લઘુ સિદ્ધાન્તવહી/છંદના અપૂર્વ વારસાની ઉપેક્ષા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૭૮

છંદના અપૂર્વ વારસાની ઉપેક્ષા

આપણે કવિતાની બાબતમાં ક્યારે ગંભીર બનીશું? બીજી રીતે કહીએ તો ગંભીર કવિતા ભણી આપણે ક્યારે વળીશું? એક બાજુ લયની તોડફોડ સાથે ગઝલનાં કરામતી કારખાનાંઓ ધમધમે છે. બીજી બાજુ એકસરખા લય-આંતરાના રટણ સાથે ગીતોનાં ગાડરાં હંકાર્યે રખાય છે. તો ત્રીજી બાજુ ઊડઝૂડ કલ્પનોના ઉટપટાંગ ઢગલાઓ કરતાં અછાંદસને નામે ગદ્યગતકડાં ગબડાવ્યે રખાય છે. કવિને મામૂલી બનાવી દેવામાં આવ્યો છે અને કવિતાને મુજરો કરતી કરી દીધી છે. મુશાયરો હોય કે કવિસંમેલન હોય, સંચાલકો નિર્લજ્જપણે મદારીની જેમ તાળીઓ ઉઘરાવતા થઈ ગયા છે. તો સામયિકોના તંત્રીઓએ શત્રુઓ ન વધારવાની ત્રેવડમાં કે કોઈ અંગત સ્વાર્થની વેતરણમાં લેખાંજોખાં કરવાનું લગભગ છોડી દીધું હોય એવું લાગવા માંડ્યું છે. આ બધામાં ગંભીર કવિતાની કે કવિતાના વારસાની વાત કરવાનો અવસર હવે ક્યાં રહ્યો છે? નવી સંવેદનાઓનાં ક્ષેત્રોની શોધ ક્યાં છે? એનો ખપ કોને છે? ભાષાની તાલીમ, પૂર્વકવિઓના વાચનની તાલીમ, છંદની તાલીમ, લયની તાલીમ - આ બધું તો જાણે હવામાં ગાયબ થઈ ગયું છે! કવિતાના લય અને છંદના અપૂર્વ વારસાની ઉપેક્ષા કરીને કવિતા કેટલી ચાલશે? કેટલે પહોંચશે? ક્યારેક ઉશનસ્, ક્યારેક જયન્ત પાઠક, ક્યારેક ભાનુપ્રસાદ પંડ્યા, ક્યારેક ચિનુ, વિનોદ જોશી કે મણિલાલ હ. પટેલ આવા વારસાને અડકી આવે છે કે પછી ચિમનલાલ ત્રિવેદી જેવા કે રમણિકલાલ મારુ જેવા છંદના ઉસ્તાદો - જૂજ બચેલા ઉસ્તાદો - તૂટતી માત્રાઓ અંગે કે નવા પ્રસ્થાનને અંગે સરવો કાન દેખાડે છે ત્યારે આજની વિષયની પરિસ્થિતિમાં એ મોટી વિસામાની ઘડી હોય છે. મારું ‘અલંગ’ કાવ્ય ‘પરબ’ (ઑક્ટો. ૧૯૯૪)માં પ્રગટ થયું ને ચિમનલાલ ત્રિવેદીએ એના છાંદસ પ્રયોગની પહેલી નોંધ લીધી, જે મંદાક્રાન્તા નથી વાંચી શકતો કે જે શિખરિણી નથી વાંચી શકતો તે એમાં આવતા ‘ક્રાન્તશિખરિણી’ને તો કેવી રીતે વાંચી શકે? અછાંદસ પક્ષે ગમે એટલી દલીલ કરનાર એ ભૂલી જાય છે કે છંદની તાલીમ વિના ગાંધીયુગ કે અનુગાંધીયુગ સુધીની કે સંસ્કૃત સાહિત્યની ઉત્તમ કવિતાને એ કેવી રીતે વાંચી શકવાનો છે? ભલા ભઈ, લખવા નહીં તો વાંચવા પણ તારી પાસે છંદની તાલીમ કે છંદના કાન હોવા જોઈએ! આજે નેવું ટકા ગુજરાતીનો અધ્યાપકવર્ગ, છંદને પકડ્યા વિના વર્ગમાં ગાડું ગબડાવે