શબ્દલોકના યાત્રીઓ – ૨/નિરંજન ભગત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
નિરંજન ભગત

નિરંજન ભગતને હું સૌ પ્રથમ પ્રથમ ૧૯૫૩–૫૪માં મળ્યો. એમ.એ.ની પરીક્ષા માટે અમદાવાદ વાંચવા રહેલો. પ્રીતમનગરમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો અને નિરંજનભાઈ ટાઉન હૉલની નજીક. અંતર ઘણું ઓછું અને એમનો સ્વભાવ પ્રેમાળ. સાહિત્ય અમારા સંબંધનો સેતુ. અવારનવાર મળતા અને સાહિત્યજગતની ઘણી ચર્ચા કરતા. એમ.એ. થયા પછી હું યુનિવર્સિટીમાં ‘રિસર્ચ ફેલો’ તરીકે જોડાયો. સરદાર પટેલ નગરમાં ઉમાશંકરભાઈની બાજુમાં ભાડાના મકાનમાં રહેતો. નિરંજન ઉમાશંકરભાઈને મળવા આવે એટલે મારે ત્યાં પણ ડોકિયું કરે, યુનિવર્સિટીમાં તો મળીએ જ. ૧૯૫૭-૫૯ના ગાળામાં ભૃગુરાય અંજારિયા ‘કાન્ત’ ઉપર થીસિસ લખવા અમદાવાદ રહેલા. ઉમાશંકરના સાન્નિધ્યમાં યુનિ. સામેની લૉન પર ભૃગુરાય, નિરંજન અને મેં કરેલી સાહિત્યગોષ્ઠિઓ સદૈવ સ્મરણીય રહેશે. નિરંજનભાઈએ પણ એ અરસામાં ઉમાશંકરના માર્ગદર્શન હેઠળ ગુજરાતી કવિતામાં કટાક્ષ એ વિષય પીએચ.ડી. માટે નોંધાવેલો. પછી એ થઈ શક્યું નહિ. શ્રી. નિરંજન મુખ્યત્વે કવિ છે, વિવેચક છે. તેમણે કવિતાના સંગ્રહો પ્રગટ કર્યા છે, વિવેચનસંગ્રહ ‘કવિનો શબ્દ’ પ્રગટ કરવા ધારેલો, પાંચેક ફરમા છપાયેલા પણ ખરા. પણ પછી કવિને લાગ્યું કે સંગ્રહની એકતા થતી નથી; એટલે પ્રકાશકને કિંમત ચૂકવી સંગ્રહ રદ કર્યો. મેં તેમને કહેલું કે, આધુનિક સાહિત્યમાં પણ સંપાદનને અવકાશ છે. અને એ માટેની શક્યતા તમે ઊભી કરી આપો છે! ‘સંસ્કૃતિ’માં પ્રગટ થયેલા તેમના વિવેચન લેખોના બે સંગ્રહો તો ખુશીથી થઈ શકે. અને એ જ્યારે પ્રગટ થશે ત્યારે ગુજરાતી ભાષાના પ્રથમ પંક્તિના વિવેચક નિરંજન છે એ સૌને સદ્ય પ્રતીત થશે. તેમણે ‘કવિતા’ વિશે દ્યોતક પરિચય–પુસ્તિકાઓ પ્રગટ કરી છે અને ‘યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા’ પુસ્તક પ્રગટ કર્યું છે. તાજેતરમાં આ પુસ્તકને વિવેચનનું પ્રથમ પારિતોષિક મળ્યું છે. તેમણે ૧૯૫૭-૫૮માં થોડો સમય ‘સંદેશ’ દૈનિકનો સાહિત્ય વિભાગ સંભાળેલો. તેમનું એ કૉલમ જીવંત બનેલું અને મને બરોબર યાદ છે કે સાહિત્યકારો કેવા રસપૂર્વક એ વાંચતા હતા! બળવંતરાય