શબ્દલોકના યાત્રીઓ – ૨/ચિનુ મોદી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ચિનુ મોદી

પ્રવર્તમાન ગુજરાતી સાહિત્યમાં શ્રી ચિનુ મોદી સક્રિય સર્જક છે. કવિતા, નવલકથા, નાટક, વિવેચન, સંપાદનમાં તેમણે કામ કર્યું છે. જુદાં જુદાં સાહિત્યિક મંડળોમાં તેમણે જીવ રેડીને કામ કર્યું અને સાહિત્યિક આબોહવાને જીવંત રાખવામાં ફાળો આપ્યો. આમ તો એ ભાગ્યે જ તેમના ઘરે મળે, ગૂજરાત વિદ્યાપીઠને તેમણે પોતાનું ઘર બનાવ્યું છે (એ ત્યાંના વિદ્યાર્થી પણ હતા), વિદ્યાપીઠ બંધ થઈ જાય ત્યારે એટલે કે સાંજે/રાત્રે અમદાવાદની એલિસબ્રિજની હેવમોર હોટલમાં તમે ચિનુ મોદીને અવશ્ય મળી શકો. સાહિત્ય અને સાહિત્યના સંસારમાં એમને જીવંત રસ. છેલ્લામાં છેલ્લા સમાચાર તમને ચિનુ પાસેથી સાંપડે. કોઈ વાર સમાચાર સર્જવાની ક્ષમતા પણ ખરી. મને સૌથી વધુ ગમે છે એમની સાહિત્યપ્રીતિ. આટલી બધી લગની ક્યાં જોવા મળે? અને ભાષા સાથે કામ પાડવામાં તેમનો પુરુષાર્થ પણ દાદ માગી લે એવો. ચિનુ મોદી રસ પડે એવા આધુનિક સર્જક છે. શ્રી ચિનુ ચંદુલાલ મોદી ઉત્તર ગુજરાતના. કડી ગામમાં તેમનો જન્મ ૩૦મી સપ્ટેમ્બર ૧૯૩૯ના રોજ વિજાપુર (ઉ. ગુ.માં.) થયેલો. પ્રાથમિક શિક્ષણ વિજાપુરમાં લીધું. એ પછી મોસાળમાં ધોળકા આવ્યા. દસમા ધોરણ સુધી ત્યાં ભણ્યા. અગિયારમું ધોરણ અમદાવાદની નવચેતન હાઈસ્કૂલમાં કર્યું. સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કરી ૧૯પ૮માં મુખ્ય વિષય ગુજરાતી અને ઈતિહાસ સાથે બી.એ.ની પરીક્ષા પસાર કરી. પછી યુનિવર્સિટીના ભાષા ભવનમાંથી ગુજરાતી-હિંદી સાથે ૧૯૬૧માં એમ.એ. થયા. વચ્ચે ૧૯૬૦માં એલએલ.બી. થયેલા. પીએચ.ડી.ના સંશોધન માટે તે ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા અને પ્રો. મોહનભાઈ શં. પટેલના માર્ગદર્શન હેઠળ ‘ખંડકાવ્ય’ ઉપર મહાનિબંધ લખી વિદ્યાવાચસ્પતિની પદવી મેળવી. તેમનો વ્યવસાય મુખ્યત્વે અધ્યાપકનો રહ્યો છે. ૧૯૬૧થી ૧૯૬૩ સુધી એચ. એ. કૉમર્સ કૉલેજમાં ગુજરાતીના ટ્યૂટર તરીકેનો અનુભવ લીધો, એ પછી કપડવંજ, તલોદ, અમદાવાદની સ્વામિનારાયણ કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. ૧૯૭પમાં સ્વામિનારાયણ કૉલેજ છોડી ટેલિવિઝનમાં સ્ક્રિપ્ટ રાઈટર તરીકે જોડાયા. ૧૯૭પથી ૧૯૭૭ સુધી ત્યાં રહ્યા. સ્થિરતા તેમની પ્રકૃતિમાં