ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/મણિલાલ નભુભાઈની કાવ્યવિચારણા

Revision as of 02:14, 1 October 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

મણિલાલ નભુભાઈની કાવ્યવિચારણા

મણિલાલની સાહિત્યપ્રવૃત્તિ : તેની પ્રાસ્તાવિક ચર્ચા

આપણા સાહિત્યના સાક્ષરયુગમાં એક તેજસ્વી પ્રતિભાસંપન્ન સર્જક અને અતિ સમર્થ તત્ત્વચિંતક લેખે મણિલાલ આગવું સ્થાન ધરાવે છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિ માટે તેમને અસાધારણ પ્રીતિ હતી, અને શંકરાચાર્યનો અદ્વૈત વિચાર તેમની સમગ્ર વિચારણાની શ્રદ્ધાભૂમિ હતી. તેમના સાહિત્યના ત્રણ મુખ્ય વિભાગ પાડી શકાય.[1] (અ) સર્જનાત્મક સાહિત્ય : કવિતા, નાટક, નવલકથા અને સંસ્કૃત નાટકોના અનુવાદો વગેરે (બ) સુધારાને લગતું સાહિત્ય : ‘નારી પ્રતિષ્ઠા’, ‘સિદ્ધાંતસાર’નાં કેટલાંક પ્રકરણો અને ‘સુદર્શન-ગદ્યાવલિ’માં ગ્રંથસ્થ સુધારા વિષયક લખાણો ઇત્યાદિ (ક) ધર્મ અને તત્ત્વવિચાર : શ્રીમદ્‌ ભગવદ્‌ગીતાનું ભાષાતંર, ‘વૃત્તિપ્રભાકર’નું ભાષાન્તર, પ્રેમજીવન અને અભેદોર્મિની ટીકાઓ, ‘સિદ્ધાન્તસાર’, ‘પ્રાણવિનિમય’ તેમ જ અન્ય લેખો. તેમના અંગ્રેજી ગ્રંથોમાં Tark Kaumudi, Advaitism or Monism, Imitation of Sankara, Mandukyopanishad, Jivanmukti viveka, Symbology, Hinduism વગેરે પ્રસિદ્ધ છે. આ પુસ્તકોના નમોલ્લેખ માત્રથી જણાશે કે તેમની સાહિત્યિક પ્રવૃત્તિઓનો, વિશેષતઃ તેમની ચિંતનાત્મક સાહિત્યપ્રવૃત્તિનો, વ્યાપ ઘણો મોટો છે. મણિલાલના સર્જનાત્મક સાહિત્યમાં તેમની કાવ્યરચનાઓ એક દૃષ્ટિએ વિલક્ષણ ભાત પાડે છે. એમાં કવિ બાલાશંકરની “પ્રણયપિપાસા ઉપરાંત અદ્વૈત તત્ત્વજ્ઞાનનું તત્ત્વ”[2] ઉમેરાયું છે. તેમની કવિતાઓ મુખ્યત્વે આત્મલક્ષી ઊર્મિકાવ્યો છે. પરંતુ ‘કાન્તા’ નાટકમાં તેમની પ્રૌઢ સંસ્કૃત શૈલીની શ્લોકરચના પણ તેમની આગવી સિદ્ધિ દાખવે છે. તેમનું ‘કાન્તા’ નાટક આપણાં ગણ્યાંગાંઠ્યાં પ્રતિષ્ઠિત નાટકોમાં અગ્રસ્થાને બિરાજે છે. ‘માલતી માધવ’ અને ‘ઉત્તરરામચરિત’ જેવાં સંસ્કૃત નાટકોના અનુવાદોમાં તેમની રસજ્ઞતાનો સુંદર પરિચય થાય છે. લીટનકૃત ઝેનોનીના રૂપાંતર સમી નવલકથા ‘ગુલાબસિંહ’ તેમનાં કેટલાંક રહસ્યવાદની ચર્ચાવાળાં પ્રકરણોને કારણે, ઉલ્લેખપાત્ર ઠરે છે. આમ, મણિલાલે સર્જનાત્મક સાહિત્યના વિભિન્ન ક્ષેત્રમાં પ્રવૃત્તિ ચલાવી છે. પરંતુ, એ સર્જનાત્મક સાહિત્યની તુલનામાં તેમનાં ચિંતનાત્મક ગદ્યનું મૂલ્ય કદાચ વિશેષ છે. તેમણે આપણા સંસારસુધારાને અદ્વૈતદર્શનની બલવતી ભૂમિકા રચી આપી છે. પ્રાચીન તત્ત્વદર્શનને શુષ્ક તત્ત્વચર્ચાની સીમામાંથી, વ્યવહારની ભૂમિકા સુધી ખેંચી આણ્યું. એ વિશે વિષ્ણુપ્રસાદ ત્રિવેદી નોંધે છે : “સમગ્ર પ્રાચીન સંસ્કૃતિનું રહસ્યદર્શી જ્ઞાન બલપ્રદ રસાયન તરીકે વર્તમાન જીવનમાં યુક્તિપૂર્વક અવતારવાની મહત્ત્વાકાંક્ષા મણિલાલને હતી : અને એ મહત્ત્વાકાંક્ષા માટે ગુજરાતમાં એમના જેટલી કોઈ પુરોગામીની યોગ્યતા નહોતી. અને એમના સમકાલીનોમાં, ગોવર્ધનરામ સિવાય એમના જેટલી સિદ્ધિ કોઈને પ્રાપ્ત પણ નથી થઈ.”[3] મણિલાલે, આમ, વર્તમાન જીવનવ્યવસ્થાને અનુરૂપ જે વિચારણા રજૂ કરી તેમાં શંકરાચાર્યના કેવલાદ્વૈતનું જ અભિનવ અર્થઘટન રહ્યું છે. મૂળના તત્ત્વવિચારમાં તેમણે અપાર્થિવ ‘પ્રેમ’ તત્ત્વનો વિનિયોગ કર્યો અને અદ્વૈતસિદ્ધાંતને નવું પરિમાણ અર્પ્યુ. આ અપાર્થિવ ‘પ્રેમ’ જ સમગ્ર વિશ્વને, એકતા અર્પતું સૂત્ર છે. મણિલાલની સમગ્ર ધર્મ અને તત્ત્વદર્શનની વિચારણા આપણા ચિંતનાત્મક સાહિત્યનું તેજસ્વી પ્રકરણ છે. મણિલાલની સાહિત્યક્ષેત્રની સિદ્ધિમર્યાદાઓનું સંક્ષિપ્ત પણ સર્વથા મર્મગ્રાહી નિરૂપણ આચાર્ય આનંદશંકરની વિવેચનામાં પ્રાપ્ત થાય છે. નવમી ગુજરાતી સાહિત્યપરિષદના પ્રમુખ તરીકે આપેલા વ્યાખ્યાનમાં, તેઓ વીતેલી સાઠીના સાહિત્યના અવલોકન નિમિત્તે નોંધે છે : “મણિલાલને બાહ્ય પ્રકૃતિ આકર્ષતી ન હતી. ‘કુસુમમાળા’નાં કુસુમો અમને નિર્ગન્ધ વિલાયતી ફૂલ લાગ્યાં, કારણ એ હતું કે એમની કાવ્યરુચિ મનુષ્યહૃદયના ભાવ ઉપર જ હતી. અને એ ભાવમાં પણ પ્રેમ, પ્રેમના ઘા, પ્રેમની ઠગાઈ, સાચાઈ, નિખાલસપણું, નિર્વેદ, આત્મ-નિમજ્જન, અભેદપિપાસા એમાં જ એમનું કવિહૃદય ડૂબેલું રહેતું. એમણે એ એકતારા ઉપર જ કામ કર્યું છે, અને તે થોડું કર્યું છે, પણ જેટલું કર્યું છે, તેટલું હૃદયવેધક છે. ગુજરાતના સાહિત્યના ઇતિહાસમાં એમનું સ્મરણ કવિ કે વિવેચક તરીકે નહિ – જોકે એમનાં કેટલાંક કાવ્યો અને વિવેચનો ચિરાયુ રહે એવાં છે પણ એક મહાન તત્ત્વજ્ઞાની અને સમર્થ ગદ્યકાર તરીકે રહેશે.”[4] મણિલાલ વિષે આટલી સંક્ષિપ્ત પણ આટલી માર્મિક વિવેચના બીજે ભાગ્યે જ સાંપડશે.

મણિલાલની વિવેચનપ્રવૃત્તિ : – સૈદ્ધાન્તિક ચર્ચાનું સીમિત ક્ષેત્ર

સાક્ષરયુગના અન્ય સાહિત્યકારોની જેમ મણિલાલે પણ સાહિત્યવિવેચનની પ્રવૃત્તિમાં પ્રસંગપ્રાપ્ત કાર્ય બજાવ્યું છે. ખાસ તો, ‘સુદર્શન’ માટે તેમણે અનેક સમકાલીન પુસ્તકોનાં, યથાવકાશ, લાંબાં કે ટૂંકાં અવલોકનો લખ્યાં છે. એમાં પ્રસંગોપાત્ત કાવ્યતત્ત્વ-ચર્ચાઓ પણ સ્થાન પામી શકે છે. એ ઉપરાન્ત, કવિતા, સંગીત અને નાટકોને લગતી કેટલીક ટૂંકી પણ સૂક્ષ્મ તત્ત્વચર્ચાઓ પણ તેમણે કરી છે. એકંદરે, તેમની કાવ્યચર્ચાનો વ્યાપ ઘણો જ સીમિત છે. આમ છતાં, આપણા અધ્યયનવિષયના સંદર્ભમાં મણિલાલની એ કાવ્યચર્ચાનું વિશેષ મહત્ત્વ છે. એમણે કવિતાનું સ્વરૂપ અને તેનો તત્ત્વવિચાર, કવિપ્રતિભાનું સ્વરૂપ, કવિતા અને સંગીતનો સંબંધ, કાવ્યપ્રયોજન લેખે. રસતત્ત્વની પ્રતિષ્ઠા કે વૃત્તિમય ભાવાભાસ (Pathetic Fallacy) વિશે જે ટૂંકી ચર્ચા કરી છે તેમાં એ સમયની કાવ્યવિવેચનાનું ઘણું અનુસંધાન જોઈ શકાય છે. નર્મદ, નવલરામ, રમણભાઈ, નરસિંહરાવ આદિની કાવ્યચર્ચામાં સ્પર્શાયેલા કેટલાક મહત્ત્વના મુદ્દાઓ મણિલાલે પણ સ્પર્શ્યા છે. અને એ રીતે એ પાંચ વિદ્વાનોની કાવ્યવિચારણામાં આપણી આરંભકાલીન વિવેચનાનો એક વિશિષ્ટ તબક્કો રચાતો દેખાય છે. અહીં એક મુદ્દો એ નોંધવો જોઈએ કે મણિલાલની સમગ્ર સાહિત્યપ્રવૃત્તિ તેમ તેમની વિવેચના, તેમના અકાળ અવસાનની સાથે થંભી ગઈ. એમણે ગઈ સદીના છેલ્લા દાયકામાં કેટલીક સાહિત્યતત્ત્વચર્ચાઓ ચલાવી છે, અને એમાં અનેક પાયાના પ્રશ્નો સ્પર્શ્યા છે. આચાર્ય આનંદશંકરની જેમ તેમણે પણ અદ્વૈતની દાર્શનિક ભૂમિકા સ્વીકારીને સમગ્ર વિચારણા આદરેલી : અને તેમની કાવ્યચર્ચાની માંડણીમાં યે એ દાર્શનિક ભૂમિકા અનુસ્યૂત રહી છે. જ તેઓ લાંબું જીવ્યા હોત તો તેમની કનેથી વધુ સંગીન તત્ત્વચર્ચા સાંપડી હોત.

