વિવેચનની પ્રક્રિયા/અર્વાચીન કન્નડ કવિતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
અર્વાચીન કન્નડ કવિતા

ગયા મે માસમાં [૧૯૭૭ના] એક સેમિનારમાં માઈસોર જવાનું થયેલું ત્યારે પાછા વળતાં બૅંગ્લોરમાં કન્નડ સાહિત્યકારોને મળવાનું બન્યું. કન્નડ સાહિત્ય વિષે તેમની સાથે થયેલી ગોષ્ટિ સ્મરણીય બની રહી. કન્નડના ‘એલિયટ’ ગણાતા ગોપાલ કૃષ્ણ અડિગ, ડૉ. શિવરુદ્રપ્પા, માસ્તી વ્યંકટેશ આયંગર અને તેલુગુના પ્રો. સુબ્બારાવ સાથે થયેલી વાતચીત અને ચર્ચા ગુજરાતી સાહિત્યના સંદર્ભમાં પણ જોવા જેવી છે.

બૅંગ્લોરના પ્રખ્યાત ગાંધીનગર વિસ્તારમાં આવેલી હૉટેલ લક્ષ્મીનો રૂમ નં. ૧૦૯. વાતાવરણ ખુશનૂમા. બૅંગ્લોર યુનિવર્સિટીના કન્નડ અધ્યયનકેન્દ્રના અધ્યક્ષ ડૉ. જી. એસ. શિવરુદ્રપ્પા અને તેલુગુના લોકવિદ્યાના જાણકાર અને કવિ ડૉ. ટી. વી. સુબ્બારાવ આવી પહોંચ્યા. ગુજરાતી સાહિત્યના સાંપ્રત પ્રવાહ વિષે વાત થઈ. મારે ખાસ કન્નડ કવિતા વિષે અને કન્નડની સાહિત્યિક પરંપરા વિષે પૂછવું હતું. ડૉ. શિવરુદ્રપ્પા અત્યંત સ્વસ્થ અને વિદ્યાનુરાગી છે. ઉમાશંકર જોશીને જેમની સાથે ભારતીય જ્ઞાનપીઠનું પારિતોષિક મળેલું તે કન્નડ મહાકવિ કે. વી. પુટપ્પા, ‘કુવેમ્પુ’ના માર્ગદર્શન હેઠળ તેમણે સૌન્દર્યમીમાંસા પર મહાનિબંધ લખી ડૉક્ટરેટ મેળવી છે. મુખ્યત્વે શિવરુદ્રપ્પા કન્નડમાં લખે છે. નવેક કાવ્યસંગ્રહો અને પાંચેક વિવેચનલેખોના સંગ્રહો પ્રગટ થયા છે. પાંચેક વરસ પહેલાં ઇન્ડો-સોવિયેટ કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ રશિયા પણ ગયેલા. ૧૯૭૩માં તેમને સોવિયેટ લૅન્ડ નહેરુ ઍવૉર્ડ મળેલો. રશિયાના પ્રવાસનું પુસ્તક ‘મૉસ્કોદલ્લી ઇપ્પત્તેરડુદીના’ (મૉસ્કોમાં ૨૨ દિવસ) પણ પ્રગટ થયેલું છે. તેમની એક અધ્યાપક અને વિવેચક તરીકેની વિશેષતા તુલનાત્મક સાહિત્યના અભ્યાસની–‘તૌલનિકા અધ્યયન’–માં રહેલી છે.

બે હજાર વર્ષ જૂની કન્નડ ભાષા એ દક્ષિણ ભારતની એક મુખ્ય ભાષા છે. કન્નડ સાહિત્યનો આરંભ ક્યારથી થયો એ વિષે મતભેદને અવકાશ છે. પ્રાપ્ત પ્રાચીન ગ્રંથોમાં એક હજાર વર્ષ જૂના ‘કવિરાજ માર્ગ’ની ગણના થાય છે. એ નવમી સદીમાં રચાયેલો. એના લેખકનો જન્મકાળ સંસ્કૃતના બાણભારવિના યુગનો છે. એ એક નોંધપાત્ર વિગત છે કે કન્નડનો પ્રથમ ગ્રંથ કાવ્યશાસ્ત્રવિષયક છે અને તે પદ્યમાં રચાયેલો છે. એ પછી મળે છે શિવેકોટ્યાચાર્યને ‘વડ્ડારાધને’(મોટી આરાધના), આ ધાર્મિક કથાઓનો સંગ્રહ છે, ગદ્યમાં રચાયેલો છે.

