શબ્દલોકના યાત્રીઓ – ૨/ધીરુબહેન પટેલ

Revision as of 01:58, 2 September 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ધીરુબહેન પટેલ

સાંપ્રત ગુજરાતી લેખિકાઓમાં ‘વિદુષી’ કહી શકાય એવી તો આંગળીને વેઢે ગણાય એટલી છે, અને ધીરુબહેન જેવાંને ‘વિદુષી’ ન કહો તો શું કહો તે અંગ્રેજીનાં અધ્યાપિકા હતાં, હાલ એ વ્યવસાયમાં નથી પણ તમે એમની સાથે વાત કરો અને એ અધ્યાપિકા નથી એવું તમને ન લાગે! સ્વભાવગત સરળતા, બહુશ્રુતતા અને બૌદ્ધિક ચમત્કૃતિનો ચાલુ પરિચય થયા કરે. ગુજરાતી નવલકથા અને ટૂંકી વાર્તાને ક્ષેત્રે તેમનું કામ અને નામ બંને છે. શ્રી ધીરુબહેનનો જન્મ ૨૯ મે ૧૯૨૬ના રોજ વડોદરામાં થયો હતો. આમ તો તે ચરોતરના ધર્મજ ગામનાં. પિતા ગોરધનભાઈ ધંધાદારી વાણિજ્યના પત્રકાર હતા. માતા ગંગાબહેન સામાજિક કાર્યકર હતાં, સ્વાતંત્ર્યસંગ્રામમાં પણ તેમણે ભાગ લીધેલો. તેમને લેખનકાર્યની પ્રેરણા માતાપિતા પાસેથી મળેલી. ધીરુબહેને પ્રાથમિક શિક્ષણ સાન્તાક્રુઝ(મુંબઈ)ની પ્રખ્યાત વખ્યાત પોદાર હાઈસ્કૂલમાં લીધું. ઉચ્ચ શિક્ષણ માટે તે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયાં. એન્ટાયર અંગ્રેજી સાથે બી.એ.ની પરીક્ષા ૧૯૪૫માં બીજા વર્ગમાં પસાર કરી અને એમ.એ.ની પરીક્ષા પણ એ જ વિષય સાથે ૧૯૪૮માં બીજા વર્ગમાં પસાર કરી. ‘ગુજરાતી સાહિત્ય પર અંગ્રેજીનો પ્રભાવ’ એ વિષય પર મહાનિબંધ લખી અંગ્રેજીમાં પીએચ.ડી. કરવાની તેમની ઈચ્છા હતી. કામ પણ શરૂ કરેલું પણ પછી સંજેગવશાત્ પૂરું ન થઈ શક્યું. ૧૯૪૯માં તે મુંબઈની ભવન્સ કૉલેજમાં અંગ્રેજીમાં અધ્યાપિકા નિમાયાં. ૧૯૪૯થી ૧૯૬૧ સુધી એ સ્થાને રહ્યાં. ૧૯૬૩-૬૪ દરમ્યાન મુંબઈની પાસે દહિસરની નવી કૉલેજમાં કામ કર્યું. તેમણે ‘આનંદ પબ્લિશર્સ’ નામે પ્રકાશન સંસ્થા શરૂ કરી. કિશોરો માટેનાં છએક પુસ્તકો પ્રગટ કર્યાં, ધનસુખલાલ મહેતા અને હીરાબહેનનાં પણ પુસ્તકો એમાં પ્રગટ થયાં. પછી એ સંસ્થા સમેટી લઈ ૧૯૬૩-૬૪માં ‘કલ્કિ પ્રકાશન’ શરૂ કર્યું. અત્યારે પણ આ પ્રકાશનસંસ્થા ચાલે છે. સાહિત્ય અકાદમીનાં પુસ્તકો પણ એણે પ્રગટ કર્યાં છે. શ્રી ધીરુબહેન ‘જન્મભૂમિ’ ગ્રૂપનાં પત્રો સાથે સંકળાયેલાં રહ્યાં છે. સ્ત્રીઓને લોકપ્રિય સાપ્તાહિક ‘સુધા’નાં તે આરંભકાળથી જ તંત્રી હતાં. ૧૯૭૫માં તેમણે ‘સુધા’ છોડ્યું. ૧૯૬૬થી તો તે ‘સુધા’ના માનદ તંત્રી હતાં. ૧૯૭૫ પછી તેમણે ફિલ્મો માટે