ઠાકોરનાં વિવિધ વ્યાખ્યાનો ગુચ્છ -૩ ઉપર લખવાનું હોય તો “ગજ વેલ જેવું ગદ્ય” શીર્ષક એમને અનાયાસ સૂઝે, ન્હાનાલાલ ઉપર લખવાનું હોય ત્યારે “મહાકવિ અને પામર પ્રજા” પણ એમને જ સૂઝી શકે! એમાંથી પણ થોડુંક સત્ત્વશીલ બચાવી લેવા જેવું છે. રાજેન્દ્રની કવિતા વિશે લખતાં ‘આયુષ્યના અવશેષે’માં પોતે કરી આપેલા એક શ્લોક વિશે નિરંજને ‘સંદેશ’માં લખેલું, એ દિવસે મળવાનું થતાં મેં વાતવાતમાં કહેલું: ‘નિરંજનભાઈ, રાજેન્દ્ર શાહની કવિતામાં તમે કશું ઉમેર્યું હોય તો પણ એ વસ્તુ પ્રગટ કરવાની શી જરૂર? મૈત્રીનું કાવ્ય એથી ચૂંથાઈ ન જાય?’ પણ નિરંજન સરલ ભાવે એવું લખી શકે એવું એમનું નિખાલસ વ્યક્તિત્વ છે. નિરંજન ભગતનો જન્મ ઈ.સ.૧૯૨૬ના મે માસની ૧૮મી તારીખને મંગળવારે અમદાવાદમાં લાખા પટેલની પોળમાં, દેવની શેરીમાં, મોસાળમાં થયેલો. તેમના પિતાનું નામ નરહરિભાઈ અને માતાનું નામ મેનાબહેન. તેમને દાદા હરિલાલ કરિયાણાનો વેપાર કરતા એટલે એમની મૂળ અટક ગાંધી હતી, પણ ધર્મમાં વિશેષ રસને કારણે એ ઉત્તર વયમાં મગન ભગતની ભજનમંડળીમાં જોડાયેલા એટલે તે ‘ભગત’ તરીકે ઓળખાયા. તેમના પુત્ર અને પૌત્રને ભગત અટક વારસામાં મળેલી. એમના કાકા રામ ભગત શેઠ કસ્તુરભાઈના મિત્ર હતા. એટલે નિરંજનના પિતાને કસ્તૂરભાઈને ત્યાં વ્યવસાય મળેલો; પરંતુ નિરંજનભાઈ દસ વર્ષના હતા ત્યારે પિતાએ ગૃહત્યાગ કર્યો. ત્રણ ભાઈઓમાં જ્યેષ્ઠ હોવાને કારણે કુટુંબની જવાબદારી તેમના માથે આવી. પોતાના શૈશવ વિશે પચાસ વર્ષ પછી તેમણે હમણાં લખ્યું: “મારો જન્મ અમદાવાદમાં પણ એના બરોબર વચ્ચોવચ મધ્ય ભાગમાં હૃદય સમ ખાડિયામાં, લાખા પટેલની પોળમાં, દેવની શેરીમાં, મોસાળમાં. આજુબાજુના વિસ્તારમાં નરસિંહરાવ-આનંદશંકર-કેશવલાલ આદિનાં વિદ્વત્તા અને વ્યવસ્થા માટે પ્રસિદ્ધ એવાં નાગર કુટુંબોનું વાતાવરણ. માતામહ વિદ્યમાન હતાં. એ અમદાવાદના સો અગ્રણી શ્રીમંત કુટુંબોમાંના એક શરાફી કુટુંબના નબીરા, વિચક્ષણ બુદ્ધિના ચતુર વ્યાપારી. બાપદાદાનું ઘર કાલુપુરમાં દોશીવાડાની પોળમાં સાચોરના ખાંચામાં. આજુબાજુના વિસ્તારમાં વાણિજ્ય અને વ્યવહાર માટે પ્રસિદ્ધ એવાં જૈન કુટુંબનું વાતાવરણ. પાસેના ખાંચામાં અમદાવાદનું સૌથી મોટું વૈષ્ણવ મંદિર. એટલે