કન્નડના સૌથી પ્રાચીન કવિ પમ્પ છે. એમનો કુળધર્મ વૈદિક અને પિતાનો ધર્મ જૈન. પમ્પને બંને ધર્મો પ્રત્યે આદર હતો. તેમણે બે ગ્રંથો આપ્યા છે : ૧. ‘આદિપુરાણ’ અને ૨. ‘વિક્રમાર્જુનવિજય’ અથવા ‘પમ્પભારત.’ આ ગ્રંથોમાં તેમની ધર્મસમન્વયની દૃષ્ટિ પ્રગટ થયેલી છે. “હું ‘પમ્પ ભારત’માં લૌકિકને ચમકાવીશ અને ‘આદિપુરાણ’માં ધાર્મિકને ચમકાવીશ” એમ લખનાર પમ્પે પોતાની પ્રતિજ્ઞાને સાર્થક કરી છે. ‘આદિપુરાણ’માં આદિનાથનું અને પુત્ર ભરતેશ્વરના ચરિતના આલેખનમાં ધર્મ અને કવિતાનું સંમિલન કર્યું અને પ્રધાનતયા કાવ્યદૃષ્ટિનો જ વિશેષ પુરસ્કાર થયો. વિક્રમાર્જુનવિજયમાં અર્જુન કેન્દ્રમાં છે, આ અર્જુન તે કવિનો આશ્રયદાતા અરિકેસરી. આ કૃતિ પાછળ ‘મહાભારત’ની પ્રબલ પ્રેરણા રહેલી છે. પણ એમાં મહાભારતનું સ્થૂળ અનુસરણ નથી, કવિની સ્વકીય પ્રતિભાનું તેજ પણ એમાં પ્રસર્યું છે. એ ગદ્ય– પદ્યનો વિનિયોગ કરતું ચંપૂકાવ્ય છે. કન્નડ ભાષાનું એ કલેસિક ગણાય છે. દસમા સૈકામાં મળેલું આ મહાકાવ્ય કન્નડ કવિતાના પટ પર હીરાની જેમ ઝળકે છે. દસમા સૈકાના બીજા કવિઓ પોન્ન અને રન્ન છે, તેમણે પણ લૌકિક કાવ્યો રચવાની પમ્પની પરંપરા જાળવી રાખી છે, અગિયારમી સદીમાં દુર્ગસિંહ અને નાગચંદ્ર, બારમી સદીમાં નયસેન અને નાગવર્માનો ઉલ્લેખ કરવો જોઈએ. આર. એસ. મુગળિ કહે છે તેમ “આ પ્રશિષ્ટ મહાકાવ્યોનો યુગ કન્નડ કવિતાના સુવર્ણકાળ તરીકે ઓળખાય છે. આ યુગમાં ચંપૂ એ સાહિત્યરચનાનું પ્રિય સ્વરૂપ હતું. સમર્થ કવિઓ દ્વારા લખાયેલા કેટલાક લૌકિક અને ધાર્મિક ગ્રંથોમાં એની સર્વોચ્ચ પ્રૌઢિ સિદ્ધ કરી. લૌકિક કૃતિઓમાં સમકાલીન ઇતિહાસ અને મહાકાવ્યોનો સુંદર સુયોગ સધાયો. ઐતિહાસિક વસ્તુની સીધી માવજત કરતાં આ રીતે થતું સાહિત્યલેખન કદાચ સમગ્ર ભારતીય ઇતિહાસમાં અપૂર્વ હતું. આ યુગના અંતભાગમાં સરળ ચંપૂ– સ્વરૂપમાં લખાયેલું ગદ્યના ભારવાળું વાર્તા–સાહિત્ય એ જાણે વિદ્વદ્ભોગ્ય એવા ભભકાભર્યા પ્રશિષ્ટ ગ્રંથો સામેના પ્રત્યાઘાત જેવું હતું. આ વાર્તા–કૃતિઓએ સંસ્કૃતના પ્રમાણ–હીન ઉપયોગ સામે વિરોધ નોંધાવ્યો અને લોકની ભાષા તરીકે શુદ્ધ કન્નડનું ગૌરવ કર્યું.” બારમી સદીના મધ્યભાગમાં ‘વચન’ તરીકે ઓળખાતું કાવ્યાત્મક ગદ્ય વિકાસ પામ્યું. ‘વચન’માં બોલાતા શબ્દનો મહિમા હતો. એના વિકાસમાં અલ્લમપ્રભુ, બસવેશ્વર જેવા સંતકવિઓનો ફાળો છે. અક્કમહાદેવી, ચન્નબસર્વેશ્વર પણ સુખ્યાત છે. અક્કમહાદેવીનાં ‘વચન’ આપણાં નરસિંહ–મીરાં કે દયારામના ભક્તિશૃંગારનું સ્મરણ કરાવે એવાં છે. તેરમા સૈકાના આરંભકાળ સુધીમાં હરિહર, રાઘવાંક અને પદ્મરસ જેવા ધર્મકવિઓ થઈ ગયા. આરંભના મોટા ભાગના કવિઓ જૈનમતાનુયાયી હતા, પાછળથી વીરશૈવ માર્ગનો પ્રભાવ વધ્યો. જૂની પરંપરાના અને ક્રાંતિકારી – બંને પ્રકારના કવિઓની કવિતા સમાન્તર રચાવા લાગી. નેમિચન્દ્ર, રુદ્ર ભટ્ટ, જન્ન અને આંડય્ય એ કવિઓએ મહત્ત્વનું પ્રદાન કર્યું. પંદરમી સદીથી સત્તરમી સદી સુધી કન્નડ કવિતા વધુ લોકપ્રિયતાને આરે આવી ઊભી.

