શબ્દલોકના યાત્રીઓ – ૨/રમેશ પારેખ
શ્રી રમેશ પારેખને મળવાનું બન્યું નથી. આજ દિન સુધી મળાયું નથી. હા, અમારી વચ્ચે પત્રોની આપ-લે થઈ છે, નજીકમાં મળવાની શક્યતા પણ છે, પરંતુ તેમને મળ્યો નથી એવું પણ લાગતું નથી. તેમના કાવ્યસંગ્રહ ‘ક્યાં’ના આદિલ મન્સૂરીએ તૈયાર કરેલા આવરણચિત્ર પર છે માત્ર પ્રશ્નચિહ્ન. તો, રમેશ પારેખ ક્યાં? તો કહું એમની કવિતામાં. એ રીતે તેમને ઘણી વાર મળ્યો છું એમ કહી શકું. બધા કવિઓની બાબતમાં એમ ન કહી શકું. ૧૯૬૯-૭૦માં કોઈ માસિકમાં તેમનું કાવ્ય પ્રગટ થયેલું એની પંક્તિઓ :
“લાવો, લાવો કાગળિયો ને દોત
સોનલદેને લખીએ રે
કાંઈ ટેરવામાં તલપે કપોત
સોનલદેને લખીએ રે.”
–નો લય મને ગમી ગયો. ન્હાનાલાલ અને બાલમુકુન્દનાં ગીતો મને ગમે છે, પણ આ કવિનાં ગીતોનો લય તદ્દન જુદો જ છે. આપણી કવિતાની સઘળી પરંપરા પચાવીને ગુજરાતી કવિતા રમેશ પારેખમાં કોઈ નવો જ ઉઘાડ લઈ આવતી દેખાઈ. ભાવ, અભિવ્યક્તિ, ભાષા બધું તદ્દન જુદું જ. સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં પરંપરામાંથી છૂટવાનું વલણ બલવત્તર બન્યું. એમાં ગીત પરત્વે રમેશ પારેખનો હિસ્સો ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. આટલી બધી ઊર્મિમયતા (Lyricism) તેમણે ક્યાં સંગ્રહી રાખી હતી? નિતાન્ત સૌંદર્યથી મંડિત ઉત્કૃષ્ટ ગીતો આપી તેમણે ગુજરાતી કવિતાની સમૃદ્ધિમાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. આ ગીતોનું અનુસંધાન મધ્યકાલીન લોકસાહિત્યની રગ સાથે છે. એનું થોડું અનુસંધાન ન્હાનાલાલ સાથે પણ છે. લોકબોલીના લહેકાઓનો સમર્થ વિનિયોગ કરી સમગ્ર વાતાવરણ તે ચિત્રિત કરી આપે છે. સૌન્દર્યથી નીતરતાં ગીતો ‘ક્યાં’માં મોટી સંખ્યામાં છે. નારીહૃદયના વિવિધ ભાવોને તેમણે સ્પર્શક્ષમ મૂર્તતા આપી છે. પ્રેમવિરહ, અજંપો, અભિપ્સા, એકલતા, ઝંખના આદિ અહીં સાકાર બન્યાં છે. નારીનાં તેમણે આલેખેલાં વિવિધ રૂપોમાં કુમારિકાનું સ્વરૂપાલેખન ખાસ ધ્યાન ખેંચે છે. ગાંધીયુગમાં ઉમાશંકરનું ‘મ્હોર્યા માંડવા’ ખાસ ધ્યાન ખેંચતું. એ પછી ન્હાનાલાલે એવી રચનાઓ આપી, રમેશ પારેખ કુમારિકા-નવોઢાની રસિક મૂંઝવણને વાચા આપે છે. વિવાહિતા અને વિરહિણીના મનોભાવો પણ તેમણે કલાત્મક રીતે શબ્દબદ્ધ કર્યા છે. તળપદી લોકબાનીની સાથે હૃદયગતને યથાવત્ વ્યક્ત કરતી પોતીકી ભાષા નિપજાવવાનો તેમણે પ્રશસ્ય કવિપુરુષાર્થ કર્યો છે. ‘સોનલ’ એ કાલ્પનિક પાત્ર માત્ર ન રહેતાં પ્રતીક બની જાય છે. સુરેશ જોષીની કવિતામાં ‘મૃણાલ’ બને છે તેમ ‘સોનલ, તમે ગયાં’, ‘તમે ઘેર આવ્યાં ને, સોનલ’, ‘તમને ફૂલ દીધાનું યાદ’ જેવી રચનાઓ અ-પૂર્વ કહી શકાય એવી છે. ગુજરાતી કવિતાની રફતારમાં પોતીકો અવાજ લઈને આવનાર આ કવિને કોઈનાય સંદર્ભમાં યાદ કરવાના હોય તો તે રાવજીના સંદર્ભમાં. રાવજીની કવિતાની બધી ખૂબીઓમાં, આ કવિનો સ્વકીય અવાજ ઉમેરો એટલે એમના કવિકર્મનો ખ્યાલ આવે. ગીતો ઉપરાંત તેમણે ગદ્ય-કાવ્ય પણ રચ્યાં છે અને નગર સંસ્કૃતિની વિરૂપતાને હૂબહૂ પ્રગટ કરી છે. રમેશ પારેખનો કવિતા ઉપરાંત બીજો પ્રેમ ટૂંકી વાર્તા છે. ૧૯૬૬ સુધીમાં તેમણે સો ઉપરાંત વાર્તાઓ લખેલી. પછી વાર્તાઓ લખવાનું છોડી દીધેલું. હમણાં પાછું એ શરૂ થયું છે. તાજેતરમાં ‘ગુજરાતમિત્ર’માં દીપોત્સવી પૂર્તિમાં એમની એક સરસ વાર્તા પ્રગટ થઈ છે. વાર્તાનો સંગ્રહ તે ક્યારે આપશે? આવા કવિ-વાર્તાકાર શ્રી રમેશ પારેખનો જન્મ ૨૬ નવેમ્બર ૧૯૪૦ના રોજ અમરેલીમાં થયો હતો. અભ્યાસકાળથી જ તેમને ચિત્રકલામાં અત્યંત રસ હતો. એસ. એસ. સી.