વાર્તાકાર હેમાંગિની રાનડે/ત્રિશંકુ
કોણ જાણે કયારે, પણ ઘણાંય વર્ષો વીતી ગયાં. એક દિવાળીમાં બીજાં રમકડાં જોડે કૃષ્ણની મૂર્તિ ઘરમાં આવી હતી. મૂર્તિ જોઈને તરત જ દાદીમાએ શ્રદ્ધા અને ભક્તિથી હાથ જોડીને કહ્યું હતું, “અરે! આ તો કરશણજી છે ને શું. વાહ!” ત્યારથી એ આ મૂર્તિની સામે રોજ સાંજે દીપક મૂકીને પ્રણામ કરતી. આંખો મીંચીને કંઈક બોલતી. કદાચ ‘કરશણ, કરશણ!’ પાડોશીઓ મોઢું બગાડીને કહેતાં, ‘હૂંહ! મુસલમાનોના ઘરમાં આ મૂર્તિપુજા? છોડીનાં લખણ કંઈ બહુ સારાં નથી.’ છતાં દાદીમાને કંઈ પણ કહેવાની કોઈની હિંમત નહોતી. અને વળી એ દાદીમાની લાડકી પૌત્રી. ખાનદાનની પહેલી દીકરી, ઘરની લક્ષ્મી… ગુજરાતના એક નાના ગામડાનું આ મુસ્લિમ કુટુંબ. કટ્ટર મુસલમાન તેઓ કદી જ નહોતા, અને નહોતા બહુ જૂના મુસલમાન. કદાચ ચાર પેઢી પહેલાં કોઈ કારણવશ તેમના વડવાઓએ ધર્મ બદલાવ્યો હશે. નામ પણ લાંબા સમય સુધી ઘણાંખરાં હિન્દુનાં જીવી, દેવું, લાલજી. નવી પેઢીનાં નામ અલબત્ત મુસ્લિમ હતાં. હસન, રજ્જબ, યુસુફ. પણ રીતરિવાજ, ખાનપાન, પોશાક, એટલે સુધી કે બોલચાલની મોટે ભાગે ભાષા અને બોલવાની લઢણ પણ હિંદુઓ જેવી. હા, ઘરમાં પૂજા ન થતી. પણ સાંજે અને પરોઢિયે દાદીમા જ્યારે તસબી લઈને રસોડાની સામે ઓસરીમાં ‘નામ’ નો જપ કરવા બેસતાં, ત્યારે ઘરનાં બૈરાંઓ ધીમે ધીમે સાડીના છેડાથી હાથ લૂછતાં, માથા પરની પછેડી સરખી કરતાં, બાળકોને કાખમાં લઈને ત્યાં આવી બેસતાં. રાહત ત્યારે દોડીને દાદીમાના ખોળામાં સંતાઈ જતી અને આંખો મીંચીને સાંભળતી.
રામ-નામ કી ઔષધિ, ખરે મનસે ખાય,
અંગપીડા આવ નહીં, ને મહારોગ મટી જાય,
રામ નામ સબ કોઈ કહે
દિલસત્ય કહે ન કોઈ
એક વાર દિલસત્ય કહે,
તો કોટિ જગન ફળ હોય.
