વિવેચનની પ્રક્રિયા/સુન્દરમની વાર્તાઓ : સુગંધ અને સંવાદ
(સુન્દરમ્ – જોડણી આ પ્રમાણે રાખવી)
બેએક વર્ષ પહેલાં શ્રી સુન્દરમનાં ગદ્યલખાણોના સંગ્રહોની યોજના વિચારાતી હતી, એમાં વાર્તાસંગ્રહ ‘તારિણી’ પ્રગટ કરવાનું નક્કી થયું, ત્યારે એમની એક વાર્તા ‘ઇવનિંગ ઇન પૅરિસ’ વિષે ‘આરામ’ની ‘મારી શ્રેષ્ઠ વાર્તા’ની શ્રેણીમાં મેં લખેલું તે સંગ્રહના પરિશિષ્ટ રૂપે મૂકવું એવો ખ્યાલ હતો. પણ પછી તો આખા વાર્તાસંગ્રહનો પરિચય આપવો અને તેય નિશ્ચિત પૃષ્ઠમર્યાદામાં એમ થઈને ઊભું રહ્યું. પ્રસિદ્ધ ચરિત્રકાર લિટન સ્ટ્રેશીએ કહેલું કે એક ચરિત્ર લખવું એ એક સારું જીવન જીવવા જેટલું અઘરું કામ છે, તેમ એક વાર્તાસંગ્રહ—અને તેય શ્રી સુન્દરમ્ જેવાના વાર્તાસંગ્રહ–વિષે આટલા ટૂંકાણમાં લખવું એ એક સારી વાર્તા લખવા જેટલું મુશ્કેલ છે. અને છતાં હું એ સાહસ કરું છું.
શ્રી સુન્દરમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘હીરાકણી’ ૧૯૩૮માં પ્રગટ થયો. એ પછી તેમણે ‘ખોલકી અને નાગરિકા’, ‘પિયાસી’ એ સંગ્રહો પ્રગટ કર્યા. ‘ખોલકી અને નાગરિકા’નું નવું સંસ્કરણ ૧૯૪૫માં થયું–‘ઉન્નયન’ નામે. એ પછી બત્રીસ વર્ષે તેઓ વાર્તાઓ લઈને આવે છે. તેમના પોંડિચેરી–નિવાસ પછીની અને થોડી અગાઉની મળી ત્રીસેક વાર્તાઓ આ સંગ્રહમાં મુકાઈ છે. ટૂંકી વાર્તાના પ્રકારમાં છેલ્લાં વીસેક વર્ષમાં જે પ્રયોગો થયા, નવી ટેકનિકનો વિનિયોગ થયો અને ટૂંકી વાર્તાએ સમકાલીન ભારતીય ટૂંકી વાર્તાના સંદર્ભમાં જે ગજું કાઢ્યું એવું કશું આ સંગ્રહમાં કદાચ જોવા ન મળે, પણ કલાસર્જનની કોઈ એક રીતિ ઓછી છે? શ્રી સુન્દરમ્ પોતાની ચાલે ચાલ્યા છે અને કેટલીક અનવદ્ય રચનાઓ લઈને આવ્યા છે. આપણે તેમનો સપ્રેમ સત્કાર કરીએ.