સાથે સાથે ભક્તિનું પણ વાતાવરણ. આ ઘર અને મોસાળ વચ્ચે પાંચ મિનિટનું અંતર. એથી મારો ઉછેર આ વિવિધ વાતાવરણમાં થયો હતો.” નિરંજને પ્રાથમિક શિક્ષણ હાજા પટેલની પોળમાં મ્યુનિસિપલ શાળામાં લીધેલું અને માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાયટરી અને નવચેતન હાઈસ્કૂલમાં લીધેલું. નવચેતન હાઈસ્કૂલમાં રા. વિ. પાઠકના શિષ્ય અમુભાઈ પંડ્યા ગુજરાતી શીખવતા. તે કાન્તનો ‘પૂર્વાલાપ’ ભણાવતા અને છંદો પણ શીખવતા. બાલાશંકરનું ‘કલાન્ત કવિ’ તાજું જ પ્રગટ થયેલું. આ બંને કવિઓની કવિતાના પ્રગાઢ સંસ્કાર નિરંજન પર પડ્યા. સુન્દરમ્-ઉમાશંકરની કવિતા પણ એમાં ઉમેરાઈ. બીજી ભાષા તરીકે તેમણે ફ્રેન્ચ લીધેલી. પણ પાછળથી સંસ્કૃતનો પણ ઊંડો અભ્યાસ કર્યો. ઉચ્ચ શિક્ષણ તેમણે અમદાવાદ અને મુંબઈમાં લીધું. ૧૯૪૮માં તે અંગ્રેજી સાથે બી.એ. થયા. એમ.એ. થવા માટે ફરીવાર તે મુંબઈથી અમદાવાદ આવ્યા અને એલ. ડી. આર્ટ્સ કૉલેજમાંથી ૧૯૫૦માં તેમણે એમ.એ.ની પરીક્ષા મુખ્ય વિષય અંગ્રેજી સાથે પસાર કરી. એમ.એ. થયા પછી એ જ માતૃસંસ્થામાં અંગ્રેજીના અધ્યાપક તરીકે નિમાયા. ત્રણેક વર્ષ બાદ આચાર્ય એસ. આર. ભટ્ટની બાલાભાઈ દામોદરદાસ મહિલા કૉલેજમાં જોડાયા. ૧૯૫૮માં વળી પાછા ગુજરાત લૉ સોસાયટી સંચાલિત આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજના મુખ્ય અધ્યાપક તરીકે જોડાયા અને ૧૯૭૫માં ત્યાંથી છૂટા થઈ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે હાલ કાર્ય કરે છે. ૧૯૪૯માં નાગરી ગુજરાતી લિપિમાં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘છંદોલય’ પ્રગટ થયો. એ જ વર્ષે તેમને ‘કુમાર’ માસિકમાં પ્રગટ થયેલાં ઉત્કૃષ્ટ કાવ્યો માટે કુમાર ચન્દ્રક એનાયત થયો. ૧૯૫૦માં ગીતસંગ્રહ ‘કિન્નરી’ પ્રસિદ્ધ થયો. ૧૯૫૩માં એમનો ત્રીજો કાવ્યસંગ્રહ ‘અલ્પવિરામ’ પ્રગટ થયો. તે પછી તેમના બધા કાવ્યસંગ્રહોમાંથી ચૂંટેલાં કાવ્યો અને વિશિષ્ટ કાવ્યગુચ્છ ‘પ્રવાલદ્વીપ’ સાથેની છંદોલયની નવી આવૃત્તિ ૧૯૫૭માં પ્રગટ થઈ. સુરતની નર્મદ સાહિત્ય સભાએ એમને નર્મદ સુવર્ણચન્દ્રક આપ્યો. ‘છંદોલય’ને મળેલું શ્રેષ્ઠ કાવ્ય પુસ્તકનું પારિતોષિક તેમણે મુંબઈની તાતા કૅન્સર ઇન્સ્ટિટયૂટને આપી