વિવેચનની પ્રક્રિયા/‘બ્લાઈન્ડ વર્મ’માં ગરોળીનું પ્રતીક

‘બ્લાઈન્ડ વર્મ’માં ગરોળીનું પ્રતીક[1]

શ્રી મોહનલાલ પટેલની ‘બ્લાઈન્ડ વર્મ’ વાર્તાના આરંભમાં આનંદને એક બંધ કવર શ્રીમતી અ.ને પહોંચાડવાની કામગીરી સોંપાયાનો ઉલ્લેખ છે અને વાર્તાને અંતે એ કામગીરી આનંદ પૂરી કરી શકતો નથી એનો ઉલ્લેખ છે. આ બે બિંદુઓને સાંધતી કડી એ આ વાર્તા છે.

આ વાત લેખક શી રીતે કહે છે? એમાં એમણે ક્યાં ઉપકરણો પ્રયોજ્યાં છે એ તપાસીએ તો જ વાર્તા હાથમાં આવે. વાર્તામાં બીજા ઘણા ઉલ્લેખો છે, પણ ગરોળીનો ઉલ્લેખ અવારનવાર આવે છે અને નિરૂપિત ભાવને પુષ્ટ કરતો આગળ ધપે છે. ગરોળી પેટે ચાલતું પ્રાણી છે, તે ઘણો સમય એક જગ્યાએ ઊભું રહી શકે, જીવડાંની તલાશમાં તે ડાહીડમરી થઈને પડી રહે છે અને લાગ મળતાં ફડાક દઈને જીવડાંને ઝડપી લે છે. અહીં તો ગરોળી પેટ દબાવીને પેલા કવર ઉપર પડેલી દેખાય છે, એટલું જ નહિ પણ એના પર મળોત્સર્ગ પણ કરે છે અને તેના ડાઘ પેલા કવર ઉપર પડે છે. આ ડાઘ ભીંજાઈને પ્રસરે અને એની છાપ આનંદના બુશકોટના ખિસ્સાની અંદરની બાજુએ પડે એને વખત લાગે છે. આ વચલો સમય એ આનંદની ચિત્તપ્રક્રિયાના નિરૂપણમાં ખર્ચાયો છે.

ગરોળીનો ઉલ્લેખ વાર્તામાં છ વખત થયો છે. ક્રમશઃ એ જોઈએ.

(૧) “નિખિલનો મિત્ર આનંદ એને સોંપાયેલા કવરને ઘેર મૂકીને ઑફિસે ગયો. પણ સાંજે ઘેર આવીને એણે બારણું ખોલ્યું ત્યારે એની નજર પહેલી પેલા કવર ઉપર પડી. એક ગરોળી પેટ દબાવીને એના ઉપર પડી હતી. થોડે દૂર ઊભા રહીને એ જોઈ રહ્યો; કેવું વરવું દૃશ્ય! આમેય ગરોળી જોતાં એને ચીતરી ચડતી હતી, ‘Blind worm’ એ બબડ્યો. સહેજ નજીક જઈને એણે થોડો ખખડાટ કર્યો અને ત્યાંથી સરકી ગઈ. આનંદે કવર ઉપાડ્યું. સહેજ ત્રાંસું કરી આંગળીથી ટકોરો કર્યો અને ગરોળીનો મળ દૂર કર્યો. કાગળ ઉપર એક ડાઘ રહી ગયો.”

(૨) “આનંદની નજર દીવાલ ઉપર પડી. એક લીલા રંગનું જીવડું ભીંત ઉપર સ્થિર હતું અને એકાદ ફૂટ દૂર એક ગરોળી ધીરે ધીરે આગળ વધી રહી હતી. આનંદ જોઈ રહ્યો. ગરોળીના તીણા નહોરવાળા પગ કોઈ વિચિત્ર ગતિએ પોતાના શરીરને આગળ ધકેલી રહ્યા હતા. જીવડું પળ બે પળમાં ગરોળીના પેટમાં ભરખાઈ જવાનું એ આનંદ જાણતો હતો પણ જીવડાને બચાવવા એણે કોઈ પ્રયાસ કર્યો નહીં. એ જોઈ રહ્યો. ગરોળી જીવડાને ભરખી જાય કે જીવડું ત્યાંથી હઠી જાય એવી કોઈ અપેક્ષા એના મનમાં જાગી નહિ. એ બેસી રહ્યો. કદાચ એક જીવડું હતું. એક ગરોળી હતી. બંને દીવાલ પર હતાં. એટલું જ એ જાણતો હતો.”

