વિવેચનની પ્રક્રિયા/ન્હાનાલાલનો સમયસંદર્ભ

Revision as of 03:12, 15 September 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ન્હાનાલાલનો સમયસંદર્ભ[1]

કોઈ પણ સર્જકના સમયસંદર્ભની જાણકારી એને સમજવામાં અમુક બિંદુ સુધી કામયાબ નીવડી શકે. સમયસંદર્ભ કે સાંસ્કૃતિક સંદર્ભ ગમે તેવો બહુમૂલ્ય છતાં કૃતિબાહ્ય છે અને કૃતિના સૌન્દર્યોદ્ઘાટનમાં અન્ય કારણો સાથે એણે અવયવીભૂત બનવાનું છે. કૃતિની અંદર જ એનો પોતાનો એક સંદર્ભ રહેલો છે. સાંસ્કૃતિક સંદર્ભની વિગતો એની ગૂંચો ઉકેલવામાં ક્યારેક કીમતી મદદરૂપ નીવડે છે. આ દૃષ્ટિએ ન્હાનાલાલનો સમયસંદર્ભ જોતાં એમાં દેશ અને દુનિયાની પરિસ્થિતિ – સાંસ્કૃતિક પરિવેશ, સમકાલીન સાહિત્યસ્થિતિ, એમના સમકાલીનો અને એમની પછી આવનારા અનુકાલીનો પર પડેલી અસરો વ. વિષે વિચારવાનું પ્રસ્તુત બને.

ન્હાનાલાલ ભારતીય રિનેસાંસ(પુનરુત્થાનકાળ)નું ફરજંદ હતા. તેમના જન્મ પહેલાં દેશમાં રેલવે નંખાઈ ચૂકી હતી, છાપખાનું અસ્તિત્વમાં આવી ગયું હતું. દલપતરામના જન્મ પછી બીજે જ વર્ષે કલકત્તામાં પહેલું દેશી વર્તમાનપત્ર ‘સમાચારદર્પણ’ શરૂ થયું હતું. ૧૮૨૪માં સુરતમાં પુસ્તકાલય સ્થપાયું. બે વર્ષ પછી ગુજરાતી શાળા સ્થપાઈ. ૧૮૨૮માં લૉર્ડ વિલિયમ બેન્ટિક ગવર્નર જનરલ થયા અને ૧૮૨૯માં તેમણે સતીનો ચાલ બંધ કરાવ્યો. ૧૮૨૮માં બ્રાહ્મસમાજની સ્થાપના થઈ. ૧૮૪૪માં માનવધર્મસભા અને ૧૮૪૮માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સ્થપાઈ. ૧૮૫૨માં મધ્યકાળના છેલ્લા કવિ દયારામનું અવસાન થયું. ૧૮૨૮થી કર્નલ જેરવીસથી ગદ્યનો આરંભ થયો હતો. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ૧૮૫૪માં ‘બુદ્ધિપ્રકાશ’ પોતાના હસ્તક લીધું. હિંદની કેળવણી વિષે સર ચાર્લ્સ વુડનો ખરીતો એ જ વર્ષે બહાર પડ્યો. બીજે વર્ષ ૧૮૫૫માં મુંબઈ ઈલાકાનું કેળવણીખાતું અસ્તિત્વમાં આવ્યું. જોઈ શકાશે કે દેશના સત્ત્વમાં એક મોટો સળવળાટ થઈ રહ્યો હતો, રાજકીય આકાંક્ષાઓ પણ પ્રબળ બની હતી, દેશવાસીઓમાં જે અસંતોષનો અગ્નિ ધૂંધવાતો હતો તે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય–સંગ્રામરૂપે ભભૂકી ઊઠ્યો. આ જ વર્ષે દેશમાં ત્રણ યુનિવર્સિટીઓ સ્થપાઈ.

૧૮૫૮માં વિક્ટોરિયાને ઢંઢેરો બહાર પડ્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી પાર્લામેન્ટની માતા એવી બ્રિટિશ પાર્લામેન્ટને હસ્તક દેશની રાજ્યવ્યવસ્થા ગઈ. ન્હાનાલાલ જન્મ્યા એ જ વર્ષે ૧૮૭૭માં દિલ્હી દરબાર ભરાયો અને મહારાણી વિકટોરિયાએ “કૈસરે હિન્દ”નો ઇલ્કાબ ધારણ કર્યો. જોકે એ માટે આ સમય ભાગ્યે જ અનુકૂળ ગણી શકાય. દેશમાં મોટો દુકાળ પડ્યો હતો. લોકો ભૂખમરાથી મરતાં હતાં. લૉર્ડ લિટને માન્ચેસ્ટરના વેપારીઓને ફાયદાકારક એવો એકસાઇઝ ઍક્ટ પસાર કર્યો હતો. આર્મ્સ ઍક્ટ અને પ્રેસ ઍક્ટ પણ પસાર થયા હતા. એટલું ઓછું હોય તેમ અફઘાન વિગ્રહને કારણે દેશ પર આર્થિક બોજો આવ્યો હતો. આ બધાને કારણે લોકલાગણી તીવ્ર બની હતી. ૧૮૫૮નો ઢંઢેરો પણ કાગળ પર રહ્યો હતો. પ્રજા આવા બધા ઉત્સવોમાં ભાગ લેતી, ખર્ચ કરતી પણ એને કશું નક્કર મળતું નહિ. સ્વાભાવિક રીતે જ એનામાં અસંતોષનો અગ્નિ પ્રબળ બને. ૧૮૭૭ ઉપરાંત ૧૯૦૩ અને ૧૯૧૧ના દિલ્હી દરબારો થયા. કવિશ્રીએ પાછળથી કહ્યું હતું તેમ “સારો વિશ્વઇતિહાસ શોધી વળજો, કોઈ દેશમાં કોઈ કાળમાં ચિરનભતી પ્રજાનવાજેશ વિહોણા રાજદરબાર ચિરસ્થાયી પ્રજાપ્રેમ પામ્યા છે?” અને એવું જ બન્યું.