ચંપૂ પ્રકારનાં કાવ્યો હવે લખાતાં બંધ થાય છે, ભક્તિગીતો લખાય છે, ‘વચનો’નો મહિમા ઓછો થાય છે. કુમારવ્યાસ વળી પાછા મહાભારતની કથાને આલેખે છે, સાડા આઠ હજાર પંક્તિઓનું તેમનું, આ કન્નડ-ભારત કન્નડ ભાષાની એક મહત્ત્વની કાવ્યકૃતિ ગણાય છે. હવે કવિતા વધુ લોકાભિમુખ બની. એમાં નિજગુણી અને સર્વજ્ઞનો નોંધપાત્ર હિસ્સો છે. હરિદાસોની કવિતામાં પુરંદરદાસ, કનકદાસ અને જગન્નાથદાસનાં ભક્તિગીતોએ પ્રજાહૃદય પર કામણ કર્યું. આજે પણ તેમનાં ગીતો ભક્તિભાવપૂર્વક ગવાય છે. ભાગવત સંપ્રદાયના અન્ય કવિઓમાં કુમારવાલ્મીકિ અને લક્ષ્મીશ ઉલ્લેખ માગી લે છે. પ્રાચીન અને મધ્યકાળમાં ભારતની બધી ભાષાઓના સાહિત્યમાં જૈન કવિઓનો હિસ્સો, ધર્મ અને ભક્તિકવિતાનો મહિમા, મહાભારત આદિ પુરાણોમાંથી વસ્તુ લઈ ચરિત્રાલેખન કરવાની પ્રવૃત્તિ; ભક્તિનો વિસ્ફોટ, બોધકતા, ‘ભક્તિશૃંગાર’ જેવાં સમાન લક્ષણો જોવા મળે છે અને કન્નડ કવિતા પણ એમાં અપવાદ નથી. ક્રમશઃ ‘ધર્મ’માંથી છૂટીને વિશાળ જનસમુદાય સાથેનું સંધાન કરવાની વૃત્તિ પણ આ કવિતામાં પ્રબળ બનતાં સાંસારિક કે સામાજિક વિષયો પ્રત્યેનું આકર્ષણ વધતું જાય છે. આ વિષય–વિચ્છેદની પ્રક્રિયા પણ લગભગ સરખી જોવા મળે છે.

ભારતીય સાહિત્યમાં અર્વાચીન યુગનાં મંડાણ પણ અંગ્રેજ અમલ દ્વારા સુલભ બનેલા પાશ્ચાત્ય સાહિત્ય અને સંસ્કૃતિના પ્રભાવને આભારી છે. આગણીસમી સદીના ત્રીજા દશકામાં અર્વાચીન સાહિત્યનો ઉદય થયો. ૧૮૨૩માં કેમ્પુનારાયણનું ‘મુદ્રામંજૂષા’ પ્રગટ થયું. પણ હજુ પ્રાચીન અને અર્વાચીન શૈલી એકબીજાના મેળમાં રહેલી છે. ૧૮૦૯માં વિલિયમ કેરીએ બાઈબલનું ભાષાંતર કર્યું, જે ૧૮૨૩માં પ્રગટ થયું. કન્નડ ભાષાની એ પ્રથમ અર્વાચીન ગદ્યરચના છે. પ્રાચીનકાળથી કન્નડમાં નૃત્ય–નાટકનું આકર્ષણ રહેલું છે. ઓગણીસમી સદીના આરંભમાં પણ લોકનાટ્ય ફાલેફૂલે છે. પણ કવિતામાં હજુ ખાસ પરિવર્તન આવતું નથી. વિષયોની મર્યાદા અસ્ત પામી ખરી, પણ કાવ્યત્વ પૂર્ણપણે સંસિદ્ધ થયું હોય એવી રચનાઓને હજુ વાર હતી. આરંભમાં તો અર્વાચીન કવિતા અનુવાદરૂપે આવી. અંગ્રેજી કે જર્મનમાંથી પદ્યાનુવાદો મળવા લાગ્યા. ઓગણીસમી સદીના અંત ભાગમાં અને વીસમીના પ્રારંભમાં આ અનુવાદો જ ‘અર્વાચીન કવિતા’ હતા! આ અનુવાદ કરનારાઓ હતા એચ. નારાયણરાવ, પંજે મંગેશરાવ, એસ. જી. નરસિંહાચાર, ગોવિંદ પાઈ વગેરે. બી. એમ. શ્રીકંઠય્યાનો ‘ઇંગ્લીશ ગીતગળુ’ સીમાસ્થંભ ગણાય છે. એમાં તેમણે શેલી, વર્ડ્ઝવર્થ, રૉબર્ટ બર્ન્સ, થોમસ હૂડ ને બ્રાઉનિંગ જેવા રોમૅન્ટિક પરંપરાના અંગ્રેજી કવિઓનાં સાઠ જેટલાં કાવ્યોને કન્નડમાં ઉતાર્યાં. મહાત્મા ગાંધીની પ્રભાવક અસર ભારતના બધા સાહિત્ય પર થઈ. આ નવી કવિતાના કવિઓમાં અગ્રેસર હતા શ્રીકંઠય્યા, માસ્તિ, પંજે, ગોવિંદપાઈ, બેન્દ્રે વગેરે.

