ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/શ્રીમતી લક્ષ્મીબ્હેન ગોકળદાશ્ર ડોસાણી
એ બ્હેન લોહાણા જ્ઞાતિના છે. એમના પિતાનું નામ ગોકળદાસ અને માતાનું નામ હરકુંવરબાઇ છે. એઓ મૂળ વતની પોરબંદરના છે; અને એમનો જન્મ એ જ શહેરમાં સં. ૧૯૫૪માં થયો હતો. ખુશી થવા જેવું છે કે એઓ હજુ અવિવાહિત જીવન ગાળે છે. હિંદુસંસારમાં આવા દાખલા જુજ મળી આવશે. એઓએ ગુજરાતી અભ્યાસ પૂરો કરી, ઇંગ્રેજી છ ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે અને એ લાભ એમણે અમદાવાદમાં વનિતા વિશ્રામમાં મેળવેલો. અત્યારે તેઓ “સમાજ જીવન”ના તંત્રી તરીકે એક પત્રકારનું જીવન વ્યતીત કરી રહ્યા છે. સામાજિક પ્રશ્નો એ એમનો પ્રિય વિષય છે; અને સ્ત્રીજીવન વિષે આવતું એમનું લખાણ સ્પષ્ટ અને સ્વાભાવિક હોવાની સાથે તીવ્ર દર્દ અને દિલસોજીવાળું હોય છે, જેની સોંસરી અસર થાય છે, એમ “સમાજ જીવન” માસિક વાંચનાર કોઈપણ કહી શકશે. એમની બુદ્ધિશક્તિ માટે એટલું જ અહિં નોંધવું બસ થશે કે જૂદી જૂદી ઇનામી હરિફાઈઓમાં અને પરીક્ષાઓમાં તેઓએ હમેશ ઉપલે નંબરે આવીને સારી રકમનાં ઇનામો મેળવ્યાં છે. એમનું જીવન મહાત્માજીના ઉપદેશથી પલટાઈ ગયું છે અને ચાલુ સત્યાગ્રહની લડાઇમાં તેઓ જોડાઇ તેમાં સારી રીતે પોતાનો ફાળો આપી રહ્યા છે. એક સામાજિક માસિક સ્ત્રીસંસારની ચર્ચા વિશેષે કરતું અને તે પાછળ કોઇ બ્હેને પોતાનું સમગ્ર જીવન અર્પ્યું હોય તો તેમાં એમનું નામ પ્રથમ આપણી આંખ સમક્ષ તરી આવશે.
: : એમના ગ્રંથો : :
| ૧ | લોહાણા રત્નમાળા | સં. ૧૯૮૦ |
| ૨ | મહિલાઓની મહાકથાઓ | સં. ૧૯૮૧ |