બાળ કાવ્ય સંપદા/ચાંદો સૂરજ થાવું
ચાંદો સૂરજ થાવું
લેખક : સંજય બાપોદરિયા ‘સંગી’
(1977)
ચાંદો થાવું, સૂરજ થાવું,
તારો થઈ ટમકવા દે,
વાદળ થાવું, વીજળી થાવું,
વર્ષા થઈ વરસવા દે.
સરિતા થાવું, સરવર થાવું,
સાગર થઈ ઘૂઘવવા દે,
ઝાકળ થાવું, ઝરણું થાવું,
માછલી થઈને તરવા દે.
વસંત થાવું, ચમન થાવું,
સુમન થઈને ખીલવા દે,
ધરતી થાવું, ગગન થાવું,
ફોરમ થઈ ફેલાવા દે.
બીજ થાવું, ફણગો થાવું,
ઝાડ થઈને ઝૂલવા દે,
સમીર થાવું, શિખર થાવું,
પંખી થઈને ઊડવા દે.
દીકરો થાવું, દીકરી થાવું,
અવની પર અવતરવા દે,
બેટો થાવું, બેટી થાવું,
આંગળી ઝાલી ચાલવા દે.