અર્વાચીન કવિતાનો પહેલો ઉન્મેષ કવિ પંજે દ્વારા પ્રગટે છે. પણ અર્વાચીનતાના પ્રથમ પુરસ્કારક અને પ્રસ્થાનકાર તો બન્યા શ્રીકંઠય્યા. અનુવાદિત કાવ્યકૃતિઓ ઉપરાંત ‘હોંગનસુગળુ’ નામે મૌલિક કાવ્યોનો સંગ્રહ પણ તેમણે પ્રગટ કર્યો એમાં ભારત પ્રત્યેની ભક્તિ, કન્નડ પ્રદેશ માટેની મમતા – એની પ્રકૃતિ, એનો ભવ્ય ભૂતકાળ અને ભાવિની આશાનું મંગલ ચિત્ર આપ્યું છે. જીવનનાં માંગલ્ય અને મૂલ્યો માટેની કવિની આસ્થા સ્વસ્થ અભિવ્યક્તિ પામે છે. ડી. વી. ગુડપ્પાનું ચાર હજાર પંક્તિનું ‘મંકુ તીમ્મન કગ્ગ’ તેમના જીવનચિંતન અને જીવનદર્શનને રજૂ કરે છે. ‘શ્રીનિવાસ’ ઉપનામથી લખતા મારિત વ્યંકટેશ આયંગર કથાકાર તરીકે જાણતા છે. પણ તેમણે કાવ્યો પણ રચેલાં છે.

તેમના કાવ્યસંગ્રહોમાં ‘બિન્નહ’, ‘અરુણ’, ‘તાવર’, ‘ચેલુવુ’, ‘મલાર’, ‘મનવિ’ વગેરેનો સમાવેશ થાય છે. રાષ્ટ્રભક્તિ, પ્રભુભક્તિ, પ્રકૃતિપ્રેમ, માનવશ્રદ્ધાનું’ બુલંદગાન તેમણે ગાયું છે. ‘રામનવમી’, ‘નવરાત્રિ’, ‘ગૌડર મલ્લિ’ એ તેમનાં કથાકાવ્યો છે. પરંપરાગત વાણીસ્વરૂપોનો ઔચિત્યપૂર્વકનો ઉપયોગ માસ્તીની કવિતામાં થયો છે, અને કોઈને કોઈ ભાવનાબિંદુને તેમની કવિતા સ્પર્શે જ છે.

માસ્તીને મળવાનું નક્કી કર્યું જ હતું. તેમને પ્રણામ કરવા માટે હું બસવનગુડી કલબમાં ગયો. તે કલબમાં પત્તાં રમતા હતા! એંશી ઉપરાંતના હશે, પણ હાસ્યવિનોદ અને પ્રસન્નતા એવા ને એવાં જળવાયાં છે. શ્રી માસ્તીને પી. ઈ. એન. માટે ખૂબ અનુરાગ, એની વાતો નીકળી. છેલ્લે અમદાવાદમાં ભરાયેલા પી. ઈ. એન. સંમેલનમાં મળેલા. હવે અમદાવાદ ક્યારે આવશો એમ મેં પૂછ્યું ત્યારે કહે : હવે કોઈ યાત્રા નહિ, માત્ર અંતિમયાત્રા! અને એ પણ મારા હાથની વાત નથી માટે! મને ‘ગીતાંજલિ’નું કાવ્ય યાદ આવ્યું. “મને કહેણ આવ્યું છે અને હું હવે મારી યાત્રા માટે તૈયાર છું.” તે કહે : રવીન્દ્રનાથની વાત જુદી છે. કન્નડ કવિતા–સાહિત્ય વિષે વાત થઈ. નવા સર્જકોની સાધના કાંઈક ઓછી છે, અને સાહિત્યનો આદર્શવાદી અભિગમ નથી એ તેમને ખટકે છે. તે કહે કે નવા લેખકો તેમની ટીકાઓ કરે છે, પણ તેમણે એટલું બધું લખ્યું છે કે તેમને ન્યાય કરવા માટે પણ ઘણો અભ્યાસ કરવો જોઈએ. બીજાઓ નવાઓને સાચો રાહ બતાવતા નથી અને થાબડ્યા કરે છે. માસ્તીએ બે પેઢીઓ તો જોઈ. કોઈ લેખક ઘણો લાંબો વખત લખે એટલે બે પેઢી વચ્ચે જે અંતર પડી જતું હોય છે અને જે સોરાબ–રુસ્તમી સર્જાય છે એનો જ આ દાખલો થયો ગણાય. માસ્તીનો સાહિત્ય માટેનો ઉચ્ચાગ્રહ, એના ઉચ્ચ કર્તવ્ય માટેનો આગ્રહ, પ્રજાહિતની દૃષ્ટિ, તેમનાં સૌજન્ય અને વાત્સલ્યથી અમે થોડી ક્ષણોમાં પણ ભીંજાઈ ગયા.