કવિતાના સ્વરૂપની ચર્ચાવિચારણા : પ્રતિભાનો ખ્યાલ

મણિલાલે કાવ્યસ્વરૂપની ચર્ચાવિચારણા કરતાં, એક પક્ષે, કાવ્યના અધિષ્ઠાનભૂત શબ્દાર્થ અને તેના પ્રયોજન લેખે રસાનુભવના ખ્યાલને કેન્દ્રમાં રાખ્યો છે, તો બીજા પક્ષે, કવિપ્રતિભાના સ્વરૂપના વિચારને ય ફરી ફરીને કેન્દ્રમાં આણ્યો છે. તેમની કાવ્યચર્ચામાં, આધારશિલા સમા ‘કાવ્ય’ નામે લેખમાં, તેમણે મુખ્યત્વે એ બંને વિશે જ વિચારણા કરી છે. દલપતરામની કાવ્ય – વ્યાખ્યા – “કવિતા એટલે છંદશાસ્ત્રના નિયમાનુસાર રચેલાં અને અનુપ્રાસવાળાં પદ”[5] અને નર્મદની વ્યાખ્યા – (કવિતા એટલે) “અર્થચમત્કૃતિવાળું રસિક ચિત્ર”[6] એ બંનેને ટાંકી તેમણે પાતાની આગવી કાવ્યવિચારણા આરંભી છે. એ વ્યાખ્યાઓમાં રજૂ થયેલાં કાવ્યનાં લક્ષણો તેમને અપર્યાપ્ત જ લાગ્યાં હોય એ સમજી શકાય છે. તેમણે થોડા આગવા અભિગમથી કાવ્યસ્વરૂપનો મુદ્દો છણ્યો છે. તેઓ કહે છે : “.... જે ઉત્તમ કાવ્યો છે તેમાં વાપરવાની ભાષા જ કોઈ જુદા પ્રકારની જણાય છે. જે શબ્દો ઉચ્ચારેલા છે તેમના વાચ્યાર્થ સ્પષ્ટ છતાં તેમાંથી કોઈ બીજો જ અર્થ એવો ફલિત થાય છે કે જેને લખી કે કહી બતાવાય નહીં, માત્ર હૃદય જ તેનો આનંદ અનુભવી શકે, કાવ્યના એક એક શબ્દમાં આવી શક્તિ હોય છે, એટલું જ નહિં, પણ એ કાવ્ય જે સમગ્ર કલ્પનાનું અંગ હોય તે કલ્પના પણ આપણને જાણીતા એવા વિષયોની છતાં તે વિષયો પારની છે, એમ લાગતાં તેનો કોઈ અવાચ્ય આનંદ અનુભવાય છે, અને એ શબ્દો અને એ કલ્પના, એ કાવ્યખંડ અને એ સમગ્ર કાવ્ય, એ ઉભયના અંગાંગિભાવમાંથી પરસ્પરને જે પોષણ મળે છે તેની રમણીયતા હૃદયમાત્ર જ અનુભવી શકે છે.”[7] પ્રસ્તુત અવતરણમાં મણિલાલની કાવ્યસ્વરૂપને લગતી વિચારણામાં જે મહત્ત્વના વિચારો સ્પર્શાયા છે તે નીચે પ્રમાણે છે : (અ) ઉત્તમ કાવ્યોમાં પ્રયોજાયેલી ભાષા જ “જુદા પ્રકારની” હોય છે. (મણિલાલે પોતાની કાવ્યચર્ચા માટે ઉત્તમ કાવ્યોને જ લક્ષમાં રાખ્યાં છે. દલપતરામ અને નર્મદની કાવ્યવ્યાખ્યાની સામે પોતાની કાવ્યભાવના રજૂ કરતાં તેઓ જે વિશિષ્ટ લક્ષણો દર્શાવવા ચાહે છે, તે માટે આ નિર્દેશ આવશ્યક પણ છે). કાવ્યની ભાષા “જુદા પ્રકારની” હોય છે. અર્થાત્‌ કાવ્યમાં કવિકર્મનો વિશેષ પ્રકટ થતાં કવિતાની ભાષાને આગવું કાર્ય (Function) પ્રાપ્ત થયું છે. તેઓ કહે છે કે એમાં “વાચ્યાર્થ સ્પષ્ટ છતાં “બીજો કોઈક વિશિષ્ટ, ‘અર્થ’ પ્રતીતિમાં આવે છે. સ્વ-સંવેદ્યરૂપે અનુભવાય છે. અને એ કાવ્યનો આત્મા છે. પ્રાચીન આલંકારિકોએ એને જ વ્યંગ્યાર્થ કે ધ્વનિ તરીકે ઓળખ્યો છે. આ વ્યંગ્યાર્થ કે ધ્વનિની રમણીયતા જ સહૃદયને આનંદ આપે છે. વળી, આ ચર્ચામાં પરોક્ષ રીતે શાસ્ત્ર અને કાવ્યની ભેદરેખા પણ સૂચવાઈ ગઈ છે. વ્યવહાર કે શાસ્ત્રની ભાષા માત્ર નિર્દેશાત્મક રૂપની હોય છે. અને તેનું કાર્ય માત્ર વિચાર કે સંપ્રત્યયને રજૂ કરવાનું હોય છે. કાવ્ય દ્વારા કવિહૃદયની રમણીય અનુભૂતિ મૂર્ત થાય છે : કવિનો શબ્દ એ રીતે રમણીય અર્થનો પ્રતિપાદક હોય છે. (બ) કવિતાના એકેએક અંગભૂત શબ્દમાં (અને તેના અર્થમાં) વ્યંજનાશક્તિ અનુસ્યૂત રહી છે. તે વાસ્તવમાં તો સમગ્ર ‘કાવ્યાર્થ’નો જ અંશ છે. સમગ્ર કાવ્યાર્થ અને શબ્દાર્થ વચ્ચે અંગી અને અંગનો સંબંધ છે. એ સમગ્ર કાવ્યમાં જે કોઈક કલ્પનાવ્યાપાર પ્રવર્તે છે તે પણ “વિષયો પારની” એટલે કે અલૌકિક સ્વરૂપની શક્તિ હોય છે. એ કલ્પનાવ્યાપાર તેના સર્જકની વિશિષ્ટ પ્રતિભાશક્તિનો જ ઉન્મેષ છે. સમગ્ર કાવ્યની તેમ તેના અંગભૂત એકેએક શબ્દની રમણીયતાના મૂળમાં કવિની પ્રતિભાનો સ્પર્શ રહ્યો હોય છે. કાવ્યનો શબ્દ સ્વયં રમણીય હોય એ યે પૂરતું નથી, તે સમગ્રના સૌંદર્યને પોષક હોવો જોઈએ એ ખ્યાલ પણ મણિલાલે સ્પષ્ટ રૂપમાં રજૂ કર્યો છે. કાવ્યસ્વરૂપની વિચારણામાં મણિલાલે સૂક્ષ્મ રસતત્ત્વ અને તેના અધિષ્ઠાનભૂત શબ્દાર્થ, એમ તેનાં સૂક્ષ્મ અને સ્થૂળ બંને પાસાંને લક્ષમાં લીધાં છે તે નોંધપાત્ર છે. કવિની પ્રતિભા જ એ સૂક્ષ્મ-સ્થૂળમાં વ્યાપી રહે છે અને કાવ્યના વિશ્વને રસાન્વિત કરે છે એવી તેમની શ્રદ્ધા રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો, સમગ્ર કાવ્યની આકૃતિ પણ અંતે તો કવિપ્રતિભાની જ સિદ્ધિ છે. એ કૃતિની વિભાવનામાં જ બીજભૂત એકતા રહી હોય છે. આ કારણે જ મણિલાલની કાવ્યચર્ચામાં કવિપ્રતિભાનો વિશેષ મહિમા રહ્યો છે. સામાન્ય માનવીથી કવિપ્રતિભાનો વિશેષ ક્યાં રહ્યો છે તેનું બયાન આપતાં મણિલાલ એમ નોંધે છે : “ત્યારે એમ કહી શકાય કે કાવ્ય થવાનું નિમિત્ત અમુક પ્રકારની પ્રકૃતિમાં જ હોય છે. ગમે તેટલા અભ્યાસથી, ગમે તેટલા સાહિત્યસંગ્રહથી, કશાથી એ પ્રકૃતિ આવતી નથી. એને નૈસર્ગિક પ્રતિભા કહે છે. જે એવી પ્રતિભાવાળા હોય તે કવિ થઈ શકે. કવિ શબ્દોને વાપરે છે પણ શબ્દોની પાર દેખે છે. વ્યવહારના સંબંધોમાં ફરે છે પણ તે સંબંધની પારના વિશ્વને સર્વદા પોતાનું ગણે છે.”[8] પરંતુ કવિ અક્ષરજગતનું દર્શન કરે એટલું જ અભિપ્રેત નથી, તેનો પ્રતિભાવિશેષ તો એ નવું વિશ્વ સર્જવાની ક્ષમતામાં રહ્યો છે. અપૂર્વ વસ્તુ નિર્માણ કરવામાં રહ્યો છે. આ મુદ્દાને અનુલક્ષીને તેઓ કહે છે : “જે મનુષ્યને સ્થૂલની પારનું દર્શન થતું હોય છે, સ્થૂલની પારની રચના કલ્પનામાં, પ્રતીત થઈ જતી હોય છે. સ્થૂલની પારના સંબંધો ઉપજાવી નવાં વિશ્વ કરવાની શક્તિ સહજ રીતે જ આવેલી હોય તે વર્ગમાં કવિઓની ગણના થઈ શકે છે”[9] પ્રસ્તુત વિચારણામાં મણિલાલે ઘણી માર્મિક વિચારણા રજૂ કરી છે. કવિની પ્રતિભા એ સ્થૂળ વિશ્વમાં બંધાતી નથી, એ તો સ્થૂળની પારના અક્ષરજગતનું રહસ્ય આકલિત કરી લાવે છે. આ સ્થૂળના પરિવર્તનશીલ જગતમાં જે શાશ્વત તત્ત્વ ક્રિયાશીલ રહ્યું છે તે શાશ્વતને સ્પર્શવા ચાહે છે. વળી એ અક્ષરજગતની પ્રતીતિ માત્રથી સાહિત્ય રચાતું નથી તેને શબ્દાર્થના માધ્યમમાં અવતારવાનું ય છે. કવિની પ્રતિભા એ સૂક્ષ્મને કાવ્યનિબદ્ધ કરી શકે છે. મણિલાલની કાવ્યચર્ચામાં, આમ, કવિના ક્રાન્તદર્શનનો જ મહિમા થયો છે. એમનાં સમકાલીન સાક્ષરો રમણભાઈ, નરસિંહરાવ, આચાર્ય આનંદશંકર આદિએ પણ આ પ્રકારે કવિની પ્રતિભાનો મહિમા કર્યો છે. ‘ગ્રંથકાર’ નામે એક લેખમાં મણિલાલે ‘પ્રતિભા’ વિશે ફરીથી વ્યાખ્યા—વિચારણા રજૂ કરી છે. એમાં તેમની વિચારણા પ્રતિભાની સ્વયંભૂ સર્જકતા વિશેના ખ્યાલને સ્પર્શે છે. સર્જનાત્મક કોટિનું સાહિત્ય એ તેના લેખકની ઐચ્છિક રચનાનિર્માણની પ્રવૃત્તિનું ફલ નથી. એ તો તેની પ્રતિભાનો અનાયાસ સ્વયંભૂ ઉન્મેષ છે. એ ‘પ્રતિભા’ની સ્વયંભૂતતાના ખ્યાલને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરતાં કહે છે : “સંસ્કૃત ભાષાના ઋષિઓ અને આચાર્યો જાણતા હતાં કે શરીરવ્યાપારો યદ્યપિ યંત્રવત્‌ ચાલી શકે છે. મનોવ્યાપાર પણ ક્વચિત બહુ અભ્યાસના બલે યોગાદિમાર્ગથી યંત્રવત્‌ થઈ શકે, તથાપી મનોવ્યપારની સામાન્ય સંકલનાના ક્રમમાં જેનો સમાસ થઈ શકયો નથી, એવી સ્વતંત્ર અને સ્વલક્ષણ જે પ્રતિભા (genius) તે કદાપિ પણ યંત્રવત્‌ થઈ શકતી નથી. એ પ્રતિભાનું આવાગમન આકસ્મિક રીતે, અણચિંતવ્યું થાય છે.”[10] અહીં મણિલાલે સર્જકપ્રતિભાની સ્વયંભૂતતાનો ખ્યાલ સ્પષ્ટ કર્યો છે. લીલયા વિહાર કરનારી આ લોકોત્તર શક્તિ જ સાચા સાહિત્યના મૂળમાં રહી છે. અને દરેક રચનાઓમાં સધાતો નૂતન ઉન્મેષ એમાંથી જ સ્પંદિત થાય છે. મણિલાલ માને છે કે આ પ્રતિભાશક્તિ માત્ર કવિઓ પૂરતી જ સીમિત નથી. એ યોગીઓ અને તત્ત્વદૃષ્ટાઓમાં પણ સંભવે છે. કવિ અને યોગીઓ આ પ્રતિભાશક્તિના બળે જ બ્રહ્માંડનાં રહસ્યોનું સહજોપલબ્ધિરૂપે દર્શન કરે છે. સ્થૂળ વર્તમાન જગતને વીંધી તેમની દૃષ્ટિ ત્રિકાલનું આકલન કરે છે. સતત પરિવર્તનશીલ વસ્તુજગતમાં તેમની દૃષ્ટિ ગૂંચાતી નથી. તે તો આ વિશ્વના ક્રમની ગતિ અને દિશા જાણી શકે છે. એટલે જ તેઓ સાચા અર્થમાં ક્રાન્તદ્રષ્ટા બની રહે છે. આ મુદ્દાને સ્પષ્ટ કરતાં મણિલાલ નોંધે છે : “એમ હોવાથી જ ઘણાક કવિઓ ભવિષ્યને પણ ભાખી રાખે છે : ચંદ્ર જેવા વીર કવિઓ, વ્યાસ જેવા મહાત્માઓ આગળ આગળથી થવાની વાતોના ઇશારા કરી શક્યા છે, નહીં કે તેમને કોઈ દિવ્યશક્તિ પ્રાપ્ત થઈ હતી : માત્ર એટલું જ કે સ્થૂળ વિશ્વના વ્યવહાર અને સંબંધની પાર તેમની દૃષ્ટિ પહોંચતી હોવાથી તેમને તે તે વ્યવહાર અને સંબંધોનાં નિત્ય પરિણામ પણ દૃષ્ટિમાં આવી શકતાં, ને તેથી જ તેમના કાવ્યને ભવિષ્ય સમજ્યાનો રંગ ચઢી જતો. યોગાભ્યાસીઓ અને તત્ત્વજ્ઞો જે રીતે સિદ્ધિબળથી ભવિષ્ય કહી શકે છે તે અને આ રીતિ એકની એક જ છે : ઉભયની તીવ્ર લાગણી, તીક્ષ્ણ દૃષ્ટિ, અને શુદ્ધ બુદ્ધિમાં સહજ રીતે પ્રત્યેક વાર્તાનાં પ્રતિબિંબ પડી જાય છે. એવાં પ્રતિબિંબ સર્વના અંતઃકરણમાં પડે છે. પણ તેને સમજવાં, તેનો અર્થ કરવો, અને તેની સૃષ્ટિ રચી તેનો ઉપયોગ કરવો, એ આવડતને માટે સાહજિક પ્રકૃતિનું બળ અથવા યોગાભ્યાસની સાધનસંપત્તિ આવશ્યક છે.”[11] આમ, કવિ અને યોગી બંને વિશિષ્ટ શક્તિ દ્વારા વસ્તુજગતનું રહસ્ય ઉકેલવા સમર્થ હોય છે. અને આ કારણે જ, કવિતા અને તત્ત્વજ્ઞાનને જન્મજાત સંબંધ રહ્યો છે. મણિલાલે એ વિશે આગળ ચાલતાં નોંધ્યું છે : “આ પ્રકારે કાવ્ય અને તત્ત્વને નિગૂઢ સંબંધ હોવાથી જ ધર્મમાત્રે મૂલથી કાવ્યનો આશ્રય કરેલો છે. તર્કપ્રધાન પ્રકૃતિ, જેનું બુદ્ધિસ્થાન ભવ્ય અને વિશાલ છે, તેમને આ શક્તિ સ્વાભાવિક રીતે ક્વચિત જ હોય છે. કૃત્રિમ રીતે પ્રાપ્ત કરવાથી પણ સ્વાભાવિક જેવી વિશુદ્ધિને તે પહોંચી શકતી નથી. તાર્કિક પ્રકૃતિઓ આ જ કારણથી ઘણી વાર નાસ્તિક કે ધર્મહીન હોય છે, હૃદય અને હૃદયનો રસ એ જ આનંદનું નિદાન છે : કાવ્યમાં કે ધર્મમાં પણ જેને આનંદ અથવા પરમ પુરુષાર્થ કહેવાય છે, તેનું મૂલ હૃદય છે.”