(૩) “પેલી ગરોળીએ જીવડાંને મુખમાં પકડી લીધું હતું. ક્રૂર મુખમાંથી છટકવા જીવડું ઉધામા કરી રહ્યું હતું. ગરોળીના ડાચાની પછડાટ ભીંત ઉપર વારંવાર સંભળાતી હતી. આનંદ જીવડાંને મુક્ત કરવા ઇચ્છતો હતો પણ એ ઊભો થઈ શકતો નહોતો. કોઈક ભીંસમાં હતું.”

(૪) “ભીંત ઉપર ગરોળીના ડાચાની પછડાટો ઓછી થતી ગઈ હતી. કારણ કે જીવડાંનો તરફડાટ ઓછો થઈ ગયો હતો. પ્રતિકાર ઘટતો જતો હતો. આનંદે જીવડાંને બચાવવા વિચાર્યું. પણ હવે એમ કરવાથી ફાયદો નહોતો.”

(૫) “એણે કવર ઉપાડ્યું. મૂક્યું. ભીંત સામે જોયું. જીવડું કે ગરોળી કોઈ નહોતાં. જીવડાંને ઉપાડીને ગરોળી ક્યાંક ચાલી ગઈ હશે.”

(૬) “પેલું કવર એના બુશકોટના છાતી ઉપરના ખિસ્સામાં હતું. એની એક બાજુ એના પરસેવાથી પૂરી ભિંજાઈ ગઈ હતી. ગરોળાના મળનો ડાઘ ભિંજાઈને થોડો પ્રસરવા લાગ્યો હતો અને એની છાપ એના બુશકોટના ખિસ્સાની અંદરની બાજુએ સહેજ પડી ચૂકી હતી.”

આ ટૂંકી વાર્તામાં આનંદના મનમાં ચાલતી ગડમથલની સમાન્તર ગરોળીનો સંદર્ભ રચાયો છે. ગરોળીના મળનો ડાઘ નિખિલે શ્રીમતી અ.ને પહોંચાડવાના કવર ઉપર પડ્યાનો ઉલ્લેખ છે તો એ સાથે જ નિખિલના ચારિત્ર્યમાં ડાઘ હોવાની વાતનો આનંદ બેએક વાર ઉલ્લેખ કરે છે. આવા શિથિલ ચારિત્ર્યવાળો નિખિલ આનંદનો મિત્ર શી રીતે હોઈ શકે? પોતે જાણતો હોવા છતાં નિખિલની મૈત્રી એણે નિભાવી હતી કારણ એક જ કે આનંદ અભ્યાસ કરી આર્ટમાસ્તરનું સર્ટિફિકેટ મેળવી શકે એ માટે એણે એને આર્થિક મદદ કરી હતી. આ કૃતજ્ઞતા તે ભૂલી શકતો નથી, અને એને લીધે પરદેશ જતાં પહેલાં શ્રીમતી અ.ને પહોંચાડવા માટે એક કવર નિખિલે આનંદને આપેલું તે માટે ભારે મૂંઝવણ તે અનુભવે છે. એના મનમાં ચાલતી ગડભાંજ સફળ રીતે અભિવ્યક્ત થઈ છે. એની અભિવ્યક્તિની સાથે જ નિખિલ અને શ્રીમતી અ.ના સંબંધોનો ઇશારો લેખકે કરી દીધો છે. શ્રીમતી અ. પરિણીત હતી, એનો પતિ શેરબજારમાં કામ કરતો હતો, એને બે બાળકો હતાં, સુંદર દેહસૌષ્ઠવ ધરાવતી આ સ્ત્રી અપરિણીત કન્યા કરતાં પણ વધારે આકર્ષક હતી. આમ તો તે ગૃહિણી હતી પણ ગૃહિણીની કોઈ ગંભીરતા એનામાં પ્રગટતી ન હતી. આ સ્ત્રી સાથે નિખિલને સંબંધ હતો. અને એવા જ કોઈ પ્રકરણને લીધે નિખિલ દેશ છોડતો હતો. પણ બાબત શી હશે એ વિશે લેખકે કશો ખુલાસો કર્યો નથી. ઘટના સ્ફુટ કરવા વાર્તાલેખકે પ્રતીકનો આશ્રય લીધો છે.