રંગનાથ દિવાકર, સાલિ રામચંદ્રરાવે પણ કન્નડમાં પોતાનું પ્રદાન કરેલું છે. પણ અર્વાચીન કન્નડ કવિતાના અગ્રણી કવિ તો ડી. આર. બેન્દ્રે. તેમણે ‘અમ્બિકાતનયદત્ત’ તખલ્લુસથી લખ્યું છે. તેમના વીસ જેટલા કાવ્યસંગ્રહોમાં એલિજિ ‘હાડુપાડુ’ લગ્નજીવનવિષયક લાંબું કથાકાવ્ય ‘સખીગીતા,’ પ્રતીકાત્મક કાવ્યોનો સંચય ‘મૂર્તિ’ વગેરેનો સમાવેશ થાય છે. દેશ અને વિશ્વની પરિસ્થિતિ વિષે પણ તેમણે કાવ્યો કર્યાં છે પણ તે બોધાત્મક નીવડતાં નથી. એમનું લક્ષ્ય સૌન્દર્યનિર્મિતિ જ છે, વિવિધ કલ્પનો અને પ્રતિકોના સંયોજનથી અને લોકબોલી પર આધારિત નવા શબ્દોના વિનિયોગથી બેન્દ્રેની કવિતાનું એક ભાતીગળ રચાયું છે. અર્વાચીન કન્નડ કવિતાના વિધાયકોમાં બેન્દ્રેનું મહત્વનું સ્થાન છે. તેમની કવિતાને વિવિધ વિવેચકોની વિવેચનાનો લાભ મળ્યો છે.

કીર્તિનાથ કૂર્તકોટિએ ‘મૂંગદ બેન્નેરિ’ (ભ્રમરની પીઠ ઉપર) એ નામે પોતાનો અભ્યાસગ્રંથ પ્રકટ કર્યો છે. બેન્દ્રેએ ‘ભાવગીત’ (લિરિક) નામે એક કાવ્ય લખેલું એની પહેલી પંક્તિમાં તે કહે છે કે કલ્પના ભ્રમરની પીઠ પર બેસીને આવશે. વિવેચનગ્રંથના શીર્ષકનો હેતુ બેન્દ્રેની કવિતામાં રહેલા નાદમાધુર્ય અને કલ્પનોડ્ડયન સૂચવવાનો લાગે છે. અર્વાચીન કન્નડ કવિતામાં કુવેમ્પુ પછી બીજા પ્રૌઢ કવિ બેન્દ્રે છે. વિપુલતા અને વૈવિધ્ય એ એમની કવિતાનો વિશેષ છે. એમની પ્રતિભા મુખ્યત્વે ઊર્મિકવિની છે. અને તેમણે ‘સખીગીત’ નામે દામ્પત્ય પ્રેમનું વર્ણનાત્મક દીર્ઘકાવ્ય આપ્યું છે. રોમૅન્ટિક કવિઓની જેમ તેઓ આમાં ઊર્મિલ બન્યા નથી. એમની કવિતામાં છંદોનું વૈવિધ્ય અને લોકબોલીનો સફળ વિનિયોગ ધ્યાન ખેંચે છે. તેમના બે હજાર જેટલાં ગીતો પ્રગટ થયાં છે અને એ પ્રત્યેક જુદા છંદોલયમાં છે. એમની કવિતામાં ઊર્મિમયતા અને બૌદ્ધિકતાની યુગપત્ સંસ્થિતિ નોંધપાત્ર છે. વર્તમાનમાં તેઓ રહસ્યવાદી અનુભવનાં કાવ્યો લખે છે. એનો સંબંધ છાંદોગ્યોપનિષદમાં આવતી મધુવિદ્યા સાથે છે. એમનાં ઉત્તમ કાવ્યોમાં ‘સચ્ચિદાનંદ’, ‘એળુ કન્નિકેયરુ’ (સાત કન્યાઓ) ‘નાદ લીલે’, ‘શ્રાવણા’ અને ‘સોળમી સદીના સંત કવિ કનક’ની ગણના થાય છે. ‘કલ્પવૃક્ષ વૃંદાવનગળલિ’ (કલ્પવૃક્ષ અને વૃન્દાવનમાં) એ એમનું જાણીતું પ્રણયગીત છે.

અન્ય મહત્ત્વના કવિઓમાં ‘ગઝલ’ના સ્વરૂપને સૌ પ્રથમ પ્રયોજનાર કૃષ્ણશર્મા બેતગેરી, શ્રીઅરવિંદના જીવનદર્શનનો પ્રભાવ ઝીલનાર ચૈનમલ્લ હળસન્ગી, બહિરંગ પર વધુ ભાર મૂકનાર વી. સીતારામય્યા, અવનવાં કલ્પનો આપનાર પી. ટી. નરસિંહાચાર, વ્યક્તિત્વવાદી જી. પી. રાજરત્નમ્ ‘માદ્રીય ચિતૅ’નું કથનાત્મક કરુણ કાવ્ય આપનાર કે. શંકરભટ્ટ, શ્રીઅરવિંદાનુયાયી અને પદ્યનાટકની દિશામાં પ્રયોગો કરનાર વી. કે. ગોકાક, ઉમદા ભાવનાઓને કલારૂપ આપનાર સંવેદનશીલ રસિકરંગ, કન્નડ ભૂમિને મહિમાવંત કરનાર ડી. એસ. કર્કીનો સમાવેશ થાય છે.

