વિવેચનની પ્રક્રિયા/આઠમા દાયકાની કવિતામાં પ્રયોગશીલ વલણો

Revision as of 02:08, 16 September 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
આઠમા દાયકાની કવિતામાં પ્રયોગશીલ વલણો

વીસેક વર્ષ પહેલાં અમદાવાદમાં મળેલા છઠ્ઠા લેખકમિલનમાં સાહિત્યમાં પરંપરા એ પ્રયોગો વિષે નિબંધવાચન કરતાં મેં કહેલું : ‘કલાકાર માત્ર પોતાના મનમાં જે મૂર્તિ છે એને શબ્દમાં ઉતારવા મથતો હોય છે – તે એક જાતનો યોગ કરતો હોય છે, પરંતુ સર્જકોમાં એક વર્ગ એવો હોય છે, જે આ યોગ વિશેષ રૂપે કરે છે–તે પ્ર–યોગ કરે છે. આવા સર્જકોને અભિવ્યક્તિનાં પ્રચલિત માધ્યમોથી સંતોષ થતો નથી—પોતાના વ્યવસાયની નવી તરકીબ અને નવા કીમિયા શોધવા અને અજમાવવા એ તેમની મુખ્ય પ્રવૃત્તિ થઈ રહે છે. સાહિત્યક્ષેત્ર આવા પ્રયોગોથી જીવંત રહે છે... (‘પરિમાણ’, પૃ. ૨૬–૩૧)

તો આ પૂરા થતા આવતા આઠમા દશકની કવિતામાં ખરેખરાં પ્રયોગશીલ વલણો ક્યાં દેખાય છે, અને અભિવ્યક્તિનાં પ્રચલિત માધ્યમોથી સંતુષ્ટ ન થતા સર્જકો કઈ નવી તરકીબો યોજે છે એનો કાંઈક વિચાર કરવાનો ખ્યાલ છે. આરંભમાં એક વાતની સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આવા પ્રયોગોવાળી કવિતા અનિવાર્યતયા ઊંચી કોટિની છે એવું વિવક્ષિત નથી, આમ કરનારા કવિઓ કંઈક જુદું કરે છે એટલું જ કહેવું છે. તેમની આ પ્રવૃત્તિ હમેશાં કલાસાધક નીવડે જ એવું પણ નથી. પણ કવિતાની રફતારમાં આ જાતની વૃત્તિશક્તિ હોવી એનું એક મૂલ્ય અવશ્ય છે. થોડાં ઉદાહરણોથી વાત કરું :

એક જન્મજાત બીમાર કન્યાની ‘હરિ સાથે અમસ્તી વાત’નું સ્વ. જગદીશ જોષીએ કાવ્ય કર્યું છે. આ બીમાર કન્યાની વેદના એની ઉક્તિ રૂપે વ્યક્ત કરી છે. આ ઉક્તિમાં અભિવ્યક્તિની નવીન છટા ઊભી કરવાનો કવિએ પ્રયત્ન કર્યો છે. એની બીમારીના વર્ણનમાં ભાવવ્યત્યય કેવી રીતે સધાયો છે તે જોઈએ :

મારી ચામડીના પાનેતરના લાલ રંગને
ધોઈ ધોઈ સફેદ કરવામાં
અને
મારી પાંસળીમાંથી ઘડેલા
ચૂડલાની કાંગરી કોતરવામાં જ
મેં આ આયખું વિતાવ્યું છે.

હરિને ‘યાર’, ‘લાલ’, ‘નાથ’ અને છેવટે ‘દેવ’ રૂપે સંબોધતી આ કન્યાના મનોગતને ક્રમિક વિકસાવી અંતે ‘યમદેવ’ સાથે એનો પ્રાસ મેળવતાં કવિ કહે છે :

હરિ, મારા દેવ!
જલ્દી આવને!!
લોકો નાહક તારી નિંદા કરે છે...
મારું જો ચાલતને તો
હું
તેઓને
તને ‘યમદેવ’ કહી સંબોધવા ન દેત...