[12] આમ, માત્ર તર્કપ્રધાન પ્રકૃતિ પણ સાચા ધર્માનુભવ પ્રાપ્ત કરી શકતી નથી, એ માટે તો ‘હૃદયરસ’ની અનુભૂતિ પ્રાપ્ત થવી જોઈએ : મણિલાલે પોતાની અદ્વૈતચર્ચામાં પ્રેમના તત્ત્વની જે હિમાયત કરી છે તે ચર્ચા જોડે આ વિચારણા પૂરેપૂરી સુસંગત છે,[13] માત્ર શુષ્ક તર્કચર્ચા દ્વારા હૃદયના ‘રસ’નો – આનંદનો- ઉપભોગ શક્ય નથી. એ માટે ‘પ્રેમ’ના તત્ત્વનો યોગ થવો જોઈએ. સાચા ધર્માનુભવમાં અને કાવ્યાનુભવમાં જે પરમ રહસ્યદર્શન ઉપલબ્ધ બને છે. તેમાં સમાન તત્ત્વરૂપે આ ‘પ્રેમ’નું તત્ત્વ જ રહ્યું હોય છે. એ ‘પ્રેમ’નું તત્ત્વ જ હૃદયરસનું નિદાન છે. જોકે કાવ્યાનુભવની તુલનામાં ધર્માનુભવ લાંબો સમય ટકે છે : “કાવ્યથી આનંદ ઊપજે તે ક્ષણિક રહે છે, વીજળીના ઝબકારાની પેઠે પ્રાપ્ત થઈને વિલીન થઈ જાય છે. ધર્મવિવેકથી પરમ પુરુષાર્થ ઊપજે તે નિત્ય રહે છે : પણ ઉભયનું નિદાન એકનું એક જ રહે છે.”[14] મણિલાલનું આ મંતવ્ય તેમની વિલક્ષણ સૂઝ પ્રકટ કરી આપે છે. તેમની જીવનપ્રવૃત્તિમાં ધર્મવિચાર અને યોગાભ્યાસનું સ્થાન અસાધારણ રહ્યું છે તે જાણીતી વાત છે. ધર્મતત્ત્વવિષયક વિચારણામાં અદ્વૈતદર્શન જ કેન્દ્રમાં રહ્યું છે, અને તેથી ધર્માનુભવનું અંતિમ લક્ષ્ય એ અદ્વૈતના પ્રત્યાક્ષાનુભવમાં છે. કવિતા દ્વારા તેવો અદ્વૈતાનુભવ શક્ય છે તે કાવ્યના પરામર્શની ક્ષણો પૂરતો જ સંભવે છે : સાચા ધર્મજિજ્ઞાસુને એવા અદ્વૈતાનુભવનો સાક્ષાત્કાર થયા પછી તે ચિરકાલ આનંદનો સ્રોત બની રહે છે. આ રીતે અંતિમ સાધ્યને અનુલક્ષીને કાવ્ય કરતાં ધર્મ વધુ ચઢિયાતો માર્ગ છે એવું એમાં સૂચવાયું છે. મણિલાલે રસાનુભવને એક શ્રેયસ્કર તત્ત્વ રૂપે માન્યો છે. સર્જકમાં તેમ ભાવકમાં અનુભૂત રસતત્ત્વ એ લૌકિક કોટિની ઊર્મિથી ભિન્ન ભાવનારૂપ વસ્તુ છે અને તે સ્વયં મંગળ તત્ત્વ છે. એવા રસસ્વરૂપની ચર્ચા કરતાં તેઓ કહે છે : “હૃદય અને રસની વૃત્તિ બુદ્ધિથી નિયંત્રિત ન હોય તો વ્યવહારમાં ઘણીક હાનિ અને ઘણાક અનાચારનું નિદાન થઈ પડે છે એ અનુભવસિદ્ધ છે. પરંતુ જે હૃદય અને રસવૃત્તિ, બુદ્ધિથી સ્વતંત્ર હૃદય અને રસવૃત્તિની અત્ર વાત ચાલે છે તે, અનાચાર ઉપજાવવાની હોઈ શકતી નથી. તે તો નિરંતર પોતાના રચેલા વિશ્વમાં જ વિહાર કરે છે. સ્થૂલમાં પોતાનો આનંદ શોધી લેતી નથી, સ્થૂલનો સ્પર્શ થતાં જ પોતાની સૃષ્ટિનો ભંગ થયો સમજી ક્લેશ પામે છે.”[15] આ ચર્ચામાં રસવૃત્તિ એ બૌદ્ધિક વ્યાપારથી પર સંવિદરૂપ દશા છે એ ખ્યાલ સૂચવાયો છે. અને આવા રસાનુભવની ક્ષણે સ્થૂલતત્ત્વનો સંસ્પર્શ હોતો નથી, એવી તેમની શ્રદ્ધા રહી છે. કાવ્યજન્મની ક્ષણે ઉદ્‌ભૂત થતી લાગણી પણ આવો લોકોત્તર રસાનુભવ જ છે. અને લૌકિક કોટિની ઊર્મિ કે લાગણી કરતાં તે વિલક્ષણ રૂપનો હોય છે એવી મણિલાલની સમજણ છે. સર્જકચિત્તમાં ઉદ્‌ભૂત ભાવતત્ત્વના સ્વરૂપની ચર્ચા કરતાં તેઓ કહે છે : “રસવૃત્તિ જ્યારે કેવલ બીજરૂપે એટલે અતિ તીવ્ર લાગણી રૂપે જ હોય છે ત્યારે, ભૂલ થવાથી, તે સ્થૂલમાં તૃપ્તિ શોધે છે. તીવ્ર લાગણીથી થતાં રક્તપ્રક્ષોભની શાન્તિ સ્થૂલ વ્યવહારોમાંથી કરી લે છે, લાગણીની તીવ્રતા મંદ પડવાથી આનંદ ન આવે ત્યારે દારૂ, ગાંજો આદિ કૃત્રિમ સાધનોથી પાછી તીવ્રતા પ્રાપ્ત કરવા મળે છે. આવો અનાચાર ઉપજાવનારી જે રસવૃત્તિ તે તો લાગણી માત્ર જ છે. લાગણી તીવ્ર થાય, અને તીવ્ર થઈને સ્થૂલની પાર જોઈ શકે, ત્યારે તે રસરૂપે પરિપક્વ થાય છે. એવો રસ તે દીર્ઘ આયુષ્ય ભોગવનારી, ભવિષ્યવાદીની, જનસ્વભાવ સમજનારી, હૃદયને હલાવનારી, અને સત્યાનુયાયી, વાણીમાત્રનો પોષક છે. તેનો આનંદ ભવ્યતામાં, ક્રાંતિમાં, સૃષ્ટિલીલામાં, અને તેવા તેવા ભાવના ચિંતનમાં રહે છે. નીતિ, ચારિત્ર, સ્વાર્પણ એ વ્યાવહારિક ભાવનાઓ તેમ ક્રાન્તિ; સૌંદર્ય ભવ્યતા આદિક માનસિક ભાવનાઓ તેના ઉત્તમોત્તમ સ્વરૂપના વિશ્વમાં જ એ ઉત્તમ રસનું રમણ છે. ત્યાંથી જે તે જીવન ગૃહે છે. કવિ અને તત્ત્વજ્ઞ ઉભયનો મેળાપ એ ભૂમિકા ઉપર જ બની શકે છે.”[16] અહીં મણિલાલે કવિની અનુભૂતિને ‘રસ’રૂપ લેખવી તેનો મહિમા રજૂ કર્યો છે. કવિચિત્તમાં ઉદ્ભૂત થતી એવી રસાનુભૂતિ સ્થૂળ લાગણીના આવરણને ભેદી સૂક્ષ્મનો યોગ સાધે છે. એટલું જ નહિ, એ સૂક્ષ્મના અનુસંધાનથી તે સત્ત્વોદ્રેક પામી સ્વયં પ્રકાશિત બની રહે છે. સ્થૂળ લાગણી ઉપપભોગની વૃત્તિ યુક્ત હોય છે અને તેથી તે સ્થૂળ પદાર્થોમાં રાચે છે. તેની ગતિ એ બાહ્ય જગત તરફની હોય છે. જ્યારે રસાનુભૂતિ સ્વયં ચૈતન્યરૂપ હોઈ આત્મપર્યાપ્ત હોય છે. તે સૂક્ષ્મમાં જ વિહરે છે અને સ્વયં આસ્વાદ્ય રૂપ હોય છે. એ રસનું અધિષ્ઠાન જે ચૈતન્ય તત્ત્વમાં રહ્યું છે તે માનવજીવનની ‘વ્યાવહારિક’ અને ‘માનસિક’ ભાવનાનું ય અધિષ્ઠાન છે. જીવનમાં ઉચ્ચતમ મૂલ્યોનો એ જ સ્રોત છે. સામાન્ય માનવબુદ્ધિને જે મૂલ્યબોધ કે રસબોધ શક્ય નથી હોતો તે કવિની પ્રતિભાને સહજમાં ઉપલબ્ધ છે. આ ભૂમિકાએ કવિ અને તત્ત્વજ્ઞ “એક થઈ જાય છે.”[17] આપણે આગળનાં પ્રકરણોમાં જોયું છે કે નર્મદ, નવલરામ, રમણભાઈ, નરસિંહરાવ એ સર્વ વિદ્વાનોએ કવિચિત્તમાં જન્મતી લાગણીનું સ્વરૂપ સ્પષ્ટ કરવાના ઓછાવત્તા પ્રયત્નો કર્યા જ છે. નર્મદે કવિની લાગણીને ‘જોસ્સા’ (Passion) રૂપ ગણાવી. નવલરામે એ જોસ્સાને પોતાના સ્વરૂપમાં તલ્લીન અને “સ્વપ્રકાશિત” ગણાવ્યો. તેમણે એ લાગણીને રસાનુભવ કોટીનો અનુભવ લેખવવાના પ્રયત્નો કર્યા છે. રમણભાઈએ કવિના ‘અંતઃક્ષોભ’ને ‘પ્રેરણા’ રૂપ લેખવ્યો, અને એવી ‘અંતઃક્ષોભ’ની ક્ષણે કવિચિત્તમાં ઉચ્ચ જીવનની ભાવનાઓ સહજમાં પ્રતીત થાય છે, એ ખ્યાલ પ્રતિષ્ઠિત કરવાનો પ્રયત્ન કર્યો. નરસિંહરાવે પણ સર્જકની રસાનુભવની ક્ષણને પ્રેરણાયુકત લેખવી છે. અને, મણિલાલ પણ કવિની લોકોત્તર અનુભૂતિને ‘રસ’ રૂપ ગણાવે છે, આમ, આપણી આરંભકાલીન વિવેચનામાં કવિની અનુભૂતિની વ્યાખ્યા કરતાં તેની રસરૂપતા અને તેની ક્રાન્તદર્શિતા એ બંનેનો નિર્દેશ થયો છે. મણિલાલે કાવ્યની વ્યાખ્યા કરતાં રસતત્ત્વની જ પ્રતિષ્ઠા કરી છે. “રસાત્મક વાક્ય તે કાવ્ય” એવું લક્ષણ પણ સિદ્ધ રૂપે મનાય છે.”[18] એ વિધાનમાં તેમણે વિશ્વનાથની જાણીતી કાવ્યવ્યાખ્યા ‘વાક્યં રસાત્મકં કાવ્યમ્‌’નો સ્વીકાર કર્યો છે. કવિની પ્રતિભા દ્વારા જ આ રસતત્ત્વ સિદ્ધ થાય છે એટલે કાવ્યનો રસાનુભવ પણ કવિપ્રતિભાના ઉન્નત પ્રદેશમાં લઈ જાય છે. આ કારણે જ કવિતાનો રસાનુભવ એ ઉચ્ચ કોટિનો આધ્યાત્મિક અનુભવ બની રહે છે. અર્થાત્‌ રસાનુભવ એ સ્વયં એક શ્રેયસ્કર તત્ત્વ છે, માનવમૂલ્ય છે. એટલે જ તે અસત્ય, અનીતિ કે અનાચારથી વિરોધી વસ્તુ છે. સાચી કવિતા એ કોઈ વ્યક્તિ કે પ્રજાના શ્રેયની કદીયે વિરોધી હોઈ શકે જ નહિ એવી મણિલાલની સમજણ રહી છે. કદાચ સામાન્ય ભાવક સ્થૂળ શબ્દાર્થરૂપ ચમત્કૃતિમાં કે અશ્લીલ જોડકણામાં રાચે પરંતુ એ સુખાનુભવ એ શુદ્ધ રસાનુભવ નથી જ. રસનું સાચું વિશ્વ તો કવિ અને તત્ત્વજ્ઞો જે ભૂમિમાં એક થાય છે તે જ. એવી તેમની પ્રતીતિ રહી છે. ‘સંગીત’ નામે લેખમાં મણિલાલે કાવ્ય, સંગીત, શિલ્પ, ચિત્ર આદિ રસિક કલાઓ વિશે આરંભમાં અછડતી ચર્ચા કરી છે. એ સર્વ કલાઓના મૂળમાં ‘પ્રતિભા’ જ રહી છે. સામાન્ય કલ્પના અને ‘પ્રતિભા’નો ભેદ દર્શાવતાં તેઓ કહે છે : “કાવ્ય, શિલ્પ, ચિત્ર, સંગીત એ ચારે એક જ પ્રકારની કલાનાં ભિન્ન ભિન્ન રૂપ છે એમ અનેક વિચારકોએ વારંવાર પ્રતિપાદિત કર્યું છે. એ ચારેનો ઉદ્‌ભવ કલ્પના એટલે જેને પ્રતિભા કહેવામાં આવે છે તેમાંથી થાય છે. કલ્પના અને પ્રતિભા એ બે શબ્દો વચ્ચે એવો ભેદ છે કે કલ્પના તો સર્વ કોઈ કરી શકે છે. અમુક સ્થિતિ, અમુક કૃતિ, અમુક પ્રદેશ, અમુક વ્યક્તિ, કે એ સર્વનું મિશ્રણ, તે તો સર્વ માણસો યથાશક્તિ કરી લે છે. પ્રત્યક્ષ અનુભવોના સંસ્કાર જેવા દૃઢ કે અદૃઢ હોય તે પ્રમાણે એવી કલ્પના, સ્મૃતિ દ્વારા, ઉપજી આવે છે. પ્રતિભા પણ એક પ્રકારની કલ્પના છે, કેમ કે તે પણ પ્રત્યક્ષ નહિ એવું કાંઈક ઉપજાવે છે. કલ્પના જ્યારે થઈ અને વીરમી જાય છે, ત્યારે પ્રતિભા તો ઉદય પામતાની સાથે પ્રત્યક્ષ થવા યત્ન કરે છે. પ્રતિભા આવી ને ભાન થયું કે તુરત કવિ ભાષા દ્વારા, શિલ્પી પાષાણ દ્વારા, ચિત્રકાર રંગ દ્વારા, ને ગાયક શબ્દ દ્વારા તેને પ્રત્યક્ષ કરી, પોતાની પ્રતિભાનો આનંદ પોતાની બહાર કાઢી, સાક્ષાત્‌ અનુભવી જોવા મથશે. કલ્પના જ્યારે ધારીએ ત્યારે કરી શકાય, પણ પ્રતિભા ધારીએ ત્યારે આવતી નથી.... વળી કલ્પના કરીને કાંઈક કહેવામાં આવે, જોયલી વાત વર્ણવી બતાવાય કે જોડેલી કહાણી કહેવાય, કે એક સ્વપ્નનો વૃત્તાન્ત કહેવાય તો તે સહેજે સુગમ હોઈ સર્વથી સમજાય છે : પણ પ્રતિભાનાં જે ચિત્ર છે તે એવાં સર્વસુગમ નથી. પ્રતિભાનું જેને ઓળખાણ હોય, પ્રતિભાની જેને ભેટ થતી હોય તે જ સુભાગ્યવાન જનો પ્રતિભાના પ્રયાસને સમજે છે ને ચાખી આલ્હાદ પામે છે. કલ્પના એ સ્થૂલ વ્યવહારના પ્રદેશને વળગી રહેલી ભાવના છે, સ્થૂળમાંથી જ તે તેની પાર જવા યત્ન કરે છે : પ્રતિભા સ્થૂલ અને સૂક્ષ્મ ઉભયની પારની ભાવના છે, ઉપરથી તે સ્થૂલમાં આવવા યત્ન કરે છે.”[19] મણિલાલે પ્રસ્તુત ચર્ચામાં ‘કલ્પના’ અને ‘પ્રતિભા’ના સ્વરૂપની જે વ્યાખ્યા કરી છે અને એ બંનેની વિશિષ્ટતા રેખાંકિત કરી આપવાને જે તાત્ત્વિક ભેદ દશાર્યો છે તે ખૂબ જ નોંધપાત્ર છે. તેમના મતે ‘કલ્પના’ એ માનવબુદ્ધિનો ઐચ્છિક કોટિનો વ્યાપાર માત્ર છે. માનવચિત્તમાં પદાર્થોની પૂર્વસંચિત જૂની છાપો કે તેની વિભાવનાઓનું સંયોજન કરી તે નવીન વસ્તુ ઘડી શકે છે. એમાં વિભિન્ન સ્થળ-કાળના પદાર્થોના વિભાવોને સાંકળી લેવાનુંયે બને અને એ સર્વ સ્થૂળ પદાર્થજગતને અતિક્રમી સૂક્ષ્મમાં પ્રવેશવાનો તેનો પ્રયાસ હોય છે. ‘પ્રતિભા’ એ પણ વિશિષ્ટ સ્વરૂપની કલ્પના છે, પરંતુ તેની ગતિ અને તેનો વ્યાપાર ભિન્ન છે. તે “સ્થૂલ અને સૂક્ષ્મ ઉભયની પારની” ભાવના છે, ઉપરથી તે ‘સ્થૂલ’માં આવવા યત્ન કરે છે. અર્થાત્‌ ‘પ્રતિભા’ એ કોઈ આદિ સજર્કચેતના છે, સૂક્ષ્મરૂપ ચેતના છે અને તે સ્થૂલ વિશ્વનાં તત્ત્વોને અવલંબીને નવા નવા રૂપે સાકાર થવા ચાહે છે : એ ‘પ્રતિભા’ જ આ સ્થૂલ તત્ત્વોને આત્મસાત્‌ કરી અપૂર્વ ઉન્મેષ ધારણ કરે છે : એ ‘પ્રતિભા’ જ કશીક ગૂઢ રહસ્યમયતાની બીજભૂત વસ્તુ લઈને આવે છે અને કળાકૃતિમાં નિગૂઢ રૂપે જ સ્થાન પામે છે. ‘કલ્પના’ના વ્યાપાર દ્વારા રચાયેલી કૃતિ સર્વથા બુદ્ધિગમ્ય હોય છે. પ્રતિભાજનિત કૃતિમાં – તેના સર્જકચિત્તમાંથી જ કશુંક નિગૂઢ રહસ્યભૂત વસ્તુ પ્રવેશે છે જે સદાય ભાવકને માટે અક્ષય્ય (Inexhaustible) પુરવાર થાય છે. વળી, ‘કલ્પના’ ઉદ્‌ભૂત થતાંવેંત વિરમી જાય છે. તેમાં મૂર્ત થવાનું બળ કે તેવી અપેક્ષા પ્રગટતી હોતી નથી. ‘પ્રતિભા’ સર્વથા મૂર્ત બિંબોમાં વ્યક્ત થવા ચહે છે : અવતરવા ચહે છે : ‘સ્થૂલ’ ને અવલંબી સાકાર થવા ચહે છે. એવી ‘પ્રતિભા’નો ઉદય તેના સર્જકને તેના માધ્યમની ક્ષમતા તાગી જોવાના Compulsionનો અનુભવ કરાવે છે. આમ ‘પ્રતિભા’ એ અમુક અંશે સર્જનાત્મક ઉન્મેષ છે. સિસૃક્ષા છે. Creative Urge છે. ‘પ્રતિભા’ની આ પ્રમાણે વ્યાખ્યા કરી મણિલાલે તેને ‘રસ’ના સંપ્રત્યય જોડે સાંકળી લેવાનો પ્રયત્ન કર્યો છે. “પ્રતિભાના સંસ્કારવાળા હૃદયમાં જે ભાવનામય દર્શનો ઉદ્‌ભવે છે, અને તે દર્શનમાં હૃદયને અમુક કાલ સુધી, અન્ય ભાવ આવે જાય તેમને પણ તદ્રૂપ કરી, ઓગાળી નાખવાની જે શક્તિ રહે છે તેને રસ એ નામથી શાસ્ત્રકારો ઓળખે છે. રસ જ્યારે હૃદયમાં જામે ત્યારે તે પ્રત્યક્ષ થવા યત્ન કરે છે. “રસ પ્રત્યક્ષ થવા યત્ન કરે છે” એટલે રસનો જે અનુભવનાર તે પોતાના અનુભવેલા રસને બહાર કાઢી બીજાને અનુભવાવવા યત્ન કરે છે, એમ સમજવું નહિ. ભાવના અને સ્થૂલ એ બેથી આખું વિશ્વ રચાય છે. સ્થૂલનો સ્વભાવ એવો છે કે ભાવના ભણી ઊંચે જઈ અપ્રત્યક્ષ થતા જવું : ભાવનાનો સ્વભાવ એવો છે કે સ્થૂલ ભણી નીચે ઊતરી પ્રત્યક્ષ થતા જવું. એ સ્થૂલ અને એ ભાવનાના સમાધાનમાં જ પ્રત્યેક વ્યક્તિ પોતપોતાનો વ્યવહાર, પોતપોતાનું જગત, પોતપોતાની દુનિયા, કલ્પી લે છે. આવો ભાવનાનો જે સ્વભાવ તે જ રસ જામતાની સાથે રસને પ્રત્યક્ષતા ઉપર લઈ જાય છે : રસનો અનુભવનાર પોતે પોતાને અનુભવનાર રૂપે જાણે અને પછી પાછો તે અનુભવનો વર્ણવનાર થઈ બેસે તો તો એ અનુભવ પ્રમાણે નથી પણ ભ્રમ છે એમ નિશ્ચય જાણવું. રસના અનુભવમાં અનુભવનાર કે અનુભવ એ વાત ભિન્ન સમજાય ત્યાં સુધી એ રસ થયો જ નથી. ત્યારે રસ પોતે જ જામતાની સાથે સ્વતઃ પ્રત્યક્ષતા ગ્રહવા વળે છે.[20] મણિલાલની ‘રસ’ વિષયક પ્રસ્તુત વિચારણા નવલરામની “પૂર્ણ રસ”ની કલ્પના જોડે પૂરેપૂરું સામ્ય દાખવતી જણાય છે. “પૂર્ણ રસ”ના અનુભવની ક્ષણે સર્જકચિત્તમાં જે રીતે ભોજ્ય અને ભોક્તા તદ્રૂપ બને છે અને માત્ર અદ્વૈતની સ્થિતિ જ સંભવે છે, એવી જે કલ્પના નવલરામે કરી છે તેવી સ્થિતિ મણિલાલને પણ અહીં અભિપ્રેત જણાય છે. “રસના અનુભવમાં અનુભવનાર કે અનુભવ એ એ વાત ભિન્ન સમજાય ત્યાં સુધી એ રસ થયો જ નથી : અર્થાત્‌ “રસનો સંભવ તો ત્યારે જ બને કે જ્યારે ‘અનુભવનાર’ અને ‘અનુભવ’ની એકરૂપતા રચાય અને એમને એ બંનેની અલગતાની અભિજ્ઞતા ન જન્મી હોય. આવો ‘રસ’ સ્વયં કોઈ ‘સ્થૂલ’નું અવલંબન લઈ વ્યક્ત થવા ચાહે છે. વળી, સર્વ કલાઓના ઊગમમાં આ પ્રકારનો ‘રસ’ રહ્યો છે, અને એ કલાઓમાં જે ભેદ સંભવે છે તે તો ઉપાદાનનો જ છે એમ મણિલાલ માને છે : જો કે સર્જનની મૂળ પ્રકૃતિ જ એ ઉપાદાનોની પસંદગી માટે કારણભૂત છે. એવો ખ્યાલ પણ તેમણે પ્રતિષ્ઠિત કર્યો છે : “એવું રસનું વલણ તે જે સ્થાનમાં રસ થયો છે, જે માણસના હૃદયમાં અસર છે તે માણસની પ્રકૃતિને અનુસારે બહાર દર્શન દે છે. જે પ્રકૃતિ ભાષાની રચના અને સૂક્ષ્મ અર્થ યોજનામાં પ્રવીણ હશે તેનામાં રસ કાવ્યરૂપે જણાશે : જે પ્રકૃતિ અવયવ રચના અને સ્થૂલ ભાવ દર્શાવવામાં પ્રવીણ હશે તેનામાં રસ શિલ્પરૂપે જણાશે : જે પ્રકૃતિ પ્રકાશ અને ચિત્રરૂપે દર્શન દેશે : અને જે પ્રકૃતિ પદાર્થ માત્ર, સંભવ માત્રનું માપ અમુક ધ્વનિરૂપે અમુક શબ્દરૂપે કાઢી શકતી હશે તેનામાં રસ ગાનરૂપે દશર્ન થશે. એનો એ જ રસ આવી યથાર્થ, સમાન વ્યવસ્થાવાળી, પ્રકૃતિમાં ઉદય પામશે તો ત્યાં આ કલાને બદલે ઈશ્કમિજાજી ટાપટીપ, ઉચ્છૃંખલતા, ઇત્યાદિરૂપે પણ દર્શન દેશે.”[21] મણિલાલની પ્રસ્તુત વિચારણામાંથી બે વાત ફલિત થાય છે : એક તો આ સર્વ કલાઓના ઊગમમાં રહેલો રસાનુભવ એ તત્ત્વતઃ સમાન જ છે. (અને મણિલાલની આ વિચારણા નરસિંહરાવની પ્રસ્તુત વિષયની ચર્ચા જોડે ગાઢ સામ્ય ધરાવે છે.) બીજું, એ રસાનુભવ સ્વયં કોઈ અમુક ચોક્કસ માધ્યમ કે ઉપાદાનની અપેક્ષા લઈને જન્મતો નથી. પણ સર્જક પોતાની ‘પ્રકૃતિ’ મુજબ આ કે તે માધ્યમ, અથવા ઉપાદાનની વરણી કરી લેતો હોય છે. મણિલાલે આ કલાઓનાં ઉપાદાનોની અનુકૂળતા પ્રતિકૂળતાનો વિચાર પણ કર્યો છે : “અર્થની ગૂઢ અને પ્રકટ યોજનાથી કાવ્ય કરવું એ એટલું કઠિન નથી કે જેટલું પાષાણને કોતરીને કે રંગની યોજના કરીને અર્થ સૂચવવાનું કામ કઠિન છે. પરંતુ એ સર્વ કરતાં ધ્વનિ માત્રથી જ, શબ્દમાત્રથી જ, આખી ભાવના સૂચવવાનું કાર્ય અત્યંત વિકટ છે, એમ કહેવામાં કશો બાધ નથી.”[22]અહીં સંગીતકલા એ મૂળ ‘રસ’ને વ્યક્ત કરવા માટે સૌથી વધુ પ્રતિકૂળ માધ્યમ ગણાવાયું. મણિલાલની આ સમજણ રમણભાઈથી જુદી પડે છે. રમણભાઈએ છંદોની ચર્ચાવિચારણા કરતાં સંગીત અને કાવ્યકલાનો વિચાર કરેલો. સંગીત એ મૂળ સંગીતાત્મક ભાવને વ્યક્ત કરવામાં સરળ રહે છે જ્યારે કાવ્યને એ મૂળ ભાવની અભિવ્યક્તિમાં ભાષાનો આવરોધ નડે છે. રમણભાઈ એમ માને છે કે કાવ્ય પ્રકૃતિએ જ મૂર્ત બિંબોની સૃષ્ટિ છે અને એ બિંબોની રચનામાં નિર્મિતિમાં મૂળના ભાવના લયને અવરોધ નડે છે. વળી, કાવ્યની સૃષ્ટિમાં વિચાર કે અર્થતત્ત્વ અનુસ્યૂત રહ્યું છે, એટલે વિચાર કે અર્થતત્ત્વને અનુરૂપ શબ્દની સ્થાપના કરવા જતાં મૂળના ભાવના લયને અવરોધ નડે જ છે. આ કાવ્યની પ્રકૃતિ સર્જકતાને કંઈક પ્રતિકૂળ નીવડે છે. સંગીત નહિ. એનાથી ઊલટું, મણિભાઈ એમ માને છે કે મૂળના ‘રસ’ ને વ્યક્ત કરવા ભાષાનું (શબ્દાર્થયુક્ત) માધ્યમ અનુકૂળ નીવડે તેટલું સંગીત નહિ. કાવ્યકલાની સિદ્ધિ જે પ્રતિભા દ્વારા શક્ય બને છે. તે તો કોઈક ‘પ્રસાદરૂપ’ વસ્તુ છે. અને માત્ર વેદનપટુતા (sensibility) તેની અવેજીમાં ચાલી શકે નહીં. પાશ્ચાત્યોના કાવ્યવિચારમાં જે પ્રકારની વેદન-પટુતાની પ્રતિષ્ઠા થઈ તેનો વિરોધ કરતાં મણિલાલે નોંધ્યું છે : “વર્તમાન સમયમાં પાશ્ચાત્ય યંત્રબલનો વેગ આપણને એટલો બધો લાગી ગયો છે કે પ્રતિભાના પ્રસાદ વિના અત્યંત અસાધ્ય એવી શાસ્ત્રદૃષ્ટિ કે કાવ્યશક્તિ પણ આપણે ‘ગ્રંથકાર’ થઈને પ્રાપ્ત કરવાનું સાહસ કરવા લાગ્યા છીએ. જે પાશ્ચાત્ય વિચારકો ચૈતન્યને પણ જડસંઘાતજન્ય કરાવી પોતાનું આખું ‘ચેતનશાસ્ત્ર’ (ચૈતન્ય અને મનનાં વિકાસક્રમ સમજાવવાનું શાસ્ત્ર) પણ જ્ઞાનતંતુ અને સાહચર્ચના યોગાયોગમાંથી ઉપજાવવા મથન કરે છે, તે પ્રતિભાને પણ જ્ઞાનતંતુ અને સાહચર્યોના યોગમાંથી ઉપજાવી લે તો તેમાં આશ્ચર્ય જેવું નથી. અમુક કવિ અમુક સરોવર ઉપર રહ્યો. બાલ્યમાં તેણે અમુક સૃષ્ટિસૌંદર્ય જોયું અને તેના જ્ઞાનતંતુને અમુક સંસ્કારો થતાં તેને મુખે કાવ્યનો ઉદ્ગાર થવા લાગ્યો. એમ પ્રતિભાની ઉત્પત્તિ સમજાવી, આપણા ઊછરતા જુવાનોને કવિ થવાની મૂર્ખ લાલસામાં સરોવર અને લીલોતરીવાળાં મેદાનોમાં પડવાથી કવિત્વ પ્રાપ્ત કરવા મોકલનારા પાશ્ચાત્ય પંડિતોનો, આપણા ઉપર વરસાદ પેઠે વર્ષતા કાવ્ય નામધારી ચીંથરા માટે પરમ ઉપકાર માનવાનો છે.” પ્રસ્તુત અવતરણની વિચારણામાં મણિલાલનો પાશ્ચાત્ય પંડિતો તરફનો રોષ છતો થઈ જાય છે. તે સમયમાં આપણે ત્યાં “વરસાદની પેઠે વરસતાં, કાવ્ય નામધારી ચીંથરાં” માટે એ પંડિતો જ જવાબદાર હોય એવો ખ્યાલ એમાં અનુસ્યૂત રહ્યો છે. પાશ્ચાત્ય પંડિતોએ કવિતાના ઉગમમાં રહેલી સાચી પ્રતિભાને અવગણી તેને સ્થાને કવિચિત્તની વેદનપટુતા (sensibility)નો મહિમા કર્યો એ ખ્યાલથી મણિલાલ કંઈક અકળામણ અનુભવતા જણાય છે. મણિલાલની આ વિચારણામાં કંઈક અતિશયોક્તિ રહી જણાય છે. એ ખરું કે પશ્ચિમમાં ગઈ સદીમાં રોમેન્ટિક કવિઓએ પોતાની કાવ્યભાવના રજૂ કરતાં ચિત્તની સંવેદનશીલતાનો મહિમા કર્યો – અને પછી કવિતાના સ્ત્રોત લેખે કવિની ચિત્તભૂનો મનોવૈજ્ઞાનિક કક્ષાએ વિચાર કરવાનું વલણ પણ જન્મ્યું. પરંતુ એ રોમેન્ટિક કવિઓની કાવ્યભાવનામાં કવિની સંવેદનશીલતાનું આગવું વિશિષ્ટ સહજોપલબ્ધ રહસ્ય છે. મણિલાલ માને છે તેમ કવિની સંવેદનશીલતા એ કોઈ જ્ઞાનતંતુઓના સ્તર પર ચાલતી હોય એવી કોઈ મનોપ્રક્રિયા નથી પણ તેના હાર્દરૂપે તો વિશિષ્ટ કલ્પનાવ્યાપાર રહ્યો છે. વર્ડ્‌ઝવર્થ શેલી આદિ કવિઓએ તો આ કલ્પનાવ્યાપાર દ્વારા વિશ્વજીવનનાં ગૂઢ રહસ્યો ઉપલબ્ધ બની શકે એવી શ્રધ્ધા વ્યક્ત કરી છે. એ ખરું છે કે એ કવિઓની કાવ્યભાવનામાં, વિશેષતઃ વર્ડ્‌ઝવર્થની કાવ્યભાવનામાં, કવિની સંવેદનશીલ ચિત્તભૂનો ઘણો મહિમા થયો છે, અને વડર્‌ઝવર્થે તો કવિચિત્તમાં પૂર્વસંચિત લાગણીઓ અને તેનાં સાહચર્યોનું ઘણું મૂલ્ય દર્શાવ્યું છે. તેમની કાવ્યભાવનામાં કાવ્યસર્જનનો વ્યાપાર નથી જ. મણિલાલે કવિની સંવેદનશીલતાને એવો સ્થૂળ કોટિનો વ્યાપાર ગણ્યો તે બરાબર નથી. કદાચ મણિલાલની આ પ્રકારની વિચારણાનાં મૂળમાં તેમનો કવિપ્રતિભા વિશેનો આગવો ખ્યાલ રહ્યો છે. કવિચિત્ત સંવેદનશીલ હોય અથવા તેમાં ભૂતકાળની અનેક છાપો સંચિત હોય એ કવિતાનો સાચો સ્રોત નથી. અથવા એટલા માત્રથી સાચી સર્જનાત્મક કૃતિ સંભવતી નથી એવું કંઈક તેમને અભિપ્રેત જણાય છે. તેમણે કવિપ્રતિભાનું સ્વરૂપ વર્ણવતાં કહ્યું છે કે પ્રતિભા તો ‘સ્થૂલ’ અને ‘સૂક્ષ્મ’ એ બંનેને અતિક્રમીને રહેલી પરમ ચૈતન્યશક્તિ છે. એ સ્વયં પ્રજ્ઞાબુદ્ધિરૂપે છે અને બ્રહ્માંડની અનુભવગોચર વાસ્તવિકતાને અતિક્રમીને રહેલી પરમ ચેતનામાં તેનો ઊગમ છે. પાશ્ચાત્ય પંડિતોએ કવિચિત્તની લાગણીશીલતાનો મહિમા કર્યો છે પરંતુ કવિતાનો ઊગમ તો તેની ય પાર રહેલા કોઈ પરમ તત્ત્વમાં છે એમ જ મણિલાલને અભિપ્રેત જણાય છે. આગળ આપણે જોયું કે મણિલાલે કવિ અને તત્ત્વજ્ઞાનીઓને ‘સ્થૂલ’ની પારનું દર્શન કરનાર દૃષ્ટાઓ લેખવી તેમને પરમ ‘રસ’ની ભૂમિકાએ “એક” થતા માન્યા છે. આમ, ‘પ્રતિભા’ વિશેનો તેમનો ખ્યાલ ઊંચો છે. એ કારણે જ તેઓ પાશ્ચાત્યના કવિચિત્તની સંવેદનશીલતાના સિદ્ધાંતની ટીકા કરવા પ્રેરાયા જણાય છે.