શિક્ષણક્ષેત્રે ૧૮૫૮માં હોપવાચનમાળા આવી. શાળાઓ સ્થપાઈ ચૂકી હતી. શિક્ષણ અંગે દેશમાં ભિન્ન મતો પ્રવર્તતા હતા. કેટલાક સંસ્કૃત પાઠશાળાઓ અને મદ્રેસાઓમાં અપાતા શિક્ષણનો પુરસ્કાર કરતા હતા; તો બીજા કેટલાક પાશ્ચાત્ય કેળવણીનો પક્ષ લેતા હતા. નવોત્થાનયુગના પિતા સમા રાજા રામમોહન રાય આ બીજા મતના હતા. કવિના પિતા દલપતરામ ધીરે ધીરે સુધારાનો સાર ઉદ્બોધતા, ક્વચિત્ સૌમ્ય રીતે રાજકર્તાઓને ચીમકી પણ આપતા. નર્મદનો અવાજ બુલંદ હતો. પણ એ વખતના સંસ્કારપુરુષો બ્રિટિશ અમલને આવકારતા, એમાં દૈવી સંકેત જોતા, અંગ્રેજો પાસેથી જે શીખવાનું હોય તે શીખી લઈ પ્રજાકીય ઉત્કર્ષમાં એનો શો ઉપયોગ કરી શકાય એના માર્ગો વિચારવા પાછળ પોતાની શક્તિ કામે લગાડવાનું ઉચિત માનતા. ન્હાનાલાલ ઉપર જેનો પ્રભાવ પડેલો છે તે ગોવર્ધનરામ પણ ‘સરસ્વતીચન્દ્ર’માં “ચક્રવતી”ના ગુણોનો મહિમા કરે છે. અંગ્રેજોને પારકાં બાળકો ઉછેરતાં સારાં આવડે છે એવો અભિપ્રાય આપે છે. તેમને અંગ્રેજ અમલ કઠતો નથી, એ આપણને કઠે છે. પરંતુ આ સર્વાંગી સુધારાવાદીઓ ભિન્ન ભિન્ન પરિબળો વચ્ચે એક સંવાદ સ્થાપવાનું અનિવાર્ય લેખતા હતા, એક વ્યાપક સમન્વયમાં માનતા હતા. તેમની આ વિચારસરણી પાછળ પણ હતી તો પ્રબળ દેશભક્તિની ભાવના. અંગ્રેજોના હિંદીઓ પ્રત્યેના વલણમાં એક સામ્રાજ્યવાદી માનસ કામ કરતું જોવા છતાં અંગ્રેજોને દૈવે મોકલ્યા છે એમ તે માનતા. તેઓ ઉમેરે છે કે સર ચાર્લ્સ સારજંન્ટ, સર જ્હૉન જારડીન અવારનવાર દેશી વકીલોને સાંજની પાર્ટીઓમાં નોતરતા અને એવા કેટલાક ઉચ્ચ અંગ્રેજ અધિકારીઓ હતા જે દેશીઓ સાથે વધારે મોકળાશથી ભળવા આતુર હતા. આ દિશામાં વધુ પ્રયત્ન થશે તો આપણા રાજ્યના કર્ણધારને સ્થાને જેમને દૈવે અહીં મોકલ્યા છે તે આખા વર્ગની પ્રતિષ્ઠામાં વધારો થશે. (“......enhance the prestige of the whole class who are sent by providence to sit at the helm of our state.”)

ધાર્મિક ક્ષેત્રે બ્રાહ્મસમાજની સ્થાપના થઈ ચૂકી હતી, ૧૮૫૭માં પ્રાર્થના સમાજ સ્થપાયો. ૧૮૭૨માં ભોળાનાથે ઈશ્વરપ્રાર્થનામાળા લખી. ૧૮૭૫માં દયાનંદ સરસ્વતીનો આર્યસમાજ સ્થપાયો અને એ જ વર્ષે અમેરિકામાં થિયોસોફીની સ્થાપના થઈ. બીજે જ વર્ષે ૧૮૭૮માં એના સંસ્થાપકો મેડમ બ્લેવેટ્સ્કી અને કર્નલ ઓલકોટ હિંદ આવ્યાં. પણ આ બધી અસરો કરતાં જેની અત્યંત પ્રભાવક અસર થઈ તે સ્વામીનારાયણ સંપ્રાદયના શ્રી સહજાનંદ સ્વામીની. લોકો માટેનો – સમાજના નીચલા થરના લોકો માટેનો ‘ધર્મ’ એમણે સ્થાપ્યો. ઓછામાં ઓછા વિધિનિષેધોવાળો અને સરલ છતાં ઉચ્ચ ચારિત્ર્યગુણોની સ્થાપનાવાળો ધર્મ પ્રજાને મળ્યો. ન્હાનાલાલના પિતા દલપતરામ સ્વામીનારાયણ સંપ્રદાયના હતા, અને ન્હાનાલાલના ગુરુ પ્રો. કાશીરામ દવે દ્વારા આ ધર્મ ન્હાનાલાલને પૂરેપૂરો બુદ્ધિગમ્ય બન્યો. અહીં એ વાત નોંધવી જોઈએ કે ન્હાનાલાલના દાદા ડાહ્યાભાઈ ચુસ્ત અગ્નિહોત્રી અને વૈદિક હતા. પણ તેમની સખતાઈથી દલપતરામ કંટાળી ગયા હતા. દલપતરામને સ્વામીનારાયણના ઉપદેશમાં અને વ્યક્તિત્વમાં એક મોટી આસાયેશ મળી ગઈ. સહજાનંદ સ્વામીનાં પ્રથમ દર્શને બાળ દલપતરામને કેવો રોમાંચ થયેલો તેનું વર્ણન ન્હાનાલાલે પાછળથી કર્યું છે. ન્હાનાલાલ લખે છે :