આ સુમિરણ હતું. કુટુંબની દીકરીઓ ગામડાની કન્યાશાળામાં ભણવા જતી. સાંજે આવી, જમી કરી, દાદીમા પાસે બેસી, જૂની વાતો સાંભળતી. દાદીમા હસન-હુસેનના કિસ્સાઓ તો જાણતા નહોતાં. કૃષ્ણની લીલાઓ, હરિશ્ચંદ્રની સત્યપ્રિયતા, રામનો સીતાપ્રેમ અને ગોપીચંદના વૈરાગ્યની કથાઓ દાદીમા સંભળાવતાં. ફાનસના ઝાંખા અજવાળામાં કથાનાં નાયક, નાયિકાઓ પ્રચંડ રૂપ ધારણ કરી હવામાં વહેતાં અને એ પડછાયાઓને મનમાં સંઘરીને ઊંઘભરી આંખો ઘેરાવા લાગતી. એ દિવસો દેશની સ્વતંત્રતાની લડાઈના દિવસો હતા. ગામમાં એક ગુરૂજી આવ્યા. એમણે ગામને પાદરે વ્યાયામશાળા શરૂ કરી. ખૂલ્લા મેદાનમાં રખડતા છોકરાઓને સાંજ વિતાવવાની જગ્યા મળી. એક દિવસ ગુરૂજી માજીને મળવા આવ્યા. મુસ્લિમ કુટુંબોમાં સઘન અને અગ્રણી કુટુંબ દાદીમાનું હતું. દાદા નહોતા. કામકાજ દાદીમા જોતાં. સાથે ત્રણ જુવાનજોધ દીકરા. ગામમાં કોઈ દાદીમાની વાત ન ઠેલી શકે એટલી કુટુંબની શાખ! ગુરૂજીએ આવીને માજીને અરજ કરી, ‘ઘરના દીકરાઓ જોડે દીકરીઓને પણ રજા આપો, સાંજે વ્યાયામશાળામાં આવીને રાષ્ટ્રગીત શીખે. લાઠી, લેજીમ ચલાવે, ચરખો કાંતે.’ પહેલાં દાદીમા ખચકાયાં, લાઠી ચલાવી, ગીતો ગાઈ, છોકરીઓને શું કરવું છે? અમારા દેશની સતીઓ તો આવું કંઈ નો’તી કરતી! ‘પણ માજી, ગાંધીજીનું કહેવું છે કે…’ ‘ગાંધીજી?’ એ નામ સાંભળતાંવેંત દાદીમાએ ગદ̖ગદ થઈ હાથ જોડ્યા, ‘મહાત્માજી સંત પુરુષ છે. એમની વાત ન ટાળી શકાય. જરૂર આવશે હો અમારી દીકરીયું ગુરૂજી. તમે જરૂર એમને લાઠી ચલાવતાં શીખવજો.’ ત્યારથી સાંજની કથાઓ બંધ થઈ. એની જગ્યા લીધી:
ચરખા ચલા ચલા કે, લેંગે સ્વરાજ્ય લેંગે…
વંદે માતરમ્.
અને, સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા, એ.
સાંજના ડહોળાયેલા અજવાળામાં જ્યારે લેજીમના અવાજ સાથે ‘કદમ કદમ બઢાયે જા’ નો સ્વર ભળતો, તો લોકો સભાન થઈ, માથું નમાવી સાંભળતા. સમજતા કેટલું, કોણ જાણે. પણ લાગતું સારું. પછી થતું ઝંડાવંદન…
વિજયી વિશ્વ તિરંગા પ્યારા
ઝંડા ઊંચા રહે હમારા…
છાતી પર હથેળી મૂકી, ઝંડાને સલામી અપાતી… પહેલા ચાર, પછી દસ, પછી પચ્ચીસ અને ત્યાર પછી તો આખા ગામની છોકરીઓ હિન્દુ અને મુસલમાન બન્ને, વ્યાયામશાળામાં દેખાવા લાગી. અને પછી આવ્યો વ્યાયામશાળાનો વાર્ષિકોત્સવ. ભારતમાતા વાળ છૂટા કરી, મુગટ પહેરી, હાથમાં ત્રિશૂળ લઈ, સસ્મિત વદને જનતા જનાર્દનને આશીર્વાદ આપી રહી છે. છોકરીઓ ગાઈ રહી છે:
વન્દે ત્વામ્ ભૂ દેવી, આર્ય માતરમ્…
કેટ-કેટલા દિવસોથી રાહત આ ઘડીની મીટ માંડીને રાહ જોઈ રહી છે, તે દિવસે સવારે એણે કરશણની સામે ઘીનો દીવો મૂકીને માગ્યું હતું: ‘હે કરશણ, મને આશીર્વાદ આપો, કે મારું કામ હું સારી રીતે કરું.’ ત્યાર પછીના દિવસો વહેલા વીતવા લાગ્યા. મેટ્રિકની પરીક્ષા નજીક છે. ખૂબ ભણવું છે. હવે વ્યાયામશાળા જવા માટે સમય નથી મળતો. કુટુંબની પહેલી દીકરી મેટ્રિક સુધી ભણશે! અધધધ! દાદીમાને આ માટે કેટલા પ્રયત્નો કરવા પડેલા! ‘શી જરૂર છે?’ નાના કાકાએ પૂછ્યું. ‘ભણીગણીને છોકરીઓનાં માથાં ફરી જાય છે.’ ‘ચોપડીઓ અને પેન લઈને તે કાંઈ ચૂલા ફૂંકાતા હશે? આ તો જુઓ બાઈ!’ રસોડામાં સ્વર ઊઠ્યો હતો. ગામમાં પણ વાતો થઈ. પણ દાદીમા ન માન્યાં. ભણવું જરૂરી છે. કોણ જાણે વાંકો વખત ક્યારે આવી ચઢે. ગાંધીજીએ પણ કહ્યું છે, દીકરીઓને ભણાવો, રાહત મેટ્રિકની પરીક્ષા જરૂર આપશે. રાહતે પરીક્ષા આપી. પણ પછી ઘરના ખૂણામાં, દીવાલની પાછળ, ધીમે અવાજે ચર્ચાઓ મંડાણી. છોકરી સમજણી થઈ ગઈ છે. હવે ગામમાં રહેવું ન પાલવે. એનાં લગ્ન કેમ થશે? જાત-બિરાદરીમાં આપણી બરોબરીનુંય કોઈ નથી. અને ઘરમાં જુવાનજોધ દીકરીઓ રાતે નહીં, તેટલી દિવસે વધે છે. ત્રણે દીકરીઓને ત્યાં ખુદા રાખે ઘણાંય બચ્ચાં છે. પોણો ડઝન નસીબોની કૂંજીઓ તો શહેરમાં જ મળશે ને? અને હા, છોકરાઓના ભણતરનું શું? છોકરીઓને ઝાઝું ભણવાની જરૂર નથી. પણ દીકરાઓ તો ભણે! ગામમાં અંગ્રેજી નામનુંય નથી, ને નથી હિન્દી. ફક્ત ગુજરાતી ઉપર ન નભે બહેન, આ દેશ સ્વતંત્ર થાશે, વેપાર ફેલાશે, કામ વધશે. ભણતર ભલે થોડું ઓછું થાય, પણ થાય શહેરમાં જ હોં ભાઈ. મોટા ભાઈનું કામ પણ શહેરમાં સરસ જામી ગયું છે. કોઈ તકલીફ નહીં પડે, ચાલો શહેર વસાવીએ. અને રાહતની પરીક્ષાનું પરિણામ શહેરના સમાચારપત્રમાં જોવાણું. ગામ પાછળ રહી ગયું. વ્યાયામશાળા, કન્યાશાળા, પરોઢિયાનો જપ, સાંજની કથાઓ, ક્યાં ગયું એ બધું? એ લેજીમ, એ ચરખો, એ કરશણની મૂર્તિ જેની સામે ઊભા રહી, માથું નમાવીને જ મન નાચી ઊઠતું! બધું જ રહી ગયું પાછળ, બધું ધૂંધવાઈ ગયું, ખૂંચવાઈ ગયું. રહી ગઈ એક યાદ મનમાં, એક ચાહના, જે ક્યારેક-ક્યારેક જાગે છે – રાત્રિની નીરવતામાં, માનવીની મેદનીના એકાંતમાં… પણ હમણાં એ બધા માટે નવરાશ નથી. ઘણુંય કામ છે. દાદીમાએ ઘરનો બધો વહીવટ વહુઓને સોંપી દીધો છે. એમનો બોજો વધી ગયો છે. છોકરીઓ માટે વર શોધવા