શબ્દલોકના યાત્રીઓ – ૧/સુસ્મિતા મ્હેડ

From Ekatra Foundation
Revision as of 15:45, 1 September 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સુમિતા મ્હેડ

અમદાવાદની સાંકડી શેરી, લાખા પટેલની પોળ, ભોળાનાથ સારાભાઈ કુટુંબથી ગુજરાતન સંસ્કારજીવનમાં પ્રસિદ્ધ હતી. ગુજરાતના આ આદ્યસુધારક ભોળાનાથ સારાભાઈ દિવેટિયાની પ્રપૌત્રી થવાનું સદ્ભાગ્ય સુસ્મિતાબહેનને સાંપડ્યું હતું. પિતાનું નામ જયેન્દ્રરાવ દિવેટિયા. માતાનું નામ વીરમતીબહેન. આ સંસ્કારી માતાપિતાને ત્યાં ૧૯ જૂન ૧૯૧૯ના રોજ તેમનો જન્મ થયેલો. સાહિત્ય-સંગીતનો શોખ વારસામાં મળેલો. મોસાળમાં ચુસ્ત વૈષ્ણવધર્મ અને પિતાને ત્યાં પ્રાર્થનાસમાજી વાતાવરણ. પિતા અમદાવાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં શિરસ્તેદારની નોકરી કરતા, માતાના પુરાણોના તેમ જ સંસ્કૃત સ્તોત્રોના પરિશીલને સુસ્મિતાબહેનના ઘડતરમાં મોટો ભાગ ભજવેલો. વૈષ્ણવ અને પ્રાર્થનાસમાજી સંસ્કારોને કારણે ‘રાજસેવા’ની નાનપણથી તેમનામાં આવડત હતી. નાનપણમાં તેમણે વૈષ્ણવસંપ્રદાયની મંત્રદીક્ષા પણ લીધેલી. આજે પણ તેમનામાં ઊંડી ઈશ્વરશ્રદ્ધા છે. મૂર્તિપૂજા કે ક્રિયાકાંડમાં ઝાઝી આસ્થા નહિ. તે મોસાળમાં આકાશેઠ કૂવાની પોળમાં રહેલાં ત્યારે આનંદશંકર ધ્રુવનો પરિચય થયેલો. સુસ્મિતાબહેનના કિશોર માનસ પર એનો સઘન પ્રભાવ પડેલો. તેમણે પ્રાથમિક શિક્ષણ સાંકડી શેરીની મ્યુનિસિપલ પ્રાથમિક શાળામાં લીધેલું. પછી ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં દાખલ થયેલાં. સરકારી શાળા પર ધ્વજ ફરકાવવાને કારણે ઘણીખરી વિદ્યાર્થિનીઓને ડિસમિસ કરવામાં આવેલી. તેમને માટે અમદાવાદ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ શરૂ થઈ. શ્રી વિનોદિની નીલકંઠ એનાં પ્રથમ આચાર્યા નિમાયાં. આ શાળામાં મૅટ્રિક સુધીનું શિક્ષણ લીધું. એમના ઘડતરમાં શ્રી વિનોદિનીબહેનની પણ થોડી અસર થયેલી. ૧૯૩૫માં શ્રી સુસ્મિતાબહેને મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. પછી ઉચ્ચ શિક્ષણ અર્થે ગુજરાત કૉલેજમાં દાખલ થયાં. મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય અંગ્રેજી રાખેલો. એમના અધ્યાપકો શ્રી ભાંડારકર, કોમિસરિયેટ, દાવર સાહેબ, આપટે, અભ્યંકર વગેરેની વત્તીઓછી અસર થયેલી. પણ સાહિત્યના વારસાને સંકોરવામાં સૌથી વધારે પ્રભાવ પ્રો. અનંતરાય રાવળનો પડેલો. બી.એ.ની પરીક્ષામાં તેમને પ્રથમ વર્ગ મળેલો. ગુજરાતી વિષયમાં સૌથી વધુ ગુણ મેળવવા માટે મુંબઈ યુનિ.નું હરગોવિંદદાસ કાંટાવાળા પ્રાઈઝ તેમને મળેલું. ૧૯૩૯-૪૦ના વર્ષમાં તે ગુજરાત કૉલેજમાં દક્ષિણા ફેલો રહેલાં, ઈ.સ. ૧૯૩૮ના જૂનમાં પરાશર પર્જન્યરાય મ્હેડ સાથે તેમનું લગ્ન થયું. પતિનો વ્યવસાય વકીલાતનો. કુટુંબની જવાબદારી, એક વર્ષ એમ.એ.નો અભ્યાસ કર્યો પણ બીજું વર્ષ થઈ ન શક્યું. મુંબઈ યુનિ.એ તેમણે એમ.એ.ની પરીક્ષા આપી ન હોવા છતાં સીધું પીએચ.ડી. કરવાની પરવાનગી આપી. સ્વ. રામનારાયણ વિ. પાઠકના માર્ગદર્શન હેઠળ તેમણે ‘નરસિંહરાવ દિવેટિયા : એક અધ્યયન’ પર કામ કરવા માંડ્યું. ૧૯૫૧માં તેમને પીએચ.ડી.ની પદવી મળી. તરત તે ગુજરાત વિદ્યાસભા દ્વારા ચાલતા એમ.એ.ના કેન્દ્રમાં અધ્યાપક તરીકે જોડાયાં. ૧૯૫૧ના નવેમ્બરમાં તે એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીનાં વ્યાખ્યાતા નિમાયાં. ૧૯૬૩ સુધી એ સ્થાને રહ્યાં. ગુજરાત યુનિ.