શબ્દલોકના યાત્રીઓ – ૨/સિતાંશુ યશશ્ચન્દ્ર
આ વિભાગમાં કવિ લાભશંકર ઠાકરનો પરિચય આપ્યો ત્યારે તેમને મેં વાતવાતમાં પૂછેલું : અત્યારે લખાતી ગુજરાતી કવિતામાં તમોને કોની કવિતા ગમે છે? સહેજ પણ અચકાયા વગર તેમણે કહ્યું કે સિતાંશુની. સાંપ્રત સમયના કવિઓમાં સિતાંશુ એક શક્તિશાળી કવિ છે. તે બહુ ઓછું લખે છે, પણ જે લખે છે એના પર એમના વ્યક્તિત્વની મુદ્રા પડેલી હોય છે. સિતાંશુ ભલે લોકપ્રિય કવિ ન હોય પણ તે કવિતા લખનારાઓના કવિ છે. ગુજરાતી કવિતામાં અતિ વાસ્તવવાદનો પ્રવેશ એમના પ્રયત્નોને આભારી છે. આપણે પરંપરા અને પ્રયોગોની વાત કરીએ છીએ, પણ પરંપરા સાથેનો પાયાનો વિચ્છેદ તો સિતાંશુ જેવાની કવિતામાં જ અનુભવાય છે. વિષમ વિષયવસ્તુની માવજત અને અભિવ્યક્તિનાં ઓજારો તદ્દન નવાં જ. સિતાંશુને કવિતા ઉપરાંત પ્રયોગશીલ નાટક અને વિવેચનમાં રસ છે. સિતાંશુ નાગર છે, પેટલાદના વતની છે, વર્ષો લગી કુટુંબ કચ્છમાં રહ્યું અને હવે મુંબઈ-દિલ્હીમાં છે. તેમના પિતાજીના દાદા મણિભાઈ જશભાઈ મહેતા વડોદરામાં દીવાન હતા. એ વખતે દીવાનોને ન્યાયતંત્ર સંભાળવાનું રહેતું. વડોદરાના કોઈ રાજવી કુટુંબના બાપટનો ન્યાય તોળાવાનો હતો. વડદાદા સિદ્ધાંતને વળગી રહ્યા. દીવાનપદું છોડવું પડેલું. પછી મણિભાઈ કચ્છમાં દીવાન તરીકે રહેલા. સિતાંશુના પિતા કચ્છની હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ હતા. સિતાંશુનો જન્મ પણ ભૂજમાં ૧૮ ઑગસ્ટ ૧૯૪૧ના રોજ થયો હતો. તેમણે માધ્યમિક શિક્ષણ વડોદરા-મુંબઈ લીધું. કૉલેજ અભ્યાસમાં આરંભમાં બે વર્ષ સાયન્સમાં કર્યા પછી આર્ટ્સમાં આવ્યા. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ૧૯પ૮થી ૧૯૬પ સુધી અભ્યાસ કર્યો. મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય સંસ્કૃત સાથે બી.એ. અને એમ. એ.ની પદવીઓ મેળવી. સંસ્કૃતના આરૂઢ વિદ્વાન પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા તેમના અધ્યાપક હતા. ઝાલાસાહેબ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અને ઉમાશંકરનો કાવ્યસંગ્રહ ‘વસંતવર્ષા’ શીખવે. સાહિત્યના સંસ્કારોનું બીજારોપણ ત્યાં થયું. આ ગાળામાં સિતાંશુને કવિ રાજેન્દ્ર શાહની સોબતનો લાભ મળ્યો. રાજેન્દ્રભાઈને ત્યાં મિત્રો મળે. બાજુમાં જ રાજેન્દ્રનું પ્રેસ લિપિની પ્રિન્ટરી હતું. એક તરફ શબ્દનો યાંત્રિક વ્યવહાર અને બીજી તરફ રાજેન્દ્રના સાનિધ્યમાં શબ્દનો સચેતન વ્યવહાર અનુભવ્યો. પિતાજીના અવસાનનો દુઃખદ અનુભવ એમના હૃદયને હલાવી ગયેલો અને શાળામાં હતા ત્યારે જ તેમણે એ વિશે કાવ્ય લખેલું. આ એમની પ્રથમ કાવ્યકૃતિ. મુંબઈમાં વધારે ગંભીર