“સ્વામીનારાયણને પ્રગટ થયે પચ્ચીસી વીતી ગઈ હતી. ગુજરાતભરમાં પોતે ઘૂમતા, ઠરીઠામ સમૈયા ભરતા, ને સદ્ધર્મ સ્થાપતા. ગઈ શિવરાત્રીનો સમૈયો એમણે ગિરનારની છાયામાં જૂનાગઢમાં કીધો હતો. શ્રીમાળીઓના એ દેશતેડાની તિથિએ જ શ્રીજી મહારાજ જૂનાગઢથી ગઢપુર પધાર્યા. બ્રાહ્મણોએ વાત સાંભળી કે શ્રીજી આવે છે, એટલે આવતી સવારી જોવાને સહુ બજારમાં ગયા, નહિ અંધારું, નહિ અજવાળું – સંધ્યાકાળનો સમય હતો, મહારાજ માણકીએ અસવાર હતા. સંતો, હરિભક્તો, પાર્ષદોનો સંઘ હારે હતો. કીર્તન ગવાતાં હતાં. ધીમે ધીમે રાજેશ્રી પગલે સવારી ચાલતી હતી. બજારના ચોક વચ્ચે કીર્તન મંડળી ઘડીક થંભી. જાણે ગામને કહેતી ન હોય ને કે શ્રીજી મહારાજ આવ્યા છે. શ્રીજીની સવારી દાદા ખાચરના દરબારમાં પધારી, પિતા અને સકળ બ્રહ્મમંડળની સંગાથે બાળક દલપતરામ દરબારમાં દર્શને ગયા હતા. ઘોડીએથી ઊતરી, ઘોડી ભગૂજીને સોંપી, શ્રીજીએ સભા ભરી. ઉગમણા બારના ઓરડાની ઓશરીએ ઢોલિયો ઢળાવી મહારાજ વિરાજેલા હતા. ભૂદેવોને સભામાં પધારતા જોઈ શ્રીજીએ હસતે વદને વન્દન સત્કાર કીધો. બાળ દલપતરામનાં દૃષ્ટિ ને વૃત્તિ તો શ્રીજીમાં જ પ્રોવાયેલી હતી. શ્રીજી મહારાજ સન્મુખે શ્રીમાળી સમાજની સભા ભરાઈ. ગઢડા મોટા મન્દિરનો – ગોપીનાથજીના શિખરનો પાયો નંખાયો હતો. લોક કહેતા કે અહીં મોટું દેવમંદિર થવાનું છે. બ્રહ્મસમાજ નીરખીને મહારાજે બ્રાહ્મણના ધર્મ વિશે ઉપદેશ ઉચ્ચાર્યો. બ્રાહ્મણો રંજન પામ્યા, ને શ્રીજી મહારાજની જય ઉચ્ચારી ઊઠતા હતા ત્યાં શ્રીજીએ પ્રશ્ન કર્યો : ભૂદેવો છો, પૃથ્વીના પૂજ્ય છો, હવે કોઈ વર્તમાન ધરો છો? બ્રાહ્મણે પંચવર્તમાન પાળે તો બીજા વર્ણોય પાળતાં શીખે. અમે કાંઈ અધર્મ ઉપદેશતા નથી, શાસ્ત્રસંમત સદ્ધર્મ સ્થાપીએ છીએ. અમે શાસ્ત્રોને ઉથાપવા નથી આવ્યા, શાસ્ત્રમર્યાદાને સ્થાપવાને આવ્યા છીએ. શાસ્ત્રી ને બ્રાહ્મણ અમારે સદા પૂજ્ય છે. કેટલાક બ્રાહ્મણો વર્તમાન ધરવાને ઊભા થયા. નિયમનો સંકલ્પ કરવાને શ્રીજીએ પાણી મંગાવ્યું. દલપતરામના મામા પ્રેમાનંદે ત્યાં શ્રીજીને વરદ હસ્તે પંચ વર્તમાન ધારણ કીધાં. દલપતરામનું સ્વામીસંપ્રદાય અંગીકારતું બીજ ત્યારે નંખાયું. પણ બીજ તો પૃથ્વીના પડની ભીતર અદૃશ્ય હોય છેને? નરી આંખે બીજ દેખાતું નથી.”

પણ આ બીજ ફાલીફૂલીને વૃક્ષ થયું અને એની છાયામાં કવિ ન્હાનાલાલ પણ પાંગર્યા. પણ ધર્મની બાબતમાં તેઓ સર્વસારગ્રાહી રહ્યા છે. તેમણે ‘શિક્ષાપત્રી’ જેવી કૃતિનો ગુજરાતીમાં સમશ્લોકી અનુવાદ કર્યો એ ખરું, પ્રસંગોપાત્ત નિબંધોમાં સ્વામીનારાયણ સંપ્રદાય પ્રત્યેનો આદર વ્યક્ત કરતા રહ્યા એ પણ સાચું, પણ એય સાચું કે તેમણે એનો પ્રચાર કે પ્રસાર કરવા કાવ્યો રચ્યાં નથી. એમની કવિતા તો સર્વધર્મસમભાવ અને સર્વધર્મ સમન્વયને જ વ્યક્ત કરતી રહી.