કવિતા અને સંગીત : એ બે કલાઓનો સંબંધ

મણિલાલની કાવ્યચર્ચામાં કવિતા અને સંગીતના સંબંધને લગતો મુદ્દોય સ્પર્શાયો છે. ‘કાવ્ય’ લેખમાં મૂળ કવિત્વમય ભાવની અભિવ્યક્તિ માટે સંગીતકલાની ઉપકારકતા દર્શાવતાં તેઓ કહે છે કે : “કવિતાનું જે વિશ્વ છે તે સ્થૂલ વાણીમાં ઊતરવું જ અશક્ય છે. તો પણ જેટલે અંશે જે પ્રકૃતિની તાદૃશ કરવાની શક્તિ તેટલે અંશે સ્થૂલ વાણી પણ સૂક્ષ્મ વિશ્વને સામી પ્રકૃતિમાં ઉતારવા સમર્થ થાય છે. પોતાનો ભાવ સ્પષ્ટ કરવા માટે જ આ ઠેકાણે કવિતા સંગીતની મદદ લે છે. અને પદલાલિત્યરૂપ સંગીતથી સૂક્ષ્મ ભાવનાને સ્થૂલ રીતે દર્શાવવા મથે છે.”[23] અહીં તેઓ એમ સ્પષ્ટ કરવા ચાહે છે કે મૂળ કવિત્વમય ભાવ તો ‘સૂક્ષ્મભાવના’ રૂપ છે એને તેની ‘સ્થૂલ’માં અભિવ્યક્તિ કરતાં કવિ યથાવકાશ ‘પદલાલિત્યરૂપ’ સંગીતની સહાય લે છે. મૂળની “સૂક્ષ્મ ભાવના”ની અભિવ્યક્તિ માટે સંગીત એ રીતે ઉપકારકારક નીવડે. ‘સંગીત’ નામે લેખમાં તેમણે પ્રસ્તુત મુદ્દાને ફરીથી ચર્ચ્યો છે. કાવ્ય અને ‘ગીત’ (- ‘ગીત’ શબ્દ દ્વારા તેમને સંગીત માટે પ્રયોજાતા ગાયનનો કોઈ ખ્યાલ અભિપ્રેત છે,) બેના સૂક્ષ્મ સંબંધની ચર્ચા કરતાં તેઓ કહે છે કે “અમુક જાતના નાદથી મનુષ્યહૃદયને અમુક અસર થાય છે. અમુક રસની પુષ્ટિ કે ક્ષતિ થાય છે, એ આદિ સૂક્ષ્મ વાર્તા વિશે બહુ વિચાર થયો છે : અને સાહિત્યમાં રીતિ, ગુણ, આદિની વ્યવસ્થા એ કલ્પનાને અનુસારે યોજાઈ છે. નાદના અમુક અમુક આવિષ્કારથી અમુક જ અસર નીપજે એ નિયમ ઉપર લક્ષ રાખી છંદો અને રાગોનાં સ્વરૂ૫ રચાયાં છે : એથી જ અમુક છંદ અમુક વિષયને અનુકૂલ આવે છે, અન્યને નહિ, એ આદિ ભાવના બંધાય છે. આટલું જ નથી પણ પ્રત્યેક કાવ્યની ભાષામાં નિયમાનુસાર કાવ્યોચિત શબ્દો ગોઠવવાનું એક માપ હોય છે, ને બીજું માપ કવિના હૃદયમાં જે ગાનનો ધ્વનિ નાદરૂપે છે તેમાંથી ગૂઢ પ્રકારે નીકળે છે. કોઈ પણ કાવ્યમાં છંદઃશાસ્ત્રાનુસાર હોય, તેમાંના ભાવની અભિવ્યક્તિ સાહિત્યના નિયમાનુસાર હોય. તો પણ ‘ગાન’ હોય નહિ તો તે કાવ્ય ફીકું, ક્લિષ્ટ ઇત્યાદિ દોષને પાત્ર થાય છે. ‘ગાન’ જેવો વ્યવહારની પાર અને અતિ વિશાલ વિસ્તાર અનુભવાવનાર શબ્દો, તેવી શબ્દરચના, ને તેવી વાક્યયોજના એને કાવ્યમાં ‘ગાન’ એ નામથી ઓળખાય છે, એની ચોટ પૂરી પાડવાને ઝડ, ઝમક, પ્રાસઅનુપ્રાસ આદિ કૃત્રિમ નિયમો થયેલા છે, વળી કાવ્યમાં પ્રદર્શિત કરવાનો જે ધ્વનિ તે અને ગીતમાં પ્રદર્શિત કરવાનો જે નાદધ્વનિ તે, એનું એવું સામ્ય છે કે તેમના બહિર્ભાવનાં સાધન પણ ઘણે ભાગે એકનાં એક જેવાં છે. કાવ્ય અને ગીતનો પ્રદેશ બહુ નિકટ છે, સંગીતના રસથી ભરપૂર એવા હૃદય વિના અન્યત્રથી ખરા કાવ્યની વાણી નીકળી શકતી જ નથી. કવિ માત્રનો આત્મા, તેમનું આખું જીવન, એક મૃદુ, મધુર સંગીતમય હોય છે.”[24] પ્રસ્તુત દીર્ઘ અવતરણમાંથી ફલિત થતા મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે : (અ) કવિચિત્તમાં ઉદ્‌ભુત થતો કવિત્વમય ભાવ સ્વયં (રસરૂપ) ‘સંગીતમય’ હોય છે. એટલે કવિતા અને સંગીતને જન્મજાત સંબંધ રહ્યો હોય છે. હકીકતમાં, કવિના આત્માનું બંધારણ જ એવું સંગીતાત્મક નાદયુક્ત હોય છે એટલે તેનો કવિત્વમય ભાવ સહજ રીતે સંગીત તત્ત્વની અપેક્ષા રાખે છે. મણિલાલની આ વિચારણા રમણભાઈ, નરસિંહરાવ આદિની પ્રસ્તુત મુદ્દાની વિચારણા જોડે સામ્ય ધરાવે છે. (બ) મણિલાલ એમ નોંધે છે કે કાવ્યના ઉપાદાનરૂપ શબ્દનો ધ્વનિ અને ‘ગીત’માં “પ્રદર્શિત કરવાનો નાદધ્વનિ એ બે વચ્ચે ઘણું સામ્ય છે. તેઓ તો એટલે સુધી જાય છે કે એ બંને કલાઓના “બહિર્ભાવનાં સાધન” તો “એકના એક જેવાં” છે. અહિં તેમણે પ્રસ્તુત બે કલાઓના ઉપાદાન વચ્ચે રહેલા સામ્યને રેખાંકિત કરવા જતાં અતિશયોક્તિ કરી છે અને એ બે ઉપાદાનો વચ્ચે ભેદની અવગણના જ કરી છે. કવિતાનું ઉપાદાન જે ભાષા છે, તે શબ્દની બનેલી છે, તેને અર્થતત્ત્વનો યોગ સાંપડ્યો છે. સંગીતનું ઉપાદાન સૂર (pitch) છે અને તેનું સ્વરૂપ તો માત્ર નાદરૂપ જ છે. તેમાં શબ્દના જેવા અર્થતત્ત્વનો યોગ નથી. કવિતાની સૃષ્ટિ, અલબત્ત, ભાવાનુભૂતિની સૃષ્ટિ છે, પરંતુ તેમાં દૃશ્યગોચર તત્ત્વો (perceptible element) સ્થાન પામ્યાં હોય છે. સંગીતની સૃષ્ટિ માત્ર શ્રાવ્ય સૂરોની બનેલી છે. સૂર એ જ પ્રધાન ઉપાદાન છે. કવિતાની ભાવસૃષ્ટિ કોઈ સંપ્રત્યય concept રૂપે પ્રગટ થાય, સંગીતની સૃષ્ટિમાં એવો વિભાવ રચાતો નથી. અહીં એક વાત નોંધવી જોઈએ કે કવિની સૃષ્ટિમાં રચાતો કોઈ સંપ્રત્યય એ તર્કશાસ્ત્રનું વિધેય proposition કે તેની અંતર્ગત આવતો કોઈ વિભાવ નથી જ. આમ કાવ્ય અને સંગીત એ બે કલાના સ્વરૂપમાં તત્ત્વતઃ ભેદ પણ છે અને તે કારણે તેમના ઉપાદાનની આગવી શક્તિ અને સીમાઓ પણ જોવા મળે છે. દા.ત. કાવ્યની ભાષા એક પ્રજાને માટે પરિચિત હોય તો તે માટે કાવ્ય સુગમ બને. અન્ય પ્રજા માટે એ કવિતાના આસ્વાદમાં ભાષાનો અંતરાય ઊભો થાય. એનાથી ઊલટું, સંગીતની સૃષ્ટિ એ માત્ર સૂરની બનેલી હોવાથી તે સાર્વત્રિક(Universal) બની રહે છે, તેને ભાષાના જેવો અંતરાય આવતો નથી. વળી, સંગીત હૃદયને સીધેસીધું સ્પર્શે છે. ચિત્તની ગૂઢાતિગૂઢ લાગણીઓમાં પ્રવેશે છે અને અપૂર્વ ભાવસૃષ્ટિ ઉબુદ્ધ કરે છે. કવિની સૃષ્ટિમાં શબ્દાર્થનું પ્રાધાન્ય હોય – વિચારતત્ત્વનું પ્રાધાન્ય હોય – ત્યાં એવી ગૂઢ સૂક્ષ્મ ઊર્મિનો પ્રવેશ શક્ય ન યે હોય. આમ, સંગીતકલાને આગવો લાભ છે. પણ બીજી બાજુ, કાવ્યની પાસે અભિવ્યક્તિના સાધન લેખે ભાષાનું જે માધ્યમ છે તેના કેટલાક આગવા લાભ પણ છે. કવિની સૃષ્ટિમાં તેના આત્મવિમર્શરૂપ ભાવ જે સંકુલતા અને મૂર્તતા ધારણ કરી રહે છે તે સંગીતની સૃષ્ટિમાં ન યે સંભવે. કવિના શબ્દને ધ્વનિ ઉપરાંત અર્થતત્ત્વનું વિશિષ્ટ પરિમાણ પ્રાપ્ત થયું છે. જીવનનાં ગૂઢાતિગૂઢ દર્શનને તે વ્યક્ત કરવા સમર્થ બને છે. વળી, સંગીત કલા એના પ્રયોગકાલે જ વ્યાપારવતી બને છે. સાહિત્યકલા રચાયા પછી પણ ટકી રહે છે. (ક) કવિતામાં ઝડ, ઝમક, પ્રાસ, અનુપ્રાસ આદિ ‘કૃત્રિમ નિયમો’ કવિતાના સંગીતતત્ત્વને પોષવા જ આવે છે અને એ રીતે જ તેનું અસ્તિત્વ સાર્થક કરે છે. ઝડઝમક, પ્રાસાનુપ્રાસ આદિ અંશોમાં શબ્દધ્વનિ જ પ્રધાન એટલે તેનો કાવ્યના સંગીત જોડે યોગ શક્ય છે. કવિતાનો સૂક્ષ્મ ‘રસ’ કે ‘ભાવના’ જે ‘સ્થૂલ’ને અવલંબે છે તે શબ્દસૃષ્ટિની અંતર્ગત જ પ્રાસાનુપ્રાસ આદિનું સ્થાન હોવાથી તેને આગવું મહત્ત્વ છે. મણિલાલની કાવ્યમીમાંસામાં કાવ્ય અને સંગીતના સંબંધને લગતી પ્રસ્તુત ચર્ચા એ વિશેની રમણભાઈ અને નરસિંહરાવની વિચારણા જોડે અનુસંધાન દાખવતી જણાય છે. રમણભાઈ અને નરસિંહરાવે એ બે કલાઓના ઊગમમાં રહેલા મૂળ ભાવને જ હૃદયસંવાદી લયાત્મક અનુભવ ગણ્યો છે. મણિલાલે પણ એ જ સિદ્ધાંતની પ્રતિષ્ઠા કરી છે.. એ રીતે તેઓ સૌ કવિતા અને સંગીતના આ જન્મ સંબંધનો સ્વીકાર કરે છે.

