લઘુ સિદ્ધાન્તવહી/‘વિશિષ્ટતા’ની વિભાવનાની તુલનાભૂમિકા

From Ekatra Foundation
Revision as of 02:50, 27 August 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬૬<br> ‘વિશિષ્ટતા’ની વિભાવનાની તુલનાભૂમિકા}} {{Poem2Open}} સાહિત્ય પરત્વેના સૈદ્ધાન્તિક અભિગમોમાં રશિયન સ્વરૂપવાદ એક મહત્ત્વનો અભિગમ છે. રશિયન સ્વરૂપવાદને સાહિત્ય અંગેની ‘સાહિત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૬૬

‘વિશિષ્ટતા’ની વિભાવનાની તુલનાભૂમિકા

સાહિત્ય પરત્વેના સૈદ્ધાન્તિક અભિગમોમાં રશિયન સ્વરૂપવાદ એક મહત્ત્વનો અભિગમ છે. રશિયન સ્વરૂપવાદને સાહિત્ય અંગેની ‘સાહિત્યિકતા’ની શોધ એને વ્યવહારભાષાથી સાહિત્યભાષાના જુદા પ્રકારના કાર્ય તરફ લઈ ગઈ અને એ જુદું કાર્ય ભાષાના સ્વસંચાલન (automatization)ની સામે ‘વિચલનો’ દ્વારા ભાષાને પુનઃ પ્રણિત કરવાની પ્રવિધિ છે. પરિચિત ભાષાને કઈ રીતે અપરિચિત કરી શકાય, કઈ રીતે ભાષાનો પ્રત્યક્ષ (perception) બદલી નાખતાં નવું સંવેદન ઊભું કરી શકાય એ રશિયન સ્વરૂપવાદનો એક મહત્ત્વનો ઉદ્યમ રહ્યો છે. ટૂંકમાં વ્યવહારની ભાષાથી સાહિત્યની ભાષાને જુદી પાડી, એની ‘વિશિષ્ટતા’ની તપાસ એ હંમેશાં સાહિત્યક્ષેત્રે રસપ્રદ વિષય રહ્યો છે. સંસ્કૃત કાવ્યવિવેચન પણ રશિયન સ્વરૂપવાદની જેમ ભાષાભિમુખ રહ્યું છે, એટલું જ નહીં પણ વ્યવહારના અનુભવથી કલાના અનુભવનો ભેદ કરવા માટે સંસ્કૃત આચાર્યોએ સાથે સાથે વ્યવહારની ભાષાથી સાહિત્યની ભાષાનો પણ ભેદ કર્યો છે. શરૂના આલંકારિક ભામહે તો ‘शब्दार्थौ साहितौ काव्यम्’ એમ કહી શબ્દ અને અર્થનું સાથે હોવું એને કાવ્ય ગણ્યું છે. પણ પછીના આચાર્યોએ તપાસ આદરી કે શબ્દ અને અર્થના સાથે હોવા ઉપરાંત એમાંથી જે ચારુત્વપ્રતીતિ થાય છે તે શાને આધારે થાય છે. શબ્દ અને અર્થનો જે વ્યાકરણિક સંબંધ છે તે એક સંબંધ છે પણ એ ઉપરાંત શબ્દ અને અર્થનો અન્ય કોઈ સંબંધ હોવો જોઈએ. રાજાનક રુય્યકના ‘અલંકારસર્વસ્વ’ની સમુદ્રબંધ ટીકામાં બહુ સ્પષ્ટતાથી આ વાતને ઉપસાવવામાં આવી છે : ‘આમ વિશિષ્ટ શબ્દ અને અર્થ એ કાવ્ય છે. એમની વિશિષ્ટતા ધર્મ દ્વારા, વ્યાપાર દ્વારા અને વ્યંગ્ય દ્વારા જાણી શકાય. એમાં ધર્મના બે વિભાગ : અલંકાર અને ગુણ, વ્યાપારના બે વિભાગ : ભણિતિવૈચિત્ર્ય અને ભોગકૃત્વ. આમ કુલ પાંચ વિભાગ : પહેલો ઉદ્ભટ વગેરેએ સ્વીકારેલો, બીજો વામને સ્વીકારેલો, ત્રીજો કુન્તકે સ્વીકારેલો, ચોથો ભટ્ટ નાયકે સ્વીકારેલો અને પાંચમો આનંદવર્ધને સ્વીકારેલો’ - આ પ્રમાણે દર્શાવી શકાય :

Laghu Siddhant Vahi - Image 1.jpg

આમ જુદી જુદી રીતે કાવ્યની વિશિષ્ટતાનો સ્વીકાર થયો છે : इह विशिष्टौ शब्दार्थौ कावयम् । અથવા કાવ્યની વિશિષ્ટતામાં આ બધાં અંગો વિશેષ ભૂમિકા ભજવે છે. પણ રોજિંદી વ્યવહારભાષાથી સાહિત્યને જુદું કરનારું કોઈક રમણીય તત્ત્વ છે જે એનું વ્યાવર્તક લક્ષણ છે. શબ્દ અને અર્થ સંયુક્ત રહે એ તો વ્યવહાર માટે પણ જરૂરી છે. એ સિવાય પ્રત્યાયન શક્ય નથી. શબ્દ અને અર્થનો સંયુક્ત હોવાનો એમનો વ્યાકરણિક સંબંધ બરાબર, પણ એ ઉપરાંત એમનો બીજો કાવ્યાત્મક સંબંધ છે જેને કારણે કાવ્યમાં ચારુત્વની પ્રતીતિ થાય છે. સંસ્કૃત કાવ્યવિવેચને અલંકાર અને રીતિથી માંડી વક્રોક્તિ સુધી અને ધ્વનિથી માંડી રમણીયતા સુધી એનાં મૂળ પ્રસાર્યાં છે. સંસ્કૃત કાવ્યવિવેચન અને રશિયન સ્વરૂપવાદની તુલના-ભૂમિકા આ ‘વિશિષ્ટતા’ની વિભાવનામાં પડેલી છે.