છે. દીકરીઓને સારી વહુઓ બનવા માટે કેળવવી છે. આમ બેસો, હસો નહીં. એક ખાટલા ઉપર ભાઈ જોડે બેસી ઠીઠી-ઠાઠા ન કરાય. આવી રીતે સિવાય. ઝીક, કસબથી ભરત આમ ભરાય. મશીન ઉપર બેસો. કપડાં સીવો, રોટલી વણો. બિરયાની બનાવો. મોટેરાંઓથી ઊંચા આસને ન બેસાય. જમતી વખતે નાના કોળિયા ભરો. આ કરો, એ ન કરો, કરતાં કરતાં બધી છોકરીઓ શાલીન બનતી ગઈ. માથા રંગબેરંગી ઓઢણીઓથી ઢંકાવા લાગ્યાં. નજરું નીચું જોવા લાગી. અવાજની તીખાશ ઓછી થતી ગઈ અને હોઠો પર કુમાશ છવાઈ. નેણુંમાં મલાજા વસી ગયા. દિવસો વીત્યા. શેરીઓમાં પ્રભાત-ફેરીઓ હજી નીકળતી. મંચો ઉપર દેશપ્રેમનાં ગીતો હજી ગવાતાં, ચરખાની ચર્રચૂય સંભળાતી. મન દોડી જતું. પણ આ શહેર છે, ગામડું નથી. અહીં સમજદારીથી રહેવું છે. ઢંગથી વરતવું છે. માત્ર મંચ ઉપર ભારતમાતાની ભૂમિકા નથી ભજવવી, એક આદર્શ માતા બનવાની તૈયારી પણ કરવી છે. આદર્શ માતા, આદર્શ પત્ની સીતા જેવી, સાવિત્રી જેવી, અહલ્યા જેવી. આ છે તમારું અસ્સલ રૂપ. અને આઝાદી આવી. ઉત્સવો ઊજવાયા. તહેવારો મનાવાયા, સરઘસો નીકળ્યાં. અમારો દેશ હવે અમારો થઈ ગયો. વિદેશીઓ ચાલ્યા ગયા. ગાંધીજીએ એમને કાઢી મૂક્યા અને સાથે ચાલી ગયા ઘણાખરા જાત-બિરાદરીવાળા. ઘરમાં પાછી ચર્ચાઓ મંડાણી: આપણે ક્યાં રહેશું? અહીં કે તહીં? ક્યાં છે આપણી ખરી જગ્યા? આ પાર કે પેલે પાર? જઈએ અને સહન કરીએ, કે રહીએ અને સહન કરીએ? બન્ને તરફ ઘણી મુશ્કેલીઓ છે. પણ દાદીમા અટલ છે. આપણે અહીં જ રહીશું. આ જ છે આપણો દેશ. અહીં જ જન્મ્યા, અહીં જ મરીશું. આ દેશ ગાંધીજીનો દેશ છે. અહીં આપણો વાળ પણ કોઈ વાંકો કરી શકે તેમ નથી. આ ધરતી આપણી મા છે. વન્દે ત્વામ્ ભૂ દેવી… સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા… આપણે ક્યાંય નહીં જઈએ, માને મૂકીને તે કાંઈ જવાતું હશે? જે માટીમાં પેદા થયા, એની છાતીમાં લાત મારીને ચાલ્યા જઈએ? આપણે એવા ભૂંડા નથી હોં! જેણે ખવડાવ્યું, એના મોઢા પર થૂંકીએ? ના, ના, આપણે અહીં જ રહીશું, અહીં જ મરીશું. અહીં, અહીં, અહીં… દેશ ગાંડો બની ગયો. ક્યાંક તો ખડખડાટ હાસ્ય સંભળાય છે, તો ક્યાંક છાતી કુટાય છે. ક્યાંક પોકારો ઊઠતા. મારો, કાટોના અવાજથી ગલી-મહોલ્લા થરથરી જતાં. કામ બંધ છે, ભણતર બંધ છે. પણ દાદીમાનું કામ અખંડ ચાલુ છે. સમય વહ્યે જાય છે. હજુ બાકી છે બનાવવાનું છોકરીઓને આદર્શ વહુઓ, આદર્શ માતાઓ, આદર્શ ગૃહિણીઓ! આટલા સમયમાં આ સાડી