બીજી એક રચના પન્ના નાયકની જુઓ :

આજે ભરભર શિયાળાના
પીળા રણમાં
ઝંખું છું
ગુલમહોરની ઝૂમતી જ્વાળાનો સ્પર્શ
પછી
હું ખુદ વસંતપંચમી

આમાં છેલ્લે ભાવ અત્યંત ત્વરિત ગતિએ ઊંચકાયો છે. છેલ્લે ચમત્કૃતિ સાધવાની રીત તદ્દન નવી છે. પીળા રણનું વાસ્તવ ગુલમહોરના સ્પર્શની ઝંખના અને આ બંનેમાં કેટલું આંતરબળ છે તે ‘હું ખુદ વંસતપંચમી’ના સાક્ષાત્કારમાં પરિણમે છે. ચિત્રો પાસેથી પણ કેવું કામ લેવાયું છે તે એમનાં આ અને અન્ય કાવ્યોમાં દેખાય છે. કવિતા લાઘવની કલા છે, પ્રાસ કે અનુપ્રાસતી તરખટમાં બિલકુલ પડ્યા સિવાય પણ અનુભૂતિનો સ્પર્શ આપી શકાયો છે.

આધુનિક જીવનરીતિનો બધો પરિવેશ હાથવગો કર્યા પછી પણ કવિ અટકી જાય છે ત્યારે મૌન પાસેથી પણ કેવું કામ લેવાયું એથી આશ્ચર્યની આનંદાનુભૂતિ શક્ય બને છે. ‘પ્રવેશ’ની અંતિમ રચનામાં :

છતાંય
મેં તો નીચે કોઈ ઝીલનાર છે એમ સમજી
મારી સઘળી ક્ષણોના સૂરને ભેગા કર્યા
એક દિવસ જોઉં તો
મારી કૂખમાં
ઘૂઘવાટા કરતું કાવ્ય

પણ સઘળી ક્ષણોના સૂરને ભેગા કરવાની ક્રિયા કેવી તો વેદનાજન્ય છે તે ‘પ્રસંગ’ આમ રજૂ થયો છે :

તીક્ષ્ણ ચપ્પુથી છેદાતાં ત્વચાનાં પડ
ટપકી ટપકી વહી આવતાં રક્તબિંદુઓ...
લોહીલુહાણ
છતાંય વેદના જીરવતો પ્રસંગ...
ચાલો, કાવ્યજન્મનો પ્રસંગ ઠીક ઊકલી ગયો!

કાવ્યસર્જનની પ્રક્રિયા વિશે અનેક કવિઓએ પદ્યોદ્ગારો રજૂ કર્યા છે, એની વેદનાને પ્રસૂતિની વેદના સાથે સરખાવી છે પણ અત્યારનો કવિ કાવ્યજન્મના પ્રસંગને કેવી જુદી રીતે વ્યક્ત કરે છે તે ઉપરના દાખલાથી જણાય છે. જે જીવનનો એને અનુભવ છે તે જિવાતા જીવનના સંદર્ભને જ એ યોજે છે. પોતાના અનુભવની વાત પોતાના શબ્દોમાં કહે છે. અભિવ્યક્તિની પ્રચલિત લઢણોનો વિચ્છેદ એ અત્યારની પ્રયોગલક્ષી કવિતાનું એક પ્રધાન લક્ષણ છે.