આ સૌ કવિઓમાં કન્નડ ભાષાને મહાકાવ્ય આપનાર કવિ કે. વી. પુટ્ટપ્પા, ‘કુવેમ્પુ’ ખાસ ઉલ્લેખ માગી લે છે. કન્નડના અગ્રણી કવિઓમાં તેમની ગણના થાય છે. તેઓ માઈસોર યુનિવર્સિટીમાં કન્નડ વિભાગના અધ્યક્ષ હતા અને પછી કુલપતિ થયા. તેમની કવિતા પૂર્વ અને પશ્ચિમનું જે કાંઈ ઉત્તમ છે તેને આત્મસાત્ કરી પોતાની આગવી રીતે અભિવ્યક્ત કરે છે. પહેલી હરોળના પ્રકૃતિકવિ તરીકે તે સુપ્રસિદ્ધ છે. પણ તેઓ એવા જ પ્રભુભક્ત કવિ પણ છે. ભારતીય સંસ્કૃતિના આદર્શો એમની કૃતિઓમાં સૌન્દર્યાત્મક રીતે નિરૂપાય છે, એક ગૌરવશાળી ભારતીય કવિ તરીકે તેમનો અવાજ પ્રભાવક લેખાય છે. તેમની પ્રતિભાનો સર્વોત્કૃષ્ટ ઉન્મેષ મહાકાવ્ય ‘શ્રી રામાયણદર્શનમ્’માં પ્રગટ થયો છે. બે ભાગમાં પ્રગટ થયેલું આ મહાકાવ્ય ૨૪ હજાર પંક્તિનું છે. એમાં મિલ્ટોનિક બ્લૅન્કવર્સ, ‘મહાછંદસ’ યોજાયો છે. વીસમી સદીના યુગધર્મની એ અભિવ્યક્તિ છે. તે વાલ્મીકિની જડ અનુકૃતિ નથી. વસ્તુ વાલ્મીકિનું છે પણ દર્શન ‘કુવેમ્પુ’નું છે. વીસમી સદીની આકાંક્ષાઓ, અભીપ્સાઓ અને મૂલ્યબોધને કુવેમ્પુએ નિજી જીવનદર્શનના ભાગરૂપે અભિવ્યક્ત કર્યાં છે. આ કૃતિને ૧૯૬૮માં ભારતીય જ્ઞાનપીઠનું પારિતોષિક મળ્યું હતું.

કન્નડ સાહિત્યમાં પુનરુત્થાનકાળ ૧૯૨૦થી શરૂ થયો. એની પ્રેરણા પાશ્ચાત્ય રોમૅન્ટિક કવિઓની કવિતામાં હતી. ૧૯૨૦થી ૧૯૫૦નો સમય ‘નવોદય પિરિયડ’ તરીકે ઓળખાય છે. ગાંધીજી, શ્રી અરવિંદ અને રવીન્દ્રનાથની પ્રભાવક અસર થઈ. સ્વાતંત્ર્ય માટેની ઝંખના પણ કવિઓએ વૈધક રીતે રજૂ કરી. આ સમયગાળામાં જ પ્રગતિશીલ મૂવમેન્ટ આવી. સમાજના નીચલા થરના માનવીનાં દુઃખદર્દ અને સામાજિક સંપ્રજ્ઞતા અભિવ્યક્ત થવા લાગ્યાં. ૧૯૫૦ પછી આધુનિકતાનો પ્રભાવ વધ્યો. ટી. એસ. એલિયટ, એઝરા પાઉન્ડ વગેરેની અસર તળે કન્નડ કવિતા લખાવા લાગી. પ્રગતિશીલ વલણ ૧૯૪૦થી ૧૯૫૦ સુધીનો એક દશકો રહ્યું. પરંતુ હવે છેલ્લા દશકામાં વળી પાછી શ્રમજીવીવર્ગ પ્રત્યેની હમદર્દી, એ વર્ગનાં સુખદુઃખ, એમની જીવનરીતિ, સામાજિક પરિવર્તનની આવશ્યકતા વગેરે પ્રશ્નો પર કન્નડ કવિતા આવીને ઊભી રહી છે. Anti–Establishment ઝોક જોર પકડતો જાય છે. સામાન્ય રીતે નવા કવિઓનું વલણ વિદ્રોહાત્મક થતું જાય છે. આ ‘નવ્યકવિઓ’ની કવિતાના મુખ્ય વિષયો છે : ૧. કાળ અને મનુષ્યનો સંબંધ. ૨. મનુષ્ય અને પૃથ્વીનો સંબંધ અને ૩. મનુષ્ય અને જાતીયવૃત્તિ. આધુનિકતાનો જે પ્રવાહ અત્યારે ચાલુ છે એમાં આ ત્રણ વિષયોની પ્રધાનતા દેખાય છે.

