લઘુ સિદ્ધાન્તવહી/કાવ્યમાં નાદનું અર્થ સાથે સમતુલન

From Ekatra Foundation
Revision as of 03:29, 27 August 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૭૭

કાવ્યમાં નાદનું અર્થ સાથે સમતુલન

સંસ્કૃત આલંકારિક ભામહની કાવ્યવ્યાખ્યા ‘શબ્દાર્થો સહિતૌ કાવ્યમ્’ સૂચવે છે કે શબ્દ અને અર્થનું સહિતત્વ વ્યવહારમાં હોતું નથી તેથી જ એના સહિતત્વ પર ભાર મુકાયો છે. કાલિદાસ કવિએ પણ ‘રઘુવંશ’ના પ્રારંભે वागर्थौ इव संपृक्तौ દ્વારા સૂચક રીતે વાક્ અને અર્થના સહિતત્વ પર ભાર મૂકી એ બેના સહિતત્વના વિરલત્વને જ ચીંધ્યું છે. આનો અર્થ એ થયો કે ભાષામાં શબ્દ અને અર્થની સમતુલા નથી હોતી. શબ્દ એટલે કે નાદ મોટે ભાગે ઉપેક્ષિત રહે છે. ખરેખર તો ભાષામાંથી સર્જાતી કાવ્યભાષામાં જ નાદ અર્થની બરોબરી કરે છે. કાવ્યમાં નાદનું અર્થ સાથે થતું સમતુલન અને એ દ્વારા નાદનું વધી જતું મહત્ત્વ - કોલંબિયા યુનિવર્સિટીમાં અધ્યાપન કરતા અમેરિકી કવિ કેનિથ કોચ (Kenneth Koch)ને પણ અભિપ્રેત છે. કેનિથ કોચે એમના ‘મેકિંગ યૉર ઓન ડેય્ઝ’ (સ્ક્રિન્બર, ૧૯૯૮) નામક પુસ્તકમાં ‘કાવ્ય કેમ વાંચવું?’ની ચર્ચા કરતાં આ મુદ્દો ઉપસાવ્યો છે. વાલેરીનો વિચાર સ્વીકારી કેનિથ કોચે કવિતાની ભાષાને ‘ભાષાઅંતર્ગત ભાષા’ તરીકે ઓળખાવી છે. કવિતાની ભાષામાં શબ્દોના નાદને ઊંચકી શબ્દોના અર્થની મહત્તાની લગોલગ ગોઠવવામાં આવે છે. વ્યવહાર-ભાષામાં શબ્દનો નાદ કેવળ એની ઓળખ પૂરતો અને અન્ય શબ્દોથી એને અલગ પરખવા પૂરતો ઉપયોગી છે. નાદ શબ્દોનો ભૌતિક ધર્મ છે. જેમ નગારામાં રહેલો પ્રચ્છન્ન નાદ એના પર દાંડી પડતાંકને બહાર આવે છે તેમ કાવ્યમાં નાદ વાચકનું ધ્યાન ખેંચે છે. કેનિથ કોચ એક સરસ ઉદાહરણ સાથે વાતને સ્પષ્ટ કરે છે. નાવિકો કોઈ નાવને દોરડાં બાંધી પાણીમાંથી બહાર કાઢવા પ્રયત્ન આદરે છે ત્યારે વ્યવહારુ પ્રયોજન તો નાવને કાંઠે લાંગરવાનું હોય છે, પણ આ ક્રિયા દરમિયાન નાવિકોની શરીરોની ગતિ અને એમના હલનચલનનો જે લય બંધાય - એમાંથી જે આંદોલિત રૂપ ઊભું થતુ જોવાય એ આહ્વાદક હોય છે. બિન-સાહિત્યિક વ્યાપારોમાં શબ્દોની ગતિ કેવળ હેતુલક્ષી હોય છે. સાહિત્ય અને એમાંય કવિતા જ શબ્દોના આંદોલિત રૂપ વિશે આપણને સભાન કરે છે, શબ્દોને સંવેદવા પ્રેરે છે. કહેવાય છે કે પ્રત્યેક શબ્દને એનું પોતાનું થોડુંક સંગીત હોય છે અને કવિતા શબ્દને એવી રીતે ગોઠવે છે કે આપણે એનું સંગીત સાંભળી શકીએ. કદાચ શબ્દનો નાદ વ્યવહારભાષામાં અર્થવિક્ષેપ કરનારો નીવડે, પણ તે જ કવિતાને કશુંક વિશેષ સમર્પિત કરે છે. કવિતામાં અર્થના સંપ્રેષણ દરમિયાન નાદ જે કહેવાઈ રહ્યું છે એને વધુ દૃઢ કરે છે. આ નાદને કારણે જ તર્કના કરતાં ભાવ બલવાન બને છે. નાદ ભાવપૂર્ણ પ્રસ્તુતિને માત્ર દૃઢ નથી કરતો, પણ એને ભાવાત્મક સામગ્રી કે આધાર પૂરો પાડે છે. કવિતા નાદ ઉપરાંત અલંકરણપ્રક્રિયા, વાગ્મિત ક્રિયા, સજીવારોપણક્રિયા અને અન્યોક્તિક્રિયાનો પણ વિપુલ વિનિયોગ કરે છે. કવિતાની ભાષામાં જે આવે છે તે રોજિંદી ભાષામાંથી આવે છે. વ્યવહારની ભાષામાં શબ્દો છે, શબ્દોનો ઉપયોગ છે, શબ્દોના નાદ છે. કવિતા, આ બધું, વ્યવહારભાષામાંથી લે છે અને એને પોતાનું કરે છે. વાલેરીને ટાંકીને કેનિથ કોચ કહે છે કે આ દરમિયાન કવિ જાણે કે વિશિષ્ટ પ્રકારના અનુવાદ તરીકે કામગીરી બજાવે છે. વ્યવહારભાષાને ભાવથી પરિવર્તિત કરી કાવ્યભાષામાં એને અનૂદિત કરે છે. આ બાબતમાં કેનિથનું બહુ અગત્યનું વિધાન છે : કવિઓ જે સર્જવા ઇચ્છે છે તે સર્જવા માટે એમણે જે સર્જ્યુ નથી એનો ઉપયોગ કરે છે. ભાષાથી માંડી છંદ સુધી કવિ પાસે પૂર્વે તૈયાર એવી અને પોતે ન શોધેલી એવી સામગ્રી આવે છે અને કવિ એવી તૈયાર સામગ્રીમાંથી પોતાનું કશુંક વિશેષ સર્જે છે. કેનિથે સર્જનના વ્યાપારમાં નિયોજિત તૈયારમાંથી તૈયાર થતા કશાક અ-તૈયારને આગળ કરી સર્જનની પ્રક્રિયાના રહસ્યને સહેજ ખોલવા મથામણ કરી છે. અન્યથા, કેનિથની માન્યતા રહી છે કે કવિતા ક્યાંથી આવે છે, કવિતા શું છે, અને કવિતા કઈ રીતે કોઈ લખી શકે છે - એ તમામ પાસાંઓ રહસ્યભર્યાં છે.