નાટકના સ્વરૂપ વિશે મણિલાલની તાત્ત્વિક ચર્ચાવિચારણા

મણિલાલે પોતાના સમયની ગુજરાતી રંગભૂમિનાં નાટકોને અનુલક્ષીને વિચારણા રજૂ કરવાના પ્રસંગો આવ્યા છે. એમાં ઘણુંખરું તો સમકાલીન નાટકોની ચિકિત્સા કરતી ચર્ચાવિચારણા જ જોવા મળે છે. પરંતુ એ લખાણોમાંયે તેમણે પ્રસંગોપાત્ત કેટલીક તાત્ત્વિક વિચારણાય રજૂ કરી છે. આપણા અધ્યયન – વિષયના સંદર્ભમાં એ તત્ત્વચર્ચાનું વિશિષ્ટ મૂલ્ય છે. આપણે એમાંના મુખ્ય મુદ્દાઓ અહીં અવલોકીશું. (અ) “વર્તમાન નાટક” નામે લેખમાં નાટકના સ્વરૂપની ચર્ચા કરતાં તેઓ કહે છે : “નાટકો સંસારમાં જે સાક્ષાત્‌ બને છે તેનું અનુકરણ છે, અને આશય એવો છે કે સંસારના ઉપદેશ લેવા યોગ્ય ઘણા પ્રસંગોની એક રચના સુશ્લિષ્ટ રીતે ગોઠવી તે ઉપદેશને તાદૃશ રીતે પ્રેક્ષકના મનમાં પાત્રોના વર્તન દ્વારા પ્રતિબિંબિત કરવો.”[25] તેમના આ વિધાનમાં નાટ્યસ્વરૂપને લગતા અનેક વિચારો બીજભૂત રૂપમાં રજૂ થયા છે. પ્રથમ તો, નાટકનો વિષય સામાન્યતઃ જીવાતા જીવનનો—આ સંસારના ઘટનાચક્રનો—હોય છે. પરંતુ રોજિંદા જીવનની ઘટનાઓને યથાતથ સાંકળી લેવાથી તો કોઈ નાટક સિદ્ધ નથી થતું. એ માટે તો જીવનની રહસ્યપૂર્ણ ઘટનાઓની ‘એક રચના’ બનવી જોઈએ. એમાંથી ઘટનાનું એક તંત્ર રચાવું જોઈએ. એ સમગ્ર કૃતિમાંથી કોઈ જીવનભાવના કે બોધ વ્યંજિત થવો જોઈએ. મણિલાલ ભારપૂર્વક નોંધે છે કે એ બોધ પાત્ર દ્વારા સીધેસીધો રજૂ કરવાનો નથી પણ “તાદૃશ રીતે પ્રેક્ષકના મનમાં પાત્રોના વર્તન દ્વારા પ્રતિબિંબિત” કરવાનો છે. આમ, તેઓ નાટકના નાટ્યતત્ત્વનો મહિમા કરવા પ્રેરાયા છે. આપણે માટે બીજો અગત્યનો મુદ્દો એ છે કે તેઓ નાટ્યરચના માટે ‘અનુકરણ’ના વ્યાપારનો નિર્દેશ કરે છે. તેમણે નાટ્યસંવિધાનનો જે વિચાર રજૂ કર્યો છે તે જોતાં તેમને ‘અનુકરણ’ દ્વારા કોઈ સ્થૂળ નકલરૂપ વ્યાપારનો ખ્યાલ અભિમત નથી જ. એ ‘અનુકરણ’ દ્વારા જે ઘટનાતંત્ર રચાય તેમાંથી જીવનની ઉચ્ચ ભાવના વ્યંજિત થવી જોઈએ. આમ ‘અનુકરણ’ એ ભાવનાત્મક પ્રક્રિયા છે અને આગળ આપણે એરિસ્ટોટલના ‘અનુકરણ’ના સંપ્રત્યયની જે વ્યાખ્યા કરી, તેને સર્વથા અનુકૂળ છે. ‘વિદ્વચર્ચા’ નામે લેખમાં તેમણે આ મુદ્દાને ફરીથી સ્પષ્ટ કર્યો છે. તેઓ નોંધે છે... “અમારું એમ માનવું છે કે સંસાર જેવો છે તેવો ચીતરી બતાવવા કરતાં તેમાંથી કાંઈક ઉચ્ચતા, મહત્તા, ઉદારતા, શીખાય એવો વિન્યાસ કરવો વધારે લાભકારક છે અને લેખકનાં શ્રમ તથા ચાતુર્યને શોભા અને અમરત્વ આપનારો છે. જ્યારે વસ્તુમાત્રનો હેતુ ઉચ્ચતાની ભાવનાનાં દૃષ્ટાંત ઊભાં કરી આપવાનો ઠર્યો, ત્યારે નાટકનો હેતુ તેથી પણ અધિક હોવો જોઈએ, નહિ તો ચક્ષુભિઃ સત્યં કરાવી આપવાની માથાકૂટ વ્યર્થ પડી જાયઃ”[26] અહીં તેઓ નાટકની સૃષ્ટિમાં ભાવનાત્મક સત્ય મૂર્ત કરવાનો આગ્રહ રાખે છે. જગતમાં જે સ્થૂળતા, ક્ષુદ્રતા, કુત્સિતતા કે અનિષ્ટો રહ્યાં છે તેનું માત્ર સ્થૂળ ચિત્ર રજૂ કરવામાં નાટકનું – કલામાત્રનું – ગૌરવ નથી. એવી નાટ્યકૃતિ દ્વારા સ્થૂળ વ્યવહારની વાસ્તવિકતાને અતિક્રમી સૂક્ષ્મ રસચૈતન્યની નવીન સૃષ્ટિમાં પ્રવેશ થવો જોઈએ. (બ) ‘નાટક’ એ નામે લેખમાં નાટ્યકલાનો મહિમા કરતાં મણિલાલે રજૂ કરેલા વિચારો અવલોકન માગે છે. તેઓ કહે છે : “કવિઓ આપણને આ વિશ્વની પાર ઉપાડી જઈ ક્ષણવાર પરમ આનંદનો રસ ચખાડે છે. તત્ત્વજ્ઞો વસ્તુસ્થિતિનું પૃથક્કરણ કરી આપીને આપણી બુદ્ધિને અનિત્યનો ત્યાગ કરી નિત્યનો સ્વીકાર કરવાનો માર્ગ બતાવે છે. પણ નાટકકારો એ ઉભય કરતાં અધિક કરે છે : વિશ્વનો વ્યવહાર જેવો છે તેવો બતાવી તેમાંથી આપણા હૃદયને, આપણી બુદ્ધિને, આપણી ઇચ્છાને, આપણાં ચક્ષુને, આપણા શ્રોત્રને, આપણી પ્રત્યેક ઇન્દ્રિયને ઉચ્ચગ્રાહી અને ઉચ્ચાભિલાષી કરી, ઉપદેશ આપે છે. કાવ્ય એ હૃદયની ભાષા છે, તત્ત્વ એ બુદ્ધિની ભાષા છે, પણ નાટક એ સર્વ ઇન્દ્રિયોની, સર્વ કોઈની ભાષા છે. એટલા માટે જ કાલિદાસે ‘નાટ્યં ભિન્નરૂચેર્જનસ્ય બહુધાપ્યેકં સમારાધનમ્‌ |’ (બહુ બહુ રીતે ભિન્ન રુચિવાળાં જનમાત્રને સરખી રીતે આરાધન કરી શકે તેવું નાટક છે) એમ કહ્યું છે. નાટક સર્વ ઇન્દ્રિયોથી આપણને ઉપદેશ કરે છે, સર્વે ઇન્દ્રિયોને કાર્ય કરાવે છે : એવો કોઈ માણસ ન હોય કે જેને પાંચે, છએ, ઇન્દ્રિયોનો સ્વાદ ન હોય તોપણ એકબેનોએ ન હોય : એટલે નાટક સર્વનું સરખી રીતે આરાધન કરી શકે છે.”[27] પ્રસ્તુત અવતરણની વિચારણામાં, મણિલાલે કવિની કાવ્યસૃષ્ટિ અને તત્ત્વજ્ઞોની તત્ત્વચર્ચા કરતાં નાટયકારની નાટ્યસૃષ્ટિને વધુ પ્રભાવક પ્રવૃત્તિ લેખવવાનો યત્ન કર્યો છે. તેમની આ વિચારણામાં કાવ્ય અને તત્ત્વચર્ચાને લગતા જે મુદ્દાઓ રજૂ થયા છે તે, ખાસ તો કાવ્યને લગતો મુદ્દો વિશેષ ધ્યાનપાત્ર છે. અહીં કવિ આપણને “આ વિશ્વની પાર ઉપાડી” જાય છે એમ તો તેઓ સ્વીકારે પણ છે, પણ નાટ્યસૃષ્ટિની તુલનામાં કાવ્યવિશ્વ કંઈક સંકુચિત કે એકદેશીય હોય એવો કોઈક ખ્યાલ અહીં અનુસ્યૂત રહ્યો જણાય છે. કદાચ આ ચર્ચાવિચારણા કરતી વેળા ટૂંકી ઊર્મિપ્રણીત રચનાઓ જ તેમની નજર સમક્ષ રહી હોય એમ લાગે છે. એવી રચનાઓ ભાવકને રસાનુભવ તો કરાવે પણ મુખ્યત્વે તો તે ભાવકના ‘હૃદય’ને સ્પર્શે છે. એ રીતે કવિતાની સૃષ્ટિ સીમિત છે એમ તેમને અભિપ્રેત જણાય છે. બીજી બાજુ, તત્ત્વજ્ઞાનીઓની તત્ત્વચર્ચાની તુલનામાં નાટક ચઢિયાતું છે. તત્ત્વજ્ઞાનીઓની તત્ત્વવિચારણા એ માત્ર શુષ્ક તર્કવ્યાપાર છે અને તે માત્ર બુદ્ધિતંત્રને જ સ્પર્શે છે. નાટકકારની નાટ્યસૃષ્ટિમાં વિશ્વજીવનનું ગહનતમ રહસ્ય રસાન્વિત બનીને પ્રગટ થાય છે. તત્ત્વદૃષ્ટાઓની વિચારણા શુષ્ક નીવડવાનો સંભવ છે પણ નાટ્યસૃષ્ટિ સૌંદર્યમંડિત છે. સામાજિકને નાટ્યસૃષ્ટિમાંથી રસાનુભવની ક્ષણે આ પ્રકારના તત્ત્વદર્શનનો ય યોગ થાય છે. પરંતુ નાટ્યકારની સૃષ્ટિ વિશ્વનાં તત્ત્વોને રસયુક્ત કરી રજૂ કરે છે. એટલું જ નહિ, તે સામાજિકની સ્થૂળ – સૂક્ષ્મ ઇન્દ્રિયોને યુગપદ સ્પર્શે છે. બીજા શબ્દોમાં કહીએ તો નાટકની સૃષ્ટિ સામાજિક માટે પ્રત્યક્ષવત્‌ બનીને પ્રગટ થાય છે અને તેથી તે તેમાં વધુ માર્મિક ભાગ લઈ શકે છે. મણિલાલે આમ કવિતા અને તત્ત્વચર્ચા કરતાં નાટ્યસૃષ્ટિનો મહિમા કર્યો તેની પાછળ નાટકની વિભિન્ન રુચિને આરાધવાની તેની ક્ષમતાનો જ વધુ વિચાર કર્યો જણાય છે. નાટકની સૃષ્ટિમાં જે માનવવૃત્તાંતનું નિરૂપણ થાય છે – તેમાં પાત્રોના સંકુલ ભાવોનું જે તંત્ર રચાય છે—તેમાં સામાજિકનાં હૃદય, બુદ્ધિ, ઇચ્છાશક્તિ આદિ સમસ્ત ચેતના – વ્યાપારોનો યોગ સંભવે છે. આમ નાટકની સૃષ્ટિ વિશેષ સંકુલ હોય છે. વળી રંગભૂમિ પરના નાટ્યપ્રયોગમાં સામાજિકો નાટ્યસૃષ્ટિના સીધા સંબંધમાં આવે છે. નાટ્યપ્રયોગની ક્ષણે સામાજિકની આંખ અને કાન જેવી જ્ઞાનેંદ્રિયો પણ નાટ્યસૃષ્ટિના અનુભવમાં સક્રિય ભાગ ભજવે છે. સામાન્ય એવા સામાજિકને પણ આ કારણે નાટકના આસ્વાદમાં ભાગ લેવાનું સરળ બને છે. “નાટક એ સર્વ ઇન્દ્રિયોની, સર્વ કોઈની ભાષા છે.” એ વિધાનોનો અર્થ એટલો જ કે નાટક, વિભિન્ન સ્તરના સામાજિકોનું આરાધન કરી શકે એવી ક્ષમતાવાળી રચના છે. આ સમજણથી પ્રેરાઈને જ કદાચ તેમણે કવિતા કરતાં નાટકને ચઢિયાતું ગણ્યું જણાય છે. મણિલાલે નાટકની આ પ્રબળ પ્રભાવકતાનો ખ્યાલ કેળવી નાટક નિર્માતાઓને માથે કેવડી મોટી જવાબદારી છે તેનો ય વિચાર રજૂ કર્યો છે. મણિલાલની પ્રસ્તુત ચર્ચાવિચારણામાં કવિતાનો જે રીતે વિચાર થયો છે તે ધ્યાનપાત્ર છે. તેઓ કવિતાના રસતત્ત્વનો તેમ કવિપ્રતિભાનો ય મહિમા કરે છે પરંતુ અહીં તેઓ નાટકને વધુ પ્રભાવશાળી ગણવા પ્રેરાયા છે. કદાચ, નાટકની પ્રયોગક્ષમતા અને તેની વિશેષ પ્રભાવક શક્તિ—હકીકત – જ તેમણે વધુ લક્ષમાં રાખી જણાય છે. હકીકતમાં, કવિતાનું વિશ્વ તેઓ માને છે તેમ, સંકુચિત નથી. એમના અનુગામી આચાર્ય આનંદશંકરે, "કવિતા એ આત્માની કલા છે” – એમ કવિતાની વ્યાખ્યા કરી તેનું વિસ્તૃત વિવરણ કરતાં કહ્યું છે : “કવિતા એ, “આત્માની કલા” હોઈ, જેમ ચૈતન્યભરી હોવી જોઈએ તેમ જ આત્મવત્‌ વ્યાપનશીલ હોવી જોઈએ : પિંડમાં અને બ્રહ્માંડમાં અર્થાત, વ્યક્તિમાં અને સૃષ્ટિમાં : આત્મા જે બુદ્ધિમાં, હૃદયમાં અને કૃતિમાં અને એ ત્રણેથી પર પરમાત્મારૂપ સ્વસ્વરૂપાનુસંધાન-માં અર્થાત ધાર્મિક્તામાં વિરાજી રહેલો છે તેમ કવિતા કવિતાની ઉત્તમોત્તમ ભાવના સિદ્ધ કરતી કવિતા–પણ, મનુષ્યનાં બુદ્ધિ (Intellectual), હૃદય (Emotional), કૃતિ (moral) અને અન્તરાત્મા એટલે કે ધાર્મિકતા (Religious Spiritual)ની જરૂરિયાતો સંતોષે એવી હોવી જોઈએ.”[28] અહીં આચાર્યશ્રીએ કવિતાની વ્યાપક ભાવના રજૂ કરતાં નોંધ્યું છે તેમ ઉત્તમ કવિતામાં તો કવિસંવિદ્‌ના સર્વ અંશો વ્યાપારવાન હોય છે તેમ ભાવકને ય તેની ચેતનાને સર્વ સ્તરે સ્પર્શે છે. મણિલાલે નાટ્યસૃષ્ટિનો મહિમા કરતાં કવિતાનો કંઈક સંકુચિત ખ્યાલ કર્યો— અને એ યુગમાં રમણભાઈ, નરસિંહરાવ આદિ યે પણ કવિતામાં લાગણીતત્ત્વ પર વધુ ભાર મૂક્યો—એટલે જ આ સદીમાં આચાર્યશ્રી આનંદશંકર જેવા વિદ્વાનોએ કવિતાની વ્યાપક ભાવના પ્રગટ કરવા પ્રેરાયા હશે. (ક) ‘અવલોકન’ નામે લેખમાં ટીકાકારોના કાર્યની ચર્ચા કરતાં મણિલાલે ‘કાવ્યન્યાય’ (Poetic Justice)નો મુદ્દો છણ્યો છે. નાટ્યસૃષ્ટિમાં (કે કોઈ પણ સાહિત્યસૃષ્ટિમાં) સારા માણસને શુભ ફળ મળે, દુષ્ટ માણસને તેના અપરાધ માટે શિક્ષા થાય એ પ્રકારનું કથાનિર્વહણ, અલબત્ત, ઇષ્ટ છે, પરંતુ, એવી કથારચનામાં કૃત્રિમ લાગે તેવો તાણીતૂસીને અંત લાવવાની જરૂર નથી એમ તેઓ માને છે. આ મુદ્દા અંગે તેમણે સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યસૃષ્ટિને લગતી જે વિચારણા રજૂ કરી છે તે ધ્યાનપાત્ર છે. તેઓ નોંધે છે : “આપણા કવિનાં પાત્રો ઉત્તમ તે ઉત્તમ જ—અલૌકિક, પાશ્ચાત્યનાં સામાન્ય, જનસ્વભાવની જ પરાકાષ્ઠા. ઉત્તમ દૃષ્ટાન્તથી ઉત્કૃષ્ટતા માત્રનો જ બોધ કરવો એ આપણા લેખકોનું પ્રવૃત્તિનિયામક છે, અધમતાનાં દુષ્ટ પરિણામથી પણ ભીતિ પમાડી સન્માર્ગ બોધવો એ પાશ્ચાત્ય લેખકોનું છે. હું જાણું છું કે ઉભયનું મિશ્રણ લાભકારી છે. કેમકે એકથી જો કેવલ આ સંસારની પારનાં માણસ તૈયાર થાય છે તો બીજાથી કેવલ નિકૃષ્ટ પ્રવૃત્તિ જ અયોગ્ય અધિકારીઓ ગ્રહણ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે લેખનો એક હેતુ સામાન્ય પ્રવૃત્તિ કરતાં ઉચ્ચતર પ્રવૃત્તિ ને તેથી ઉચ્ચતર સુખ બોધવાનો છે, તે લેખમાં અન્યોન્ય વિષમતાના પ્રદીપન માટે યદ્યપિ શુભાશુભ ચિત્રોનો યોગ હોય તથાપિ તેમાં ઔચિત્યભંગ થતો નથી.”[29] અહીં મણિલાલની નજરમાં એક બાજુ ભાવનાપરાયણ પાત્રોવાળી સંસ્કૃત નાટ્યસૃષ્ટિ રહી છે તો બીજી બાજુ, માનવસહજ સ્ખલનો રજૂ કરનારી પાશ્ચાત્ય ટ્રેજડીની પાત્રસૃષ્ટિ રહી છે. સંસ્કૃતની ભાવનાપરાયણ સૃષ્ટિ દ્વારા “આ સંસારની પારનાં માણસ તૈયાર થાય છે.” એ જાતનાં વિધાનોમાં તેમનો સંસ્કૃત નાટકો માટેનો પક્ષપાત વરતાઈ આવે છે. બીજી બાજુ પાશ્ચાત્ય પાત્રસૃષ્ટિમાંથી “અયોગ્ય અધિકારીઓ” માત્ર ‘નિકૃષ્ટ’ જ ગ્રહણ કરે છે. એ કથનમાં પાશ્ચાત્ય ડ્રેજડી તરફનો તેમનો અનાદર વ્યક્ત થઈ જાય છે. તેમણે આ બે વિભિન્ન પરંપરાના સાહિત્યને જે રીતે આત્યંતિક કક્ષાએ મૂકવાનો પ્રયત્ન કર્યો છે તે બરાબર નથી. જો કે તેમણે એમાંથી વચલો માર્ગ પણ સૂચવ્યો છે. માત્ર ભાવનાપરાયણ જ નહિં, માત્ર અશુભ તત્ત્વોવાળાં પાત્રોની વાસ્તવિકતા જ નહિં, એ બેનાં શુભાશુભ ચિત્રોવાળી મિશ્ર સૃષ્ટિ રચાય એવો વિચાર તેમણે અહીં પ્રતિષ્ઠિત કર્યો છે. (ડ) નાટ્યસર્જકનો ધર્મ સ્પષ્ટ કરતાં મણિલાલે નોંધ્યું છે : “લોકરુચિને અનુસરીને લેખ લખનાર કવિ – નાટ્યકાર, પંડિત, ગમે તે હોય પણ નિષ્ફલ જ થાય છે : ... અમુક ભાવનાનું ધોરણ લક્ષમાં રાખી જે જે રચના થાય છે, તે જ દીર્ઘજીવન ભોગવે છે અને ક્વચિત્‌ શુભ ફલ પામે નહિ તો પણ હાનિ તો કરતી જ નથી. લોકરુચિ જેવી અસ્થિર, પલે પલે બદલાતી, અને કોઈ એક નિશ્ચય કે એક સ્વરૂપ વિનાની વસ્તુને આધારે લેખકો પોતાના વિચારને દોરે તો જગતને છે તે કરતાં ઉચ્ચ સ્થિતિમાં લાવવાનો તેમનો પ્રયાસ નેવના પાણીને મોભે ચઢાવવાના પ્રયાસ કરતાં વધારે સારો ગણાય નહિ. અમુક ભાવનાના ધોરણથી લોકમતને અને લોકરુચિને દોરવાનો જે લેખકો પ્રયાસ કરે છે તે જ વિજયી થાય છે.”[30] મણિલાલે અહીં એક બહુ જ મૂલ્યવાન વિચાર રજૂ કર્યો છે. જો નાટ્યસર્જક લોકરુચિને પંપાળવાનો પ્રયત્ન કરે તો તેની કોઈ ઇષ્ટ અસર જન્મતી નથી જ, એટલું જ નહિ, એવાં નાટકો નભી શકતાં નથી. જો સર્જક પોતાની નાટ્યસૃષ્ટિમાં ભાવનાત્મક સત્યની પ્રતિષ્ઠા કરે, માત્ર સ્વધર્મને જ વફાદાર રહેવા ચાહે તો તેની નાટ્યસૃષ્ટિ લોકજીવનને પ્રેરક નીવડે જ છે. મણિલાલની આ શ્રદ્ધા નાટ્યકૃતિમાં મૂર્ત થતાં શુભ તત્ત્વથી પોષાયેલી છે.

મણિલાલનાં ગ્રંથાવલોકનોમાં કેટલીક પ્રકીર્ણ કાવ્યચર્ચા

મણિલાલનાં ગ્રંથાવલોકનોમાં, પ્રસંગોપાત્ત, કેટલીક કાવ્યચર્ચાઓ સ્થાન પામી છે. તેમણે અવલોકનના પુસ્તકના સંદર્ભમાં એ વિચારણાઓ ચલાવી છે, છતાં તેમાં રજૂ થયેલાં મંતવ્યો તેમની સૈદ્ધાન્તિક કાવ્યચર્ચાને સમજવા ઠીકઠીક સામગ્રી પૂરી પાડે છે. મહત્ત્વની ચર્ચા અહીં અવલોકીશું : (અ) નરસિંહરાવની ‘કુસુમમાલા’ના અવલોકનમાં મણિલાલે સંસ્કૃત અને પાશ્ચાત્ય રોમેન્ટિક કવિતાનો ભેદ કરતાં ‘રસ’નો વિશિષ્ટ સંકેત પ્રકટ કર્યો છે : “આર્યસાહિત્યમાં કાવ્યનો આત્મા રસ ગણ્યો છે તેમ પાશ્ચાત્ય સાહિત્યમાં નથી એમ નહિ, પણ પાશ્ચાત્ય સાહિત્યમાં કેવલ રસ એજ કાવ્યનું પ્રાણપ્રદ લક્ષણ એમ નિર્બંધ નથી. વિશ્વચમત્કૃતિનાં વર્ણન આર્યસાહિત્યમાં ઠામઠામ છે. પણ તેમને કાવ્યતત્ત્વમાં ખપાવનાર કોઈ રસાશ્રય કાવ્યનાં અંગમાં તે પડયાં છે, તે છે. પાશ્ચાત્ય સાહિત્યમાં તેવાં કાવ્યને સ્વતંત્ર જ કાવ્યત્વ આરોપાયેલું છે. ચમકૃતિરૂપ રમણીયતા કીયામાં વિશેષ આવે એ કેવળ સહૃદયહૃદયવેદ્ય વાત છે. વર્ણનાત્મક કાવ્ય સ્વતંત્ર કાવ્યરૂપ ગણાય ત્યારે તેમાં ચમત્કૃતિ આધાયક, કવિની તન્મયતા એ જ વિશેષે હોય છે. આમ થવામાં મુખ્ય સાધન અનુભવ અને સ્વાભાવિક પ્રતિભા એ ઉભય કરે છે.”[31] પ્રસ્તુત ચર્ચામાં અંગ્રેજી અને સંસ્કૃત કાવ્યસાહિત્યના સ્વરૂપની ભેદરેખા દોરવાનો પ્રયત્ન દેખાય છે. મણિલાલ એમ નાંધે છે કે પાશ્ચાત્ય કાવ્યસાહિત્યમાં એવી રચનાઓ ય છે જેમાં સંસ્કૃત કવિતાની જેમ ‘રસ’ એ જ પ્રધાન લક્ષણ છે, પરંતુ તેમાં એવી કેટલીક ટૂંકી ‘વર્ણાનાત્મક’ રચનાઓ યે છે જ્યાં કાવ્યત્વ સિદ્ધ થયું છે છતાં ‘રસ’ એ તેનું લક્ષણ નથી. મણિલાલની આ વિચારણામાં ‘રસ’ના સંપ્રત્યયનો વિશિષ્ટ સંકેત અભિપ્રેત રહ્યો જણાય છે. માનવવૃત્તાંતના સંદર્ભમાં માનવહૃદયના સ્થાયી-સંચારી ભાવોના ઉપચયથી જ્યાં ઉત્કટ સઘન કાવ્યાનુભવની ચમત્કૃતિ અનુભવાય ત્યાં જ ‘રસ’ તત્ત્વ સિદ્ધ થાય. આ દૃષ્ટિએ તેમને અંગ્રેજી ‘વર્ણનાત્મક’ (ટૂંકી) રચનાઓમાં ‘રસ’ની સિદ્ધિનો અનુભવ થાય એ ખ્યાલ સ્વીકાર્ય જણાતો નથી. જોકે કવિનો ‘અનુભવ’ અને વર્ણ્યવિષય જોડે કવિની ‘તન્મયતા’નો તેઓ સ્વીકાર કરે છે—અને એ રચનાઓમાં એ ‘અનુભવ’ કે ‘તન્મયતા’ જ કાવ્યનું નિષ્પાદક છે એવો તેમાં સ્વીકાર પણ છે- પરંતુ સંસ્કૃત કાવ્યની ‘રસ’ ચમત્કૃતિનો તેમાં અવકાશ નથી, એમ તેમને અભિપ્રેત છે જ. આ મંતવ્યમાં મણિલાલનો સંસ્કૃતકાવ્યસાહિત્ય માટેનો (આ મંતવ્યમાં) પક્ષવાદ પણ પ્રગટ થઈ જતો જણાય છે. (બ) મણિલાલે ભીમરાવના ‘પૃથુરાજરાસા’ના અવલોકન પ્રસંગે “વૃત્તિમય ભાવાભાસ”ને અનુલક્ષીને ટૂંકી ચર્ચા કરી છે. મૂળ તો રમણભાઈએ એ ગ્રંથના ‘અવતરણ’માં ‘વૃત્તિમય ભાવાભાસ’ના દોષની વિચારણા રજૂ કરેલી. મણિલાલે તેમાંથી મહત્ત્વનો મુદ્દો ઉપાડી એ ચર્ચા વિકસાવી છે. આપણે રમણભાઈની કાવ્યચર્ચામાં પ્રસ્તુત વાદવિવાદને લગતી વિગતે છણાવટ કરી છે એટલે અહીં તેનું પુનરાવર્તન ઇષ્ટ નથી. આમ છતાં, તેમનું વક્તવ્ય ટૂંકમાં ફરીથી રજૂ કરીશું. મણિલાલે પૂર્વપક્ષ લેખે રમણભાઈની ચર્ચાનો મુખ્ય મુદ્દો નોંધ્યો છે : “... ત્યારે પ્રકૃતિના માન્ય થયેલા સત્ય કરતાં અધિક એવું કાંઈ પણ કહેવું તે સત્યથી વિરુદ્ધ છે અને સત્ય વિરોધી વાર્તાનો આશ્રય કરી કાવ્યરચના કરવી તે વાસ્તવિકતા નથી એમ રા. રમણભાઈના કહેવાનું તાત્પર્ય સમજાય છે.” અને, તેના ઉત્તરરૂપે મણિલાલ કહે છે : “પ્રકારે જોતાં તો અદ્‌ભુત રસને રસમાં ગણવો કે નહિ એ શંકાભરેલું થઈ પડે, એટલું જ નહિ પણ પદાર્થમાત્રના નિગૂઢ સત્ત્વને અને સૂક્ષ્મ સ્વરૂપને પણ જોવાની શક્તિ ધરાવનાર કવિને પણ પ્રકૃતિને, જે સત્ય આપણને સ્વરૂપે મનાયાં હોય તેટલી જ મર્યાદામાં નિયંત્રિત કરી રાખી, તેના કવિત્વ ઉપર અંકુશ મૂકવાનો પ્રસંગ આવી પડે. પ્રકૃતિનાં સત્યમાત્ર સર્વ કાલે જણાયેલાં હોતાં નથી, અત્યારે આટલા વિદ્યાવૃદ્ધિના સમયમાં પણ પ્રકૃતિના સર્વ રીતે આપણે ધણી છીએ એવું કહી શકાતું નથી, ત્યાં પ્રકૃતિનાં સત્યોને વળગી રહેવાની કવિને ભલામણ કરવી કેટલે અંશે વાસ્તવિક એટલે કવિત્વને પોષક ગણાશે તે વિચારવાનું છે.”[32]મણિલાલ અહીં એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે પ્રકૃતિનાં સર્વ રહસ્ય હજી કળી શકાયાં નથી. કવિપ્રતિભા એ ગૂઢ રહસ્યને પામવા પ્રવૃત્ત થતી હોય છે. અર્થાત્‌ આપણાં શાસ્ત્ર વિજ્ઞાન કરતાંયે કવિપ્રતિભા વધુ ગૂઢ તત્ત્વોને આકલિત કરવા સમર્થ બને છે.. કવિપ્રતિભાનો એ વિશેષ અધિકાર છે, એટલે આજે આપણને પ્રકૃતિનાં જે ‘સત્યો’ પરિચિત હોય તેના ક્ષેત્રમાં જ કવિની પ્રતિભાને સીમિત કરી શકાય નહિ. એ મુદ્દાની ચર્ચાનું સમાપન કરતાં તેઓ કહે છે : “પ્રકૃતિના સત્યને વિરુદ્ધ એવો મનુષ્ય લાગણીનો આરોપ જડ પદાર્થોને ન કરવાનો નિયમ સ્વીકારતાં કાવ્યનું કાવ્યત્વ ઘણે ભાગે અન્યથા થઈ જવાનું ભય રહે છે, અને કાવ્ય પદ્ધતિ જ નવી કથવી પડે એવું લાગે છે. કાવ્યનું રચનાર જ મનુષ્ય છે, એટલે તે પોતાના ભાવનો આરોપ કર્યા વિના પ્રકૃતિમાંથી કાવ્યત્વ ઉપજાવી રસ અનુભવે નહિ તો અન્ય માર્ગે કાવ્યત્વ સિદ્ધ કરવું એમાં બહુ રમણીયતત્ત્વ રહે કે નહિ તે શંકારૂપ છે. ”[33] અહીં મણિલાલનું તાત્પર્ય એ છે કે કાવ્યનિષ્પત્તિના મૂળમાં જ માનવભાવનો સંસ્પર્શ રહ્યો છે અને જડ નિશ્ચેષ્ટ લાગતી પ્રકૃતિ પણ એવા ચૈતન્યસ્વરૂપ ભાવના યોગ રસનું કારણ બની શકે નહિ. વેદાંતી મણિલાલની આ મૂળભૂત શ્રદ્ધા છે. (ક) “શ્રી કચ્છભૂપતિ પ્રવાસ વર્ણન”[34] એ ગ્રંથના અવલોકન પ્રસંગે મણિલાલે કવિની સર્જકતાને અનુલક્ષીને કેટલાક વિચારો નોંધ્યા છે. “... વિદ્વાનો એમ માને છે કે કાવ્યરચનાના કૃત્રિમ નિયમો ભણેલા કવિમાં ખપતા માણસો કરતાં, જેના હૃદયને ખરી લાગણી થઈ દૃશ્ય – પદાર્થની લીલા સાથે એકતા જેનાથી થતી હોય તેવા ખરા કવિનું એ કામ છે. આનું કારણ સ્પષ્ટ જ છે, જોનાર કવિને જેવું લાગે તેવું સામાના મનમાં લગાડવું એ પ્રથમ પોતાને પાકી લાગણી થયા વિના હજારો અલંકાર કે શબ્દચતુરાઈથી કદાપિ બને તેવું કામ નથી. સૃષ્ટિલીલાનું વર્ણન કરવામાં કવિની વ્યંજનાનો ઉપયોગ કરવાની શક્તિ બહુ કામ આવે છે, ને સાહિત્ય સમજનારાને અનુભવ હશે કે એ વ્યંજનાશક્તિ અભ્યાસ કરવાથી આવતી નથી, પણ ઘણે અંશે સ્વાભાવિક હોય છે. સ્પષ્ટ રીતે બોલીએ તો વર્ણ્ય વિષયના એવા કોઈ કોઈ સૂચક અંશ કવિ પકડી લે છે, કે તે સમજવાથી વાંચનારના મનને આખા વિષયનું ભાન થઈ આનંદ પેદા થાય. આનું જ નામ કવિની નવી સૃષ્ટિ પેદા કરવાની શક્તિ.”[35] અહીં મણિલાલે કાવ્યસ્વરૂપને લગતા વિચારો અતિ સરળ અને સંક્ષિપ્ત વાણીમાં મૂકી આપ્યા છે. કવિતાના રસની ચમત્કૃતિ કવિની અનુભૂતિની સચ્ચાઈમાંથી સંભવે છે. કવિનો ધર્મ પોતાની અનુભૂતિને ભાવકમાં સંક્રાન્ત કરવાનો છે. તેનો ભાવ સહજ રીતે જ અભિધાવ્યાપાર દ્વારા પ્રગટ થઈ શકે નહિ, એટલે જ શબ્દનો વિશિષ્ટ વ્યંજનાવ્યાપાર પ્રયોજાય છે. હકીકતમાં, વ્યંજનાવ્યાપાર કોઈ આગંતુક પ્રવૃત્તિ નથી, ગૂઢ રહસ્યાનુભવનું સૂચન કરવાને એ અનિવાર્ય વસ્તુ છે. એ વ્યજંનાવ્યાપાર દ્વારા ભાવક કવિની સૃષ્ટિનું રહસ્ય પામવા સમર્થ બને છે. આમ, મણિલાલે પોતાના સમયની જોડકણારચનાઓથી સાચા કાવ્યનો ભેદ કરી બતાવ્યો છે. (ડ) ‘બૃહત્‌કાવ્યદોહન ભા-૧’[36]ના અવલોકનમાં મણિલાલે કાવ્યસ્વરૂપના વર્ગીકરણનો મુદ્દો છેડયો છે. એ ગ્રંથના સંપાદકે પ્રસ્તાવનામાં નોંધેલું : કવિતાના ત્રણ ભેદ છે—ગીતકવિતા, વીરકવિતા ને શ્રાવ્ય કે દર્શનનાટ્યકાવ્ય—કવિતા. આ વર્ગીકરણની સામે અપવાદ લેતાં મણિલાલે નોંધ્યું છે : “આવા ભેદ, અમે ધારીએ છીએ કે કોઈને પણ પ્રમાણ નહિ હોય : છતાં કોઈને હોય તો ભલે હો, પણ ગુજરાતી સાહિત્યને તો નથી જ. એ ભેદ માનવામાં નિયામક શું છે? કવિતાનું અમુક આકારનું બંધારણ, કે તેની અર્થરચના? ગીતકવિતા એ બંધારણનો વિભાગ છે, વીરકવિતા અર્થરચનાનો વિભાગ છે : વળી શ્રવ્ય કે દર્શનનાટ્યકાવ્ય એમાં શ્રવ્ય એ ભેદમાં ગીત-વીર સર્વનો સમાવેશ થાય તેમ છે, અને દર્શનનાટ્યકાવ્ય અર્થાત્‌ દૃશ્યકાવ્યમાં પણ તે ભેદ સમાય તેમ છે અને દૃશ્ય એ શ્રવ્યનો પર્યાય નથી. આવા ભેદ માનવામાં નિયામક કાંઈ નથી. આપણાં સાહિત્ય તરફ જોતાં રચના કે અર્થ બેને અનુસરીને ભેદ માનેલા છે. રચનાપક્ષના ભેદ અનંત છે. અર્થપક્ષે મુખ્ય ભેદ દૃશ્ય અને શ્રવ્ય છે. દૃશ્યકાવ્યમાં નિરૂપણ થાય તેવાં નાટકાદિ છે. ને શ્રવ્યમાં મહાકાવ્યાદિ વાંચી સમજાવાનાં કાવ્યો છે. શ્રવ્ય દૃશ્ય ઉભયના, રચનાને લઈને અનંત ભેદ બને છે : પણ મુખ્ય નિયામક અર્થ છે.”[37] અહીં મણિલાલે સાહિત્યના વર્ગીકરણમાં વ્યવસ્થા રચવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ સંસ્કૃત અલંકારશાસ્ત્રની પ્રણાલિકાને અનુસરી કાવ્યના ‘દૃશ્ય’ અને ‘શ્રવ્ય’ એવા બે મુખ્ય ભેદો સ્વીકારે છે. રચનાવૈચિત્ર્યને લક્ષમાં લેતાં તો અનેક વિભેદો સંભવે એમ તેઓ નોંધે છે. ‘બૃહકાવ્યદોહન’માંના સંપાદકે એકપક્ષે ‘ગીતકવિતા’ (Lyric માટેનો શબ્દ) અને ‘વીરકવિતા’ (Epic માટેના શબ્દ) એ બે સ્વતંત્ર ભેદો સ્વીકારી પ્રાચીન સંસ્કૃતિના દૃશ્ય-શ્રવ્ય એવા ભેદો સ્વીકાર્યા છે, તે બરાબર નથી એમ મણિલાલનું મંતવ્ય છે. તેમનો ખ્યાલ એ છે કે ‘ગીતકવિતા’ એ માત્ર ‘બંધારણ’ (અર્થાત્‌ આકાર Form નો) વિભાગ છે. ‘વીરકવિતા’ એ ‘અર્થરચના’નો વિભાગ છે. અર્થાત્‌ એ કોઈ ‘બંધારણ’ના કરતાં જીવનના તત્ત્વને અર્થને રજૂ કરનાર સાહિત્યપ્રકારમાં સ્થાન પામે છે. મણિલાલે ‘વીરકવિતા’ (Epic)ને ‘બંધારણ’નો વિભાગ નથી ગણ્યો, એ એક રીતે વિચારણીય પણ છે. પરંતુ મણિલાલને કંઈક એવો ખ્યાલ અભિપ્રેત છે કે ‘ગીતકવિતા’માં ભાવની અભિવ્યક્તિ દ્વારા સિદ્ધ થતી અખિલ આકૃતિનો જ મહિમા છે જ્યારે ‘વીરકવિતા’માં એવી આકૃતિ કરતાંયે તેમાં નિરૂપાયેલા જીવનના પુરુષાર્થોનું જ મહત્ત્વ છે અને એ કારણે તે ‘અર્થલક્ષી’ બની રહે છે. આ ચર્ચામાં મણિલાલની સૂક્ષ્મ પર્યેષક બુદ્ધિનો સુંદર પરિચય થાય છે. (ઈ) ‘ગીતગોવિન્દ’ના[38] અવલોકનમાં મણિલાલે કાવ્યના આનંદની વિલક્ષણતાનો અને તેના સંબંધે કાવ્યસ્વરૂપનો વિચાર રજૂ અર્થો છે : “વાક્યં રસાત્મકં કાવ્યમ્‌” – કવિની કસોટી રસનિષ્પત્તિ છે ખરી પણ અત્રે ‘રસ’ શબ્દનો અર્થ જરા વિચાર પુરઃસર લેવાનો છે, શૃંગારરસ – સ્થાયી રતિની સંપૂર્ણ જમાવટ થતાં જ, એટલે અમુક હૃદયવાસના જાગૃત કરવાથી જ કવિનું કવિત્વ સિદ્ધ થઈ જતું નથી, એ રસ કેવી રીતે ઉપજાવવામાં આવે છે એ પણ ધ્યાનમાં લેવાની બાબત છે. રસ અર્થાત્‌ આનંદ સર્વત્ર એકરૂપ છે, એમાં સ્વતઃ ઉચ્ચ-નીચતા રહી નથી. એ ઉચ્ચનીચતા એનાં કારણોને લઈને થાય છે. કાવ્યમાં અલૌકિક અને વિરુદ્ધ આનંદ જ આદરણીય છે, અને જે કાવ્ય આ પ્રકારનો આનંદ આપી શકે છે તે જ સારું ગણાય છે. આ આનંદની અલૌકિકતા અને વિશુદ્ધિનાં સાધનો કવિ પોતાની પ્રતિભા વડે યોજે છે. આ રીતે કાવ્યનું કાવ્યત્વ આનંદવિશેષમાં – અર્થાત્‌ આનંદમાં અને એ આનંદની અલૌકિકતા તથા વિશુદ્ધિસાધક પ્રતિભામાં રહેલું છે. આ વિશિષ્ટ આનંદને રસ કહેવામાં આવે તો “સરસ વાક્ય તે કાવ્ય” એ ઉક્તિ નિર્બંધ છે. પરંતુ ઘણું કરીને એમ થતું નથી, અને આનંદ થયો એટલે કાવ્યત્વ સિદ્ધ થઈ ગયું એવી ભ્રાન્તિ બહુ ચાલે છે. કાવ્યનું ફલ વ્યવહારમાં પરમાર્થના પ્રતિબિંબનું દર્શન કરાવવું, વિષયાનન્દમાં, બ્રહ્માનંદનું સિંચન કરવું એ છે. “Poetry is a Criticism of Life” – કાવ્ય એ જીવનનું અવલોકન છે આ લક્ષણ કાવ્યના ફલની દૃષ્ટિએ યથાર્થ છે પણ જેમ સાધારણ રીતે કરાતા ‘રસ’ શબ્દના અર્થમાં “સરસ વાક્ય તે કાવ્ય” એ લક્ષણમાં ફલનો. વિચાર નથી, તેમ આ લક્ષણમાં કાવ્યનું સ્વરૂપ શું છે એ બતાવવામાં આવતું નથી અને તેથી બંને લક્ષણો એકદેશી છે.”[39] મણિલાલે વિશ્વનાથની કાવ્ય વ્યાખ્યા “વાક્યં રસાત્મકં કાવ્યમ્‌” અને આર્નોલ્ડની વ્યાખ્યા ‘poetry is a Criticism of Life’ એ બંનેની મર્યાદાઓ રજૂ કરી છે. કવિતાનાં પ્રયોજન લેખે તેઓ આનંદતત્ત્વનો મહિમા કરે છે પણ કાવ્ય દ્વારા ઉત્પન્ન આનંદ તે સ્થૂળ સુખાનુભવથી વિલક્ષણ અનુભવ છે એ અને એવા વિશિષ્ટ આનંદના મૂળમાં કવિપ્રતિભાની ઉત્કૃષ્ટતા રહી છે, એમ તેઓ માને છે. ઉત્તમ કાવ્યની વિભાવના સ્પષ્ટ કરતાં તેઓ એમ પણ નોંધે છે : “કાવ્યનું કાવ્યત્વ ધ્વનિ, ભાવ, અલંકાર, શબ્દૌચિત્ય તથા અવલોકન દ્વારા મનોહર બોધમાં રહ્યું છે. અને આ સર્વનો વિરલ સંયોગ વસ્તુતઃ ‘રસ’ શબ્દવાચ્ય છે, અને તે (૧) વૃત્તિ અને (૨) વિષયમાં અનુસ્યૂત બ્રહ્મ-ચૈતન્યની પેઠે (૧) ભાવ અને (૨) અર્થમાં સ્ફુરે છે.”[40] અહીં તેઓ કવિતાની ઉત્કૃષ્ટતાના મૂળમાં માનવહૃદયના સંકુલ ભાવજગતની સાથે જ જીવનનાં ‘અવલોકન’ કે ‘અર્થ’ને ય સાંકળી લેવા યત્ન કરે છે. માત્ર ઊર્મિ કે લાગણીની વ્યંજના ઉત્તમ કાવ્ય સિદ્ધ કરી શકે નહિ, એમાં સમગ્ર વિશ્વજીવનની સમીક્ષા ઇષ્ટ છે. બીજા શબ્દોમાં કહીએ તો, માત્ર ઊર્મિનું નિરૂપણ કરવાથી કાવ્ય સધાય તો પણ તે ઉત્કૃષ્ટ કોટિનું નીવડે જ એમ બનતું નથી. એમાં આ અનુભવગોચર વિશ્વમાં ગહન રહસ્યો મૂર્ત થવાં જોઈએ. એક રીતે, મણિલાલની આ વિચારણામાં કવિતાની દર્શનશક્તિનો મહિમા થયો છે. (ઈ) છોટાલાલ નરભેરામના ‘રસશાસ્ત્ર’ ગ્રંથના અવલોકનમાં મણિલાલે એ વિદ્વાને રજૂ કરેલી કાવ્યવ્યાખ્યાની સખ્ત ટીકા કરી છે. છોટાલાલે કાવ્યવ્યાખ્યા કરતાં નોંધ્યું હતું : “એકાગ્રતા પ્રાપ્ત કરી આપવાના ઘણા પ્રકારમાંનો કાવ્ય એ પણ એક પ્રકાર છે.”[41] દેખીતી રીતે જ આ વ્યાખ્યામાં કાવ્યનું કોઈ જ લક્ષણ રજૂ થયું નથી. મનની એકાગ્રતા સિદ્ધ કરનારાં અન્ય સાધનો જોડે કવિતાને ય એમાં સ્થાન પ્રાપ્ત થયું છે. પરંતુ મણિલાલ નોંધે છે તેમ પ્રાણાયામ આદિ ય મનની એકાગ્રતાને સિદ્ધ કરવાના જ માર્ગ છે, તો કાવ્યવસ્તુનો વિશેષ ક્યાં રહ્યો છે તેનું કોઈ જ તત્ત્વ અહીં દર્શાવ્યું નથી. આપણે માટે અહીં મહત્ત્વનો મુદ્દો એ છે કે મણિલાલે કાવ્યવ્યાખ્યાઓનું સ્વરૂપ સ્પષ્ટ કરવા વિશ્વનાથ અને જગન્નાથની કાવ્યવ્યાખ્યાઓ ટાંકી છે. રસતત્ત્વ જ કાવ્યનો પ્રાણ છે અને રસચર્વણા જ કાવ્યાનુભવનો વિશેષ છે એ હકીકત રેખાંકિત કરી આપી છે. (ઉ) ‘હૃદયવીણા’ અવલોકનમાં મણિલાલે કાવ્યની ભાષાને લગતું ટૂંકું વિવેચન કર્યું છે. રમણભાઈના પ્રકરણમાં એ મુદ્દાની છણાવટ કરી છે.[42] તેથી તેનું પુનરાવર્તન અહીં ઇષ્ટ નથી. આમ, મણિલાલે ત્રૂટક ત્રૂટક અનેક મુદ્દાઓ સ્પર્શ્યા છે. તેમાં તેમની કવિતા, સંગીત અને નાટક વિશેની વિચારણામાંની મૂળભૂત ભૂમિકા જ વધુ નિરૂપણ પામી છે. છતાં આ પ્રકારની પ્રાસંગિક ટીકાટિપ્પણીઓમાં પણ તેમણે ટૂંકમાં માર્મિક વિચારો રજૂ કર્યા છે. આમ, મણિલાલનાં વિવેચનાત્મક લખાણોમાં કાવ્યશાસ્ત્રના અનેક પ્રશ્નો ઓછાવત્તા સ્પર્શાતા રહ્યા છે એ હકીકત પ્રતીત થાય છે.