શ્રી સુન્દરમને કવિ તરીકે જ આપણે સવિશેષ ઓળખીએ છીએ. પણ તેમની સર્જકતા વાર્તાપ્રકારમાં પણ અનવદ્ય રૂપનિર્માણ દ્વારા ચિરસ્થાયી અસર મૂકી જાય છે. ત્રીસ-ચાલીસના ગાળામાં તેમણે વાસ્તવદર્શી વાર્તાઓ આપી. ‘દુનિયાનું મોં’ કેવું ‘કાળું’ છે તે વાર્તાકારે સચોટ દર્શાવ્યું છે. ‘પંડ્યાનું પુનર્લગ્ન’ પણ ગયા જમાનાની વાર્તા ગણાય, પણ મિસ્ટર મનોહર સાથેના પંડ્યાના પુનર્લગ્નની વાતમાં ઠેઠ સુધી સસ્પેન્સ જળવાયો છે અને વાર્તા રસિક બની છે. પંડ્યાણીનું પાત્ર પણ સુરેખ ઊપસ્યું છે. ‘હલાવીને પીવી’ જીવનના મર્મભાગને સ્પર્શી આવે છે. રમણીકનો અંત સમયનો ઉદ્ગાર હૉસ્પિટલના રાબેતા મુજબના જીવનવ્યવહારમાં ‘હલાવીને પીવી’નો જુદો જ અર્થ પ્રગટ કરે છે. વાર્તાકારને વાર્તાની ક્ષણની સૂઝ છે અને જીવનના કોઈ રહસ્યને એ ક્ષણવારમાં પ્રગટ કરી આપે છે, પણ એની રીતિ એમની પોતાની છે. ‘અતીત’ પણ સાંપ્રત બની જાય છે.
‘ગોદડીની ઊંઘ’ એ એક નોંધપાત્ર વાર્તા છે. સુન્દરમની વાર્તાઓ વિશે ગુલાબદાસ બ્રોકરનું એક નિરીક્ષણ જોવા જેવું છે. તે લખે છે : “સુન્દરમની આ બધી વાર્તાઓ વાંચી જતાં જે પહેલી છાપ ચિત્ત ઉપર પડે છે તે તેમાં સમાયેલા તેમના કાળના ‘ભાવબોધ’ની છે. તેમની મોટા ભાગની વાર્તાઓ જે જમાનામાં લખાયેલી તે જમાનાનાં, એટલે કે આ સદીની ત્રીસી અને ચાલીસીના જમાનાનાં જગતભરનાં સર્જન, લેખન અને ચિંતનને બે મહર્ષિઓની વિચારોની ધારા બહુ ઊંડી ભૂમિકાથી સ્પર્શ કરી રહી હતી. તે બે મહર્ષિઓ તે કાર્લ માર્કસ અને સિગ્મંડ ફ્રોઈડ.” અને આ બંને મહર્ષિઓની વિચારધારાની અસર સંગ્રહની કોઈ એક જ વાર્તામાં ઝિલાયેલી હોય તો તે ‘ગોદડીની ઊંઘ’માં છે. ગુજરીમાંથી મળી આવેલી નબાપી છોકરી ગોદાવરીના આખા માનસચિત્રણમાં — શેઠને બંગલે કામ કરતી એક નોકરડીના તેની આસપાસના વાતાવરણ પ્રત્યેના તીવ્ર પ્રતિભાવમાં અને એના અવચેતનાના સ્વાભાવિક પ્રગટીકરણરૂપ સ્વપ્નના આલેખનમાં આપણે એ જોઈએ છીએ. પથાજીની મનોવેદના સમગ્ર પરિસ્થિતિમાંથી વળોટાઈને “છોડીને ક્યાંક ઠેકાણે પડાય તો સારું, અહીં તો બિચારી દહાડા બગાડે છે. કોક મહેનતુ બે પૈસા કમાતો છોકરો મળી આવે તો સુખી થાય બિચારી!” એ વાર્તાના અંતિમ ઉદ્ગારોમાં આબેહૂબ મૂર્ત થઈ છે. વાર્તામાં યોજાયેલી ભાષા તેમને નવી વાર્તાના પુરોગામીઓમાંના એક ગણવા પ્રેરે એવી છે એ બ્રોકરનો અભિપ્રાય અલબત્ત સ્વીકાર્ય નીવડે એવો છે, ત્રીસ-ચાલીસના ગાળાની આ વાર્તાઓ તે જમાનાના પ્રશ્નોને ચોક્કસ રૂ૫ આપતી હોવા છતાં સુન્દરમને મનુષ્યસ્વભાવમાં પડેલી ચિરસ્થાયી બાબતોમાં જ વિશેષ રસ છે, અને એનું એક કળાકારની હેસિયતથી આલેખન કરવાની ફવટ છે તેથી આ વાર્તાઓ આ કે તે વિચારધારાની વાહક બનવામાંથી ઊગરી ગઈ છે.