નથી. સાહિત્યમાં પણ સ્થિરતા સ્થગિતતાના તે વિરોધી રહ્યા છે. ૧૯૭૭-૭૮માં માણસાની કૉલેજ અને સાબરમતી કૉલેજમાં કામ કર્યું. ૧૯૭૮થી અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કોલેજ અને અમદાવાદ કૉમર્સ કૉલેજમાં કાર્ય કરે છે. ૧૯પ૭માં ‘વસંત વિલાસ’નો અનુવાદ કરી સાહિત્યક્ષેત્રે પદાર્પણ કર્યા બાદ તેમને સાહિત્યમાં ‘વસંત’ કે ‘વિલાસ’ જણાયાં નહિ એટલે એમની સ્થિતિ ‘વસંત ઢૂંઢું’ની જ રહી છે! અને છતાં સાહિત્યનાં સ્થગિત થયેલાં જળને વહેતાં કરવા તે સતત ઉત્સાહિત રહ્યા છે. વિવિધ સ્વરૂપોમાં પ્રયોજાતી ભાષાના સ્તરને એક અભિવ્યક્તિક્ષમ સ્તર ઉપર મૂકવાનો તેમનો પુરુષાર્થ દાદ માગી લે છે. તેમની સર્જનાત્મક કૃતિઓ અને અનુવાદોમાં પણ આપણે આ અનુભવીએ છીએ. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘વાતાયન’ ૧૯૬૩માં પ્રગટ થયેલો. એમાં કેટલીક છંદોબદ્ધ રચનાઓ, સૉનેટ અને પ્રકીર્ણ કૃતિઓ આપી છે. અહીં ‘નવીનતા’નું ઝાઝું વળગણ નથી. પરંપરિત પ્રકારોમાં પણ નવા કવિઓ સારી રચનાઓ આપી શકે છે એનું આ સંગ્રહ એક નિદર્શન છે. એ પછી ‘ક્ષણોના મહેલમાં’, ‘દર્પણગલી’, ‘ઊર્ણનાભ’, ‘શાપિત વનમાં’ જેવા સંગ્રહમાં એમની કવિત્વશક્તિ ઉત્તરોત્તર વિકસતી માલૂમ પડે છે. ૧૯૭૭ના મેની ૧૬મી તારીખે તેમણે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી દ્વિતીય લગ્ન કર્યાં ત્યારે ગઝલ પૂરતું ‘ઈર્શાદ’ નામધારણ કર્યું. આ પ્રણયવૈફલ્યનો ભાવ ‘દેશવટો’માં અને ‘ઈર્શાદગઢ’ એ સંગ્રહોમાં ધારદાર અભિવ્યક્તિ પામ્યો છે. તેમનો નાટકમાં જીવંત રસ છે. નાટ્ય સંસ્થા ‘આકંઠ સાબરમતી’માં તે સક્રિય રહ્યા. નાટકોનું તે પોતે દિગ્દર્શન કરે છે. ‘ડાયલનાં પંખી’ અને ‘કૉલબેલ’ તેમના સંગ્રહો છે. તેમનાં બધાં જ નાટકો ભજવાયાં છે. અપ્રગટ પણ ભજવાયાં છે. ‘નવલશા હીરજી’ અને ‘ઢોલીડો’ ટેલિવિઝન પર રજૂ થયાં છે. હમણાં તેમણે અનુવાદિત કરેલ ‘બકરી’ નાટક કોરસ સંસ્થાએ ભજવ્યું તે જોવાની તક લીધેલી. અનુવાદમાં પણ ચિનુનું ભાષાકર્મ તરત ધ્યાન ખેંચે છે – ખાસ કરીને કટાક્ષની અભિવ્યક્તિમાં શબ્દલય પાસેથી પ્રશસ્ય કામ લેવાયું છે. તેમણે ‘શૈલા મજમુદાર’, ‘ભાવઅભાવ’, ‘ભાવચક્ર’ અને ‘લીલાનાગ’ નવલકથાઓ પ્રગટ કરી છે. છેલ્લી પચીશીમાં નવલકથાક્ષેત્રે જે પરિવર્તન આવ્યું એમાં ચિનુનો પણ નોંધપાત્ર ફાળો