શબ્દલોકના યાત્રીઓ – ૧/‘અનામી’

‘અનામી’

શ્રી અનામીએ થોડાં વર્ષ પૂર્વે મને લખેલું કે મૂળ નામ પ્રમાણે ‘રણ’ છોડતોય નથી અને નવા નામ પ્રમાણે ‘રણ’ જીતતોય નથી! મૂળ નામ રણછોડભાઈ, નવું સુધરેલું નામ રણજિતભાઈ પણ તેમણે કવિ તરીકે તખલ્લુસ રાખ્યું ‘અનામી’. ડૉ. રણજિતભાઈ પટેલ હમણાં મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષપદેથી નિવૃત્ત થયા અને હાલ વડોદરામાં વસે છે. નિવૃત્તિકાળમાં સાચી નિવૃત્તિ ભોગવનાર થોડા સજ્જનો હું જાણું છું એમાંના તે એક છે. સ્વભાવે વધારે પડતા નિખાલસ અને સ્પષ્ટવક્તા. તેમણે મુખ્યત્વે કવિતા અને સંશોધનક્ષેત્રે કાર્ય કર્યું છે. ડૉ. રણજિત પટેલ, ‘અનામી’નો જન્મ ૨૬મી જૂન ૧૯૧૮ના રોજ ડભોડા ગામે થયો હતો. એ વખતે ડભોડામાં શિક્ષણની સગવડ ન હતી. પ્રાથમિક શિક્ષણ તેમણે ડભોડામાં લીધું અને પછી કડીની સર્વવિદ્યાલય હાઈસ્કૂલમાં દાખલ થયા. મૅટ્રિકના વર્ષમાં તે આણંદ ડી. એન. હાઈસ્કૂલમાં દાખલ થયા. મૅટ્રિક થયા પછી કડીમાં શિક્ષક તરીકે રહ્યા. પછી કલકત્તામાં એક ઝવેરીની પેઢીમાં રહ્યા, અમદાવાદ આવી થોડા મહિના ‘ગુજરાત સમાચાર’ અને ‘પ્રજાબંધુ’માં નોકરી કરી. ત્રણેક વરસ, મૅટ્રિક પછી, વિભિન્ન કામગીરીઓમાં કાઢ્યા બાદ વીસ વર્ષની વયે ૧૯૩૮માં તેઓ ઉચ્ચ અભ્યાસ અર્થે ગુજરાત કૉલેજમાં જોડાયા. મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય સંસ્કૃત લઈ તેમણે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં અને એમ.એ.ની પરીક્ષા પણ ઊંચા બીજા વર્ગમાં પસાર કરી. તેમણે પ્રથમ એલએલ.બી.ની પરીક્ષા પણ પસાર કરેલી. ૧૯૪૪માં એમ.એ. થયા બાદ તેમની માતૃસંસ્થા સર્વવિદ્યાલય હાઈસ્કૂલ કડીની એક શાખા શેઠ જી. સી. હાઈસ્કૂલમાં પિલવાઈમાં એક વર્ષ શિક્ષક તરીકે તેમણે કામ કર્યું. ૧૯૪૫માં તે બી.ટી. થયા. ૧૯૪૬માં પેટલાદ કૉલેજમાં ગુજરાતીના લેકચરર તરીકે નિમાયા. ૧૯૫૦માં નડિયાદની સી. બી. પટેલ આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે નિમાયા અને છેલ્લે એના વાઈસ પ્રિન્સિપાલ તરીકે પણ રહેલા. ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદનું સંમેલન નડિયાદમાં મળ્યું અને એ સાથે જ નડિયાદમાં ગોવર્ધનરામની શતાબ્દી ઊજવાઈ ત્યારે એ અંગેની મુખ્ય કામગીરી તેમણે બજાવેલી. ૧૯૫૬માં તેમણે મલયચન્દ્રની ‘સિંહાસન બત્રીસી’ ઉપર ડૉ. ભોગીલાલ સાંડેસરાના માર્ગદર્શન હેઠળ મહાનિબંધ લખી પીએચ.ડી.