અનિશ્ચિત ગદ્યપંક્તિઓની વચ્ચે ગૂંથાતા આવતા લય–ટુકડાઓ એક આગવી ભાત રચે છે. છેલ્લાં બેચાર વર્ષમાં પ્રગટ થયેલા સંગ્રહોમાં એનાં અનેક ઉદાહરણો મળે છે. એવું જ પૌરાણિક સંદર્ભના વિનિયોગનું છે. ‘અરે, કોઈ તો’ (સ્વ. જગદીશ જોષી) રચનામાં નીચેની પંક્તિઓ આવે છે :

નીચલે માળથી વ્યાસ બૂમ પાડે છે :
કાલિદાસ! તુકારામ! અલ્યા નરસિંહ! અરે, કોઈ તો
ઇલેક્ટ્રિશિયનને બોલાવો!!
બાજુવાળાં મીરાંબેન સ્વસ્થ અવાજે કહે છે :
‘અરે, ગિરિધર! સાંભળે છે કે, –
પહેલાં મીણબત્તી તો લાવ...’

આખા માળામાં ફ્યૂઝ જતાં અંધારું થઈ ગયું છે અને મીણબત્તીની શોધાશોધ ચાલે છે! જિવાતા જીવનની ઘટનામાંથી સર્વત્ર વ્યાપ્ત કારમા અંધકારની વ્યંજના કવિએ કેવી માર્મિક રીતે સ્ફુટ કરી છે! પહેલાં ટૂંકી વાર્તા અને નવલકથામાં દેખાતું આ વલણ હવે આધુનિક કવિતામાં પણ સુપેરે વ્યક્ત થવા લાગ્યું છે એનું જ આ એક ઉદાહરણ છે. આ Mocking tone ‘હું xo–Life : સમય’ એ કાવ્યમાં સમયને ફ્રેક્ચર થઈ ગયું છે અને પોતે પ્લાસ્ટરમાં અને છેવટે સમય પ્લાસ્ટરમાં એવા વિચિત્ર વ્યત્યય દ્વારા આધુનિક જીવનના ખાલીપાને ધારદાર રીતે રજૂ કર્યો છે. (આવો અન્ય કાવ્યોમાં દેખાતો અંગ્રેજી શબ્દોનો વિપુલ વિનિયોગ જુદો ઉલ્લેખ માગી લે છે.)

છેલ્લી પચ્ચીશીમાં દુનિયાભરના કવિઓની કવિતામાં જે હતાશા, ભગ્નાશપણું અને નિઃસહાયતા જોવા મળે છે તે જ છેલ્લા દશકાના ગણનાપાત્ર ગુજરાતી કવિઓની રચનાઓમાં દેખાય છે. સાંપ્રત ચેતનાને વાચા આપનારા કવિઓને અછાંદસ કવિતાનું માધ્યમ ખૂબ અનુકૂળ આવેલું છે. કૃતક ગદ્યકવિતાનો ધસમસતો પ્રવાહ આપણે છેલ્લાં વર્ષોમાં જોયો છે. દરેક જમાનામાં પ્રયોગશીલતાને નામે અધકચરી અને વિરૂપ વસ્તુઓના ફાલની ક્યારેય પણ કમીના હોતી નથી. જીવનનું સ્વરૂપ, એના અનુભવો અને એ અનુભવોનો અભિવ્યક્તિ સાથેનો અન્વય એ બાબત મહત્ત્વની છે. અર્થદૃષ્ટિએ અસંગત એવી પંક્તિઓની ગોઠવાણીથી કાવ્ય થતું નથી. પોતાના ‘રાઇટિંગ’ નિબંધમાં ડબ્લ્યુ. એચ. ઓડેન કહે છે : A poet has to woo, not only his own muse but also Dame philology, and, for the beginner, the latter is the more important.’ પદ્યને ‘મુક્ત’ રીતે પ્રયોજનારને તેણે રોબિન્સન ક્રૂઝો સાથે સરખાવ્યો છે, જે વેરાન ટાપુ ઉપર રહ્યો રહ્યો રસોઈ, ઇસ્તરી અને કપડાંને રફૂ કરવાનું જાત જ કરે છે! અપવાદરૂપ કેસોમાં પરિણામ સારું આવે છે, અન્યથા તો ગંદવાડ જ! અછાંદસ કવિતામાં લાભશંકર, રાધેશ્યામ, સિતાંશુ, વિપિન પરીખ, સુરેશ દલાલ, હરીન્દ્ર, જગદીશ, ચંદ્રકાન્ત, પન્ના વ. નોંધપાત્ર કરી શક્યાં છે, અન્યથા અસંબદ્ધ ગદ્ય કશું પરિણામ નિપજાવી શક્યું નથી.