ભરી કાઢો, આ જમ્પર સીવી લ્યો, એ બટવો પૂરો થઈ જવો જઈએ, તેં આજે બિરયાની રાંધી, કાલથી તું રોટલી વણજે. આજે તેં કબાબ બનાવ્યાં? કાલથી જરદો તારે બનાવવાનો છે. જલદી કરો, જલદી કરો. શીખી લ્યો, બધું શીખી લ્યો. આદર્શની સામે મીટ માંડીને બધું જ શીખી લ્યો. પણ જમાનો બદલાવા લાગ્યો હતો. દાદીમાને ખબરેય ન પડી. માન્યતાઓ, મૂલ્યો બદલાયાં હતાં. સારી અને આદર્શ વહુઓ, માતાઓ અને ગૃહિણીઓની હવે જરૂરત નહોતી. એટલે દાદીમાના બધા પ્રયાસો નિષ્ફળ થતા હતા. રાહત અને ઘરની પોણો ડઝન દીકરીઓની ઉંમરો વધતી ગઈ. દાદીમાના શરીરની કરચલીઓ લટકતી ગઈ અને વગર ઊંઘની રાતો લાંબી થતી ગઈ. હવે સુમિરણ નથી થતું. કથાઓ નથી કેહવાતી. કરશણની મૂર્તિ તો ગામમાં જ રહી ગઈ. હવે દીવા નથી પ્રગટાવાતા. હવે તો માથું ઢાંકીને સગાંવહાલાંઓને ત્યાં જવું છે. ચાની ટ્રે સજાવીને ભાઈઓ જોડે દીવાનખાનામાં મોકલવી છે. કેટલાનાં શમણાં જોવાં છે, અને પોતાને હાથે એ શમણાં તોડી નાંખવાં છે. જાણીને અણજાણ થવું છે. કુટુંબનો વેપાર ફેલાઈ ગયો છે. છોકરાઓનું ભણતર અને કામકાજ વધી ગયું છે, પણ રાહતના કુંવારા રહેવાથી પોણો ડઝન નસીબો ફૂટતાં રહ્યાં છે. આ શું થઈ ગયું છે લોકોને? આટલી સુશીલ, એવી સુગૃહિણી, એવી સુકન્યા, સુસ્વરૂપાને શું કોઈ નહીં કબૂલ કરે? એકનો હાથ નહીં ઝલાય, તો બીજીઓનું શું થશે? મોટીને ઘરે બેસાડીને નાનીના લગ્ન? તોબા, તોબા! એ કેમ બને? તો… તો શું મોટીને, કુટુંબની લક્ષ્મીને, કુપાત્રના હાથમાં સોંપી દઈએ? વહુઓમાં કંકાસ શરૂ થયા. એકને માટે બીજીઓની જિંદગીઓ બરબાદ થઈ રહી છે. એનાં નસીબ ફૂટલાં છે, એમાં અમારી દીકરીઓનો શો વાંક? વહુઓના કચવાટમાં સંતાયેલાં રાહતનાં ડૂસકાં ભર-દિવસે સંભળાવાં માંડ્યાં. અને દાદીમાં એ હથિયાર નાખી દીધાં. રાહતનાં લગ્ન નક્કી થઈ ગયાં. જોવા-સાંભળવામાં છોકરો સારો છે હોં! કોઈ જાતનું વ્યસનેય નથી, પણ… કંઈ કામધામ નથી કરતો. કમાઈને નથી લાવતો. અરે! કમાલ છે! કમાતો નથી તો શું? ઘરનો વેપાર છે જ તો! બધા મળીને સરખે ભાગે વહેંચી ખાશે. કુટુંબ આપણી હરોળનું નથી તો શું? આજકાલ તો ઘણાય નાના લોકો ઉપર ઊઠી રહ્યા છે અને ત્રણ-ચાર પેઢીઓ પછી બધા સરખા જ થઈ રહેશે ને! આ જમાનામાં વધારે ચીકાશ સારી નહીં. કેટલાંક કુટુંબો અહીંથી હિજરત કરી ગયાં છે. સારા છોકરાઓ રહ્યા જ ક્યા? ત્યારે કહ્યું હતું કે ચાલો, આપણે નીકળી જઈએ… ત્યારે તમે ન માન્યાં, હવે નકામી