શબ્દલોકના યાત્રીઓ – ૧/જમિયત પંડ્યા

From Ekatra Foundation
Revision as of 02:42, 1 September 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જમિયત પંડ્યા

શ્રી જમિયત પંડ્યાએ નવલકથાઓ, વાર્તાઓ વગેરે ઘણું લખ્યું હોવા છતાં ગુજરાતમાં એ ગઝલકાર કવિ તરીકે જ પ્રસિદ્ધ છે. તોંતેર વર્ષના આ બુઝર્ગ ગઝલકારે ગઝલ, નઝમ, મુક્તકોના ઘણા સંગ્રહો પ્રગટ કર્યા છે, મુશાયરાઓમાં તે રંગત જમાવે છે. તેમણે પોતે સારી ગઝલો તો આપી જ, પણ એ ઉપરાંત ગુજરાતમાં નવોદિત ગઝલકારોને તેમણે ઘડ્યા એ તેમની નોંધપાત્ર સેવા છે આજે પણ અનેક નવોદિતો તેમની પાસેથી ગઝલની દીક્ષા લે છે. ગઝલના વિશિષ્ટ સ્વરૂપ વિષે પણ તેમણે શાસ્ત્રીય પુસ્તક, લેખો લખ્યા છે. આ બધું તેમણે સંજોગો સામે ઝૂઝતાં ગૂઝતાં કર્યું છે એમાં તેમની સાહિત્યપ્રીતિ પ્રગટ થાય છે. જમિયતભાઈનો જન્મ ૨૨મી ઑગસ્ટ ૧૯૦૬ના રોજ ખંભાતમાં થયો હતો. પિતાનું નામ કૃપાશંકર લલ્લુભાઈ પંડ્યા અને માતાનું નામ મોતીગૌરી. તેમણે પ્રાથમિક શિક્ષણ ખંભાતમાં અને ભાવનગર દક્ષિણામૂર્તિમાં લીધું. મૅટ્રિકમાં બીજી ભાષા ફારસી રાખેલી. સંસ્કૃતનો અભ્યાસ પિતાશ્રી પાસે કરેલો. પિતાશ્રી વૈદ્ય હતા. તેમના અવસાન પછી આગળ અભ્યાસ થઈ શક્યો નહિ અને ખંભાતમાં જ સરન્યાયાધીશ કૉર્ટમાં ટાઈપિસ્ટની નોકરી સ્વીકારી લીધી. પિતાશ્રી અને માતામહ બંને કવિ હતા. માતુશ્રીના અવસાન પછી તેમણે ‘સીતાપતિ શોકોદ્ગાર’ નામે સળંગ ખંડકાવ્ય લખેલું. માતામહ છંદોબદ્ધ કાવ્યો તો લખતા જ હતા, પણ મસ્તકવિ બાલાશંકર અને સાક્ષર મણિલાલ નભુભાઈના સંપર્કથી ગઝલો પણ લખતા હતા. એમનું નામ હરિલાલ પ્રાણજીવન યાજ્ઞિક. તેમનો કાવ્યસંગ્રહ ‘વિષય વિષ વિદારક’ પ્રગટ થયેલો. આમ, જમિયતભાઈને વડીલોનો કાવ્યવારસો મળેલો. પિતા સંસ્કૃતના વિદ્વાન હતા. તેમની સાથે બેસીને સંસ્કૃતના પાંચ મહાકાવ્યોના અધ્યયનનો લાભ મળ્યો હતો. ઉપરાંત મધ્યકાલીન સાહિત્યનાં પુસ્તકો અને તત્કાલીન ‘વસંત’, ‘સમાલોચક’, ‘પ્રસ્થાન’ જેવાં સામયિકોના વાચને સાહિત્યપ્રીતિનું સંવર્ધન કર્યું. તેમણે બીજી ભાષા ફારસી લીધેલી. એમાં એમનો પ્રવેશ તો હતો જ, પણ એવામાં ગુજરાત કૉલેજના ફારસીના નિવૃત્ત પ્રાધ્યાપક મરહૂમ જનાબ આગા ‘કૌસર’ સાહેબ પાસે ઈરાન તેમ જ ભારતના ફારસી ભાષાના કવિઓની