કળા, સાહિત્ય અને વિવેચન/તુલનાત્મક સાહિત્ય અને રાષ્ટ્રીય સાહિત્ય

From Ekatra Foundation
Revision as of 02:55, 9 September 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
તુલનાત્મક સાહિત્ય અને રાષ્ટ્રીય સાહિત્ય

આપ સૌને વિદિત છે તેમ, ‘તુલનાત્મક સાહિત્ય અને રાષ્ટ્રીય સાહિત્ય’ એ મારા અત્યારના વક્તવ્યનો વિષય છે.૧[1] આપ સૌએ નોંધ્યું હશે જ કે મારા શીર્ષકમાં ‘તુલનાત્મક સાહિત્ય’ અને ‘રાષ્ટ્રીય સાહિત્ય’ એ બે પાયાની સંજ્ઞાઓ જોડાયેલી છે અને બંને સંજ્ઞાઓ વિગતે છણાવટ માગે છે. એટલે, બંનેની વ્યાખ્યાવિચારણા કરીને બંને વચ્ચે સંબંધ સ્પષ્ટ કરવાનો અને એ ભૂમિકાએથી ચર્ચા વિકસાવવાનો મારો પ્રયત્ન રહેશે. ‘તુલનાત્મક સાહિત્ય’ શબ્દપ્રયોગ, કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે અંગ્રેજી સાહિત્યિક અધ્યયનોમાં પ્રચલિત બનેલા પ્રયોગ ‘Comparative Literature’ના ભાષાંતર રૂપે આપણી ભાષામાં ઊતરી આવ્યો છે અને એ પ્રયોગ સાહિત્ય-વિષયક અધ્યયનોમાં એક અલગ સ્વતંત્ર બની રહેવા ઝંખતી વિદ્યાશાખાનો નિર્દેશ કરે છે. અંગ્રેજી શબ્દપ્રયોગમાં એના સ્વરૂપબોધ પરત્વે જ અમુક અર્થસંદિગ્ધતા અનુસ્યૂત રહી છે. એટલે આ વિષયના તજ્‌જ્ઞોને વારંવાર એ સંજ્ઞાથી ખરેખર શું અભિપ્રેત છે એની સ્પષ્ટતા કરીને ચર્ચાની માંડણી કરવી પડી છે; તેઓ કહે છે કે ‘સાહિત્ય’ની પૂર્વે મુકાતી ‘તુલનાત્મક’ સંજ્ઞા સાહિત્યના કોઈ અંતર્હિત ગુણને લક્ષતી નથી. સાહિત્યોના અધ્યયનની વિશિષ્ટ પદ્ધતિ તે દ્વારા સૂચવાય છે. ‘તુલનાત્મક સાહિત્ય’ એટલે તુલનાત્મક પદ્ધતિએ થતું ભિન્નભિન્ન સાહિત્યોનું અધ્યયન, ભિન્નભિન્ન ભાષાઓ અને ભિન્નભિન્ન પરંપરાઓનાં સાહિત્યોનું અધ્યયન. આગળ ઉપરની ચર્ચામાં આપણે જોઈશું કે તુલનાદૃષ્ટિ કે તુલનાકાર્ય છેક પ્રારંભિક દશામાં તો પરંપરાગત સાહિત્યવિવેચનોમાંય પ્રસંગેપ્રસંગે કે પ્રસંગોપાત્ત જોવા મળે છે. પણ એક અલગ અને સ્વતંત્ર વિદ્યાશાખા લેખે એમાં સભાનપણે તુલનાનાં અનેકવિધ સ્તરો અને અનેક પરિપ્રેક્ષ્યો પ્રતિષ્ઠિત કરવાના સંનિષ્ઠ જહેમતભર્યા પ્રયત્નો થયા છે, એટલું જ નહિ, તુલનાના એકમોને અનુરૂપ તેની આગવી પદ્ધતિઓ નિપજાવવાના પ્રયત્નો પણ થયા છે. આથી ભિન્ન ‘રાષ્ટ્રીય સાહિત્ય’ (National Literature) એ તુલનાત્મક સાહિત્યના ક્ષેત્રમાં લગભગ કેન્દ્રસ્થાને ઊપસી આવેલી એક અતિ મહત્ત્વની વિભાવના છે. તુલનાત્મક અધ્યયનના ક્ષેત્રમાં, સામાન્ય રીતે, બે કે વધુ ભાષાઓમાં રચાયેલાં સાહિત્યોમાં સાહિત્યિક વર્ણ્યવિષયો (themes), આકારો-પ્રકારો, શૈલીઓ, વાદો, પ્રતીકો, કળાસિદ્ધાંતો આદિ પાસાંઓ કે ઘટકોની તુલના કરવામાં આવે છે, પણ આ વિદ્યાશાખામાં સૌથી વધુ રસપ્રદ અને ફળપ્રદ અને તે સાથે કદાચ સૌથી વધુ આહ્વાનરૂપ તુલનાકાર્ય તે બે કે વધુ રાષ્ટ્રીય સાહિત્યો વિશે સંભવે છે. દૃષ્ટાંતોનો આધાર લઈને કહું તો ભારતની અર્વાચીન ભાષાઓ ગુજરાતી, હિંદી, બંગાળી, મરાઠી, કન્નડ આદિનાં સાહિત્યોની પણ અર્થસભર રીતે તુલના થઈ શકે, અને થઈ પણ છે. દરેક ભારતીય ભાષાના સાહિત્યમાં અમુક પ્રાંતીય સંસ્કારિતા અને પરંપરાઓનો યોગ થયો છે. પણ અંતે એ સર્વ ભાષાઓનો મૂળ સાંસ્કૃતિક સ્રોત સમાન છે. એટલે આ ભાષાઓનાં સાહિત્યોમાં વ્યાપકપણે ઘણાં સમાન તત્ત્વો મળી આવશે. આથી ભિન્ન, ગુજરાતી (કે અન્ય ભારતીય) સાહિત્ય અને જાપાની સાહિત્ય, અથવા અંગ્રેજી સાહિત્ય અને ચીની સાહિત્ય – એમ સર્વથા ભિન્ન ભાષાઓનાં ભિન્ન પરંપરાઓનાં કે ભિન્ન રાષ્ટ્રોનાં સાહિત્યોને તુલનામાં લઈએ ત્યારે તુલનાની અનેકવિધ ભૂમિકાઓ, અનેકવિધ એકમો અને અસંખ્ય પાસાંઓને એક સાથે લક્ષમાં લેવાનાં આવે. બલકે, એવાં સાહિત્યોની કૃતિઓ – પ્રશિષ્ટ અને પ્રતિનિધિરૂપ કૃતિઓ – તુલનામાં લઈએ ત્યારે એ સાહિત્ય સર્જનાર પ્રજાનો ઇતિહાસ, સમાજઘડતર, દર્શન, નીતિમત્તા, સૌંદર્યબોધ, મૂલ્યબોધ આદિ અનેક બાબતોનો સાથોસાથ વિચાર કરવાનો આવે. કહો કે પ્રસ્તુત સાહિત્યકૃતિઓનાં સામ્ય-વૈષમ્યની તપાસ કરતાં તેના સમગ્ર સાંસ્કૃતિક, સાહિત્યિક તાણાવાણાઓના છેક મૂળમાં ઊતરવું પડે. કૃતિઓના હાર્દમાં પડેલાં રહસ્યો અને અર્થોને પ્રકાશિત કરતાં અનેકવિધ સાંસ્કૃતિક સત્યો અને તથ્યો એવી તુલનામાં ઊપસી આવે એમ બને. ઉપલક નજરે સાવ સરળ લાગતી સંજ્ઞા ‘રાષ્ટ્રીય સાહિત્ય’ – અને તેની સાથે ગાઢ રીતે સંકળાઈને આવતી ‘રાષ્ટ્રીય પરંપરા’, ‘રાષ્ટ્રીય સંસ્કૃતિ’, ‘રાષ્ટ્રીય અસ્મિતા’ જેવી સંજ્ઞાઓ હકીકતમાં ઘણી જટિલ અને દુર્ગ્રાહ્ય નીવડી છે. ‘રાષ્ટ્રીય’ શબ્દના આધારરૂપ ‘રાષ્ટ્ર’ શબ્દ સ્વયં એક અતિ સંકુલ ખ્યાલ છે. પણ એ વિશે ટીકાટિપ્પણી કરીએ તે પહેલાં ‘રાષ્ટ્રીય સાહિત્ય’ સંજ્ઞાના મુખ્ય અર્થોની અહીં નોંધ લઈએ : ૧. ‘રાષ્ટ્રીય સાહિત્ય’ એટલે કોઈ પણ એક રાષ્ટ્રનું પોતીકું સાહિત્ય : રાષ્ટ્રમાં અને રાષ્ટ્ર દ્વારા નિર્માણ થયેલું સાહિત્ય એમ પણ એમાં સૂચિત છે. ૨. ‘રાષ્ટ્રીય સાહિત્ય’ એટલે રાષ્ટ્રના ઇતિહાસમાં જુદા જુદા યુગમાં રચાયેલું અને સમગ્ર ભૂતકાળના વારસારૂપે સંચિત થયેલું સાહિત્ય. ૩. ‘રાષ્ટ્રીય સાહિત્ય’ એટલે રાષ્ટ્રની પોતાની સાંસ્કૃતિક વિશેષતાઓ પ્રગટ કરતું મહાન પ્રશિષ્ટ કોટિનું સાહિત્ય, રાષ્ટ્રીય પરંપરાઓ ઝીલતું સાહિત્ય. ૪. ‘રાષ્ટ્રીય સાહિત્ય’ એટલે રાષ્ટ્ર વિષયક અસ્મિતા પ્રગટ કરતું સાહિત્ય : ખાસ તો પ્રજાના જીવનમાં એક રાષ્ટ્ર તરીકેના નિર્માણમાં તેના ઘડતર, વિકાસ અને સંગઠનમાં ભાગ ભજવતું સાહિત્ય. એક રાષ્ટ્ર લેખે નિજી ઓળખ માટે તેમ રાષ્ટ્રની એકતા માટે વિધાયક બળ બની રહેતું સાહિત્ય. ૫. ‘રાષ્ટ્રીય સાહિત્ય’ એટલે રાષ્ટ્રનો આત્મા કે તેની નિજી ચેતના અને નિજી અંતઃકરણપ્રવૃત્તિ પ્રગટાવતું સાહિત્ય : જે તે રાષ્ટ્રનો વિલક્ષણ temperament વ્યક્ત કરતું સાહિત્ય. ૬. ‘રાષ્ટ્રીય સાહિત્ય’ એટલે રાષ્ટ્રને માન્ય એવી ભાષા કે ભાષાઓનું સાહિત્ય. ‘રાષ્ટ્રીય સાહિત્ય’ સંજ્ઞાની આ અર્થચ્છાયાઓ પરસ્પર ગાઢ રીતે જોડાયેલી છે, પરસ્પરમાં ઓતપ્રોત છે અને છતાં દરેક અર્થચ્છાયા ક્યાંક જુદી પણ પડે છે. આપણો કોઈ અભ્યાસી આ સંજ્ઞા યોજે છે ત્યારે તેના ચિત્તમાં સંપ્રજ્ઞ કે અસંપ્રજ્ઞ સ્તરે આ પૈકીની કોઈ એક અથવા એકથી વધુ અર્થચ્છાયાઓ પડી હોય એમ બને. અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, ‘રાષ્ટ્ર’ અને ‘રાષ્ટ્રીય’ સંજ્ઞા જટિલ રહી છે. જોકે પ્રાચીન ભારતના ચિંતનમાં એનો અર્થ પ્રમાણમાં સુગ્રાહ્ય છે. શ્રી આપ્ટેની સંક્ષિપ્ત ડિક્શનરીમાં એના અર્થો આ પ્રમાણે આપ્યા છે : (૧) a kingdom, realm, empire, ‘રાષ્ટ્રદુર્ગબલાનિ ચ’, (૨) a district, territory, country, region, as ‘મહારાષ્ટ્ર’, (૩) the people, nation, subjects. આ અર્થોમાં રાજ્યસત્તા, ભૌગાલિક પ્રદેશ અને પ્રજા એમ ત્રણ પાયાનાં ઘટકો સૂચવાયાં છે. પણ આ સાથે એમ નોંધવું જોઈએ કે પશ્ચિમમાં આધુનિક સમયમાં રાજ્યશાસ્ત્ર, ઇતિહાસ, સમાજશાસ્ત્ર વગેરે વિદ્યાશાખાઓમાં એક ‘રાષ્ટ્ર’ કહેલા a nationનો ખ્યાલ ઘણો જટિલ બની ચૂક્યો છે. છેલ્લાં સો-બસો વર્ષોના ગાળામાં યુરોપ, અમેરિકા, એશિયાની પ્રજાઓમાં રાજકારણના પ્રવાહો જે રીતે વહેતા થયા છે તેમાં ‘રાષ્ટ્ર’(nation), ‘રાષ્ટ્રવાદ’(nationalism), ‘રાષ્ટ્રીયતા’(nationality) જેવા વિશિષ્ટ ખ્યાલો ઊપસતા અને આકાર લેતા રહ્યા. અને ‘રાષ્ટ્રવાદ’ના આધુનિક ખ્યાલે વિશ્વભરની પ્રજાઓમાં ભારે ઊથલપાથલ સર્જી દીધી છે. પશ્ચિમના દેશોમાં – ઇંગ્લેંડ, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, સ્વિત્ઝર્લેન્ડ, રશિયા, ઇટાલી, સ્પેન વગેરેમાં રાષ્ટ્રીય અસ્મિતાનો ઉદ્‌ભવ અને અલગ રાષ્ટ્રના નિર્માણની દિશામાં રાજકીય-સાંસ્કૃતિક આંદોલનો એ સર્વની ઘણી રસપ્રદ કથાઓ છે. એ જ રીતે એશિયામાં ભારત, ચીન, જાપાન, કોરિયા, બ્રહ્મદેશ જેવા દેશોમાં રાષ્ટ્રીય અસ્મિતાની પણ એટલી જ રસપ્રદ કથાઓ છે. આવા મોટા દેશોમાં રાષ્ટ્ર તરીકેની અલગ ઓળખ અને અસ્મિતાના ઉદ્‌ભવ-વિકાસમાં, જોકે, જે તે પ્રજાજીવનમાં જુદાં જુદાં સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય પરિબળોએ ભાગ ભજવ્યો છે. આ રાષ્ટ્રીય અસ્મિતા કે રાષ્ટ્રવાદ આધુનિક ઇતિહાસમાં એક સામુદાયિક એકતા, સામુદાયિક ચેતના અને સામુદાયિક ઇચ્છાશક્તિ રૂપે દેખા દે છે. પ્રજાના ચોક્કસ સમૂહમાં હૃદયથી એક થઈને જીવવાની પ્રબળ ઝંખના જન્મે, પરસ્પરનાં સુખ-દુઃખમાં, હર્ષશોકમાં, આપત્તિઓમાં અને સંઘર્ષોમાં, યાતનાઓમાં અને યશમાં સૌ સહભાગી બની રહેવા ઇચ્છે, પોતાનાં સામુદાયિક હિતોની રક્ષા કરવા અને કલ્યાણકાર્યો આગળ ધપાવવા અને એ રીતે એક સ્વતંત્ર દૃષ્ટિસંપન્ન સમાજ રચવા પોતીકું રાજ્યતંત્ર ઊભું કરવા ચાહે, સામાજિક-સાંસ્કૃતિક આદર્શો અને મૂલ્યોના જતન અર્થે અન્ય સંસ્થાઓનું નિર્માણ કરે એ સર્વ બાબતો આધુનિક ’રાષ્ટ્ર’ના ખ્યાલમાં સૂચિત રહી છે. રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં તેનો ભૌગોલિક વિસ્તાર અને સરહદો અને આબોહવા સુધ્ધાં ચોક્કસ ભાગ ભજવે જ છે. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવા માટેની એ એક આવશ્યક શરત પણ છે. પણ સાથોસાથ એ પ્રદેશમાં વસતી પ્રજાની જાતિ કે વંશની પરંપરા પણ એમાં એક મોટું વિધાયક બળ બની રહે છે. જોકે કોઈ દેશમાં એકથી વધુ જાતિઓ વસતી હોય, એકથી વધુ ધર્મો-સંપ્રદાયો પ્રચારમાં હોય ત્યાં રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયા જટિલ બને છે. બીજી બાજુ જ્યાં એક જ જાતિ હોય કે એક જ ધર્મના લોકો વસતા હોય ત્યાં એટલા જ કારણે માનસિક એકતા અને સંગઠન આપોઆપ સિદ્ધ થઈ જાય એમ હંમેશાં બનતું નથી. કોઈ એક અલગ અને સ્વતંત્ર રાષ્ટ્રના નિર્માણ અર્થે ચોક્કસ ભૌગોલિક વિસ્તાર, સામાજિક શરીર, રાજકીય વ્યવસ્થા અને અમુક રીતનું આર્થિક માળખું એ સર્વ પ્રાથમિક સંયોગો આવશ્યક છે, પણ રાષ્ટ્રીય અસ્મિતાના ઉદ્‌ભવ-વિકાસ અર્થે એ પૂરતા નથી. એવી અસ્મિતા જન્માવવા અને ટકાવી રાખવા તેને મહાન પ્રેરણાસ્રોતો મળ્યા હોવા જોઈએ. હકીકતમાં, પ્રજાને વારસામાં મળેલી સમગ્ર સંસ્કૃતિ – ધર્મ, દર્શન, જ્ઞાનવિજ્ઞાન, સાહિત્ય, અન્ય લલિત કળાઓ અને કેળવણી એ સર્વનો વારસો, એનું વહન કરનારી સંસ્થાઓ અને પરંપરાઓ – એ જ રાષ્ટ્રની એકતા અને તેની સામુદાયિક ઇચ્છાશક્તિનું નિરંતર જતન અને પોષણ કરે છે. એક અલગ રાષ્ટ્ર તરીકેની પોતાની ઓળખ ઊભી કરવામાં, પોતાનું આગવું અંતઃકરણ અને આગવું સંવેદનતંત્ર નિર્માણ કરવામાં અને પોતાનો વિશિષ્ટ અવાજ પ્રગટ કરવામાં આ સાંસ્કૃતિક વારસો જ નિર્ણાયક ભાગ ભજવે છે. આધુનિક સમયમાં યુરોપ, અમેરિકા અને એશિયાના દેશોમાં સ્વતંત્ર રાષ્ટ્રોનું જે રીતે નિર્માણ થતું ગયું તેનો દરેકનો, અલબત્ત, આગવો એવો રસપ્રદ ઇતિહાસ છે. એમાં ધર્મ, ભાષા, સાહિત્ય જેવો વારસો પણ પ્રજાને સાથે રાખવામાં હંમેશાં કારગત નીવડ્યો છે એમ કહી શકાશે નહિ, પણ એક રાષ્ટ્ર તરીકે પોતાની સામુદાયિક એકતા સિદ્ધ કરવા અને ટકાવી રાખવા આ વારસો લગભગ હંમેશાં પ્રેરણારૂપ નીવડ્યો છે. રાષ્ટ્રની ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિને સંચલિત કરવામાં, સંકોચવામાં, તેમ તેને પ્રફુલ્લિત કરવામાં, તાત્પર્ય કે, રાષ્ટ્રીય ચેતનાની જ્યોત સદાય પ્રજ્વલિત રાખવામાં એ વારસો એક સક્રિય બળ બની રહ્યો દેખાશે. ખરેખર તો રાષ્ટ્રને તેના પ્રિય આદર્શો અને ઉદ્દેશો એ વારસામાંથી જ ઉપલબ્ધ થયા હોય છે, અને જે ભાવિની તે કલ્પના કરે છે તેમાં એ ભૂતકાલીન વારસા સાથે ગાઢ અનુસંધાન હોય છે. કોઈપણ પ્રજાના કોઈપણ રાષ્ટ્રના ઇતિહાસમાં જુદા જુદા તબક્કામાં નવા સાંસ્કૃતિક-સાહિત્યિક પ્રવાહો ઉદ્‌ભવ્યા હોય, પરંપરાઓમાં અમુક પરિવર્તનો આવ્યાં હોય તોપણ કશીક સાતત્યપૂર્વક ચાલી આવતી સાંસ્કૃતિક-સાહિત્યિક એકતા એ રીતે ઘણી મહત્ત્વની બની રહી છે. રાષ્ટ્રનું આગવું સંવેદનતંત્ર, આગવું અંતઃકરણ, આગવું વ્યક્તિત્વ આ સાંસ્કૃતિક-સાહિત્યિક ચેતનામાં પ્રતિબિંબિત થઈ ઊઠે છે. તુલનાત્મક સાહિત્યના ક્ષેત્રમાં બે કે વધુ રાષ્ટ્રીય સાહિત્યોની તુલના એ લગભગ કેન્દ્રસ્થાને આવતી બાબત છે. અને અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, રાષ્ટ્રીય સ્તરનાં સાહિત્યોને