રાજકીય અને સાંસ્કૃતિક દૃષ્ટિએ અંગ્રેજોના આગમન પહેલાં દેશમાં શિશિર હતી એનો ઉલ્લેખ ન્હાનાલાલ “લાંબી શિશિર તણી રજની વીરી! આજ ડૂબી જતી”માં કરતા જણાય છે. ‘રાજરાજેન્દ્રને’માં “પુણ્યનાં પાય પાડતાં પુણ્યવન્તાઓ”ને સત્કારે છે. પાછળથી પાંચમા જ્યોર્જ બન્યા તે ઇંગ્લેન્ડના પ્રિન્સ ઑફ વેલ્સ ૧૯૦૫માં ભારત આવ્યા ત્યારે કવિએ ‘રાજયુવરાજને સત્કાર’ કાવ્ય લખ્યું, એમાં તેમની રાજભક્તિ ઉપરાંત દેશ પ્રત્યેની દાઝ પણ પૂરા સામર્થ્યથી પ્રગટ થઈ છે :

હિન્દ અને બ્રિટાનિયાને
જમણા ને ડાબા નયન જેવાં ગણશોને?
મહારાજ્યકુલનું હિન્દ કુટુમ્બી કે નહિ?
ને કુલજનોને રોટલો દેશો કે પથ્થર?

રાજ્ય, મહારાજ્ય અને સામ્રાજ્યનો આદર્શ સમજાવે છે :

ઈશ્વરદત્ત રાજસૂત્રો આટલાં છે :
રાજાપ્રજાનું પરસ્પર દ્વૈતાદ્વૈત તે મહારાજ્ય;
રાજ્યરાજ્યનું શ્રદ્ધા સંકલન તે મહારાજ્ય;
અનેક મહારાજ્ય મણિમાં ગુણવત્ સ્નેહકિરણ
તે માનવજાતિનું કલ્યાણકેન્દ્ર સામ્રાજ્ય.

પણ પિતાને મળીને એક ડાહ્યો, શાણો દીર્ઘદર્શી અને મહૌજસ્ (અને બીજાં કેટલાંક વિશેષણો. વિશેષણોનો તો કવિને ક્યાં તોટો છે?) એવો વાઇસરોય મોકલવાનું કહે છે. ‘રાજમહારાજ એડવર્ડને’ એ કાવ્યમાં :

સાગર ઉપર બન્ધાવોને પાજ,
રઢિયાળા હો રાજ!
અમુલખ છે અમૃતચોઘડિયું આજ,
અલબેલા મહારાજ!

– એવી પ્રશસ્તિ કરતી વેળાએ ‘સુદર્શન’ ચક્ર નીચે મૂકી ઉપર ‘રામજી’ કોતરવાની વાત તેમણે કરી છે પણ ‘રામરાજ્ય’થી તો એ બ્રિટિશ અમલ કેટલાં જોજનો દૂર રહ્યો છે તે ઇતિહાસપ્રસિદ્ધ છે. દેશની રાજકીય આકાંક્ષાઓને ૧૮૮૫માં કૉંગ્રેસની સ્થાપનામાં મૂર્ત રૂપ મળ્યું, પણ કૉંગ્રેસ નામદાર અંગ્રેજ સરકારને વિનવણીઓ કરતી સંસ્થા જ બની રહી હતી. રાજકીય સ્વાતંત્ર્ય માટેની અભીપ્સા – કહો કે સારા દેશના ઉત્થાનની અભીપ્સા–વેગ પકડે છે ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હિંદ પાછા ફર્યા એ પછી. અને પછી તો અસહકારની લડતો આવી. આરંભમાં કવિ ગાંધીજી સાથે રહેલા પણ પછીનો ઇતિહાસ સૌ જાણે છે. કવિનું માનસ ક્રમશઃ ભ્રમમુક્ત બને છે અને ૧૯૨૭માં તો તે કહે છે :

“અસહકાર સંપ્રદાયનો હું સંપ્રદાયી નથી. પણ બ્રિટિશ સરકારે માઝા મૂકીને બ્રિટિશ મટી અનબ્રિટિશ નીવડી ત્યારે મારી પ્રજાને પક્ષે ઊભી એટલોયે અસહકાર કીધો એને હું જીવનનો ધન્ય પ્રસંગ સમજું છું. સાચી રાષ્ટ્રીય કેળવણીમાં હું અઠંગ શ્રદ્ધાશીલ છું. છતાં આ અવસરે એક ઇતિહાસકથની ઉચ્ચરવી એનેયે સત્યનિષ્ઠાનો સ્વધર્મ સમજું છું.’

કવિ ન્હાનાલાલે પોતાના પિતા દલપતરામના જીવનમાંથી ઘણું ગ્રહ્યું છે અને સતત એનો ઋણસ્વીકાર પોતે કરતા રહ્યા છે. દલપતરામના ધાર્મિક સંસ્કારોની ઘેરી છાયા તેમના પર પડેલી છે. પરંતુ દલપતરામ અને ન્હાનાલાલમાં ફેર હતો. દલપતરામના સમયમાં પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરનો પ્રારંભકાળ હતો, પણ તેમને અંગ્રેજી કેળવણીનું ફળ ન કહી શકાય; જ્યારે ન્હાનાલાલ યુનિવર્સિટી કેળવણીની નીપજરૂપ હતા. આ કારણે બંનેના અભિગમમાં અને સાહિત્ય–નિરૂપણમાં રહેલો ફરક તરત ધ્યાન ખેંચે છે. ન્હાનાલાલે પોતે કહ્યું છે :

“દલપતરામ નવી કેળવણીનાં ફળ ન હતા, નવકેળવણીના પાયા માંડનાર હતા. પણ ન્હાનાલાલ તો કાચું પાકુંયે નવકેળવણીનું જ ફળ. મુંબઈ યુનિવર્સિટી છે, તો ન્હાનાલાલ છે.”

