શબ્દલોકના યાત્રીઓ – ૨/વર્ષા અડાલજા

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વર્ષા અડાલજા

શ્રી વર્ષા અડાલજાને ગ્રામ ભારતીના જ્ઞાનસત્રમાં સાંભળ્યાં. પછી હમણાં પરિષદના વડોદરા અધિવેશનમાં મળવાનું બન્યું. ગુજરાતી નવલકથામાં કશુંક કરવાના તેમને કોડ છે. એક ડઝન જેટલી નવલકથાઓ તેમણે લખી છે. નવલકથા વિશે તેમને આગવા ખ્યાલો છે, અને એ પ્રમાણે તે આગળ ધપતાં જાય છે. તેમનું લેખન પણ કાંઈક આકસ્મિક રીતે શરૂ થયેલું. આમ તો તે પ્રસિદ્ધ નવલકથાકાર ગુણવંતરાય આચાર્યનાં પુત્રી, સાહિત્ય અને કળાના સંસ્કારો ગળથૂથીમાંથી જ મળેલા. પણ એમનો પ્રથમ રસ નાટકનો. નાટકમાંથી તે નવલકથા તરફ વળ્યાં. નાનપણથી તેમને નૃત્ય-નાટક-સંગીતમાં જીવંત રસ. બાળપણમાં રાજકોટ હતાં ત્યારે સ્વ. હરસુખ કીકાણીએ ‘જાગતા રે’જો’ ત્રિઅંકી નાટક ભજવેલું ત્યારે બારેક વર્ષની વર્ષાએ મમ્મીની સાડી પહેરી કીકાણી સામે જૂની રંગભૂમિ સ્ટાઈલનું કૉમિક કરેલું! પછી તો અનેક નાટકોમાં કામ કર્યું. ‘દર્શક’ના ‘ઝેર તો પીધાં જાણી જાણી’ નાટકમાં રોહિણીની ભૂમિકા ભજવી, ઈબ્સનના ‘ઢીંગલીઘર’માં કામ કર્યું. નાટકમાં એ સતત રસ લેતાં રહ્યાં, ૧૮૬૬માં કલકત્તા ગુજરાતી સાહિત્ય મંડળે એકાંકી સ્પર્ધા યોજેલી, તેમણે વિયેટનામ–યુદ્ધનો એક પ્રસંગ લઈ ‘આ ધરતી આ માનવી’ નામે એકાંકી લખેલું. એને સ્પર્ધામાં બીજું ઇનામ મળ્યું (આ વિષયની તેમણે પછીથી સંપૂર્ણ નવલકથા લખી). પણ નવલકથાલેખન તરફ તે કઈ રીતે વળ્યાં એ જાણવું રસપ્રદ છે. પિતા ગુણવંતરાય આચાર્યના અવસાનથી તેમને ખૂબ આઘાત લાગેલો. પિતા સાથે હૃદયનો મૈત્રીસંબંધ હતો, તે વર્ષાના જીવનનું પ્રેરક બળ હતા. એ દિવસોમાં તે ખૂબ ગમગીન રહેતાં. તેમના પતિએ આ વિષાદને ટાળવા કશુંક લેખનકાર્ય કરવાનું સૂચવ્યું. તેમણે આરંભ કર્યો અને એકાદ મહિનામાં તો એક નવલકથા લખાઈ ગઈ. આ નવલકથા તે ‘પાંચ ને એક પાંચ’ – એમની પ્રથમ નવલકથા. ખૂનના રહસ્યની આ એક સસ્પેન્સ નૉવેલ છે. એ પછી તે સામાજિક નવલકથાઓ અને રહસ્યકથાઓ પ્રગટ કરતાં રહ્યાં. ગુજરાતી સાહિત્યમાં મૌલિક રહસ્યકથાઓ પ્રત્યે જે સૂગ છે તે તેમને ખૂંચે છે. ‘પાંચને એક પાંચ’ ઉપરાંત ‘અવાજનો આકાર’, ‘છેવટનું છેવટ’, ‘નીલિમા મૃત્યુ પામી છે’ એ રહસ્યકથાઓ તેમણે આપી છે. ‘નીલિમા મૃત્યુ પામી છે’માં રહસ્યકથા