તુલનામાં લેતાં એના એકી સાથે વધુમાં વધુ એકમો અને પાસાંઓનો વિચાર કરવાને અવકાશ મળે છે. પણ એય સાચું છે કે આપણા સમયમાં ભાગ્યે જ કોઈ રાષ્ટ્રીય સાહિત્ય અન્ય રાષ્ટ્રીય સાહિત્યના પ્રભાવથી મુક્ત રહ્યું હોય. વિશ્વભરનાં રાષ્ટ્રો વચ્ચે જુદીજુદી રીતે રાજકીય, આર્થિક, વાણિજ્યપરક અને સાંસ્કૃતિક સંપર્કો સ્થપાઈ ચૂક્યા છે. વિજ્ઞાન, ટેક્‌નોલૉજી અને કમ્યૂનિકેશનનાં અદ્યતન સાધનો અને ઉપકરણોનો ઝડપથી ફેલાવો થતો રહ્યો છે. પાશ્ચાત્ય સાહિત્ય અને સંસ્કૃતિની એશિયા, આફ્રિકા અને બીજા અણવિકસિત દેશોમાં ઓછીવત્તી અસર પડી છે. પણ દરેક પ્રજામાં રાષ્ટ્રની અસ્મિતા જાગૃત થતાં પોતાનાં ‘મૂળ’(the roots) શોધવાની દૃષ્ટિય સચેત બની છે. એ રીતે પૂર્વ કે પશ્ચિમ કોઈપણ રાષ્ટ્રમાં સાહિત્ય અને સંસ્કૃતિ પર – રાષ્ટ્રોનાં ‘સાહિત્યો’થી કોઈક રીતે પ્રભાવિત છતાં સત્ત્વ જાળવવા મથી રહ્યાં દેખાય છે. એટલે બે(કે વધુ) રાષ્ટ્રીય સાહિત્યોની તુલના અસાધારણ વિવેકદૃષ્ટિ અને વિરલ વિશ્લેષણશક્તિ માગે છે. ખરો પ્રશ્ન એ છે કે કોઈ પણ એક રાષ્ટ્રનું સાહિત્ય અન્ય ભાષાસાહિત્યનો પ્રભાવ ઝીલતું દેખાય ત્યારે એ પોતાનું આંતરસત્ત્વ કેટલું અને કેવી રીતે છતું કરે છે. તે બાબત જો મહત્ત્વની છે, તો અન્ય ભાષાસાહિત્યનો પ્રભાવ તે કેટલે અંશે આત્મસાત્‌ કરી શક્યું છે તેનો વિવેકવિચાર પણ એટલો જ મહત્ત્વનો છે. જોકે બે કે વધુ રાષ્ટ્રીય સાહિત્યોને તે દરેકના સમગ્ર ઐતિહાસિક વિકાસક્રમને આવરી લઈને સરખાવવાનું કાર્ય સર્વથા અશક્ય નહિ તોય ઘણું મુશ્કેલ તો છે જ. દરેક સાહિત્યની લાંબી કે ટૂંકી ધારાઓમાં જે વૈવિધ્ય સધાયું હોય તેમાં વ્યાપકપણે મળતાં આવતાં કે જુદાં પડતાં તત્ત્વોનો પરિચય આપી જ ન શકાય એવું નથી; પણ રાષ્ટ્રીય સાહિત્યોમાં સીમિત રૂપના એકમો - મળતા આવતા વર્ણ્યવિષયો મળતા આવતા આકારો-પ્રકારો, રચનારીતિઓ કે રચનાપ્રયુક્તિઓ, શૈલીઓ, વાદો, વિચારધારાઓ અને બીજાં સામાજિક-સાંસ્કૃતિક આંદોલનોના પ્રભાવ આદિ અલગ તપાસનાં એકમો - લઈએ તો તુલનાત્મક અધ્યયન વધુ એકાગ્ર, વધુ સઘન અને ફળપ્રદ નીવડી આવવા સંભવ છે. તુલનાત્મક સાહિત્યના ખેડાણના આરંભના તબક્કામાં એક રાષ્ટ્રીય સાહિત્યનો અન્ય રાષ્ટ્રીય સાહિત્ય પર કેટલો અને કેવો ‘પ્રભાવ’(influence) પડ્યો તેની તપાસ જ તુલનાવાદીઓની મુખ્ય નિસ્બત બની રહી જણાય છે. ૧૯૫૯માં પશ્ચિમના વિખ્યાત અભ્યાસી રેને વેલેકે ‘તુલનાત્મક સાહિત્યમાં કટોકટી’ (The Crisis in Comparative Literature) શીર્ષકના પોતાના અભ્યાસલેખમાં ગંભીરપણે એવી આલોચના કરેલી કે ‘તુલનાત્મક સાહિત્ય’ પાસે એને એક અલગ સ્વતંત્ર વિદ્યાશાખા લેખે પ્રતિષ્ઠિત કરી શકાય તેવી નોખી અધ્યયનસામગ્રી નથી, તેમ તેને પોતીકી એવી તપાસપદ્ધતિય પ્રાપ્ત થઈ નથી. રેને વેલેકની આ રીતની ટીકા કદાચ ઘણી કઠોર લાગશે પણ એ સમયની પશ્ચિમના તુલનાવાદીઓની પ્રવૃત્તિઓ લક્ષમાં લેતાં એમાં તથ્ય રહ્યું દેખાશે. હકીકતમાં, ઉપર નિર્દેશ કર્યો છે તેમ, તુલનાવાદીઓ એ સમયે મુખ્યત્વે રાષ્ટ્રીય સાહિત્યોના પરસ્પરના ‘પ્રભાવો’ પર બધું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા અને સાહિત્યિક પ્રભાવની ઘટનાઓને તેઓ કેવળ positivistic approachથી તપાસવામાં રોકાયા હતા અને રેને વેલેકને આ અભિગમ સામે મોટો વાંધો હતો. તુલનાવાદીઓ તો પ્રભાવ પાડનાર સાહિત્યકૃતિ (કે સાહિત્યકાર) અને પ્રભાવ ઝીલનાર કૃતિ (કે સાહિત્યકાર) એ બંને પક્ષે રચનાવર્ષનો ચોક્કસ પૂર્વાપર ક્રમ નજરમાં રાખી, બંનેની અમુક આવશ્યક લાગતી હકીકતો નોંધી બંને વચ્ચે યેનકેનપ્રકારેણ તેઓ કાર્યકારણનો તાર્કિક સંબંધ સ્થાપી આપવા પ્રયત્નશીલ રહ્યા છે. પણ, રેને વેલેક એ અંગે આપણું ધ્યાન દોરે છે કે એ તુલનાપદ્ધતિમાં પ્રભાવ ઝીલનાર કે પ્રભાવ પાડનાર કૃતિઓને માત્ર પ્રભાવક તત્ત્વ પૂરતી ઘટાવી લેવામાં આવી હતી. સાહિત્યકૃતિઓની અખિલાઈને એથી હાનિ પહોંચતી હતી. વળી કોઈ એક કૃતિના સર્જનમાં અન્ય ભાષાની કૃતિ/કૃતિઓના પ્રભાવને કાર્યકારણના સંબંધમાં મૂકી શકાય નહિ. પણ અહીં આપણે એમ સૂચવવા માગીએ છીએ કે તુલનાત્મક અધ્યયનના ક્ષેત્રમાં ‘પ્રભાવ’નો પ્રશ્ન એક સીમિત અને ગૌણ મુદ્દો છે. રાષ્ટ્રીય કોટિનાં સાહિત્યોમાં તુલના માટે બીજાં અનેક સાહિત્યિક એકમો અને પાસાંઓ અભ્યાસીઓ માટે હવે ખુલ્લાં થતાં જાય છે. આ વિશેની ત્રણ વ્યાખ્યાઓને ધ્યાનમાં લેતાં જ એના વ્યાપ-વિસ્તારનો અંદાજ આવી જશે. હેન્રી રિમાક્‌ : ‘તુલનાત્મક સાહિત્ય’ એટલે કોઈ એક દેશવિશેષની સીમાઓ બહાર વિસ્તરીને થતું સાહિત્યિક અધ્યયન : એમાં એક બાજુ સાહિત્યકૃતિઓ, બીજી બાજુ જ્ઞાનવિજ્ઞાન અને માન્યતાઓ પર નિર્ભર વિષયો – કળાઓ, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજવિજ્ઞાન અને અન્ય વિજ્ઞાનો, ધર્મ વગેરે – એ બંને વચ્ચેના આંતરસંબંધનું એ અધ્યયન છે. ટૂંકમાં, કોઈ એક ભાષાના સાહિત્યનું બીજી ભાષાના સાહિત્ય સાથે તુલના કરીને થતું અધ્યયન અથવા કોઈ એક ભાષાના સાહિત્યનું માનવચિત્તનાં ચિંતનદર્શન આદિ બૌદ્ધિક આવિષ્કરણો સંદર્ભે થતું તુલનાત્મક દૃષ્ટિનું અધ્યયન. પિકોઈ અને રુસો : ‘તુલનાત્મક સાહિત્ય’ એટલે ‘સાહિત્ય’ (‘Literature’- કેપિટલ ‘L’)માત્રને માનવચેતનાના એક વિશિષ્ટ આવિષ્કરણ લેખે સારી રીતે સમજી શકીએ એ હેતુથી આંતરભાષાકીય અને આંતરસાંસ્કૃતિક સ્વરૂપની સાહિત્યિક ઘટનાઓનું ઇતિહાસ, વિવેચન અને તત્ત્વજ્ઞાન જેવાં જ્ઞાનવિજ્ઞાનોની મધ્યસ્થી દ્વારા થતું વિશ્લેષણમૂલક વર્ણન, તેમની ભિન્નતાઓ ઉપસાવી આપતી પદ્ધતિસરની તુલના અને તેમનું સમન્વયકારી અર્થઘટન. પ્રવાર : તુલનાત્મક સાહિત્ય-અધ્યયન એટલે, એક કરતાં વધુ ભાષાઓની ‘સાહિત્યિક વાચનાઓ’ literary texts – (જેમાં સાહિત્યવિષયક સિદ્ધાંતચર્ચા અને કૃતિવિવેચનની ‘વાચનાઓ’નો પણ સમાવેશ થઈ જાય)ની તપાસ – એવી તપાસ જેમાં પરસ્પરના ભેદો (contrasts), સાદૃશ્યો(analogies), મૂળ સ્રોતો(provenances) કે પ્રભાવો (influences) જેવાં તત્ત્વો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોય; અથવા એ રીતની તપાસ, જેમાં જુદી જુદી ભાષાઓ બોલતા પ્રજાસમૂહો વચ્ચે પ્રવર્તતા સાહિત્યિક સંબંધો અને તેમની વચ્ચે ચાલતા આદાનપ્રદાનને વિષય કરવામાં આવ્યો હોય. આ ત્રણ વ્યાખ્યાઓમાં તુલનાત્મક અધ્યયનની પ્રવૃત્તિઓમાં લક્ષિત થતાં ભિન્નભિન્ન પાસાંઓ અને પ્રક્રિયાઓનાં એકમો રેખાંકિત કરવામાં આવ્યાં છે અને ત્રણેયમાં ઉલ્લેખિત એકમોને સાથે લક્ષમાં લેતાં આ વિદ્યાશાખાના વ્યાપક કાર્યક્ષેત્રનો આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે. બે કે વધુ રાષ્ટ્રીય સાહિત્યોની તુલના આપણે હાથમાં લઈએ ત્યારે એકીસાથે એ બધાં એકમોનો વિચાર કરવાનો પ્રસંગ કદાચ ન પણ આવે, પણ પરસ્પર સંબંધિત એવાં ઘણાં એકમો ધ્યાનમાં લેવાનાં આવે એમ બનવાનું. અલબત્ત, ભિન્ન રાષ્ટ્રીય સાહિત્યો વચ્ચે તેમના આંતર-ભાષાકીય અને આંતર-સાંસ્કૃતિક સંબંધો અને આદાનપ્રદાનોની અલગઅલગ ભૂમિકા સંભવે છે. ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, જર્મની, સ્પેન, ઇટાલી, ગ્રીસ અને રશિયા જેવા દેશોનું સાહિત્ય તેમની અલગઅલગ ભાષામાં સંભવ્યું છે, પણ એ સાહિત્યોના મુખ્ય પ્રેરણાસ્રોતો તે પ્રાચીન ગ્રીક અને રોમન સંસ્કૃતિઓ અને ખ્રિસ્તી ધર્મ છે. એ રીતે એ દેશોના પૌરાણિક, બૌદ્ધિક અને નૈતિક પ્રવાહોમાં કેટલુંક મૂળગત સામ્ય પણ છે અને છતાં એ દરેક દેશમાં રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસ જુદી જુદી રીતે ઘડાયો છે. વળી, છેલ્લાં બસો-ત્રણસો વર્ષો દરમ્યાન એ દેશો વચ્ચે સાહિત્યિક સંબંધો અને આદાનપ્રદાન ક્રમશઃ વિસ્તૃત થયાં છે. એ રીતે એ દેશોનાં સાહિત્યો વચ્ચે પરસ્પર પ્રભાવ અને અન્ય સાહિત્યોમાંથી ગ્રહણની જટિલ પ્રક્રિયા ચાલતી રહી છે. એ રાષ્ટ્રીય સાહિત્યોની તુલનામાં, આથી, કેટલાંક પાયાનાં સર્જનાત્મક વલણોમાં તેમ પરંપરાઓમાં અમુક સામ્યો દેખાશે, તે સાથે એ દરેકમાં આગવી રાષ્ટ્રીય ચેતના અને રાષ્ટ્રીય સંવેદનશીલતાય છતી થતી દેખાશે. ઇંગ્લૅન્ડ, અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ જેવા દેશોમાં મુખ્યત્વે અંગ્રેજી ભાષા વ્યવહારમાં તેમ સાહિત્યલેખનમાં યોજાય છે. પણ ઇંગ્લૅન્ડની બહાર વસતી આ પ્રજાઓ હવે સંપ્રજ્ઞપણે આગવી-આગવી રાષ્ટ્રીય ઓળખ અને આગવી-આગવી અસ્મિતા માટે મથી રહી છે. એટલે બ્રિટનના રાષ્ટ્રીય સાહિત્ય કરતાં અમેરિકા કે ઑસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય સાહિત્યમાં ભાષાની સમાનતા છતાં કેટલાંક નવીન તત્ત્વો પ્રગટતાં દેખાય છે. કેનેડામાં અંગ્રેજી અને ફ્રેંચ બોલનારી પ્રજાઓ જઈ વસી છે. રાષ્ટ્રીય અસ્મિતાની ઓળખના તેમ સમરૂપ રાષ્ટ્રીય સાહિત્યના ત્યાં આગવા પ્રશ્નો ઊભા થયા છે. આથી ભિન્ન, ભારત, ચીન, જાપાન, બ્રહ્મદેશ, કોરિયા અને થાઇલેન્ડ જેવા એશિયન દેશોની રાષ્ટ્રીય જાગૃતિની કથા અલગ છે. પ્રાચીન સમયમાં ભારતમાં જન્મેલા બૌદ્ધ ધર્મનો ચીન, જાપાન વગેરે અનેક દેશોમાં પ્રચાર થયો હતો અને ભારતીય સંસ્કૃતિનો અમુક પ્રભાવ અગ્નિ એશિયામાં પડ્યો હતો. પણ સમય જતાં ભારતનો આ દેશો સાથેનો સાંસ્કૃતિક-સાહિત્યિક સંપર્ક તૂટી ગયો હોય કે આદાનપ્રદાન બંધ થઈ ગયું હોય એમ જણાય છે. એટલે, એકંદરે, એમ કહી શકાય કે અર્વાચીન ભારતીય સાહિત્ય અને ચીની સાહિત્ય અલગપણે ખેડાતું રહ્યું છે, અથવા અર્વાચીન ભારતીય ભાષાઓનું સાહિત્ય અને ઇન્ડોનેશિયાનું અત્યારનું સાહિત્ય પરસ્પરથી નિર્લિપ્તપણે વિકસતાં રહ્યાં છે. જોકે ચીની સાહિત્યની જાપાની સાહિત્ય પર એના ઇતિહાસના જુદા જુદા સમયે અસર પડી છે. એટલે, આપણે આ એશિયન રાષ્ટ્રોનાં સાહિત્યોની તુલના કરવાનું સ્વીકારીએ તો એ બધાંની સંબંધ ભૂમિકા જુદી હોવાનું જણાશે. જરા સ્પષ્ટ થઈને કહું તો અંગ્રેજી, ફ્રેંચ અને જર્મન સાહિત્યની ભાષા જુદી હોવા છતાં તેના સાંસ્કૃતિક સાહિત્યિક સ્રોતોમાં કેટલુંક પાયાનું સામ્ય રહેલું જોવા મળે છે. આથી ભિન્ન ગુજરાતી (કે કોઈપણ ભારતીય ભાષાના) સાહિત્યની ચીની સાહિત્ય સાથે તુલના કરતાં ભાષા, શૈલી, આકાર-પ્રકાર અને વર્ણ્યવિષયના ઘણા મોટા ભેદ જોવા મળશે. અલબત્ત, આવા મોટા ભેદો છતાં માનવહૃદયનાં ગહન સર્વકાલીન સ્ફુરણો એમાં જોવા મળશે. રસપ્રદ બાબત એ છે કે ઐતિહાસિક-ભૌગોલિક સંયોગો વચ્ચે જે રાષ્ટ્રો વચ્ચે કોઈ સાહિત્યિક આદાનપ્રદાનની પ્રવૃત્તિઓ થઈ નહોતી કે કોઈ ગાઢ સાહિત્યિક સંપર્કો થયા નહોતા ત્યારેય એવા રાષ્ટ્રોનાં સાહિત્યોમાં અમુક માનવીય સમસ્યા, અમુક સાહિત્યસ્વરૂપો, અમુક શૈલીઓ કે પ્રતીકવિધાન જેવી બાબતોમાં અણધારી રીતે સમાન તત્ત્વો નીપજી આવ્યાં હોય એમ જોવા મળશે અને છતાં એ દરેક સાહિત્યમાં તેને સર્જનારી પ્રજાનાં વિશિષ્ટ દર્શન-ચિંતન, વિશિષ્ટ સૌન્દર્યભાવના, વિશિષ્ટ કળાદૃષ્ટિ અને વિશિષ્ટ સાંસ્કૃતિક વારસાને કારણે આગવી મુદ્રા ઊપસી આવી હોય છે. તુલનાવાદી માટે રાષ્ટ્રીય સાહિત્યોમાં જે કંઈ સમાન આવિષ્કારો મળે છે તે અને એમાં જે કંઈ વિશેષ મરોડો આવ્યા હોય તે – બંને બાબતો એકસરખી રસપ્રદ અને જ્ઞાનપ્રદ બની રહે એમ છે. અહીં આપણે ભારતીય ભાષાઓનાં સાહિત્યો વિશે થોડો નિર્દેશ કરી લઈએ. કેમ કે, આપણી ભાષાઓના સાહિત્યની ભૂમિકા વળી જુદી છે. અહીં ભિન્ન રાષ્ટ્રનાં સાહિત્યોની તુલનાનો પ્રશ્ન નથી. એક જ વિશાળ રાષ્ટ્રમાં સમાન સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસો ધરાવતી ભિન્નભિન્ન પ્રાદેશિક ભાષાઓ અને તેનાં સાહિત્યોની તુલનાનો આ મુદ્દો છે. અંદાજે એમ કહી શકાય કે દસમી, અગિયારમી અને બારમી સદીના ગાળામાં હિંદી, ગુજરાતી, બંગાળી, મરાઠી જેવી પ્રાદેશિક ભાષાઓ પ્રાકૃત/અપભ્રંશમાંથી આકાર લે છે. એ પછી એ દરેક પ્રદેશની પ્રજા આપણા સાંસ્કૃતિક-સાહિત્યિક વારસામાંથી આગવી રીતે પ્રેરણા લઈ પોતીકું સાહિત્ય નિપજાવવા માંડે છે. અર્વાચીન યુગમાં અંગ્રેજી સાહિત્ય અને શિક્ષણ દ્વારા પશ્ચિમની સંસ્કૃતિનો આ પ્રાંતોમાં જે પ્રભાવ પડયો તેમાંય જુદાં જુદાં વિચારવલણો આત્મસાત્‌ થતાં દેખાય છે. એ રીતે આ ભારતીય ભાષાઓનાં સાહિત્યોમાં સમાન પ્રેરણાસ્રોતો અને સમાન વારસો છતાં સામાજિક સમસ્યાઓ-સંઘર્ષો, સાહિત્યિક રૂપો અને