યુનિવર્સિટી–શિક્ષણ દ્વારા પાશ્ચાત્ય સાહિત્યનો નિકટનો સંપર્ક અને સઘન અભ્યાસ શક્ય બન્યો હતો. ૧૮૮૭માં ગોવર્ધનરામ ‘સરસ્વતીચંદ્ર’નો પહેલો ભાગ લઈ આવે છે અને નરસિંહરાવ અંગ્રેજી લિરિક્સની ધાટીનાં ઊર્મિકાવ્યોનો સંગ્રહ ‘કુસુમમાળા’ પણ એ જ વર્ષે પ્રગટ કરે છે. ૧૮૮૭ની સાલ એ ગુજરાતી સાહિત્યના વિકાસમાં અત્યંત મહત્ત્વની છે. પણ નરસિંહરાવ પછી આવનાર ન્હાનાલાલને હાથે જ ઊર્મિકવિતાનો પ્રકાર ગુજરાતીમાં સ્થિર થાય છે. કાવ્યનાં વસ્તુ અને અભિવ્યક્તિની દૃષ્ટિએ નરસિંહરાવ અને ન્હાનાલાલની કવિતાને તપાસવાથી અને પંડિતયુગના મહાકાવ્ય તરીકે ઓળખાવાયેલા ‘સરસ્વતીચન્દ્ર’ને તપાસવાથી સાંસ્કૃતિક સંદર્ભ જોતજોતામાં કેટલે બદલાઈ જાય છે અને એની પ્રભાવક અસર સર્જકો ઉપર કેવી થતી હોય છે એનો અણસાર મળે છે.

વિધવાનો પ્રશ્ન એ સમયમાં કેટલો ઉગ્ર હતો તેનો ખ્યાલ તો નરસિંહરાવના કાવ્યસંગ્રહોમાંથી વિધવાવિષયક કાવ્યો જુદાં તારવવાથી આવે. નર્મદે પણ એ અગાઉ ‘વૈધવ્યચિત્ર’ અને અન્ય રચનાઓ કરી હતી. પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવાવિવાહનું સમર્થન કરતું પુસ્તક લખ્યું હતું. લાલશંકર ઉમિયાશંકરે પણ એ વિચારને ટેકો આપ્યો હતો. સાહિત્યસેવીઓમાં અને સુધારકોમાં આ અંગે તીવ્ર લાગણી પ્રવર્તતી હતી. છેવટે ૧૮૫૫માં અંગ્રેજ સરકારે વિધવાવિવાહનો કાયદો કર્યો. ૧૮૯૧માં સંમતિવયનો કાયદો થયો. એણે ઘણી ચકચાર જગાવી. ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’માં લગ્ન અને કુટુંબની વિચારણા આપી પણ સરસ્વતીચંદ્રનું પુનઃલગ્ન કુમુદ સાથે કરાવ્યું નહિ. કવિ ન્હાનાલાલે પોતે સ્વીકાર્યું છે તેમ, એમના ઉપર ગોવર્ધનરામના દર્શનની અને વિશેષે ‘સરસ્વતીચંદ્ર’ની જબરી અસર થયેલી છે. ન્હાનાલાલ ગોવર્ધનરામમાંથી પ્રીતિની ભાવના, લગ્નની વિચારણા લે છે. પણ ગોવર્ધનરામે કુસુમને કૌમારવ્રત ધારણ કરતાં રોકી અને તેને સરસ્વતીચંદ્ર સાથે પરણાવી દીધી, જ્યારે ન્હાનાલાલ કૌમારવ્રતના આદર્શને પ્રબળ રીતે મૂકી આપે છે. કામ અને પ્રીતિ પરત્વે ન્હાનાલાલ ગોવર્ધનરામથી જરા જુદું કરે છે. ગોવર્ધનરામ કામતત્ત્વને જન્મજાત અને મનુષ્યના સ્વીકાર–ઇન્કારથી પર એવા તત્ત્વ તરીકે જુએ છે અને ક્રમશઃ આ વૃત્તિના ઊર્ધ્વીકરણનો માર્ગ ચીંધે છે. ન્હાનાલાલ આત્મલગ્ન અને નૈષ્ઠિક બ્રહ્મચર્યની ભાવના પ્રસારવાના ઉત્સાહમાં કામતત્ત્વને પૂરું પિછાનતા નથી. પણ એટલાથી પ્રશ્ન ઊકલતો નથી. ગોવર્ધનરામ ‘સ્નેહમુદ્રા’માં પણ જીવનમાં મદન અને રતિનું યોગ્ય સ્થાન અને મદનની પ્રભાવક અસર પિછાને છે, સ્થૂલમાંથી ક્રમે ક્રમે ખસતો સ્નેહ સૂક્ષ્મમાં ગતિ કરે છે, જીવનની અનેક તડકી છાંયડીમાં પણ એ સ્નેહ અવિચળ રહે છે, વિશ્વનાં કુત્સિત અને દુરિત તત્ત્વો એને ઊની આંચ અડાડી શકતાં નથી; ઊલટું સ્નેહના આ પારસમણિના સંસ્પર્શથી એમને સ્વરૂપ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. એટલે ગોવર્ધનરામની સ્નેહમીમાંસા સંભારતાં વર્ડ્ઝવર્થની એક કાવ્યપંક્તિ True to the kindred points of Heaven and Home — નું સ્મરણ થાય છે. ગોવર્ધનરામે નિરૂપેલું સ્નેહચંડોળ પણ અપાર્થિવ અને પાર્થિવ બંને બિંદુ સાથે સંલગ્ન છે. જ્યારે ગોવર્ધનરામનો પ્રભાવ ઝીલનાર ન્હાનાલાલનું નિરૂપણ વાયવ્ય રહી જતું જણાય છે.