ની પદવી મેળવી. બે વર્ષ પછી તે વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં ગુજરાતીના રીડર નિમાયા. આ વિભાગના અધ્યક્ષ તરીકે ડૉ. ભોગીલાલ સાંડેસરા હતા પણ તેઓ આ સાથે જ વિદ્યામંદિરના નિયામક પણ હોઈ ગુજરાતી વિભાગના સંચાલનની જવાબદારી સ્વાભાવિક રીતે જ ડૉ. અનામીને માથે આવી અને એ કાર્ય તેમણે સ્વસ્થતા અને સૌજન્યશીલતાથી સારી રીતે બજાવ્યું. તે એટલે સુધી કે એ વિભાગમાં લેકચરર તરીકે કાર્ય કરતા પ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. સુરેશ જોષીને ડો. સાંડેસરા સાથે બહુ બને નહીં પણ ડૉ. સાંડેસરાના જ શિષ્ય અને સહૃદય શ્રી અનામીનો સુરેશ જોષી સાથેનો સંબંધ સૌહાર્દપૂર્ણ રહેતો. શ્રી સુરેશ જોષીએ શ્રી અનામી વિશે લખ્યું છે કે “એમની સાથે કામ કરનાર શિક્ષકોને તેમ જ વિદ્યાર્થીઓને એમનામાં એક વાત્સલ્યપૂર્ણ વડીલનાં દર્શન થયાં છે. તંત્ર બરાબર ચાલે એનો આગ્રહ ખરો પણ તેથી માનવતાભર્યું વર્તન છોડવું પડે તો એ એમને પસંદ નહીં, લાગણીનો વિક્ષોભ હોય કે આર્થિક ભીડનો પ્રસંગ હોય; આપણો સ્વભાવસહજ સંકોચ દૂર કરીને એઓ આપણને હૂંફ આપે અને મદદે આવે. સંસારવ્યવહારનાં ઘણાં કાર્યો ઉકેલી આપવામાં પણ સહાયભૂત થાય. તેઓ બેઠા હોય ત્યાંનું વાતાવરણ ગંભીર હોય જ નહીં. એઓ પોતાને ભોગે પણ ઘણી ગમ્મત કરે.” સાહિત્યક્ષેત્રે તેઓ પ્રધાનતયા કવિ છે. તેમનો કાવ્યસંગ્રહ ‘કાવ્યસંહિતા’ તે ગુજરાત કૉલેજમાં પ્રિવિયસમાં અભ્યાસ કરતા હતા ત્યારે જ પ્રગટ થયેલો, એ વખતના તેમના પ્રાધ્યાપક અનંતરાય રાવળે એની પ્રસ્તાવના લખેલી. પ્રો. રાવળે એ ઉંમરે પણ કવિના છંદો, વિધાન અને ભાષાની પ્રાસાદિતાની તારીફ કરેલી. એ પછી તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘ચક્રવાક’ શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની પ્રસ્તાવના સાથે પ્રગટ થયો. ‘ચક્રવાક’માં મુખ્યત્વે પ્રણયકાવ્યો સંગ્રહાયાં છે. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા ઉચ્ચ ધોરણોના આગ્રહી પ્રથમ પંક્તિના વિવેચકે કહ્યું છે કે, ‘શ્રી રણજિતભાઈ પટેલે પ્રશિષ્ટ અર્થલક્ષી શૈલી ગ્રહી છે અને તેમાં એકંદરે સરળતા, સુશ્લિષ્ટતા અને ચારુતાનો યોગ સાધ્યો છે. સાદી ઘટના તરફ ભીની કવિદૃષ્ટિથી જોવાની તેમને ટેવ છે, અને લાગણીના સંકુલ સ્ફુરણને સ્પષ્ટતાએ વ્યક્ત કરવાની તેમને આવડત છે. અદ્યતન કવિ ફરી પાછો હૃદયંગમ ગીત ગાતો થયો છે, એની પ્રતીતિ પણ શ્રી પટેલનાં ગીતોમાં થાય છે. ગુજરાતી ગીતનું પારંપરિક સ્વરૂપ, તેનું રચનાતંત્ર તેમણે સાધ્યું છે અને સરળ ઘાટમાં ગંભીર ભાવબિંદુ મૂકવાની નાનાલાલીય કલા તેમણે ઉપાસી છે.” નિસર્ગ સાથે તદાકારતાની, કોઈ પરમ ચૈતન્યના, કોઈ પરમ સત્યના ભણકારની વિરલ પળો તેમણે થોડાંક સુંદર ગીતોમાં ઢાળી છે.” ‘સારસ’માં તેમણે આકાશવાણી