છેલ્લા દશકાની કવિતામાં ગઝલના સ્વરૂપમાં જે પરિવર્તન આવ્યું તે ખાસ નોંધપાત્ર છે. પરંપરાગત ગઝલમાં આવતાં ‘સનમ’ અને ‘સાકી’થી કે નિશ્ચિત ‘રદીફ કાફિયા’થી વર્તમાન કવિ કંટાળી ગયો હતો. સાંપ્રતની સમસ્યા વ્યક્ત કરવા માટે તેણે ગઝલનો ઉપયોગ કર્યો. આ મુદ્દા પરત્વે ભગવતીકુમાર, આદિલ મનસુરી, હરીન્દ્ર દવે, ચિનુ મોદી અને મનહર મોદી ખાસ ઉલ્લેખપાત્ર છે. ગઝલના સ્થિતિસ્થાપક સ્વરૂપમાં કેટલુંક પરિવર્તન લાવવાના પ્રયોગા થયા છે. ગઝલનો પ્રત્યેક શેર એ સ્વાયત્ત એકમ રૂપ હતો એને બદલે ઊર્મિકાવ્યની જેમ એની સળંગ ભાવાભિવ્યક્તિ સાધવાના અને અર્થાનુસારી વિરામો યોજવાના પ્રયોગ આપણા સિદ્ધ ગઝલકારો અને નવોદિતોએ કર્યા છે. એનાં ઉદાહરણો ગઝલસંચય ‘નખશિખ’માં એક સાથે સુલભ થશે. ક્યારેક રદીફ–કાફિયાને પણ તિલાંજલિ આપીને પણ ગઝલની આબોહવા અકબંધ જાળવવાનો પ્રયત્ન ભગવતીકુમાર શર્માએ કર્યો છે. ગઝલને ગીતના લયમાં ઢાળવાનો પ્રયત્ન મનમાં વસી શકે એવો નથી. જયંત પાઠકની ‘સાંજ’ રચના એનું ઉદાહરણ છે. ગઝલ અને સૉનેટને સેળભેળ કરી નાખવાનો પ્રયોગ માધવ રામાનુજે ‘એક એવું ઘર મળે આ વિશ્વમાં’થી આરંભાતી ‘અમે ઇચ્છ્યું એવું’ એ રચનામાં કર્યો છે. છેલ્લી બે પંક્તિના યુગ્મમાં સૉનેટની ચોટ કુશળતાપૂર્વક લાવી શકાઈ છે અને છતાં સમગ્ર પરિવેશ ગઝલનો જાળવ્યો છે. આ એક પ્રાણવાન પ્રયોગ છે. હાઈકુ–ગઝલનો પ્રયોગ મનોજ ખંડેરિયાએ ‘નેવાં’માં કર્યો છે, પણ એ નથી રહેતું હાઈકુ કે નથી થતી ગઝલ! ફારસી શબ્દોની ભારોભાર ભરમારવાળી પહેલાંની ભાષા અને આજની સાદી, સંસ્કૃતની છાંટવાળી અને ક્યારેક બોલચાલની ભંગિઓનો સફળ વિનિયોગ કરતી ભાતીગળ ભાષા વચ્ચેનો ફેર તરત ધ્યાનમાં આવશે. ગઝલ પરત્વે પ્રયોગ ખાતર પ્રયોગના દાસ્યથી ચેતવા જેવું પણ ખરું. તા. ૧૬–૫–૭૭થી ૧૬–૫–૭૮ સુધીના એક વર્ષમાં રચાયેલી ચિનુ મોદીની બે ડઝન ગઝલોનો નાનકડો સંગ્રહ ‘ઇર્શાદાબાદ’ હમણાં મારા હાથમાં આવ્યો. એમાં કેટલીક દિલચશ્પ ગઝલો પરંપરા અને પ્રયોગનો સુંદર સુમેળ સાધે છે. થોડી પંક્તિઓ જોઈએ :

