બાળ કાવ્ય સંપદા/ડૉક્ટર હાથી
ડોક્ટર હાથી
લેખક : રિયાઝ દામાણી
(1981)
ડૉક્ટર હાથી કહે કીડીબેન! હમણાં ગળપણ લેશો મા
સૂગર તમને ખૂબ વધે છે. બી. પી. વધવા દે’શો મા
ધબકારા છે તેજ ગતિમાં, પગમાં પણ છે સોજા
ઠંડી હમણાં ખૂબ પડે છે પહેરો સ્વેટર મોજાં
હળવે – હળવે કસરત કરજો, નહીં ઊંચકશો બોજા
ખાજો – પીજો હરફર કરજો, પણ ચિંતામાં રે’શો મા
ડૉક્ટર હાથી કહે કીડીબેન! હમણાં ગળપણ લેશો મા
સૂગર તમને ખૂબ વધે છે. બી. પી. વધવા દે’શો મા
દવા લેજો સારું રહેશે નથી ઈન્જેક્શન દેવું
ફરી આવજો તપાસશું કે રહે છે તમને કેવું!
મારી ફી તો સો રૂપિયા છે, એમાં તે શું લેવું!
‘માંદી છું.. માંદી છું.. એવું ઘર ઘર જઈને કે’શો મા
ડૉક્ટર હાથી કહે કીડીબેન! હમણાં ગળપણ લેશો મા
સૂગર તમને ખૂબ વધે છે. બી. પી. વધવા દે’શો મા