પર રજૂ થયેલાં ગીતો આપ્યાં અને ‘સ્નેહશતક’માં સ્નેહવિષયક છંદોબદ્ધ અને ગેય સો નાનાં કાવ્યો આપ્યાં. તેમની કાવ્યરચનાઓમાંથી ચૂંટીને તેમણે એક પ્રતિનિધિ સંગ્રહ ‘પરિમલ’ નામે પ્રગટ કર્યો છે. આ સંગ્રહના ફ્લેપ પર મેં કહેલું કે “શ્રી અનામીની કવિતાના વિષયો મુખ્યત્વે પ્રણય, પ્રકૃતિ અને પ્રભુભક્તિ છે. વ્યક્તિનિષ્ઠ પ્રણયનું મનભર ગાન તેમણે ગાયું છે. આ વ્યક્તિનિષ્ઠ પ્રેમભાવના અંતે સમષ્ટિપ્રેમમાં –પ્રેમભક્તિમાં પરિણમે છે. માનવહૃદયની અભિપ્સા અંતે પરમાત્મામાં પોતાની કૃતાર્થતા અનુભવે છે. બંનેમાં કવિહૃદયની નિર્વ્યાજ સ્નેહાર્દ્રતા, આર્જવ ને સચ્ચાઈનો અનુભવ થાય છે. કુટુંબ જીવનની મમતાનાં કાવ્યો પણ હૃદયંગમ થયાં છે.” તેમનાં અન્ય પ્રકાશનોમાં ‘દાંતની સંભાળ’, ‘સહશિક્ષણ’, ‘ગુજરાતણોની શરીરસંપત્તિ’ જેવા ઇનામી નિબંધો, હળવા નિબંધો, વાર્તાઓ અને કાવ્યોનો સંગ્રહ ‘ત્રિવેણી’, અને ‘ભણેલી ભીખ અને બીજી વાતો’ એ ઉદ્દેશપ્રધાન સામાજિક વાર્તાઓના સંગ્રહને ગણાવી શકાય. કવિવર ટાગોરના જીવન-કવન વિશે પણ તેમણે એક પુસ્તક પ્રગટ કર્યું છે અને ભોગીલાલ ગાંધી સંપાદિત ‘ગુર્જર કાવ્ય શ્રેણી’માં શામળ વિશે પણ એક પુસ્તક તૈયાર કર્યું છે. પરંતુ તેમનો પીએચ.ડી.નો બૃહદ્ નિબંધ તેમને એક સન્માન્ય સંશોધક તરીકે સ્થાપે છે. ડૉ. અનામીએ મલયચંદ્રની ‘સિંહાસન બત્રીસી’ની જુદી જુદી હસ્તપ્રતોને આધારે સંશોધિત વાચના આપી અને સિંહાસન બત્રીસીના વાર્તાચક્રનું તુલનાત્મક અધ્યયન આપ્યું, એ તેમની મહત્ત્વની વિદ્યાસેવા છે. આ મહાનિબંધમાં શબ્દકોશ, અન્ય વાર્તાકારોનો પરિચય અને સમગ્ર સાંસ્કૃતિક સંદર્ભ આપ્યો છે. મધ્યકાલીન સાહિત્યનો આ એક મહત્ત્વનો શોધપ્રબંધ છે. વડોદરા યુનિ.ની ‘પ્રાચીન ગુર્જર ગ્રંથમાળા’માં એ પ્રકાશિત થયો છે. ડૉ. રણજિતભાઈ પટેલ ‘રીડર’ પછી ગુજરાતીના પ્રોફેસર અને વિભાગીય અધ્યક્ષપદે પણ પહોંચેલા. વીસેક વર્ષ વડોદરા યુનિવર્સિટીમાં સેવાઓ આપી ૧૯૭૭માં તે નિવૃત્ત થયા. તેમના વિદ્યાર્થીઓ, મિત્રો અને શુભેચ્છકોએ તેમનું જાહેર સન્માન કરેલું. એ નિમિત્તે એક ફંડ ઊભું કરી જે રકમ એકઠી કરેલી તેમાં પોતાના તરફથી રકમ ઉમેરી શ્રી અનામીએ વિદ્યા અને શિક્ષણ માટે તે યુનિવર્સિટીને પરત કરી હતી. લાંબી શૈક્ષણિક કારકિર્દીમાં તેમણે અનેક વિદ્યાર્થીઓને ઘડ્યા છે, પોતાનો પ્રેમ આપ્યો છે અને સાહિત્યના શિક્ષણનો હેતુ જો સંવેદનશીલતાની કેળવણી હોય તો શ્રી અનામી એક સફળ અધ્યાપક રહ્યા છે એમ કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી. અત્યારે એમનો મુખ્ય રસ સાહિત્ય ઉપરાંત અધ્યાત્મનો છે.

૧૦-૧૨-૭૮