ગોવર્ધનરામ, ન્હાનાલાલ અને મુનશી એ ત્રણેની સાહિત્યસૃષ્ટિનો એકસાથે વિચાર કરતાં એક બીજા મુદ્દા પરત્વે ઉમાશંકરે દ્યોતક નિરીક્ષણ આપ્યું છે :

“તેમની પછી આવનાર ન્હાનાલાલ અને મુનશી જાણે ગોવર્ધનરામના જ બે ફાંટા છે : ન્હાનાલાલ ભાવનાબિંદુને વળગી રહેનાર, મુનશી વાસ્તવ બિન્દુને વળગી રહેનાર. એમાં એકની ભાવના જીવનમાં ન રોપાઈ શકવાને કારણે પાંગળી બની જાય છે, બીજાની વાસ્તવતા ભાવનાસ્પર્શવિહોણી બનતાં સાર્થકતાની દીપ્તિ ગુમાવી બેસે છે, સરસ્વતીચંદ્રને ફરી સંસારમાં ધકેલવામાં જે યથાર્થ સંસારદર્શન હતું તે જાણે ન્હાનાલાલને ખૂંચ્યું. એમને તો સરસ્વતીચંદ્ર, મધુરીમૈયા આ કાંઠે મઠ સ્થાપે તો, સામે કાંઠે મઠાધિષ્ઠાતા બને એ જોઈએ. (‘જયા–જયંત’માં એ ભાવના મૂર્ત કરવા એમણે પ્રયત્ન પણ કર્યો છે અને એમની સમગ્ર સૃષ્ટિ ઉપર આ ભાવનાનો ઓછાયો પડેલો છે.) મુનશીને, કોડીલી કુમુદ ભગવાધારી મધુરીમૈયા બને એ ખૂંચ્યું. કુમુદ ફરી સંસારરસિયણ બને તો જ એમને ટાઢક વળે. આ રીતે ન્હાનાલાલ અને મુનશી બંનેની સૃષ્ટિઓને ગોવર્ધનરામની સૃષ્ટિના પ્રત્યાઘાતો રૂપે જોવી સુકર છે. એકની આદર્શપ્રિયતા અને બીજાની રસિકતા, ગોવર્ધનરામે નિરૂપેલા સમન્વયમાં તે જેવાં શોભે છે એવાં સજીવરૂપે તે તેની સૃષ્ટિમાં પ્રત્યક્ષ થતાં નથી.”

‘જગત્સાક્ષર શ્રી ગોવર્ધનરામ’ નિબંધમાં ન્હાનાલાલ કહે છે : ‘ગોવર્ધનભાઈએ વાર્તામાં ગુજરાતમાં નવસંસારનો રોગ પારખ્યો, ઔષધ ખરું આપ્યું નથી...ગોવર્ધનભાઈએ ઔષધ દાખવ્યું કે ચાહવું કુમુદને ને પરણવું કુમુદની બહેન કુસુમને. એ તે ઔષધ છે? ને છતાં સંસારીઓનો શું એ નિત્યનો સંસારઅનુભવ નથી? નવલકથાના Central problemનો સાચ્ચો કે ‘કવેતાઈ’ ઉકેલ નથી; પણ સંસારમાં દૃશ્યમાન થતો સંસારી ઉકેલ છે. સંસારમાં એમ નથી થતું? કુમુદને ચાહનારા ઘણા ખરા કુસુમને જ પરણ્યા હોય છે ને?... બંનેએ [કલાપી અને ગોવર્ધનરામે] ઉચ્ચારેલો સંસાર કોયડો ખરો છે. ઉકેલ ખોટો છે.” ગોવર્ધનરામે “સંસારી ઉકેલ” આપ્યો છે એમ કહેવું તો દૂર રહ્યું, ઊલટું ન્હાનાલાલ પોતે ‘કવિ’ તરીકેના ‘રોલ’થી સભાન બની જે ઉકેલ આપવા ગયા તે સાચો છે એમ કહેવાની સ્થિતિમાં આપણે નથી. (આ પ્રશ્નની વિગતવાર ચર્ચા માટે જુઓ મારો લેખ ‘સંસાર કોયડો ખરો, ઉકેલ ખોટો?’ પૃ. ૬૮)

ન્હાનાલાલના કાવ્યસર્જનમાં જ નહિ, પણ કવિતાની–સાહિત્યની વિભાવનામાં જીવનના માંગલ્યની દૃષ્ટિ રહેલી છે. એ સમયના સાહિત્યકારો હંમેશાં મોટા પ્રશ્નો બાથમાં લેતા; પ્રજાસમસ્તના પ્રશ્નોની ચર્ચા કરતા અને એ અંગે પ્રજાને દિશાસૂચન કરવું એને કર્તવ્ય લેખતા, દલપતરામ અને સ્વામીનારાયણ સંપ્રદાયમાંથી તેમણે કલાનું ‘the high moral purpose’ લીધું અને જીવનભર એ આદર્શ રજૂ કરતા રહ્યા. તેમણે કહ્યું છે કે “મારી પહેલી વિનતડી તો એ છે કે ગુજરાતી સાહિત્યને પવિત્ર પુણ્યવન્તુ ને પાવનકારી રાખજો. એવું લખતાં ન આવડે તો શીખવા શ્રમ કરજો. પણ સંસારમાં એ સદાચરણ નથી, તેમ સાહિત્યમાંયે રસના, કલાના સૌંદર્યના, ભાવના, ભાવનાના વ્યભિચાર સદાચરણ નથી જ.” એમના સમકાલીન ગણાય એવા મૅથ્યુ આર્નોલ્ડનો કવિતા વિષેનો આદર્શ તેમણે અપનાવેલો છે : “પ્રેમભક્તિ ગ્રંથમાળા એટલે પ્રાયઃ અને પ્રધાનતઃ Criticism of life : આપણા સંસારપ્રશ્નોની પર્યેષણા. દલપતકાવ્ય, નર્મકવિતા ગોવર્ધનપુરાણનો પ્રધાન ગુણ એ એ સર્વેયે છે સંસારના નવસૃજનની યુગસ્મૃતિઓ. ‘પ્રેમભક્તિગ્રંથમાળા’નો યતકિંચિત એ જ છે પ્રાણમંત્ર : સંસારનું નવવિધાન.”