શૈલીઓ, વિચારો અને મૂલ્યોની માવજત જેવી બાબતોમાં ચોક્કસ સ્પર્શક્ષમ ભિન્નતાઓ પ્રતીત થાય છે. ભારતીય તુલનાત્મક સાહિત્ય માટે આથી સંગીન ભૂમિકા ઊભી થાય છે. કોઈ બે કે વધુ રાષ્ટ્રીય સાહિત્યોની તુલના હાથમાં લઈએ – અને એ માટે એવા દરેક રાષ્ટ્રીય સાહિત્યની કોઈ પ્રશિષ્ટ કે પ્રતિનિધિરૂપ કૃતિ પસંદ કરીએ – ત્યારે તુલનાત્મક અધ્યયન છેક તેની ભાષાઓના સ્તરેથી આરંભાય એ આદર્શ સ્થિતિ છે. તુલનાવાદી એવી કૃતિઓની ભાષાનો સારો જાણકાર હોય એ જ ઇષ્ટ પરિસ્થિતિ છે. એનું છેક ભાષાના સ્તરેથી ‘વાંચન’ થાય તો એવાં અધ્યયનો વધુ સંગીન, સમૃદ્ધ અને વેધક દૃષ્ટિવાળાં નીપજી આવવા સંભવ છે. પણ, તુલનાત્મક અધ્યયનની ખરી મુશ્કેલી અને અંતરાય અહીંથી જ આરંભાય છે. તુલનાવાદી એશિયા, આફ્રિકા કે યુરોપની કેટલી ભાષાઓ શીખે, શીખી શકે? એટલે, તેને આ સર્વ ભાષાઓની સાહિત્યકૃતિઓના અંગ્રેજી કે હિંદી અનુવાદોથી જ ચલાવવાનું રહે. પણ એથી આપણે એ વાતનો કોઈ રીતે ઇન્કાર ન કરી શકીએ કે દરેક ભાષા – વિકસિત હો યા અવિકસિત – આગવી પ્રકૃતિ ધરાવે છે અને અભિવ્યક્તિની રીતિની દૃષ્ટિએ અમુક વિલક્ષણતાઓ પ્રગટ કરે છે. ઉદાહરણ તરીકે, ચીની અને જાપાની ભાષા લો. આપણે, અલબત્ત, એ ભાષાઓનું જ્ઞાન મેળવ્યું નથી, પણ એ ભાષાઓની કૃતિઓના અંગ્રેજીમાં અનુવાદ કરનારા પશ્ચિમના સાહિત્યકારોએ એ ભાષાઓની સંરચના અને સ્વરૂપની જે રીતે ઓળખ આપી છે તે ઘણી દ્યોતક બની રહે એમ છે. જાપાની ભાષામાં તાન્કા અને હાઈકુ જેવાં સાવ અલ્પ કદનાં જે કાવ્યરૂપો ખેડાયાં તેની પાછળ ચોક્કસ સાંસ્કૃતિક/સાહિત્યિક પરંપરા પડેલી છે. પણ અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે ટાન્કા અને હાઈકુની જે સમૃદ્ધિ અને પ્રભાવકતા છે તેમાં એક ભાષા લેખે જાપાની ભાષાની વિરલ ક્ષમતાના દર્શન થાય છે. શબ્દ સ્વયં અસાધારણ સમૃદ્ધિવાળું કલ્પન બની રહે, શબ્દ-શબ્દ વચ્ચે, કલ્પન-કલ્પન વચ્ચે વ્યંજનાસભર અન્વય રચાવા પામે અને અતિ સંક્ષિપ્ત અને ચુસ્ત પદ્યબંધમાં એટલું જ સ્વચ્છ, સુરેખ, સૌષ્ઠવભર્યું, દીપ્તિભર્યું રચનાશિલ્પ નિર્માણ થાય એ આખી કાવ્યાત્મક ઘટનામાં જાપાની ભાષાની નિજી પ્રકૃતિ છતી થાય છે. ભારતીય ભાષાઓમાં ઊર્મિકાવ્ય કે ગીતસાહિત્યની જે પરંપરાઓ ઊભી થઈ તેમાં બંગાળી ગીતોનું અનોખું લાવણ્ય પ્રતીત થતું દેખાય છે. બંગાળીનું તત્સમ શબ્દોથી મંડિત અભિવ્યક્તિનું આગવું સંવાદી પોત એમાં તરત ધ્યાન ખેંચે છે. આપણે સ્મરણમાં રાખવાનો મુદ્દો એ છે કે કોઈ પણ પ્રજાની, કોઈ પણ રાષ્ટ્રની ભાષા એ કંઈ જડ યાંત્રિક ઉપકરણ નથી, નિષ્ક્રિય માધ્યમ નથી, નર્યું વાહન નથીઃ પ્રજાની ચેતનાનું સ્વયં એ એક જીવંત અને ગતિશીલ સત્ત્વ છે. પ્રજાના ઇતિહાસ સાથે, એના સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ સાથે એનો પોતાનો વિકાસ જોડાયેલો છે. એક રીતે પ્રજાની સંસ્કૃતિમાં તે એક મોટું પ્રેરક, ઉદ્‌ભાવક અને વિધાયક તત્ત્વ છે : સંસ્કૃતિનું તે એક કેન્દ્રવર્તી સંચલન છે. ધર્મ, પુરાણ, સમાજચિંતન, અન્ય જ્ઞાનવિજ્ઞાન અને સાહિત્ય એ સર્વ સાંસ્કૃતિક ઘટનાઓ ભાષામાં અને ભાષા દ્વારા ચાલતી રહે છે. એટલે સાહિત્યમાં યોજાતી ભાષાને આ સમગ્ર સાંસ્કૃતિક વારસો મળ્યો હોય છે. એ ભાષાની સંરચના-વિષયક વિલક્ષણતાઓની જેમ તેનું આગવું શબ્દભંડોળ પણ સાહિત્યિક શૈલી અને પોતમાં આગવો અર્થ, આગવો રણકો જન્માવે છે. હકીકત તો કંઈક એવી છે કે જ્ઞાનવિજ્ઞાનના સઘન ખેડાણ સાથે ભાષા વધુ ને વધુ અમૂર્ત અને વિશ્લેણાત્મક બનતી રહે છે અને એમાં અમૂર્ત વિચારો અને વિભાવનાઓનું પ્રાધાન્ય જન્મે છે ત્યારે એવી પરિસ્થિતિમાં દરેક જાગૃત લેખક પોતાના વિશિષ્ટ કલાત્મક ઉદ્દેશને લક્ષમાં રાખી નવેસરથી ભાષાનો સર્જનાત્મક વિનિયોગ કરવા ચાહે છે. આપણા દેશની ભાષાઓમાં મધ્યકાલીન સાહિત્યોની પરંપરા જે રીતે ભાષા યોજે છે તેમાં સાંસ્કૃતિક દબાવ વિશેષ રહ્યો છે. તેની સામે અર્વાચીન સાહિત્યોની ભાષામાં જુદાં જુદાં પરિબળો નીચે આગવી શૈલીઓ, આગવી અભિવ્યક્તિઓ સિદ્ધ થઈ છે. તુલનાવાદીએ આ રીતે કોઈ પણ રાષ્ટ્રીય સાહિત્યની તપાસમાં ખરેખર તો, તેના ભાષાશૈલીના વિકાસક્રમનેય ઝીણવટથી લક્ષમાં લેવાનો રહે. આ પ્રશ્નને જરા જુદા પરિપ્રેક્ષ્યમાંય જોવાનો રહે. પ્રજાઓના ઇતિહાસ પર નજર કરતાં જણાશે કે દરેક પ્રજા સંસ્કૃતિવિકાસને ચોક્કસ તબક્કે પોતાની અભિવ્યક્તિના મુખ્ય સાધન સમી ભાષાનું ગૌરવ કરતી થઈ છે. એવી કોઈ પ્રાચીન ભાષાને ‘પવિત્ર’ લેખવવાનું અને તેની ‘શુદ્ધિ’ જાળવવાનું વલણ પણ તેમણે કેળવ્યું હોય છે. એટલે, સાહિત્યની ભાષામાં એ વિશુદ્ધ સ્વરૂપની ભાષા યોજવાનો આગ્રહ જન્મે છે; તો બીજી બાજુ, જનસમાજની રોજિંદી બોલીનો પ્રયોગ કરવાની વૃત્તિ પણ જન્મી પડે છે. દરેક રાષ્ટ્રીય સાહિત્યના ઇતિહાસમાં ક્યારેક પ્રશિષ્ટ ભાષા તરફનો ઝોક, તો ક્યારેક લોકભાષા તરફનો એમ બે વિરોધી વલણો કામ કરતાં જોવા મળે છે. તુલનાવાદી આ રીતની ભાષાકીય ઘટનાઓની ઉપેક્ષા કરી શકે નહિ. વળી ભિન્નભિન્ન રાષ્ટ્રોની કવિતાના પદ્યબંધ અને લયસંયોજનના પ્રશ્નો એક બાજુ એના કાવ્યપ્રકાર, શૈલી કે પરંપરા સાથે, તો બીજી બાજુ તેની ભાષાની પ્રકૃતિ અને સંરચનાગત ખાસિયતો સાથે સંકળાયેલા છે. અંગ્રેજી ભાષામાં accentનું તત્ત્વ વ્યાપક રૂપે સક્રિય છે, અને તેના પદ્યબંધમાં તે એક મોટું નિયામક તત્ત્વ બની રહે છે. આથી ભિન્ન, ગુજરાતી, હિન્દી, બંગાળી જેવી ભાષાઓમાં આવું કોઈ તત્ત્વ નિર્ણાયક રીતે ભાગ ભજવતું નથી. અંગ્રેજીમાં ખેડાયેલો બ્લેંકવર્સ, આથી જ, રોજિંદી બોલચાલની નિકટ આવી જતો છતાં સુદૃઢ પદ્યબંધનો પ્રભાવ જાળવી રાખે છે. અંગ્રેજીમાં પદ્યનાટક અર્થે ટી.એસ.