ભાવે કવિતાની ઉપાસના આગળ ચાલી. તે પોતાનાં કાવ્યો ‘દક્ષિણા’ અને ‘કવિલોક’ને મોકલતા રહ્યા. ‘દક્ષિણા’ના તંત્રી સુન્દરમ્ અને ‘કવિલોક’ના તંત્રી રાજેન્દ્ર શાહ બંનેની શીળી છાયામાં સિતાંશુની કવિતાનો છોડ પાંગરવા માંડ્યો. ‘દક્ષિણા’ની કવિતામાં તેમનો અભિગમ જીવનનું સમાધાન શોધવાનો હતો પણ પછી એ માર્ગે ન જવાયું. જીવનના અનુભવોના સવાલોને રસ્તે તે ગયા. વાત ‘કવિલોક’ને માર્ગે આગળ વધી. તેમના પોતાના શબ્દોમાં કહીએ તો ‘મોટા જવાબોની કવિતાનો રસ્તો છોડી સાચા સવાલોને રસ્તે કવિતા આગળ વધી.’ એમ.એ. થયા પછી ૧૯૬પમાં ભારતીય વિદ્યાભવનની હઝારીમલ સોમાણી કૉલેજમાં ગુજરાતીના વ્યાખ્યાતાનું કામ તેમણે સ્વીકાર્યું. એમનો ઈન્ટરવ્યૂ સ્વ. કનૈયાલાલ મુનશી અને સ્વ. હરસિદ્ધભાઈ દિવેટિયાએ લીધેલો. બંને સિતાંશુના જવાબોથી પ્રસન્ન થયેલા. ગુજરાતીના લેકચરરની કામગીરી તેમણે ૧૯૬પથી ૧૯૬૮ સુધીમાં ત્રણ વર્ષ કરી. ૧૯૬૮માં તેમને ફુલબ્રાઈટ સ્કૉલરશિપ મળી. તે અમેરિકા ગયા. સૌન્દર્યશાસ્ત્ર અને તુલનાત્મક સાહિત્યનો અભ્યાસ તેમણે ૧૯૬૯માં પૂરો કર્યો અને ૧૯૭૦માં પ્રથમ વર્ગ સાથે એમ.એ. થયા. ૧૯૬૯થી તેમણે ઇન્ડિયાના યુનિવર્સિટીમાં પીએચ.ડી.નું કામ આરંભ્યું. તેમને યુનિવર્સિટીની ફેલોશિપ પણ મળી. ડૉ. લ્યૂટન પી. સ્ટોલનેશ્ટના માર્ગદર્શન હેઠળ નાટ્યાચાર્ય ભરતની અને ફિલસૂફ કૅન્ટની પરંપરામાં કલાસ્વરૂપનો વિભાવ એ વિષય પર પીએચ.ડી. કર્યું. ૧૯૭પમાં તેમને ડિગ્રી મળી. ૧૯૭૨માં તે ભારત પરત થયા એ પહેલાં એક વર્ષ તેમણે ફાન્સમાં કામ કર્યું. તેમને ફૉર્ડ ફેલોશિપ મળી હતી. ફ્રાન્સના વસવાટ દરમ્યાન તેમણે આયોનેસ્કોના મૅકબેથ નાટકને ગુજરાતીમાં ઉતાર્યું અને શેઇક્સ્પિયરના બૅકબેથ સાથે એનો તુલનાત્મક અભ્યાસ કર્યો. સંશોધનકાર્યમાં સિતાંશુ હમેશાં તુલનાત્મક અધ્યયનને જ પસંદ કરતા રહેલા છે. અહીં આવ્યા બાદ તેમણે ૧૯૭૨માં મીઠીબાઈ આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકેની કામગીરી આરંભી. બે વર્ષ પહેલાં તે સાહિત્ય અકાદમી, નવી દિલ્હીમાં ભારતીય સાહિત્યના જ્ઞાનકોશ વિભાગમાં મુખ્ય સંપાદક તરીકે નિમાયા. અત્યારે તે આ મહત્ત્વાકાંક્ષી યોજનાની મોટી જવાબદારી ઉઠાવી રહ્યા છે. સિતાંશુની કવિતામાં જીવનના અનુભવોનો પ્રભાવ છે. એ અનુભવો વિશાળ સંદર્ભમાં વસ્તુલક્ષી રૂપ પામેલ છે. કવિતા કે નાટક એમની આત્માભિવ્યક્તિનો એક માર્ગ છે. એ અભિવ્યક્તિ પછી પણ તે જીવનના અનુભવોનો અર્થ તો શોધતા જ રહે છે. આ વિશિષ્ટ અર્થમાં સિતાંશુને આપણે શોધક કવિ કહી શકીએ. પિતાના અવસાનનો ઘેરો પ્રભાવ એમના પર પડેલો. પાંચ-છ વર્ષના બાલકમન પર એની અસર પડેલી, દુઃસહ વાસ્તવને