‘આશા’ એ એક કાવ્યમય વાર્તા છે. ‘પિયાસી’માં આવેલી આ વાર્તાનું બીજું પ્રકરણ આશાના “ઠંડા જીવન”ને આલેખે છે. આયનામાં જોતી આશાની આંખોના ખૂણામાં તગતગી આવેલાં પાણી આંસુ થઈને તેના ગાલ ઉપર ટપકે છે ત્યાંથી આરંભી, એટલે કે વાગ્દત્તા મટી ધર્મદત્તા બનેલી આશાની પ્રથમ રાત્રિનું વર્ણન મનની કેટકેટલી ઘૂમરીઓને વાચા આપે છે! આશાના સસરા સુખલાલને મન જે “વ્યાપારી વિજય” રૂપ હતું તે આશાનું પન્નાલાલ સાથેનું લગ્ન – પ્રથમ આણે આવેલી આશાની પ્રથમ રાત્રિનું વર્ણન અત્યંત રોચકતાથી વર્ણવાયું છે. સહોપસ્થિતિ(Juxtaposition)નો વાર્તાકારે કેવો સરસ ઉપયોગ કર્યો છે તે જુઓ : “રાત્રિના દસ વાગેલા છે. સુખલાલ શેઠનો બંગલો અનેક અવાજોથી ગુંજી રહ્યો છે. બિલાડી, કૂતરાંઓ, વાસણોના ખખડાટ, બહાર મોટરોના ઘરઘરાટ, બારણાની ઉઘાડવાસ, માણસોનું હસવું, ગ્રામોફોન-રેડિયો, અને વીજળીના પંખાનો મંદ સરરાટ બધાં મળીને એક મહાપ્રવૃત્તિનાદ પ્રગટાવી રહ્યાં છે.” અને છેલ્લે : “...આશાનો હાથ પકડી તેને પલંગ પાસે લઈ ગયો... આંખોમાં ઊંઘ આવતી હતી. એક હાથ તેની ભુજા પર ઠરે છે અને તેને આસ્તેથી પડખું ફરવામાં મદદ કરે છે. અતડી લાગતી પથારી તેને જરા બેચેન કરે છે. તે પડખું ફરે છે. તેની આંખો મીંચાઈ ગયેલી છે. કોઈનો સુગંધ સાથે મિશ્રિત થયેલો ઊનો શ્વાસ તેના કપાળ ઉપર ફરે છે. તેનો ગાલ દબાય છે... જીવનની આટલી ઠંડી શરૂઆત કોઈની પણ નહિ થઈ હોય. કદાચ કેટલાંયની થઈ હશે.” અને અત્યંત માર્મિકતાથી, સૂચકતાથી વાર્તાકાર કહે છે કે, “ઊઠીને બંધ કરવાની આળસે ફરતો રહેવા દીધેલો વીજળીનો પંખો આખી રાત ઓરડામાં વગર જોઈતી ઠંડી ફેલાવી રહ્યો.” પરિસ્થિતિ-ચિત્રણ અને મુગ્ધ સ્ત્રીહૃદયના મુલાયમ ભાવોના કાવ્યમય આલેખન તરીકે આ વાર્તા રુચિકર બની છે.
શ્રી સુન્દરમની કવિતા અને વાર્તાઓમાં વાસ્તવવાદી વલણ ત્રીસ-ચાલીસના ગાળામાં બળવાન બન્યું હતું, આ સંગ્રહમાં પણ એનો આલેખ સ્વાભાવિક રીતે જ ઝિલાયો છે, પણ એ પછી તેમણે પોંડિચેરીમાં કાયમી નિવાસ કર્યો અને શ્રી અરવિંદના જીવનદર્શનનો પ્રભાવ ઝીલ્યો. એની અસર છેલ્લાં વીસેક વરસની તેમની કવિતા અને વાર્તામાં દેખાય છે. આ સંગ્રહની ‘કુસુમ્બી સાડી’ અને ‘એઇ દિકે’ (આ બાજુ) જીવનની કોઈ પરિપૂર્ણતા તરફની ગતિ નિર્દેશે છે. જીવનની સાચી કૃતાર્થતા તરફની, કોઈ અપાર્થિવ તત્ત્વ તરફની, જીવનના પરમ આનંદ પ્રત્યેની ગતિ એમાં નિરૂપાઈ છે. ‘તારકહારિણી’ અને ‘તારિણી’ એ બંનેને પણ આ કુળમાં મૂકી શકાય (જોકે આ બંને થઈ લાંબી વાર્તા બને છે, કદાચ આ તંતુમાંથી મોટી કથા પણ બની આવે.) તારક અને હારિણી છેલ્લે કૃષ્ણપ્રતિમા પાસે જાય છે. એ અકસ્માત નથી. ‘કુસુમ્બી સાડી’માં પણ કૃષ્ણનો સંદર્ભ છે. સુન્દરમના વાચકોને તેમના કાવ્યસંગ્રહ ‘યાત્રા’માંના ‘મનુજ પ્રણય!’ કાવ્યનું સ્મરણ થશે. જીવનની કારમી વાસ્તવિકતા, દુનિયાના ઝંઝાવાતો, પ્રણયનાં ઘમસાણ, જીવનનું હાલનું સ્વરૂપ જાણ્યા–સમજ્યા પછી માણસે પોતે જ્યાં છે ત્યાંથી આગળ ગતિ કરવાની છે, જીવનની પરમ વાસ્તવિકતાને શોધવાની છે, પ્રેમના અમૃતકુંભને પામવાનો છે એ વસ્તુનાં ઇંગિત આ પ્રકારની વાર્તાઓ આપે છે. આ ઝંખનામાં રહેલી સહૃદયતા એના નિરૂપણને પ્રેરક અને હૃદયસ્પર્શી બનાવે છે. પણ આ વાત અહીં જ અટકાવું.
પણ શ્રી સુન્દરમ્ પોતાના વક્તવ્યને નિઃશેષ નિરૂપવાનો આગ્રહ રાખનારા સર્જક હોઈ તેમની વાર્તાઓમાં ક્યારેક પ્રસ્તાર થઈ જાય છે. પરિણામે વાર્તાઓનો બંધ કાંઈક ઢીલો પડી જતો પણ લાગશે. તેમ છતાં એ વાર્તાઓનું ભાષાકર્મ, મનુષ્યસ્વભાવની માર્મિક સૂઝ અને પ્રવાહી કથનરીતિ સુન્દરમની વાર્તાઓનો એક વાચકવર્ગ ઊભો કરે છે અને એમને પકડી રાખે છે. સુન્દરમની એક સર્જક તરીકેની આ શક્તિનાં સુપરિણામ આ સંગ્રહમાં શોધવાં નહિ પડે.
‘પ્રસ્થાન’માં ગુલાબદાસ બ્રોકરની ‘લતા શું બોલે?’ એ વાર્તા પ્રગટ થયા પછી શ્રી સુન્દરમને એ વાર્તા આગળ ચલાવવાનું સૂઝ્યું અને તેમણે ‘સુરેશ બોલ્યો’ એ વાર્તા લખી. એ પછી ઘણા લેખકોએ એ વાર્તા આગળ ચલાવી પણ શ્રી ઉમાશંકર જોશી કહે છે તેમ એ લેખકો “એને સજીવ કથા બનાવી શક્યા નહિ.” ‘નયન ઉદાસ’માં શ્લેષના વાર્તામય ઉપ–યોગથી રચના રમણીય બની આવી છે.