લખવાનું શરૂ કર્યું. ‘ઘેર ઘેર માટીના ચૂલા’, ‘વેરની વસૂલાત’ અને ‘ભવની ભવાઈ’નાં ગીતો અને સંવાદો લખ્યા. ‘ઘેર ઘેર માટીના ચૂલા’નાં ગીતોને ગુજરાત સરકાર તરફથી એવૉર્ડ મળેલો. ‘ભવની ભવાઈ’ એ લોકનાટ્ય ભવાઈના એક વેશ પરથી કરેલો કથા વિસ્તાર છે, એનાં પણ ગીતો અને સંવાદો ધીરુબહેને લખેલા. તેમનું લેખનકાર્ય આમ તો બાળપણથી શરૂ થયેલું. તેમની પ્રથમ પ્રગટ કૃતિ તે ‘સંદેશ’ના દિવાળી અંકમાં લખેલી એક વાર્તા. આ ૧૯૪૧-૪૨ના અરસામાં બન્યું. પણ એમનું પ્રથમ પ્રગટ પુસ્તક તો ‘અધૂરો કોલ’. એ ૧૯૫૫માં પ્રગટ થયું. એમાં ટૂંકી વાર્તાઓ આપેલી છે. ૧૯૫૭માં એમનો બીજો વાર્તાસંગ્રહ ‘એક લહર’ પ્રગટ થયો. એને મુંબઈ સરકારનું પ્રથમ પારિતોષિક મળ્યું. ૧૯૬૬માં તેમનો વાર્તાસંગ્રહ ‘વિશ્રંભકથા’ પ્રગટ થયો. શ્રી ધીરુબહેનનું માનીતું બીજું સ્વરૂપ તે નવલકથા છે. ૧૯૬૩માં તેમની પ્રથમ નવલકથા ‘વડવાનલ’ પ્રગટ થઈ. તે બાળ મનોવિજ્ઞાનને અનુલક્ષે છે. દરિયામાં જેમ અગ્નિ છુપાયેલો છે તેમ મનુષ્યહૃદયમાં પણ છે. રેખાની આત્મકથની અસરકારક છે. ‘વડવાનલ’ શરૂ થાય છે : “નાનકડી મજબૂત સળિયામઢેલી જાળીમાંથી આકાશના અમાપ વિસ્તાર પર ધીમે ધીમે કાળા ધુમ્મસ જેવાં વાદળાં શબ્દહીન ક્રૂર ગતિથી પથરાતાં જતાં હતાં તે જોઈ રહેલી એક સ્ત્રી શાંત ભાવે ભીંતને અઢેલીને બેસી રહી હતી.” પણ આ સ્ત્રી બેસી રહેતી નથી! કાંઈક વધુ પડતી લાગે એવી સક્રિયતા પણ તે દાખવે છે. એનાં માનસિક સંચલનો અને ભાવવિવર્તોના પરિચયથી આપણને સમસંવેદના જાગે છે. અંજના અને રેખાનાં ભિન્નત્વવાળાં પાત્રોની રેખાઓ તે સારી રીતે આલેખી શક્યાં છે. આત્મકથાની ટેકનીકનો પણ સબળ ઉપયાગ થયો છે. આ કૃતિને પ્રથમ ઈનામ મળેલું. એ પછી વિશૃંખલતાની પ્રક્રિયાને નિરૂપતી ‘શીમળાનાં ફૂલ’ ૧૯૭૬માં પ્રગટ થઈ. ‘ફૂલછાબ’માં ધારાવાહિક રૂપે પ્રગટ થયેલી ‘વાવંટોળ’ અને ‘વમળ’ (બંને ૧૯૭૯) પણ ઉલ્લેખપાત્ર છે. પરંતુ ગુજરાતી વિવેચકોએ એકી અવાજે વખાણેલી તે તો તેમની લઘુનવલ ‘વાંસનો અંકુર’ છે. ‘વાંસનો અંકુર’ એ તારુણ્યની નવલકથા છે. કિશોરાવસ્થાના પ્રશ્નોને કલાત્મક રૂપ આપવામાં લેખિકા સફળ રહ્યાં છે. ‘વડવાનલ’ જેવી તેમની કાર્તિદા નવલકથામાં ક્યાંક શિથિલતાની ફરિયાદ કરનારને પણ ‘વાંસનો અંકુર’માં એમ કરવાનો સહેજ અવકાશ લેખિકાએ રહેવા દીધો નથી! કૃતિ સુગ્રથિત છે, સઘન પણ. મુંબઈ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીએ એને