દીધેલું. ‘છંદોલય બૃહત્’ ૧૯૭૪માં પ્રગટ થયો. એના કૉપી રાઈટ તેમણે મુંબઈના પરિચય ટ્રસ્ટને આપી દીધા છે. પુસ્તકમાંથી જે કાંઈ મળ્યું તે તેમણે પોતે રાખ્યું નથી પણ સમાજને સમર્પિત કરી દીધું છે. નિરંજનના કાવ્યસર્જન ઉપર કાન્ત અને બાલાશંકરની અસર થયેલી, ઉમાશંકર–સુન્દરમની કવિતાએ પણ પ્રેરણા આપેલી તેમ આપણા બે સાચા સર્જકોના અંગત પરિચયે પણ એનો પ્રભાવ પાડેલો. બળવંતરાય ઠાકોરનો પ્રથમ પરિચય ૧૯૪૯માં થયેલો પણ ૧૯૫૧માં શિયાળા અને ઉનાળાનાં બંને વૅકેશનોમાં નિરંજન મુંબઈ જતા ત્યારે લગભગ રોજ બલ્લુકાકાને મળવાનું થતું. આ યુવાન કવિ અને “પ્રયોગવીર” પીઢ સાહિત્યકાર બલ્લુકાકાની મૈત્રીનો થોડો અણસાર મ. સ. યુનિવર્સિટીએ પ્રગટ કરેલા ‘બ. ક. ઠા. અધ્યયન ગ્રંથ’માંના નિરંજનના જીવંત લેખમાંથી મળે છે, એ જ રીતે હરિશ્ચન્દ્ર ભટ્ટને ૧૯૫૦માં વૅકેશનમાં રોજ મળવાનું થતું. એમના પરિચયે નિરંજનને યુરોપીય સાહિત્યનો ગાઢ પરિચય કરાવ્યો. આ બંને સર્જકોની મૈત્રીએ નિરંજનના વિકાસમાં ગણનાપાત્ર ફાળો આપ્યો છે. (જોકે નિરંજન નાની વયે બળવંતરાય જેવાના પરિચયમાં–મૈત્રી પરિચયમાં આવ્યાને કારણે થોડી મુગ્ધતા પણ પ્રવેશેલી છે, બળવંતરાય વિશેના તેમના ઉલ્લેખોમાં એ ડોકાઈ આવે છે. આ મતલબની વાત એક સાહિત્યકાર સાથે થયેલી. હું માનુ છું કે એથી સાહિત્યજગતને ફાયદો જ થયો છે.) નિરંજનના મુંબઈ વસવાટે આ મહાનગરને એક પ્રતીકરૂપે તેમની કવિ ચેતના સમક્ષ પ્રગટ કર્યું. અને એને કેન્દ્રમાં રાખી નગર સંસ્કૃતિની સઘળી વિરૂપતા તેમણે ‘પ્રવાલદ્વીપ’ અને અન્ય રચનાઓમાં રજૂ કરી. ‘પ્રવાલદ્વીપ’નો કાવ્ય ગુચ્છ (૧૯૪૬-૧૯૫૬) આપણને મળ્યો એ જ અરસામાં એટલે કે, ૧૯૫૬માં ઉમાશંકરનું ‘છિન્નભિન્ન છું’ કાવ્ય વ્યક્તિત્વની છિન્નભિન્નતાને યુગલક્ષણ રૂપે પ્રગટ કરે છે. ગુજરાતી કવિતામાં આ એક મહત્ત્વનું પ્રસ્થાન છે. જેને આપણે આધુનિક કવિતા કહીએ છીએ એના શ્રીગણેશ મંડાયા. સાહિત્યમાં નવો વળાંક લાવનાર સર્જક અનિવાર્યતયા મોટો સર્જક હોય જ એવું નથી; પણ નિરંજનની બાબતમાં આ બંનેનો સુમેળ થયેલો છે. પરંતુ ૧૯૫૭થી ૧૯૬૭ એક દશકો તે એમનો મૌનકાળ. આ કાળમાં કોઈ કવિતા કે ગદ્ય કશું લખાયું નહિ. છેલ્લાં વર્ષોમાં તેમણે ગદ્ય લખ્યું છે. પહેલાં તો કોઈ જાહેર