એલિયટ જેવા પ્રતિભાસંપન્ન કવિએ એના પદ્યબંધ અને એની ભાષાસંયોજનાના પ્રશ્નોનો જે રીતે મુકાબલો કર્યો તેના મૂળમાં જતાં અંગ્રેજી નાટકના માધ્યમ લેખે એના ભાષાવિધાનના પ્રશ્નો જ ધ્યાનમાં આવશે. તુલનાવાદીઓએ આવા પ્રશ્નોનીય અવગણના કરવી ન જોઈએ. પણ રાષ્ટ્રીય સાહિત્યોની તુલનામાં એટલું જ બલકે એથીય વધુ રસપ્રદ અને મહત્ત્વનું પાસું તે તેના વર્ણ્યવિષયો(themes)નું છે. ઉપલક નજરે આપણને એમ લાગે કે માનવહૃદયના ભાવો સર્વત્ર સમાન છે; સંસારનાં સુખદુઃખો બધે એકસરખાં જ છે; તરુણ-તરુણીની પ્રેમઝંખના, મિલન અને વિરહ, સંતાનની એષણા, મૃત્યુનો શોક અને વિષાદ, કુટુંબવાત્સલ્ય, નીતિધર્મ અને સદાચારની જિકર – એમ માનવજાતિમાં અમુક હૃદયવૃત્તિઓ તો એકરૂપ જ લાગશે. અને છતાં જગતભરનાં સાહિત્યોની થોડીક જ ઝલક જોતાં તરત સ્પષ્ટ થશે કે એવા ભાવોનું આલેખન કોઈ ને કોઈ રીતે જુદું પડ્યું જ છે. એના મૂળમાં એક બાજુ વ્યક્તિ અને સમાજ વચ્ચેના સંબંધોની આગવી ભૂમિકા રહેલી છે, તો બીજી બાજુ પ્રજાનાં ધર્મ, પુરાણ, દર્શન અને જ્ઞાનવિજ્ઞાનની નિરનિરાળી ભૂમિકાઓ જોઈ શકાશે. એટલે પ્રશ્ન માત્ર ભાવબોધનો જ નથી, એ ભાવબોધ પાછળની આગવી સામાજિક-સાંસ્કૃતિક પરિસ્થિતિઓની ઓળખનો પણ છે. પ્રેમ, વીરતા, મૃત્યુ કે વિરતિ જેવી ભાવભૂમિકાઓને સાહિત્યનાં નાયકનાયિકા કેવી રીતે અનુભવે છે અને કવિમનીષી તેને વ્યાપક સાંસ્કૃતિક સંદર્ભમાં કેવી રીતે ઘટાવે છે કે મૂલવે છે તે પણ એટલો જ મહત્ત્વનો પ્રશ્ન છે. અંતે તો જે તે રાષ્ટ્રીય સાહિત્યમાં જીવનવિચાર અને મૂલ્યતંત્રની માવજત શી રીતે કરવામાં આવી તે સૌથી મહત્ત્વના પ્રશ્નો બની રહે છે. મહાકવિ કાલિદાસની કૃતિ ‘અભિજ્ઞાન શાકુંતલ’ અને પ્રસિદ્ધ અંગ્રેજ નાટ્યકાર શેક્સપિયરની કૃતિ ‘ટેમ્પેસ્ટ’માં પ્રણયભાવનાનાં જે ભિન્ન રૂપો પ્રગટ થયાં છે તેની પાછળ એ બે કવિઓનું આગવું જીવનદર્શન અને તેના પ્રેરણાસ્રોત સમી આગવી સંસ્કૃતિ પડેલી છે. એ વાત કવિવર રવીન્દ્રનાથે ખૂબ માર્મિક રીતે સમજાવી છે. એ જ રીતે કવિવર ટાગોરનાં અધ્યાત્મચિંતનનાં કાવ્યો પ્રસિદ્ધ જર્મન મહાકવિ રિલ્કેનાં ધર્મજીવનને લગતાં કાવ્યો સાથે સરખાવી જોતાં તેમાં પરમ ઈશ્વરી તત્ત્વ પ્રત્યેની ભિન્ન દૃષ્ટિ અને ભિન્ન વૃત્તિ તરત સ્પષ્ટ થશે. અહીં પણ પૂર્વપશ્ચિમનો સાંસ્કૃતિક ભેદ ઉત્કટપણે પ્રત્યક્ષ થશે. મુખ્ય વાત એ છે કે મહાકાવ્ય, નાટક, કથાકાવ્ય, નવલકથા, લઘુનવલ અને ટૂંકી વાર્તા જેવાં કથામૂલક સ્વરૂપોમાં નાયકનાયિકાનાં અને બીજાં ઓછાવત્તા મહત્ત્વનાં પાત્રોના આશ્રયે તેના કવિએ જે રીતે માનવહૃદયના ભાવો અને અનુભવો રજૂ કર્યા હોય છે અને જે સંઘર્ષો અને સમસ્યાઓ તેમાં નિમિત્ત બન્યાં હોય છે તેના પ્રગટ કે પ્રચ્છન્ન સામાજિક-સાંસ્કૃતિક સંદર્ભો પડેલા હોય છે. આપણે જેને માનવીય સંયોગો અને સંઘર્ષો તરીકે ઓળખીએ છીએ તેના બોધમાં અમુક ધર્મવિચાર કે તત્ત્વવિચારની ભૂમિકા અનુસ્યૂત રહી હોય છે. નાયકનાયિકાના લાગણીમૂલક સંઘર્ષોમાંય ઊંડે ઊતરતાં તેમાં નીતિ, સદાચાર, શીલ કે ધર્મદૃષ્ટિનાં અમુક ધોરણો અને આદેશો નિર્ણાયક બન્યાં હોય છે. યુગે યુગે બદલાતાં જીવનવિચાર અને માન્યતાઓ પણ એમાં જોડાતાં હોય છે. એટલે, તુલનાત્મક અધ્યયનમાં આકાર લેતા વર્ણ્યવિષયો કંઈ આકસ્મિક બાબતો હોતી નથી; સમાજ અને સંસ્કૃતિના પાયામાં પડેલા પાયાના પ્રશ્નો એમાં ઊપસી આવ્યા હોય છે. પાશ્ચાત્ય સાહિત્યમાં માનવનું પતન(the fall of man), માનવનું પુનરુત્થાન(the Resurrection), માનવઅસ્તિત્વની મૂળભૂત એકલતા, તેની નૈતિક જવાબદારી અને પસંદગીનો પ્રશ્ન, પિતા-પુત્ર વચ્ચેનો વિશિષ્ટ આધ્યાત્મિક સંબંધ જેવા વર્ણ્યવિષયો પશ્ચિમની સંસ્કૃતિમાં સતત આલેખાતા રહેલા વર્ણ્યવિષયો છે. આથી ભિન્ન, ભારતીય સાહિત્યમાં આત્મા અને પરમતત્ત્વની અંતિમ એકતા, આત્માની મુક્તિ, કર્મફલસિદ્ધાંત, પુનર્જન્મ, પરમતત્ત્વ સમક્ષ માનવવ્યક્તિનું આત્મલોપન જેવા મૂળભૂત ખ્યાલો કોઈ ને કોઈ રીતે ગૂંથાયેલા દેખાશે. ભિન્નભિન્ન રાષ્ટ્રીય સાહિત્યોમાં પ્રશિષ્ટ અને પ્રતિનિધિરૂપ કવિઓની રચનાઓમાં રજૂ થયેલાં અનુભવો અને સંવેદનો, સંઘર્ષો અને સમસ્યાઓનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરતાં સમજાશે કે એને એનો આગવો સાંસ્કૃતિક સંદર્ભ મળેલો છે. પ્રાચીન ગ્રીસમાં ‘ઇડિપસ કિંગ’ જેવી ટ્રેજડિ જન્મે અને સોળમી સદીના ઇંગ્લૅંડમાં શેક્સપિયર ‘હેમ્લેટ’ અને ‘મેકબેથ’ જેવી ટ્રૅજડિઓ રચે – એ ટ્રૅજડિ સ્વરૂપને પશ્ચિમની માનવઅસ્તિત્વ અને માનવસંયોગો વિશેની તાત્ત્વિક વિચારણા સાથે ગાઢ સંબંધ છે. માનવઅસ્તિત્વની મૂળભૂત વિષમતા, અર્થશૂન્યતા અને તેમાં છતી થતી કરુણ વક્રતાની ઝાંખી કેટલીક ગ્રીક પુરાણકથાઓમાંય થશે. આથી ભિન્ન, ભારતીય મહાકાવ્યો અને નાટકોમાં મર્મવેધક કરુણરસનું આલેખન થયું છે, પણ પાશ્ચાત્ય પરંપરા જેવી ટ્રૅજડિ અહીં નિર્માણ થઈ નથી. પ્રશ્ન ખરેખર વિશ્વદર્શનની ભિન્નતાનો છે. ભારતીય સાહિત્ય અને ચિત્ર-શિલ્પ-નૃત્ય આદિ કળાઓમાં નવ રસની પ્રાચીન વિચારણા ઘણી પ્રભાવક નીવડી છે. પણ આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે પ્રાચીન આચાર્યોની રસતત્ત્વની વિચારણા, દેખીતી રીતે જ, તેમની વિશિષ્ટ સૌંદર્ય-ભાવનાની દ્યોતક છે, અને તે પ્રાચીન ભારતના અધ્યાત્મદર્શન પર મંડાયેલી છે. ચીનની કવિતાના ઇતિહાસમાં એક અતિ રમણીય ધારા તે ત્યાંના કવિઓએ રચેલી પ્રકૃતિ વિષયક ઊર્મિકવિતાની છે. એમાં, પ્રકૃતિનાં દૃશ્યોમાં જે લોકોત્તર પ્રશાંતતા અને નિર્મળતાની જે ઝાંખી થાય છે, તેમાં બૌદ્ધ માર્ગને અભિમત સમાધિસ્થ પ્રજ્ઞાનું જાણે પ્રતિબિંબ ઝિલાતું વરતાય છે. સમાંતરે પ્રકૃતિનાં દૃશ્યોને ચિત્રકૃતિમાં આલેખવાના જે ઉપક્રમો થયા તેમાં પણ એ જ પ્રશાંતતા અને નિર્મળતાની ઝલક મળે છે. કવિતા અને ચિત્રકળામાં આ રીતે વિશિષ્ટ ધ્યાનસ્થ ભૂમિકાનું આલેખન કંઈ આકસ્મિક બાબત નથી : બૌદ્ધદર્શનની પ્રેરિત સૌંદર્યચેતના એમાં કામ કરતી રહી છે. તેરમી-ચૌદમી સદીમાં ભારતમાં કૃષ્ણભક્તિનું આંદોલન જે રીતે પ્રાંત પ્રાંતમાં વિસ્તર્યું અને તેની પ્રેરણાથી પ્રેમલક્ષણા ભક્તિનું જે વિશાળ સાહિત્ય જન્મ્યું તેની પાછળ પણ પ્રાચીન ધર્મચિંતન, પુરાણ અને દર્શનની આગવી પરંપરા પડી છે. ધર્મ, ભક્તિ કે અધ્યાત્મચિંતનની કવિતા ખરેખર તો જગતના ઘણાય દેશોમાં મળશે – અંગ્રેજી, ગ્રીક અને સ્પેનિશ કવિતામાં એ પ્રકારનાં ગહનગંભીર કાવ્યો મળે છે – પણ ભારતની પ્રેમલક્ષણા ભક્તિ અને તેની કવિતાનું રહસ્ય નિરાળું જ છે. ભારતનાં