આપણે પળની પળોજણ દરવખત કરવી પડે
તૂટતી દીવાલને પણ ખંડણી ભરવી પડે
કૈંક ના સમજાય એવું શું હશે ઇર્શાદમાં?
દરવખત એકાદ નકશાની નદી તરવી પડે!

*

મને તને ‘ઇર્શાદ’ કહેવાની જરૂરત ક્યાં હતી?
શબ્દની સંગત પછી પણ પાણીપોચું થાય છે!

*

લાગણીના દેશમાં ‘ઇર્શાદ’ ક્યાં નિર્દોષ છે?
કાંચળીને સાપ ગણવાનો ગુનો જાહેર છે!

*

આમ તો પર્યાપ્ત છે બે આંખનો વિસ્તાર પણ
પૂર આવેલી નદીને પટ ઘણો નાનો પડ્યો!

ગઝલનું રૂપ પણ સર્જકોને નાનું પડે અને એમાં અવનવા પ્રયોગો થતા રહે એમ ઇચ્છીએ.

સામાન્ય રીતે સંસ્કૃતપ્રચુર ભાષાનો કાવ્યમય ઉપયોગ કરનાર કવિ રાજેન્દ્ર શાહ બોલચાલની ભાષાને ક્ષમતાપૂર્વક ઉપયોજી કેવી ભાવાભિવ્યક્તિ સાધે છે તે એમના ‘વાચાળ’ કાવ્યની નીચેની પંક્તિઓમાં દેખાય છે :

જેની તેની સંગ બોલું ન, તેથી વાચાળ
હું ન કંઈ કમ
મને મારા જ તે સમ,
છેડા વિનાની જ્યાં વાત છેડું છું ઉલ્લસી
મંદ મીઠું હસી
અંતરંગ ઉચ્ચર્યું કો’ ‘લવારો આ ટાળ.’

ઉમાશંકર–સુન્દરમની કવિતામાં અને ખાસ કરીને મનસુખલાલ ઝવેરીના કાવ્યસંગ્રહ ‘ડૂમો ઓગળ્યો’માં રમતિયાળ ભાવોની એવી જ રમતિયાળ ભાષામાં થયેલી અભિવ્યક્તિ ધ્યાન ખેંચે છે. છેલ્લા દશકામાં ભાષાને આખો સ્તર બદલાયો છે.

અંગ્રેજી શબ્દો અને પંક્તિખંડો જેમ ને તેમ અછાંદસ રચનાઓમાં ગોઠવાઈ ગયેલા જણાય છે. વિપિન પરીખ જેવા તો કાવ્યનાં શીર્ષકો પણ અંગ્રેજીમાં આપે છે(Insomnia, Distance, Decoration વગેરે). સાંપ્રત જીવન અને જીવનનો વ્યવહાર જે બોલચાલની ભાષામાં થાય છે એના વિનિયોગમાં એ પ્રકારનાં અંગ્રેજી વાક્યો નિર્વાહ્ય ગણવાં જોઈએ. પન્ના નાયકે એક કાવ્યમાં ‘Concentration Camp’નો પ્રયોગ કર્યો છે. અહીં રાજકીય કેદીઓની છાવણી કે એવો પ્રયોગ બરોબર ન લાગત. (વિસ્મરણનો concentration camp એમ કહેવામાં કેટલું ઔચિત્ય એ પ્રશ્ન તો છે જ, પણ ધકેલી દેવાની ક્રિયા સાથે એનો મેળ બેસે છે) પરંતુ ‘ફરીથી Tropical’માં ‘Controlled હવા’ કે ‘વાતાવરણ ફરીથી Tropical’ એમ કહેવામાં કશો વિશેષ અર્થબોધ થતો નથી. ઉષ્ણકટિબંધથી કામ ચાલી શક્યું હોત. કવિતામાં એક પણ શબ્દ ફૅશન ખાતર આવવો ન જોઈએ.