સાહિત્યિક સમારંભોમાં કે ક્યાંય તે જતા નહિ. પણ હવે એવું નથી. અત્યારે નિરંજનને તમે કવિ સંમેલનોમાં મળી શકો, તેમનાં વ્યાખ્યાનો સાંભળી શકો, જાહેર કાર્યક્રમોમાં પણ અનુકૂળતા હોય તો ભાગ લે, ગુજરાત સાહિત્ય સભા તરફથી ૧૯૬૯નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક તેમણે સ્વીકાર્યો. ૧૯૭૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના પોરબંદર સંમેલનમાં ‘સાહિત્ય વિવેચન’ વિભાગના તે પ્રમુખ થયા અને ‘કવિ અને યુગધર્મ’ વિશે દ્યોતક વ્યાખ્યાન આપ્યું. ૧૯૭૫ના ડિસેમ્બરમાં ‘કવિતાનું સંગીત’ એ વિષય પર ચાર કલકત્તા વ્યાખ્યાનો આપી કવિતા અને સંગીતના સંબંધને સાહિત્યિક ભૂમિકાએ એટલે કે તાત્ત્વિક ભૂમિકાએ સ્પષ્ટ કર્યો. અત્યારે તે કવિતા લખતા નથી. વનવાસનાં લગભગ બાર વર્ષ થયાં! પણ ગમે ત્યારે તે મહાન કૃતિ લઈ આવે એવી ક્ષમતા તેમનામાં છે. કદાચ ગુજરાતી કવિતા જેને માટે ઝંખે છે તે ‘પદ્ય નાટક’ પણ નિરંજન પાસેથી આપણને મળે. પણ, જે કાંઈ કવિતા અત્યાર સુધીમાં તેમની પાસેથી આપણને મળી છે તે તેમને ગુજરાતના પ્રથમ પંક્તિના સત્ત્વશીલ કવિ તરીકે સ્થાપે છે. નિરંજન જેવા કવિ, વિવેચક, વિચાર કરનારા (કેટલા બધા વિષયોમાં તેમને પોતાને કહેવાનું છે તે અંગત વાર્તાલાપોમાં ખબર પડે!) અને સહૃદય અધ્યાપક આપણી પાસે વધારે હોય તો કેવું સારું એવી લાગણી કોઈ કોઈ વાર થાય છે. અંગ્રેજી યુરોપીય સાહિત્યને તેમણે આત્મસાત્ કર્યું છે. કોઈ સંદર્ભ જોઈતો હોય અને એન્સાઈક્લોપીડિયા ન મળ્યું હોય તો તમે નિરંજનને પૂછી શકો અને તમોને સંતોષ થાય જ. તેમના જેવી સજ્જતા મેં બહુ ઓછા કવિ-લેખકોમાં જોઈ છે. અંગ્રેજી છંદશાસ્ત્ર ઉપરનું તેમનું પ્રભુત્વ વિરલ ગણાય એવું છે. તેમણે એના વિશે એક પુસ્તક આપવું જોઈએ. યુરોપીય સાહિત્યસર્જકોનો અભ્યાસ વ્યાપક અને ઊંડો. પહેલાં તેમને ડન અને બ્લેઈક ગમતા, એ પછી વર્ડ્ઝવર્થ અને મિલ્ટનમાં રમમાણ રહ્યા, પછી એલિયટ અને પાઉન્ડનો વારો આવ્યો. અત્યારે તેમને ઑડન વધુ ગમે છે. નિશીથ પુરસ્કાર ગ્રંથમાળામાં ‘કવિતા સંગમ’માં તેમણે સંપાદિત કરેલ ‘ઑડનનાં કાવ્યો’ નામક ગ્રંથમાં કેટલાંક કાવ્યોના અનુવાદ આપ્યા છે અને તે સાથે સઘન અભ્યાસયુક્ત નિબંધ પણ જોડ્યો છે.

૧૨-૧૧-૭૮