અને સામાજિક કથા સેળભેળ થઈ ગયેલ છે. વર્ષા અડાલજાને એકની એક નિરૂપણરીતિ ગમતી નથી, સતત કશુંક નવું કરવાની તમન્ના છે અને એથી એમની કથાઓ એકમેકથી જુદી પડે છે. લેખકને માટે પોતાનું પુનરાવર્તન એ મૃત્યુ સમાન છે. આ લેખિકા બહેન એ વિશે સભાન છે તે સુચિહ્ન છે. શ્રી વર્ષા અડાલજાનો જન્મ ૧૦મી એપ્રિલ ૧૯૪૦ના રોજ મુંબઈમાં થયો હતો. ૧૯૬૦માં તે ગુજરાતી અને સંસ્કૃત સાથે મુંબઈ યુનિવર્સિટીમાં ગ્રૅજ્યુએટ થયાં. ૧૯૬૨માં સમાજશાસ્ત્ર સાથે એમ.એ. થયાં. ત્રણ વર્ષ આકાશવાણી મુંબઈ પર એનાઉન્સર તરીકે કાર્ય કર્યું. દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા તરફથી નાટ્ય તાલીમ માટે તેમને સ્કૉલરશિપ મળેલી. ૧૯૬પમાં મહેન્દ્ર અડાલજા સાથે તેમનું લગ્ન થયું. ૧૯૬૬ના જાન્યુઆરીથી લેખનકાર્ય શરૂ કર્યું, જેનો ઉલ્લેખ અગાઉ કર્યો છે. તેમની લઘુનવલ ‘મારે પણ એક ઘર હોય’થી એ લેખિકા તરીકે જાણીતાં થયાં. આ કથા તેમણે શ્રી ધીરુબહેન પટેલના આગ્રહથી ‘સુધા’ માટે લખી હતી. આ નવલકથાને ગુજરાતી સાહિત્ય પરિષદનું ભગિની નિવેદિતા પારિતોષિક પણ મળેલું. તેમની નવલકથા ‘આતશ’ ખાસ ઉલ્લેખપાત્ર છે, આ નવલકથા વિયેટનામ યુદ્ધની કથા છે. આ નવલકથા લખવા માટે તેમણે અનેક પુસ્તકો, સામયિકો, ચિત્રો, છાપાં વગેરેનો અભ્યાસ કરેલો. તેમની ઈચ્છા ત્યાં જઈને જાતમાહિતી અને જાત-અનુભવ મેળવવાની હતી. એ માટે તેમણે તૈયારી પણ કરેલી; પણ છેલ્લી ઘડીએ સત્તાવાળાઓએ પરવાનગી ન આપવાથી ન જઈ શક્યાં. વર્ષાબહેન નિરાશ થઈ ગયાં, નવલકથા લખવાનો વિચાર માંડી વાળ્યો. પરંતુ શ્રી દર્શક, કુન્દનિકા કાપડિયા વગેરેએ પ્રોત્સાહન આપ્યું અને નવલકથા લખી. આ કૃતિમાં કોઈ પણ વાદનો ધજાગરો લઈને તે નીકળ્યાં નથી, પણ યુદ્ધ માણસની કરોડરજ્જુને કઈ રીતે ભાંગી નાખે છે, એના વ્યક્તિત્વને છિન્નભિન્ન કરી નાખે છે એનો ચિતાર આપ્યો છે. ‘ગુજરાતમિત્ર’માં તે ધારાવાહિક પ્રગટ થયેલી. આ પુસ્તકને સોવિયેટ લૅન્ડ નેહરુ એવોર્ડ મળેલો. ‘આનંદધારા’માં મેરિલીન મનરોની આત્મકથામાંથી વસ્તુપિંડ લઈ એક અભિનેત્રીના જીવનસંઘર્ષની કથા આલેખાઈ છે. પુરુષોને હાથે સ્ત્રીની કેવી અવદશા થાય છે તે બતાવવાનો આશય છે. ‘ગાંઠ છૂટ્યાની વેળા’ મધ્યપ્રદેશના આદિવાસીઓ વચ્ચે રહી કામ કરતા માનવીની વાત કહે છે. આ એક સત્ય ઘટનાત્મક નવલકથા