આધુનિકતાના પ્રખર હિમાયતી છે ગોપાલકૃષ્ણ અડિગા. વસ્તુ અને ટેકનિક ઉભયમાં પ્રયોગશીલ એવા કવિઓમાં ચંદ્રશેખર પાટીલ, પી. લંકેશ, એ. કે. રામાનુજન, નિસાર અહમદ વગેરેનો સમાવેશ થાય છે. નવી પેઢીના ચન્નવીર કણવી, જી. એસ. શિવરુદ્રપ્પા, ગંગાધર ચિત્તલ, એચ. બી. કુલકર્ણી, એસ. આર. એકકુન્ડી પણ ખાસ ઉલ્લેખપાત્ર છે.

હું ગયો ત્યારે ગોપાલકૃષ્ણ અડિગ બૅંગ્લોરમાં હતા. અંગ્રેજીના પ્રાધ્યાપકપદેથી તે નિવૃત્ત થયા છે. રાજકારણમાં પણ પ્રસંગોપાત્ત ઝંપલાવે છે. સંસદસભ્ય તરીકે પણ ઊભા રહેલા. તેમને મળવા જયનગર વિસ્તારમાંના તેમના નિવાસસ્થાને ગયો ત્યારે તે તરતમાં જ બહારથી આવ્યા હતા. પણ પ્રસન્ન હતા. તેઓ સાથેની વાતચીત રસપ્રદ નીવડી. માનવીય ગૌરવના તે વિશિષ્ટ પુરસ્કર્તા છે. મનુષ્ય એ મનુષ્ય છે માટે એનું ગૌરવ કરો–એ એમનું સૂત્ર. કળાપ્રવૃત્તિના કેન્દ્રમાં ‘વ્યક્તિ’ જ હોય. કન્નડ કવિતામાં વ્યક્તિમત્તાના તે આગ્રહી છે. મનુષ્યનું અદ્વિતીયત્વ આલેખવું એ કવિતાનો ઉદ્દેશ છે. મનુષ્યની સંવેદના, વિચારો અને લાગણીઓની અનન્યતાને અનન્ય રીતે અભિવ્યક્તિ આપવી જોઈએ એમ તેઓ માને છે. તેમનો છેલ્લો કાવ્યસંગ્રહ છે ‘ઇધનૂભયસીરલિલ્લા’–(મેં આમ ઇચ્છ્યું નો’તું). એમાં અંગત જીવનના અનુભવો વ્યક્ત થયા છે. તેમના ‘વર્ધમાન’(‘એડોલેસન્ટ’)ને ૧૯૭૪નો અકાદમી ઍવૉર્ડ મળ્યો હતો. તેઓ ગદ્યકાવ્યો લખે છે. શક્ય તેટલો ગદ્યનાં ઉત્તમ તત્ત્વોનો લાભ લેવો, બોલાતા શબ્દલયનો લાભ લેવાની તેમની નેમ છે. તેમનો ‘સમગ્ર કાવ્ય’ સાડાચારસો પાનાંનો છે, એમાં તેમની બધી કવિતા આપેલી છે. તે ઓછું લખનારા છે. કહે ૮ વર્ષમાં ૮ કાવ્યો લખ્યાં છે, વર્ષે એક! કન્નડ કવિતાએ ઠીક ઠીક સિદ્ધિ મેળવી છે, બંગાળી કવિતા કરતાં પણ કેટલીક બાબતમાં તે આગળ છે એમ કહેવા છતાં અત્યારે એમાં સ્થગિતતા આવી છે એમ તેમણે જણાવ્યું. કન્નડ કવિતાને અત્યારે પરિવર્તનની જરૂર છે એમ તે માને છે.

સ્વાભાવિક રીતે જ ‘ઇમરજન્સી’ વિષે વાત નીકળી. લેખક પણ નાગરિક છે, એની પોતાની ફરજો છે. દેશ આખો પરતંત્રતાની નાગચૂડમાં હોય ત્યારે એનું વિશિષ્ટ કર્તવ્ય ઊભું થાય છે. તે માત્ર સાક્ષીભાવે બેસી રહે એ ન ચાલે. ઉમાશંકરનાં રાજ્યસભાનાં પ્રવચનોની તેમણે તારીફ કરી. સ્વાતંત્ર્યના મૂલ્યની પ્રજામાં સ્થાપના કરવી એ કવિનો ધર્મ છે. અત્યારના કવિઓમાં દેખાતા જ્ઞાતિવાદ અને સંકુચિતતા પ્રત્યે તેમણે સખત નાપસંદગી દર્શાવી. કન્નડ લેખકો અને કળાકારોનું મંડળ કર્યું પરંતુ બ્રાહ્મણ લેખકોને બાકાત રાખ્યા! ‘રાઈટર્સ ફોર ડેમોક્રસી’ની સ્થાપના કટોકટી પૂર્વે થયેલી. મહત્ત્વના સર્જકો કટોકટી અને સેન્સરશિપના વિરોધી હતા. અડિગ તો બહાર આવેલા અને જાહેરસભાઓને પણ સંબોધેલી. “ગુલામ તરીકે જીવવું એના કરતાં મરવું બહેતર છે” — અડિગનો પુણ્યપ્રકોપ સ્પર્શક્ષમ હતો. ‘પૌરુષદ પરિપાઠી’ કાવ્યમાં લોકો સત્તાધીશોને તાબે થવાનું શીખ્યા છે, અને પોતાના પ્રયત્નો પર આધાર રાખવાનું શીખ્યા નથી એ વિષે તેમણે રજૂઆત કરી છે. ‘નિન્નગદ્દગે નીરુ’ (તમારા ખેતર આગળ જલ) એ કાવ્યમાં તેઓ કટાક્ષ કરે છે કે તમારા ખેતરમાં પાણી લઈ આવતી બધી નહેરો હવે બંધ થઈ ગઈ છે, તો મારા બંધુ, તમને ગમે તે ઉગાડો! તેમનો ‘ભૂમિગીત’ પણ જાણીતો છે. રાઈટર્સ વર્કશોપમાં પણ જોડાયેલા મોડી રાત્રે તેમને ત્યાંથી નીકળતાં તેમણે પોતાના સ્વર્ગસ્થ પિતાનો ફોટો બતાવ્યો ત્યારે તેમની આંખોમાં દેખાતી ચમક હું જોઈ રહ્યો...