મસનવીઆ, કસીદા, ગઝલો, નઝમો અને રૂબાઈઓ વગેરે સમજવાની તક મળી. ખંભાત નવાબી રાજ્ય હોઈ તે સમયે ત્યાં સારા શાયરો હતા, દર શુક્રવારે નશિસ્ત યાને બેઠક જામતી, એમાં તે હાજર રહેતા. અંગ્રેજી સાહિત્ય પણ વાંચવા મળતું. કૉર્ટની નોકરી ચાલુ હતી. એવામાં દાંડીકૂચનો ઐતિહાસિક પ્રસંગ આવ્યો. તે સમયે મુંબઈથી પ્રસિદ્ધ થતા ‘ગુજરાતી’ સાપ્તાહિકના રિપોર્ટર તરીકે એ કૂચમાં જોડાવાની તેમને તક મળી. એમાં ‘સંદેશ’ના પ્રહ્દલાદજી, ‘ફી પ્રેસ’ના પુરાણી, ‘ટાઈમ્સ’ના નટવરલાલ દેસાઈ વગેરેનો સાથ હતો. આ યાત્રાએ આખું માનસ બદલી નાખ્યું. કૉર્ટમાં ખાદીનો ઝબ્બો પહેરી જવા લાગ્યા, પ્રભાતભેરી શરૂ કરી, યુવક મંડળ સ્થાપ્યું. એક દિવસ રાજ્યની મનાઈ છતાં જાહેર સભામાં હાજરી આપવા જતાં ગિરફતાર થયા. એક દિવસની સજા થઈ અને નોકરી છૂટી ગઈ. તે પછી ૧૯૩૫-૩૬માં ‘નવપ્રભાત’ માસિક શરૂ કર્યું. એમાં ઉમાશંકર, ચં. ચી. મહેતા, પતીલ, શયદા વગેરેનો સહકાર મળ્યો. પત્ર દ્વારા તેમણે ‘શયદા’નું શિષ્યત્વ સ્વીકાર્યું. જમિયત પંડ્યા ગઝલો લખી લખીને ‘શયદા’ને મોકલતા, તે મઠારીને પરત કરતા. એવામાં જવાબદાર રાજતંત્રની ચળવળને વેગ આપવા માટે ‘નવપ્રભાત’ને સાપ્તાહિક બનાવી ગુજરાતનાં દેશી રાજ્યોના પ્રશ્નો ચર્ચાવા માંડ્યા. અઢી વર્ષ પછી રાજપીપળાના એક સમાચાર અંગે ત્યાંના દીવાન શ્રી. કોઠાવાળાએ ખંભાતના દીવાનને પક્ષમાં લીધા, નોટિસ મળી અને સાપ્તાહિક બંધ થયું. ખંભાત છોડવું પડ્યું. પછી મુંબઈ ગયા. પ્રકાશ પિકચર્સના વિજ્ઞાપન ખાતામાં નોકરી મળી. ‘શયદા’નો પ્રત્યક્ષ સંપર્ક થયો. વ્યવસ્થિત ગઝલો લખાવા માંડી. તેમનું પ્રથમ કાવ્ય ગુલબંકી છંદમાં લખાયેલું ‘ડૂબતું નાવ’, ‘પ્રસ્થાન’ના પહેલી ડિસેમ્બર ૧૯૨૮ના અંકમાં પ્રગટ થયું. એ પછી ‘નવચેતન’, ‘ગુણસુંદરી’, ‘શારદા’, ‘બે ઘડી મોજ’, ‘વીસમી સદી’ વગેરે સામયિકોમાં કાવ્યો, ગઝલો, વાર્તાઓ પ્રગટ થવા માંડી. એમની પ્રથમ નવલકથા ‘કમનસીબનું કિસ્મત’ ૧૯૩૫માં પ્રગટ થઈ. ૧૯૩૯માં વાર્તાસંગ્રહ ‘સમાજથી તરછોડાયેલાં’ પ્રગટ થયો. ૧૯૪૦માં ‘એક જ કવરમાં’ નાટક પ્રગટ કર્યું. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઉરગંગા’ સ્વ. બાદરાયણની પ્રસ્તાવના સાથે ૧૯૪૯માં પ્રગટ થયો. ‘વરદાન’ નામે ગઝલસંગ્રહ શ્રી. રામપ્રસાદ બક્ષીની પ્રસ્તાવના સાથે ૧૯૬૩માં પ્રગટ થયો. ૧૯૬૪માં ‘ઝાળ અને ઝાકળ’ નામે નઝમો અને મુક્તકોનો સંગ્રહ પ્રગટ કર્યો. બીજે વર્ષે તેમણે ગઝલકાર મિત્રોનાં મુક્તકોનું સંપાદન કર્યું. ૧૯૭૧માં ગઝલ-નઝમ–મુક્તકોનો સંગ્રહ ‘મેઘધનુષ્ય’ પ્રગટ થયો. તેમણે લખેલ ‘ગઝલનું છંદશાસ્ત્ર’ ૧૯૭૬માં પ્રગટ થયું. થોડા જ સમયમાં એની બીજી આવૃત્તિ પ્રગટ થઈ. ‘અમીન ખુશરો’ના જીવન-કવન વિષેનું પુસ્તક ૧૯૭૮માં પ્રગટ થયું છે. આ ઉપરાંત અનુવાદો, અન્યની જીવનરેખાઓ, સંપાદનો વગેરેનાં ઘણાં પુસ્તકો, પુસ્તિકાઓ તેમણે પ્રગટ કર્યા છે. તેમણે જુદાં જુદાં સામયિકોમાં લેખમાળાઓ અને કટારો લખી છે. અમદાવાદ અને ગુજરાતના સૂફી સંતોના જીવનકવન વિશે, અમદાવાદના ઉર્દૂ શાયરો વિશે ‘જામો મીના’ શીર્ષકથી ઉર્દૂ માસિકોમાં આવતી ગઝલોના ઉત્તમ શેરોના અનુવાદ આપ્યા છે. ગઝલ વિષે વાર્તાલાપો, વ્યાખ્યાનો આપ્યાં છે. ‘ઉર્દૂ ગઝલ સાહિત્યની ઉત્પત્તિ અને વિકાસ’નો નિબંધ તેમણે ગુજરાતના રાજ્યપાલ સ્વ. મહેદી નવાઝ જંગને સંભળાવેલો અને તે પ્રસન્ન થયેલા. ગઝલ સાહિત્ય અને ગઝલોના સંગ્રહોની હસ્તપ્રતો પ્રકાશનની રાહ જોતી તેમની પાસે તૈયાર છે. મુંબઈની પ્રકાશ ફિલ્મ કંપનીના વિજ્ઞાપન અધિકારી તરીકે તેમની બદલી અમદાવાદ કરી. અમદાવાદમાં તેમણે અનેક મુશાયરા કર્યા. તેમની ગઝલો-કાવ્યો જુદી જુદી કંપનીએ રેકર્ડ કરેલ છે. ત્રણ વર્ષ પછી આ કંપની બંધ થઈ. અમદાવાદની ઑફિસ પણ સમેટાઈ ગઈ, ત્યારથી જમિયતભાઈ કલમ પર જીવે છે. તેઓ કટારો લખતા, સામયિકોનાં સંપાદનો કરતા, થોડો સમય મુંબઈ જઈ ‘ધર્મપ્રભા’ અને ફિલ્મિસ્તાન’નું સંપાદનકાર્ય પણ સ્વીકારેલું. વળી પાછા તે ખંભાત ગયા. દોઢેક વર્ષ રહી અમદાવાદ આવી ગયા. ત્યારથી તે અમદાવાદમાં જ સ્થિર થયા છે. સાહિત્યકાર તરીકેના તેમના ઘડતરમાં ફારસી પરત્વે આગા “કૌસર”, ગુજરાતી પરત્વે તેમના પિતાશ્રી અને માતામહ, ગઝલમાં સ્વ. કવિ શયદા અને ઉર્દૂ ગઝલ રચનામાં જનાબ ફખ્ર સાહેબ વગેરેએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. શ્રી. જમિયત પંડ્યાએ પરંપરાગત ગઝલના વિકાસમાં ફાળો આપ્યો. ગઝલના સ્વરૂપનું વ્યવસ્થિત નિરૂપણ કર્યું અને ગુજરાતી નવોદિત ગઝલકારોને માર્ગદર્શન આપ્યું એ એમનું સાહિત્યક્ષેત્રે મુખ્ય પ્રદાન છે. આજે પણ એ સક્રિય છે તે આનંદની વાત છે.

૧૮-૧૧-૭૯