શબ્દલોકના યાત્રીઓ – ૧/ચી. ના. પટેલ

Revision as of 15:43, 1 September 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ચી. ના. પટેલ

શ્રી ચી. ના. પટેલ અથવા ‘સી. એન. પટેલ’ના નામથી ઓળખાતા ગાંધીવિચારના ઊંડા અભ્યાસી અને ગાંધી જીવનદર્શનનો પ્રભાવ ઝીલનારા લેખકે ગુજરાતી વૈચારિક અને વિવેચનાત્મક સાહિત્યમાં આગવું પ્રદાન કર્યું છે. અંતરંગ મંડળમાં તેઓ ‘પટેલ સાહેબ’ તરીકે ઓળખાય છે. શ્રી ચીમનભાઈનો જન્મ ૨૩ ડિસેમ્બર ૧૯૧૮માં અસારવા (અમદાવાદ–૧૬)માં થયો હતો. પિતાજી રેવન્યુ ખાતામાં નોકરી કરતા હતા એટલે બદલીને કારણે ચીમનભાઈનું શાળાનું શિક્ષણ પાંચ વર્ષ ખેડાની હાઈસ્કૂલમાં અને બે વર્ષ અંકલેશ્વરની હાઈસ્કૂલમાં થયું. ૧૯૩૬માં અંકલેશ્વરથી તે મૅટ્રિક થયા. એ પછી ઉચ્ચ અભ્યાસ માટે તે અમદાવાદ આવ્યા. ૧૯૩૬માં ગુજરાત કૉલેજમાં દાખલ થયા. ૧૯૩૮માં ઈન્ટર આર્ટ્સની પરીક્ષા પહેલા વર્ગમાં પસાર કરી. સંસ્કૃતમાં મુંબઈ યુનિ.નું પ્રથમ પારિતોષિક ને શિષ્યવૃત્તિ મળ્યાં. ૧૯૪૦માં અંગ્રેજી મુખ્ય વિષય અને સંસ્કૃત ગૌણ વિષય સાથે બી.એ.ની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરી. ૧૯૪૪માં અંગ્રેજી સાથે પ્રથમ વર્ગ મેળવી એમ.એ. થયા. ૧૯૪૦-૪૧ અને ૪૨-૪૩માં ગુજરાત કૉલેજમાં કામચલાઉ નિમણૂકો થઈ. ૧૯૪૪ના જૂનથી નિયમિત શૈક્ષણિક કારકિર્દીનો આરંભ થયો. ૧૯૪૪ના જૂનથી ૧૯૪૬ના ઑક્ટોબર સુધી ગુજરાત કૉલેજમાં, ૧૯૪૬ ઑક્ટોબરથી ૧૯૪૯ માર્ચ સુધી એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં, ૧૯૪૯ના જુલાઈ માસથી ફરીવાર ગુજરાત કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. ૧૯૫૬ના ફેબ્રુઆરીમાં તે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના પ્રથમ રજિસ્ટ્રાર તરીકે નિમાયા. ૧૯૫૭ના જુલાઈ સુધી એ સ્થાને રહ્યા. ૧૯૫૭ના ઑગસ્ટથી ૧૯૫૯ના મે સુધી વળી પાછા ગુજરાત કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપકપદે આવ્યા. ૧૯૫૯ જૂનથી ૧૯૬૧ મે સુધી પ્રકાશ મહિલા આર્ટ્સ કૉલેજના આચાર્ય તરીકે રહ્યા; જૂન ૧૯૬૧થી સપ્ટેમ્બર ૧૯૬૧ ગુજરાત કૉલેજમાં અધ્યાપક તરીકે કામ કર્યું. ૧૯૬૧ના સપ્ટેમ્બરથી ભારત સરકારના માહિતી અને પ્રસારણ ખાતા દ્વારા સંચાલિત Collected Works of Mahatma Gandhi યોજનામાં પ્રથમ અનુવાદક તરીકે અને ૧૯૬૯ના ડિસેમ્બરથી ડેપ્યુટી ચીફ એડિટર તરીકે કામ કર્યું. ૧૯૭૬ના ડિસેમ્બરમાં નિવૃત્ત થયા. જૂન ૧૯૭૭થી તેઓ એ જ સંસ્થામાં મુખ્ય સંપાદકના માનદ સલાહકાર તરીકે સેવાઓ આપે છે. નિવૃત્તિકાળમાં તે અમદાવાદમાં રહે છે અને બધો સમય વાચનલેખન પાછળ આપે છે. અંગ્રેજી સાહિત્યના પીઢ અધ્યાપક અને અભ્યાસી તરીકે તેમની પ્રતિષ્ઠા છે. તેમના વિવેચનલેખોનો પ્રથમ સંગ્રહ ‘અભિક્રમ’ ૧૯૭૫માં પ્રગટ થયો હતો. આ પુસ્તકને ગુજરાત સરકારનું પારિતોષિક મળેલું. ‘અભિક્રમ’માં પ્રવચનો, પ્રસ્તાવનાઓ, સાહિત્યિક ચર્ચા વગેરે વિશેના લેખો છે. લેખકે વાચકને ઉદ્દેશીને કહ્યું છે : “સાહિત્યના આસ્વાદમાં માત્ર આકૃતિદર્શનનો આનંદ અનુભવી શકાય છે એમ હું સ્વીકારું છું; પરંતુ મારા હૃદયનું આકર્ષણ સાહિત્યકૃતિમાં વ્યક્ત થતા જીવનદર્શનની રમ્યતા કે ઉદાત્તતા પ્રત્યે