છે. આની સામગ્રી તેમણે મધ્યપ્રદેશના આદિવાસીઓનાં ઝૂંપડાંમાં રહીને મેળવી છે. વર્ષાબહેનનો કથાલેખનનો અભિગમ એક અભ્યાસીનો રહેલો છે. જે વિષય પર તે લખવા ઇચ્છતાં હોય તે અંગે શક્ય તેટલું તમામ તે વાંચી નાખે છે અને જાતમાહિતી મેળવ્યા પછી જ લખે છે. તાજેતરમાં તેમનો વાર્તાસંગ્રહ ‘એ’ બહાર પડ્યો છે. મુંબઈ ટી.વી. માટે તે નાટકો લખે છે. અન્ય ફીચર્સ પણ તૈયાર કરે છે. ‘મારે પણ એક ઘર હોય’ નવલ મુંબઈ ટી.વી. પર પાંચ ભાગમાં નાટ્ય સ્વરૂપે રજૂ થઈ હતી. ‘સમર્પણ’માં ધારાવાહિક રૂપે પ્રગટ થયેલી ‘રેતપંખી’ નવલકથાનું તેમણે પોતે કરેલું નાટ્ય રૂપાંતર ટી.વી. પર રજૂ થયું હતું. ‘તિમિરના પડછાયા’ ત્રિઅંકી નાટક રૂપે રજૂ થયેલું, એના સો જેટલા શો થયા. નાટ્ય સ્પર્ધામાં પણ એને પારિતોષિક મળેલું. ‘અવાજનો આકાર’ ‘પગલાં’ નામે ‘ફૂલછાબ’માં પ્રગટ થઈ હતી, ‘નીલિમા મૃત્યુ પામી છે’ પણ ‘અગન પિછોડી ઓઢી સાજન’ને નામે ‘ફૂલછાબ’માં પ્રગટ થયેલી. હાલ તે ટી.વી. માટે રૂપાંતરિત કરી રહ્યાં છે. તેમને પત્રકારત્વનો પણ અનુભવ છે. ૧૯૭૬થી ૧૯૭૮ સુધીનાં ત્રણ વર્ષ તે ‘સુધા’ના તંત્રીપદે રહી ચૂક્યાં છે. પણ બધો જ સમય લેખનને આપવાનો નિર્ણય કરી એ કામ છોડી દીધું. હાલ તે બધો જ વખત લેખનકાર્યને આપે છે. ગુજરાતી રંગભૂમિ માટે સાહિત્યિક અને તખ્તાલાયકી ધરાવતું એક ત્રિઅંક નાટક લખવાની તેમની ખૂબ ઈચ્છા છે. તેમને સાહિત્યમાં નવલકથા અને નાટક એ બે પ્રકારમાં વિશેષ રસ છે. તેમનો પ્રથમ પ્રેમ તે નાટક જ હતો. ટી.વી. માટે પણ તેઓ રચનાઓ તૈયાર કરે છે. તેમના પિતાજીની નવલકથાનું ટી.વી. નાટ્યરૂપ ‘દરિદ્રનારાયણ’ દસ ભાગમાં અને પછી સળંગ નાટ્યરૂપે બે વાર રજૂ કર્યું હતું. હવે તે ગુણવંતરાયની સાગરકથાઓને ટી.વી. પર રજૂ કરવા ધારે છે. લેખનકાર્ય તેમની આત્માભિવ્યક્તિનું પ્રબળ માધ્યમ છે. લખવા ખાતર તે લખતાં નથી. લખ્યા સિવાય રહી શકતાં નથી માટે લખે છે. તેમને મન એ શ્વાસ લેવા જેવી સહજ અને અ-નિવાર્ય પ્રક્રિયા છે. સાહિત્યના સંસ્કાર તેમને માતાપિતામાંથી મળ્યા. આજે તેમનું આખું કુટુંબ વાચનલેખનમાં રસ ધરાવે છે - તેમની બે નાની પુત્રીઓ સમેત. તેમનાં બહેન ઈલા આરબ મહેતા પણ સારાં નવલકથાકાર છે. ગુજરાતના સુપ્રસિદ્ધ નવલકથાકાર ગુણવંત આચાર્યનો સાહિત્યિક વારસો કેવો પ્રેરણાદાયી છે!

૧૦-૨-૮૦