ના ભાષાસાહિત્યભવનમાં પણ તેઓ મુલાકાતી અધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કરતાં. ઘરની જવાબદારીને કારણે પૂરા સમયનું કામ અનુકૂળ ન લાગતાં તેમણે નવગુજરાત કૉલેજમાં ૧૯૬૩માં ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને ખંડ સમયના પ્રોફેસર તરીકેની કામગીરી સ્વીકારી. ૧૯૭૭ સુધી એ સ્થાને રહ્યાં. એ પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. ડૉ. સુમિતાબહેનનું લેખનકાર્ય તો નાનપણમાં શરૂ થયેલું. દસ વર્ષની ઉંમરે તેમણે ‘અમારી ઉજાણી’ નામે લેખ લખેલો, તે ‘બાળમિત્ર’માં છપાયેલો, એ પછી અભ્યાસકાળ બાદ તેમના અભ્યાસલેખો પ્રગટ થવા લાગ્યા. તેમનો પીએચ.ડી.નો મહાનિબંધ ‘નરસિંહરાવ દિવેટિયા : એક અધ્યયન’ ૧૯૫૨માં પ્રગટ થયો. ‘સ્ત્રીજીવન’, ‘પ્રબુદ્ધ જીવન’, ‘સંસ્કૃતિ’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘પરબ’માં તેમના લેખો પ્રગટ થયા છે. ૧૯૭૨માં એમનાં વિવેચનાત્મક લખાણોનો સંગ્રહ ‘અધિગમ’ નામે પ્રગટ થયો, એને તે વર્ષના ગણનાપાત્ર વિવેચનના પુસ્તક તરીકે પારિતોષિક મળેલું. ૧૯૫૭માં તેમણે નરસિંહરાવનાં કાવ્યોનું સંપાદન ‘કાવ્યકુસુમ’ નામે કર્યું. નરસિંહરાવના ‘સ્મરણ મુકુર’ની નવી આવૃત્તિ તેમના અભ્યાસી આમુખ સાથે પ્રગટ થઈ છે. ૧૯૭૨માં જ્યોતિ સંઘ તરફથી પ્રગટ થયેલ અગ્રગણ્ય મહિલાઓનાં રેખાચિત્રો ‘જ્યોતિ વિકાસ યાત્રા’નું તેમણે સંપાદન કરેલું. ૧૯૭૭માં ‘મહિલા વર્ષ’ નિમિતે જ્યોતિ વિકાસ યાત્રા ભા. રનું તેમણે લેખન કર્યું. સુસ્મિતાબહેન અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. ૧૯૫૬થી તે અખિલ હિંદ મહિલા પરિષદની કારોબારીનાં સભ્ય છે. એના મુખપત્ર ‘ઉજાસ’માં લખે છે. જ્યોતિ સંઘની કારોબારીમાં પણ તે લગભગ પચીસેક વર્ષથી છે. એના શિક્ષણ વિભાગનાં ચૅરમૅન છે અને એની જ્યોતિ સંઘ પત્રિકાનું સંપાદન કરેલું છે. આકાશવાણી સ્થાનિક ઑડિશન કમિટી, ર. છો. ગર્લ્સ હાઈસ્કૂલની કારોબારી, ગુજરાત વિદ્યાસભાની કારોબારી અને ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિનાં પણ તે સભ્ય છે. વનિતા વિશ્રામ મહિલા વિદ્યાલય ટ્રસ્ટી મંડળનાં મંત્રી છે. ગુજરાત રાજ્ય તથા આકાશવાણી તરફથી યોજાતી ગરબા હરીફાઈઓમાં તેમણે વર્ષો સુધી નિર્ણાયક તરીકે સેવાઓ આપી છે. યૂથ ફેસ્ટિવલમાં પણ તેમણે ભાગ લીધેલો. હાલ સુરતથી પ્રગટ થતા ‘ગુજરાતમિત્ર’માં તે ‘જીવનમુકુર’ કટાર ચલાવે છે. ગુજરાત વિદ્યાસભા તરફથી ‘ગ્રંથ અને ગ્રંથકાર’ના ૧૨મા વૉલ્યુમનું સંપાદનકાર્ય (અન્યના સહયોગમાં) તેમને સોંપાયેલું છે. તેમને પ્રવાસનો પણ શોખ છે. તેમણે કરેલી પૂર્વોત્તર ભારતની યાત્રાનું પુસ્તક હવે પછી પ્રગટ થશે. તેમના અમેરિકાના પ્રવાસનું પુસ્તક પણ પ્રકાશ્ય છે. શ્રી સુસ્મિતાબહેન જાગ્રત સન્નારી અને સ્વાધ્યાયરત લેખિકા છે. કુટુંબની અનેકવિધ જવાબદારીઓ ઉઠાવતાં ઉઠાવતાં તેમણે વિદ્યાક્ષેત્રની ગણનાપાત્ર સેવા કરી છે. સાંગોપાંગ અભ્યાસ કર્યા વગર તે લખતાં નથી. એમના લખાણમાં એમના શીલની સુષમા પ્રગટ થાય છે. સમકાલીન ગુજરાતી લેખિકાઓમાં ડૉ. સુસ્મિતાબહેનનું સ્થાન અને કાર્ય અવશ્ય સ્મરણીય લેખાશે. થોડા સમય પહેલાં તેમને હૃદયરોગનો હળવો હુમલો થયેલો, એમાંથી તે બહાર આવતાં જાય છે. પ્રભુ તેમને સત્વરે સંપૂર્ણ સ્વાસ્થ્ય બક્ષે એમ ઈચ્છીએ.

૭-૯-૮૦