પાઠ્યપુસ્તક તરીકે મૂકેલી છે. તેમની બીજી લઘુનવલ ‘એક ભલો માણસ’ ૧૯૭૯માં પ્રગટ થઈ છે. ધીરુબહેને નાટકો પણ લખ્યાં છે. ‘પહેલું ઇનામ’, ‘પંખીનો માળો’ (ધનસુખલાલ મહેતા સાથે) રેડિયો-નાટક ‘મનનો માનેલો’, એકાંકી સંગ્રહ ‘નમણી નાગરવેલ’ : આ પુસ્તકમાંથી એકાદ-બેના અપવાદ સિવાય બધાં પારિતોષિક લઈ આવ્યાં છે. એમનાં નાટકો ભજવાયાં પણ છે. ધીરુબહેનને ચિત્રકલામાં પણ રસ છે. એમનાં પુસ્તકોમાં મૂકેલાં ચિત્રમાં તેમની એ કલાશક્તિનો પણ પરિચય થશે. તે બાળકોને પણ ભૂલ્યાં નથી. હમણાં અમદાવાદમાં તેમને મળવાનું થયું ત્યારે તેમણે મિત્રાને બોલાવી, ‘મિત્રાનાં જોડકણાં’ પુસ્તક લઈ આવવાનું કહ્યું! ચિ. મિત્રા એ ધીરુબહેનના ભત્રીજાની બેબી છે. એને માટે તેમણે સરસ જોડકણાં લખ્યાં છે. ‘અંડેરી ગંડેરી ટીપરી ટેન’ એ એમનું બાળ-નાટક છે. ૧૯૬૬માં પ્રગટ થયું હતું. ‘પરદુઃખભંજન પેસ્તનજી’ એ તેમની હાસ્યકથા છે. ધીરુબહેને અંગ્રેજીમાંથી અનુવાદો પણ કર્યા છે. લેખનના આરંભકાળમાં તેમને રામપ્રસાદ બક્ષી, ધનસુખલાલ મહેતા, ભૃગુરાય અંજારિયા વગેરે તરફથી પ્રોત્સાહન મળેલું. એ વખતે તેમણે ૨. વ. દેસાઈ, મુનશી વગેરે વાંચેલા; પણ એ પછી તે પોતાની મેળે ગતિ કરતાં રહ્યાં છે. પાશ્ચાત્ય લેખકોમાં નાટક પરત્વે બર્નાર્ડ શૉ, નવલકથા પરત્વે ટૉમસ હાર્ડી અને ટૂંકી વાર્તાના સર્જક મૉમ સવિશેષ ગમે. હું મળ્યો ત્યારે એમને પ્રિય એવાં નવલકથા અને ટૂંકી વાર્તાનાં સ્વરૂપોમાં આજે થતા પ્રયોગો અને પ્રગટ થતા આધુનિક મિજાજની વાત નીકળી. ‘આધુનિકતા’ના ઓઠા હેઠળ પ્રગટ થતી કૃતક રચનાઓ અંગેની નાપસંદગી હું જોઈ શક્યો. કહેવાતી આધુનિક્તા વિશે તેમને પ્રામાણિક આશંકા છે. ધીરુબહેન એમના પોતાને માર્ગે ચાલ્યાં છે, તેમણે કોઈ વાદની કંઠી બાંધી નથી. અનેક ધર્મને અને સ્વકીય પ્રેરણાને વફાદાર રહી તે લેખનકાર્ય કરતાં રહ્યાં છે. વિવેચનથી પણ તે મોટે ભાગે દૂર રહ્યાં છે. મૌલિક લેખનકાર્યને કદાચ એ અવરોધરૂપ નીવડે એવો એમનો અભિપ્રાય છે. ગુજરાતી સ્ત્રી લેખિકાઓમાં ધીરુબહેનનું સ્થાન ગૌરવભર્યું છે. પોતાની પ્રતિભાશક્તિને વફાદાર રહી જુદા જુદા પ્રકારોમાં તેમણે જે કામ કર્યું છે તે સાચે જ અભિનંદનીય છે. એમાંનું કેટલુંક ચિરકાળ ટકે એવું છે. ધીરુબહેનના સાહિત્યિક જીવનનો બોધ પણ એ જ છે કે સાહિત્યની ફૅશનપરસ્તીમાં અટવાયા વગર કશુંક ટકાઉ આપવું. એવી નગદ કૃતિઓ તેમની પાસેથી મળ્યા કરો!

૨૫-૫-૮૦