કટકટ… કેટકેટલી મુશ્કેલીઓ પછી આ છોકરો મળ્યો છે, હવે તો મીનમેખ ન કાઢો! અમે તો બહુ મેહનત કરી. બીજી છોકરીઓ તરફ નહીં જુઓ? એકને જ પકડીને તો નથી બેઠા રહેવાનું. એનાં નસીબ. બીજું શું? અને દાદીમાએ ધ્રુજતા હાથે આશીર્વાદ આપી ભાગ્યશાળી પૌત્રીને વિદાય કરી. નવવધૂ પોતાના નાકર્તા વરરાજા જોડે, સતી સીતા, સાવિત્રી અને અનસૂયાના પુણ્યકર્મનો ભાર પોતાના ખભા ઉપર ઊંચકીને, નવો સોનેરી સંસાર માંડવા નીકળી પડી. વર કાંઈ કરતો નથી. આખો દિવસ મોજમોજા, મશ્કરીમાં વીતી જાય છે. કામ તેનાથી થતું નથી. એનું મન નથી ચોંટતું. ભાગમભાગ, શેર-શાયરી, નાટક, સિનેમા. માતા-પિતા વધારે ચિડાય છે તો મસ્જિદમાં ચાલ્યો જાય છે. દિવસોના દિવસો દેખાતોય નથી. ભાઈઓ સમજાવી-પટાવીને પાછો લઈ આવે છે. રાહત સમજે છે. વરને મનાવે છે. ક્યારેક રિસાઈ પણ જાય છે. કોઈ મનામણાં નથી કરતું. પોતાના પતિના ચરણોમાં સ્વર્ગ શોધતી રહે છે. મનને મનાવે છે – ઠીક થઈ જશે. જરા ઉંમર વધશે એટલે સુધરી જશે. આજે સાસરિયાં ઊઠતાં-બેસતાં મહેણાં મારે છે, આવતી કાલે લાડ કરશે. જ્યારે પતિ ખોબલા ભરીને રૂપિયા કમાવી લાવશે ત્યારે પિયરની લક્ષ્મીને સાસરિયાની દેવી બનતાં કેટલી વાર? બધું ઠીક થઈ જશે, સમય પોતાનું કામ કર્યે જાય છે… …સમયે પોતાનું કામ કર્યું. સારી વહુ હવે સારી માતા બની ગઈ, પણ નાદાનની નાદાનિયત ન ગઈ. ઉંમર જોડે બેજવાબદારી પણ વધતી ગઈ. હવે કુટુંબ પાસે મફતમાં ખવડાવવા માટે રૂપિયા નથી. બેથી ત્રણ મોઢાં થયાં, ત્રણથી ચાર અને કુટુંબના વેપારમાંથી એ ચાર મોઢાં માટે ખોરાક મેળવવો મુશ્કેલ થઈ પડ્યો. ચોપડામાંથી વંઠેલનું નામ કાઢી નખાણું. હવે શું થાય? સૂની આંખ્યું લઈ રાહત દાદીમા પાસે ગઈ, તો દાદીમાની ઉંમર અચાનક વધી ગઈ. નેણ લૂછીને એમણે કહ્યું, ‘જા દીકરી, એ જ તારું ઘર. ખવરાવે તો ખાજે, નહીં તો ભૂખી મરી જજે બેટા, પણ પાછી ન આવતી.’ હવે? હવે શું કરે રાહત? માથું સંતાડીને રડવાનો જ્યાં અધિકાર છે, એ છાતી એટલી દમદાર નથી કે એનાં આંસુઓનો ભાર વેઠી શકે. એનાથી પોતાની જવાબદારી તો લેવાતી નથી. બીજા ચારને શું ખવડાવશે? એ તો કહે છે, ‘હવે આ ઘર હવે નથી જોઈતું. આ શહેર નથી જોઈતું. આ દેશ નથી જોઈતો. આ પારકો દેશ છે. અહીં બધાં જ પારકાં છે. આપણું અહીં કોઈ નથી. આપણે ચાલ્યા જઈએ આપણે વતન. સોનાથી મઢેલું આપણું વતન. ત્યાં બધા જાત-બિરાદરીવાળાઓ માટે જગ્યા છે. આગળ વધવાનાં સાધનો છે, ત્યાં જન્નત છે. આપણે ત્યાં જશું. ત્યાં જ રહીશું. ત્યાં જ વસીશું.’ અને સતી સીતાનાં પગલાં પર ચાલીને રાહત, છેડામાં બાળકોને ભેગાં કરી, પતિનાં ચરણોમાં નજરું ચોટાડી પાછળ-પાછળ એ જાય… ક્યાં ગઈ કૃષ્ણની એ મૂર્તિ? એ લેજીમ? પેલો ચરખો ક્યાં છૂટી ગયો? આ ક્યાં આવી પહોંચ્યા આપણે? અહીં તો કોઈ આપણું નથી. આ અજાણ્યો દેશ, અહીં ઘૃણાનું રાજ્ય છે. અહીં સવારે સૂરજ ગાળોથી ઊગે છે અને ખૂનખરાબીમાં અસ્ત થાય છે. સીતાનું હૃદય ફફડી ઊઠ્યું. આવો વનવાસ? અને એય ફક્ત ચૌદ વરસનો નહીં. જીવનભરનો? એનો ક્યાંય અંત નથી. ક્યાંય છેડો નથી, શું થશે, બાળકોનું શું થશે? પોતાનું શું થશે? કેવી રીતે વીતશે આ પહાડ જેવી જિંદગી? કોને ભરોસે? પણ ના! હિંમત હારવી ન પાલવે. એમ જિંદગી ન ચાલે. વનવાસ તો ભોગવ્યે જ છૂટકો. પછી એ જન્મોજન્મનો હોય તોય શું? આ જ સતીધર્મ છે. એમાં મોક્ષ છે. આ જ દાદીમાની શિખામણ છે. બધું હસીને સહન કર્યે જવું. સતી સીતા, સાવિત્રી, અહલ્યાનાં દેણાં ચૂકવવાં છે. બાળકોને માણસો બનાવવાં છે. રાહત બધું કરશે. પતિને સમજાવશે. હિંમતની દોરી કચકચાવીને પકડી રાખવી પડશે હોં બહેન! અને રાહતે આંખ્યુંમાં બાઝેલાં ઝળઝળિયાં ગળી લીધાં. ના! હવે એ હિંમત નહીં હારે. એણે નિર્ધાર કર્યો છે. પતિએ એક કામ લીધું, મૂકી દીધું. વેપાર કર્યો, નુકશાન થયું એટલે હાથ ઝાટકીને ઊભો થઈ ગયો. નોકરીમાંથી પાણીચું અપાણું. પછી તો ઘરેણાંય ન બચ્ચાં, કપડાનુંય ઠેકાણું ન રહ્યું, ભૂખથી છોકરાઓનાં મોઢાં પડી ગયાં, આંખ્યું થીજી ગઈ. ના, ના હજીય હિંમત છે સતી સીતામાં! ભૂખના આ રાવણને એ વશ નહીં થાય. એ લડશે, જ્યાં સુધી એના જીવમાં જીવ છે. એ રડશે નહીં. કદાપી નહીં. પણ એક દિવસે જાણ્યું કે રાજા રામચંદ્ર સૂતી સીતાને મૂકીને નવા રાજ્યની શોધમાં કોણ જાણે ક્યાં નીકળી ગયા છે. ઠીક છે. પતિ એનું પાલનપોષણ ન કરી શક્યો, ન બચ્ચાંઓને ખવરાવી શક્યો, તો હવે રાહત કરશે. રાહત કમાશે, ખવડાવશે. દાદીમાના આશીર્વાદ જૂઠા ન પડે. દાદીમાની શિખામણ ભૂલી ન જવાય અને રાહતે નવેસરથી શરૂઆત કરી. એણે નોકરી શોધવા માંડી. અહીં-તહીં, આને કહ્યું, એનાથી કહેવડાવ્યું. અહીં દોડી, ત્યાં ભાગી. ના, ખેરાત નહીં હોં! મને કામ આપો, મોટા ખાનદાનની દીકરી છું. માગીને ન ખાઈ શકું. સારા ઘરની બાઈ છું. રાંધી શકું છું, બિરયાની, પુલાવ, રોગનજોશ, શાહી કબાબ. કપડાં સીવી જાણું છું, ફ્રૉક, જમ્પર, શલ્વાર-કમીઝ. ભરતકામ જાણું છું. ઝીક, કસબનું, રેશમી દોરાનું, કસીદા કામ પણ મને આવડે છે. કોઈ કામ હોય તો કહેવડાવજો બેન! પણ જમાના બદલાયા હતા, મૂલ્યો બદલાયાં હતાં, માન્યતાઓ પણ બદલાઈ ગઈ હતી. આ દેશમાં નવો દેશ છે, વિચારધારા નવીન છે. આદર્શ હવે વાસી થઈ ગયા છે. વિવિધતાનો યુગ છે. તમારે માટે, આદર્શનો ઢંઢેરો કૂટવાવાળાઓ માટે અમારે ત્યાં જગ્યા નથી. માફ કરો બાઈ તમે તમારે રસ્તે જાઓ. અમને ત્રાસ ન આપો. તો, તો શું જે દાદીમાએ આટલી મહેનતે શીખવ્યું, એ બધું કોડીની કિંમતનું હતું? એનું કાંઈ પણ મૂલ્ય નહીં હોય? કે રાહતે એ શીખવામાં ક્યાંક ભૂલ કરી છે? ક્યાં થઈ ભૂલ? અને કોની? અને કેમ કરતાં? પણ હવે વિચાર કરવાનો સમય નથી. બાળકોનાં મોઢાંમાં દાણા નાખવા છે. એમને માણસો બનાવવાં છે. જવાબદાર, સમજુ, ડાહ્યા માણસો, એવા માણસ, કે જે તકલીફથી હારીને નાસી ન છૂટે. જે લડે અને લડતાં લડતાં મરી જાય તોય શું? આજે મદરસામાં ઇન્ટરવ્યૂ છે. ઉસ્તાદની માટે જગ્યા ખાલી છે. ભારતમાં મેટ્રીક પાસ કરી છે? વાહ! સર્ટિફિકેટ છે? બહુત ખુબ. છોકરીઓને સીવણભરત શિખવાડવું પડશે. જરૂર પડે તો ડ્રીલ અને કવાયત પણ કરાવવી પડશે. કવાયત જાણો છે? સરસ! ઠીક છે. જગ્યા ખાલી છે. આજથી કામ શરૂ કરી દો. દાદીમા! હું જીતી ગઈ. મને કામ મળી ગયું. હવે કોઈ ડર નથી. આંખ્યું સામે પેલી શ્યામલ, સુંદર મૂર્તિ તરી ગઈ. આશીર્વાદ આપો કરશણ કે હું સફળ થાઉં. જાઓ! બહાર છોકરીઓ ઊભી છે. સૌથી પહેલાં પરચમને સલામી આપવી પડશે. પરચમ! ઝંડો…
ઝંડા ઊંચા રહે હમારા…
રાહત મનમાં મલકાઈ ઊઠી.
છાતી પર હથેળી મૂકી, માથું ઊંચકી, ઝંડાને આંખોમાં સમાવી કેટલીય વાર વંદન કર્યાં છે રાહતે! વ્યાયામશાળામાં, સાંજને સમયે, ગુરુજી શિખવાડતા…
વિજયી વિશ્વ તિરંગા પ્યારા
ઝંડા ઊંચા રહે હમારા!
લગભગ દોડતી રાહત બહાર નીકળી. નાનપણ સાંભરી આવ્યું. પગમાં જોર આવી ગયું. લાઠી, લેજીમ, ગુરુજી, વ્યાયામશાળા… છોકરીઓ કતારમાં ઊભી છે. આંખો અભિમાનથી ઊઠી છે. સલામીમાં હાથ કપાળે અડાડ્યા છે… રાહતે શરૂ કર્યું.
વિજયી વિશ્વ તિરંગા પ્યારા
પાક સર ઝમીન આસમાન…
છોકરીઓના અવાજમાં એનો સ્વર ખોવાઈ ગયો. આ શું? તિરંગો ક્યાં ગયો? વ્યાયામશાળા, ગુરુજી… ક્યાં છે? પાક સર ઝમીન… રાહતની આંખે અંધારાં છવાઈ ગયાં. એને લાગ્યું, કોઈએ એને અધ્ધર આકાશમાં ટાંગી દીધી છે. આધાર વગર-સહારા વગર. અને એવી જ રીતે એ લટકતી રહેશે, આખી જિંદગી…
(‘નવનીત સમર્પણ’ માર્ચ-૧૯૯૫)