ઉપસંહાર

આપણા સાક્ષરયુગમાં મણિલાલનું સ્થાન અનોખું છે. તેમણે ધર્મ, સમાજ, કેળવણી આદિ ક્ષેત્રોમાં અતિ સૂક્ષ્મ વિદ્વત્તાપૂર્ણ તત્ત્વચર્ચા કરી છે અને એ પ્રકારના ચિન્તનાત્મક ગદ્યના ક્ષેત્રે તેમની સેવા અનન્ય છે. પરંતુ, સાહિત્યિવવેચનના ક્ષેત્રે ય તેમનું નાનકડા ક્ષેત્રનું અર્પણ એટલું જ નોંધપાત્ર છે. હકીકતમાં, તેમણે તેમના સમયમાં પ્રકાશિત થતાં નાનામોટા બસોથી ય વધુ ગ્રંથોનું અવલોકન કર્યું છે. એ તેમની વિવેચનાનો મુખ્ય ભાગ છે. આમ છતાં, તેમણે જે કેટલુંક સિદ્ધાન્તચર્ચાનું અર્પણ કર્યું છે તેય તેમના યુગની વિવેચનાના સંદર્ભમાં અતિ મૂલ્યવાન બની રહે છે. મણિલાલની કાવ્યમીમાંસામાં કાવ્યનું સ્વરૂપ, કાવ્યની જનક સર્જકપ્રતિભા, કાવ્યના પ્રયોજન લેખે આનંદનો વિચાર, કવિતા અને સંગીતનો સંબંધ આદિ અનેક પાયાના પ્રશ્નો વિચારાયા છે. એમાં તેમણે જે જે વિચારણાઓ રજૂ કરી છે તેમાં સંસ્કૃત અલંકારશાસ્ત્રનો અને અમુક અંશે પાશ્ચાત્ય કાવ્યમીમાંસનો તેમનો અભ્યાસ સ્પષ્ટ જણાઈ આવે છે. જો કે તેમની ચર્ચાવિચારણાનો વધુ ઝોક સંસ્કૃત કાવ્યમીમાંસાની વિચારણા તરફ રહ્યો છે. પ્રાચીન આર્યસંસ્કૃતિના ચાહક મણિલાલની કાવ્યરુચિ જ સંસ્કૃત કવિતા તરફ અભિમુખ થયેલી જણાય છે. એટલે જેટલા ઉત્સાહથી તેમણે પ્રાચીન કાવ્યસિદ્ધાંતોની પ્રતિષ્ઠા કરી છે તેટલા ઉત્સાહથી પાશ્ચાત્ય કાવ્યવિચારનો પુરસ્કાર કરવાનું બન્યું જણાતું નથી. મણિલાલની કાવ્યચર્ચામાં ‘કવિતા’, ‘સંગીત’ અને ‘નાટક’ આદિ ત્રણેક લખાણોમાં તેમની કાવ્યવિષયક વિભાવનાની ઠીક ઠીક ભૂમિકા રચાતી જોવા મળે છે. કવિતામાં ‘રસ’ તત્ત્વની પ્રતિષ્ઠા કરી તેમણે ‘રસ’ની પરમ સત્તાનું ઠીક વિગતે વિવરણ પણ કર્યુ છે. ‘રસ’નો સ્રોત એ ‘સ્થૂળ’ અને ‘સૂક્ષ્મ’ ઉભયને અતિક્રમી રહેલી પરમ ચેતનામાં છે, એવી તેમની સમજણ હોવાથી રસાનુભવ એ સ્વયં નૈતિક-આધ્યાત્મિક શ્રેય છે, સાચો રસાનુભવ કદીયે નીતિ કે આધ્યાત્મિક શ્રેયનો વિરોધી હોઈ શકે નહિ એવી તેમની શ્રદ્ધા છે. તેમની કાવ્યચર્ચામાં આ અત્યંત મૂલ્યવાન અંશ છે. મણિલાલે ‘પ્રતિભા’ વિશે વિચારણા રજૂ કરતાં તેને ‘કલ્પના’ વ્યાપારથી વિશિષ્ટ રૂપમાં તારવી આપી છે. કવિ, યોગી અને તત્ત્વદૃષ્ટા વિશ્વજીવનનાં રહસ્યોનું આકલન કરવા સમર્થ હોય છે. કવિની પ્રતિભા એ સૂક્ષ્મતમ તત્ત્વ છે અને એમાંનો સર્જનાત્મક ઉન્મેષ મૂર્ત રૂપ લેવા ચાહે છે એવો ખ્યાલ તેમણે પ્રતિષ્ઠિત કર્યો છે. કવિની પ્રતિભા, આમ, માત્ર ‘દર્શન’માં જ સીમિત થતી નથી, તે સહજ રીતે જ અભિવ્યક્ત થવા ગતિશીલ થાય છે. આમ, પ્રતિભા કૃતિના સર્જન માટે મૂળભૂત સ્રોત બની રહે છે. મણિલાલની અન્ય મુદ્દાઓની વિચારણાએ ખાસ કરીને, નાટકને લગતી વિચારણાઓમાં ઘણુંખરું તો પ્રાસંગિક નિરૂપણ છે. તેમાંનાં અનેક લખાણોમાં, તેમ જ તેમનાં ગ્રંથાવલોકનોમાં, પ્રસંગોપાત્ત જે જે સૂત્રાત્મક વિચારો રજૂ થયા છે, તેમાં ક્યારેક વિરોધી લાગતાં મંતવ્યો ય જોવા મળશે, પરંતુ એ દરેક મંતવ્યને તેના મૂળના સંદર્ભમાં જ યથાર્થ રીતે સમજી શકાય. મણિલાલની કાવ્યચર્ચાને સમગ્રતયા અવલોકતાં બીજી એક વાત એ નજરે ચઢે છે કે તેમણે પોતાની કાવ્યચર્ચા રૂઢ પરિભાષામાં બંધાઈ ન જાય તેવો આગ્રહ રાખ્યો છે. સૂક્ષ્મ કાવ્યવિચારને બને તેટલો લોકગમ્ય વાણીમાં મૂકવાનો તેમનો પ્રયત્ન દેખાઈ આવે છે. એ કારણે તેમની ચર્ચા એક બાજુ સરળ સુગમ બની આવી છે તો બીજ બાજુ તેમાં શિથિલતા કે પાંખાપણું ય પ્રવેશ્યાં છે. આમ છતાં, તેમની ચર્ચામાં કવિતાને લગતા અનેક માર્મિક વિચારો વિશદ રૂપમાં પ્રગટ થયા છે એ જ તેમની મોટી સિદ્ધિ છે. મણિલાલની વિચારણામાં અદ્વૈતની ભૂમિકા એકસરખી પ્રતિષ્ઠિત થયેલી છે. કવિતાના ઊગમ લેખે ‘રસ’ એ સ્થૂળ લાગણી નથી. એ તો સ્થૂળને અતિક્રમીને વ્યાપ્ત સૂક્ષ્મ ચૈતન્યનો જ અવબોધ છે. એમ ‘રસ’ એ મૂળ પરમ ચેતનાનો જ અંશ છે અને એ કારણે તે સ્વયં અનાચાર, અનીતિ કે અધર્મને પોષક હોય જ નહિ એવું તેમનું નિદાન છે. ‘પ્રતિભા’ની બાબતમાં યે તેઓ એ જ દાર્શનિક ભૂમિકા સ્વીકારે છે. ‘કલ્પના’ વ્યાપાર માત્ર સ્થૂળ પદાર્થોને અવલંબીને પ્રવર્તે છે, જ્યારે ‘પ્રતિભા’ – એક કલ્પનાવિશેષ – એ તો સૂક્ષ્મતત્ત્વ રૂપ છે અને તે ‘સ્થૂળ’માં મૂર્ત થવા ચાહે છે. આમ ‘પ્રતિભા’ તેના સ્વરૂપથી જ આ વિશ્વની આદિમ સર્જકતાનો અંશ છે, તે બુદ્ધિથી પર એવું તત્ત્વ છે અને તે જ્યારે સક્રિય થાય છે ત્યારે તે ‘મૂર્ત’ રૂપ લેવા અવતરે છે. આમ, મણિલાલની કાવ્યચર્ચામાં એક પાયાની દાર્શનિક ભૂમિકા અનુસ્યૂત રહી છે. મણિલાલે પોતાનાં ગ્રંથાવલોકનોમાં જે પ્રાસંગિક તત્ત્વવિચારણા રજૂ કરી છે તેમાં ય તેમની સૂક્ષ્મ તત્ત્વદૃષ્ટિનો પરિચય થાય છે. હકીકતમાં તેમણે અવલોકનમાં જુદાં જુદાં પુસ્તકોના સંદર્ભમાં કોઈ ને કોઈ તાત્ત્વિક પ્રશ્ન વિચારવાનું વલણ સેવ્યું છે તે જ એક મહત્ત્વની વસ્તુ છે. દરેક સમર્થ પુસ્તક સાહિત્યશાસ્ત્રનો કોઈ ને કોઈ કોયડો ઊભો કરે અથવા પ્રચલિત સાહિત્યસિદ્ધાંત (કે કાવ્યસિદ્ધાંત)ને ફેરતપાસ કરવાની ફરજ પાડે એમ બનવાનું. મણિલાલમાં એવી લાક્ષણિક સૂઝ કેળવાયેલી જણાય છે. એ કારણે જ તેમનાં ગ્રંથાવલોકનમાં કાવ્યશાસ્ત્રના અનેક પ્રશ્નોનો ઓછોવત્તો સ્પર્શ થયો છે. એ ખરું કે તેમાં વિચારાયેલા મુદ્દાઓ સર્વથા નવીન જ હોય એવું નથી, પણ તેમાં અવલોકવાના પુસ્તકના સંદર્ભમાં તેનું આગવું મહત્ત્વ હોય. એ રીતે મણિલાલની કાવ્યવિવેચના વધુ ધ્યાનપાત્ર નીવડી છે. મણિલાલની જીવનલીલા ટૂંકમાં સમેટાઈ ગઈ એ આપણા સાહિત્યની એક કમનસીબ ઘટના ગણાય. એમણે એમની ટૂંકી સાહિત્યિક કારકિર્દીમાં યે જે વિવેચનાત્મક લખાણો આપ્યાં, તેનું માત્ર ઐતિહાસિક દૃષ્ટિએ જ નહિ, તેનું સૈદ્ધાન્તિક ભૂમિકાએ આગવું મૂલ્ય છે. આપણી આરંભકાલીન કાવ્યવિવેચનામાં મણિલાલની કાવ્યચર્ચા કેટલાક વિશિષ્ટ વિચારોને સ્પર્શે છે, એટલુજ નહિ, એ યુગની વિવેચનાનાં કેટલાંક વ્યાપક લક્ષણોને રેખાંકિત પણ કરી આપે છે. એ દૃષ્ટિએ તેમની કાવ્યમીમાંસા આપણી વિવેચનામાં સદાય આદરપાત્ર સ્થાન ધરાવશે.

પાદટીપ

  1. આચાર્ય આનંદશંકરે મણિલાલના સાહિત્યનું જે વર્ગીકરણ કરી બતાવ્યું છે તેને આધારે આ વર્ગીકરણ રજૂ કર્યું છે. જુઓ : ‘સાહિત્યવિચાર’ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય : અમદાવાદ : પુનર્મુદ્રણ ૧૯૫૭ની આવૃત્તિ, પૃ. ૩૬૩ (સં. : રામનારાયણ પાઠક, ઉમાશંકર જોશી)
  2. ‘અર્વાચીન કવિતા’ : સુન્દરમ્‌ (ગુજરાત વિદ્યાસભા : અમદાવાદ : આવૃત્તિ ૨જી : ૧૯૩.
  3. ‘અર્વાચીન ચિન્તનાત્મક ગદ્ય’ : મુંબઈ યુનિવર્સિટી : ૧૯૫૦ : પૃ. ૧૧૨.
  4. ‘સાહિત્યવિચાર’, સં. રામનારાયણ પાઠક ઉમાશંકર જોશી : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય : અમદાવાદ : આવૃત્તિ રજી પુનર્મુદ્રણ – ૧૯૫૭, પૃ. ૩૭
  5. સુદર્શનગદ્યાવલિ : પ્રકાશક હિંમતલાલ છોટાલાલ પંડ્યા અને પ્રાણશંકર ગૌરીશંકર જોષી : અમદાવાદ : પ્રથમાવૃત્તિ ૧૯૦૯ (આ પ્રકારની સર્વ ચર્ચામાં પ્રસ્તુત આવૃત્તિનો જ આધાર લીધો છે. પૃ. ૬૭૨
  6. એજન પૃ. ૬૭૨
  7. એજન પૃ. ૬૭૨
  8. સુદર્શનગદ્યાવલિ : પૃ. ૬૭૩
  9. સુદર્શનગદ્યાવલિ : પૃ. ૬૭૩
  10. સુદર્શનગદ્યાવલિ : પૃ. ૬૭૩
  11. સુદર્શનગદ્યાવલિ : પૃ. ૬૭૩
  12. એજન, પૃ. ૬૭૩
  13. ‘પ્રેમ’ નામે લેખમાં મણિલાલની નીચેની વિચારણાં આ સંદર્ભમાં ખૂબ જ ધ્યાનપાત્ર છે : “પ્રેમનું સ્વરૂપ બહુ બહુ સૂક્ષ્મતાથી વિલોકતાં પણ તેનો સાર અતુલ ‘શ્રદ્ધા’ એટલો જ નીકળશે. સામાન્ય પ્રાકૃત પ્રેમમાં પણ ગુણ, સમૃદ્ધિ, રૂપ ઇત્યાદિ કીયા કારણથી પ્રેમ પ્રવર્તે છે તે કહી શકાતું નથી. કોઈક અર્થાત્‌ ન કહી શકાય તેવા અવર્ણ્ય પણ આંતર (બાહ્ય નહિ) એવા હેતુથી બે વ્યક્તિને પ્રેમ આકર્ષે છે ને જોડે છે. ‘વ્યજતિ પદાર્થાનાન્તરઃ કોઽપિ હેતુઃ’ એમ કવિવર શ્રી ભવભૂતિએ પણ ગાયું છે... પ્રાકૃત પ્રેમના આવા ધર્મમાંથી અપ્રાકૃત દિવ્ય પ્રેમનું સ્વરૂપ પણ આપણે સમજી શકીએ, “કલ્પાય તેવું અનુભવાય” એટલે અતુલ હૃદયરસ અથવા અતુલશ્રદ્ધા ને જે નિશ્ચય થયો છે તે બુદ્ધિ માત્રમાં ન રહેતાં પ્રત્યક્ષ અનુભવમાં પણ આવી જાય છે. નિશ્ચય અને નિશ્ચય ઉપરથી એવી અતુલ શ્રદ્ધા કે તે નિશ્ચય આંતર સર્વત્ર પ્રત્યક્ષ અનુભવાય છે. એ પ્રેમનું તાત્ત્વિક સ્વરૂપ સમજાય છે. અર્થાત્‌ જ્યારે નિશ્ચય એટલે બુદ્ધિ માત્ર વિચાર અને વચનમાં જ સમાપ્ત થાય છે ત્યારે પ્રેમ પોતાના નિશ્ચયને કાવ્યમાં ઉતારી આચારમાં અપરોક્ષ કરી શકે છે. એટલા માટે જ બ્રહ્મ ઇત્યાદિ બુદ્ધિગમ્ય નામોથી અભેદભાવનાને સમજાવવાને સ્થાને પ્રેમ, રસ ઇત્યાદિ હૃદયગમ્ય અપરોક્ષાનુભવસૂચક નામો અભેદ ભાવનાને કહેવામાં આવે છે.” (સુદર્શનગધાવલિ : પૃ. ૨૩૮-૨૩૯).
  14. સુદર્શનગદ્યાવલિ : પૃ. ૬૭૩
  15. સુદર્શનગદ્યાવલિ : પૃ. ૬૭૪
  16. સુદર્શનગદ્યાવલિ : પૃ. ૬૭૪
  17. નવલરામે પણ આ પ્રકારની કેટલીક વિચારણા કરી છે : જુઓ ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા-૧, પૃ. ૧૫૬–૧૫૭
  18. સુદર્શનગદ્યાવલિ : પૃ. ૬૭૪
  19. સુદર્શનગદ્યાવલિ : પૃ. ૬૭૫
  20. સુદર્શનગદ્યાવલિ : પૃ. ૬૭૬
  21. સુદર્શનગદ્યાવલિ : પૃ. ૬૭૬
  22. એજન : પૃ. ૬૭૬–૬૭૭
  23. સુદર્શનગદ્યાવલિ : ૬૭૪
  24. સુદર્શનગદ્યાવલિ : પૃ. ૬૭૯
  25. સુદર્શનગદ્યાવલિ : પૃ. ૬૬૯
  26. સુદર્શનગદ્યાવલિ : પૃ. ૬૬૪
  27. સુદર્શનગદ્યાવલિ : પૃ. ૬૭૧
  28. કાવ્યતત્ત્વવિચાર : પૃ. ૫
  29. સુદર્શનગદ્યાવલિ : પૃ. ૭૮૬
  30. સુદર્શનગદ્યાવલિ : પૃ. ૬૬૯–૬૭૦
  31. સુદર્શનગદ્યાવલિ : પૃ. ૮૩૩
  32. સુદર્શનગદ્યાવલિ : પૃ. ૯૮૬
  33. સુદર્શનગદ્યાવલિ : પૃ. ૯૮૬
  34. સુદર્શનગદ્યાવલિ : પૃ. ૯૮૬
  35. સુદર્શનગદ્યાવલિ : પૃ. ૯૮૬
  36. સુદર્શનગદ્યાવલિ : પૃ. ૮૦૭
  37. સુદર્શનગદ્યાવલિ : પૃ. ૮૧૭
  38. સુદર્શનગદ્યાવલિ : પૃ. ૯૩૫
  39. સુદર્શનગદ્યાવલિ : પૃ. ૯૩૬
  40. એજન : પૃ. ૯૩૭
  41. સુદર્શનગદ્યાવલિ : પૃ. ૮૯૬
  42. જુઓ પ્રકરણ ૬ની ચર્ચા : પૃ. ૨૭૨