આ “સંસારનું નવવિધાન” એ ન્હાનાલાલની સતત ચિંતાનો વિષય રહેલો છે અને પોતાની કલાકૃતિઓ ઉપરાંત ગંભીર નિબંધો અને વિવેચનમાં પણ તે એને પ્રસ્તુત કરતા રહેલા છે. ‘પ્રજાશરીરનો ઘસારો કે નવપલ્લવતા’ એ ગાંધીજીના ‘નવજીવન’માં પ્રગટ થયેલી લેખમાળામાં પ્રજાજીવનને શી રીતે નવપલ્લવિત કરી શકાય એના માર્ગો તે દર્શાવે છે. એવો એમનો બીજો લેખ ‘લગ્નસ્નેહનો વિશ્વક્રમમાં હેતુ’ છે. ટેનિસનના ‘The Princess’ કાવ્યનું તેમણે અર્થઘટન કર્યું છે. ટેનિસનની પોતાના ઉપરની અસર તેમણે અનેકવાર દર્શાવી છે. લગ્નની સંસ્થા એ પૃથ્વી ઉપર નાનકડાં સ્વર્ગ ઉગાડવા માટે છે એ ભાવના તેમણે “દ્વિખંડી હૃદયના સંલગ્ન ધબકાર” જેવી કલ્પના દ્વારા રજૂ કરી છે. તેમનાં આ જાતનાં લખાણોમાં લગ્ન, સમાજ, અસ્પૃશ્યતાનિવારણ, ગુજરાતની ઇતિહાસગાથા, ભારતીય સંસ્કૃતિનાં ઘટકતત્ત્વો, કન્યા કેળવણી આદિ વિષે મૂલ્યવાન વિચારણા આપીને એક પ્રજાહિતૈષી સાહિત્યકારનો ધર્મ બજાવ્યો છે. ટેનિસનની તેમના પર અસર ભાવનાવિચાર પરત્વે સ્વીકારી શકાય પણ કવિતાના બહિરંગની જે માવજત ટેનિસનની કવિતામાં થયેલી છે, સૌષ્ઠવ માટેનો જે આગ્રહ એમાં દેખાય છે તે પરત્વે તો વિચાર કરવો પડે, ‘અર્ધશતાબ્દીના અનુભવબોલ’(પૃ. ૪૩)માં કવિએ “મારે ઇન્ટરક્લાસમાં ઇંગ્લેન્ડના બે મહાન ગ્રંથકારોની રસ-ઓળખ થઈ, બર્ક અને ટેનિસનની... ૧૮૯૭માં, અમેરિકાને પૂર્વપશ્રિમ બે આરે બે મહાસાગર ગાજે એમ, ચોધામ ને બર્કને ગાજતા સાંભળ્યા!” એમ કહ્યું છે એ ઉપરથી વિજયરાય વૈદ્ય બર્કની વાગ્મિતાની અસર કવિની ડોલનશૈલી પર પડી છે એમ જે કહે છે તે પણ ચિંત્ય છે. બર્કના ગદ્યની ગરિમા અને સુગ્રથન ન્હાનાલાલમાં આવી શક્યાં નથી.

કવિએ એ જ રીતે જેમ્સ માર્ટિનનો અને મેઇનની અસરનો પણ નિર્દશ કર્યો છે. કવિએ ન નિર્દેશેલી બીજી અસરો પણ નિર્દેશી શકાય, પણ એથી કંઈ ફેર પડતો નથી.

ન્હાનાલાલને ભલે નર્મદ, દલપત અને ગોવર્ધનરામના જેવાં સંસાર સૃજનનાં સ્વપ્નો ન હોય, આ સારસ્વતો તો નવયુગના મહારથીઓ હતા અને પોતે તો રથીયે નથી, બહુબહુ તો ઘોડેસવાર છે એમ નમ્રતાપૂર્વક કહ્યું હોય, પણ તત્કાલીન સમાજપ્રશ્નોની પર્યેષણા લેખે ન્હાનાલાલનું સમગ્ર સાહિત્ય ધ્યાનપૂર્વક જોવા જેવું છે.