કટોકટીકાળમાં કન્નડ કવિઓએ શું કર્યું એની વધુ વિગતો કવિ શિવરુદ્રપ્પાએ આપી. ‘ઈપત્ત અંશદ કવિગડુ’ (‘વીસ મુદ્દાના કવિઓ’) પણ હતા પણ એ જૂજ! મોટા ભાગના સૌએ કટોકટીનો વિરોધ કરેલો. કે. આર. નાગરાજે ‘આપત્કાલીન કવિતા’નો સંગ્રહ સંપાદિત કરેલો. જેમાં શિવરુદ્રપ્પા અડિગ, કણવી, લંકેશ આદિની રચનાઓ હતી. કવિઓની ગૂંગળામણ આ રચનાઓમાં પ્રગટ થઈ છે.

શિવરુદ્રપ્પાના છેલ્લા સંગ્રહનું નામ છે ‘ગોડે’(દીવાલ). માણસ-માણસ વચ્ચે કૉમ્યૂનિકેશન રહ્યું નથી એ એનો વિષય છે. ‘દીવાલ’માં તે કહે છે :-

કોઈ વાર તમારી અને મારી વચ્ચે
એકાએક ખડી થઈ જાય છે દીવાલ.
એવામાં ક્યાંક કશેકથી
ખડકાતી જાય છે ઇંટ પર ઇંટ;
આપણે જ્યારે બેઠા હોઈએ છીએ ત્યારેય
ભીતરને કબરસ્ત કરી મૂકે છે.
ચોમેર દીવાલો રચાઈ છે :
લાલઘૂમ આંખો
લાલઘૂમ મૂછો
અને એની તળે
વક્ર ચહેરાનું નિંદ્ય મોંઢું
તાકી રહે છે — આગ ઑકે છે.

*

દીવાલની આ બાજુ હું,
અને બીજી બાજુ તમે
કાગડાના અવાજને સાંભળતા બેઠા છે.
આપણે રાહ જોઈએ છીએ, રાહ જોઈએ છીએ–
દીવાલને ઓગળવાની.

‘વ્યર્થ’ કાવ્યમાં તે કહે છે :

આપણે ખોટો નંબર જોડીને
સામે છેડે
ઉત્તરની રાહ જોઈએ છીએ.

આધુનિક કન્નડ કવિતાનો મિજાજ વત્તેઓછે અંશે અન્ય ભારતીય ભાષાઓની કવિતામાં પણ દેખાય છે. બધે સરખાં વલણો પ્રતીત થાય છે, પણ કન્નડ કવિતાએ ક્રમશ: સંસ્કૃત સાહિત્યના મોટા પ્રભાવમાંથી છૂટવાનો જે પુરુષાર્થ કર્યો અને પોતાનું તળપદું રૂપ પ્રગટાવીને પણ ભૂતકાળની ગરિમા જાળવી રાખી એ કદાચ એનો વિશેષ છે. રમણીય ઋતુકાવ્યો આપનાર કવિ ‘કુવેમ્પુ’ વસંતને વધાવતાં કહે છે : ‘એક ફૂલ પરથી બીજા ફૂલ પર નૃત્ય કરતા અને મધુપાન કરતા ભ્રમરો ગાતાં ગાતાં બધાંને નિમંત્રણ છે, આવો, આ રહી વસંત. શિયાળાની ઠંડી પીછેહઠ કરી રહી છે અને ફૂલોથી લચેલી લતાઓ પર મદમસ્ત ભ્રમરો મુક્તાત્માઓની જેમ ગુંજારવ કરી રહ્યા છે, કોયલ કૂજન કરે છે, શુક કિલકારી કરે છે, આ રહી વસંત!” આ અને અન્ય કવિઓની વાસંતી કવિતા પણ સહૃદયોને નિમંત્રી રહી છે : આ રહી વસંત...