શબ્દલોકના યાત્રીઓ – ૧/યશવંત શુક્લ
યશવંતભાઈ ગુજરાતના જાહેર જીવનમાં એવા ઓતપ્રોત રહ્યા છે કે ઘડીભર તેમનું લેખક તરીકેનું સ્વરૂપ લોકો વીસરી જાય છે અને એમના વહીવટદાર તરીકેના અને ‘જાહેર પુરુષ’ તરીકેના સ્વરૂપને જ નીરખ્યા કરે છે. પણ તે એક સારા વિવેચક, એથી સારા નિબંધકાર અને એથી સારા વાર્તાલાપકાર-વ્યાખ્યાનકાર છે. તે જ્યારે બોલે છે ત્યારે ગુજરાતી ભાષા કેટલી સત્ત્વસમૃદ્ધ છે તેનો પરચો મળે છે. બને એવું કે તે જે સભામાં બોલવાના હોય એની અગાઉ પણ કોઈ સભા તેમણે ઍટેન્ડ કરી હોય, વિષય અંગે કદાચ લેસન કરવાનો વખત જ ન મળ્યો હોય, પણ તે બોલે ત્યારે આપણને સાંભળવું ગમે, આપણને પ્રતીતિ થાય કે તેમની પાસે વિચારવાની આગવી શક્તિ છે અને લગભગ મૌલિક કહેવાય એવી નિરૂપણરીતિ છે. તેમણે અત્યાર સુધીમાં કેટલાં પ્રવચનો કર્યાં હશે એનો અંદાજ કાઢી શકો છો? અને કેવા ભિન્ન ભિન્ન વિષયો પર? કદાચ એ યાદીની પૂરી વીગતો સાથેની એક ચોપડી થાય! સંભવ છે કે, બોલ્યા એટલે કામ થઈ ગયું, પછી લખવાની ઝંઝટમાં શા માટે પડવું? આવી કોઈ વૃત્તિને કારણે તેમણે સંભાષણના પ્રમાણમાં ઘણું ઓછું લખ્યું અને છતાં જે કાંઈ લખાયું છે, પ્રગટ થયું છે એના ચાર-પાંચ સંગ્રહો તો જરૂર થઈ શકે, પણ યશવંતભાઈ એ બાબતમાં, આનંદશંકરનો શબ્દ વાપરીને કહીએ તો, ઉદ્+આસીન રહ્યા છે. હમણાં મેં એમની વિચારણાનો ઉલ્લેખ કર્યો. હું પ્રામાણિકપણે માનું છું કે જો આપણે બહુ ઉન્નતભ્રૂ ન બનીએ તો ખુશીથી તેમને ‘વિચારક’ કહી શકાય. એમની વિચારણા વસ્તુ-સંભારમાં, મુદ્દાઓની તર્કબદ્ધ રજૂઆતમાં અને આરસ જેવા ચકચકિત શબ્દોમાં સુઘડ અભિવ્યક્તિરૂપ પામે છે, એ વાતનું રહસ્ય લોકસંગ્રહની સતત ચિંતા કરતી અને દેશપ્રશ્નોને સંપ્રજ્ઞતાપૂર્વક પિછાની વસ્તુલક્ષી દૃષ્ટિએ રજૂ કરતી દેશહિતચિંતક તેજસ્વી જીવનદૃષ્ટિમાં રહેલું જણાય છે. જાહેર જીવન ઉપરાંત સાહિત્ય અને વિદ્યાના ક્ષેત્રમાં પણ તેમનું કાર્ય બહુમૂલ્ય કહેવાય એવું છે. વિવેચન-સંપાદન અને અનુવાદનાં ક્ષેત્રોમાં તેમનું પ્રદાન ગુણવત્તામાં અને પ્રમાણમાં સમૃદ્ધ છે. શ્રી યશવંત શુક્લનો જન્મ ૮ એપ્રિલ ૧૯૧૫ના રોજ ઉમરેઠમાં થયો હતો. અંગ્રેજી ચાર ધોરણ સુધીનું શિક્ષણ તેમણે ઉમરેઠમાં લીધું અને પાંચમા ધોરણમાં અમદાવાદ ભણવા આવ્યા. ૧૯૩૨માં અમદાવાદની ન્યૂ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક થયા. મુંબઈ યુનિ.