છે. ડૉ. સુમન શાહે એની તારીફ કરી છે. મૉર્ડન લાઈફનું ચિત્રણ કરવામાં લેખક સફળ રહ્યા છે. ‘ભાવચક્ર’ એ ‘શૈલા મજમુદાર’નું જ અનુસંધાન છે. આધુનિક જીવનરીતિને હળવાશથી નિરૂપતી, પરિચિત વાતાવરણમાં અપરિચિત પ્રશ્નોને ઉઠાવ આપતી, સંદર્ભો અને શૈલીની દૃષ્ટિએ સાહિત્યિક આબોહવા ઊભી કરતી ‘ભાવચક્ર’ની કથા શૈલાથી શર્મા સુધી આવી પહોંચી છે તો હવે અનિમેષ સુધી પણ તે એને લઈ આવે. ચિનુ મોદીના એક કાવ્ય ‘ચાર દૃશ્યો’માં એક પંક્તિ છેઃ ‘ગાંધારીની આંખો સમું ખાલી હતું આકાશ’. કટોકટીના સંદર્ભમાં તેમણે જે નવલકથા લખી તેનું શીર્ષક છે ‘ગાંધારીની આંખે પાટા’. એ ‘જન્મભૂમિ’માં હપતાવાર પ્રગટ થયેલી. હવે પુસ્તકાકારે પ્રગટ થશે. વિવેચન–સંપાદનક્ષેત્રે પણ તેમણે ગણનાપાત્ર કાર્ય કર્યું. છે. એમનો ‘ખંડકાવ્ય’ ઉપરનો થીસિસ એમના સઘન અભ્યાસનો નમૂનો છે. લાભશંકર, રાવજી, મનહર અને મણિલાલ એ ચાર કવિઓ વિશે તેમણે ‘મારા સમકાલીન કવિઓ’ નામે લખેલી પુસ્તિકાઓ અંગત સંસ્મરણો સાથે તે તે કવિની છબી સરસ ઉપસાવે છે. ‘ગમી તે ગઝલ’, ‘ચઢોરે શિખર’ જેવાં સંપાદનો પણ તેમણે બીજાઓ સાથે કર્યાં છે. ગુજરાતીના અધ્યાપક સંઘના તે મંત્રી હતા ત્યારે પ્રગટ થયેલ ‘અધીત’નાં સંપાદનમાં તેમણે સહયોગ આપેલો. અગાઉ સૂચવ્યું તેમ જુદાં જુદાં સાહિત્ય મંડળો સ્થાપવામાં અને નિશ્ચિત વિચારસરણીનો પ્રસાર/પ્રચાર કરવામાં તેમણે રસ લીધો છે. ‘રે’ મઠના અગ્રણી હતા, ‘રે,’ ‘કૃતિ’ અને ‘ઉન્મૂલન’ના તંત્રી હતા. છએક વરસથી હોટેલ પોએટ્સનું ગ્રૂપ ચાલે છે. એના ઉપક્રમે પ્રગટ થતા ‘ઓમિસિયમ’નું સંપાદન પણ તે પોતે કરે છે. જીવનમાં અને સાહિત્યમાં ચિનુ મોદી હમેશાં પ્રણાલિકાભંજક અને પ્રયોગ-પુરસ્કારક રહ્યા છે, ‘રેવોલ્યૂશનરી’ અને ‘રિબેલ’ બંનેનો રોલ તે સારો ભજવી શકે છે. એ માટેની ક્ષમતા પણ તેમણે કેળવી છે. કાવ્યસંગ્રહ ‘ઊર્ણનાભ’, નવલકથા ‘ભાવચક્ર’ અને નાટક ‘કૉલબેલ’ને ગુજરાત સરકારનાં પારિતોષિકો મળ્યાં છે. સાહિત્ય અકાદમી તરફથી અપાતી ‘આર્ટિસ્ટ ફેલોશિપ’ ૧૯૭૯માં સોળ વ્યક્તિઓને અપાઈ એમાં બે લેખકોમાં ગુજરાતીમાંથી ચિનુ મોદીની પસંદગી થઈ છે. આ પુરસ્કારમાં લેખકને દર માસે રૂ. પ૦૦/-આપવામાં આવે છે. શ્રી ચિનુ મોદી ઉર્ફે ઈર્શાદ પાસેથી આપણને હજુ પણ વધુ ઉત્કૃષ્ટ કૃતિઓ મળવાની આપણી શ્રદ્ધાને બેવફા નીવડવાની તેમની તાકાત નથી!

૮-૭-૭૯