છે. અધ્યાપકોની તો ચાલતી હશે કે નહીં, પણ કવિતાની તો જરૂર દુર્દશા ચાલે છે! આવા વેરાન વચ્ચે હજી પણ એવા પડ્યા છે કે કોઈ એક છંદની પંક્તિમાં પ્રમાદાવસ્થામાં કવિથી એકાદ લઘુ કે ગુરુ પડી ગયો હોય તો કાન આમળી લે છે. આવા ઉત્સાદનું નામ મારા સ્મરણમાં અબઘડી તો રમણિકલાલ મારુનું આવે છે. ‘પરબ’ જાન્યુ’૯૫માં મારું સૉનેટ ‘અભિશપ્ત’ છપાયું અને પ્રાંગધ્રાથી રમણિકલાલનો પત્ર આવ્યો. ‘કાવ્યની બીજી પંક્તિમાં પૃથ્વી છંદ ખોડંગાયો કેમ? ૧૭ ને બદલે ૧૬ વર્ણમાં પંક્તિ પૂરી કરવામાં આવી તેનો ખાસ કોઈ હેતુ નથી એમ હું માનું છું. ‘ઊડ્યા જ કરવાનું આગળ ડોક લંબાવીને’ ‘આગળ’ પછી એક લઘુ ખૂટે છે. મુદ્રણદોષનું બહાનું કાઢી શકાય તેમ છે ખરું, પણ જે હોય તે. મને આપનું કાવ્ય વાંચતા જ ત્રીજી પંક્તિએ કશુંક ખૂટતું લાગ્યું. ફરી ફરીને પંક્તિ વાંચી, છતાં એ જ અનુભવું છું. છેવટે આ પત્ર આપને લખું છું." રોમાંચનો પ્રસંગ હતો. કોઈના તો કાન હજી સરવા છે! તરત ભૂલ કબૂલ કરતો પત્ર લખાયો. પંક્તિને નવેસરથી સુધારવામાં આવી. ‘ઊડ્યા જ કરવાનું આગળ ડોક લંબાવીને’ એવી મૂળ પંક્તિને નવો પાઠ આપ્યો : ‘ઊડ્યા જ કરવાનું હાંફભર ડોક લંબાવીને.’ કાવ્યસંગ્રહ ‘આવાગમન’ (૧૯૯૯)માં સુધારેલો પાઠ છે. બરાબર એ જ રીતે ‘કાળો ડુંગર (કચ્છ)’ કાવ્ય ‘પરબ’ જૂન ‘૯૫માં છપાયું અને તરત રમણિકભાઈનો પત્ર આવ્યો. કાવ્યમાં સોરઠાની વધતી-ઘટતી માત્રાની વિશદ રીતે ચર્ચા કરતાં રમણિકભાઈએ પત્રમાં લખ્યું, “અર્થ અને શબ્દનું સૌન્દર્ય ન હણાય અને છતાં છંદનું સુપેરે જતન થાય એ રીતે તો આપ વિચારી શકો.” પરિસ્થિતિ જુદી હતી. કાવ્ય સોરઠામાં નહીં, પણ સોરઠાની ચાલમાં હતું. પ્રત્યુત્તર મોકલ્યો. જવાબ આવ્યો, “આપે લખ્યું છે. : ‘સોરઠો છે અને લગભગ સોરઠાની ચાલમાં રચના કરી છે. વળી બોલી અને કચ્છના સંસ્કારની નજીક રહેવાનો પ્રયત્ન છે એટલે મારે કશું કહેવાનું રહેતું નથી.” અને પછી ઊમેર્યું, “ચાલને કોઈ દૃઢ બંધારણ ન હોય." પરંતુ રમણિકભાઈએ ધ્યાન દોર્યાથી ‘ઘાવ ઘણા લાવા ઊકળે’ જેવી શિથિલ પંક્તિને પછી ‘ઘાવ ઘણા લાવા ઝરે’ પાઠમાં ફેરવી છે. ‘આવાગમન’ કાવ્યસંગતમાં નવો પાઠ જ મુકાયેલો છે. રમણિકભાઈનાં સૂચનોથી બંને રચનાની ક્ષતિઓ દૂર જ નથી થઈ, પણ શબ્દો વધુ પાઠફેરે અર્થવ્યંજિત બન્યા છે. સજાગ અને સાવધ ઉસ્તાદોની આવી પેઢી અસ્ત થઈ જાય એ પૂર્વે ગુજરાતી કવિતાને અવદશામાંથી પુરતી કાવ્યતાલીમ દ્વારા ઊંચે લાવવાની જરૂર છે.