મેં ‘ઇવનિંગ ઇન પૅરિસ’ વિષે લખ્યું ત્યારે સુન્દરમની અગ્રન્થસ્થ બધી વાર્તાઓ જોઈ ન હતી. અને આજ જ્યારે એ બધી વાર્તાઓ ગ્રંથસ્થ થાય છે ત્યારે હું મારા મનને તપાસું છું કે આ સંગ્રહની કોઈ એક વાર્તાને મારે પસંદ કરવાની હોય તો હું ‘ઇવનિંગ ઇન પૅરિસ’ને પસંદ કરું? જવાબ ‘હા’માં આવે છે. મારે કદાચ એ પક્ષપાત પણ હોય. આ વાર્તામાં કેન્દ્રીય અનુભૂતિ પ્રણયની છે. મુગ્ધતા, એનો નિર્વ્યાજ આનંદ અને આંતરિક વિસંવાદમાંથી જન્મતો નિર્વેદ અને હતાશાની લાગણી અને અંતે સ્વયમેવ થતા સત્યના પ્રગટીકરણથી સધાતો સંવાદ લેખક અસરકારક રીતે નિરૂપી શક્યા છે. સમાધાન–સંવાદની સ્થાપનામાં, એની અનિવાર્યતામાં પુરુષનું કર્તૃત્વ બતાવાયું છે એ દ્વારા પણ નારીની પ્રેરણાદાયિની વિભૂતિનો જ મહિમા થયો છે.
શેઇકસ્પિયરના ‘ઑથેલો’ના વિવેચકો યોગ્ય જ કહે છે કે નાટકકારે એક રૂમાલ પાસેથી કેટલું બધું કામ લીધું છે! ડેસ્ડેમોના અને ઑથેલોના સુખી દામ્પત્યનો કરુણ અંજામ લાવવામાં આ રૂમાલનો કેવો ઉપયોગ થયો છે! આ વાર્તામાં પણ રૂમાલ અને એની અંદરની સૌરભ — ઇવનિંગ ઇન પૅરિસ — પણ એવું જ અસરકારક કાર્ય કરે છે. શેઇકસ્પિયર તો એની દ્વારા સમગ્ર જીવનમાં પડેલી અતાગ કરુણતાને છતી કરી દે છે. અહીં વાર્તાકાર જીવનના એક ખંડને પ્રકાશિત કરે છે. અહીં એનો ઉપયોગ શામકતા સંસિદ્ધ કરવામાં થયો છે. જીવનની સામાન્ય ગણાય એવી ઘટનાનું અહીં અસામાન્ય આલેખન થયું છે. સામગ્રી જૂની વાર્તાના જેવી જ છે પણ સુન્દરમની સંવિધાનકલા એને નવું રૂપ આપે છે. નાનાં નાનાં ઉપકરણો પાસેથી પણ તેમણે કળાને ઉચિત એવું કામ લીધું છે. શરણાઈના સૂરો, શેરડીના રસના પ્યાલા બધું જ મુખ્ય ભાવને પરિપુષ્ટ કરે છે. ઘટના, પાત્ર, પ્રસંગ, વાતાવરણ બધું જ પરિચિત લાગે, પણ એ બધાના સંયોજનથી જે એક રૂપ નિર્માયું છે તે નવું છે. વાર્તા બે હૃદયોનો સંવાદ સાધે છે. આ સંવાદ કલાસામગ્રીમાં ભિન્ન ભિન્ન તત્ત્વો વચ્ચેના સંવાદમાંથી જન્મે છે. જીવનની વિસંવાદિતામાંથી પેલી શરણાઈના વિવિધ લયવાળા સૂરોની જેમ એક સંવાદ રચાઈ રહે છે.
આ વાર્તામાં અંજના કહે છે : ઓ હો હો, શી સુંગધ છે! ‘તારિણી’ના વાચકોનો જ અંજના જાણે કે પ્રતિધ્વનિ પાડતી ન હોય! અહીં પ્રસરેલી સુંગધ અને સધાયેલો સંવાદ મનને ભરી દે છે.
- ↑ શ્રી સુંદરમના ટૂંકી વાર્તાઓના સંગ્રહ ‘તારિણી’ની પ્રસ્તાવના.