મહાકાવ્યો ‘રામાયણ’ અને ‘મહાભારત’ને હોમરનાં ‘ઇલિયડ’ ને ‘ઓડિસી’ સાથે સરખાવતાં એમાં વીરકથાની સામગ્રી પૂરતું સામ્ય જરૂર મળે, પણ ‘રામાયણ’ અને ‘મહાભારત’માં ભારતીય સંસ્કૃતિનાં ઉત્તમ તત્ત્વો જે રીતે ગૂંથાયાં છે, ખાસ તો ધર્મ અને અધ્યાત્મ વિશે તેમ નીતિ, સદાચાર અને શીલ વિશે એમાં જે ગહન ચિંતન રજૂ થયું છે તે હોમરમાં નથી. હકીકતમાં, દરેક રાષ્ટ્રીય સાહિત્યમાં પ્રશિષ્ટ કોટિની જે કૃતિઓ નિર્માણ થઈ હોય છે, તેમાં તેની સત્ત્વશીલ પરંપરાઓનું ચોક્કસ અનુસંધાન રહ્યું હોય છે. દરેક પ્રજાનું, દરેક રાષ્ટ્રનું જીવનસત્ત્વ વિકસાવવામાં તેના પ્રશિષ્ટ ગ્રંથો અને લેખકોની પ્રેરણા હોય છે, તો એવા ગ્રંથોના હાર્દમાં સમગ્ર પ્રજાની ગહન સ્મૃતિ સમી પુરાણકથાઓ, ધર્મકથાઓ અને લોકકથાઓના સત્ત્વશીલ અંશો પ્રવેશ્યા હોય છે. પ્રજાનું વિશ્વદર્શન વ્યાપકપણે તેમની ધર્મદૃષ્ટિ અને પુરાણકથાઓમાં સૂચિત વિચારતત્ત્વોથી નિયંત્રિત થતું રહે છે. પ્રજા પાસે બીજરૂપ એવાં જે દર્શનો હોય, ધર્મવિચાર હોય, પુરાણકથાઓ હોય તે સદીઓ સુધી ઋષિઓ, સંતો, ચિંતકોની જીવનવિચારણામાં પ્રેરક અને નિયામક તત્ત્વ બની રહ્યાં હોય છે. પ્રજાજીવનમાં સદીઓ સુધી જીવનના ઉન્નત આદર્શો અને મૂલ્યોની પ્રતિષ્ઠા જે રીતે થઈ તેના મૂળ સ્રોતો આ પ્રશિષ્ટ પરંપરામાં પડ્યા હોય છે. ખરેખર તો સાહિત્યની દીર્ઘ પરંપરા ધરાવતી પ્રજાના કવિઓ અને નાટ્યકારો પોતાની કૃતિઓની સામગ્રી માટે કે પોતાના પ્રેરણાસ્રોત લેખે પોતાની પરંપરામાં અતિ પ્રચલિત એવી અમુક પુરાણકથાઓ, લોકકથાઓ કે દંતકથાઓ તરફ ફરીફરીને વળ્યા હોય એમ જોવા મળશે. એક રીતે આવી આખી સાહિત્યિક પરંપરામાં અમુક કથાબીજો (motifs) આર્કિટાઈપરૂપ એવાં પાત્રો અને પૌરાણિક-ધાર્મિક પ્રતીકોનો ફરીફરીને ઉપયોગ થતો રહ્યો હોય છે. પુરાણકથાઓમાં તેમ પ્રાચીન પ્રશિષ્ટ કૃતિઓમાં વ્યાપકપણે યોજાયેલા અલંકારો અને અભિવ્યક્તિના વિશેષ પ્રયોગો પણ અનુકાલીન સાહિત્યમાં ઊતરી આવ્યા હોય છે. એ ખરું કે પ્રતિભાસંપન્ન કવિ કે નાટ્યકાર એવા પ્રાચીન કથાવસ્તુમાં નવું રહસ્ય જન્માવતો હોય છે, છતાં એ કથાવૃત્તાંતો, કથાબીજો, પ્રતીકો દ્વારા અમુક સાંસ્કૃતિક અર્થો અને મૂલ્યોનું માળખું પણ એમાં ગર્ભિત રીતે ઊતરી આવ્યું હોય છે. વળી આ કથાઓમાં જે કંઈ પરિવર્તન કે રૂપાંતર સધાયું હોય તે કવિપ્રતિભાની અમુક આંતરિક જરૂરિયાત સ્વીકાર્યા પછીય એમાં જે તે યુગનાં જીવનવિચાર અને બદલાયેલી સાંસ્કૃતિક પરિસ્થિતિની અસર પડી હોય એમ જોવા મળશે. ભારતીય સાહિત્યમાં ઉર્વશીની પુરાણકથા, પાંડુકથા, કર્ણચરિત્ર, કચદેવયાનીકથા, જટાયુકથા, પાંડવોનું મહાપ્રસ્થાન જેવી પૌરાણિક મૂળની કથાઓનું અર્વાચીન યુગસંદર્ભમાં જે કળાત્મક પ્રસ્તુતીકરણ થયું હોય, અને એ દરેકમાં જે નવું રહસ્ય પ્રગટાવવામાં આવ્યું હોય તેનું અધ્યયન ઘણું દ્યોતક અને રસપ્રદ બની રહે એમ છે. પશ્ચિમના સાહિત્યમાં પાવનકારી માતા મેરી, ઈશુના વધસ્થંભ પર આત્મબલિદાનનો વૃત્તાંત, લેઝેરસના પુનર્જન્મનો વૃત્તાંત, યુલિસિસકથા, ઓર્ફિયસકથા જેવી અનેક પુરાણકથાઓ/દંતકથાઓનો ત્યાંના કવિઓ-લેખકોએ આગવા-આગવા અર્થઘટન સાથે પોતાની કૃતિઓમાં ઉપયોગ કર્યો છે. એટલે તુલનાવાદીઓ જ્યારે બે (કે વધુ) રાષ્ટ્રીય સાહિત્યોનું અધ્યયન કરવા પ્રવૃત્ત થાય ત્યારે તે દરેકની દીર્ઘ પરંપરાઓને તેમણે સતત લક્ષમાં લેવાની રહે છે. તુલના માટેની પ્રસ્તુત કૃતિઓ અને તેના અર્થબોધના પ્રશ્નો એવી પરંપરાઓના પ્રકાશમાં તપાસવાના રહે, એવી પરંપરાઓની તુલના જ આ પ્રકારના અધ્યયનને અર્થવત્તા આપી શકે. સાહિત્યિક તુલનામાં સાહિત્યિક વાદો, વિચારધારાઓ અને આંદોલનોની પરિણામકારકતા પણ એક અગત્યનું અધ્યયન બની રહે એમ છે. રંગદર્શિતાવાદ-(Romanticism)ની ઘટના ગઈ સદીના યુરોપમાં એક વ્યાપક સાહિત્યિક ઘટનારૂપે જોવા મળે છે. અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ જેવી ભાષાઓનાં સાહિત્યોમાં તેની સ્પષ્ટ અસરો જોવા મળી અને છતાં એ દરેક સાહિત્યમાં રંગદર્શી વિચારવલણો જુદી જુદી માત્રામાં છતાં થયાં છે. એમાં જે તે પ્રજાના માનસિક બંધારણનો મુદ્દોય અમુક અંશે કારણભૂત ખરો, પણ સાથોસાથ રંગદર્શી વલણોને મુક્ત અવકાશ આપતી કે અવરોધતી દાર્શનિક વિચારધારાઓય એમાં નિર્ધારક બની છે. જેમ કે, અંગ્રેજી સાહિત્યમાં વડર્‌ઝવર્થ, શેલી, કૉલરિજ વગેરે કવિઓએ જે રંગદર્શી વલણો છતાં કર્યાં તેમાં અંગ્રેજી તત્ત્વચિંતનની વિશેષ પ્રેરણા રહી છે. આથી ભિન્ન જર્મન સાહિત્યમાં રંગદર્શિતાવાદ, ત્યાંની Transcendental Philosophyના ઘેરા પ્રભાવ નીચે વધુ ઉત્કટ રૂપે પ્રગટ થયો. આધુનિક સ્પેનિશ સાહિત્યમાં પણ રંગદર્શી વૃત્તિવલણો એ રીતે ઘેરા રંગમાં પ્રગટ થયાં પણ તેનાં પ્રેરક બળો કંઈક ભિન્ન હતાં. એમાં એક બાજુ ખ્રિસ્તી રહસ્યવાદની છાયા તો બીજી બાજુ તેના લોકસાહિત્યની પ્રેરણા ઝિલાતી દેખાય છે. યુરોપનાં સાહિત્યોમાં વાસ્તવવાદ અને પ્રકૃતિવાદની ઘટના પણ એટલી જ રસપ્રદ છે. અંગ્રેજી, ફ્રેન્ચ, સ્પેનિશ અને રશિયન સાહિત્યમાં વાસ્તવવાદ જુદાં જુદાં વૃત્તિવલણો સાથે ઘૂંટાતો રહ્યો છે. અંગ્રેજી અને ફ્રેન્ચ લેખકોએ જે વાસ્તવવાદી નવલકથાઓ લખી તેમાં તેમના મૂર્ત અનુભવો અને બૌદ્ધિક વિશ્લેષણોનો દાબ સ્પષ્ટ વરતાય છે. રશિયન નવલકથાઓમાં જન્મભૂમિ પ્રત્યેની ઘેરી લાગણી અને માનવતાવાદી સ્વર વધુ મુખરિત થયો છે. દરેક સાહિત્યમાં સામાજિક-સાંસ્કૃતિક પરિસ્થિતિની ચોક્કસ પકડ છે. પણ તેમાં રજૂ થતાં પાત્રોના અનુભવોમાં અતિપ્રાકૃત તત્ત્વોનો વત્તોઓછો સ્વીકાર છે. આધુનિકતાવાદી આંદોલનનાં વ્યાપવિસ્તાર અને પ્રભાવોની તુલના જોકે સૌથી રસપ્રદ અને છતાં સૌથી વધુ પડકારરૂપ બાબત છે. યુરોપીય દેશોમાં ઇંગ્લૅંડ, ફ્રાન્સ, જર્મની, સ્પેન કે અમેરિકા, રશિયા જેવા દેશો કે ભારત, ચીન, જાપાન જેવા દેશોમાં એ સંકુલ સાહિત્યિક ઘટના કેવી રીતે અને કેટલે અંશે પરિણામધારી બની તેની તુલના એ એક મોટું ક્ષેત્ર છે. દરેક પ્રજાના સાહિત્યના ઇતિહાસમાં જુદે જુદે તબક્કે જુદાં જુદાં સાહિત્યસ્વરૂપો વ્યાપક પ્રયોગમાં આવ્યાં