છેલ્લા દાયકામાં જાપાની કાવ્યપ્રકાર હાઈકુનો પણ જુવાળ આવ્યો. પણ સૉનેટના આગમન ટાણે થયું હતું તેવું હાઈકુમાં પણ થયું અને કૃતક સામાન્ય રચનાઓ થવા લાગી, અન્યથા સારી રચનાઓ આપનાર આ દશકાના એક નોંધપાત્ર કવિ વિપિન પરીખે ‘આશંકા’માં આ હાઈકુ સંગ્રહ્યું છે :

મંદિર બહાર
ભિક્ષુક, ભીતર હું;
ફર્ક આટલો?

અહીં હાઈકુ વાચ્યાર્થથી આગળ ધપતું નથી. આવી રચનાઓ મૂળ જાપાની પ્રકારથી કેટલી બધી દૂર રહી જાય છે!

ચિંતનના ભારણ વિનાની પાણીના રેલાની જેમ ભીતરી સંવેદનાને અભિવ્યક્તિ આપતી એકસ્ટસીઝના પ્રયોગો કવિ ઉશનસે કર્યા છે.

આ પૂરા થતા આવતા આઠમા દશકાની કવિતામાં દેખાતાં વલણોનાં કેટલાંક ઇંગિતો રજૂ કર્યા પછી એક બાબત તરફ ધ્યાન દોરવું ઉચિત સમજું છું. પરંપરા સાથેનો વિચ્છેદ ગુજરાતી કવિતાના વિકાસ-તબક્કાઓ જોતાં અનિવાર્ય જેવો છે. પરંતુ એની અવેજીમાં જે વસ્તુ આપણને મળે છે એની અસલિયતની ચિકિત્સા એ વિવેચનનું એક કર્તવ્ય અને જવાબદારી છે. અત્યારે મોટાભાગની કવિતા દેખાદેખીથી અને ફૅશનપરસ્તીની રીતે લખાતી જોવા મળે છે. અનુભૂતિનું મૂલ્ય ઓછું થયું છે અને માત્ર રૂપવિધાનનો મહિમા કરવા પાછળ કવિતાએ દોટ મૂકી છે. સાહિત્યે લોકપ્રિય થવું જોઈએ એવા કોઈ અભિગ્રહથી નહિ, પણ કવિતા વિદગ્ધ ભાવકોને સંતર્પી ન શકે એવી પરિસ્થિતિ તો ઇષ્ટ ન જ ગણાય. માત્ર શબ્દરમત કે ભૌમિતિક તરેહ એ કવિતા નથી એ વાતનું સ્મરણ કરાવવું પડે એ દુઃખદ છે. એકનાં એક કલ્પનો કે શબ્દઝૂમખાં વાપરવાથી કવિતા પ્રયોગશીલ થઈ ગઈ એવા ભ્રાન્ત વલણમાંથી જેટલું વહેલું નીકળી શકાય એટલું કવિતાના લાભમાં છે. કવિતામાં કવિઓ શબ્દનો મહિમા કરે છે પણ તેમનો શબ્દ ક્યાંથી આવે છે, એની ગંગોત્રી શી છે એનો વિચાર કરવા જેવો છે. શબ્દની પાછળ સ્વકીય અનુભૂતિનું બળ નહિ હોય તો એ ઉછીનો લીધેલો શબ્દ કેટલું કામ આપવાનો?