)
    નોંધ : પ્રસ્તુત પાદટીપમાં નર્મદે ભારતના પ્રાચીન ઇતિહાસમાંથી કોઈ કથાવસ્તુ લેવા કરતાં કલ્પિત વાર્તાનાયક માટે આગ્રહ રાખ્યો છે. અને પોતે રચવા ધારેલા ‘વીરકાવ્ય’ની ટૂંકી રૂપરેખા રજૂ કરી છે. એ સાથે કેટલીક પ્રાસંગિક નોંધો પણ છે.
  102. નર્મદ : અર્વાચીન ગદ્ય-પદ્યનો આદ્યપ્રણેતા : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, આવૃત્તિ બીજી, ડિસેમ્બર ૧૯૬૫, પૃ. ૧૩૩
  103. નર્મદ : અર્વાચીન ગદ્ય-પદ્યનો આદ્યપ્રણેતા : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, આવૃત્તિ બીજી, ડિસેમ્બર ૧૯૬૫, પૃ. ૧૩૩
  104. (સરકારી નર્મગદ્ય) : ‘નર્મગદ્ય’ અથવા કવિ નર્મદાશંકર લાલશંકર એઓના ગદ્યાત્મક ગ્રંથોનો સંગ્રહ ભા. ૧-૨, મુંબઈ, ગવર્નમેન્ટ સેંટ્રલ બુક ડીપો, આવૃત્તિ : ઈ.સ. ૧૮૭૫. – “સજીવારોપણ’ પૃ. ૩૨.