દેખાય છે. સાહિત્યસ્વરૂપોની તાત્ત્વિક ભૂમિકાની તપાસ કરતાં એમાં મુખ્યત્વે ઊર્મિકવિતા, કથામૂલક સાહિત્ય અને નાટક જેવી પાયાની કોટિઓ પડી હોવાનું દેખાય, પણ વાસ્તવમાં દરેક પ્રજા આ કોટિઓમાં આગવાં ઐતિહાસિક રૂપો નિપજાવી લે છે. એવા દરેક સાહિત્યસ્વરૂપના ઉદ્‌ભવવિકાસનો તેમ તેના પરિવર્તન કે રૂપાંતરનો આગવો ઇતિહાસ હોય છે. વળી એક પ્રજા અન્ય પ્રજાના સંપર્કમાં આવતાં તેનાં સાહિત્યસ્વરૂપો પૈકી કેટલાંક અપનાવે અને પોતાની આંતરિક જરૂરિયાત પ્રમાણે તેમાં કશુંક નવસંસ્કરણ પણ કરી લે. આ સર્વ સ્વરૂપોના ઉદ્‌ભવવિકાસનો ક્રમ કે તેની ચઢતીપડતીનો ક્રમ માત્ર સાહિત્યિક સંયોગોનો જ પ્રશ્ન નથી; સમાજ અને સંસ્કૃતિનાં બદલાતાં પરિબળોય એમાં ભાગ ભજવે છે, તો સાહિત્યકળાની બદલાતી વિભાવના અને બદલાતી રસરુચિ પણ એમાં નિર્ધારક બની રહે છે. એટલે રાષ્ટ્રીય સાહિત્યોની તુલનામાં સાહિત્યસ્વરૂપોની ચોક્કસ ભૂમિકાએથી થતી તપાસ એટલી જ રસપ્રદ બની રહે એમ છે. પ્રાચીન ગ્રીસમાં ખેડાયેલું ટ્રૅજડિનું નાટ્યસ્વરૂપ, સંસ્કૃત પરંપરાનું નાટક અને જાપાનની ‘નો’ નાટકની પરંપરા પરસ્પરથી સાવ ભિન્ન સંસ્કૃતિઓમાં જન્મ્યાં છે. નાટકનાં વર્ણ્યવસ્તુ, રચનાવિધાન, પ્રસ્તુતિકરણની પ્રણાલિકા, રંગમંચ-આયોજન, નાટયપ્રયોગ સાથે જોડાયેલાં અમુક વિધિવિધાન, પદ્ય/ગદ્યનો વિનિયોગ, પાત્રસૃષ્ટિમાં અલૌકિક તત્ત્વો, વાસ્તવબોધ કે વિશ્વદર્શન, સમકાલીન સમાજ અને સંસ્કૃતિનો સંદર્ભ - એમ અનેક બાજુએથી એ નાટ્યપરંપરાઓની તુલના થઈ શકે. એક રીતે આ નાટ્યપરંપરાઓની તાત્ત્વિક ભૂમિકાઓ સ્પર્શવા જતાં જે તે પ્રજાના ધર્મ, પુરાણદર્શન, સાહિત્ય આદિ અનેક વિષયોની જાણકારી એમાં આવશ્યક બની રહેશે. મહાકાવ્ય, કથાકાવ્ય, એલિજી, અને ઓડ જેવાં કાવ્યસ્વરૂપો લો કે નવલકથા, લઘુનવલ અને ટૂંકી વાર્તા જેવાં ગદ્યસ્વરૂપો લો – જુદાં જુદાં રાષ્ટ્રીય સાહિત્યોમાં કોઈ ને કોઈ વિલક્ષણતા જોવા મળશે. નવલકથા, લઘુનવલ અને ટૂંકી વાર્તા તો આધુનિક સમયમાં નીપજ્યાં છે અને એના પ્રસાર-પ્રવર્તનમાં અન્ય પ્રજાનાં સાહિત્યોમાં ખેડાતાં રહેલાં આ સ્વરૂપોની અમુક પ્રેરણા અને પ્રભાવ હોઈ શકે; પણ, એમ છતાંય વિષયવસ્તુ, રચનારીતિ, માનવપરિસ્થિતિ અને અનુભવો જેવાં પાસાંઓમાં કશું જ સ્થાનિક પ્રજાનું આગવું વલણ એમાં દેખા દે તો નવાઈ નહિ. જેમ કે, નવલકથા અને ટૂંકી વાર્તા જેવાં કથાસ્વરૂપો આધુનિક જાપાનેય અપનાવ્યાં છે, એમાં સાંપ્રત જાપાની સમાજની સમસ્યાઓ અને બદલાતા માનવીય સંબંધોની કથાઓય છે. પણ કથાકથન અને વર્ણનની રીતિ પરત્વે તેમની મધ્યકાલીન કથાકથનની પરંપરાનું ગાઢ અનુસંધાન રહ્યું છે. થોમસ રિમેર નામના પાશ્ચાત્ય અભ્યાસીએ જાપાનના અગ્રણી કથાસર્જકો તાનિઝાકી, નત્સુમે સોસેકી, નાગાઈ કાફુ અને કાવાબાતાની કૃતિઓની કથનશૈલીનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરી એમ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે કથાકથનની ભૂતકાલીન રીતિનો એમાં બળવાન પ્રભાવ રહ્યો છે. ભારતીય ભાષાઓમાં નવલકથા, વાર્તા આદિ પાશ્ચાત્ય સ્વરૂપો કેવી રીતે સ્વીકારાયાં અને કથનવર્ણનની રીતિ અને સંવિધાન પરત્વે પરંપરાગત કથાસાહિત્યની પ્રેરણા તેમાં દરેકમાં કેવી રીતે કામ કરતી રહી તે પણ અવલોકનીય છે. પ્રશ્ન અંતે શૈલી, રૂપરચના કે સંવિધાના ભેદનો નથી; માનવીય વાસ્તવ વિશેની દૃષ્ટિ અને કળાસૌંદર્ય વિશેની અમુક સમજ પણ એમાં ભાગ ભજવે છે. દરેક પ્રજાના – દરેક રાષ્ટ્રના – સાહિત્યની જો આગવી પરંપરા રચાઈ આવી હોય તો સંભવતઃ તેમાં સાહિત્યની કળા વિશેની અમુક દૃષ્ટિ નિર્ણાયક બની હોય છે. પ્રજાના સાહિત્યનો ઇતિહાસ લાંબો હોય કે ટૂંકો હોય, એના વિકાસ અને વળાંકના દરેક તબક્કે એમાં સંપ્રજ્ઞપણે કે અર્ધસંપ્રજ્ઞપણે કોઈક સાહિત્યવિભાવના પ્રેરક બળ બની હોય છે. એક રીતે કળા અને સૌંદર્યની દૃષ્ટિ પ્રજામાં આગવી રીતે વિકસતી રહેતી હોય છે. સાહિત્યવિવેચન અને સૌંદર્યમીમાંસાના પ્રશ્નોની જો માંડણી થઈ ચૂકી હોય તો તો સમગ્ર સાંસ્કૃતિક પરિસ્થિતિઓમાં કૃતિને મૂલવવાનાં સૌંદર્યપરક મૂલ્યોનું અમુક માળખું પણ પ્રચારમાં આવી ચૂક્યું હોય છે. પ્રાચીન ગ્રીસ, પ્રાચીન ભારત અને પ્રાચીન ચીનમાં સૌંદર્ય વિશે આગવી રીતની દૃષ્ટિ વિકસી છે. પ્રજાનાં ધર્મ, દર્શન, અધ્યાત્મવિચાર અને અન્ય વિજ્ઞાનોના પ્રકાશમાં એ દરેક સૌંદર્યચેતનાનું રહસ્ય સમજી શકાશે. વ્યાપકપણે પૂર્વ-પશ્ચિમની સાહિત્યમીમાંસા અને સૌંદર્યતત્ત્વ-વિચારણાઓનોય તુલનાત્મક અભ્યાસ થઈ શકે અને થતો રહ્યો છે. પણ દરેક મહાન સાહિત્યિક પરંપરા અને તેમાં બદલાતી રહેલી સાહિત્યિક વિભાવનાઓનેય પાસેપાસે મૂકીને સરખાવી શકાય. અંગ્રેજી, અમેરિકન, ફ્રેંચ, જર્મન કે રશિયન સાહિત્યને પ્રાચીન કાવ્યમીમાંસાનો સમાન પ્રેરણાસ્રોત છતાં એ દરેક પ્રજાએ સમયેસમયે ખેડાતા સાહિત્યને અનુલક્ષીને તેમ દર્શનચિંતનની આગવી પ્રણાલિકાને અનુરૂપ આગવો વિવેચનવિચાર સિદ્ધ કર્યો છે. આધુનિક સમયમાં વિકસતા રહેલા દરેક રાષ્ટ્રીય સાહિત્ય પાછળના સાહિત્યશાસ્ત્રની ગતિવિધિઓ ઘણી મહત્ત્વપૂર્ણ છે. બીજી બાજુ રચાતા જતા સાહિત્યમાં એવું સાહિત્યશાસ્ત્ર કેવી રીતે અને કેટલે અંશે પ્રેરક અને વિધાયક બળ બન્યું, તેમજ સમકાલીન કૃતિવિવેચનમાં કયાં ધોરણો અને કયાં મૂલ્યો પુરસ્કારાયાં અને કયાં પ્રતિષ્ઠિત થયાં તેની તપાસ પણ એટલી જ મહત્ત્વપૂર્ણ બને છે. આજે જુદી જુદી પ્રજાઓ વચ્ચે સાહિત્યિક સંપર્કો અને સાહિત્યિક આદાનપ્રદાનો વધતાં રહ્યાં છે ત્યારે દરેક પ્રજાનું પોતીકું આંતરસત્ત્વ કયું તેની ઓળખ ઘણી બારીક અને ચોકસાઈવાળી દૃષ્ટિ માગે છે. રાષ્ટ્રીય સાહિત્યોના તુલનાત્મક અધ્યયન અર્થે એના અભ્યાસી પાસે, આથી, ઘણી વિશાળ જાણકારી અને સજ્જતા માગે છે. પણ એનો reward પણ કંઈ નાનોસૂનો ન હોય. પાદટીપ :

  1. ૧ ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં તા. ૧૯, ૨૦ અને ૨૧મી માર્ચ, ૯૪ના દિવસોમાં ‘તુલનાત્મક સાહિત્યનું અધ્યયન અને અધ્યાપન’ વિષય પર યોજાયેલા પરિસંવાદમાં રજૂ કરેલું વક્તવ્ય સુધારી-વધારીને અહીં મૂક્યું છે.