ન્હાનાલાલનો જન્મ ઓગણીસમી સદીના આઠમા દાયકામાં. ન્હાનાલાલે લેખનનો આરંભ કર્યો ત્યાં સુધીમાં તો સુધારાની પ્રવૃત્તિ કાંઈક સૌમ્ય રૂપ ધારણ કરે છે. એટલે સ્વાભાવિક રીતે જ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સાહિત્યકારોનું ધ્યાન કેન્દ્રિત થાય છે. રમણભાઈ નીલકંઠ આદિની સુધારાવિષયક પ્રવૃત્તિ પણ બૃહત્ સાંસ્કૃતિક પરિવેશમાં થતી દેખાય છે. ન્હાનાલાલે પોતાને Eclectic–સારગ્રાહી તરીકે ઓળખાવ્યા છે. તેઓ જીવનભર ઉદારમતવાદી રહ્યા, અને જ્યાં જ્યાંથી સ્વીકાર્ય જણાયા તે કલ્યાણકારી વિચારો પોતાના ચિત્તકોષમાં સંગ્રહતા રહ્યા. તેમના સમયમાં ગુજરાતના પ્રજાજીવન પર બ્રાહ્મસમાજની પણ મોટી અસર હતી. તેમનું ‘સ્તુતિનું અષ્ટક’ એ અસરના પરિણામરૂપ ગણાયું છે. ‘વસંતોત્સવ’માં પણ એ અસરો પશ્ચાદ્ભૂમાં રહી છે. પણ આ બધી અસરો પચાવીને તેઓ પોતાનો આગવો અવાજ ઊભો કરે છે. આ અવાજ તે ભારતીય સંસ્કૃતિના સહૃદય ઉદ્ગાતાનો. તેઓ આ કે તે મત કે સંપ્રદાયમાં પુરાયા નથી. આર્ય સંસ્કૃતિની ઉજ્જ્વલ ગાથા અને એનાં મૂલ્યોની ઘોષણા કરતાં થાક્યા નથી. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ કહ્યું છે તેમ પ્રજાહૃદયને સુકોમળ અને ભાવનાપરાયણ કરવાનું કામ તેમણે કર્યું છે. આ દૃષ્ટિએ ન્હાનાલાલનું કામ એક જંગમ વિદ્યાપીઠ જેવું છે, આપણા પ્રાચીન સંતો એને ભક્તકવિઓના અનુસંધાન સમું છે, અને તે તેમણે કર્યું ‘નોનકન્ફર્મિસ્ટ’ની રીતે. એ એની વિશેષતા છે.

ન્હાનાલાલની પહેલાં બાલાશંકર ‘કલાન્ત કવિ’ આપી ચૂક્યા હતા. મણિલાલના ‘પ્રેમજીવન’ અને ‘આત્મનિમજ્જન’ પ્રગટ થઈ ચૂક્યા હતા. કલાપી અને કાન્તે કવિતારસિકોને મુગ્ધ કર્યા હતા અને ત્યારે એકવીસ વર્ષની ઉંમરે તે ‘વસંતોત્સવ’ લઈ આવે છે. તદ્દન નવી જ સૃષ્ટિ અને નવી જ ભાવાભિવ્યક્તિ | ૧૮૯૮માં પૂનીની ડેક્કન કૉલેજના ટાવરની અગાસીમાં મૂળામૂઠાને કાંઠે તેમણે એ રચ્યું, ‘જ્ઞાનસુધા’માં છપાયેલું, પણ ગ્રંથસ્વરૂપે તો એ પ્રગટ થયું ગોવર્ધનરામના પ્રમુખપદે પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદ મળી એ વષે – ૧૯૦૫માં. એમાં આલેખાયેલી પ્રેમની સૃષ્ટિ અને ગુજરાતની પ્રકૃતિનું રમણીય ચિત્ર ગુજરાતી કવિતામાં એક નવી જ હવા લઈ આવે છે. પ્રેમની પ્રસન્નતા વાસંતી વાતાવરણમાં પાંગરી ઊઠતી અનુભવાય છે અને એમનાથી એક દશકો મોટા મોટા કલાકાર–કવિ કાન્તે ‘આપણું નવીન કાવ્યસાહિત્ય’ વિષે પરિષદમાં નિબંધ વાંચતાં કવિની જ એક પંક્તિથી તેમને આવકાર્યા કે “ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચન્દ્રરાજ.” તેમણે વધુમાં કહ્યું હતું કે “વર્તમાન તરફ દૃષ્ટિ કરતાં આપણને દેખાય છે કે જેની રગેરગમાં કવિતા ઊછળી રહી છે અને જેનું હૃદય કવિતારસથી છલાછલ છલકે છે એવા એક કવિનું દર્શન આપણને હમણાં થયેલું છે; જે વાણીમાં દેશ સંસાર સ્નેહનો મહામેઘ ગડગડે છે તે આપણે હમણાં સાંભળી છે. નર્મદમાં દેશસ્નેહના અને સંસારસ્નેહના મેઘ ગડગડેલા પણ નર્મદના સ્નેહો આવા વિશુદ્ધ નહોતા.”

ન્હાનાલાલને કેવા કેવા સમકાલીનો વચ્ચે કામ કરવાનું આવ્યું | તેઓ ભારે નસીબદાર ગણાય. ગોવર્ધનરામ, મણિલાલ, નરસિંહરાવ, રમણભાઈ, આનંદશંકર, કે. હ. ધ્રુવ, કાન્ત, બલવંતરાય અને એ પછી ગાંધીજીના પ્રભાવ હેઠળ પ્રવર્તેલા ગાંધીયુગના નવા લેખકો સાથે તેમણે કામ કર્યું. ક્યારેય કોઈને આંજી નાખવા મથ્યા નહિ, ક્યારેય કરમાયા નહિ. તે કોઈનાથી અભિભૂત ન થયા, તેમ પોતાપણું છોડ્યું નહિ. આ વિશિષ્ટ સાંસ્કૃતિક સંદર્ભમાં ન્હાનાલાલનો આગવો અવાજ એ ગુજરાતી કવિતારસિક પ્રજાનો અને સંસ્કૃતિનો વિશેષ છે.


  1. ગુજરાત યુનિવર્સિટી તથા અન્ય સાહિત્ય સંસ્થાઓએ મળીને કવિ ન્હાનાલાલ જન્મશતાબ્દી મહોત્સવ સમિતિ રચી હતી તેના ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલી વ્યાખ્યાનશ્રેણીમાં ૧ માર્ચ, ૧૯૭૮ના રોજ આપેલું વ્યાખ્યાન

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.