રહે છે.” આ અભિગમ સાહિત્યકૃતિઓના વિવેચનમાં તેમ જ ‘સાહિત્ય અને જીવનમૂલ્યો’, ‘સાહિત્યમાં આધુનિકતા’, ‘સાહિત્યમાં જીવનનાં આનંદ અને વેદનાનું દર્શન’, ‘કળાની સાર્થકતા’ જેવા લેખોમાં ક્યાંક પ્રગટ રીતે તો ક્યાંક પ્રચ્છન્ન રીતે ડોકાયું છે. ‘લેડી ચેટર્લીનો પ્રેમી’ એ શીર્ષક હેઠળના લેખમાં લૉરેન્સની નવલકથાએ જગાવેલા ઊહાપોહના સંદર્ભમાં ચર્ચા કરી છે. રોમિયો ઍન્ડ જુલિયેટ અને શાકુન્તલની તેમણે કરેલી તુલનાત્મક ચર્ચા, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’માં રહી જવા પામેલા વિગતદોષોની છણાવટ, વાલ્મીકિ રામાયણનું રસદર્શન વગેરે લેખોમાં શ્રી ચી. ના પટેલની ઝીણી દૃષ્ટિ, સાહિત્યસૂઝ, ચર્ચ્ય વિષયની પકડ અને વિશદ નિરૂપણરીતિનો પરિચય મળે છે. વિશ્વસાહિત્યની કેટલીક ધરખમ કૃતિઓનો તેમણે કરેલો આસ્વાદ પણ રોચક છે. ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે તેમણે ૧૯૭૫ના સપ્ટેમ્બર- ઑક્ટોબરમાં પાંચ વ્યાખ્યાનો આપ્યાં હતાં. આ વ્યાખ્યાનો ‘ટ્રૅજેડી : સાહિત્યમાં અને જીવનમાં’ પુસ્તક રૂપે પ્રગટ થયાં છે. એમાં પશ્ચિમની દૃષ્ટિએ ટ્રૅજેડીની વિભાવનાની ચર્ચા કરી પ્રાચીન ભારતીય દૃષ્ટિએ એની આલોચના ‘રામાયણ’ અને ‘મહાભારત’ને કેન્દ્રમાં રાખી કરી છે. અર્વાચીન ભારતીય દૃષ્ટિએ ‘સરસ્વતીચંદ્ર’ જેવી મહાનવલ અને મહાત્મા ગાંધીજી જેવું મહાજીવન નજર સમક્ષ રાખીને ચર્ચા કરી છે. પાંચે વ્યાખ્યાનોની એક આકૃતિ બંધાઈ છે અને એક પ્રકરણબદ્ધ અભ્યાસ ગ્રંથ આપણને મળ્યો છે. ‘ગાંધીજીની સત્યસાધના અને બીજા લેખો’ એ પુસ્તકમાં જુદા જુદા લેખો મૂક્યા છે. એના કેન્દ્રમાં ગાંધીજી અને ગાંધીવિચાર છે. અમેરિકન મનોવૈજ્ઞાનિક એરિક એરિકસનના પુસ્તકની વિગતવાર સમીક્ષા કરી છે. એરિકસને ઊભા કરેલા મુદ્દાઓની ચર્ચા કરી ગાંધીજીના વ્યક્તિત્વને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપ્યું છે. શ્રી અરવિંદ અને ગાંધીજી વિશેના લેખમાં આ બંને વિભૂતિઓના જીવન પ્રત્યેના વિભિન્ન અભિગમોની વિશદ રજૂઆત થઈ છે. આ લખનારના સંપાદન હેઠળ થતી ‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’માં શ્રી ચી. ના પટેલે ગાંધીજી વિશેની પુસ્તિકા તૈયાર કરી આપી છે. આ પુસ્તિકામાં ગાંધીજીના અક્ષરદેહનું શ્રદ્ધેય ચિત્ર સાંપડ્યું છે. વિદ્વાનો અને અવલોકનકારોએ આ લઘુગ્રંથની પ્રશંસા કરી છે. ગાંધીવિચારના ઊંડા અભ્યાસી અને માર્મિક વિવેચનકાર પ્રો. ચી. ના. પટેલનાં પુસ્તકોમાં તેમના દીર્ઘકાલીન પરિશીલનના પરિપાકરૂપ લેખો આપણને મળ્યા છે. એમાં એમનો સંનિષ્ઠ અભ્યાસ, તાર્કિક રજૂઆત, દ્યોતક દૃષ્ટિબિંદુઓ, સ્પષ્ટ, નિર્ભીક, વિશદ નિરૂપણ, સત્યશોધક જીવનદૃષ્ટિની દીપ્તિ પ્રગટ થયાં છે. શ્રી ચી. ના પટેલની વિવિધ વિદ્યાકીય સંપ્રાપ્તિઓના અનુલક્ષમાં ગુજરાતી સાહિત્ય પરિષદે તેમને મધ્યસ્થ સમિતિનું સન્માન્ય સભ્યપદ આપ્યું છે. પરિષદ તરફથી તૈયાર થતા સાહિત્યકોશની સલાહકાર સમિતિમાં તેમની નિમણૂક કરી છે. આવા વિદ્યાનુરાગી, ચિંતનમનનમાં નિમગ્ન, સ્વાધ્યાય પ્રવચનમાં અપ્રમાદી અને સતત વાચનલેખનમાં રત એવા શ્રી ચી. ના. પટેલનું જીવન અને કાર્ય સાહિત્યરસિકોને પ્રેરક અને બોધક નીવડે એવું છે.

૧-૬-૮૦