ની મૅટ્રિકની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં તે ડિસ્ટિંક્શન સાથે પ્રથમ આવ્યા અને કાન્ત પારિતોષિક મેળવ્યું. એ પછી ગુજરાત કૉલેજમાં દાખલ થયા, ૧૯૩૬માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે બી.એ. થયા. એમ.એ.નો અભ્યાસ સુરતની એમ.ટી.બી. આર્ટ્સ કૉલેજમાં કર્યો. ગુજરાતી અને અંગ્રેજી સાથે ૧૯૩૮માં એમ. એ. થયા. એ પછી ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકના ઉપતંત્રી, ગુજરાત કૉલેજ, અમદાવાદ અને એલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈમાં અધ્યાપક તરીકે રહ્યા. મુંબઈ હતા ત્યારે ચિલ્ડ્રન્સ એકૅડેમીમાં પ્રાથમિક વિભાગના અધ્યક્ષ અને શિક્ષક પણ રહેલા. વતનની હાઈસ્કૂલમાં થોડો સમય શિક્ષક તરીકે પણ જોડાયેલા. પણ ૧૯૪૨માં તે મુંબઈ ભારતીય વિદ્યાભવનમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૪૫માં તેમણે ભારતીય વિદ્યાભવન છોડ્યું. ફરી પાછા ‘પ્રજાબંધુ’માં ઉપતંત્રી તરીકે જોડાયા. એ પછી ૧૯૪૭માં ગુજરાત વિદ્યાસભામાં જોડાયા. અત્યાર સુધી તે ત્યાં જ છે. ગુજરાત વિદ્યાસભામાં તેમણે વિવિધ કામગીરીઓ સંભાળી છે. આરંભમાં અધ્યાપક, ૧૯૫૫માં એના આશ્રયે ચાલતી હ. કા. આર્ટ્સ કૉલેજમાં આચાર્ય, બે વર્ષ ભો. જે. વિદ્યાભવનમાં ઍસિસ્ટન્ટ ડિરેક્ટર, ૧૯૪૮માં પત્રકારત્વ-શાળાના નિયામક. ૧૯૭૪માં તે સૌરાષ્ટ્ર યુનિ.માં વાઈસ ચાન્સેલર નિમાયા, ૧૯૭૫ના એપ્રિલમાં રાજીનામું આપી છૂટા થયા. દેશમાં જયપ્રકાશ નારાયણના નેતૃત્વ હેઠળ વ્યાપક લોક આંદોલનની રચના થતી આવતી હતી અને વાતાવરણમાં અંજપો ભરેલો હતો, રાજકીય પક્ષોની ખેંચાખેંચ યુનિવર્સિટીઓને પણ જંપવા દેતી ન હતી. એમને લાગેલું કે વિદ્યાના ક્ષેત્રમાં કોઈ પણ મહત્ત્વનું પ્રદાન પોતે કરી શકે એવો સંદર્ભ જ રહ્યો ન હતો, તેથી કેવળ પદને વળગી રહેવું ઉચિત નથી. તે પોતાના મૂળ સ્થાને પાછા આવ્યા. ત્યાંથી પણ વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા. હાલ તે ગુજરાત વિદ્યાસભાના સંયોજક તરીકે કાર્ય કરે છે. યશવંતભાઈ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે: ગુજરાત વિદ્યાસભા, સાહિત્ય સભા, ગુજરાતી સાહિત્ય પરિષદ, સાહિત્ય અકાદમીની કારોબારીમાં છ વર્ષથી છે, ગુજરાતી ભાષાસાહિત્યના પ્રતિનિધિ છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં દશેક વર્ષ મંત્રીપદે રહ્યા, હવે દશેક વર્ષથી ઉપપ્રમુખ છે. પરિષદના દિલ્હી-અધિવેશનમાં તે પત્રકારત્વ વિભાગના પ્રમુખ હતા. હ. કા. આર્ટ્સ કૉલજમાં આઠ વર્ષ તેમણે પત્રકારત્વ અને નાટ્યવિદ્યાના વિભાગો નિભાવ્યા તે એમનું મહત્ત્વનું કાર્ય છે. સાહિત્ય અને પત્રકારત્વ ઉભયમાં તેમનો રસ સક્રિય બનેલો છે. અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા યશવંતભાઈ પોતે જ સંસ્થારૂપ બન્યા છે. તે જ્યાં હોય ત્યાં સ્વચ્છ અને નિયમબદ્ધ વહીવટ ચાલે. તેમના હાથમાં સંસ્થાઓ સલામત છે. શ્રી યશવંત શુક્લને વિદેશયાત્રાની તકો પણ સાંપડેલી છે. વિશ્વશાંતિ પરિષદમાં ભાગ લેવા તેમણે ૧૯૫૨માં રવિશંકર મહારાજ અને ઉમાશંકર જોશી સાથે ચીનનો પ્રવાસ ખેડેલો, ૧૯૬૫માં તેમણે અમેરિકા અને યુરોપની યાત્રા કરી. અમેરિકામાં કૉલેજ એજ્યુકેશન ઉપર સ્ટેટ યુનિ. મિનેસોટામાં દોઢ મહિનો સેમિનાર યોજાયેલો, એમાં શિક્ષણવિદોના પ્રતિનિધિમંડળમાં ગયેલા અને એ પ્રસંગે યુરોપના દેશોનો પ્રવાસ પણ કરેલો. ગુજરાત યુનિવર્સિટીમાં લાગલગાટ ૨૩ વર્ષ સુધી સેનેટ, એકૅડેમિક કાઉન્સિલ, સિન્ડિકેટ, અભ્યાસ સમિતિ વગેરે અધિકાર મંડળોમાં તેમણે સેવા આપેલી, યશવંતભાઈની યુનિ. વહીવટની જાણકારી ઘણી. તેમણે પત્રકારત્વ, શિક્ષણ અને સાહિત્ય એ ત્રણ મહત્ત્વનાં ક્ષેત્રોમાં ઘણાં વર્ષો લગી કામ કર્યું છે અને એનો બહોળો અનુભવ ધરાવે છે; આજે પણ એ ક્ષેત્રોમાં તેમનું માર્ગદર્શન કીમતી ગણી શકાય. ગુજરાત સાહિત્ય સભા તરફથી પ્રગટ થતી કાર્યવહીઓમાં શ્રી સુન્દરમ્ સાથે તેમણે ૧૯૪૧નાં પ્રકાશનોની સમીક્ષા કરેલી. યશવંતભાઈએ ભાષાંતરનિધિ માટે ઈબ્સનના ‘લેડી ફ્રૉમ ધ સી’નો અનુવાદ ‘સાગરઘેલી’ નામે કર્યો છે, અકાદમી માટે મૅકિયાવેલીના ‘પ્રિન્સ’નું ‘રાજવી’ નામે ભાષાંતર કર્યું છે, બર્ટ્રાન્ડ રસેલના ‘પાવર’નો અનુવાદ ‘સત્તા’ નામે કર્યો છે. તેમનું અનુવાદક તરીકેનું કાર્ય પણ મહત્ત્વનું છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી તેમના વિદ્યાગુરુ હતા. રા. વિ. પાઠકના પણ ઘનિષ્ઠ પરિચયમાં આવેલા. આ બંનેની વિવેચનરીતિનો સુંદર સમન્વય સાહિત્ય વિવેચક યશવંતભાઈમાં થયો છે. બૃહત્ પરિપ્રેક્ષ્યમાં તે વિવેચ્ય કૃતિની વાત કરે છે અને તેમની ઘડાયેલી સાહિત્યરુચિના જે પ્રતિભાવો આપે છે તે દ્યોતક અને માર્મિક હોય છે. આપણી વિવેચનપરંપરામાં યશવંત શુક્લનું પ્રદાન ગૌરવ અને આનંદ ઉભયનો અનુભવ કરાવે છે. ગોવર્ધનરામે પોતાની અંગત રોજનીશીમાં લખેલું કે પોતે ‘જાહેર પુરુષ’ ન થઈ શકે. યશવંતભાઈની કારકિર્દીનો બોધ પણ એ જ છે કે શક્તિશાળી લેખકે ‘જાહેર પુરુષ’ ન થવું!
૨૪-૨-૮૦