આનંદના ચિત્તમાં ચાલતા ભાવવિવર્તનો ગરોળી અને જીવડાં સાથે સંદર્ભ રચાયો છે. આનંદ આ કવર શ્રીમતી અ.ને હાથોહાથ તે એકલી હોય ત્યારે પહોંચાડવા માટે ઘણું મનોમંથન કરે છે. તેને આ કામગીરી તરફ નફરત થાય છે. કવરને ટોપલીમાં નાખી દેવાનું, ફાડી નાખવાનું તેને મન થાય છે. “જાય જહાન્નમમાં” એવો તિરસ્કાર પણ એને થઈ આવે છે. પણ માણસ, એને ખબરેય ન પડે એમ, જેને એ તિરસ્કારતો હોય એનામાં ખૂપતો જાય છે. આનંદ એક તરફ નિખિલ અને શ્રીમતી અ. તરફ નફરત અનુભવે છે એ ક્ષણે જ એનું આંતરમન શ્રીમતી અ. તરફ ખેંચાય છે. જે નિખિલની એ ટીકા કરે છે એની જાણે કે એને અદેખાઈ ન થતી હોય! આનંદ એનામાં વધારે ને વધારે ખરડાતો જાય છે.

“શ્રીમતી અ. એને યાદ આવી ગઈ”, “શ્રીમતી અ.નું દેહસૌષ્ઠવ સારું હતું. આજે એને લાગ્યું કે એ દિવસે શ્રીમતી અ. સાથે થોડો પરિચય કેળવી લીધો હોત તો કદાચ અત્યારે થતી હતી એ મૂંઝવણ ન થાત”, “તો એ દિવસે એનો પરિચય કરી લીધો હોત તો કંઈ ખોટું નહોતું. પછી તો એકાદ બેવાર વધુ મળી શકાયું હોત અને નિખિલનો કાગળ કયે સમયે અને કેવી રીતે આપવો એ વાત આપોઆપ ઊકલી ગઈ હોત!” જેવા ઉલ્લેખો આ વાતનું સૂચન કરે છે. શ્રીમતી અ.ના સ્મરણની સાથે એની દેહછટા કે શરીરસૌંદર્યનો સંદર્ભ પણ આનંદની મોહવિવશ મનઃસ્થિતિનો નિર્દેશ કરે છે. એની આ સ્વભાવગત નબળાઈ “ગરોળી જીવડાંને ભરખી જાય કે જીવડું ત્યાંથી હઠી જાય એવી કોઈ અપેક્ષા એના મનમાં જાગી નહિ” એ વાક્ય દ્વારા સમજાય છે. આનંદ જીવડાંને છોડાવવા ઇચ્છા કરે છે ત્યારે એનામાં પૂરતી સંકલ્પ કે ક્રિયાશક્તિ નથી. અને એવો વિચાર તેને આવ્યો ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. “આનંદ જીવડાંને મુક્ત કરવા ઇચ્છતો હતો.” એ વાકય દ્વારા આનંદની સંકલ્પશક્તિ છેક તળિયે બેસી ગઈ હોવાનું સૂચવાય છે. વ્યક્તિ બીજાને નિંદતી નિંદતી પોતે જ નિંદનીય વસ્તુનો ભોગ થઈ પડે એનું આ ઉદાહરણ છે. “પણ હવે એમ કરવાથી ફાયદો નહોતો”, એ બતાવે છે કે આનંદનું મન કેટલે દૂર પહોંચી ગયું હતું. આનંદના ચિત્તની કિંકર્તવ્યમૂઢતા, અનિશ્ચયાત્મકતા અને આંતરમનની મોહગર્તામાં અનવરુદ્ધ ગતિ વાર્તાકારે સમાન્તરે નિરૂપ્યાં છે. રૂમમાં પંખો ફરવા છતાં એ ઉકળાટનો અનુભવ કરે છે. બારી આગળ ઊભો રહે છે. ત્યારે વાદળ ઝડપથી ચઢી રહ્યાનું દૃશ્ય પણ એના મનની અવસ્થાને પ્રતિબિંબિત કરે છે. પ્રાકૃતિક પરિસ્થિતિનો નિર્દેશ આંતરમનની અવસ્થા સૂચવવા માટે સફળ રીતે થયો છે. શ્રીમતી અ.ને કવર પહોંચાડવા માટે પોતે જશે એ પ્રસંગની કલ્પનામાં “પતિના આવી પહોંચવાની એને બીક કશો ભેદ રહ્યો નથી, નહીં હોય કારણ કે પોતે નિખિલ નથી, આનંદ છે” એમ તે મનોમન બોલે છે ત્યારે એની જાણ બહાર તે નિખિલ જ બની ગયો છે. તાત્ત્વિક દૃષ્ટિએ છેલ્લે વાક્ય તો આનંદનો પોતાની જાત પ્રત્યેનો કરુણ કટાક્ષ માત્ર છે.