માં પ્રથમ વર્ગ મળ્યો. શિષ્યવૃત્તિ પણ મળી. મુંબઈની જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં ચિત્રકલાના વધુ અભ્યાસ માટે જવાની ખૂબ ઇચ્છા હતી પણ આર્થિક પરિસ્થિતિને કારણે તેમ કરી શક્યા નહિ અને નોકરી સ્વીકારી લીધી. અત્યારે તે અમરેલીની જિલ્લા પંચાયત કચેરીમાં કામ કરે છે. ચિત્રકલાની જેમ જ તેમને સંગીતમાં પણ એવો જ જીવંત રસ હતો. એક તરફ તે વાર્તાઓ લખતા અને બીજી તરફ સંગીતમાં ચકચૂર હતા. ‘મોરલ મ્યુઝિક ક્લબ’ સ્થાપેલી. સંગીતની મહેફિલો જમાવતા. ફિલ્મમાં પ્લેબૅક સિંગર તરીકે કામ કરવાના કૉડ જાગેલા પણ એ દિશામાં કોઈ પ્રયત્ન કર્યા નહિ. પણ એના એક આનુષંગિક પરિણામ રૂપે પોતાનાં કે અન્યનાં ગીતોની સ્વરબાંધણી કરવાનો શોખ હજુ આજે પણ અકબંધ છે. તેમણે પોતાના ગીત ‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં’ની તરજ પોતે જ બનાવેલી. આ ક્ષેત્રના તદ્વિદો અજિત શેઠ, નિરૂપમાબહેન અને રાસબિહારી દેસાઈ વગેરેએ એને વખાણેલી. પણ પછી વાર્તા અને સંગીતશોખને પણ સમેટી લેવા પડ્યા. ૧૯૬૮ની અધવચ્ચે કવિ શ્રી અનિલ જોષીનો પરિચય થયો, અનિલ જોષીના પિતાશ્રીની અમરેલીમાં બદલી થઈ. બંને મિત્રો બની ગયા. અનિલે પણ કાવ્યલેખનનો આરંભ કર્યો. રમેશ પારેખની અભિવ્યક્તિ અટકી ગયેલી. કાવ્યઝરણું ફૂટી નીકળ્યું. અનિલ દ્વારા રમેશની રચનાઓ અમદાવાદ ‘રે’ મઠના મિત્રો આગળ પહોંચી ગઈ. સૌએ એની રચનાઓને વધાવી અને પછી તે કામ આગળ ચાલ્યું. કાવ્યો બધાં અગ્રણી સામયિકોમાં પ્રગટ થવા માંડ્યાં. ૧૯૭૦માં તો તેમનો કાવ્યસંગ્રહ ‘ક્યાં’ પ્રગટ થઈ ગયો. ૧૯૭૦માં કવિતા માટે તેમને કુમાર ચન્દ્રક મળ્યો. ગુજરાત સરકારે ‘ક્યાં’ને કવિતાનું પ્રથમ પારિતોષિક આપ્યું. મહારાષ્ટ્ર અને ગુજરાતની યુનિવર્સિટીઓએ ‘ક્યાં’ને જુદી જુદી કક્ષાએ પાઠ્યપુસ્તક તરીકે નિયત કર્યો. ગુજરાતના વિવેચકોએ અને કાવ્યરસિકોએ રમેશ પારેખને કવિ તરીકે આવકાર્યા, પ્રશંસ્યા. કવિતાલેખન એમનું ચાલુ રહ્યું. તેમના બે કાવ્યસંગ્રહો ‘ખડિંગ’ અને ‘ત્વ’ ટૂંક સમયમાં પ્રગટ થશે. અંદરથી માંગ ઊભી ન થાય, લખવું તદ્દન અનિવાર્ય ન બને ત્યાં સુધી કવિતા ન લખવી એવું તેમને લાગે છે. તેમને હસ્તરેખા વિજ્ઞાન, જ્યોતિષ અને હિપ્નોટિઝમમાં રસ છે. મેં એમની જન્મતારીખ પૂછી તો તેમણે એ ઉપરાંત મૃત્યુ તારીખ પણ જણાવી! તેમણે લખ્યું : “મરણ કદાચ ૧૯૯૮ના શિયાળાની એક સાંજે, કદાચ હૃદય ધબકતું બંધ પડી જવાથી.” આમાં જ્યોતિષશાસ્ત્રના જ્ઞાનનો હિસ્સો હશે? ન જાને પણ જેણે અનેક હૃદયોને પોતાના શબ્દથી ધબકતાં રાખ્યાં છે એવા કવિના મરણનો વિચાર પણ શી રીતે થઈ શકે? અત્યાર સુધીમાં રમેશ પારેખે માત્ર ‘ક્યાં’ સંગ્રહ જ પ્રગટ કર્યો છે; પણ એમ તો કવિ કાન્તનો માત્ર ‘પૂર્વાલાપ’ જ થયેલો. ગુણવત્તાને સંખ્યા સાથે શો સંબંધ? ‘મૃત ભાષાથી ખાલી વાત કરવી આપણે’ એમ કહેનાર કવિએ પોતાની ભાષા ઊભી કરી એ ઓછું આશ્વાસક છે?
૨૪-૧૨-૭૮