અનુભવગમ્ય બનાવવાની અદમ્ય ઈચ્છા એમાંથી જન્મી. માણસની અવચેતનામાં કેટકેટલું પડેલું છે, સિતાંશુની કવિતામાં એ બહાર સપાટી પર આવે છે. કવિ આપણને આપણું જ રૂપ બતાવે છે. એવો જ બીજો માતબર અનુભવ એમની દીકરી વિપાશાની જન્મજાત જ્ઞાનતંતુઓના લકવાની બીમારીનો છે. બેબી વિપાશા જે રીતે લડત આપતી હતી તેના તે સાક્ષી હતા. આ એક પ્રબલ અનુભવ હતો. તેમના ‘જટાયુ’ કાવ્ય પાછળ આ એક અનુભવનો પ્રભાવ પણ રહેલો છે. દુઃખ એ પણ જિંદગીને પૂરેપૂરી જીવવાનું સાધન છે, દુઃખ હોવા છતાં એના પ્રતિકારમાં એક વિશિષ્ટ વીરતા છે. ‘જટાયુ’ પાછળનું આ એક પ્રભાવક બળ છે. ૧૯૭૨થી ૧૯૭૭ સુધી તે મીઠીબાઈ કૉલેજમાં રહ્યા. એ દરમ્યાન તેમણે રામપ્રસાદ બક્ષીના માર્ગદર્શન હેઠળ ‘રમણીયતાનો વાગ્વિકલ્પ’ એ વિષય પર પીએચ.ડી.નો મહાનિબંધ લખ્યો (પુસ્તકાકારે એ પ્રગટ થવામાં છે). ૧૯૭૭માં તેમને મુંબઈ યુનિવર્સિટીની પીએચ.ડી.ની ડિગ્રી મળી. આ મહાનિબંધમાં પણ તે એક જુદી દિશામાં વિદ્યાની શોધ આદરે છે. સમાધિયોગ્ય સુસ્થિર-દૃઢ આકાર એ કલાનુભવનો એક માર્ગ છે એની વીગતો અમેરિકાના થીસિસમાં છે, આથી જુદે રસ્તે પણ કલાનો અનુભવ થઈ શકે કે કેમ, આકારવાદના હઠાગ્રહમાંથી છૂટીને એ શક્ય છે કે કેમ એ તાત્ત્વિક ભૂમિકા તપાસવાનો – અને એમાં ભરત, જગન્નાથ, કાન્ટ, હાઈડેગર, અંગ્રેજી રાજસભાના કવિઓ, ઈટેલિયન લેખક કાસ્ટિ ગ્લિઓને વગેરેને જોડે મૂકીને તપાસવાનો–ઉપક્રમ આ મહાનિબંધમાં છે. સિતાંશુએ નાટકના ક્ષેત્રમાં પણ કામ કર્યું છે. ફ્રાન્સમાં હતા ત્યારે તેમણે આયોનેસ્કોના નાટકનો અનુવાદ કરેલો એ આપણે જોયું. ૧૯૭પમાં આયોનેસસ્કોનું ‘ધી લેસન’ તેમણે ગુજરાતીમાં ઉતાર્યું. ટૉમસ હાર્ડીની વાર્તા ઉપરથી થયેલ નાટ્યકૃતિનું રૂપાંતર ‘વૈશાખી કોયલ’ તેમણે ૧૯૭પમાં તૈયાર કર્યું. આ નાટક ભજવાયું પણ છે. એ પછી તેમણે રેડિયો માટે ‘કેમ મકનજી કેમ ચાલ્યા, અમે અમથાભાઈને ત્યાં ચાલ્યા’ લખ્યું. તેમણે ‘ગ્રહણ’ નામે નાટક પણ લખ્યું છે. આઈ.એન.ટી. તરફથી ભજવાશે. આ ઉપરાંત પ્રાગના ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યટ તરફથી તૈયાર થયેલા સાહિત્ય કોશમાં ગુજરાતી વિશે તેમણે લખ્યું છે. સૌન્દર્યશાસ્ત્ર અને વિવેચન વિશે જુદી જુદી કૉન્ફરન્સમાં પેપરવાચન કર્યું છે અને વિવેચનલેખો લખ્યા છે. બબ્બે યુનિવર્સિટીઓની ડૉક્ટરેટની ડિગ્રી ધરાવનાર, અત્યારે સાહિત્ય અકાદમીમાં ભારતીય સાહિત્યના જ્ઞાનકોશની મોટી જવાબદારી ઉઠાવનાર, જાગ્રત કવિ-સર્જક અને દૃષ્ટિસંપન્ન વિવેચક સિતાંશુ વ્યક્તિ તરીકે વિનમ્ર અને સ્નેહાળ છે. ગુજરાતી કવિતા અને પ્રયોગશીલ નાટક પરત્વે તેમની પાસેથી ઊંચી અપેક્ષાઓ રહે છે.
૮-૪-૭૯