કોઈએ જીવનમાં એકવાર પણ સાચેસાચ ઘસાઈને મદદ કરી હોય તો એ ઉપકારવશતામાંથી છૂટવું મુશ્કેલ હોય છે અને કાંઈક અનુચિત કાર્ય કરવાનું પણ એ માથે લે છે, અને એને અનુચિત અનુચિત રટતો રટતો મનુષ્ય એને જ ઝંખતો થઈ જાય છે એનું ઉદાહરણ પણ આનંદ પૂરું પાડે છે.

નિખિલ અને શ્રીમતી અ.ના સંબંધો વાર્તાકારે બહુ સ્પષ્ટ કર્યા નથી. જો એમણે એમ કર્યું હોત તો પ્રચલિત પદ્ધતિની આ એક ઘટનાપ્રધાન વાર્તા થાત. એમનો ઝોક આનંદની મનોવૈજ્ઞાનિક ગૂંચને પૂરેપૂરી સંકુલતાપૂર્વક રજૂ કરવાનો છે. આ વાર્તામાં ઘટના છે પણ કોઈ સ્થૂળ ઘટના કરતાં પાત્રના મનમાં જે ઘટે છે એની જ પ્રધાનતા સ્થપાઈ છે. અને માનસિક ઘટનાને–ચૈતસિક વ્યાપારને તેમણે ગરોળીના પ્રતીક દ્વારા વ્યક્ત કર્યો છે. ગરોળી જીવડાંને હડપ કરી જાય છે એમ લેખકે કહ્યું છે. આ કયું જીવડું? નિખિલ તો ખરો જ; પણ આનંદ પણ. શ્રીમતી અ.ને કવર પહોંચાડવા માટે છેલ્લો મરણિયો પ્રયાસ કરતાં આનંદ પરસેવાથી રેબઝેબ થઈ જાય છે. (આ પહેલાં પણ આપણે જોયું તેમ, એ થઈ ગયો હતો!) અને ગરોળીના મળનો ડાઘ ભીંજાઈને પ્રસરવા લાગ્યો, એની છાપ એના બુશકોટના ખિસ્સાની અંદરની બાજુએ આરપાર ઊતરી ગઈ એ કેટલું બધું સૂચવી દે છે!

“પોતે ઝડપથી કવર આપીને ચાલતો થઈ જશે, કોઈ પડોશીઓ આ જોશે, એમની નજર પોતાના ઉપર જડાયેલી રહેશે ત્યાં સુધી પોતે જમીન ઉપર નજર ભરાયેલી રાખીને નાસ્યા કરશે ચોરની માફક, ગુનેગારની માફક... લંપટની માફક...” એમ મનમાં તે વિચારે છે તે પણ એ પછી બનનારી વાસ્તવિકતાનો ઓળો માત્ર છે. તે ખરેખરો પ્રયત્ન કરે છે ત્યારે “બધાંની નજર એને શારી રહી હતી.” “સોસાયટીનાં માનવીઓની નજરો હજુ એની બોચી ઉપર ભોંકાતી હતી.” વ. એની ગુનેગાર વૃત્તિ (sense of guilt) છતી કરે છે.

વાર્તાકારે ગરોળીને ‘બ્લાઈન્ડ વર્મ’ કહી છે. પણ ખરી રીતે જોતાં તો ‘વર્મ’ – જીવડું જ ‘બ્લાઈન્ડ’ – અંધ છે. મનુષ્યનું મન કેવી અકળ રીતે–અસંપ્રજ્ઞાતપણે અનિષ્ટ તરફ ગતિ કરે છે તે પ્રતીક અને સંદર્ભો દ્વારા દર્શાવતી આ વાર્તા છેલ્લા દશકાની નોંધપાત્ર વાર્તાઓમાંની એક છે.


  1. શ્રી રશ્મિન્ પટેલ સંપાદિત ‘વાર્તાલોચન’ માટે લખેલું.